હું તમને ફરીથી યાદ આપું કે ‘કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન । ‘કેવળ કર્મમાં જ તમારો અધિકાર છે, ફળમાં નહિ.’ ખડકની જેમ અડગ ઊભા રહો. સત્યનો હંમેશાં જય થાય છે. જો શ્રીરામકૃષ્ણનાં સંતાનો પોતાના આદર્શ પ્રત્યે નિષ્ઠા રાખે તો સૌ સારાં વાનાં થશે. આપણાં કાર્યોનું પરિણામ જોવા કદાચ આપણે જીવતા ન રહીએ. પરંતુ આપણે જીવતાજાગતા અત્યારે બેઠા છીએ એ હકીકત જેટલી નિશ્ચિત છે, તેટલું જ નિશ્ચિત એ છે કે મોડું યા વહેલું એનું પરિણામ આવશે જ. અત્યારે ભારતવર્ષને જરૂર છે રાષ્ટ્રની નસોમાં એક નવશક્તિનો સંચાર કરે એવી, વીજળી જેવી નવીન ચેતનાની. આ કાર્ય હંમેશાં મંદ ગતિએ ચાલ્યું હતું અને હંમેશાં એમ જ ચાલવાનું. કાર્ય કરીને સંતુષ્ટ રહો; અને સૌથી અગત્યનું એ કે આદર્શ પ્રત્યે નિષ્ઠા રાખો. રગેરગમાં પવિત્ર, મક્કમ અને અંતરથી સાચા બનો, તો બધું બરાબર થઈ રહેશે. જો શ્રીરામકૃષ્ણના શિષ્યોમાં તમે કંઈ વિશેષતા જોઈ હશે તો તે એ છે કે તેઓ રગેરગમાં સાચા છે. જો ભારતવર્ષમાં એવા સો માણસોને તૈયાર કરીને એમને હું કાર્યપ્રવૃત્ત કરી શકું તો આ સંસારમાં મારું કાર્ય પૂરું થયું ગણાશે અને હું પૂરા સંતોષથી મરીશ. પરમેશ્વર સર્વજ્ઞ છે. અજ્ઞાની લોકો ભલે વ્યર્થ બકવાસ કરે. આપણે કોઈની સહાય માગતા પણ નથી અને એવી સહાય પ્રાપ્ત થાય તો તેનો અસ્વીકાર પણ કરતા નથી; આપણે તો મહાન પરમેશ્વરના સેવકો છીએ. ક્ષુદ્ર મનુષ્યોના ક્ષુદ્ર પ્રયત્નો પ્રત્યે આપણે લક્ષ આપવું જોઈએ નહિ. આગળ ધપો! ચારિત્ર્યનું ઘડતર યુગોના પુરુષાર્થ પછી થાય છે. હતાશ થશો નહિ. સત્યનો એક શબ્દ પણ કદી વ્યર્થ જતો નથી; સત્ય કદાચ યુગો સુધી કચરા નીચે દટાયેલું રહે, પરંતુ વહેલું કે મોડું એ અવશ્ય પ્રકાશમાં આવશે. સત્ય નાશરહિત છે, સદ્ગુણ નાશરહિત છે, પવિત્રતા નાશરહિત છે. મને સાચો માણસ આપો, વટલેલાંના ટોળાંની મને જરૂર નથી. બેટા! દૃઢ બનો. કોઈની સહાય તરફ મીટ માંડશો નહિ. માણસોની સઘળી સહાય કરતાં શું પરમેશ્વર અનંતગણો મહાન નથી? પવિત્ર બનો, ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, હંમેશાં ઈશ્વર ઉપર જ આધાર રાખો; આમ કરશો તો સાચા પંથે ચાલી શકશો; તો પછી તમારી સામે કોઈનું કશું ચાલશે નહિ…
– સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




