(મેરી લુઈ બર્ક દ્વારા રચિત સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ’ (૬ ભાગોમાં) વિશ્વમાં ખ્યાતિ પામેલા છે. આ પુસ્તકના છઠ્ઠા ભાગમાંથી થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. મેરી લુઈ બર્કને (સિસ્ટર ગાર્ગીને) તેમના અસાધારણ શોધકાર્ય માટે રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર દ્વારા પ્રથમ વિવેકાનંદ પારિતોષિકથી વિભૂષિત કરવામાં આવ્યાં હતાં.)

(ગતાંકથી આગળ)

૧૮૯૫ના પૂરા વર્ષમાં સ્વામીજીએ આપેલાં પ્રવચનો અને વર્ષનો હિસ્સો તેમણે કરવા ધારેલાં પશ્ચિમી કાર્યમાં ઘણો હોવા છતાં આમાં ઘણું જૂજ પ્રકાશિત સ્વરૂપમાં આપણને ઉપલબ્ધ છે. સિવાય કે થાઉઝન્ડ આઈલૅન્ડ પાર્કના તેમના વર્ગોની નોંધ કે જે Inspired Talks (ગુજરાતીમાં ‘દિવ્યવાણી’) નામના અમૂલ્ય પુસ્તક રૂપે ઉપલબ્ધ છે. અત્રતત્ર વિખરાયેલા કેટલાક સંદર્ભો સૂચવે છે કે તેમના ન્યૂયૉર્કના વર્ગોમાં તેમણે, ચાર યોગ માર્ગો જ્ઞાન, રાજ, ભક્તિ અને કર્મને પ્રાધાન્ય આપ્યું હતું અને લંડનમાં આ વિષે જ તેમણે પ્રવચનો આપ્યાં હશે તે શક્યતાને નકારી શકાય નહીં. આ સમય ગાળાના તેમના ન્યૂયૉર્કમાં આપેલાં વ્યાખ્યાનો આ મુજબ છે: “ધી વેદાંત ફીલૉસૉફી”, “ધી સાયન્સ ઑફ રિલિજિયન”, “રેંશનલ ઑફ યોગ”, “વૉટ ઈઝ વેદાંત?” અને “વૉટ ઈઝ યોગ?” સ્પષ્ટપણે, સ્વામીજીએ વેદાંતના દર્શન અને તેના અભ્યાસ વિષેના સિદ્ધાંતો શિખવવાના શરૂ કરી દીધા હતા, જેમણે તેમના તે પછીના કાર્યસત્રમાં કાયમી સ્વરૂપ પકડી લીધું. લંડનમાં તેમણે આપેલાં જાહેર વ્યાખ્યાનનું મથાળું, ‘આત્મજ્ઞાન’ આ જ હકીકતની સાક્ષી પૂરે છે.

૧૮૯૬ (ડિસેમ્બર ૯, ૧૮૯૫થી ડિસેમ્બર ૧૬, ૧૮૯૬)નું વર્ષ સુવર્ણકાળ સમાન પુરવાર થયું. કારણ કે આ વર્ષ દરમિયાન જ તેમની પશ્ચિમની પહેલી મુલાકાતના હેતુના હાર્દસ્વરૂપ કાર્ય થયું અને પરિણામે આપણને કર્મયોગ, જ્ઞાનયોગ, રાજયોગ અને ભક્તિયોગ તેમ જ અમેરિકા અને લંડનમાં આપેલાં મહત્ત્વનાં વ્યાખ્યાનો અને વર્ગોની નોંધોની અમૂલ્ય ભેટ મળી. જેમાં હાવર્ડમાં આપેલ વ્યાખ્યાન “ધી સાયન્સ ઍન્ડ ફીલૉસૉફી ઑફ રિલિજિયન”, જ્ઞાનયોગમાં જેનો સમાવેશ નથી કરાયો તેવું “વેદાંત ઍન્ડ પ્રિવિલેજ” અને શ્રીરામકૃષ્ણ ઉપરનાં બે વ્યાખ્યાનો “મારા ગુરુદેવ”નો સમાવેશ થાય છે. પોતાના ઉપદેશનો મધ્યવર્તી વિચાર એમણે પોતે જ આપણી સમક્ષ મૂક્યો છે. તેમના ‘રાજયોગ’ પુસ્તકના મુખપૃષ્ઠ ઉપર જ પતંજલિના યોગસૂત્રના બીજા પ્રકરણના પચીસમા સૂત્ર ઉપરના તેમણે કરેલ ભાષ્યમાંથી લઈને તેમનો મધ્યવર્તી સંદેશ આપવામાં આવ્યો છે. ‘દરેક આત્મા નિહિતપણે દિવ્ય છે. બાહ્ય અને આંતરિક પ્રકૃતિના નિયંત્રણ દ્વારા આ સુષુપ્ત દિવ્યતાનું પ્રગટીકરણ એ માનવજીનનું ધ્યેય છે. કાર્યથી, પૂજાથી, મનના નિયંત્રણથી કે જ્ઞાનવિચારથી – આ એકથી અથવા વધારેથી અથવા આ બધાથી દિવ્યતાને પ્રગટ કરો અને મુક્ત બનો. આ જ ખરેખરો ધર્મ છે. વાદો, પંથો, સંપ્રદાયો, કર્મકાંડો, પુસ્તકો, મંદિરો, મૂર્તિઓ આ બધું ગૌણ છે.’

૧૮૯૬ના અંતભાગમાં સ્વામીજીએ પોતાના સંદેશને વધારે સચોટતાથી આપ્યો. ભગિની નિવેદિતાને લખેલા પત્રમાં તેમણે લખ્યું, “મારા આદર્શને ચોક્કસ શબ્દોમાં મૂકી શકાય અને તે છે – માનવતાને તેની દિવ્યતાનો સંદેશ આપી જીવનની પ્રત્યેક ક્ષણમાં તેને કઈ રીતે પ્રગટ કરવી એ શીખવવું તે.” આ મુખ્ય સંદેશમાં જ તેમના દરેક કાર્યનાં મૂળ હતાં અને આ માટે તેમણે અનેક પ્રકારના રસ્તાઓ સૂચવ્યા કે જેથી જુદાજુદા સ્વભાવવાળા અને આધ્યાત્મિક પ્રગતિનાં વિવિધ સોપાનોએ પહોંચેલાં લોકો પોતાની દિવ્ય પ્રકૃતિને પિછાણી તેને પ્રગટ કરવા આગળ વધી શકે. આ ઉપરાંત તેમણે એ પણ શિખવ્યું કે, ખરેખર તો આમાંનો કોઈ પણ માર્ગ એકલો કે સંયુક્ત રીતે જગતની જુદીજુદી ધાર્મિક માન્યતાઓ અને આચરણની વિવિધ સ્વરૂપે અભિવ્યક્તિ છે. દરેકનું મંતવ્ય સમાન છે, દરેક સમાન રીતે માનવીય અભિલાષાઓ અને દૈવી અનંતતા માટેના સંધર્ષથી પ્રેરિત છે.

એ સ્પષ્ટ છે કે તેમણે યોગના આ ચારેય માર્ગોને એકસરખું પ્રાધાન્ય આપી તેમને શીખવ્યા. વેદાંતના ત્રણ મુખ્ય દર્શનો – દ્વૈત, વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈતને તેમણે સમજાવ્યાં અને દર્શાવ્યું કે પ્રથમ બંને દર્શનો માનવજાતિના ત્રીજા દર્શન તરફની ઊર્ધ્વ ગતિ માટેનાં જરૂરી સોપાનો છે. અદ્વૈતથી વધુ ઊર્ધ્વ કોઈ સત્ય હોઈ શકે નહીં. તેમણે દરેક ધર્મના સ્વીકારનો રાહ સૂચવી દર્શાવ્યું કે નિમ્ન સત્યથી ઊર્ધ્વ સત્ય તરફની આત્માની યાત્રાને મદદ કરવા માટે દરેક પોતપોતાનું આગવું સ્થાન ધરાવે છે અને આથી જ કોઈ ધર્મની ઘૃણા કરવી જોઈએ નહીં. વધુમાં તેમણે એ પણ શીખવ્યું કે અનેક પ્રકારના લોકો, જાતિઓ, સંસ્કૃતિઓ, ધર્મો અને વૈચારિક માન્યતાઓના સમૃદ્ધ વૈવિધ્યથી બનેલ માનવસમાજમાં વેદાંત કઈ રીતે વિશાળ પાયો બનીને આ બધા વચ્ચે ચિર સંવાદિતા લાવી શકે. તેમણે વેદાંત અને સાંખ્યના મત પ્રમાણે વિશ્વની ઉત્પત્તિ અને તેની રચના (Cosmology) તેમ જ યોગને માનસશાસ્ત્રીય પદ્ધતિએ શીખવ્યું અને દર્શાવ્યું કે આ તેમ જ અદ્વૈત વેદાંતની ફીલૅાસાફી કઈ રીતે બાહ્ય દૃષ્ટિએ વિરોધાભાસી લાગતાં એવા વિજ્ઞાન અને ધર્મ, તર્કગમ્યતા અને રહસ્ય, (reason and mysticism) રોજ-બ-રોજની જિંદગી અને આધ્યાત્મિક સાધના – આ બધાં વચ્ચે સુમેળ કરાવી શકે છે અને સ્પષ્ટ કર્યું કે મૂળભૂત રીતે ભૌતિક દૃષ્ટિકોણ ધરાવતું પાશ્ચાત્ય દર્શન મુખ્ય અને વારંવાર ઉદ્ભવતા બે સવાલો શા માટે? અને ‘ક્યારથી?’ના ઉત્તરો આપવામાં નિષ્ફળ ગયું છે અને જેના ઉત્તરો વેદાંત કઈ રીતે આપે છે. તેમણે મનુષ્યના ઈશ્વર, જગત અને પોતાના વિષેના ખ્યાલોને વિસ્તારી તેમને અનંતતા સુધી પહોંચાડ્યા. દરેક મનુષ્ય પોતાની વ્યાવસાયિક અને લૌકિક ફરજોને ભવ્ય, એકલક્ષી પૂજા તરીકે ગણી, એક (ઈશ્વરપૂજામાં) મગ્ન સંન્યાસી કે સંન્યાસિનીના એકાકી માર્ગની જેમ જ આ ધર્મમાર્ગને સીધા, પરિપૂર્ણ ઈશ્વરસાક્ષાત્કારના માર્ગ તરીકે ગણી આ જ માનવજીવનને (સાધનામાં) રૂપાંતરિત કરી શકે તે દર્શાવ્યું. પોતપોતાની અભિરુચિ પ્રમાણેના ધર્મનું ચયન કરી, તેનો નિષ્ઠાથી અભ્યાસ કરનાર દરેક મનુષ્ય ઈશ્વરને પ્રાપ્ત કરી શકે છે એ તેઓએ બતાવ્યું. ખરેખર, ધર્મનો એવો ફેલાવો (expansion) કે જે સમગ્ર માનવજીવનને આવરિત કરે છે; અને સામાન્ય માનવજીવનનું અખંડિત આનંદ – ઉત્સાહસભર જીવનમાં તેમજ પોતાની તથા દરેક મનુષ્યમાં રહેલી દિવ્યતાને પિછાણવા માટેના એક સ્વ-પરિપૂર્ણ સાધન તરીકે કરેલું રૂપાંતરણ – આ ૧૮૯૬ના સમયગાળામાં આપેલો તેમનો મુખ્ય સંદેશ હતો.

આમ આ સમય હતો કે જ્યારે સ્વામીજીએ પાશ્ચાત્ય જગતને વેદાંતનું ગહન શિક્ષણ એ રીતે આપ્યું કે તે સમવર્તી પાશ્ચાત્ય સમાજની સામુહિક સમસ્યાના વિવિધ પાસાંઓ ઉપર પ્રકાશ ફેંકી શકે. પોતાની લાક્ષણિક શૈલીથી તેમણે આ ખૂબજ ગહન અને વિવિધદર્શી દર્શનને પોતાનાં વ્યાખ્યાનો અને વર્ગો દ્વારા જીવનપ્રદ અમૃત જેવું બનાવી પ્રાણપ્રેરક બનાવ્યું. પાશ્ચાત્ય જગતમાં આ પહેલાં આવું ક્યારેય બન્યું નહોતું.

પશ્ચિમના લોકોને આપવાના સંદેશને ઘડવામાં અને તેને રજૂ કરવામાં મગ્ન હોવા છતાં, સ્વામીજી ક્યારેય પોતાની માતૃભૂમિને ભૂલ્યા નહોતા, કે તેના વિચારને ક્યારેય તેમણે પશ્ચાદ્ભૂમાં ધકેલ્યો નહોતો. માતૃભૂમિની દારુણ દયાજનક દશા તથા તેના વ્યથિત લોકોની પીડા દૂર કરવા માટેની તેમની હાર્દિક તમન્નામાં ક્યારેય ઓટ આવી નહોતી અને તેનું નવજાગરણ કરવાનું કાર્ય ક્યારેય મુલતવી રાખ્યું નહોતું. તેમની પશ્ચિમની પહેલી મુલાકાત વખતે તેમના ગુરુભાઈઓ તેમજ ગૃહસ્થશિષ્યો અને મિત્રોને લખેલા ઘણા પત્રોમાં તેમણે ભારતની સમસ્યાઓ અને તેને દૂર કરવા માટેના પ્રયત્નો વિષે સતત લખ્યું હતું. એ તો સુવિદિત છે કે ૧૮૯૨ના અંતભાગમાં કન્યાકુમારીની એક શિલા ઉપર બેસીને તેમણે આ વિચાર સેવ્યો હતો કે ભારતની કચડાયેલી અને પીડિત પ્રજાની સંનિષ્ઠ સેવા અને તેમના ઉત્થાન માટે “વિપુલ શક્તિ ધરાવતા ઉત્સાહી સંન્યાસીઓનું એક દળ ઊભું કરવું જોઈએ.” આથી સંન્યાસીઓની એક એવી સંસ્થા રામકૃષ્ણસંઘની રચના કરવા તેઓ સતત વિચાર્યા કરતા કે જે સંન્યાસીઓની પ્રણાલિગત આધ્યાત્મિક સાધના – ધ્યાન કરવામાં જ સીમિત રહેવાને બદલે ‘શિવરૂપે જીવસેવા’ કરે અને તેમનું જીવનનું લક્ષ્ય ‘આત્મનો મોક્ષાર્થ જગત્ હિતાય ચ’ હોય. ભારતીય સંન્યાસ પ્રણાલિકા મુજબ આ વિચાર અત્યંત ક્રાંતિકારી હોવાથી સંઘની પ્રવૃત્તિઓના દરેક પાસાંઓનો ઊંડાણથી વિચાર કરી તેની આચારસંહિતા સ્વામીજીએ ઘડી.

સિસ્ટર ક્રિસ્ટીને પોતાના સ્મૃતિગ્રંથમાં લખ્યું, “એ દિવસોમાં સ્વામીજીના મગજમાં તુમુલ ઘમસાણ મચાવતા એ વિચારોને અમે જાણી શકયા નહોતા. તેઓ ભારપૂર્વક કહેતા, ‘કાર્ય – કાર્ય – કાર્ય – ભારતમાં શરૂ કરવા ધારેલા કાર્યને કઈ રીતે શરૂ કરવું!’ હું માનું છું કે તેમણે અમેરિકા છોડ્યું એ પહેલાં ચોક્કસપણે આ કાર્ય અને તેની પદ્ધતિઓ વિષે તેઓ ખૂબ સ્પષ્ટ હતા.”

તેમણે અમેરિકા અને ઇંગ્લૅન્ડથી લખેલા પત્રો, ૧૮૯૭માં ભારત પાછા ફર્યા પછીનાં તેમનાં ભાષણો જેટલી જ અગત્યતા ધરાવે છે જેમાં તેમણે પોતાનાં વિચારો, યોજનાઓ, આશાઓને નક્કર સ્વરૂપ આપ્યું અને નિયમોને આખરી ઓપ આપ્યો, કાર્યની શરૂઆત કઈ રીતે કરવી તેનું માર્ગદર્શન આપ્યું, ભારપૂર્વક સલાહો આપી, ઉત્સાહ આપ્યો, ધમકી આપી અને એમાં પોતાની એટલી બધી શક્તિ રેડી કે છાપેલો દરેક અક્ષર જાણે જીવંત બની ઊઠ્યો. આમ તેમના ભારતીય કાર્યના મંગલાચરણને ધ્યાનમાં લીધા સિવાય તેમની પશ્ચિમની પહેલી મુલાકાતને મૂલવવી મુશ્કેલ છે.

હવે, આપણે સ્વામીજીની પશ્ચિમની બીજી મુલાકાત તરફ વળીએ. તેમની પહેલી અને બીજી મુલાકાત દરમ્યાન આપેલાં ભાષણોને વાંચતા તરત જ ખ્યાલ આવે છે કે આ બંને મુલાકાતો દરમ્યાન તેમની મન:સ્થિતિ અને તેમણે આપેલ સંદેશમાં નિશ્ચિતપણે ફેર છે. એ સ્વયંસ્પષ્ટ છે કે ઉત્તર કેલિફૉર્નિયામાં તેમણે આપેલાં ભાષણો આગઝરતાં હોવા છતાં તે વાંચ્યાં પછી સ્વામીજીને ‘ઝંઝાવાતી સાધુ’ કહી શકાય નહીં. આ સમય દરમિયાન તેમણે એક પયગંબરની જેમ, સીધાં જ પ્રગટ થયેલાં રહસ્યોનું તેમના – દાર્શનિક ખુલાસામાં ઉતરવાની પરવા કર્યા વિના એક પછી એક ઉચ્ચારણ કર્યું. તેમની પહેલી મુલાકાત વખતે અનુભવાતો આવેગ, આક્રોશ કે કોઈ ચોક્કસ સંદેશ બીજી મુલાકાતમાં દૃષ્ટિગોચર થતા નથી. તેમણે કહેલું, “મારા સંદેશને આપવા માટેનો પૂરતો વખત મારી પાસે નથી.”

ભારતની બદનક્ષી કરનારા પશ્ચિમના લોકો સામેની લડાઈ લડીને તેમણે જીતી લીધી હતી, જગતને ભારતનાં સંસ્કૃતિ, ધર્મ અને દર્શનના ઊંડાણનો અનુભવ કરાવી દીધો હતો, વેદાંતના દરેક પાસાંનું તેના સૂચિતાર્થો સાથે શિક્ષણ આપી દીધું હતું. વધુમાં, પોતાની માતૃભૂમિના નવજાગરણ માટેના યંત્રને તેમણે ગતિ આપી દીધી હતી; અને ભારતીય લોકોને આપવા ધારેલો સંદેશો પણ તેમણે આપી દીધો હતો. ટૂંકમાં, ૧૮૯૯માં જ્યારે સ્વામીજીએ બીજી વખત અમેરિકા આવવા માટે ભારત છોડ્યું ત્યારે પૃથ્વી ઉપરનું તેમનું જીવનકાર્ય લગભગ પૂર્ણ થઈ ચૂક્યું હતું અને તેમનો કાર્યબોજ પણ હળવો થઈ ચૂક્યો હતો.

ભારત છોડતી વખતે સ્વામીજી શારીરિક અને માનસિક રીતે સખત થાકેલા હતા અને ભારતીય કાર્યના વિકાસ અંગે તેમના મનમાં અસંતોષ હતો ખરો, પરંતુ રીજલી મેનારમાં આરામ લેવાથી અને લૉસ ઍન્જલસમાં મઠના ખર્ચ પૂરતા પૈસા તેમણે એકત્રિત કરી લીધા હોવાથી તેમજ સાન ફ્રાન્સિસ્કોમાં બેલુર મઠમાંથી તેમના ગુરુભાઈઓના ઉત્સાહજનક પત્રો મળવાથી તેમને માટે જે ખૂબ સહજ હતી તેવી સંપૂર્ણ શાંતિ તેમને પ્રાપ્ત કરી લીધી હતી. ખરેખર, કેલિફૉર્નિયાની મુલાકાતના અંત ભાગમાં સ્વામીજી એટલા તો પૂર્ણ અને અગમ્ય, અનુભવાતીત (transcendental) લાગતા હતા કે તેમના ચાહકોએ કદાચ એમ પણ માની લીધું હશે કે, જેના વગર તેઓ પોતાનું જીવનકાર્ય કરી શક્યા ન હોત તેવો અતિ પાતળો એવો માયાનો પડદો ઊઠી જવાની તૈયારી છે અને સ્વામીજી થોડા દિવસોના મહેમાન છે.

આથી જ કેલિફૉર્નિયામાં આપણને પહેલાંનાં વર્ષોમાં જોવા મળતો જુસ્સો, કે કોઈ પણ પ્રકારની ઉતાવળને બદલે પ્રશાંત રમતિયાળ અને અમુક વખતે કાવ્યમય એવા સ્વામીજીનાં દર્શન થાય છે. પરંતુ શાંત હોવાનો અર્થ એ નથી કે તેમનું જીવન શક્તિશાળી અને અસરકારક નહોતું. એ શક્તિ કોઈ ધસમસતા પ્રવાહને બદલે પોતાની રાહ જોઈ રહેલા સમુદ્રને મળવા જઈ રહેલી, વિશાળ છતાં ઊંડી અને મુક્ત રીતે તેમજ સહજતાથી વહી જતી સરિતા જેવી શાંત હતી અને દિવ્ય પયંગબરો ધરાવતા હોય છે તેવા ઈશ્વરની તેજસ્વી, પ્રકાશમય આભાર્થી તેઓ આવરિત રહેતા. વળી વિરોધાભાસ એ છે કે કેલિફૉર્નિયામાં તેમનામાં એક યોદ્ધાનો ભાવ ન હોવા છતાં, તેમનો સંદેશ વીરતાર્થી ભરપૂર, બાંધછોડ ન કરી શકાય તેવો અને તેને અનુસરવા માટે મનુષ્ય પાસેથી અથાક પરિશ્રમ માગી લે તેવો છે.

અમેરિકાની તેમની બીજી મુલાકાત વખતે કોઈ ચોક્કસ સંદેશો આપવાની તેમની યોજના ન હોવા છતાં, વિશ્વપયગંબર હોવાને કારણે તેમની પાસે તો જગતને આપવાના સંદેશનો ખજાનો હતો. આથી જ, ૧૮૯૯ના જુનમાં હુગલી નદીમાંથી જેવું બંગાળના ઉપસાગર તરફ તેમના જહાજે પ્રયાણ કર્યું, કે તેમણે ભગિની નિવેદિતાને ‘પોતાના નવા પૈગામ’ની વાત કહી. મિસ મૅકલાઉડે રીજલી મેનારથી શ્રીમતી બુલને લખ્યું, “સ્વામીજી પાસે તેમનો નવો સંદેશ તૈયાર છે – કે જીવનનો મુખ્ય આધાર ચારિત્ર્ય છે (તેમણે કહ્યું,) – કે જરૂરિયાતની ક્ષણોમાં માણસે પોતે જ એકલા ઊભા રહી સંજોગોનો સામનો કરવાનો છે. ક્યારેક એવું લાગે છે કે બુદ્ધો અને ખ્રિસ્તો માનવતાનું ભલું કરવાને બદલે નુકશાન પહોંચાડે છે. – કારણ મનુષ્ય પોતાના ચારિત્ર્યને વિકસાવવાને બદલે તેમનું અનુકરણ કરવાની કોશિશ કરે છે!”

“અહીં એ પણ યાદ રાખવું ઘટે કે જ્યારે તેમના ભાઈને મદદ કરવા માટે મિસ મૅકલાઉડ રીજલી મેનારથી કેલિફૉર્નિયા જવા તૈયાર થયાં ત્યારે સ્વામીજીએ કહેલું, “કેટલાક વર્ગો ગોઠવાય તેની તૈયારી કરો અને હું આવું છું.” જેણે બીજાને શીખવવા માટે અને મનુષ્યોને મદદ કરવા માટે જ જન્મ લીધો છે તે એકાંત જગ્યાએ આવેલા રીજલી મેનારથી ઘરની મિજબાનીઓમાં કેટલો સમય આરામ શોધી શકે? તેમની પાસે એક એવો સંદેશ હતો કે જે પૂર્ણપણે પ્રગટ થવાની રાહ જોઈ રહ્યો હતો.

સ્વામીજીના આ નવા સંદેશનો જન્મ અને તેનો પ્રસાર ભારતના તેમના નિરાશાજનક અનુભવોમાંથી થયો હતો તેમ માનવાને પૂરતાં કારણો છે. સ્વામીજીના દેશવાસીઓ કે જેઓ તેમના અનુયાયીઓ હતા અને માનભેર તેમના દરેક શબ્દનો ઉત્સાહજનક, હકારાત્મક પ્રતિભાવ આપતા હતા તેઓ પણ તેમના સંદેશને કાર્યાન્વિત કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેઓ તો અધ:પતન તરફ લઈ જનાર સૈકાઓ જૂની માન્યતાઓ અને માર્ગો મુજબ વિચારીને જ જીવન જીવતા હતા. સ્વામીજીને સમજતાં વાર ન લાગી કે તેઓ તેમને (સ્વામીજીને) સમજી શક્યા નહોતા.

મદ્રાસમાં તેમણે ગર્જના કરી: “છેલ્લાં સો વર્ષોથી તમે સુધારાઓ, આદર્શોની વાતો કરતા આવ્યા છો, પણ જ્યારે એ વ્યવહારમાં મૂકવાની વાત આવે છે ત્યારે તમે તેને મૂકી શકતા નથી અને ઉપરથી સુધારાને વખોડો છો! આનું કારણ શું? એકમાત્ર કારણ એ જ છે કે તમે નબળા છો, નબળા છો, નબળા છો; તમારું શરીર નબળું છે, તમારું મન નબળું છે, તમારા પોતાનામાં તમને વિશ્વાસ નથી! અને સદીઓ, હજારો વર્ષો સુધી રાજાઓ, વિદેશીઓ અને તમારા જ લોકોએ ક્રૂરતાથી તમને કચડીને, તમારી બધી શક્તિ હરી લઈને, તમારી આ હાલત કરી છે. મારા ભાઈઓ! તમારી કરોડરજજુ તૂટી ગઈ છે, તમે રસ્તે ઘસડાતાં જતાં જીવડાં જેવા છો – તમને શક્તિ કોણ આપશે? શક્તિ મેળવવાનું પ્રથમ પગથિયું છે, ઉપનિષદોને પકડો અને દૃઢતાપૂર્વક માનો કે ‘હું આત્મા છું’ હું ઈચ્છું કે નચિકેતાની શ્રદ્ધા તમારા બધામાં આવે અને તમારામાંનો દરેક એક મહાકાય પુરુષની જેમ ખડો થઈ, પ્રચંડ બુદ્ધિમત્તાવાળો, બધી રીતે પૂર્ણ એવો અસીમ ઈશ્વર બની, વિશ્વને પોતાની તાકાતથી હચમચાવી દે. તમને હું આવા જોવાની આશા રાખું છું. આ શક્તિ, આ અપૂર્વ બળ તમને ઉપનિષદમાંથી પ્રાપ્ત થશે.”

અને કલકત્તામાં હઠાગ્રહી અને જડ એવી માન્યતાઓમાં ફસાયેલા બ્રાહ્મણોને તેમણે કહ્યું, “તમે મહાન વેદાંતીઓ છો, ખૂબ રૂઢિચુસ્ત છો, કેમ? તમે હિંદુ છો! અરે, ખરેખર હું તમને વધારે રૂઢિચુસ્ત બનાવવા માગુ છું. જેટલા તમે રૂઢિચુસ્ત બનશો, એટલા સમજવાળા બનશો અને જેટલા પ્રમાણમાં અર્વાચીન રૂઢિગતતા વિષે વિચારશો, એટલા વધુ મૂર્ખ બનશો. તમારી પ્રાચીન રૂઢિ તરફ પાછા જાઓ! કારણ કે, એ દિવસોમાં આ પુસ્તકોમાંથી આવતો દરેક અવાજ, દરેક ધબકાર, મજબૂત, સ્થિર અને નિષ્ઠાવાન હૃદયમાંથી આવતો હતો; દરેક શબ્દ સત્ય હતો, જાઓ, એ પુરાણા દિવસો તરફ પાછા જાઓ, જે શક્તિ અને પ્રાણવાન સામર્થ્યથી ભરેલા હતા. ફરી એક વખત દૃઢ બનો, આ અમૃતનું સુધાપાન કરો, એ જ ભારતમાં પ્રાણસંચાર કરવા માટેનો ઉપાય છે.”

પણ એ વખતે સ્વામીજીની આ આગઝરતી હાકલનો તેમણે જેવો ઈચ્છ્યો હતો તેવો દેશવ્યાપી પ્રતિભાવ બિલકુલ મળ્યો નહીં, દેશના હૃદયમાં પ્રાણસંચાર થયો નહીં. સ્વામીજીને લાગ્યું, જાણે કોઈ ભૂખે મરતા મનુષ્યને પોષક ખોરાક ખૂબ મોટી માત્રામાં મળ્યો, પણ તે ખાઈ શકવા તે બિલકુલ શક્તિમાન હતા નહીં, એમાં જરાયે શંકાને સ્થાન હોઈ શકે નહીં કે પોતાની સુપ્ત માતૃભૂમિના જાગરણનો આ પ્રયત્ન કરતાં-કરતાં જે ૧૮૯૯ની શરૂઆતમાં સ્વામીજી એવા તારણ ઉપર આવ્યા કે જેઓ દૃઢ શક્તિશાળી છે તેવાં સ્ત્રીપુરુષો જ ઉપનિષદના આ સિંહ સમાન, કોઈપણ ભેળસેળ વગરના, શુદ્ધતમ ધર્મને સ્વીકારી શકશે.

વ્યક્તિગત અને સામાજિક જીવનના દરેક સ્તરે સૌ પ્રથમ આવા શક્તિશાળી સ્ત્રીપુરુષોને તૈયાર કરવા જોઈએ. ભારતના આ પ્રાચીનતમ, ઉચ્ચતમ અને વિશાળતમ એવાં સત્યોને પહેલાં લોકોના લોહીમાં બુંદેબુંદમાં ઘરાવવાનું કાર્ય પહેલાં થવું જોઈએ “ઊઠો, જાગો! ભારતવાસીઓને આ અભયસંદેશ – આ૫વા હું જન્મ્યો છું.” તેમણે ઘોષણા કરી અને પોતાના શિષ્યોને ભારપૂર્વક કહ્યું, “તમે મારા કાર્યમાં ભાગીદાર બનો. એક ગામથી બીજે ગામ, એક ખૂણેથી બીજે ખૂણે જાઓ અને બ્રાહ્મણથી ચાંડાલ સુધી દરેકને આ અભયનો સંદેશ પહોંચાડો. દરેકને જઈને કહો કે તેમની અંદર અનંત શક્તિ પડેલ છે. તેઓ અમૃતનાં સંતાનો છે. આમ, તેમની અંદર જ રસ જાગૃત કરી, તેમના અસ્તિત્વને ટકાવવા માટે તેઓ સક્ષમ બને તે જુઓ અને પછી તેમની પાસે મુક્તિની વાતો કરો. સૌ પ્રથમ તેમની અંત:શક્તિને જાગૃત કરી દેશના લોકોને તેમના પગ ઉપર ઊભા કરો. પહેલાં તે લોકો સારો ખોરાક, કપડાં અને ખૂબ આનંદ ભોગવી શકે તે માટે તૈયાર કરો… સમગ્ર દેશ આળસ, હલકી વૃત્તિ અને દંભથી આવરિત થઈ રહ્યો છે. મદ્રાસ, મુંબઈ, પંજાબ, બંગાળ… જ્યાં-જ્યાં હું નજર નાખું છું, ત્યાં-ત્યાં જીવનની કોઈ સંજ્ઞા દૃષ્ટિગોચર થતી નથી.

હિંદુ લોકો સદીઓથી જે ધર્મનું અનુકરણ કરતા હતા તે દ્વૈતવાદથી એવા લોકો ઉત્પન્ન થઈ શક્યા હોય કે જે અદ્વૈત વેદાંતનાં દૃઢ, તાજગીસભર સત્યોને અનુરૂપ જીવી દેશને ઉપયોગી થઈ શકે તેવું લાગતું નહોતું. એને બદલે આ નિમ્ન શિક્ષણને અનુસરવાથી લોકો પાગલ બની ગયા હોય એવું લાગતું હતું. સ્વામીજીએ લાહોરમાં આક્રોશ ઠાલવ્યો, “આખા ય વિશ્વમાં મેં જોયું છે કે નમ્રતાના પાયા ઉપર રચાયેલ આ નબળા સંદેશાથી માનવજાતને માટે વિનાશક એવી ખરાબ અસર થઈ છે. આ જ રીતથી આપણા બાળકોનો ઉછેર થાય છે અને પછી તેઓ અર્ધ-પાગલ બને તેમાં શું કોઈ આશ્ચર્ય છે?” નબળાઈની સાથે સંબંધિત જે કાંઈ છે તે બધાને સ્વામીજી વખોડી નાખતા “દરેક જિલ્લા અને ગામડામાં તમે ફક્ત ખોલ અને કરતાલનો ધ્વનિ જ સાંભળશો! બાળપણથી સંગીતના આવા સ્ત્રૈણ સ્વરૂપને અને કીર્તનને સાંભળીને આખો દેશ સ્ત્રૈણ દેશમાં ફેરવાઈ ગયો છે. આનાથી વધુ પતનની તમે શું આશા રાખી શકો? ઉદાત્ત વેદિક ઋચાઓની ગર્જનાથી દેશમાં જીવન પાછું લાવવું પડશે. દરેકમાં વીર માનવત્વના ખડતલ આત્માનું નવજાગરણ કરવું પડશે.” દરેક જગ્યાએ અદ્વૈતની મહાન ગર્જનાનો પડઘો પડવો જોઈશે.

ડિસેમ્બર ૧૮૯૮ના ‘પ્રબુદ્ધ ભારત’માં સ્વામીજીએ આપેલા ઈન્ટરવ્યૂમાં જે વિચાર મૂક્યો હતો કે દરેક મનુષ્ય ‘નિમ્ન સત્યથી ઊર્ધ્વ સત્ય’ સુધી પહોંચવા માટે પોતાને અનુરૂપ અને સૌથી ઓછો અવરોધક હોય તેવો અભિગમ અપનાવી પોતાનો ધાર્મિક વિકાસ સાધવો જોઈએ, તેને બદલે સ્વામીજીએ તેમના મગજમાં ઘણા વખતથી આકાર લઈ રહેલો વિચાર મૂક્યો કે દરેકે સૌથી ઉચ્ચ એવા સત્યથી જ શરૂ કરવું જોઈએ કે “હું સર્વજ્ઞ એવો આત્મા છું” અને આ મૂળભૂત હકીકતને પોતાના માનસિક અભિગમના પાયારૂપ બનાવવી જોઈએ. પ્રથમ ૧૯૩૫ના ‘પ્રબુદ્ધ ભારત’માં પ્રસિદ્ધ થયેલ અને પછી ‘સ્વામી વિવેકાનંદનાં સંસ્મરણો’માં જેનો અમુક અંશ પ્રકાશિત થયો હતો તે ભગિની નિવેદિતાના ત્રણ પત્રોનો સારાંશ, સ્વામીજી ભારતમાં રહ્યા તે દરમિયાન આ બાબતમાં તેમના વિચારોમાં ફેરફાર થયો હતો તે હકીકતની સાક્ષી પૂરે છે. (આ સારાંશને ‘પ્રબુદ્ધ ભારત’માંથી લઈને તેમાં નિવેદિતાના મૂળ પત્રમાંથી એક હજુ સુધી અપ્રસિદ્ધ એવા વાક્યને ઉમેરીને ટાંકવામાં આવ્યો છે.)

૧૮૯૯ની ૧૧મી માર્ચની સાંજે નિવેદિતા ‘પ્રબુદ્ધ ભારત’ માટે સ્વામીજીનો ઈન્ટરવ્યૂ લેવા ગયાં હતાં. બીજે દિવસે તેમણે મિસ મૅકલાઉડને લખ્યું, “અમે ત્યાં આઠ વાગ્યે પહોંચ્યા. સ્વામીજી ઝાડની નીચે પેટાવેલા અગ્નિ પાસે બેઠા હતા અને જે હોડીમાં હું બેઠી હતી ત્યાં આવ્યા, કારણ મને લાગ્યું કે એક સાધુ પાસે જવા માટે ખૂબ મોડું થઈ ગયું હતું સ્થળ અને કાળ બંને સમાનપણે આનંદદાયક હતા.” તેમણે પ્રસિદ્ધ થયેલા ઈન્ટરવ્યૂમાં લખેલું, “ઉપર પ્રકાશિત તારાઓ, ચોપાસ વહેતી ગંગા અને એક તરફ તાડનાં વૃક્ષો અને બીજી તરફ ઘટાદાર વૃક્ષોની પશ્ચાદભૂમાં એક મકાન દેખાતું હતું” તેમના પત્રમાં તેમણે આગળ લખ્યું, “જ્યારે મેં તેમનો ઈન્ટરવ્યૂ લીધો ત્યારે તેમણે કહ્યું, ‘માર્ગોટ, કેટલાક દિવસથી હું સૌથી ઓછા અવરોધક માર્ગ વિષે વિચાર્યાં કરું છું અને તે તદ્દન ખોટો ભ્રમ છે! ખરેખર આ તુલનાત્મક વસ્તુ છે. હું હવે એ વિષે ક્યારેય વિચારવાનો નથી. જગતનો ઈતિહાસ એ કેટલાક ઉત્સાહી નિષ્ઠાવાન માણસોનો ઈતિહાસ છે અને જ્યારે એક માણસ સંનિષ્ઠ બને ત્યારે સમસ્ત જગતે તેના ચરણમાં ઝૂકવું જ પડશે. હું મારા વિચારોને નબળા બનાવવાનો નથી. હું મારા વિચારો અને શબ્દોનું પાલન કરાવવાનો છું જ. આ વિચારે મને સ્વતંત્રતા પણ બક્ષી છે. તેમની કન્યાશાળાના સંબંધમાં સિસ્ટર નિવેદિતાએ આગળ લખ્યું, “એ એક સંન્યાસિનીઓના સંઘ જેવી જ હશે, નહીં કે નબળા હૃદયવાળાઓને માટે અપાતી બાંધછોડ જેવી.” આ પત્રમાં નિવેદિતાએ લખ્યું, “ગઈ રાત્રિએ એક બીજી વાત મને સ્વામીજીએ કહી, ખરેખર હજી આપણે મનુષ્યસમાજને ખરા સ્વરૂપમાં જોયો નથી અને જ્યારે એવો યુગ આવશે ત્યારે ત્યાં ‘સૌથી ઓછો અવરોધક’ માર્ગ જેવી કોઈ વસ્તુ હશે નહીં, કારણ દરેક કંઈક સારું કરવા માટે મુક્ત હશે… મારું મિશન-જીવનકાર્ય રામકૃષ્ણ કે વેદાંતનું નથી પણ આ લોકોને સાચા મનુષ્ય બનાવવાનું છે.”

ભાષાંતરકાર: ડૉ. ચેતના માંડવિયા

Total Views: 91

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.