ઉદ્બોધન કાર્યાલય દ્વારા મૂળ બંગાળીમાં પ્રકાશિત પુસ્તક ‘પત્રમાળા’માંથી ગુજરાતીમાં અનુવાદ સ્વામી જ્ઞાનેશાનંદ દ્વારા ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સહૃદયી વાચકો માટે પ્રસ્તુત કરવામાં આવે છે. – સં.
શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્
કોલકાતા,
ચૈત્ર સાતમ બંગાબ્દ ૧૩૨૮,
ચિરંજીવી શ્રી ન-,
તમારો પત્ર સમયસર મળ્યો. આશ્રમની પ્રતિષ્ઠાના પ્રયત્નોમાં વિઘ્ન આવી રહ્યા છે…
જો કામકાજ કરવા માગો, તો પછી શ્રીભગવાન ઉપર નિર્ભર રહીને પોતાના પગ ઉપર ઊભા રહો. કોઈ મનુષ્યની ઉપર આધાર રાખો નહીં – મારી ઉપર પણ નહીં. કોઈ તમને મદદ કરવા કે સહાય કરવા આગળ ન આવે તો ત્યારે પણ તમે એકલા જ આ કામમાં ‘કરેંગે યા મરેંગે’ના દૃઢ નિશ્ચયથી મંડી પડશો – આવું મનોબળ, સાહસ, હિંમત તથા ઈશ્વર નિર્ભરતા સાથે લઈને જો કરી શકો તો જ કરો. નહીંતર પછી આ કામમાં એક પણ ડગલું આગળ વધશો નહીં. ય… ગયો નહીં, તરત જ મિજાજ બગડી ગયો; લ… જે કરવાનું કહેતો હતો તે ન કરી શક્યો તો મન ઉદાસ થઈ ગયું – આવી રીતે મિજાજ ગુમાવવાથી શું કંઈ કામ કરવું શક્ય છે ખરું ? વધારે શું લખું. મારા સપ્રેમ આશીર્વાદ સ્વીકારશો.
શુભાકાંક્ષી,
શ્રીસારદાનંદ
શ્રીશ્રી રામકૃષ્ણ : શરણમ્
શ્રીરામકૃષ્ણ અદ્વૈત આશ્રમ,
લક્ષા, વારાણસી
૨૯ જાન્યુઆરી, ૧૯૨૧
ચિરંજીવી શ્રીમાન,
તમારો ૨૧ જાન્યુઆરીનો પત્ર સમયસર મળ્યો છે. ૨૦ મી જાન્યુઆરીએ અમે શ્રીમહારાજ (સ્વામી બ્રહ્માનંદજી) સાથે કાશી આવ્યા છીએ. અહીંયા લગભગ એક મહિનો રોકાવાના છીએ.
શ્રી મહારાજ અને અમારી તબિયત સારી છે. Non-co-operation (અસહયોગ) આંદોલન જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી Students’ Home (છાત્રાવાસ)ના વિદ્યાર્થીઓને ઘરે ભણાવવું જ સારૂં છે. આપણા વિદ્યાર્થીઓ સામાન્ય શિક્ષણ તેમજ કંઈક કામકાજ શીખીને આગળ વધીને સ્વાવલંબી બની શકે ત્યાં સુધી ધ્યાન રાખવા પૂરતું જ આપણું કર્તવ્ય છે. જે ઘરે ભણાવીને પણ થઈ શકે છે.
અમારા આશીર્વાદ તમે જાણજો અને સૌ કોઈને જણાવજો.
શુભાકાંક્ષી,
શ્રીસારદાનંદ
Your Content Goes Here




