(ગતાંકથી આગળ)

રહસ્ય તો એ છે કે જો આપણે પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે પોતાથી બહાર જોવા કરતાં આપણી ભીતર નિરીક્ષણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વસ્તુઓના ક્રમને ઊલટાવી નાખવો પડે. બાહ્યસુખ અને ક્ષણિક આનંદને સ્થાને હૃદયને ઈશ્વરમાં લગાડવું જોઈએ. આપણે નિરંતર ઈશ્વરને પોતાની ભીતર શોધવા જોઈએ. સાથેને સાથે આપણી એવી ધારણા હોવી જોઈએ કે ઈશ્વરને પ્રાપ્ત કરીને આપણે સર્વસ્વ એટલે કે માનવજીવનની પૂર્ણતા પ્રાપ્ત કરી લઈશું.

વિવેકચૂડામણિના ૭૬મા શ્લોકમાં શંકરાચાર્યે સંકેત કર્યો છે કે જગતનાં વિભિન્ન પશુઓનો નાશ કેવળ એક જ ઈંદ્રિયથી થાય છે. પરંતુ ઈશ્વરે મનુષ્યને પાંચ-પાંચ ઈંદ્રિયો દીધી છે. એટલે મનુષ્યનું પરિણામ કેવું હશે?

શબ્દાદિભિ: પઞ્ચભિરેવ પઞ્ચ,
પઞ્ચત્વમાપુ: સ્વગુણેન બદ્ધા: ।
કુરંગ-માતંગ-પતંગ-મીન-
ભૃંગા નર: પઞ્ચભિરઞ્ચિત: કિમ્‌ ॥

પોતપોતાના સ્વભાવ પ્રમાણે શબ્દાદિ પાંચ વિષયોમાંથી કેવળ એક-એક સાથે બંધાયેલ હરણ, હાથી, પતંગિયું કે પક્ષી, માછલી કે ભમ્મરા, મૃત્યુ પામે છે. તો પછી આ પાંચેય ઈંદ્રિયોઓથી જકડાયેલો મનુષ્ય કેવી રીતે બચી શકે?

ઈંદ્રિયોઓના અધોગામી આકર્ષણથી બચવા આપણે ઈંદ્રિયોઓને સાચી દિશા આપવી જોઈએ. જ્યાં સુધી આપણે આવું કરવા સમર્થ નહીં બનીએ ત્યાં સુધી આપણે પોતાના લક્ષ્ય સુધી પહોંચી ન શકીએ. આપણે ઈશ્વરથી દૂર લઈ જતા પોતાના વિચારોને એ બધી વસ્તુઓથી અલગ કરીને ઈશ્વરમાં સ્થાનાંતરિત કરવા પડે. આપણે વારંવાર આમ કહેવું જોઈએ : ‘હે ઈશ્વર! જો તમારી સૃષ્ટિ આટલાં સૌંદર્ય અને આનંદ તેમજ હર્ષથી ભરપૂર ભરી છે તો તમે પોતે કેટલા સુંદર અને આનંદમય હશો.’ આપણે ઈંદ્રિયોઓમાં સુખ શોધીએ છીએ અને વિવિધ પ્રકારના ઈંદ્રિયસુખો મેળવીએ છીએ. પરંતુ આપણો ઉદ્દેશ્ય આ કહેવાતાં ઈંદ્રિયસુખોને પ્રાપ્ત કરવાનો નથી. આપણો ઉદ્દેશ્ય તો ચિરશાંતિ તેમજ પરમાનંદ પ્રાપ્ત કરવાનો. આપણે બાહ્યજગતની કોઈ વસ્તુમાંથી અનિર્વચનીય પરમાનંદ પ્રાપ્તિની આશા રાખી ન શકીએ.

અહીં સ્વામી વિવેકાનંદના જીવનમાંથી એક ઘટનાનું વર્ણન કરવું પ્રાસંગિક ગણાશે. ૧૬ ઓગસ્ટ ૧૮૯૯ના રોજ સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી, સિસ્ટર ક્રિસ્ટીન અને એક અન્ય મહિલા સાથે ગ્લાસગોથી ન્યૂયોર્ક સુધી દરિયાઈ માર્ગે વહાણમાં જઈ રહ્યા હતા. એમણે સમુદ્રની દસ મિનિટની યાત્રા કરવાની હતી. સ્વામી વિવેકાનંદની જીવનકથામાં લખ્યું છે કે, એ દિવસો અત્યંત સ્મરણીય હતા. એક ચાંદની રાતે સ્વામીજી વહાણના ડેક પર ટહેલતા હતા. લહેરો પર ચાંદનીના પ્રતિબિંબના સૌંદર્યને જોઈને એમણે સિસ્ટર ક્રિસ્ટીન અને જે ત્યાં હતા તેમને સ્વામીજીએ કહ્યું : ‘જો આ બધી માયા આટલી બધી સુંદર છે એની પાછળ છુપાયેલ સત્યનું કેટલું અદ્‌ભુત સૌંદર્ય હશે, એનો વિચાર કરો તો ખરા!

આપણે આ મહત્વપૂર્ણ વાક્ય પર ચિંતન કરવું જોઈએ. સ્વામીજી આપણને કહે છે કે, બાહ્ય સૌંદર્ય પ્રત્યે ન આકર્ષાઓ. આપણે જે સૌંદર્ય આ બાહ્ય જગતમાં જોઈએ છીએ તે સંસારમાં સ્રષ્ટાના અનંત સૌંદર્ય પ્રત્યે સંકેત કરનારું બનવું જોઈએ. સાંસારિક આનંદસુખમાં લીન થવાનો પ્રયાસ કરવા કરતાં આપણે તેના મહાન સર્જનહાર પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પરંતુ મહામાયાએ એવી મોહજાળ ફેલાવી છે કે આપણે દૃશ્યમાન વસ્તુઓની પાછળ લાગી જઈએ છીએ તેમજ પોતાની ભીતર પ્રત્યક્ષ ઈશ્વરની સત્યતા વિશે ચિંતન-મનન કરતા નથી.

આધ્યાત્મિક જીવનમાં પ્રાર્થના એક મહત્ત્વનું અનુશાસન છે. આપણે વારંવાર વર્ણવ્યું છે કે આપણે પૂર્ણવિનમ્ર્રતા અને ગંભીરતા સાથે ઈશ્વરની પ્રાર્થના કરવી જોઈએ. સાચી પ્રાર્થના શું છે? અંતરમનથી પ્રેરિત પ્રાર્થના જ સાચી પ્રાર્થના બને છે, એ કેવળ શબ્દોથી થતી નથી. પરંતુ મન અને હૃદયથી પણ કરી શકાય છે. શ્રીરામકૃષ્ણે કહ્યું છે : ‘આપણે પોતાના ભાવોના ક્ષેત્રમાં ચોરી ન કરી જોઈએ.’ એટલે કે મન-મુખ એક રાખવાં જોઈએ. પ્રાર્થનાની સફળતા માટે કેટલીક મહત્ત્વની વાતો પર ધ્યાન દેવું જોઈએ, એ મહત્ત્વની વાતો આ છે : આપણે ભોજન, નિદ્રા તેમજ વિશ્રામ માટે આપણા શરીરને અત્યંત સંયમિત રાખવું જોઈએ. અહીં વિરામ માટે પ્રાવધાન છે. કેટલીકવાર આપણે અત્યંત પ્રોત્સાહિત થઈ જઈએ છીએ. તેમજ આ અત્યંત પ્રોત્સાહનને કારણે આપણે સીમાઓનું ઉલ્લંઘન કરી નાખીએ છીએ. એને પરિણામે કેટલાક માણસો પાગલ કે વિક્ષિપ્ત મનના થઈ જાય છે.

આજ કારણને લીધે સ્વામી વિવેકાનંદે પોતાના પુસ્તક ‘રાજયોગ’માં આપણને સાવધાન કર્યાં છે કે, આપણે કોઈ સુયોગ્ય આધ્યાત્મિક ગુરુ પાસેથી જ માર્ગદર્શન મેળવવું જોઈએ. કોઈએ પણ યોગ્ય ગુરુનું પ્રશિક્ષણ મેળવ્યા વિના પ્રાણાયામ વિગેરેનો અભ્યાસ કરવો ન જોઈએ. આપણે કેવળ મધ્યમાર્ગનું અનુસરણ કરવું જોઈએ. આપણે ઈંદ્રિયોનું દમન પણ ન કરવું જોઈએ અને સાથેને સાથે ઈંદ્રિયસુખોમાં લીન પણ ન રહેવું જોઈએ. અત: આપણે સદૈવ મધ્યમાર્ગ અપનાવવો જોઈએ.

ગૌત્તમ બુદ્ધના જીવનને યાદ કરો. એમણે આવાં દમનને કારણે અન્નજળનો ત્યાગ કરી દીધો. એમનું શરીર એટલું બધું દુર્બળ બની ગયું કે તેઓ મરણાસન્ન સ્થિતિએ પહોંચી ગયા. એ વખતે એમને ખ્યાલમાં આવ્યું કે એમણે અત્યંત કઠોરતા અને શારીરિક દમનનો માર્ગ અપનાવ્યો છે. પરંતુ શું જીવનનો ઉદ્દેશ્ય ઈંદ્રિયદમન કે કઠોરતા છે ખરો? ના, કઠોરતા તથા ઈંદ્રિયનિગ્રહ સાધ્ય નથી, એ એક સાધન છે. ઈશ્વરપ્રાપ્તિ કે આધ્યાત્મિક પૂર્ણતા જીવનનું લક્ષ્ય છે. એટલે ભગવાન બુદ્ધે આપણને ‘મધ્યમમાર્ગ’ એક નવો માર્ગ બતાવ્યો. આપણે કોઈપણ પ્રકારની અતિ અવસ્થા સુધી જવાનું નથી. ભગવદ્‌ગીતાના છઠ્ઠા અધ્યાયના સોળમા શ્લોકમાં આમ કહેવાયું છે :

નાત્યશ્યનતસ્તુ યોગોઽસ્તિ ન ચૈકાન્તમનશ્નત: ।
ન ચાતિસ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન ॥

હે અર્જુન! ખૂબ ખાવાવાળાનો યોગ સિદ્ધ થતો નથી અને જરાય ન ખાનારનો પણ યોગ સિદ્ધ થતો નથી; અત્યંત નિદ્રા કરનાર તેમજ અત્યધિક જાગનારનો યોગ સિદ્ધ થતો નથી.

એટલે આપણે શરીરને મધ્યમમાર્ગ દ્વારા પૂર્ણરૂપે અનુશાસિત રાખવું જોઈએ. આપણે ઊંઘવા અને વિરામ કરવા માટે નિયમિત સમયનો પ્રયોગ કરવો જોઈએ. પરંતુ શરીર જે કંઈ ઇચ્છે તે બધું તેને ઉપલબ્ધ કરાવવું ન જોઈએ. જો આપણે શરીરની બધી આવશ્યકતાઓની પૂર્તિ કરતાં રહીશું તો કામવાસનાઓ આપણા પર સવાર થઈ જશે.

બીજું જ્યાં સુધી આપણે પોતાના બાહ્ય સંપર્કોને કેવળ અત્યંત આવશ્યક પૂર્તિ મર્યાદિત કરી દેવાનો પ્રયાસ ન કરીએ ત્યાં સુધી આપણે ઈશ્વરપ્રાર્થનામાં સફળ ન થઈ શકીએ. બાહ્ય સંપર્કોથી બચવું અત્યંત કઠિન છે. સંન્યાસી પણ એમનાથી બચી શકતા નથી. આ જ કારણે કેટલીયવાર આપણે લોકો એકાંતમાં ચાલ્યા જઈએ છીએ. પરંતુ આપણા કાર્યની માગો એવી છે કે આપણને એકાંતનો અવસર ઘણી મુશ્કેલીએ મળે છે. જો આપણે આત્મવિકાસ કરવા ઇચ્છતા હોઈએ તો આપણે પોતાના બાહ્યક્રિયાકલાપો સાથેનો સંબંધ ઓછો કરવો એ લાભદાયક નિવડશે. જે લોકો અત્યંત વ્યસ્ત રહે છે એમણે પણ પોતે એકાંત રહી શકે અને એમને કોઈ વિઘ્નબાધા ન કરે એવો થોડો ઘણો સમય કાઢવો જોઈએ. જ્યારે આવા લોકો સ્વયંમાં સ્થિત રહેશે ત્યારે પોતાનું ગહન ગંભીર આત્મનિરીક્ષણ કરી શકશે. એમ કહેવામાં આવે છે કે જે રીતે કોઈ મીણબત્તી હવા તથા વરસાદમાં સળગતી રહેતી નથી તેવી રીતે પ્રાર્થનાની જ્વાલા પણ બાહ્ય પ્રભાવોના પૂરમાં પ્રજ્વલિત થઈ શકતી નથી. જો આપણે બધા જ લોકો સાથે હળવામળવાનું રાખીશું તેમજ ભિન્ન ભિન્ન પ્રકારોના પ્રભાવોને આપણા મન પર સવાર થઈ જવાની અનુમતિ આપી બેસીશું તો આપણે આત્મનિરીક્ષણ માટે સમય કાઢી શકવાના નથી.

ત્રીજું પુસ્તકોના અધ્યયન વિશે આટલું સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે આપણને પ્રાર્થના, ધ્યાન, સંતમહાત્માઓનાં જીવન, આધ્યાત્મિક જીવન વિશે નિર્દેશ કરતાં હોય એવાં પુસ્તકોનું અધ્યયન કરવું જોઈએ. આવાં પુસ્તકોમાં સ્વામી વિરજાનંદકૃત ‘પરમાર્થપ્રસંગ’ કે સ્વામી બ્રહ્માનંદજી કૃત ‘ધ્યાન, ધર્મ, સાધના’ (The Eternal Companion) અને શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ વગેરેના ઉપદેશ સંબંધી પુસ્તકોનો સમાવેશ થાય છે. જો કે આપણે જાણીએ છીએ છતાં પણ આપણું મન પ્રાય: નિમ્ન પ્રકારના સાહિત્યથી અંજાઈ જાય છે અને આવા સાહિત્યની આજે બજારમાં ભારે માગ તેમજ ભરાવો છે. જો કોઈ માણસ ઈંદ્રિય સુખ માટે નિમ્ન પ્રકારની સાહિત્ય કૃતિઓ વાંચે તો તે પોતાની જાતને અધોગતિના પથે લઈ જાય છે. આવાં પ્રલોભનોને કોણ જીતી શકે? કેવળ આધ્યાત્મિક જીવન પ્રત્યે વાસ્તવિક રીતે જે ગંભીર હોય એવા જ માનવો આ જીત મેળવી શકે. એટલે આપણે પેલી વાત તો આટલી નક્કી કરી લેવી પડે કે આપણે પોતે આધ્યાત્મિક જીવન પ્રત્યે પૂરેપૂરા ગંભીર છીએ કે નહિ; અને જો હોઈએ તો આપણે પોતાની પાસે પસંદગીનાં સારાં પુસ્તકો રાખવાં જોઈએ અને એ પુસ્તકોનું જ અધ્યયન કરવું જોઈએ.

એ વિશે એક ઉત્કૃષ્ટ પુસ્તક Philokalia – ફિલોકાલિયા છે. એમાં એક રશિયન સંત સિનાઈના સેન્ટ ગ્રેગરી – St. Gregory of Sinaiનું વર્ણન આવે છે. એમણે અદ્‌ભુત આધ્યાત્મિક અનુભૂતિ મેળવી હતી. તેઓ કહે છેકે મનુષ્ય જે દિવસે દીક્ષિત બને છે તે જ દિવસથી એના પર ઈશ્વરની અનુકંપા થઈ જાય છે. પરંતુ આપણા પર ભલે ઈશ્વરની વિશેષ અનુકંપા ઉતરે છતાં પણ એ અનુકંપાને આપણે ગુમાવી બેસીએ છીએ. એનાં ત્રણ કારણો છે :

સર્વપ્રથમ આપણી અસાવધાનીને લીધે આપણે ઈશ્વરની અનુકંપા ખોઈ બેસીએ છીએ. આપણા ગુરુજીએ આપણને કેટલાક નિયમોનું અનુસરણ કરવા માટે તેમજ કેટલાંક અન્ય જીવનકાર્યો ત્યજવા માટે કહ્યું હોય, પરંતુ આપણે દીક્ષા સમયે ગુરુ દ્વારા અપાયેલા નિર્દેશોનું નિ:સંદેહ પાલન કરી શક્યા નહિ.

બીજું ‘હું સર્વજ્ઞ છું’ એવી આત્મદંભવાળી પ્રવૃત્તિ. ત્રીજું દીક્ષા લેતી વખતે ઈશ્વરની અનુકંપા થવા છતાં પણ આપણાં અસાવધાન, મિથ્યાભિમાન અને જીવનનાં કેટલાંક અનુચિત કાર્યોને લીધે આપણે ઉન્નતિ કરી શકતા નથી. અહીં જીવનનાં અનુચિત કાર્યો એટલે જે કાર્યો આપણને આધ્યાત્મિક ગુરુએ બતાવ્યાં હોય તેનાથી વિપરિત કાર્યો કરવાં. અનુચિત કાર્યોને લીધે ઈશ્વરની અનુકંપા દબાઈ જાય છે.

શું આનો કોઈ ઉપચાર છે ખરો? હા, છે. આપણે કોઈ ઉન્નતિ કરી રહ્યા નથી એવો અનુભવ થાય ત્યારે આવો દૃઢ સંકલ્પ કરવો પડશે : ‘હે પ્રભુ! હે મારા પ્રિય ઇષ્ટદેવ, હે ગુરુદેવ, મારા પર આપની કૃપા તો થઈ પરંતુ મારી બેદરકારી કે અસાવધતાને કારણે મેં એ કૃપાને ગુમાવી દીધી. હવે હું ગંભીર બન્યો છું. પ્રભુ! મને સહાય કરો.’ ઈશ્વર કહેશે : ‘હે વત્સ, સારું. તને દૈવી અનુકંપા ફરીથી પ્રાપ્ત થશે. જો તું બે શરતો પૂરી કરી શકે તો તને ફરી પાછી દૈવી કૃપા મળી શકે તેમ છે.’ આ બે શરતો કઈ છે? પ્રથમ તો તારે ગુરુજીના આદેશોનું પાલન કરવું પડશે. એમના ઉપદેશ-સંદેશને માત્ર સાંભળી લેવો અને એના પર આચરણ ન કરવું એ યોગ્ય નથી. બીજું કેવળ આદેશોનું પાલન કરવાથી જ તને દૈવી કૃપા ફરી પાછી મળી જશે એવું નથી. એ માટે તારે નિરંતર આવી પ્રાર્થના કરવી પડશે: ‘હે પ્રભુ! મારા પર દયા કરો, મને ત્યજી ન દો; હું નિર્બળ છું, હું અપૂર્ણ છું અને સીમાઓમાં બંધાયેલો છું. જ્યાં સુધી આપ પોતે મારી રક્ષા કરવા નહિ આવો ત્યાં સુધી મારી પાસે મારા પોતાના દૈવી સ્વરૂપની અનુભૂતિ માટે કોઈ સામર્થ્ય નથી.’ તમારે આ પ્રકારની પ્રાર્થના અવશ્ય કરવી જોઈએ. એટલે જ કહેવામાં આવ્યું છે કે અદૃશ્ય યુદ્ધમાં પ્રાર્થના વિજય પ્રાપ્તિ માટે એક શસ્ત્ર બની શકે છે. પણ આ પ્રાર્થના સાચી હોવી જોઈએ અને અંતરના ઊંડાણપૂર્વક કરેલી હોવી જોઈએ.

બંગાળી ભાષામાં એક ગીત છે. એમાં આપણે પોતાના હૃદયની સુરક્ષા માટે શું કરવું જોઈએ તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આધ્યાત્મિક દૃષ્ટિએ ઈશ્વર ઈર્ષ્યાળુ છે. આપણા મનના સિંહાસન પર કોઈ બીજાનો અધિકાર થઈ જાય એમ તેઓ ઇચ્છતા નથી. તેઓ પોતે એકલા જ મનમાં નિવાસ કરવા ઇચ્છે છે. તેનો અર્થ શું છે? જો આપણે ઈશ્વરની અનુભૂતિ કરવા ઇચ્છતા હોઈએ તો આપણે આ સંસારની કોઈ પણ વ્યક્તિ કે પ્રાણી સાથે આસક્તિ ન રાખવી જોઈએ. જો આપણે પરિવારમાં પત્ની, પતિ, બાળકો તથા સગાંસંબંધીઓની સાથે રહીએ તો આપણે એમની સાથેનાં સંબંધોનું આધ્યાત્મિકીકરણ કરવું પડે. આ જ આપણી ઉન્નતિનો માર્ગ છે. પરંતુ એમાં ધ્યાન રાખવા જેવી વાત આ છે કે જો આપણે ઈશ્વરપ્રેમથી બીજી કોઈ વ્યક્તિ પ્રત્યે વધુ પ્રેમ કરીશું તો આપણે દૈવી કૃપાથી વંચિત રહીશું. એટલે જ કહેવામાં આવ્યું છે કે પ્રાર્થના ત્યારે જ સફળ થાય છે કે જ્યારે તે હૃદયપ્રાણ પ્રેરિત હોય અને નિરંતર થતી હોય. ‘પ્રાર્થના હૃદયથી પ્રેરતિ હોવી જોઈએ’ આ કથનનો અર્થ શું છે? ચાલો, આ વિષય પર આપણે વિચારપૂર્વક ચર્ચા કરીએ. 

ઉપર્યુક્ત બંગાળી ભાષાના ગીતની પંક્તિઓ આવી છે : ‘જતોને હૃદય રેખો આદોરીણી શ્યામા માઁ કે’ પોતાના પ્રિય શ્યામા માને હૃદયમાં ધ્યાનપૂર્વક વસાવી રાખો. જો શ્યામા મા એ જુએ છે કે આપણે આપણા હૃદયમાં કોઈ અન્યને વસાવ્યા છે તો મા આપણા મનમાં રહી શકતી નથી. જો આપણે હૃદયની જાગૃતિપૂર્વક રક્ષા કરીએ કે જેથી આ મન સંસારના કોઈ પ્રાણીને ન આપી બેસીએ તેમજ એ પરમપ્રિય પ્રભુ-ઈશ્વર ને માત્ર ઈશ્વર માટે જ આરક્ષિત બની જાય તો આપણો શત્રુ કાબૂમાં આવી જશે. એને પરિણામે અંદર ચાલી રહેલું અદૃશ્ય યુદ્ધ સમાપ્ત થઈ જશે તેમજ આપણે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ બનીશું.

સેન્ટ જોન કાલોવે – St. John Kolov ઘણી પ્રશંસનીય રીતે આવી વાત કરી છે: ‘હું વૃક્ષની નીચે બેઠેલા એક માનવી જેવો છું. હું જોઈ રહ્યો છું કે અસંખ્ય પશુ તેમજ શત્રુઓ મારા ઉપર આક્રમણ કરવા આવી રહ્યા છે. હું જાણું છું કે જો હું વૃક્ષ પર ચડી ન જાઉં તો પશુઓ અને સાપ મને મારી નાખશે. એટલે હું ઝાડ પર ચડીને સુરક્ષિત સ્થાને બેસી જાઉં છું. આવી જ રીતે જ્યારે મને લાગે કે ભિન્ન ભિન્ન પ્રકારની બદ ઇચ્છાઓ અને કુવિચારો મારા પર આક્રમણ કરવાનાં છે તો હું મારી ભીતર રહેલ ઈશ્વર પાસે દોડી જાઉં છું અને હું બચી જઉં છું.’ જો આપણે આવું કરી શકીએ તો આપણા અંત:કરણમાં વિરાજમાન ઈશ્વર સાથે આપણે નિરંતર આંતરિક વાર્તાલાપ કરી શકીએ છીએ. પરંતુ ઈશ્વરની સાથે આ આંતરિક વાર્તાલાપ આપણી શારીરિક આસક્તિ અને અત્યધિક બાહ્ય ક્રિયાકલાપોને કારણે સંભવ બનતું નથી. તો આપણે શું કરવું જોઈએ? એમ કહેવામાં આવ્યું છે : ‘જ્યાં સુધી તમે ઈશ્વર સિવાય પોતાની ભીતર કે બહારના કોઈ બીજા પર નિર્ભર રહો અને જ્યાં સુધી તમે કોઈ અન્ય જીવ કે વસ્તુમાં સુખ પ્રાપ્ત કરતા હો ત્યાં સુધી તમે ઈશ્વરની સાથે આધ્યાત્મિક વાર્તાલાપ કરી શકતા નથી. ઈશ્વરની ઇચ્છા એવી છે કે તમારી અંદર તમે જ નહિ પરંતુ ઈશ્વરનો પણ વાસ થાય.’ સરળ ભાષામાં કહીએ તો આપણે પૂરા હૃદયથી ઈશ્વરમાં વસવું જોઈએ. જેવી રીતે શ્રીરામકૃષ્ણે શ્રીરામકૃષ્ણ કથામૃતમાં કોઈ એક સંદર્ભમાં કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી પોતાના મનને પૂર્ણપણે ઈશ્વર અને કેવળ ઈશ્વરને સમર્પિત નથી કરી દેતી ત્યાં સુધી ઈશ્વરને પ્રાપ્ત ન કરી શકે.

વળી, ફિલોકાલિયાને ટાંકીએ : એમ કહેવાયું છે કે હૃદયની સુરક્ષા માટે જ્યાં સુધી આપણી ભીતરના વિભિન્ન પ્રકારના કુસંસ્કારો છે એ કુસંસ્કારોને સમૂળા નાશ ન કરી દઈએ ત્યાં સુધી આપણે ઈશ્વરની નિરંતર પ્રાર્થના કરી શકતા નથી. આવું કેમ છે? આ પ્રશ્નનો ઉત્તર આ એક ઉદાહરણ દ્વારા મળી રહેશે. એક વ્યક્તિ સોનાને શુદ્ધ કરવા ઇચ્છતી હતી. તે ભઠ્ઠીમાં નિરંતર આગ લગાડ્યા વિના સોનાને પરિશુદ્ધ કરી ન શકે. જો એ આગને બુઝાવા દેશે તો એ કાચું સોનું ફરી પાછું કઠોર થઈ જશે. એટલે એણે નિરંતર આગ ચાલુ રાખવી જોઈએ. આવી જ રીતે જો આપણે નિરંતર પ્રાર્થના ન કરીએ તો આપણો આધ્યાત્મિક ઉત્સાહ સમાપ્ત થઈ જાય. આપણી ભીતર આધ્યાત્મિક ઉત્સાહને નિરંતર પ્રજ્વલિત રાખવા માટે આપણે નિરંતર પ્રાર્થના કરતા રહેવું જોઈએ.

આપણા દેશના મહાન ગુરુઓએ આહાર પર અનેક નિર્દેશો આપ્યા છે. આપણામાંથી મોટા ભાગના લોકો એ જાણતા નથી કે અનેક પાશ્ચાત્ય સંતોએ પણ આ વિષય પર અનેક ઉપદેશાત્મક વાતો કહી છે. ઉદાહરણ તરીકે સાયમન ધ ન્યુ થિયોલોજીયન – Simon the New Theologian આમ લખે છે: ‘શરીરને ભોજનથી પરિતૃપ્ત કરતાં કરતાં આધ્યાત્મિક આનંદ મેળવવો સંભવ નથી.’ કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી સંયમિત ભોજન નથી લેતી ત્યાં સુધી આધ્યાત્મિક ઉન્નતિ કરી શકતી નથી. જો તે જીભના સ્વાદ તથા પેટની ભૂખ પર નિર્ભર રહે તો તેને થોડો શારીરિક સંતોષ મળી શકે છે, પરંતુ તે ઈશ્વરના સાંનિધ્યની આત્મતૃપ્તિથી વંચિત રહે છે.

અંતે ચાલો આપણે અબ્બા અગાથનના ઉપદેશો પર એક નજર નાખીએ. એમને કોઈકે એક પ્રશ્ન પૂછ્યો: ‘શ્રીમાન, શારીરિક શ્રમ અને હૃદયની સુરક્ષા એ બે માંથી કઈ વાત મોટી છે?’ અબ્બાએ જવાબ આપ્યો: ‘હૃદયની સુરક્ષા.’ શારીરિક શ્રમ તો કુંભમેળમાં જઈને ત્યાં સ્નાન કરવું તથા શારીરિક તપ વગેરે કરવા જેવું છે. માનવ એક વૃક્ષના જેવો છે અને શારીરિક શ્રમ એના પાંદડાં જેવો છે એમ કહેવામાં આવ્યું છે. આપણે પાવન ગંગામાં જઈને સ્નાન કરીએ છીએ તેમજ ધર્મના અનેક બાહ્ય ઉપાયો પણ યોજીએ છીએ. આ બધાં કાર્ય શારીરિક શ્રમમાં આવે છે. જ્યાં સુધી આપણું અંત:કરણ રૂપાંતરિત ન થાય ત્યાં સુધી આ બધા બાહ્ય ક્રિયાકર્મો વ્યર્થ છે. ધર્મનો અર્થ છે અનુભૂતિ. પરંતુ કેટલીયે વાર આપણે ધર્મની અનાવશ્યક બાબતો વિશે વધારે ચિંતિત રહીએ છીએ. જ્યાં સુધી આપણે આ બાહ્ય સાધનો દ્વારા અંતરનું પરિવર્તન ન કરી લઈએ ત્યાં સુધી આ બધાં સાધનો વ્યર્થ છે. એટલે જ એમ કહેવામાં આવ્યું છે કે મનુષ્ય વૃક્ષ જેવો છે, શારીરિક કાર્ય એનાં પાંદડાં છે અને હૃદયની સુરક્ષા એ એનું ફળ છે. આગળ એમ પણ કહેવાયું છે કે ‘સારું ફળ ન આપનાર પ્રત્યેક વૃક્ષને કાપીને બાળી નાખવું જોઈએ.’ એટલે આપણું પૂરું લક્ષ્ય ફળ એટલે કે હૃદયની સુરક્ષા પર લાગેલું રહેવું જોઈએ.

આપણે ધર્મનાં અનાવશ્યક કાર્યો પ્રત્યે બહુ વધુ ધ્યાન આપવું ન જોઈએ. ધર્મનું અનિવાર્ય અંગ હૃદયની સુરક્ષા છે. ધર્મના અનાવશ્યક અંગો પ્રત્યે ધ્યાન દેવાનો સ્વભાવ આપણને બાહ્ય રૂપે ઉચિત વ્યવહાર કરવા સુધી જ લઈ જઈ શકે છે. પરંતુ એનાથી આપણી ભીતર કોઈ પણ પ્રકારનું આંતરિક પરિવર્તન થતું નથી. ન્યુથિયોલોજીયન સંત સાયમન સંકેત કરતાં કહે છે કે સમગ્ર સક્રિય જીવનને ઈશ્વર કેવળ એક વૃક્ષનાં પાંદડાં સિવાય બીજું કંઈ ગણતા નથી અને જ્યાં સુધી એને ઈશ્વરની અનુભૂતિ ન થાય ત્યાં સુધી એમાં ફળ નથી લાગતાં. ઈશ્વરાનુભૂતિ માટે આપણે બાહ્ય જીવનનાં અનંત બાહ્ય ચક્રો સમાપ્ત કરવાં પડશે.

પ્રાત: કાળથી રાત્રિ સુધી આપણે આ વાત ભૂલી જઈએ છીએ કે ઈશ્વર આપણી ભીતર રહેલા છે તેમજ જો આપણે ઈશ્વરની અનુભૂતિ કરી લઈએ તો આપણને બધું પ્રાપ્ત થઈ જાય છે. જો કે ઈશ્વરની સત્તા આપણી ભીતર રહેલી છે અને આપણે એ ઈશ્વરમાં નથી એ સત્યને આપણે ભૂલી જઈએ છીએ. એટલે નિરર્થક બહાર આંટાફેરા કરતા રહીએ છીએ. આના કરતાં આપણે હૃદયની સુરક્ષાની પ્રણાલી શીખી લેવી જોઈએ. એનાથી આપણે બાહ્ય જગતમાંથી આપણા મનને દૂર કરીને પોતાના હૃદયમંદિરમાં રહેલા પ્રિય ઈષ્ટદેવતાનાં ચરણકમળમાં એ હૃદયને રાખી શકીએ. માત્ર આ જ કરીએ તો આધ્યાત્મિક વિકાસ સંભવ બને.

(ક્રમશ:)

Total Views: 156

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.