(લેખક આઈ.આઈ.ટી, ચેન્નઈના ડાયરેક્ટર હતા. રામકૃષ્ણ મઠ, ચેન્નઈ દ્વારા પ્રકાશિત અંગ્રેજી પુસ્તક ‘Gita for Everyday Living’માં છપાયેલ તેમના લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. – સં.)

ગીતાનો સર્વવ્યાપક દૃષ્ટિકોણ

ભગવદ્‌ ગીતા અધ્યયન કરવા યોગ્ય શાસ્ત્ર છે. ઘણી સહસ્રાબ્દી પૂર્વે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં શ્રીકૃષ્ણે અર્જુનને પ્રબોધેલ ઉપદેશે વર્તમાન સમયમાં પણ ઉપદેશોની સર્વકાલીનતાને કારણે તેની નિત્ય-નવીનતા અર્થાત્‌ પ્રાસંગિકતા અત્યારે પણ છે. તેના અધ્યયનથી તથા પૃથ્વી પર ઉદ્દેશપૂર્ણ જીવન જીવવા અંગેના તેના ઉપદેશોના આચરણથી, યુગો થયા, હજારો હજારો લોકો લાભાન્વિત થતા રહ્યા છે.

ગીતા મુખ્યત્વે યોગ-વિજ્ઞાન છે; સૈદ્ધાંતિક તથા સાધનાલક્ષી, જો કે મૂલત: ગીતા યોગના બે પથને સ્વીકૃત કરે છે—જ્ઞાન અને કર્મ—પછીથી તે બે અન્ય પથનું વિવરણ કરે છે, અર્થાત્‌ ભક્તિ અને ધ્યાન. આનું કારણ એ છે કે, પછીથી તે બે યોગ કર્મયોગમાં સમાહિત થઈ જાય છે, કારણ કે અધ્યાયના અંતે ગીતાના સ્વરૂપને બ્રહ્મવિદ્યા (જ્ઞાનયોગપરક) અને યોગશાસ્ત્ર (કર્મયોગપરક) એમ ઉલ્લેખિત કરાયું છે.

ગીતા કર્મયોગનું પદ્ધતિસરનું વિવેચન અને વિશ્લેષણ કરતું સંસારભરનું એકમાત્ર શાસ્ત્ર છે. આપણને જ્યાં સુધી દેહાધ્યાસ છે, ત્યાં સુધી આપણે કર્મ કરતા જ રહેવાનું છે, અન્યથા દેહ ટકી શકે તેમ નથી. આમ, કર્મ સૌ જીવો માટે અનિવાર્ય ઘટક છે, ખાસ કરીને તો માનવજાતિ માટે. માનવજાતિ સિવાયના સજીવો માટે પસંદગી કરવાની ક્ષમતા અત્યંત મર્યાદિત છે; તેથી ઊલટું માનવજાતિને પસંદગી કરવાની યથેચ્છ શક્તિ પરમાત્માએ આપી છે. યથાર્થ પસંદગી કરવામાં જ માનવજાતિનું ડહાપણ રહેલું છે. તેના કારણે લાંબા ગાળે માનવજાતિને પોતાને લાભ થાય છે, વધુમાં અન્ય પ્રાણી, વનસ્પતિ, સૃષ્ટિને પણ સહાયતા પહોંચે છે અથવા તો તેમને હાનિ થતી નથી. કર્મયોગ એટલે પોતાનેે તથા સમગ્ર માનવજાતિને સર્વોત્તમ લાભ મળે તેવા કર્મની પસંદગી કરવી એ છે, તે સિવાય બીજું કંઈ જ નથી.

ઉત્ક્રાંતિની વિભાવના

માનવજાતિ પર ઝઝૂમી રહેલા વર્તમાન સંકટ અને ગીતાએ સૂચવેલ ઉપાયનું વિવરણ કરીએ તે પૂર્વે એ જાણવું અગત્યનું છે કે સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું. અહીં વેદાંતમતના દૃષ્ટિકોણને ચર્ચવાનો નથી. પરંતુ આધુનિક વિજ્ઞાન આ અંગે શું કહે છે તે જાણવા-સમજવાનો અત્રે ઇરાદો છે.

વેદાંતમતની જેમ આધુનિક અવકાશવિજ્ઞાન પણ માને છે કે આ વિશ્વબ્રહ્માંડનું પ્રગટીકરણ ચક્રીય પ્રક્રિયા છે. અવકાશવિજ્ઞાનની દૃષ્ટિએ ‘બિગબેન્ગ’ના સિદ્ધાંત અનુસાર આ વિશ્વબ્રહ્માંડ ૧૬ થી ૧૮ બિલિયન વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવ્યું હતું. અવકાશ-વૈજ્ઞાનિકોએ વિગતપૂર્ણ ગહન અભ્યાસ કરીને ગણતરી કરી છે કે આદિ કારણમાંથી વિભિન્ન આકાશગંગાઓનો કેવી રીતે ઉદ્‌ભવ થયો. તેમની ગણતરી મુજબ સૂર્યમંડળ ૪.૫ બિલિયન વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યાર બાદ તરત જ પૃથ્વી પરનું વાતાવરણ સ્થિર થયું અને આશરે ૧.૫ બિલિયન વર્ષ પૂર્વે પ્રારંભિક સજીવ સૃષ્ટિ દૃષ્ટિગોચર થઈ.

તત્પશ્ચાત્‌ ઉત્ક્રાંતિ પોતાની ગતિથી અગ્રસર થતી રહી અને કરોડરજ્જુ વિનાનાં અને કરોડરજ્જુવાળાં પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યાં. લગભગ ૨૫૦ મિલિયન વર્ષ પૂર્વે, જુરાસિક યુગ તરીકે ઓળખાતા સમયગાળામાં હાલ ડાયનાસોર તરીકે ઓળખતાં વિશાળકાય પ્રાણીઓ અને સરિસૃપો અસ્તિત્વમાં આવ્યાં. ૧૮૦ મિલિયન વર્ષ સુધી આવાં વિરાટ પ્રાણીઓ પૃથ્વી પર ભટકતાં રહ્યાં અને આશરે ૭૦ મિલિયન વર્ષ પૂર્વે તેમનો સર્વનાશ થયો. એવી ધારણા કરવામાં આવે છે કે યૂકેટન નામના દ્વીપકલ્પ પર વિશાળ ધૂમકેતુ ખરી પડ્યો અને પરિણામ સ્વરૂપે લગભગ ૧૦૦ વર્ષ સુધી પૃથ્વી ધૂળમાટીના અત્યંત ગાઢ આવરણથી ઢંકાઈ ગઈ. આમ થવાથી તે પ્રાણી-સૃષ્ટિનો પણ સર્વનાશ થયો. આ ધૂળમાટીના આવરણે સૂર્યને પણ ઢાંકી દીધો હતો, જેથી સમગ્ર વનસ્પતિ-સૃષ્ટિનો નાશ થયો અને પરિણામ સ્વરૂપે વનસ્પતિભક્ષી પ્રાણીસૃષ્ટિનો પણ અંત આવ્યો. પછી પોતાના જીવનનિર્વાહ અર્થે વનસ્પતિભક્ષી પ્રાણીઓનું ભક્ષણ કરીને જીવતાં માંસાહારી પ્રાણીઓ પણ અદૃશ્ય થઈ ગયાં.

ત્યાર બાદ પૃથ્વી પર જીવસૃષ્ટિ અંતર્ગત એપ્સ, ગ્રેટ એપ્સ અને હ્યુમેનોઈડ્સ (પૂંછડી વિનાના વાનરની જાતિ-પ્રજાતિઓ) અસ્તિત્વમાં આવ્યા. ૧૦૦,૦૦૦ વર્ષ પૂર્વે હોમોસેપિયન્સ—વિચારશીલ માનવસૃષ્ટિ ઉત્ક્રાંત થઈ. અગ્નિની શોધ થવાને કારણે રખડતી-વિચરતી માનવજાત સ્થાયી વસવાટ કરવા લાગી અને પદ્ધતિસરની જીવનશૈલી વિકસી. અંતિમ હિમયુગ લગભગ ૧૨૦૦ વર્ષ પૂર્વે પૂરો થયો. આના કારણે સર્વત્ર વિનાશકારી મહાપૂર રેલાયાં; ૨૦૦૦ વર્ષ પૂર્વે પૂર ઓસર્યાં અને વિરાટકાય નદીઓ અસ્તિત્વમાં આવી. આ મહાનદીઓના કાંઠા પર મહાન સંસ્કૃતિઓ અને સભ્યતાઓએ જન્મ લીધો.

આપણે જેને ‘વિજ્ઞાન’ તરીકે ઓળખીએ છીએ તે પ્રાચીન ગ્રીસમાં ૨૭૦૦ વર્ષ પૂર્વે અસ્તિત્વમાં આવ્યું હતું. ૫૦૦ વર્ષ પૂર્વેથી ટેક્નોલોજીનું પ્રભુત્વ વધવા લાગ્યું હતું. આ ત્રણ સહસ્રાબ્દીના ટૂંકા સમયગાળા દરમિયાનના વિકાસને લઈને વિશ્વ સંભવિત મહાસંહારના આરે ઊભું છે—ગંજાવર પ્રમાણમાં ન્યૂક્લિયર શસ્ત્રોનું ઉત્પાદન, વાયુ અને જળનું અત્યધિક પ્રદૂષણ, તથા કેન્સર, ડાયાબિટિસ, હાઈપર ટેન્શન અને એઈડ્સ જેવા જીવલેણ રોગો!

હિરોશીમા અને નાગાસાકી પર ફેંકાયેલ અણુબોંબને કારણે વેરાયેલ મહાવિનાશ—એ માનવજાત પર ઝઝૂમી રહેલા મહાપ્રલયકારી સંહારની પ્રથમ સૂચના હતી. ત્યારથી માનવજાતિ મહાવિપત્તિના આરે આવીને ઊભી છે. માનવજાતિ અસ્તિત્વમાં આવ્યાને હજુ માંડ ૧૦૦,૦૦૦ વર્ષ થયાં છે, એટલાં ટૂંકા ગાળામાં તો તેની સમક્ષ સર્વનાશની વાસ્તિવક ધમકી ડોકિયું કરીને ઊભી જ છે.

ડાયનોસોરના અસ્તિત્વના ૧૮૦ મિલિયન વર્ષના ગાળાની આપણે તુલના કરીએ છીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય છે કે આવાં વિશાળકાય પ્રાણીઓ આટલા લાંબા સમયગાળા પર્યંત કેવી રીતે આ સૃષ્ટિ પર ટકી રહ્યાં હતાં! તેઓના સર્વનાશ માટે તેઓ સ્વયં દોષિત નથી. એથી ઊલટું, માનવજાતિ હાલ સર્વનાશ પ્રતિ સ્વયં ઝૂકી રહી છે.

આ જટિલ પ્રશ્નનો ઉત્તર ડેનિયલ ક્યૂન પોતાના પુસ્તક ‘Ishmael’માં આપે છે. આ પુસ્તકમાં માનવ અને ઇસ્માઇલ નામના ગોરિલા-વાનર વચ્ચેનો સંવાદ છે. ગોરિલા શિક્ષક છે, માનવ છે તેનો વિદ્યાર્થી. ગોરિલા માનવને સામાન્ય પ્રશ્ન પૂછે છે, ‘તેં પર્યાવરણ સાથે ચેડાં કરતાં પહેલાં પ્રાણીઓ અને વનસ્પતિ જેવાં સજીવ સ્વરૂપો સાથે વિચાર-વિમર્શ કરવાની પરવા કે ચિંતા કરી હતી?’ માનવ પાસે તેનો કોઈ જવાબ નથી. ગોરિલા સમગ્ર સજીવ સૃષ્ટિને બે વિભાગમાં વર્ગીકૃત કરે છે—લેનારાઓ અને જરૂરતનું લઈને બાકીનું ત્યાગનારાઓ. લેનારાઓ એવા છે કે જે પોતાને જોઈતું હોય કે ન જોઈતું હોય, માત્ર લેનારા છે. જરૂરત સિવાયનું ત્યાગનારાઓ એવા છે કે જે પોતાને જોઈતું હોય તેટલું જ લે છે અને બાકીનું બીજાઓ માટે છોડી દે છે. માનવજાત સાચે જ પહેલા વિભાગમાં આવે છે. માનવજાત પૃથ્વીગ્રહની માલિક હોવાનો દાવો કરે છે અને પ્રકૃતિ પર પણ આધિપત્ય જમાવ્યાનો દાવો કરે છે!

માનવજાતે મહાન તત્ત્વચિંતકો, વિચારકો અને આચાર્યોને જન્મ આપ્યો છે, જેમણે સંસાધન-સ્રોતના લઘુતમ વપરાશવાળા મૂળભૂત સાદા જીવનની હિમાયત કરી છે. પરંતુ માનવજાતનો મોટા ભાગનો હિસ્સો પ્રાકૃતિક સંસાધન સ્રોતના શોષણ માટે જાતભાતનાં અને સાવ અર્થહીન સાધનો અને ઉપાયો શોધવામાં વ્યસ્ત છે. તેમણેે પ્રાણીસૃષ્ટિ અને માનવસૃષ્ટિના સામૂહિક સંહારની કળામાં પ્રવીણતા મેળવી છે. આ અમાનુષી પ્રવૃત્તિ પર અંકુશ મૂકવાની હિમાયતને તેઓ તુક્કો કે તરંગ ગણે છે અને એવા હિમાયતકર્તાઓ હાંસીપાત્ર બને છે.

આમ, માનવજાત ભીષણ કટોકટીનો સામનો કરી રહી છે અને હતપ્રાય બનીને તેમાંથી ઊગરવાના ઉપાયો શોધવા મથી રહી છે. એ રસપ્રદ હકીકત છે કે વર્તમાન સભ્યતામાં તેનો યથાર્થ ઇલાજ ન મળવાથી માનવજાત ભૂતકાળમાં દૃષ્ટિ કરીને, પ્રાચીન સભ્યતાઓમાંથી ઉકેલ મેળવવા પ્રયત્નશીલ છે. હવે આયુર્વેદ, યોગ, ધ્યાન જેવા પુરાણા ઇલાજો પરત્વે સવિશેષ અભિરુચિ દાખવવામાં આવી રહી છે. આ ઇલાજોને સુનિશ્ચિત સ્રોત ભગવદ્ ગીતામાંથી મેળવી શકાય. હવે આપણે અભ્યાસ કરીશું કે ગીતામાં આ સમસ્યાઓ અંગે, ખાસ કરીને પર્યાવરણના જગત અંગે શું કહેવાયું છે.

પર્યાવરણીય સમતુલા અંગેનો ગીતા-નિર્દિષ્ટ માર્ગ

ગીતા મૂળભૂત રીતે બે પ્રકારના યોગનો સ્વીકાર કરે છે. ત્રીજા અધ્યાયના ત્રીજા શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે: “આ લોકમાં જ્ઞાનયોગ વડે જ્ઞાનીઓની અને કર્મયોગ વડે યોગીઓની એમ બે પ્રકારની નિષ્ઠા મેં પૂર્વે કહી છે.”

તેથી બધા અધ્યાયોના અંગે ગીતાનું બ્રહ્મવિદ્યા (બ્રહ્મ અંગેનું જ્ઞાન) અને યોગશાસ્ત્ર (યોગનું વિજ્ઞાન-શાસ્ત્ર) રૂપે નિરૂપણ કરાયું છે. ગીતામાં આદિથી અંત સુધી કર્મયોગનું વિશદ વિવેચન કરાયું છે. કર્મફળની આસક્તિ વિનાનું નિષ્કામ કર્મ એ કર્મયોગનું રહસ્ય છે. ગીતા તેને ‘યજ્ઞ’ ભાવના કહે છે. ગીતામાં અન્યત્ર (૩.૯) શ્રીકૃષ્ણ કહે છે:

“યજ્ઞ માટેનાં કર્મો સિવાયનાં બીજાં કર્મોથી આ લોક કર્મરૂપી બંધનોવાળો થાય છે. માટે હે અર્જુન! ફલાસક્તિ ત્યજીને તું યજ્ઞ માટે કર્મ કર.” (અહીં ‘યજ્ઞ’ શબ્દથી પરમાત્મા માટે કરેલાં કર્મ સમજવું.)

સાચું તો એ છે કે આ યજ્ઞભાવનાનો અભાવ માનવજાતની દયનીય દુર્દશા માટે કારણભૂત છે. માત્ર માનવજાતને સારા-નરસાની પસંદગીઓ કરવા માટે આવશ્યક બુદ્ધિ આપવામાં આવી છે. વારંવાર માનવજાતમાં ડહાપણભર્યા નિર્ણયો લેવાની બાબતમાં અભાવ જોવા મળ્યો છે. સમગ્ર સૃષ્ટિ માનવજાતના ઉપભોગ માટે સર્જાઈ છે એવી ઉદ્દંડ મનોવૃત્તિ આનું કારણ છે, જાણે કે બાકીની સૃષ્ટિ પ્રત્યે માનવજાતની કોઈ જવાબદારી જ નથી!

આ શ્લોક પછીના ચાર શ્લોકમાં માનવજાત પાસે શાની અપેક્ષા રખાઈ છે, એ અંગે શ્રીકૃષ્ણ કહે છે. આ શ્લોકનું અદ્યપર્યંત પ્રણાલિગત એવું અર્થઘટન કરાયું છે કે માનવજાતિની દેવો પ્રત્યેની અમુક ફરજો છે, પરંતુ વર્તમાન પરિપ્રેક્ષ્યમાં તે અંગેનો જુદો અભિગમ છે. આ શ્લોકો (૩.૧૦ થી ૧૩)નો અર્થ છે:

“પહેલાં બ્રહ્માએ યજ્ઞસહિત પ્રજાઓને ઉત્પન્ન કરીને કહ્યું: ‘આ યજ્ઞ વડે તમે વૃદ્ધિ પામો. આ યજ્ઞ તમારી મનગમતી કામનાઓને પૂર્ણ કરનાર બનો.’ (૧૦) તમે આ (યજ્ઞ)થી દેવોને સંતુષ્ટ કરો અને તે દેવો તમને સંતુષ્ટ કરે. આ રીતે પરસ્પર સંતોષ આપતાં તમે બંને પરમ કલ્યાણ પામશો. (૧૧) યજ્ઞથી પુષ્ટ-તુષ્ટ થયેલા દેવો તમને મનગમતા ભોગો આપશે જ. પણ એમણે આપેલા ભોગોને એમને (દેવોને) અર્પણ કર્યા વગર જે એકલો ભોગવે છે, તે ચોર જ છે. (૧૨) યજ્ઞમાંથી વધેલું જમનારા સજ્જનો સર્વપાપોમાંથી મુક્ત થઈ જાય છે. પણ જેઓ ફક્ત પોતાને માટે જ રાંધે છે, તે પાપીઓ પાપ જ ખાય છે. (૧૩)”

પરંપરાગત દૃષ્ટિએ ‘દેવ’ શબ્દનો અર્થ છે, સ્વર્ગલોકમાં નિવાસ કરનાર સ્વર્ગીય હસ્તી. પરંતુ શબ્દ-વ્યુત્પત્તિની દૃષ્ટિએ તેનો અર્થ છે, ‘તેજસ્વી’ કે જે આપણને પ્રબુદ્ધ કરે છે અર્થાત્‌ જીવનદાયક સિદ્ધાંત.

માનવજીવનને ટકાવનાર સૌથી અગત્યનો ઘટક છે ઓક્સિજન. તેના વિના માનવ કે પ્રાણી જીવી ન શકે. આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢીએ છીએ. આ કાર્બનડાયોક્સાઈડ વનસ્પતિ-સૃષ્ટિ દ્વારા વપરાઈ જાય છે. આ બંને વાયુ વચ્ચે સુયોગ્ય સમતુલા જળવાય તો વાતાવરણીય હવા શુદ્ધ અને સ્વચ્છ રહે છે, સ્વાસ્થ્યકર રહે છે. પરંતુ જ્યારે ઓક્સિજનના વપરાશમાં અધિકતા અને એવી જ રીતે કાર્બનડાયોક્સાઈડના ઉત્સર્જનમાં અધિકતા સર્જાય ત્યારે વાતાવરણની પુન: વપરાશ-શક્તિ પર અત્યધિક ભારણ આવે છે. પરિણામે કાર્બનડાયોક્સાઈડનો ભરાવો થાય છે, વાતાવરણના ઊષ્ણતામાનમાં વૃદ્ધિ થાય છે જેને લઈને ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાય છે. શું હાલ આવું નથી બની રહ્યું? તેથી જ તો શ્રીકૃષ્ણની મીઠા ઠપકાભરી સલાહ આપણને એવી જીવનશૈલી અનુસરવાનું કહે છે કે જેથી સમતુલા પુન: સ્થાપિત થાય. આમ આપણે જીવનદાયક વાતાવરણનું સર્જન કરી શકીશું અને પરિણામે સ્વસ્થ જીવન મેળવવાનું સૌભાગ્ય સાંપડશે. તે જ કારણે આપણા પુરાતન લોકોએ હવાને દિવ્ય ગણીને ‘વાયુ’ એવું નામ આપ્યું હતું.

બધી સંસ્કૃતિઓ અને સભ્યતાઓમાં ઉદ્‌ગમ સ્થાન નદી તટ હતા કારણ કે ત્યાં જળની અમર્યાદિત પ્રાપ્યતા હતી. જળસ્રોતોનો અત્યધિક વપરાશ અને ઔદ્યોગિક વિકાસની અત્યધિકતાને કારણે ઉદ્‌ભવેલ વર્તમાન જળસ્રોતોનું પ્રદૂષણ—આ બંનેને કારણે શુદ્ધ પેયજળ મોજશોખની ચીજ જેવું બની ગયુંં છે. જીવન ટકાવવા માટે વ્યક્તિએ શીશામાં ભરેલું, રાસાયણિક પદ્ધતિથી શુદ્ધ કરાયેલ જળ ખરીદવું પડે છે. શું આ બાબત આધુનિક જીવનની મશ્કરીરૂપ નથી? આપણા પુરાતન લોકોએ જીવનધારક તત્ત્વ જળને દિવ્ય ગણીને ‘વરુણ’ એવું નામ આપ્યું હતું.

યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં પડતા વરસાદને કારણે વિષુવવૃત્તીય દેશોમાં માનવજીવન જીવવા લાયક અને સરાહનીય બને છે. વાયુશાસ્ત્રીઓના મતાનુસાર આબોહવાની સ્થિતિ એકદમ ખરાબ બની ગઈ છે, એટલી બધી ખરાબ કે વિષુવવૃત્તીય દેશોની વર્ષાઋતુઓ વરસાદ વિનાની બની છે અને શીતકટિબંધીય પ્રદેશોમાં હિમવર્ષા વિનાના શિયાળા જોવા મળે છે. આ બધું આપણી નજર સામે બની રહ્યું છે. આપણા પુરાતન લોકો હવામાનની મહત્તા સમજ્યા હતા, તેથી યોગ્ય સમયે સપ્રમાણ વરસાદ માટે તત્સંબંધી દેવતાને હંમેશાં પ્રાર્થતા હતા. આ દેવતાને તેમણે નામ આપ્યું હતું, ઇન્દ્ર. વાયુ, જળ અને વરસાદને દિવ્ય ગણવામાં આવ્યાં હતાં, તેને હાલ ઘણા લોકો અંધશ્રદ્ધારૂપે ગણે છે. આ જીવનદાયક તત્ત્વોની દિવ્યતા પાછળ રહેલા સત્યને નહીં જાણવાને કારણે આપણને કેટલી હાનિ થઈ રહી છે તેનો એમને ખ્યાલ નથી.

ઉપસંહાર

આપણે જાણીએ છીએ ત્યાં સુધી, વિશ્વબ્રહ્માંડમાં આપણો પૃથ્વી ગ્રહ જ સાચું વસવાટનું સ્થાન છે. એ પણ એટલું સાચું છે કે આ ગ્રહ પરના સૌ જીવો પૈકી માનવજાતિ જ સૌથી વધુ બુદ્ધિશાળી છે, કારણ કે માત્ર તે જ જાણે છે કે અનેક વિકલ્પોમાંથી કયા એકની પસંદગી કરવી. તેથી કહ્યા વિના રહેવાતું નથી કે આ ગ્રહનું ભાવિ માનવજાતનાં હાથમાં છે.

શું તેની આ મહાન જવાબદારીનું તેને ભાન છે ખરું? કે પછી પરમાત્માએ આ ગ્રહના જતનની જવાબદારી ખોટા હાથમાં સોંપી છે?

અત્યંત નજીકના ભવિષ્યમાં આવી પડનારી મહાન વિપત્તિ અંગેની સભાનતા બાબતે પ્રચાર–પ્રસાર કરવાની હાલ તાતી જરૂર છે. શાળા કક્ષાએથી શરૂ કરીને, કોલેજ કક્ષા સુધી આ કાર્ય કરવાનું છે. આધુનિક યુવાન ઇન્ટરનેટ, મોબાઇલ, ઝડપી વાહનો ઇત્યાદિની જાળમાં આંધળો ભીંત બની ગયો છે. ગુનાહિત માનસવાળા લોકોની જેમ તે યેનકેન પ્રકારેણ ક્ષણિક ઉપભોગનાં અસ્થાયી સાધનો ઝૂંટવા-લૂંટવાની પેરવીમાં પડ્યો છે. યોગ્ય શિક્ષણ આપીને તેમને સજાગ કરવાનો સમય પાકી ગયો છે. એવું નથી કે માનવજાતિ પાસે આ સમસ્યાનો ઉકેલ નથી. પરંતુ આ સમસ્યાની ગંભીરતા અંગેની સમજણનો અભાવ છે. ક્રિકેટ, મુવીસ્ટાર જેવી બાબતોને બદલે પ્રચાર માધ્યમોએ ઉપર્યુક્ત સમસ્યાના સંદર્ભમાં સજાગતા કેળવવા માટે ‘શિક્ષક’ તરીકેની ફરજ અદા કરવાની જરૂર છે.

ભવિષ્યમાં સર્જાનારી વિષમ પરિસ્થિતિ વિશે ગીતામાં ઉકેલો સૂચવાયા છે, તે ખરેખર નોંધનીય બાબત છે. શું આવી સમસ્યાઓ ભૂતકાળમાં પણ ઊભી થઈ હશે ખરી અને તેથી શ્રીકૃષ્ણે આ ઇલાજ સૂચવ્યો હતો? એમ કહેવાય છે કે ઇતિહાસનું પુનરાવર્તન થયા કરે છે. ગમે તે હોય, રામકૃષ્ણ મઠ, બેંગલોરના ભૂતપૂર્વ અધ્યક્ષ સ્વામી હર્ષાનંદ કૃત પુસ્તક ‘Ancient Solutions to Modern Problems’ના શીર્ષકને આ ઉકેલ સમર્થન આપે છે.

Total Views: 6

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.