(ભગિની નિવેદિતાની સેવાસાધના)
સુપ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકીએ આ ‘સેવા વિશેષાંક’ માટે વિશેષરૂપે લખેલ લેખ વાચકોના લાભાર્થે પ્રસ્તુત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ અને આશા કરીએ છીએ કે ભગિની નિવેદિતાની સેવાસાધના અનેક લોકોને સેવા કરવા પ્રેરિત કરશે.– સં.
‘આ છે, મારી લાડકી પુત્રી માર્ગરેટ. સાવ નાની હતી ત્યારથી જ તે દર રવિવારે મારી સાથે ગરીબ વસ્તીમાં આવે છે. દલિતોનાં દુઃખ જોઈને ખૂબ દ્રવિત થઈ જાય છે. માન્ચેસ્ટરમાં ડેવોનશાયરમાં રહેતા સેમ્યુઅલે હિંદમાં વરસો સુધી રહી આવેલા પોતાના પાદરી મિત્રને પોતાની મોટી પુત્રી માર્ગરેટનો પરિચય કરાવતાં કહ્યું. તેજસ્વી વેધક આંખો, સોનેરી વાળ, નીલી આંખો ને તરવરાટથી ઉછળતી આ બાલિકાને તે પાદરી નીરખી રહ્યા. પછી એકાએક બોલી ઊઠ્યા: ‘એક દિવસ આ બાલિકા ઉપર ભારતવર્ષની સેવા કરવાની જવાબદારી આવશે.’ ‘આ તે મજાક છે કે ભવિષ્યવાણી? ક્યાં ઇંગ્લૅન્ડ અને ક્યાં હિન્દ? આ તો અશક્ય. તેની પુત્રી શું છેક હિંદમાં પહોંચી શકે ખરી’ સેમ્યુઅલ વિચારી રહ્યા. પણ પાદરી એટલા જ ગંભીર હતા એટલે એ મજાક તો નહોતી જ. આવા પવિત્ર સાધુપુરુષના મુખે ઉચ્ચારાયેલ આ ભવિષ્યવાણી મિથ્યા તો નહીં જ થાય, એવી પ્રતીતિ તેને અંતરમાં થવા લાગી. પણ એ તો દૂરના ભવિષ્યની વાત હતી.
એટલે આ બાબતમાં સેમ્યુઅલ ચૂપ જ રહ્યા. એ સમય હતો યુરોપની ઔદ્યોગિક ક્રાન્તિનો. નવાં નવાં યંત્રો શોધાતાં અસંખ્ય કારીગરો બેકાર બન્યા હતા. કારખાનાંઓમાં આ કારીગરોનું, મજૂરોનું, નીચલા વર્ગોનું ભારે શોષણ કરવામાં આવતું હતું. તેમાંય માન્ચેસ્ટરની કાપડની મીલોમાં કામ કરતા મજૂરોની ગરીબી અને દુઃખદ સ્થિતિ જોઈને સેમ્યુઅલનું કોમળ હૃદય આક્રંદ કરી ઊઠ્યું. તેમણે આ ગરીબોનાં દુઃખથી રીબાતા જીવનમાં સાતા આપવાનું વ્રત લીધું. આ સેવાવ્રતમાં તેમને પોતાની પ્રેમાળ પત્ની મેરી હેમિલ્ટનનો પૂરો સાથ સહકાર મળ્યો. તેથી તેમનું સેવાકાર્ય વેગથી ચાલવા લાગ્યું. દુઃખી ને દરિદ્રને દિલાસો આપવાનું, તેમનાં આંસુ લૂછવાનું, પ્રભુ ઈસુનો સંદેશ આપી તેમના જીવનમાં પ્રકાશ લાવવાનું કાર્ય તેઓ કરવા લાગ્યા. આ સેવાકાર્યમાં તેમને ઈસુનો સાદ સંભળાતો. આ દલિતોની આંખોમાં જ્યારે તેઓ આભારની લાગણી જોતા ત્યારે તેમને જીવનની સાર્થકતાનો અનુભવ થતો. ભલે તેમની પાસે ભૌતિક સમૃદ્ધિ ન હતી, પણ તેમની આંતરિક સમૃદ્ધિ વિપુલ હતી. એટલે તેમને કોઈ ભૌતિક વસ્તુઓની ઊણપ જણાતી નહીં.
બંનેનું આ સેવાકાર્ય આનંદપૂર્વક ચાલી રહ્યું હતું. અને હવે તેમને ત્યાં એક નવા આત્માનું આગમન થવાનું હતું. પરંતુ પ્રથમ પ્રસૂતિ હોવાથી મેરીને ખૂબ જ ચિંતા થતી હતી કે તેનું નવજાત બાળક સલામત તો રહેશે ને? ઘણીવાર તેનું મન વ્યાકુળ બની જતું. આથી આ સ્થિતિમાં તેના મન અને હૃદયને શાંતિ મળે અને તેના ઉદરમાં રહેલા આત્માને બળ અને રક્ષણ મળે એ માટે તે પ્રભુને સતત પ્રાર્થના કરતી રહેતી. એક દિવસ તેણે પ્રભુને હૃદયપૂર્વક પ્રાર્થના કરી અને પછી પ્રભુની આગળ નિવેદન કરતાં કહ્યું: ‘હે પ્રભુ, મારું આ પ્રથમ સંતાન જો નિર્વિઘ્ને જન્મે તો હું તેને તારી સેવામાં સંપૂર્ણપણે સમર્પી દઈશ.’ આમ પોતાની અંદર આકાર લઈ રહેલા એ મહાન આત્માનું તેણે જન્મ પહેલાં જ પ્રભુને સમપર્ણ કરી દીધું. અને પછી તો એની બધી જ ચિંતા-ઉપાધિ અદૃશ્ય થઈ ગઈ. પ્રભુના કાર્ય અર્થે પૃથ્વી ઉપર આપનારા મહાન અને તેજસ્વી આત્માઓ પૃથ્વી ઉપર આવતાં પહેલાં જ પોતાનું વાતાવરણ તૈયાર કરી લેતા હોય છે. અહીં પણ એવું જ થયું. એ મહાન આત્માએ હજુ પૃથ્વી પર પહેલો શ્વાસ પણ લીધો ન હતો અને એ પહેલાં જ એ પ્રભુને અર્પિત થઈ ચૂક્યો હતો! આવું તો ભાગ્યે જ જોવા મળે કે જન્મ પહેલાં જ આત્માનું જીવનકાર્ય નિશ્ચિત થઈ ગયું હોય!
મેરીને પ્રસૂતિમાં કોઈ તકલીફ પડી નહીં. ૨૮ ઑક્ટોબર ૧૮૬૭માં તેણે તેજસ્વી પુત્રીને જન્મ આપ્યો. આ નવજાત બાળકીને તેણે પ્રભુના ચરણોમાં મૂકીને કહ્યું: ‘હે પ્રભુ, આ તમારી થાપણ મારી પાસે છે. તમે એનું રક્ષણ કરજો.’ પુત્રીનું નામ માર્ગરેટ આપવામાં આવ્યું. એ પછી મેરીએ બીજાં બે સંતાનો, એક પુત્ર અને એક પુત્રીને પણ જન્મ આપ્યો પણ તેના ત્રણેય બાળકોમાં માર્ગરેટ વધુ તેજસ્વી અને બુદ્ધિમાન હતી.
પિતાની આંગળી પકડીને નાની માર્ગરેટ ગરીબ મજૂર વસ્તીમાં જતી. ત્યાં એના પિતાને ગરીબોને સહાય કરતાં, એમના દુઃખો સાંભળતાં, એમના આંસુ લૂછતાં જોતી અને તેને ખૂબ આનંદ થતો. આમ દરિદ્રનારાયણની સેવા કરવાનાં બીજ તો તેનામાં શૈશવકાળથી જ રોપાયાં હતાં! ગરીબોનાં દુઃખો સાંભળીને તેનું બાળહૃદય દ્રવી જતું, ત્યારે તેને મનમાં થતું કે તે મોટી થઈને પિતાના કાર્યમાં ખૂબ સહાય કરશે.
પરંતુ પિતાના કાર્યમાં સહાયક બનવાનું તેનું સ્વપ્ન સાકાર થઈ શક્યું નહીં. નોકરી અને સાથે સાથે સેવાકાર્ય, આ બેવડી જવાબદારીનો ભાર સેમ્યુઅલનું દુર્બળ શરીર સહી શક્યું નહીં. એમનું સેવાવ્રત તો વિસ્તરતું જતું હતું. ધર્મ પ્રવચનો આપવાં, દલિતોની સેવા કરવી, તરછોડાયેલાંને આશ્વાસન આપવું, રોગીઓની શુશ્રૂષા કરવી આ બધાં કાર્યો કંઈ સ૨ળ તો નહોતાં જ. પણ તેઓ પોતાના જીવનવ્રતનું પાલન શરીરના ભોગે પણ કર્યે જતા હતા. પણ હવે શરીર લથડ્યું. શરીરે સાથ ન આપ્યો. તેઓ માંદગીમાં પટકાઈ પડ્યા. સેમ્યુઅલને જણાયું કે હવે આ શરીર વધુ ટકશે નહીં, ત્યારે તેમને ચિંતા થવા લાગી કે પોતાની વહાલી પુત્રી માર્ગરેટનું હવે શું થશે? કેમકે, તેઓ જાણતા હતા કે તેને દુન્યવી બાબતોમાં રસ નથી. તેની અંદર આધ્યાત્મિક ભૂખ રહેલી છે અને તેથી જ તો એ દિશામાં એનું જીવન ગતિમાન બને તેવા પ્રયત્નો કરી રહ્યા હતા. તેઓ પોતાના ધાર્મિક પ્રવચનોમાં, સેવાકાર્યોમાં માર્ગરેટને એટલે જ તો સાથે લઈ જતા. તેના જિજ્ઞાસુ મનમાં ઊઠતા અનેક પ્રશ્નોનો શાંતિથી, તેને સમજાય તે રીતે જવાબ આપી તેના આંતરમનને પણ તેઓ ઘડ્યે જતા હતા. હવે પોતે નહીં હોય તો એનું શું થશે? તેને કોણ સમજી શકશે? તેના આધ્યાત્મિક વિકાસમાં તેનાં ભાઈ-બહેન અને માતા અવરોધ તો ઊભો નહીં કરે ને? આવી અનેક ચિંતાઓ એમના મનમાં ઊઠ્યા કરતી હતી. એક દિવસ તેમણે પોતાની પત્ની આગળ આ ચિંતા રજૂ કરી કહ્યુઃ “માર્ગારેટનું ધ્યાન રાખજે. એક દિવસ એક મહાન આદેશ એની પાસે આવશે. ત્યારે માતા તરીકે તું એને સહાય કરજે.” પત્ની પાસેથી આ બાબતનું વચન લીધા પછી જ એમને શાંતિ થઈ. પછી થોડા દિવસમાં જ તેઓ પત્ની અને ત્રણ બાળકોને છોડીને અવસાન પામ્યા. તે સમયે તેમની ઉમ્મર માત્ર ચોત્રીસ વર્ષની હતી.
માર્ગરેટને પિતાના મૃત્યુનો ભારે આઘાત લાગ્યો. તે તો બધાં ભાંડુઓમાં સૌથી મોટી હતી. પિતાના અવસાને તેને વધુ મોટી બનાવી દીધી. પરિસ્થિતિ પલટાઈ જતાં બધાં હવે તેમના નાનાના ઘરે આયર્લેન્ડ આવી પહોંચ્યાં. પિતાએ માર્ગરેટમાં ધર્મના સંસ્કારો સિંચ્યા હતા તો નાનાએ તેનામાં દેશભક્તિના સંસ્કારોનું સિંચન કર્યું. ધર્મપ્રીતિ, દેશભક્તિનો જુસ્સો, અને રાષ્ટ્રની સ્વતંત્રતાનું સ્વપ્ન તેનામાં નાનપણમાં જ દૃઢ થઈ ગયાં હતાં.
‘માર્ગરેટે માધ્યમિક શિક્ષણ આયર્લેન્ડમાં પૂરું કર્યું. જ્યારે કૉલેજનું શિક્ષણ ચર્ચ દ્વારા સંચાલિત હૈલીફેક્સની કોલેજમાં પૂરું કર્યું. ત્યારબાદ તેઓ પોતાને પ્રિય એવા શિક્ષણકાર્યમાં જોડાઈ ગયાં. ૧૮૮૬માં તેઓ વ્રેક્સહૈમની શાળામાં જોડાયાં. અહીં તેમનો કાર્યવિસ્તાર થયો. પિતાએ આપેલો સેવામંત્ર અને દરિદ્રો પ્રત્યેનો પ્રેમ અહીં અંકુરિત થયો. અહીં એમણે જોયું કે ખાણોમાં કાર્ય કરતા અસંખ્ય મજૂરોની સ્થિતિ દયાજનક હતી. તેમની આવી કંગાલ સ્થિતિ જોઈને તેમનું હૃદય દ્રવી ઉઠ્યું. રજાના દિવસોમાં તેઓ આ ગરીબોની વચ્ચે જઈને કામ કરવા લાગ્યાં. તેઓ તેમને સહાય કરતાં, આશ્વાસન આપતાં. આમ પિતા સાથે શૈશવકાળમાં આચરેલો સેવાયજ્ઞ યૌવનમાં પણ ચાલવા લાગ્યો.
શિક્ષણ અને સેવા આ બે ક્ષેત્રો માર્ગરેટ પાસે હતાં જ. પણ છતાં ય તેમને કંઈક ખૂટતું જણાતું હતું. તેમના અંતરમાં જે જ્ઞાનની ભૂખ પ્રજ્વળતી હતી તે આનાથી શમતી નહોતી. અને એમની એ દિશાની શોધ સતત ચાલુ જ હતી. સત્યની શોધ માટેનો તીવ્રતમ તલસાટ એમને જંપવા દે તેમ ન હતો. આ સત્યની શોધ તેમને બૌદ્ધધર્મ પ્રત્યે દોરી ગઈ. તેમણે બૌદ્ધ ધર્મનો ત્રણ વર્ષ ઊંડો અભ્યાસ કર્યો. પણ એથીયે એમની શંકાઓનું સંપૂર્ણ સમાધાન ન થયું. તેમને વિશેષ પ્રશ્નો ઊઠવા લાગ્યા કે “શું જીવનનો ઉદ્દેશ માત્ર નિર્વાણની પ્રાપ્તિનો જ છે? શું સંપૂર્ણ સત્ય અને પરમશાંતિની પ્રાપ્તિ આ દ્વારા થશે ખરી?” આ પ્રશ્નનો ઉકેલ તેમને બૌદ્ધધર્મમાંથી મળી શક્યો નહીં અને પ્રકાશ-તે સત્ય માટેની એમની ઝંખના વધુને વધુ પ્રબળ બની ગઈ.
એક દિવસ માર્ગરેટના એક મિત્રે તેમને કહ્યું: ‘તારો આત્મા જેને ઝંખે છે, તેમાં મદદરૂપ થાય તેવા એક હિંદુ યોગીનું પ્રવચન છે, તેમાં તું જરૂર આવજે.’ અને નવેમ્બર મહિનાના એક રવિવારે સાંજે માર્ગરેટ એ હિંદુ યોગીને સાંભળવા પહોંચી ગયાં. તે સમયે ઘરના બેઠક ખંડમાં અર્ધચંદ્રાકાર વર્તુળમાં પંદર-સોળ માણસો બેઠાં હતાં. ઢીલા ભગવા રંગના ઝભામાં યુવાન હિંદુ યોગી એવા જણાતા હતા કે જાણે સાક્ષાત્ હિંદુ ધર્મ ત્યાં સદેહે પ્રગટ થયો ન હોય! એમના મુખમાંથી વાણીની અસ્ખલિત ધારા વહેતી હતી. સહુ શ્રોતાઓ એ ધારાના પ્રવાહમાં તણાયે જતા હતા. યોગી પ્રવચનમાં વચ્ચે વચ્ચે સંસ્કૃતમાં શ્લોકો અને સૂક્તોનું ઉચ્ચારણ કરતા હતા. તેમના મુખમાંથી થોડી થોડી વારે શિવના નામનો ઉદ્ઘોષ સંભળાતો હતો. માર્ગરેટને આ સમગ્ર વાતાવરણ એવું લાગ્યું કે જાણે ભારતના કોઈ ગામમાં ઘટાદાર વૃક્ષની છાયા નીચે કોઈ સંત ભગવાનની કથા કરી રહ્યા ન હોય! તે સમયે તેઓ જાણતાં નહોતાં કે આ હિંદુ યોગી તે બીજા કોઈ નહીં પણ શિકાગો ધર્મસભામાં હિંદુધર્મની મહત્તા પ્રસ્થાપિત કરનાર શ્રીરામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદ છે! પણ સ્વામીજીના વ્યક્તિત્વ, તેમની સહજતા, સરળતા, હિંદુધર્મને આત્મસાત કરેલી તેમની વાણી, અંગ્રેજી ભાષા પરનું તેમનું પ્રભુત્વ આ બધાંની એમના અંતરમાં ઊંડી છાપ પડી. પણ તે સમયે તો તેમના પ્રખર બુદ્ધિશાળી મનને સ્વામીજીના પ્રવચનમાં કશું જ નવું ન લાગ્યું. ઘરે જઈને તેમણે જ્યારે સ્વામીજીનાં વચનો પર ઊંડો વિચાર કર્યો ત્યારે તેમને સમજાયું કે ધર્મ એ સાક્ષાત્કારની વસ્તુ છે. માત્ર શ્રદ્ધાની નહીં. ત્યારબાદ તેઓ સ્વામીજીના બાકી રહેલાં છ પ્રવચનોમાં હાજર રહ્યાં. પછી તો તેઓ તેમના શિષ્યા બની ગયાં. ‘ધ માસ્ટર એઝ આઈ સૉ હિમ’ પુસ્તકમાં તેઓ લખે છે; ‘મેં એમના તેજસ્વી અંશને ઓળખી લીધો. અને મારી જાતને તેમના પોતાના લોકો પ્રત્યેના પ્રેમને સમર્પિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ એ તો તેમનું ચારિત્ર્ય હતું, જેને મેં આ સમર્પણ કર્યું હતું. મેં જોયું કે ધાર્મિક ગુરુ તરીકે એમની પાસે રજૂ કરવાની વિચારપદ્ધતિ હતી. છતાં એમને જણાય કે સત્ય ક્યાંય બીજે દોરી જાય છે, તો તે જ ક્ષણે તેઓ તે પદ્ધતિનો ત્યાગ કરી દેતા. આ જોઈને જ હું તેમની શિષ્યા બની.’
અને પછી તો જે પોકાર માટે તેમનો આત્મા રાહ જોઈ રહ્યો હતો, જેના માટે એના પિતાએ મૃત્યુશય્યા પરથી તેના માતા પાસેથી એ પોકારમાં સહાયક બનવાનું વચન લીધું હતું એ પોકાર આખરે એમની પાસે આવી પહોંચ્યો. એક દિવસ પ્રશ્નોત્તરીના વર્ગમાં સ્વામીજી એકાએક ગર્જનાભરી વાણીમાં બોલી ઊઠ્યા: ‘જગતને આજે એવાં વીસ સ્ત્રીપુરુષોની આવશ્યક્તા છે કે જેમનામાં એટલું સાહસ હોય કે હિંમતપૂર્વક ઊભા થઈને પોકારીને કહી શકે કે ભગવાન સિવાય બીજું કશું જ એમની પાસે નથી. કોણ આગળ આવે છે? કોઈએ શા માટે ડરવું જોઈએ? જો આ સત્ય ન હોય તો જીવનનું શું મહત્ત્વ છે?’ સ્વામીજીના આ શબ્દો એમના આત્માને જગાડવા માટે આવાહન રૂપ બની ગયાં. આ શબ્દોએ એમના જીવનનો માર્ગ સ્પષ્ટ કરી આપ્યો, તેમની દ્વિધાને નિર્મૂળ કરી દીધી. તેઓ લખે છે; ‘ધારો કે સ્વામીજી તે વખતે લંડન ન આવ્યા હોત તો? તો જીવન મસ્તક વગરના ધડ જેવું હોત. કારણ કે હું હંમેશા માનતી હતી કે હું કોઈ વસ્તુ માટે રાહ જોઈ રહી છું. અને મેં હંમેશા કહેલું કે આદેશ આવશે જ અને એ આવ્યો.’
એ પછી તો એમને જીવનકાર્ય પણ મળી ગયું. એક દિવસ સ્વામીજીએ એમને કહ્યું: ‘મારા દેશની સ્ત્રીઓ માટે મારી પાસે યોજના છે. અને મને લાગે છે કે તેમાં તમે મને ઘણાં મદદરૂપ થઈ શકો તેમ છો.’ આ વિશે પણ તેમણે લખ્યું છે; ‘આ સાંભળીને મને લાગ્યું કે મેં એક પોકાર સાંભળ્યો છે. કે જે મારા જીવનને બદલી નાંખવાનો હતો.’ એ કઈ યોજના હતી તે હું જાણતી ન હતી અને એ ક્ષણે પરિચિત કાર્યને છોડી દેવાની વાત જ એટલી મોટી હતી કે મારે ખૂબ શીખવાનું હતું અને વિદેશી લોકો વિશે જગતના સંદર્ભમાં ઓળખ કરવાની હતી.’
જ્યારે તેમણે હિંદમાં આવવાનું નક્કી કર્યું ત્યારે સ્વામીજીએ એમને હિંદમાં રહેવાનાં ભયસ્થાનો અને મુશ્કેલીઓથી પૂરા માહિતગાર કર્યાં. પણ તેમના અંતરનો પોકાર એવો પ્રબળ હતો કે એમના સંકલ્પને કોઈ ભય કે મુશ્કેલી અસર કરી શકી નહીં. તેઓ હિંદમાં આવી પહોંચ્યાં. નાની માર્ગરેટને માટે પાદરીએ ભાખેલી ભવિષ્યવાણી સાચી પડી.
હિંદમાં સ્વામીજીએ એમને સેવાકાર્ય માટે જે જે જરૂરી બાબતો હતી, તે શીખડાવી. પછી એમને બ્રહ્મચર્યની દીક્ષા આપી. ત્યારે સ્વામીજી એમને મંદિરમાં લઈ ગયાં. શિવપૂજનનો મહિમા સમજાવ્યો. બુદ્ધના ચરણે પુષ્પાંજલિ અર્પણ કરાવી, અને પછી કહ્યું: ‘જાઓ અને બુદ્ધ તરીકેનું દર્શન પામતાં પહેલાં જે વ્યક્તિએ પાંચસો વખત જન્મ લઈને બીજા લોકોને માટે સમર્પણ કર્યું તેને અનુસરો.’ પછી સ્વામીજીએ શિવની ભસ્મનો એમના કપાળે ચાંદલો કર્યો. નવું નામ આપ્યું નિવેદિતા. જન્મ પહેલાં જ પ્રભુના કાર્ય માટે નિવેદિત થયેલા આ આત્માને જાણે પોતાનું સાચું નામ મળ્યું! અને પછી નિવેદિતાના સેવાવ્રતી જીવનનો હિંદમાં શુભારંભ થયો.
સ્વામીજીએ નિવેદિતાને સેવાવ્રતની દીક્ષા આપી અને સાથે સાથે સાચા લોકસેવક બનવાની તાલીમ પણ આપી હતી. સાચો સેવક કેવો હોવો જોઈએ એનું સ્પષ્ટ દર્શન પણ એમણે કરાવ્યું હતું. લોકો માટે કામ કરનાર સેવકમાં બિલકુલ અહંકાર ન હોવો જોઈએ. તેનામાં મોટાઈની ભાવના ન હોવી જોઈએ. લોકોને તે પોતાની આત્મીય સ્વજન વ્યક્તિ લાગવી જોઈએ. એમને એવું લાગવું ન જોઈએ કે આ વ્યક્તિ અમારી સેવા કરી રહી છે. સેવકની સેવાનો ભાર લોકોને લાગવો ન જોઈએ. ઉપરાંત સેવકને પોતાના ભૂતકાળનું ગૌરવ પણ ન હોવું જોઈએ. સાચો સેવક તપોનિષ્ઠ હોવો જોઈએ. સાદાઈ, સંયમ અને સેવાનો વ્રતધારી હોવો જોઈએ. આવા વ્રતધારી સેવકો જ લોકોની ચેતનાને જાગ્રત કરી તેને યોગ્ય દિશામાં વાળી શકે છે. સ્વામીજીએ નિવેદિતાને આ માટે પોતાની જાતને તૈયાર કરવાનું કહ્યું. નિવેદિતા આ સંદર્ભમાં લખે છે; ‘સ્વામીજીએ મને કહ્યું; ‘તમારે તમારા વિચારો, જરૂરિયાતો, ભાવનાઓ, અને સંસ્કારોને હિંદુ સ્વરૂપ આપી દેવાના પુરુષાર્થમાં લાગી રહેવાનું છે. તમારું આંતર તેમજ બાહ્યજીવન એક ચૂસ્ત બ્રાહ્મણ બ્રહ્મચારિણીના જીવન જેવું બની રહેવું જોઈએ. એ માટે પૂરતી ઇચ્છા હશે તો એવું કાર્ય કરવાની પદ્ધતિ તમને આપોઆપ સૂઝશે. પરંતુ એ માટે તમારે તમારા ભૂતળકાળને ભૂલી જવાનો છે. અને બીજા લોકો પણ તે ભુલી જાય તેવું કરવાનું છે. તમને એની સ્મૃતિ પણ ન રહેવી જોઈએ.’ આમ સેવાવ્રતધારિણી નિવેદિતાએ પશ્ચિમના સંસ્કારોનું સંપૂર્ણ વિસર્જન કરીને પોતાની જાતને હિંદુસંસ્કારમાં નવેસરથી ઘડવાની હતી. તેમણે પશ્ચિમના સંસ્કારોના દૃઢ આવરણને તેમજ ઉચ્ચ પાશ્ચાત્ય કેળવણીના કિલ્લાને ધરાશયી કરીને નખશિખ હિંદુ બનવાની સાધના આરંભી અને તેમાં સ્વામીજીએ તેમને પૂરતી સહાય કરી.
સ્વામીજીએ તેમને ઉત્તરભારત, આલ્મોડા, કાશ્મીર અને છેક અમરનાથ સુધીની યાત્રા પોતાની સાથે કરાવી, સાચા ભારતનું દર્શન કરાવ્યું. એ પછી નિવેદિતા થોડો સમય શ્રીમા શારદામણિ સાથે રહ્યાં. ત્યાં તેઓ આઠ-દસ સ્ત્રીઓની સાથે એક જ ઓરડામાં રહેતાં હતાં. જમીન પર ચટાઈ પાથરીને સૂઈ જતાં. અહીં ભૌતિક સગવડનાં કોઈ જ સાધનો ન હતાં. તપોમય જીવન હતું. પ્રભાતે ઊઠવાનું, સ્નાન-સંધ્યા-પૂજા, ધ્યાન, ધાર્મિક પુસ્તકોનું પારાયણ, સાંજે સાયંપૂજા- આ બધી હિંદુજીવન પદ્ધતિની કઠોર તાલીમ એમણે સ્વેચ્છાએ લીધી. હિંદુ રિવાજોને પચાવ્યા. હિંદુ ધર્મની ગહનતાને જાણી શ્રીમાની સેવામાં તેઓ લાગી રહ્યાં અને તેમના આશીર્વાદ મેળવી તેઓ સાચા હિંદુ બની ગયાં.
એ પછી સ્વામીજીએ એમને બહેનોની શાળાનો આરંભ કરવા કહ્યું. તા. ૧૪મી નવેમ્બર, ૧૮૯૮ સોમવા૨- કાલીપૂજાના દિવસે, આજથી બરાબર સો વર્ષ પહેલાં નિવેદિતાએ શ્રીમા શારદાદેવીના વરદ્ હસ્તે પોતાની કન્યાશાળાનું ઉદ્ઘાટન કરાવ્યું. શ્રીમાએ આ કન્યાશાળાને આશીર્વાદ આપતાં કહ્યું; ‘આ શાળા પર મા કાલીના આશીર્વાદ ઊતરો અને આ છોકરીઓને આદર્શ છોકરીઓ તરીકેની તાલીમ આપો.’ શ્રીમાએ પ્રાર્થના કરી. પૂજા કરી. આશિષ વરસાવ્યા એટલે નિવેદિતાને હવે ખાતરી મળી ગઈ કે તેમનું આ બાલિકા વિદ્યાલય જરૂર વિકસશે. ગમે તેટલી મુશ્કેલીઓ આવશે તો પણ હવે તેને વાંધો આવશે નહીં. આ સંદર્ભમાં તેમણે એક પત્રમાં લખ્યું છે; ‘શ્રીમાના આશીર્વાદને હું એક શુભચિહ્ન માનું છું. હું કલ્પના જ કરી શક્તી નથી કે તેમના આશીર્વાદ સિવાય બીજું કંઈ મહાન શુકન હોઈ શકે.’ નિવેદિતાની આ શ્રદ્ધાં સાચી હતી. શ્રીમાના આશીર્વાદથી એક સૈકાથી આ બાલિકા વિદ્યાલય ઉત્તરોત્તર સતત વિકસતું રહ્યું છે. આ વર્ષ તે આ વિદ્યાલયનું શતાબ્દી વર્ષ છે. હવે તે શ્રીશારદા મઠ સંચાલિત ભગિની નિવેદિતા કન્યા વિદ્યાલય તરીકે ઓળખાય છે. નિવેદિતાના નાનકડા મકાનમાં શરૂ થયેલું આ વિદ્યાલય આજે ત્રણ માળનું વિશાળ ભવન ધરાવે છે. કલકત્તાની શ્રેષ્ઠ સ્કૂલોમાં તેની ગણના થાય છે.
શાળાની પ્રારંભ એ હિંદમાંના નિવેદિતાના કાર્યનું પ્રથમ પગલું હતું. આ કાર્યના પ્રારંભમાં તો એમને ઘણી જ મુશ્કેલીઓ પડી, પણ સ્વામીજીના માર્ગદર્શન અને સહાયને લઈને એમની શાળા ધીમે ધીમે વિકસવા લાગી. આ પ્રયત્નમાં તેઓ લાગેલાં હતાં. ત્યાં કલકત્તામાં પ્લેગની મહામારી ફાટી નીકળી અને સેવાક્ષેત્રે નિવેદિતાના આત્માને ફરી પોકાર કર્યો.
પ્લેગ એ તો ભયંકર ચેપી રોગ છે. એકવાર ઘરમાં એનો પ્રવેશ થાય પછી ઘરમાં એક પછી એક વ્યક્તિઓ એના સકંજામાં સપડાઈને મૃત્યુ પામે છે. ઘરોનાં ઘ૨ો ઉજ્જડ થઈ જાય છે. આવી ભીષણ મહામારીને જોઈને કલકત્તાના શ્રીમંત લોકો તો ઘર છોડીને બીજે જવા લાગ્યા. પણ ગરીબો ક્યાં જાય? એમનું કોણ? તેઓ તો મૃત્યુના ભયથી સતત થરથરતા અને પોતાના પ્રિયજનને મૃત્યુના મુખમાં હોમાતાં જોઈને આક્રંદ કરતા ને હવે ક્યારે પોતાનો વારો આવશે, એ ભયથી ધ્રૂજતા બેસી રહ્યા. ન તો એમને સ્વચ્છતાનું ભાન હતું કે ન રોગના જીવાણુંથી બચવાનું જ્ઞાન હતું! ઊલટું તેઓ તો સામે ચાલીને રોગને આમંત્રણ આપતા હતા! આવા લોકોને સહાય કરવી એટલે મૃત્યુની સામે બાથ ભીડવી. જ્યારે બધા જ લોકો કલકત્તા છોડી નાસી જતા હતા ત્યારે સ્વામીજીએ શ્રીરામકૃષ્ણ મઠના સાધુઓને શિવજ્ઞાને જીવસેવાનો મહામંત્ર આપી તેમને આ દુ:ખી ને પીડિત દરિદ્રનારાયણની સેવામાં પ્રયોજ્યા. નિવેદિતા આ સેવામંડળીના મંત્રી બન્યાં. પ્લેગગ્રસ્ત લોકોને સહાય કરવાનો સમગ્ર ભાર તેમણે પોતાના ખભા પર લઈ લીધો. ભગવાં વસ્ત્રધારી યુવાન સાધુઓની વચ્ચે એક તેજસ્વી ગોરી યુવતીને હાથમાં ભંગીનું ઝાડુ લઈને કલકત્તાની ગંદી શેરીઓને સાફ કરતી જોઈને કલકત્તાના લોકો આશ્ચર્યમૂઢ બની ગયા!
રોગીઓની સેવા-સૂશ્રૂષા, ગરીબ રોગીઓના કુટુંબીજનોને આર્થિક સહાય, આશ્વાસન આપવાનું, સ્વચ્છતા અને સફાઈ કાર્ય બધું નિવેદિતાની દોરવણી હેઠળ ચાલવા લાગ્યું. આર્થિક સહાય માટે તેમણે વર્તમાનપત્રમાં જાહેર અપીલ કરી. તેથી નાણાંભંડોળ એકત્ર થવા લાગ્યું. ‘પ્લેગ અને વિદ્યાર્થીઓની ફરજ’ એ વિષય પર તેમણે ક્લાસિક થિયેટરમાં વ્યાખ્યાન આપ્યું. વિદ્યાર્થીઓમાં તેનો પડઘો પડ્યો. પંદરેક વિદ્યાર્થીઓ તેમના કાર્યમાં જોડાયા. પછી તો ઘણા સ્વયંસેવકો તેમને સહાય કરવા આવી પહોંચ્યા અને પ્લેગની સામેનું તેમનું યુદ્ધ પૂરજોશમાં ચાલવા લાગ્યું.
પ્લેગ નિવારણ કાર્યમાં નિવેદિતા એટલાં બધાં વ્યસ્ત રહેતાં કે તેમને પોતાને માટે તો બિલકુલ ફુરસદ મળતી જ નહીં. આ સાથે શાળાનું કાર્ય તો ચાલુ જ હતું. એક પત્ર પરથી તેમની સ્થિતિનો સાચો ખ્યાલ આવે છે. તેઓ પત્રમાં લખે છે; ‘એટલી ગરમી પડે છે, અને અમે પ્લેગને કારણે એટલાં રોકાયેલા છીએ કે હું શરીર, આત્માને મનથી થાકી જાઉં છું અને તે કેવી રીતે લખવું તેની મને ખબર પડતી નથી. હવે બાળકો શાળામાં ભેગા થવાં લાગ્યાં છે, તેથી શરમને કારણે હું આરામ લઈ શક્તી નથી.’ આમ તેઓ અથાક્ પરિશ્રમ કરી રહ્યાં હતાં. આરામ માટે ઘરે આવે તો શાળાના બાળકો તૈયાર જ હોય અને શાળાનો સમય પૂરો થાય તો કલકત્તાની ગંદી ગલીઓના લોકોના દયામણા મુખો આતુરતા પૂર્વક તેમને પોકારતાં દેખાય. આ દિવસોમાં એમને જરાપણ આરામ મળતો ન હતો. તે સમયના આરોગ્ય અધિકારી ડૉ.રાધાગોવિંદકાર એમના રીપોર્ટમાં લખે છે; “આ ભયંકર મહામારીના દિવસોમાં ભગિની નિવેદિતાનું કરુણામય સ્વરૂપ બાગબજારની પ્રત્યેક ગંદીવસ્તીમાં ઘૂમતું ફરતું દેખાતું હતું. પોતાની જરૂરિયાતોની પરવા કર્યા વગર તેઓ મન દઈને બીજાની સેવા કરતાં હતાં.”
એ દિવસોમાં નિવેદિતા દૂધ ને ફળો પર રહેતાં હતાં. પછી તો તેમણે દૂધ પીવાનું પણ છોડી દીધું. જેથી તેમાંથી બચાવેલા પૈસા તેઓ રોગીઓની સેવામાં વાપરી શકે. તેઓ ટ્રામમાં ને બસમાં પણ ન બેસતાં. ચાલીને જતાં. પોતાની સામાન્ય સગવડો પણ જતી કરીને તેમાંથી બચેલા પૈસા પણ તેઓ રોગીઓની સારવારમાં વાપરી નાખતાં. તે આરોગ્ય અધિકારી લખે છે; ‘પોતે અપનાવેલા ભારત દેશ માટે અને તેના લોકો માટે તેનો આટલી હદ સુધીનો પ્રેમસભર ત્યાગ હતો.’
પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર તેઓ રોગીઓની વચ્ચે જઈ બેસતા અને તેમની સેવા કરતા. એક ધોબીના બાળકને બચાવવા માટે તેઓ બે દિવસ સુધી સતત એની પાસે બેસી રહ્યાં હતાં. તેને બચાવવાના સઘળા પ્રયત્નો કરવા છતાં તે બાળકે નિવેદિતાની હાજરીમાં જ સ્તોત્ર સાંભળતાં સાંભળતાં પોતાના પ્રાણ છોડી દીધા હતાં. નિવેદિતાને એનું અપાર દુઃખ થયું હતું. મૃત્યુના આવા કિસ્સા તો ઘરઘરના હતા. નિવેદિતાની હાજરીથી આ દુઃખી અને રોગીઓને આશ્વાસન મળતું, હૂંફ મળતી, આધાર મળતો. તેથી એમનું દુઃખ ઓછું થઈ જતું, સહનશક્તિ વધતી જિજિવિષા જાગી ઊઠતી, મૃતપ્રાય લોકોમાં ચેતનાશક્તિનો સંચાર થવા લાગતો. આ દુઃખી, ગરીબો માટે નિવેદિતા ધ્યાની દેવી હતાં, કરુણાનો અવતાર હતાં, એમના દુઃખના ઉદ્ધારક હતાં.
કલકત્તાના ઉચ્ચવર્ગના લોકોને નિવેદિતાના સાચા સ્વરૂપના દર્શન થયાં. તેમણે જોયું કે આ ગોરી મહિલા એ માત્ર નેતા જ નથી, માત્ર શિક્ષિકા જ નથી, માત્ર શ્રીરામકૃષ્ણમઠની સાધિકા જ નથી. પણ તે તો છે સેવાની સાક્ષાત્ મૂર્તિ, દયાની દેવી. ગરીબોની બેલી, હિંદના સહુથી નીચલા સ્તરના લોકો માટે એમના હૃદયમાંથી પ્રેમ અને કરુણા વહી રહ્યાં છે. ત્યાર પછી કલકત્તાના ભદ્રલોકો નિવેદિતાને માનની નજરે જોવાં લાગ્યાં.
આવું જ એમનું સેવા સ્વરૂપ પ્રગટી ઊઠ્યું હતું, પશ્ચિમ બંગાળના પૂર અને ભયાનક દુષ્કાળના સમયે. ત્યારે પશ્ચિમ બંગાળમાં આવેલા ભયંકર પૂરમાં ભારે તારાજી સર્જાઈ હતી. પાણીનાં પ્રચંડ પૂરોએ વાહનવ્યવહારને ખોરવી નાખ્યો હતો. તેથી લોકોને જીવન ટકાવવા પૂરતું ય અનાજ ન હતું. મહિનાઓ સુધી અર્ધભૂખ્યા રહીને લોકો દિવસ ગુજારતા હતા. તે સમયે શ્રીરામકૃષ્ણ મઠના સાધુઓની સાથે નિવેદિતા હોડીઓમાં બેસીને કાદવ કીચડ ખૂંદતા આ પૂરગ્રસ્ત લોકોની વહારે પહોંચી ગયાં. ત્યાં તેમણે કમકમા ઉપજાવે તેવી લોકોની દુર્દશા જોઈ. એ વિશે તેમણે લખ્યું છે; ‘મેં મારા જીવનમાં પુષ્કળ પ્રમાણમાં ગરીબાઈ જોઈ છે. પરંતુ આવી ગરીબાઈ ક્યારેય જોઈ નથી. આ લાખો લોકોને મહિનાઓ સુધી એક ટંક પણ પૂરતું ખાવાનું મળ્યું નથી. હવે તો તેમનો આધાર જ બીજા ઉ૫૨ હતો. આ મેં ક્યારેય અનુભવ્યું ન હોતું. મેં મારી નજરે આ દુઃખ જોયું છે. એ વિચાર કરવો પણ અસહ્ય છે. અને છતાં એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો પડે છે.’ આ વિસ્તારમાં એઓ ઘૂંટણ ઘૂંટણ સમા કાદવ-કીચડમાં પગે ચાલીને ફર્યાં. લોકોની દુઃખભરી દારુણ હાલત જોઈને, તેમનાં આસું લૂછતાં લૂછતાં તેમની પોતાની આંખોમાંથી આસું વહેવા લાગતાં. ક્યારેક તો એવું અસહ્ય દુઃખ જોવા મળતું કે જેને માટે આશ્વાસનના શબ્દો પણ મળતા નહીં. એક સ્ત્રીને, તેના પતિ અને બાળકોને વૃક્ષોનાં પાંદડાં ખાઈને જીવન ગુજારો કરતાં હતાં. પછી તે સ્ત્રીએ પતિને શહેરમાં કામ કરી કંઈક અનાજ લાવવા મોકલ્યો. ત્યાં કામ ન મળતાં પાછો આવતો હતો અને તેના ગામથી બે માઈલ દૂર જ ભૂખના દુઃખથી બેભાન થઈ ગયો ને પછી ત્યાં જ મૃત્યુ પામ્યો. તેના મૃતદેહ પર તેની સ્ત્રીનું હૃદયવિદારક કલ્પાંત જોઈ શકાય તેમ ન હતું. નિવેદિતા ચૂપચાપ તેની પાસે જ બેસી રહ્યાં. આ વિશે તેઓ લખે છે; “હું તે સ્ત્રીની પાસે લાંબા વખત સુધી રહી. પણ હું તેને કઈ રીતે આશ્વાસન આપું? હું પણ તે સ્ત્રીની ચીસ અનુભવી શક્તી હતી. ઓ મારા પ્રિયતમ હું તને બચાવી શકી હોત.” પણ આવું કલ્પાંત તો પ્રત્યેક ઘરમાં હતું. પ્રત્યેક પળે માનવીઓ મૃત્યુની ખીણમાં ધકેલાઈ રહ્યા હતા. આગલા વર્ષના દુષ્કાળ અને આ વર્ષના પૂરના બેવડા મારથી લાખો લોકો અસહાય અને નિરાધાર બન્યા હતા. ભૂખના દુઃખથી ટળવળતાં બાળકો, લાચાર માતાઓ અને કામની શોધમાં વ્યર્થ ભટકીને થાકી ગયેલા, જીવનથી હારી ગયેલા પુરુષોના અંતરની વ્યથા જોઈને નિવેદિતાનું હૃદય પણ વ્યથિત થઈ જતું. તેઓ પોતાની જાતની પરવા કર્યા વગર આ વ્યથિતોની વચ્ચે જતાં, તેમને અન્નવસ્ત્રની સહાય આપતાં, આશ્વાસન આપતાં, આ દયાની દેવીના આગમનની લોકો આતુરતા પૂર્વક રાહ જોતા રહેતા. એમના દર્શન માત્રથી એમના જીવનમાં આશાનો સંચાર થતો. એમની સહાયથી એમને જીવવાનુ બળ મળી જતું. સ્ત્રીઓ તો ટોળે વળીને એમને વીંટળાઈ વળતી. એમની આગળ પોતાના દુઃખો ઠાલવતી. એક પત્રમાં તેઓ લખે છે; ‘વાત કરતાં હું ખૂબ થાકી જતી. પરંતુ તેઓ બહુ માગણી કરતા નથી. થોડી નમ્રતાપૂર્વકની વાત તેમના ગળે ઊતરી જાય છે.’
નિવેદિતાની હાજરીથી એમની વાતોથી આ સ્ત્રીઓને લાગતું કે જાણે આ દયાની દેવીને ભગવાને એમના માટે જ મોકલી છે. આથી તે સ્ત્રીઓ વધુ ને વધુ તેમની પાસે આવતી. જ્યારે તેઓ હોડીમાં બેસી પાછાં જતાં ત્યારે આ સ્ત્રીઓ એમની હોડી જ્યાં સુધી દેખાય ત્યાં સુધી હાથ ઊંચા કરી આંસુભરી આંખે તેમને વિદાય આપતી.
નિવેદિતાએ આ ભોળાં ગ્રામ્યજનોના હૃદયમાં આવી ભયાનક સ્થિતિમાં પણ કુટુંબધર્મ અને માનવપ્રેમને ટકી રહેલાં જોયાં હતાં. ભૂખના દુઃખથી પીડાતા હોવા છતાં આ લોકો પોતાના હિસ્સાથી વધારે માગતા ન હતા, કેમ કે તેઓ ઇચ્છતા કે બધા જ લોકોને એ અનાજ મળી શકે. પોતાના અલ્પ હિસ્સામાંથી પણ કુટુંબના સભ્યો માટે તેઓ સાચવી રાખતા. પરંતુ જ્યારે કલકત્તાના વર્તમાનપત્રોનાં તંત્રી લેખોમાં આ ભોળા લોકોને સહાય બંધ કરવી જોઈએ એવાં લખાણો આવ્યાં ત્યારે તેમનો આક્રોશ ભભૂકી ઊઠ્યો. એક તંત્રી લેખમાં એવું લખ્યું હતું, ‘એવો ભય છે કે આ પ્રદેશના લોકો હવે રાહતકાર્યથી ટેવાઈ ગયા છે, અને તેને બંધ કરાવવાની ઇચ્છા ધરાવતા નથી.’ આ વાંચીને નિવેદિતાએ એનો સ્પષ્ટ શબ્દોમાં વિરોધ કરતાં લખ્યું કે આ ભોળાં લોકો મરવાનું પસંદ કરે છે. પણ માગવાનું નહીં. પણ પરિસ્થિતિ જ એવી ભયાનક છે કે તેમણે મદદ લેવી જ પડે છે.’ આ ઉપરાંત પણ તેમણે લખ્યું; ‘શું આપણાં હૃદય પથ્થરના બની ગયાં છે? શું આપણે એમ ઇચ્છીએ છીએ કે મદદ લેનારા દરેક વખતે સ્વમાનભંગની લાગણીનું તીવ્ર દુઃખ અનુભવે? આવા પ્રકારનું દુઃખ માનવને માટે અશક્ય છે.’ નિવેદિતાનાં આ લખાણોએ જ પશ્ચિમ બંગાળ અને બારીસાલના લોકોની ભયાનક સ્થિતિનો કલકત્તાના ઉચ્ચવર્ગના લોકોને ખ્યાલ આપ્યો. પછી મદદનો પ્રવાહ વહેતો થયો. સ્વયંસેવકો આવ્યા અને તે વિસ્તારના લોકોને રાહત મળી ને મૃત્યુના મુખમાંથી ઊગરી ગયા.
આ પૂર અને દુષ્કાળે નિવેદિતાની સેવાસાધનાને બંગાળના જનજીવનમાં જાહેર કરી દીધી. લોકોને હવે નિવેદિતાની આયોજનશક્તિ, વ્યવસ્થાશક્તિ, દુઃખીજનો પ્રત્યે સંવેદના, દરેક મનુષ્ય પરના પ્રેમની જાણકારી મળી. પશ્ચિમ બંગાળમાં મૃત્યુના મુખમાંથી ઉગરી ગયેલાં ભોળાં ગ્રામ્યજનો તો પ્રેમ અને કરુણાની આ દેવીને જીવનભર પૂજતા રહ્યા. એ જ તો પ્રભુને નિવેદિત એમના જીવનની સાર્થક્તા હતી. એમના ગુરુના શિવજ્ઞાને જીવસેવાના મહામંત્રનું એ જ તો પ્રકટ રૂપ હતું – દલિત ભારતનો ઉદ્ધાર, દરિદ્રનારાયણની સેવા, નારીજાગૃતિ, નારી શિક્ષણ અને ભારતની રાષ્ટ્રીય ચેતનાનું ગઠન. પોતાના ઉજ્જ્વળ ભૂતકાળને સંપૂર્ણપણે ભૂંસીને, પોતાના અહમ્નો વિલય કરીને ગુરુચરણે સમર્પિત, પાશ્ચાત્ય દેહ ધારણ કરેલી પણ નખઃશિશ હિંદુત્વને ધારણ કરતી આ નારીશક્તિએ જે રીતે સેવાકાર્ય કર્યું એવું વિશ્વના ઈતિહાસમાં કોઈ નારીએ કર્યું નથી. એ જ છે એમની મહાનતા અને તપોમય સમર્પિત જીવનની સર્વોચ્ચ સિદ્ધિ. એમની ભારત આગમન શતાબ્દીના આ વરસે પ્રેમ અને કરુણાની એ દેવીને, સેવાને સાધનાની એ જીવંત પ્રતિમાને, ત્યાગ સમર્પણ અને તપોમય જીવનની એ સંનિષ્ઠ સાધિકાને, શ્રીરામકૃષ્ણ વિવેકાનંદની એ પનોતી પુત્રીને શતશઃ પ્રણામ!
Your Content Goes Here




