મહેન્દ્ર ગુપ્ત સવારમાં ખૂબ વહેલા આવી ગયા. તેમણે ઝીણવટપૂર્વક ઠાકુરના ખંડમાં નજર ફેંકી; ઠાકુર કદાચ, નામ સ્મરણ કરતા હતા. નરેન્દ્ર પણ આંખ બંધ કરી એક તરફ બેઠો હતો. મહેન્દ્ર ઠાકુરને પ્રણામ કર્યા. નરેન્દ્રને બહાર આવવા સંકેત કર્યો.
નરેન્દ્ર આંખો ઉઘાડી. એ ધ્યાનસ્થ- નહોતો. આંખો બંધ કરી કશુંક વિચારતો હતો. તેણે મહેન્દ્રને જોયો. બહાર આવ્યો.
‘શું થયું છે, માસ્તર મહાશય! કાંઈક ચિંતામાં લાગો છો.’ નરેન્દ્રે કહ્યું.
‘હા વાત ચિંતા થાય એવી જ છે’ મહેન્દ્ર ગુપ્તે કહ્યું ‘કાલે વિદ્યાસાગર મહાશયને મળ્યો હતો… નિશાળમાંથી તમારી રજાના સંદર્ભમાં…’
તો
તેમણે પૂછ્યું… ‘રજા કેટલા દિવસની જોઈએ’
‘મેં લખીને તો મોકલ્યું છે. અનિશ્ચિત સમય માટે. ઠાકુર સાજા ન થાય ત્યાં સુધી. કેટલા દિવસ માટે એની ગણતરી કઈ રીતે કરવી?’ નરેન્દ્રે કહ્યું.
મહેન્દ્રે કહ્યું, ‘મેં પણ એમને એ જ કહ્યું હતું.’
‘તેમણે શું કહ્યું?’
‘તેમણે કહ્યું કે નરેન્દ્ર ખૂબ મહાન કાર્ય કરે છે. ઠાકુરની સેવા અત્યંત આવશ્યક છે, પણ શિક્ષક માટે વિદ્યાલય એ જ એનું મંદિર. શિક્ષણ આપવું તે જ એની ઉપાસના. પોતાના વિદ્યાર્થીઓના વિકાસ માટેનો સતત પ્રયત્ન એ જ એનો ધર્મ.’ મહેન્દ્ર ગુમે જણાવ્યું. તેમણે કહ્યું કે ઠાકુર ક્યારે રોગમુક્ત બને તે કહી શકાય નહિ અને પોતે વિદ્યાર્થીઓમાં શિક્ષણ માટે અનિશ્ચિત સમય સુધી ઉદાસીન રહી શકે નહિ. ‘નરેન્દ્ર વિદ્યાર્થીઓની સેવા પહેલાં કરવી જોઈએ, ઠાકુરની પણ.’
નરેન્દ્રે સહજ ભાવથી કહ્યું, ‘આપ જાણો છો કે હું તેમ નહિ કરી શકું!’
મહેન્દ્ર ગુપ્તે જણાવ્યું: ‘મેં પણ તેમને આમ જ કહ્યું હતું. તો એમણે કહ્યું કે હું નરેન્દ્રને આવી રજા ન આપી શકું, તેમણે રાજીનામું આપી દેવું જોઈએ.’
નરેન્દ્રે અત્યંત શાંતિથી કહ્યું, ‘આજે રાજીનામું લેતા જાઓ. મારે આવી નોકરી નથી કરવી.’
‘આ બાબતમાં વિદ્યાસાગર મહાશય સાથે વાત તો કરો.’
સહેજ પણ અસ્વસ્થ થયા વિના નરેન્દ્રે કહ્યું, ‘એમાં વાત શું કરે? અનુનય-વિનય શા માટે કરવા? વિદ્યાસાગરની વાત વાજબી છે. પોતાના વિદ્યાર્થીઓના વિકાસ તરફ એમનું લક્ષ્ય છે; મારું લક્ષ્ય ગુરુ-સેવા છે. સહેજ અટકીને કહ્યું: ‘તે પોતાના ધર્મનું પાલન કરે, હું મારા ધર્મનું પાલન કરું.’
‘પણ તમારા પરિવારનું શું?’ મહેન્દ્ર ગુપ્તના સ્વરમાં ચિંતા હતી.
‘મારા સંસારનું ધ્યાન રાખું કે મારા ઈશ્વરનું!’ નરેન્દ્ર હસ્યો: ‘મારા મનમાં કોઈ દ્વિધા નથી માસ્તર સાહેબ! આપ મારું રાજીનામું લઈ જાઓ… મને ઘણા સમયથી ખ્યાલ છે કે મારો જન્મ નોકરી કરવા કે ચાંપાતલાના મેટ્રોપોલિટન ઈન્સ્ટિટ્યુશનના વિદ્યાર્થીઓને ભણાવવા નથી થયો.’
આ વખતે શશી દોડતો-દોડતો આવ્યો ‘નરેન! નરેન! તું સવારનો અહીં જ છો તે મેં સાંભળ્યું છે. રાતે પણ અહીં જ હતો. મને કેમ જણાવ્યું નહિ!’
‘શું ન જણાવ્યું?’ નરેન્દ્ર હસ્યો.
‘મારે એ કહેવાનું છે કે’ શશી થોડું અટક્યો, ‘હું પણ ઠાકુરની સેવા માટે અહીં રહેવા ઇચ્છું છું.’
‘તારા માતા-પિતા સંમત થશે?’ નરેન્દ્રે પૂછ્યું.
શશી પ્રહાર કરતો હોય તેમ બોલ્યો: ‘તું તારી માતાની અનુમતિથી અહીં રહે છે?’
નરેન્દ્રે હસીને કહ્યું: ‘તને તો ખબર છે, હું આરંભથી જ અત્યંત સ્વતંત્ર છું. હું તો ક્યારેય પરંપરા પ્રમાણેનો આદર્શપુત્ર છું જ નહિ. મારી જીવનપદ્ધતિ માટે હું તેમની અનુમતિ પર નિર્ભર રહ્યો નથી, કે નથી મેં તેમની આજ્ઞાઓનું પાલન કર્યું.’
શશીએ કહ્યું: ‘એ તો ઠીક, પણ ઠાકુરની સેવા કરવી એ મારો પણ ધર્મ છે.’ નરેન્દ્રે જવાબ દીધો: ‘એ તો છે જ. પણ, ઠાકુરનો ધર્મ અને આપણા માતા-પિતાનો ધર્મ આત્મ-વિરોધી છે એવો ખ્યાલ તને નથી આવ્યો? માતા-પિતા આપણને બાંધી રાખીને માયાની ગોદમાં રાખવા માગે છે ને ઠાકુર આપણાં બધાં બંધનો કાપી આપણને ઈશ્વરના ચરણોમાં પહોંચાડવા માગે છે!’
થોડો સમય શશી નરેન્દ્ર તરફ જોઈ રહ્યો, પછી બોલ્યો: ‘નરેન! ક્યારેક તો આપણે એક જ માર્ગ ૫૨ જવું પડશે ને! બે નૌકામાં પગ રાખી આપણે ક્યાંય નહિ પહોંચી શકીએ.’
‘તો?’
‘હું અહીં જ, તમારી સાથે રહી ઠાકુરની સેવા કરીશ.’ શશીનો સ્વર દૃઢ હતો.
‘જમવા ઘરે જઈશ તો માતા-પિતા સમજાવશે, પ્રલોભન આપશે, ઠપકો આપશે, સંભવ છે કે મારશે પણ, કે બાંધીને ઘરમાં પૂરી દેશે.’
નરેન્દ્રે કહ્યું; ‘ને તું તો પાછો કાકા-કાકી સાથે રહે છે. તારે લીધે એ પરેશાન થશે.’
‘હું જમવા જ ઘરે નહિ જાઉં!’
‘સૂવા તો જઈશ ને?’
‘ના. સૂવા પણ નહિ જાઉં.’ શશીએ કહ્યું, ‘અહીં રહીશ, અહીં સૂઈશ, અહીં ખાઈશ… તારી સાથે.’
નરેન્દ્ર તેની પરીક્ષા કરતો હોય તેમ તેની સામે જોયું. કહ્યું ‘વિચારી લે! એવું તો નહિ થાય ને કે અહીં તમને કાંઈ કામ સોંપવામાં આવ્યું હોય ને શશી મહારાજ તો ઘરેથી નીકળી જ શકતા ન હોય!’
‘ના એમ નહિ થાય’, શશીએ કહ્યું. ‘બોલો મને કઈ જવાબદારી સોંપો છો?’
નરેન્દ્ર: ‘ઠાકુરની સેવા. બે કલાક દિવસે, બે કલાક રાતે અને બીજું જરૂરી જણાય તે કામ.’
‘ઠીક છે.’
‘જાઓ, ઠાકુર પાસે.’
ત્યાં પાછળથી કોઈએ બૂમ મારી: ‘નરેન દા! નરેન દા!’
નરેન્દ્રે ફરીને જોયું. નાનો ગોપાલ દોડતો-દોડતો આવતો હતો.
એ કાંઈ કહે તે પહેલાં નરેન્દ્ર બોલી ઊઠ્યો: ‘લ્યો આ એક બીજો ગુરુ-ભક્ત સ્વયં સેવક હાજર થઈ ગયો. હવે એ પણ અહીં રહેવા ઝગડો કરશે.’
ભાષાંતર: શ્રી તખ્તસિંહ પરમાર
(સ્વામી વિવેકાનંદના જીવન પર આધારિત નરેન્દ્ર કોહલી લિખિત નવલકથા ‘તોડો કારાગૃહ તોડો’નો એક અંશ)
(‘સત્યાગ્રહ મીમાંસા’, જુલાઈ, ૧૯૯૩માંથી)
Your Content Goes Here




