(મિસ મેરી લુઈ બર્ક દ્વારા રચિત ‘સ્વામી વિવેકાનંદ ઈન ધ વેસ્ટ’ (૬ ભાગોમાં) વિશ્વવિખ્યાતિ પામેલાં છે. આ પુસ્તકના છઠ્ઠા ભાગમાંથી થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ કરીએ છીએ. મેરી લુઈ બર્કને (સિસ્ટર ગાર્ગીને) તેમના અસાધારણ શોધકાર્ય માટે રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર દ્વારા પ્રથમ વિવેકાનંદ પારિતોષિકથી વિભૂષિત કરવામાં આવ્યાં હતાં)
૩૦, મે, ૧૯૦૦ના દિવસે સાન ફ્રાન્સિસકોથી સ્વામીજી ભારત આવવા નીકળ્યા એ વખતે જ તેમણે કેલિફૉર્નિયાને આખરી સલામ આપી; એ સાથે જ પશ્ચિમના તેમના લાંબા અને સઘન વ્યાખ્યાનકાર્યનો પણ અંત આવ્યો. જો કે આ પછી, તેમણે ન્યૂયૉર્કમાં ચાર રવિવારીય ભાષણો આપ્યાં અને બીજા કેટલાક વર્ગો પણ લીધા, પણ આ બધા ખરેખર તો અર્ધ જાહેર વ્યાખ્યાનો હતાં એ જ રીતે પેરિસ ધર્મમહાસભામાં પણ તેમણે વિદ્વતાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં. તેમનાં આ બધાં વ્યાખ્યાનો મૂલ્યવાન હોવા છતાં પણ પોતાની સર્વશક્તિઓને એકત્રિત કરીને સતત, દીર્ઘકાળ સુધી કેલિફૉર્નિયામાં તેમણે જે વ્યાખ્યાનો આપ્યાં અને વર્ગો લીધા, તે મારી દૃષ્ટિએ તેમના જીવન સમસ્તના કાર્યનો કેન્દ્રભાગ હતો.
આ સાથે આપણા મનમાં એક પ્રશ્ન આપોઆપ ઉદ્દભવે છે. શું પશ્ચિમની તેમની બીજી મુલાકાત વખતનો ઉપદેશ કે જે તેમના કેલિફૉર્નિયામાં આપેલાં વ્યાખ્યાનો દ્વારા સ્પષ્ટ થાય છે તેમાં અને તેમની પહેલી મુલાકાતમાં આપેલ ઉપદેશ – આ બેમાં કોઈ ફરક છે ખરો? આ પ્રશ્ન મહત્ત્વનો હોવાથી, તેનો જવાબ આપવાની હું અહીં કોશિશ કરું છું. આ માટે, તેમની પહેલી મુલાકાતની નીચે મુજબ સમીક્ષા કરવી પડશે.
શિકાગો સર્વધર્મમહાસભા પહેલાનાં છ અઠવાડિયાં સુધી પોતે જે હેતુથી અમેરિકા આવ્યા હતા અને જે પોતે મન-હૃદયથી માનતા હતા તે હકીકત સ્વામીજી અમેરિકાના લોકોને સમજાવવા માગતા હતા કે, હિંદુઓને ધર્મની જરૂર નથી કારણ કે એ તો તેમની પાસે વિપુલ માત્રામાં છે. અને જે તેઓ બીજાને પણ આપી શકે એવી સ્થિતિમાં છે; પણ તેમને રોટી અને ટેકનિકલ શિક્ષણની જરૂર છે. તેમને અમેરિકાના લોકોની ઉદારતા અને આદર્શવાદ માટેના પ્રેમમાં પૂર્ણ શ્રદ્ધા હતી અને તેઓ માનતા હતા કે ભારતની સાચી જરૂરિયાત વિષે અમેરિકાના લોકોને વાકેફ કરવાથી જ પોતાને જોઈતી મદદ મળી રહેશે. આ હેતુ અને આ શ્રદ્ધાથી જ સ્વામીજીએ ન્યુ ઇંગ્લૅન્ડના શ્રોતાજનો સમક્ષ પોતાની માતૃભૂમિ વિષે, સાધુઓ માટે એક ટૅકનૉલોજીકલ કૉલેજ શરૂ કરવાની પોતાની યોજના વિષે કે જેથી તેઓ દેશના ગ્રામ્યજનોને વ્યવહારુ શિક્ષણ આપી શકે તે વિષે પ્રવચનો આપ્યાં. પણ આ કરવા પાછળની નિરર્થકતા તેમને તરત જ સમજાઈ ગઈ. ધર્મસભા વખતે જ તેમને સ્પષ્ટપણે સમજાઈ ગયું કે અમેરિકાનું ભારત વિષેનું અજ્ઞાન ખંડક જેવું સખત, ખૂબ ઊંડું હતું અને તેમાં હિંદુ કે તેને સંબંધિત જે કાંઈ પણ છે તેને વિષે કઠોર અવિશ્વાસ અને તુચ્છકાર ભળેલા હતા. વધુમાં, ભારતમાં રહેલા ખ્રિસ્તી મિશનરીઓ જે સખ્તાઈપૂર્વક ભારતને ઉતારી પાડતા હતા અને આવી વાતો આપણા લોકો સાંભળી અને સરળતાથી માનવા તૈયાર થઈ જતા હતા તેનાથી આ હકીકતને મજબૂત સમર્થન મળતું હતું.
સર્વધર્મમહાસભા પછી, હવે પ્રખ્યાત બનેલા સ્વામીજીએ સમગ્ર યુ.એસ.એ.માં ભ્રમણ કરી, વ્યાખ્યાનો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ધર્મનું સાચું ચિત્રણ કરવાનો અને પોતાના ભારતીય કાર્ય માટે જરૂરી પૈસા એકઠા કરવાનો નિર્ધાર કર્યો. પોતાના વ્યક્તિત્વની તીવ્ર શક્તિથી સ્વામીજીએ અમેરિકનોના અજ્ઞાનરૂપી નક્કર ખડકને તોડી-ફોડી નાખ્યો. પોતાના એક શિષ્યને સ્વામીજીએ લખ્યું કે, “મેં તેમને એવા વિચારો આપ્યા છે જેની તેઓએ એક હિંદુ પાસેથી ક્યારેય અપેક્ષા રાખી ન હોય.” સ્વામીજીનો દેખાવ, બાળકવત્ સરળતા અને મળતાવડાપણું છતાં તેમની ગૌરવયુક્ત પ્રતિભાશાળી રીતભાત, અંગ્રેજી ભાષા ઉપરનું તેમનું પૂર્ણ પ્રભુત્વ, તેમની તેજસ્વી મેધા, જ્ઞાનનો અખૂટ ભંડાર, ઉચ્ચઆદર્શો, સ્પષ્ટપણે દેખાઈ આવતી આધ્યાત્મિક પ્રતિભાઅને હૃદયની મહાનતા આ બધા ઉપરાંત માતૃભૂમિ ઉપરનાં તેમનાં પ્રેરક પ્રવચનોને કારણે ભારત વિષે તેમણે જે કહ્યું તે માનવાની અમેરિકનોને ફરજ પડી અને આજ સુધી તેનો વિરોધ કરવાની કે તેને પડકારવાની કોઈએ હિંમત નથી કરી. જો કે, સ્વામીજીની આ ઉપલબ્ધિની ઈર્ષ્યા કરવાવાળા પણ કેટલાક હતા અને તેમાં અમેરિકનોની સાથે કેટલાક ભારતીયોનો પણ સમાવેશ થતો હતો. પરંતુ સ્વામીજીએ જે સત્ય માહિતી પૂરી પાડી તેને લીધે અને પોતાની સંસ્કૃતિના જીવિત જવલંત ઉદાહરણરૂપ તેમનું વ્યક્તિત્વ અને તેમનામાંથી પ્રસ્ફૂટિત થતા દિવ્યતાના પ્રકાશને કારણે તેમણે પોતાના વિરોધીઓને શાંત કરી, અમેરિકાની અંદર સહિષ્ણુતા અને સમજના પરિબળોને સુદૃઢ બનાવ્યા.
આમ, તેમણે ખેલેલું આ યુદ્ધ અને તેમાં મેળવેલી સફળતા – આ તેમનું સર્વધર્મ મહાસભા પછીનું એક પ્રાથમિક કાર્ય હતું. જો કે આ જ ફક્ત તેમનું કામ નહોતું. તેમના પ્રવાસ દરમિયાન તેમણે અમેરિકાના લોકોની આધ્યાત્મિક પોષણની જરૂરિયાત પણ પિછાણી. જો ભારતને ટેકનિકલ શિક્ષણની જરૂરિયાત હતી, તો અમેરિકાને આધ્યાત્મિક શિક્ષણની તાતી જરૂરિયાત હતી અને આ આપવાની તેમણે શરૂઆત કરી. પોતાના ગુરુના સંદેશનો આધાર લઈ, બધા ધર્મોની એકતાનો તેમણે નિર્દેશ કર્યો; ધર્મનો ખરો અર્થ અને હેતુ તેમણે સમજાવ્યો અને જાહેર કર્યું કે દરેક ધર્મ કે સંપ્રદાય કે ૫થ એ સર્વોચ્ચ આધ્યાત્મિક ઉપલબ્ધિ મેળવવા અગ્રેસર થતા આત્માની પ્રગતિ માટેનું એક જરૂરી સોપાન છે. આ સમય દરમિયાન ઘણી વખત તેમણે બૌદ્ધ ધર્મ ઉપર વ્યાખ્યાનો આપ્યાં. કારણ કે તે વખતે અમેરિકામાં તે માટે લોકોનો રસ જાગૃત થયો હતોઅને સ્વામીજી દૃઢપણે માનતા હતા કે આ મહાન ઉપદેશકના જીવનથી પ્રતિલિત થતા અને તેમણે શીખવેલાં સ્વાવલંબન, વિવેક અને દયાભાવનો પૂર્ણ વિકાસ ભવિષ્યનામાનવ-જીવનની સફળતા માટે જરૂરી છે. સ્વામીજીએ એ પણ વારંવાર કહ્યું હતું કે નિ:સ્વાર્થતા એ પ્રેમનું લક્ષણ છે. ચર્ચમાં જતા સરેરાશ ખ્રિસ્તીઓ ઉપર સ્વામીજીએ તેમની બજારુ ભક્તિના આડંબર ઉપર ઉગ્ર ટીકાઓ કરી. ડિટ્રૉઈટમાં તેમણે કહ્યું, “ખ્રિસ્તીઓનો ઈશ્વર પ્રત્યેનોપ્રેમ એટલો સ્વાર્થી છે કે તેઓ કાયમ ઈશ્વર પાસે પોતાની સ્વાર્થી માગણીઓ પૂરી કરવાની યાચના કર્યા કરે છે. આથી આધુનિક ધર્મ એ એક શોખ અને ફેશન સિવાય કંઈ નથી. જ્યાં લોકો ચર્ચમાં ઘેટાંની જેમ ટોળે વળે છે. માણસને પાપી તરીકે દર્શાવતા હીન ખ્યાલ સામે, વ્યક્તિગત આત્માની શાશ્વત, અફર દિવ્યતા અને સમગ્ર મનુષ્યજાતિના દૈવી એકત્વ વિષે તેઓ વીજળીના ચમકાર જેવી છટાદાર ગર્જના કરતા.
અમેરિકન સંયુક્ત રાજ્યોની સફર કરી, હજારો લોકોને મળી, અસંખ્ય ગામો અને શહેરોની મુલાકાત લઈ સ્વામીજીએ આધ્યાત્મિકતાનાં બીજ ખૂબ ઊંડાણથી રોપ્યાં અને દેશની સામૂહિક ચેતનામાં વિચારોના એક નવા પ્રવાહને મૂક ગતિ આપી, વિશ્વ-ઉપદેશક અને પયગંબરનો પાઠ ભજવ્યો. આ પ્રવાહ એવો છે કે જેની માનવીય વ્યવહારો ઉપર થતી લાભદાયી અસરો ખૂબ ધીમે દૃશ્યમાન થાય છે. કારણ કે સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિક ઊંચાઈ જ એવી હતી કે તે વૈશ્વિક વિચારોના પોતને બદલ્યા વગર, તેને સમૃદ્ધ કર્યા વગર અને તેને પ્રકાશિત કર્યા વગર રહી જ ન શકે. ખરેખર, ટૂંકી, સરી જાય એવી ક્ષણ માટે નહીં પણ ચિરકાળ સુધી ગહન અને સૂક્ષ્મ સ્તરે માનવોના મનને પ્રજ્જ્વલિત કરવું એ જ તો આ અદ્ભુત ઘટના – દિવ્ય પયગંબરત્વ (Divine Prophethood) નો અર્થ અને મુખ્ય કાર્ય છે. આ એક એવો ચમત્કાર છે કે જેની અસરથી માનવસમાજનો ઇતિહાસ અનેક વખત તેના હિંસક, ચીલાચાલુ ક્રમમાંથી ઉપર આવી, પ્રકાશિત થઈ ઊઠ્યો છે.
એવા કેટલાક પુરાવાઓ દ્વારા સમજી શકાય છે કે ૧૮૯૪ના મધ્ય ભાગ પછીના સમયમાં સ્વામીજી પશ્ચિમી આધુનિક યુગની અત્યંત જટિલ અને અનેકવિધ સમસ્યાઓનો તાગ લઈ તેમના મૂળગામી ઉપાયો શોધવા અગ્રેસર થઈ રહ્યા હતા. ૧૮૯૪ના અંતિમ દિવસના આગલે જ દિવસે તેમણે અતિ મહત્ત્વનું અને ચોંકાવી મૂકનાર વિધાન કર્યું, “જેમ બુદ્ધ પાસે પૂર્વ માટેનો સંદેશ હતો તેમ મારી પાસે પશ્ચિમ માટેનો સંદેશ છે.” ૧૮૯૫ની શરૂઆતમાં જ વૈવિધ્યસભર છતાં અસામાન્યપણે સ્પષ્ટ તેમજ વ્યાપક એવા આ સંદેશને આપવાની તેમણે શરૂઆત કરી. આ પહેલાં તેમણે વેદાંતના બીજને વિખેર્યાં હતાં, હવે તેમણે પોતાના સંદેશને ઘનીભૂત સ્વરૂપમાં આપવાની શરૂઆત કરી અને એક સ્થાયી કેન્દ્ર વિકસાવ્યું જયાં તે શક્તિનાં મોજાંઓની જેમ બધી જગ્યાએ પ્રસરી શકે.
૧૮૯૫ના પહેલા પાંચ મહિના સ્વામીજી ન્યૂયૉર્કના સામાન્ય લત્તામાં રહ્યા, જ્યાં દિવસમાં બે વખત તેઓ વિનામૂલ્યે વર્ગો ચલાવતાઅને આ ચાલુ રાખવા વચ્ચે-વચ્ચે ફ્રી યુક્ત (paid) જાહેર વ્યાખ્યાનો આપતા. ન્યુ હેમ્પશાયરના તેમના ટૂંકા આરામ પછી તેમણે થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કમાં એક શિષ્યના એકાંત નિવાસમાં છ અઠવાડિયાં ગાળ્યાં. અહીં બાર ચુનંદા શિષ્યોને તેમણે ખૂબ ઊંડાણથી વેદાંતનું અધ્યયન કરાવ્યું, કારણકે તેઓ ન્યૂયોર્કના વર્ગોમાં આવતા શિષ્યોમાંથી કેટલાક ‘યોગીઓ’નું નિર્માણ કરવા માગતા હતા અથવા તો તેમના જ શબ્દોમાં “(મારા) કાર્યનો ભાર વહન કરી શકે તેવા કેટલાક સંન્યાસીઓ બનાવવા માંગું છું.”
૧૮૯૫ના વર્ષનો પાછળનો મોટો ભાગ સ્વામીજીએ લંડનમાં ગાળ્યો અને તેમણે વર્ગો લઈ, જુદાંજુદાં ઘરોમાં વ્યાખ્યાનો આપી અને એક જાહેર પ્રવચન આપી ભવિષ્યના કાર્યના પાયો નાખ્યો. ડિસેમ્બરની શરૂઆતમાં તેઓ અમેરિકા પણ આવ્યા.
(ક્રમશ:)
ભાષાંતરકાર : ડૉ. ચેતના માંડવિયા
Your Content Goes Here




