(આઈ.આઈ.એમ. કોઝીકોડના નિયામક પ્રો.ડો.શ્રી દેવાશિષ ચેટર્જીએ લખનૌ, કોલકાતા અને હાર્વર્ડ બિઝનેસ સ્કુલમાં પોતાની સેવાઓ આપી છે. એમના ગ્રંથ ‘લાઈટ ધી ફાયર ઈન યોર હાર્ટ’ ના એક પ્રકરણના થોડા અંશનો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે – સં.)

નથી આ યુગ માહિતીજ્ઞાનનો,
છે આ યુગ સજાગતાની ખામીનો.

આ વિશ્વમાં આપણું એક અનોખું સ્થાન છે. એ સ્થાન આપણે આપણી ભીતર જ શોધવાનું છે, એ માટે ક્યાંય બહાર જવાની જરૂર નથી. એક પ્રખ્યાત લેટિન અમેરિકન કવિએ કહ્યું છે :

શાંત શાંત!
વનો જાણે છે કે તું ક્યાં છે!
તને જ એ ભલે શોધે.

આપણા પ્રાચીન ઋષિઓએ પણ આવું જ કર્યું છે. સત્યની શોધ માટે તેઓ સમગ્ર વિશ્વમાં અહીંતહીં દોડતા રહ્યા ન હતા. પોતાની ભીતરના હૃદયની ગહનતામાં જ એમણે એ શોધી કાઢ્યું. ૨૧મી સદીમાં બહુ ઓછા લોકો જ આવાં જંગલોમાં રહે છે. આમ છતાં પણ આપણે જાણે કે જ્ઞાનમાહિતીના વનમાં અટવાતા રહીએ છીએ. જો આપણે જ્ઞાનમાહિતીના વેરાન વનમાં ખોવાઈ ગયા હોઈએ તો એમાંથી બહાર નીકળવાનો રસ્તો છે – શાંત ચિંતનશીલ મનની ગહન ગહરાઈમાં ડૂબી જવું. કોઈ પણ ખોવાઈ ગયેલી વસ્તુને શોધવા ખંડમાં આમતેમ રખડવાને બદલે એક ખૂણે બેસીને શાંત બનીને મનના ઊંડાણમાં શોધવી વધુ સારી છે.

જ્ઞાનમાહિતી આપણી એકાગ્રતાને ખેંચ્યે રાખે છે. એટલે જ માહિતીજ્ઞાનનું પ્રાચૂર્ય સચેતતાને ડામે છે.

સચેતતાના અભાવની એક સાચી વાત તમને કહું છું. હું કેમ્બ્રિજના હાર્વર્ડ સ્ક્વેરમાં બીજા યાત્રીઓ સાથે બસની રાહ જોતો ઊભો હતો. મારા પછી જ હાર્વર્ડ યુનિવર્સિટીનો એક યુવાન વિદ્યાર્થી ઊભો હતો. તેના હાથમાં બસનું સમયપત્રક હતું. અવારનવાર બસ ક્યારે આવશે એ સમયપત્રકમાં જોતો હતો. સમય પ્રમાણે બસ તો આવી જ ગઈ, પરંતુ આટલા સમયગાળામાં અશાંત-અસ્થિર મને એણે એ સમયપત્રકમાં ઓછામાં ઓછી ૨૦ થી ૨૫ વાર નજર નાખી લીધી.

આ જ વિદ્યાર્થી મને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં મળ્યો. મેં એમને પૂછ્યું: ‘બસ પકડતી વખતે તમે આટલા બધા અધીર કેમ હતા?’ તેણે કહ્યું: ‘ભાઈ, હું શું કરું? ઊભા ઊભા થાકી ગયો હતો.’ એટલે મેં પૂછ્યું: ‘જો તમે બે-પાંચ મિનિટ માટે પણ તમારા ભીતરના અસ્તિત્વ સાથે તાલમેલ સાધીને સ્થિર ન થઈ શકો તો તમે ભવિષ્યમાં કેવા માણસ થશો, એની કલ્પના કરી જુઓ.’ આ સાંભળીને એ યુવાન વિચારતો થઈ ગયો.

આ વાર્તાના યુવાન જેવી અવસ્થા આપણામાંના ઘણા યુવાનોની હશે. માહિતીજ્ઞાનના વિસ્ફોટને લીધે આપણી યુવાપેઢીમાં ઘણું મોટું તાણ જોવા મળે છે. આપણે આ માહિતીના બોજાને વધુ પ્રમાણમાં સહી શકીએ તેમ નથી. એને લીધે આપણે સજાગતાને ગુમાવતા જઈએ છીએ. એક ગૃહિણી પણ પોતાની રોજિંદી કામગીરીની વચ્ચે પણ કલાકોના કલાકો સુધી ટીવીની ચેનલો વારાફરતી ફેરવતી રહે છે. એ તો ચેનલો ખાલી ખાલી જોતી રહે છે. એમાંથી વિશેષ સાંપડતું નથી. હા, સમય ચાલ્યો જાય છે. આવી સ્ત્રી પણ આપણા ઘડીયે ઘડીયે સમયપત્રક અને ઘડિયાળમાં નજર નાખતા પેલા યુવાન જેવી જ છે. પોતાની સજાગતાની ઊણપને લીધે તે પોતાની ભીતરની દુષ્ચિંતાઓને થોડા સમય માટે પાછી ધકેલવા ઇચ્છે છે.

આ જાગૃતિભરી સચેતતાનો અભાવ સર્વત્ર જોવા મળે છે. પછી એ ઘરનો દીવાનખંડ હોય કે બજાર હોય. આજના વ્યાપારી ઉપભોક્તાવાદને કારણે નવાં નવાં ઉત્પાદનો બજારમાં રોજેરોજ ખડકાય છે અને પાછા અદૃશ્યયે થઈ જાય છે. ટોકિયોની ઈલેક્ટ્રોનિક્સ માર્કેટમાં કોઈ પણ ડિઝિટલ સાધન ત્રણ મહિનાથી વધારે ગ્રાહકોનું ધ્યાન આકર્ષી શકતું નથી. કેલિફોર્નિયાનું ડિઝની કોર્પોરેશન તો દર પાંચ મિનિટે એક નવું ઉત્પાદન બજારમાં મૂકી દે છે. કંપનીના મુખ્ય અધિકારીઓની નોકરીઓનું આયુષ્ય પણ માંડ માંડ અરધું રહ્યું છે. 

આવી વાત માત્ર મોટી કંપનીઓમાં જ છે એવું નથી, પણ ઘરમાંયે આવું બધું જોવા મળે છે. પશ્ચિમમાં તો દરેક બે લગ્નમાંથી એક લગ્ન નિષ્ફળ જાય છે. પતિપત્ની વધુ સમય સહજીવન જીવી શકતાં નથી. સૌથી વધારે દુ:ખ અને આશ્ચર્યની વાત તો એ છે કે આપણે આપણી જાત સાથે થોડા સમય માટે પણ તાલમેલ સાધી શકતા નથી. જરા કલ્પના તો કરો, આપણો દેહ અને આપણો આત્મા બે સજ્જન પાડોશીઓની જેમ રહે છે. તે બંને એકબીજાની સાવ નજીકમાં જ રહે છે પણ એકબીજાને મળતાં જ નથી! એ બંનેને મળવાનો સમય જ ક્યાં રહે છે!

આપણે આપણી ગાડીનું સમારકામ કરવા સમય કાઢી શકીએ પણ પોતાના ભીતરી જગત સાથેનો નાતો નિભાવવા સમય કાઢી શકતા નથી. આ એક આપઘાત જ છે. આર્થિક ઉપાર્જન અને કારકિર્દી ઘડવાની ઘડભાંજમાં એટલા બધા અટવાઈ ગયા છીએ કે આપણે આપણા મૂળ જીવનને એટલે કે જીવનના મૂળ ઉદ્દેશને જ ભૂલી ગયા છીએ. આવું બધું બને છે કેમ?

મારી દૃષ્ટિએ તો આ બધું મારા નાના અહંને સંતોષવાના પ્રયાસોમાંથી જ ઉદ્‌ભવે છે. આ અહં જ આપણાં ધ્યાન અને સચેતતાને હરી લે છે. આપણે મોટામાં મોટી ગાડી ઝંખતા રહીએ છીએ અને એ પણ શરીરને સમાવવા માટે નહિ પણ આપણા વધતા જતા અહંને સંતોષવા માટે જ.

આપણી જ્ઞાનેન્દ્રિયો આપણને બાહ્ય દુનિયાનું સતત દર્શન કરાવે છે. આંખ, કાન, નાક, જીભ વગેરે દ્વારા જાણે કે આપણે પેલી સ્ત્રીની જેમ આ વિશ્વની ચેનલો ફેરવતા રહીએ છીએ. એના દ્વારા આપણે પળે પળે બહિર્મુખ અને બહિર્મુખ જ થતા રહીએ છીએ. જો આપણે અંતર્મુખી નહિ બનીએ તો આ બહિર્મુખી પ્રવૃત્તિઓ આપણી બધી ઊર્જાઓને ખતમ કરી નાખશે અને આપણું મન અસ્થિર, અધીર, અશાંત બની જશે.

અતિ સંવેદનાના આ વિશ્વમાં આપણું મન અતિ ચંચળ અને ત્વરિત ગતિથી ચાલતું બની જાય છે. આવું અતિગતિવાળું મન ચિંતાગ્રસ્ત અને રોગી છે. ચંચળ બનીને દોડતું મન ક્યારેય ચિંતાવિહોણું સ્વસ્થ ન બની શકે. એની દશા એક હડકાયાં કૂતરા જેવી છે, તે આજુબાજુની સંવેદનાઓ પાછળ વિવેકભાન ભૂલીને ભમ્યે રાખે છે. આ અસ્થિર મન ચિંતન-મનનને વિસારે પાડી દે છે. તે તો સંવેદનાઓને જ પ્રતિભાવ આપે છે એટલે કે હડકાયાં કૂતરાની જેમ ભસ્યા કરે છે. તે ગહન વિચાર કરી ન શકે. જેમ આરામ લીધેલ શરીર તરોતાજાં બની જાય તેમ શાંત અને સ્થિર મન ગહન ચિંતન મનન કરી શકે.

આવું શાંત અને ચિંતન મનન કરતું મન એ જ પૂર્ણ મન છે. તે અંતર્મુખી મન છે. એ માત્ર ગહન ધ્યાન અને વિચારમાં જ લીન રહેતું નથી પણ તે કર્મમાં સંનિષ્ઠ સક્ષમતા ઊભી કરી શકે છે. વાવાઝોડાના કેન્દ્રમાં હવાનો શૂન્યાવકાસ સર્જાય છે. અને એમાંથી જ વાવાઝોડું ફૂટી નીકળે છે એટલે કે એને શક્તિ અને ગતિ મળે છે. સતત ફરતા પંખાનું કેન્દ્ર પણ આપણને સ્થિર દેખાય છે. જે મન પોતાની ગતિને સંયમનિયમમાં રાખીને સ્થિર રાખવાનો પ્રયત્ન કરે છે એ જ ખરેખર ક્ષમતાવાળું મન છે. એ માટે આપણે અવારનવાર આપણા મનને સમયે સમયે વિષયોના સંવેદનોમાંથી વિમુક્ત કરતા રહેવું જોઈએ. જેમ કાચબો પોતાનાં અંગોને પોતાની ઢાલ નીચે લઈ જાય છે અને સંરક્ષે છે તેવી જ રીતે આપણા મનને અવારનવાર અંતર્મુખી બનાવીને એના શાંત, સ્થિર, ધીર કેન્દ્રમાં વિરામ આપવો જોઈએ.

મહાત્મા ગાંધીજીના આ શબ્દો આપણે હંમેશાં યાદ રાખવા જોઈએ: ‘પહેલાં તો હું મારું પરિવર્તન કરીશ અને પછી દુનિયામાં એ જ પરિવર્તનની હું ઝંખના કરીશ.’ જો આપણે વિશ્વમાં શાંતિ ઇચ્છતા હોઈએ તો આપણે મનને સ્થિર, ધીર અને શાંત કરતાં શીખવું જોઈએ. જે થોડા મહાન વ્યક્તિઓમાં પોતાની ભીતરની મહાનતાની સાથે તાલમેલ સાધવાની ક્ષમતા હતી કે છે એવા જ લોકો આ જગતને પૂરેપૂરું બદલી શકે.

Total Views: 155

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.