પર્યુષણ પર્વ : શ્રેષ્ઠ અષ્ટાહ્‌નિકા

લાંબા તહેવારોમાં ખાસ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે; તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. આ આઠેય દિવસ લોકો જેમ બને તેમ ધંધો-ધાપો ઓછો કરવાનો, ત્યાગ-તપ વધારવાનો, જ્ઞાન-ઉદારતા આદિ સદ્‌ગુણો પોષવાનો અને ઐહિક, પારલૌકિક કલ્યાણ થાય એવાં જ કામો કરવાનો પ્રયત્ન કરે છે. જ્યાં દેખો ત્યાં જૈન પરંપરામાં એક ધાર્મિક વાતાવરણ અષાઢ મહિનાનાં વાદળોની પેઠે ઘેરાઈ આવે છે. આવાં વાતાવરણને લીધે અત્યારે પણ આ પર્વના દિવસોમાં આ બાબતો સર્વત્ર નજરે છે : (૧) ધમાલ ઓછી કરીને બને તેટલી નિવૃત્તિ અને ફુરસદ મેળવવાનો પ્રયત્ન (૨) ખાનપાન અને બીજા કેટલાક ભોગો ઉપર ઓછોવત્તો અંકુશ. (૩) શાસ્ત્રશ્રવણ અને આત્મચિંતનનું વલણ. (૪) તપસ્વીઓ અને ત્યાગીઓની તેમજ સાધર્મિકોની યોગ્ય પ્રતિપત્તિ-ભક્તિ. (૫) જીવોને અભયદાન આપવાનો પ્રયત્ન. (૬) વેરઝેર વિસારી સૌ સાથે સાચી મૈત્રી સાધવાની ભાવના.

મહાવીર ભગવાને પોતાની કઠોર સાધના દ્વારા જે સત્યો અનુભવ્યાં હતાં. અને તેમણે પોતે જે સત્યોને સમકાલીન સામાજિક પરિસ્થિતિ સુધારવા અમલમાં મૂક્યાં હતાં અને લોકો એ પ્રમાણે જીવન ઘડે તે હેતુથી જે સત્યોનો સમર્થ પ્રચાર કર્યો હતો તે સત્યો સંક્ષેપમાં ત્રણ છે : (૧) બીજાના દુ:ખને પોતાનું દુ:ખ લેખી જીવન વ્યવહાર ઘડવો, જેથી જીવનમાં સુખશીલતા અને વિષમતાનાં હિંસક તત્ત્વો પ્રવેશ ન પામે. (૨) પોતાની સુખસગવડનો સમાજના હિતઅર્થે પૂર્ણ ભોગ આપવો જેથી પરિગ્રહ બંધન મટી લોકોપકારમાં પરિણમે. (૩) સતત જાગૃતિ અને જીવનનું આંતરનિરીક્ષણ કરતાં રહેવું જેથી અજ્ઞાન કે નબળાઈને કારણે પ્રવેશ પામતા દોષોની ચોકી કરી શકાય અને આત્મપુરુષાર્થમાં ઓટ ન આવે.

સંવત્સરી : મહાપર્વ

સાંવત્સરિક પર્વ એ મહત્પર્વ છે. બીજાં કો પણ પર્વો કરતાં એ મહત્ છે. એની મહત્તા શેમાં છે એ સમજવાનું રહે છે. કોઈપણ વ્યક્તિએ ખરી શાંતિ અનુભવવી હોય, અગવડસગવડ કે આપદાસંપદામાં સ્વસ્થતા કેળવવી હોય અને વ્યક્તિત્વને ખંડિત ન થવા દેતાં તેનું આંતરિક અખંડપણું સાચવી રાખવું હોય તો એનો એકમાત્ર અને મુખ્ય ઉપાય છે કે તે વ્યક્તિ પોતાની જીવનપ્રવૃત્તિના દરેક ક્ષેત્રનું બારીકાઈથી અવલોકન કરે. એ આંતરિક અવલોકનનો હેતુ એ જ રહે કે ક્યાં ક્યાં, કેવી કેવી રીતે, કોની કોની સાથે નાની કે મોટી ભૂલ કરી છે તે જોવું. જ્યારે કોઈ માણસ સાચા દિલથી નમ્રપણે પોતાની ભૂલ જોઈ લે છે ત્યારે તેને એ ભૂલ ગમે તેટલી નાનામાં નાની હોય તો ય પહાડ જેવી મોટી લાગે છે અને તેને તે સહી શકતો નથી. પોતાની ભૂલ અને સામેનું ભાન એ માણસને જાગતો અને વિવેકી બનાવે છે. જાગૃતિ અને વિવેક માણસને બીજા સાથે સંબંધો કેમ રાખવા, કેમ કેળવવા એની સૂઝ પાડે છે. એ રીતે આંતરિક અવલોકન માણસની ચેતનાને ખંડિત થતાં રોકે છે. આવું અવલોકન માત્ર ત્યાગી કે ફકીર માટે જરૂરી છે એમ નથી પણ તે નાની કે મોટી ઉંમરના અને કોઈપણ ધંધા અને સંસ્થાના માનવી માટે સફળતાની દૃષ્ટિએ આવશ્યક છે. કેમ કે તે દ્વારા એ મનુષ્ય પોતાની ખામીઓ નિવારતાં નિવારતાં ઊંચે ચડે છે અને સૌનાં દિલને જીતી લે છે. આ એક સાંવત્સરિક પર્વના મુખ્ય મહત્ત્વની વ્યક્તિગત બાજુ થઈ પરંતુ એ મહત્ત્વ સામુદાયિક દૃષ્ટિએ પણ વિચારવાનું છે. એટલે સામુદાયિક દૃષ્ટિએ આંતરિક અવલોકનપૂર્વક પોતપોતાની ભૂલ કબૂલવી અને જેના પ્રત્યે ભૂલ સેવાઈ હોય તેની સાચાં દિલથી માફી માગવી અને સામાને માફી આપવી સામાજિક સ્વાસ્થ્ય માટે ઘણું અગત્યનું છે. આ પર્વમાં પ્રથા પ્રમાણે જૈનો સૂક્ષ્માતિસૂક્ષ્મ અને અગમ્ય જેવા જીવવર્ગને પણ ખમાવે છે, તેના પ્રત્યે કાંઈ સભાનઅભાનપણે ભૂલ કરી હોય તો માફી માગે છે.

Total Views: 265

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.