‘દરોગાજી, આપ અહીં સ્ટેશને! શું કોઈ મોટા ખાસ મહેમાન આવવાના છે?’ પોરબંદરના સ્ટેશન માસ્તરે રણછોડજી દરોગાને રેલ્વે સ્ટેશને આવેલા જોઈને પૂછ્યું. ‘ખાસ એવાં મહેમાન તો કોઈ નથી. પણ આપણા દીવાનજીને ત્યાં એક બંગાળી સાધુ જુનાગઢથી આવી રહ્યા છે, એમને દીવાનજીને ત્યાં પહોંચાડવાના છે.’
‘તો તો હવે ગાડી આવી જ રહી છે. જાઓ ને સાધુને લઈ આવો.’ દરોગાજી પ્લેટફોર્મ પર ગયા. ગાડીમાંથી ઊતરી રહેલાં મુસાફરોમાં ભગવાં વસ્ત્રધારી સાધુ અલગ જ તરી આવતા હતા. એટલે તુરત જ તેમની પાસે જઈ નમસ્કાર કરી પોતાનો પરિચય આપ્યો ને કહ્યું: ‘આપે મારી સાથે દીવાનજીને ત્યાં આવવાનું છે.’ દરોગાજી સ્વામીજીને દીવાનના ઘરે મૂકીને ચાલ્યા ગયા. સ્વામીજી અંદર ગયા ને પૂછ્યું તો ખબર પડી કે દીવાન બહાર ગયા છે. હવે સ્વામીજી તો કોઈનેય ઓળખતા ન હતા, એમણે દીવાનને પણ જોયા ન હતા. માત્ર જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈએ એમને થોડો પરિચય આપ્યો હતો. આથી સ્વામીજી દાદરા પાસે નીચે જ એમની રાહ જોતા બેસી રહ્યા. દીવાન શંકર પાંડુરંગ પંડિત જ્યારે ફરીને આવ્યા ત્યારે આ યુવાન બંગાળી સાધુને આ રીતે પોતાની પ્રતીક્ષા કરી રહેલા જોઈને ભાવવિભોર થઈ ગયા. તેઓ તેમની પાસે ગયા. નમસ્કાર કરી સ્વાગત કર્યું અને સ્વામીજીનો હાથ પકડીને તેમને ઉપર પોતાના નિવાસમાં લઈ ગયા. આમ તો તેમણે સ્વામીજીની રહેવાની વ્યવસ્થા, તેમજ ભક્તોની વ્યવસ્થા પણ બાજુમાં આવેલ શિવમંદિરમાં કરી હતી. આ તો સ્વામીજી સાથે થોડો સત્સંગ કરવા માટે તેઓ તેમને પોતાના દીવાનખાનામાં લઈ આવ્યા હતા. સ્વામીજી સાથેની થોડી વાતચીતમાં જ બાહોશ દીવાન જાણી ગયા કે આ કોઈ સામાન્ય સાધુ નથી. આ તો ભાગ્યે જ જોવા મળે એવા યોગી સંન્યાસી છે. એમના આગમનથી તો આ ઘર પવિત્ર બની ગયું છે. હવે તો તેઓને અહીં જ રાખવા છે. આવું મનમાં વિચારી લીધું, અને પોતાના ઘરે જ સ્વામીજીના ભોજનની વ્યવસ્થા કરવાનું કહી દીધું. પોતાના દીવાનખાનાની બાજુનો ઓરડો સ્વામીજીને માટે ફાળવી દીધો. શિવમંદિરમાં તો બધા રાહ જોઈ રહ્યા હતા, ત્યાં દીવાનનો માણસ કહી ગયો કે ‘સ્વામી માટે બનાવેલું ભોજન બ્રાહ્મણોને આપી દો. સ્વામી તો દીવાનના ઘરે જ રહેશે ને ત્યાં જ જમશે.’ પછી તો શંકર પાંડુરંગે જ્યારે જાણ્યું કે એમના મહાન ગુરુ રામકૃષ્ણ પરમહંસના દેહવિલય પછી સમગ્ર ભારતનું પરિભ્રમણ કરવા નીકળેલા આ અકિંચન સાધુ તો ગ્રેજ્યુએટ છે. વકીલાતનું પણ ભણ્યા છે. અસ્ખલિત અંગ્રેજી બોલી શકે છે. સંસ્કૃત ઉપર પણ એમનું પ્રભુત્વ છે. શાસ્ત્રોનું એમનું ગહન અધ્યયન જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે સ્વામીજીને પોતાનું અંગત પુસ્તકાલય બતાવ્યું. સ્વામીજી પણ આ પુસ્તકાલય જોઈને ખૂબ પ્રભાવિત થયા. શંકર પાંડુરંગે એમને પોતાને ત્યાં રોકાઈ જવા ખૂબ આગ્રહ કર્યો. પરંતુ તે સમયે તો તેઓ ફક્ત બે જ દિવસ રોકાઈ શક્યા. પરંતુ દીવાનના પ્રેમાગ્રહને લઈને તેમણે કહ્યું: ‘પાછો આવીશ ત્યારે વધારે રોકાઈશ.’ ૧૮૯૧ના અંતમાં કે ૧૮૯૨ના આરંભમાં આવું જ કંઈક ઘટનાદૃશ્ય સ્વામીજીની પોરબંદરની પ્રથમ મુલાકાત વખતે રચાયું હશે. એક મત પ્રમાણે તેઓ જ્યારે ફરી વખત આવ્યા ત્યારે સળંગ ચાર મહિના રોકાયા.
શંકર પાંડુરંગ તો બહુશ્રુત વિદ્વાન હતા. સ્વામી વિવેકાનંદની પ્રખર બુદ્ધિમત્તા અને હિંદુધર્મગ્રંથોની ઊંડી સમજ જોઈને તેઓ તેમની સાથે જ્ઞાનચર્ચા કરવા લાગ્યા. સ્વામીજીને પણ આવા વિદ્વાન અને વિચક્ષણ દીવાન સાથે વાર્તાલાપ કરવામાં ખૂબ આનંદ આવતો હતો. તે સમયે શંકર પાંડુરંગ વેદોનો અનુવાદ કરી રહ્યા હતા, તેમાં સ્વામીજીએ તેમને મદદ કરી. ઉપરાંત તેઓ પોતે પણ પાણિનિના વ્યાકરણનો અભ્યાસ કરી રહ્યા હતા, તે તેમણે પોરબંદરના વસવાટ દરમિયાન પૂરો કર્યો. જેમ જેમ પાંડુરંગજી સ્વામી વિવેકાનંદના ગાઢ સંપર્કમાં આવતા ગયા તેમ તેમ તેઓ તેમના વિદ્વત્તાપૂર્ણ છતાં વિનમ્ર, જ્ઞાની છતાં સંવેદનશીલ, અનાસક્ત સંન્યાસી છતાં પ્રખર દેશભક્ત અને સમગ્ર માનવજાતના ચાહક એવા આ યુવાન પરિવ્રાજક સાધુના વિલક્ષણ વ્યક્તિત્વથી અત્યંત પ્રભાવિત થયા અને તેમને જણાયું કે આ તો મહાન વિભૂતિ છે. અહીં દેશવાસીઓ એમની પ્રતિભાને પૂરેપૂરી ઓળખી નહિ શકે, આથી એકદિવસ વાતચીત દરમિયાન એમણે કહ્યું: ‘સ્વામીજી, અહીં તમે કંઈ વિશેષ કરી શકો એવું મને જણાતું નથી. અહીંના લોકો તમને ઓળખી નહિ શકે, તમારી કદર નહિ કરી શકે. તમે પશ્ચિમમાં જાઓ, ત્યાં વાવાઝોડાની જેમ તમે પશ્ચિમને વશ કરી શકશો. ત્યાંની સંસ્કૃતિ ઉપર તમે પ્રબળ અસર કરી શકશો. પછી જુઓ, સમગ્ર ભારત તમારાં ચરણોમાં આળોટશે.’ દીવાનજીની આ સલાહ સ્વામી વિવેકાનંદને પણ સાચી જણાઈ. આગળ દીવાને કહ્યું: ‘તમારે પશ્ચિમમાં જવું હોય તો તમે ફ્રેંચ ભાષા શીખી લો. ત્યાં તમને બહુ જ ઉપયોગી થશે.’ એ સલાહને સ્વીકારીને સ્વામીજી ફ્રેંચ ભાષા પણ શીખ્યા, એટલું જ નહિ પણ એમણે કોલકાતામાં રહેતા પોતાના ગુરુભાઈઓને ફ્રેંચ ભાષામાં પત્ર લખીને આશ્ચર્યચકિત કરી દીધા હતા!
એક મત પ્રમાણે સ્વામી વિવેકાનંદે પોરબંદરમાં આશરે ગાળેલા ચાર મહિના એમના ભાવિ જીવનકાર્યના ઉદ્ઘાટક બની રહ્યા. દીવાનજીની વિદેશ જવાની સલાહે તેમને ઊંડા વિચારમાં મૂકી દીધા. હવે તેમને એ જણાવા લાગ્યું કે તેમના ગુરુદેવે જે કહ્યું હતું કે નરેનમાં સમગ્ર વિશ્વમાં ક્રાંતિ લાવવાની શક્તિ રહેલી છે, એ વાત હવે જાણે સાચી પડી રહી છે. એમને હવે પોતાની અંદર શક્તિનો અનુભવ થવા લાગ્યો હતો. એમને એવું પ્રતીત થઈ રહ્યું હતું કે જાણે ભારતના આધ્યાત્મિક નવજાગરણનો સમય હવે પાકી ગયો છે અને ભારતની આધ્યાત્મિકતા જ સમગ્ર વિશ્વને ઉગારવાની, તેને પ્રકાશ પ્રત્યે લઈ જવાની ક્ષમતા ધરાવે છે. એ આધ્યાત્મિકતાનો પરિચય પશ્ચિમના દેશોને થવો જ જોઈએ. એ માટે પણ એમણે વિદેશોમાં જવું જોઈએ. આમ તેમને હવે અંતરમાં સ્પષ્ટપણે જણાઈ રહ્યું હતું. દરમિયાનમાં શિકાગોમાં ભરાનારી વિશ્વધર્મ પરિષદની માહિતી પણ દીવાનજીએ તેમને આપી. આમ પોરબંદરે જ અજ્ઞાત પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહેલા યુવાન સાધુને હિંદુધર્મ અને સંસ્કૃતિના જ્યોતિર્ધર એવા સ્વામી વિવેકાનંદ રૂપે વૈશ્વિક ફલક ઉપર પ્રતિષ્ઠિત થવા માટેની દિશા ખોલી આપી!
પછી તો શિકાગોની ધર્મપરિષદમાં પોતાની પ્રબળ આત્મશક્તિ, ગહનજ્ઞાન અને ઓજસ્વી વાણીના પ્રભાવથી સ્વામી વિવેકાનંદે વિશ્વભરના ધર્મના પ્રતિનિધિઓને જ નહિ, પણ સમગ્ર અમેરિકાના પ્રબુદ્ધ લોકોને મંત્રમુગ્ધ કરીને ભારતનાં મહાન ધર્મ અને સંસ્કૃતિનો સાચો પરિચય કરાવ્યો, પરંતુ પોતાના પરમમિત્રની આ ભવ્ય સિદ્ધિઓને શંકર પાંડુરંગજી પૂરી જોઈ શક્યા નહિ. ઈ.સ. ૧૮૯૪માં મુંબઈમાં એમનું અકાળે અવસાન થયું. પરંતુ સ્વામી વિવેકાનંદને એમના જીવનકાર્યની દિશામાં પ્રેરવાના મહાન કાર્યના યશભાગી તો તેમને જરૂર ગણાવી શકાય.
શંકર પાંડુરંગજીએ જેમ કહ્યું હતું તેમ જ થયું. વિદેશથી પાછા ફરેલા સ્વામી વિવેકાનંદનાં ચરણોમાં સમગ્ર ભારત પ્રણિપાત કરી રહ્યું. ત્યાંથી આવ્યા બાદ સ્વામી વિવેકાનંદે ભારતના આધ્યાત્મિક ઉત્થાન માટે પોતાના ગુરુએ આપેલો મહામંત્ર શિવજ્ઞાને જીવસેવાને ચરિતાર્થ કરવા માટે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની વિધિવત્ સ્થાપના કરી. ગુરુદેવે સોંપેલા મહાન કાર્યના પાયાને મજબૂત કરી, ગુરુભાઈઓના હાથમાં સઘળો કાર્યભાર સોંપીને ૧૯૦૨ની ચોથી જુલાઈના રોજ મહાસમાધિ પ્રાપ્ત કરી ઐહિકલીલા પૂર્ણ કરી. પરંતુ સમગ્ર વૈશ્વિક ફલક ઉપર એમણે આરંભેલુ કાર્ય વધુ ને વધુ પ્રમાણમાં વિસ્તરવા લાગ્યું. જાણે કે તેમનું ચૈતન્યમય સ્વરૂપ સમગ્ર વિશ્વની જડતા, તમસ અને અંધકારને હટાવીને વિશ્વને દિવ્યતા તરફ વેગથી લઈ જતું ન હોય!
પોરબંદરમાં સ્વામી વિવેકાનંદનું પુનરાગમન :
પોરબંદર તો સ્વામી વિવેકાનંદની ચેતના સાથે ગાઢ રીતે સંકળાયેલું સ્થળ છે. કોલકાતાને બાદ કરતાં તેઓ ભારતમાં કોઈ સ્થળે એક સાથે આટલા લાંબા સમયગાળા સુધી ક્યાંય રહ્યા નહી હોય. આથી પોરબંદર, સુદામાની જન્મભૂમિ અને વીસમી શતાબ્દીના મહામાનવ ગાંધીજીની જન્મભૂમિ હોવાનું ગૌરવ ધરાવે છે. તેમ વિશ્વવંદ્ય વિભૂતિ સ્વામી વિવેકાનંદની નિવાસભૂમિ હોવાનું પણ ગૌરવ ધરાવે છે. આથી પોરબંદરમાં સ્વામી વિવેકાનંદનું એક સ્મારક સ્થપાય એ માટેના પ્રયત્નો છેક ૧૯૨૪થી થતા આવ્યા હતા.
ઈ.સ. ૧૯૨૪માં અદ્વૈત આશ્રમ, માયાવતીના સ્વામી નિખિલાનંદજી દાન-સહાય માટે ગુજરાતમાં આવ્યા હતા. તેમણે કાઠિયાવાડના રાજવીઓનો સંપર્ક કર્યો અને તેમને શ્રીરામકૃષ્ણ ભાવધારાથી અવગત કર્યા. મોરબીના મહારાજા અને લીંબડીના ઠાકોર સાહેબે તેમને સન્માન આપી અનુદાન આપ્યું. ત્યાંથી તેઓ પોરબંદર આવ્યા. પોરબંદરના મહારાજા નટવરસિંહજીના મહેમાન તરીકે તેઓ એક સપ્તાહ સુધી રહ્યા. સ્વામી નિખિલાનંદજીનાં જ્ઞાન, વૈરાગ્ય અને ઉચ્ચબુદ્ધિ પ્રતિભાથી મહારાજા પ્રભાવિત થયા અને જ્યારે તેઓએ તેમની પાસેથી રામકૃષ્ણ મિશનની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણ્યું ત્યારે તેમણે પોરબંદરમાં રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવા તેમને આગ્રહ કર્યો અને કહ્યું: ‘જો આપ પોરબંદરમાં રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર સ્થાપો તો રાજ તરફી આપને સઘળી સહાય મળશે.’ આ રીતે છેક ૧૯૨૪માં પોરબંદરના મહારાણા પોરબંદરમાં રામકૃષ્ણ મિશનને લાવવા ઇચ્છતા હતા. મહારાણાએ માયાવતી આશ્રમ માટે તે સમયે રૂપિયા વીસ હજારનું અનુદાન આપ્યું હતું. તેમણે સ્વામી નિખિલાનંદજીને એક પત્ર પણ લખી આપ્યો હતો. ૨૦ ઓગસ્ટ, ૧૯૨૪ના રોજ લખેલા એ પત્રમાં તેમણે જણાવ્યું હતું :
‘સ્વામી નિખિલાનંદજી લગભગ એક અઠવાડિયું અમારી સાથે રહ્યા છે. તેમની કુશાગ્ર બુદ્ધિથી અમે પ્રભાવિત થયા છીએ. તેમના રામકૃષ્ણ મિશનનાં કાર્યોમાં અમને ઊંડો રસ જાગ્યો છે. તેમના સાંનિધ્યમાં અમને ખૂબ આનંદ આવ્યો. માનવતા માટે તેઓ જે કાર્ય કરી રહ્યા છે, તેમને અમે બિરદાવીએ છીએ અને તેમનાં કાર્યોમાં જ્વલંત સફળતા ઇચ્છીએ છીએ. આ કાર્યો માટે તેમને રૂ. ૨૦,૦૦૦ની રકમ સહાય રૂપે આપીએ છીએ.’
પોરબંદરના મહારાણાનો આગ્રહ હોવાથી ત્યાં રામકૃષ્ણ મિશનની સ્થાપનાની શક્યતાઓ તપાસવા માટે બેલુડ મઠથી સ્વામી માધવાનંદજી ઈ.સ. ૧૯૨૫માં પોરબંદર આવ્યા. પોરબંદરમાં થોડો સમય રોકાયા પછી તેમણે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભ્રમણ કર્યું ત્યારે તેમને જણાયું કે રાજકોટ એ સૌરાષ્ટ્રના કેન્દ્રમાં છે. જ્યારે પોરબંદર ઘણું દૂર પડી જાય છે. આથી જો રામકૃષ્ણ મિશનનું કેન્દ્ર રાજકોટમાં સ્થાપવામાં આવે તો સમગ્ર સૌરાષ્ટ્રના લોકોને મિશનની પ્રવૃત્તિઓનો લાભ મળી શકે. શ્રીરામકૃષ્ણના ઉપદેશોનો પ્રચાર અને પ્રસાર રાજકોટમાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાં સારી રીતે કરી શકાશે એ હેતુથી તેમણે પોરબંદરને બદલે રાજકોટમાં રામકૃષ્ણ મિશનના કેન્દ્રને સ્થાપવાની ભલામણ કરી. એ રીતે ૧૯૨૭માં રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ સ્થપાયું. એ પછી પોરબંદરમાં કેન્દ્ર સ્થાપવાની વાત ઊડી જ ગઈ!
૧૯૪૫માં સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રાજકોટ કેન્દ્રના અધ્યક્ષ તરીકે આવ્યા. પોરબંદરના બંગાળી ડૉક્ટર રોય અને તેમનો પરિવાર રામકૃષ્ણ ભાવધારાથી સંલગ્ન હતો. આથી સ્વામી ભૂતેશાનંદજી સાથે તેમને આત્મીય સંબંધ બંધાયો. સ્વામી ભૂતેશાનંદજી પોરબંદર આવતા ત્યારે ડૉ. રોયના ઘરે જ ઉતરતા. ત્યાં સત્સંગ પણ થતો. તે સમયે થોડા સાધકો અને ભક્તો પણ આવતા. પરંતુ સામુહિક રીતે કોઈ વ્યવસ્થિત પ્રવૃત્તિઓ થતી ન હતી. એવું કોઈ મંડળ પણ તે સમયે અસ્તિત્વમાં ન હતું. જે થોડા ભક્તો હતા, તેઓ પૂજા અને ઉત્સવોના દિવસોમાં રાજકોટ આશ્રમમાં જતા રહેતા.
૧૯૬૬માં સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રાજકોટ કેન્દ્રના અધ્યક્ષપદે આવ્યા. સ્વામી વિવેકાનંદ જ્યાં રહ્યા હતા, તે ભોજેશ્વર બંગલામાં સ્વામીજીનું સ્મારક રચાય એવી તેમની ઇચ્છા હતી. દરમિયાનમાં પોરબંદરના વકીલ શ્રી રાજાભાઈ લાદીવાલાએ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને ભોજેશ્વર બંગલાની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું. તેથી તેઓ રામકૃષ્ણ મઠના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજને લઈને પોરબંદર આવ્યા અને મહારાજા નટવરસિંહજીના મહેમાન બન્યા. તેઓ બંનેએ સ્વામી વિવેકાનંદ જ્યાં રહ્યા હતા તે શંકર પાંડુરંગના નિવાસસ્થાન કે જે ભોજેશ્વર બંગલાના નામથી પ્રસિદ્ધ હતું, ત્યાં જોવા ગયા. સ્વામી વિવેકાનંદને જેઓ કિશોર વયે મળ્યા હતા, તે રેવાશંકર શાસ્ત્રીને પણ તેઓ મળ્યા. તેમની પાસેથી સ્વામી વિવેકાનંદ સાથેની તેમની મુલાકાતની રસપ્રદ વાતો પણ સાંભળી. ત્યારબાદ બંનેને એવું લાગ્યું કે આ બંગલામાં સ્વામી વિવેકાનંદ ચાર મહિના રહ્યા હતા, તેની જાણકારી તો દરેકને થવી જ જોઈએ. આ માટે આ બંગલામાં આ અંગેની એક તકતી મૂકવાનું વિચાર્યું.
તે વખતે આ બંગલો ગુજરાત સરકારના પંચાયત ખાતા હસ્તક હતો અને પંચાયત ખાતાના ગેસ્ટ હાઉસ તરીકે એનો ઉપયોગ થતો હતો. આથી પંચાયત ખાતાની મંજૂરી લેવી પડે તેમ હતું. આ કાર્યમાં તે સમયના ગુજરાત સરકારના પંચાયત ખાતાના પ્રધાન શ્રી રતુભાઈ અદાણીએ ઘણી સહાય કરી અને મંજૂરી મેળવી આપી. આથી ૧૯૭૪ની પહેલી જુલાઈના રોજ ભોજેશ્વર બંગલામાં તકતી અને સ્વામી વિવેકાનંદ જે ઓરડામાં રહ્યા હતા, એ ઓરડામાં તેમની વિશાળ કદની એક છબિ મૂકવામાં આવી. આમ ૧૯૨૪માં પોરબંદરના મહારાજાએ રામકૃષ્ણ મિશનની સ્થાપનાની જે ઇચ્છા વ્યક્ત કરી હતી, એ દિશામાં પ્રથમ ચરણ મંડાયું.
તકતીમાં લખ્યું છે :
એક ઐતિહાસિક કથા :-
સને ૧૮૯૧-૯૨માં કોઈ સમય દરમિયાન પરમહંસ શ્રીરામકૃષ્ણદેવના પ્રત્યક્ષ પટ્ટશિષ્ય અને રામકૃષ્ણ મઠ અને મિશનના આદ્ય સંસ્થાપક સ્વામી વિવેકાનંદ આ મકાનના પહેલા ઓરડામાં, પોરબંદર રાજ્યના તે વખતના સુજ્ઞ દીવાન શંકર પાંડુરંગના અતિથિ તરીકે લાંબો સમય (કોઈ કોઈ યાદી અનુસાર ૧૧ મહિના) રહ્યા હતા.
અહીં ૧૧ મહિના રોકાયા હતા એવું લખ્યું છે. રામકૃષ્ણ મઠના ૧૧મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજે સ્વામી વિવેકાનંદ પરના પોતાના બંગાળી પુસ્તકમાં આવું લખ્યું હતું. પરંતુ હવે તો એ સાબિત થઈ ગયું છે કે સ્વામી વિવેકાનંદનો ગુજરાતનો પૂરો પ્રવાસ જ છ-સાત મહિનાનો હતો. શંકર પાંડુરંગના પુત્રી ક્ષમા રાવે સંસ્કૃતમાં શંકરજીવન-આખ્યાન લખ્યું છે, તેમાં તેમણે જણાવ્યું છે કે સ્વામી વિવેકાનંદ શંકર પાંડુરંગ પંડિત સાથે પરિવારના એક સદસ્યની જેમ ચાર મહિના રોકાયા હતા. (શ્લોક : ૩૩.૩૪)
જ્યારે સ્વામી વિવેકાનંદની છબિ ભોજેશ્વર બંગલામાં પ્રતિષ્ઠિત થઈ ત્યારથી જ જાણે ત્યાં સૂક્ષ્મભૂમિકામાં સ્મારકનું નિર્માણ થઈ ગયું. પરંતુ તેને ભૌતિક રૂપે આકાર લેતાં ઘણો લાંબો સમય લાગ્યો.
સન ૧૯૮૭ના ફેબ્રુઆરીમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે ડૉ. રોયના સુપુત્રી શ્રીમતી મીન્ટુબહેન દાસાણીએ પોતાના વર્ગનાં બાળકોને લઈને જન્મોત્સવનો નાનો એવો કાર્યક્રમ ભોજેશ્વર બંગલામાં રાખ્યો હતો. તેમાં તેમણે જ્યોતિબહેનને આમંત્રણ આપ્યું હતું. ભોજેશ્વર બંગલાના ઉપરના માળે મધ્યસ્થ ખંડમાં એક ગાદીવાળી ખુરશી ઉપર શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા સારદાદેવી અને સ્વામી વિવેકાનંદની નાની નાની ત્રણ છબિઓ મૂકી. તેમની આગળ દીપક પેટાવ્યો, અગરબત્તી કરી, પુષ્પો ચઢાવ્યાં. પછી જ્યોતિબહેને એ નાનાં મોટાં બાળકો સમક્ષ શ્રીરામકૃષ્ણદેવના જીવનપ્રસંગોની વાતો કરી. તે વખતે જાણે બધું જ શ્રીરામકૃષ્ણમય બની ગયું! પછી મીન્ટુબહેને બધાંને કહ્યું: ‘ચાલો, આપણે ઠાકુરને પ્રાર્થના કરીએ કે ઠાકુર અહીં તમે કાયમ બિરાજો અને તમારી ને માની કૃપા અમારા પર સદાય વરસાવતા રહો.’ બધાં બાળકોએ આંખો બંધ કરી એકાગ્રતાપૂર્વક પ્રાર્થના કરી. પછી પ્રસાદ ધર્યો અને પ્રસાદ લઈને બધાં છૂટાં પડ્યાં. ત્યારે કોઈનેય ખબર ન હતી કે સાચ્ચે જ ઠાકુર પ્રસન્ન થઈ આ સ્થળને કાયમ માટે પોતાનું નિવાસસ્થાન બનાવશે! આ હતી પ્રથમ શરૂઆત. એ પછી ક્યારેક ક્યારેક એ મધ્યસ્થ ખંડમાં બાળકો સાથે કાર્યક્રમો યોજાતા રહ્યા. પ્રાર્થનાઓ થતી રહી, પણ ભૌતિક રૂપે, નક્કરપણે કશુંય થતું ન હતું.
૨૯મી જાન્યુઆરી, ૧૯૯૦ના રોજ રાજકોટ આશ્રમમાંથી રામકૃષ્ણ જ્યોતના તત્કાલીન સંપાદક પોરબંદર આવ્યા. તે જ દિવસે પોરબંદરના સંન્યાસી આશ્રમમાં એક જાહેરસભા યોજવામાં આવી હતી. તેમાં પોરબંદર શહેરના પ્રબુદ્ધ નગરજનોની ઉપસ્થિતિમાં તેમણે પોરબંદરની મહત્તા જણાવતાં કહ્યું હતું: ‘કન્યાકુમારીની શિલા ઉપર સ્વામી વિવેકાનંદે ત્રણ દિવસ ધ્યાન કર્યું હતું, આજે ત્યાં ભવ્ય સ્મારક રચાઈ ગયું છે. જ્યાં જ્યાં સ્વામીજી થોડાક સમય માટે પણ રોકાયા, ત્યાં ત્યાં તેમનાં સ્મારકો રચાયાં છે. તો પોરબંદરને તો સહુથી વધારે સદ્ભાગ્ય સાંપડ્યું છે કે સ્વામીજી ચાર મહિના અહીં રોકાયા હતા. આથી પોરબંદરમાં તો એમનું ભવ્ય સ્મારક થવું જ જોઈએ.’ ત્યાં હાજર રહેલા પોરબંદરના સુજ્ઞ નગરજનોને આ વાત એટલી બધી સ્પર્શી ગઈ કે ત્યાં ઉપસ્થિત રહેલા શ્રીરતિભાઈ છાયા, દ્વારકેશભાઈ વિઠ્ઠલાણી, પી.એમ. જોશી, મિન્ટુબહેન દાસાણી, જ્યોતિબહેન થાનકી વગેરે એ મળીને એ જ દિવસે એક પ્રાઈવેટ ટ્રસ્ટ સ્થાપ્યું અને વિવેકાનંદ સ્મારક રચાય એ માટેના પ્રયત્નો પણ શરૂ કર્યા. યુવાનોમાં સ્વામીજીની વિચારધારા વહેતી થાય એ માટે એક અભ્યાસ-વર્તુળ પણ શરૂ કરવામાં આવ્યું. અનિલ ઉમરાડિયા, ભાવિન મોઢા, વગેરેના સંનિષ્ઠ પ્રયત્નોથી અભ્યાસ-વર્તુળની પ્રવૃત્તિઓ ચાલવા લાગી. યુવા શિબિરો, વ્યક્તિત્વ વિકાસ શિબિરો પણ વર્ષમાં ત્રણ-ચાર વખત યોજાતી રહી. આ શિબિરો માટે પી.એમ.જોશી (પ્રિન્સીપાલ-માધવાણી કોલેજ) રજાના દિવસે માધવાણી કોલેજનો પ્રાર્થના ખંડ અને અન્ય સાધન સામગ્રી તેમજ માર્ગદર્શન પણ આપતા રહેતા હોવાથી શિબિરો, કાર્યક્રમો વર્ષ દરમિયાન ખૂબ સરસ રીતે ચાલવા લાગ્યાં. આમ ધીમે ધીમે વિવેકાનંદ વિચારધારાથી પોરબંદરનો યુવાવર્ગ પરિચિત થવા લાગ્યો.
૧૯૯૫માં શ્રીમતી મીન્ટુબહેને સમગ્ર રામકૃષ્ણ મઠ-મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ કે જેઓ રાજકોટમાં અધ્યક્ષ હતા, ત્યારથી તેમને અંતરંગ પરિચય હતો ને નાના હતા ત્યારે તેમની આંગળી પકડીને પોરબંદરના રસ્તા ઉપર ચાલ્યા હતા, તેમને પત્ર લખીને જણાવ્યું કે ભોજેશ્વર બંગલો સાવ જર્જરિત થઈ ગયો છે. તેથી સરકાર હવે તે વેંચી દેવા માગે છે. તો પછી ત્યાં બહુમાળી મકાનો થઈ જશે અને આ ઐતિહાસિક સ્મારક લુપ્ત થઈ જશે. માટે આપ આ સ્મારક જળવાઈ રહે તે માટે કંઈક કરો.’ આવો જ બીજો પત્ર તેમણે રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી સ્વામી આત્મસ્થાનંદજી મહારાજને લખ્યો. આ બંને પત્રોની પ્રબળ અસર થઈ. બેલુડ મઠ તરફથી રાજકોટના તત્કાલીન અધ્યક્ષ પર પત્ર આવ્યો કે ‘ભોજેશ્વર બંગલો વેંચાય ન જાય એ માટે તાત્કાલિક કાર્યવાહી કરો.’ આથી તેમણે એ માટેના પ્રયત્નો શરૂ કર્યા. ગુજરાત સરકાર પાસે સ્વામી વિવેકાનંદના સ્મારક માટે એ બંગલાની માગણી પણ મૂકી દીધી. પોરબંદર તરફથી તે સમયના વિવેકાનંદ ટ્રસ્ટ, પોરબંદરના અધ્યક્ષ શ્રી પી.એમ. જોશીએ પોરબંદરના લગભગ હજારેક જેટલા પ્રતિષ્ઠિત નગરજનોની સહી સાથેનો, આ ભોજેશ્વર બંગલામાં સ્વામી વિવેકાનંદનું સ્મારક રચાય તેની માગણી કરતો પત્ર તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સુરેશભાઈ મહેતાને મોકલ્યો.
૧૨મી જાન્યુઆરી, ૧૯૯૬ના રોજ સ્વામી વિવેકાનંદ જન્મજયંતીના મહોત્સવમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી રામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં પધાર્યા હતા, ત્યારે તેમને પોરબંદરનું આ ઐતિહાસિક સ્મારક રામકૃષ્ણ મિશનને આપવા વિનંતી કરવામાં આવી. તેમણે મૌખિક સંમતિ પણ આપી. પરંતુ તેઓ એ માટેની કાર્યવાહી પૂર્ણ કરે તે પહેલાં જ તેમની સરકાર પડી ભાંગી. એ પછી મુખ્યમંત્રી તરીકે શ્રીશંકરસિંહ વાઘેલા આવ્યા. તેમણે ૧૨ જાન્યુઆરી, ૧૯૯૭ના રોજ આ ભોજેશ્વર બંગલો ૧ રૂપિયાના ભાડાથી ત્રીસ વર્ષની લીઝ પર રામકૃષ્ણ મિશનને સ્વામી વિવેકાનંદનું સ્મારક રચવા આપ્યો. રામકૃષ્ણ મઠ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે રામકૃષ્ણ મિશન વતી આ બંગલો સ્વીકાર્યો. આમ પૂરા ૧૦૫ વર્ષ પછી જાણે ચૈતન્યમય સ્વરૂપે સ્વામી વિવેકાનંદનું પોરબંદરમાં પુનરાગમન થયું. એમની સાથે આવ્યાં શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા સારદાદેવી. તેમનાં દિવ્ય આગમનથી જર્જરિત થયેલો, ઊધઈથી ખવાઈ ગયેલો, એ બંગલો અને એ બંગલાની આસપાસની ઉજ્જડ ભૂમિ, દિવ્ય સંસ્પર્શથી નવાં સ્વરૂપે પ્રકાશિત થયાં. સ્વામી વિવેકાનંદના પુનરાગમન પછી ભોજેશ્વર બંગલો – તેઓ સદેહે હતાં, ત્યારે જે સમૃદ્ધિ અને ઐશ્વર્ય ધરાવતો હતો, એથીય વિશેષ સમૃદ્ધિ અને ઐશ્વર્ય સંપન્ન બની ગયો. તેના ર્જીણશીર્ણ દેહની સંપૂર્ણ કાયાપલટ થઈ ગઈ. હવે તો સમગ્ર બંગલો વિવેકાનંદના પવિત્ર સ્મારક તરીકે સર્વને આવકારી રહ્યો છે. એક દાયકામાં તો વિશાળ પ્રાર્થનામંદિર, ચિકિત્સાલય, પુસ્તકાલય, મૂલ્યનિષ્ઠ શિક્ષણ માટેનું અદ્યતન સુવિધાવાળું વિશાળ વિવેકભવન, બંગલાની ચારેતરફ પ્રસન્નતા પાથરી રહેલા રંગબેરંગી પુષ્પોથી મધમધતો બગીચો – આ બધું જ સ્વામી વિવેકાનંદના આગમનથી જાણે આવિર્ભૂત થયું હોય એવું જણાય છે. હજુ પણ સ્વામીજીના આગમનથી ભાવિમાં કેવી કેવી અદ્ભુત અને ભવ્ય વસ્તુઓ પ્રગટશે તેની તો આપણે કલ્પના પણ કરી શકીએ નહિ! એમની ચરણધૂલિથી પવિત્ર થયેલી પોરબંદરની ભૂમિ પર કૃપા કરી સૂક્ષ્મ સ્વરૂપે પુન: પધાર્યા એ જ તો તેમણે પોરબંદરને આપેલી અણમોલ ભેટ છે. એ માટે પોરબંદર સદૈવ સ્વામી વિવેકાનંદનું ઋણી રહેશે.
Your Content Goes Here




