એક સાધુ હતા. કોઈ તેમના વિષે કશું જાણતા ન હતા. તેઓ સારા ય ભારતનાં તીર્થોમાં ફર્યા કરતા.

‘યદ્દચ્છા લાભ સંતુષ્ટ:’ 

જે ભિક્ષા મળે તેનાથી જ સંતુષ્ટ. ઘણા દિવસો સુધી આ રીતે ‘બહુદક’ સ્થિતિમાં રહ્યા બાદ સાધુને ઇચ્છા થઈ કે હવે એક સ્થળ પર થોડા દિવસો ‘કુચીટક’ થઈને વિતાવે. ગુરુની આજ્ઞા હતી. ગીતાનો એક શ્લોક- 

‘અદ્વેષ્ટા સર્વભૂતાનામ્ મૈત્ર: કરુણ એવ ચ ।
નિર્મમો નિરહંકાર: સમદુ:ખસુખ: ક્ષમી ॥’

બધા પ્રાણી પ્રત્યે દ્વૈષ રહિત થવું, સમસ્ત પ્રાણી સાથે મૈત્રીભાવ અર્થાત્ દોષ દૃષ્ટિ રહિત રહેવું સકળ જીવ પ્રત્યે કરુણા, તેથી આ સંસારમાં તેઓ મમત્વહીન અને નિરાભિમાની, સુખદુ:ખ સમાન તથા અસીમ ક્ષમાશીલતા આ જ આદર્શ મનમાં હંમેશા વિચારે. આવી અવસ્થા પ્રાપ્ત થઈ છે કે નહિ? તેમના મનમાં અનવરત બીજાના કલ્યાણ માટે આંતરિક પ્રાર્થના રહેતી. પ્રભુ, બધું જ તો તમે છો. આ જીવ-જગતમાં સમાઈને તમે જ વિરાજ કરો છો. તેથી તમે અંતરતમ. કોનો હું દ્વૈષ કરું? કોને વળી ઘૃણા કરું? હે પ્રભુ, તમે જ પ્રત્યેક જીવમાં રહો છો. તમે જ તો ઘણી રીતે દુ:ખ વેઠો છો. પ્રભુ! હું કોણ? જગતની બહાર મારું કોઈ અસ્તિત્વ નથી. હે જગન્નાથ, હું તો તારી સૃષ્ટિમાં જ છું. તારી સૃષ્ટિની બહાર નથી. આ રીતે કેટલીયે ભાવનાનો સ્રોત વહ્યે જાય છે, તેના મનનાં ઊંડાણમાં. સાધુ એક દિવસ નદી કિનારે એક વડના ઝાડ નીચે બેસીને આ રીતે ચિંતન કરે છે. બહારની દૃષ્ટિ ફરતી ફરતી જાણે અંતર તરફ દોડે છે. ધીમે ધીમે ચારેકોર અંધારું છવાઈ જાય છે. સાધુ એકદમ સર્વવ્યાપી ઈશ્વરના ધ્યાનમાં મગ્ન થઈ જાય છે. આ રીતે દિવસોના દિવસો અને રાત પછી રાત વિતી રહી છે. જાણે નશો ચડ્યો છે. કોઈક દિવસ ફળ મળે તો કોઈક દિવસ વૃક્ષનાં પાંદડાં ચાવીને થોડુંક પાણી પીવે છે. સવારનો સૂર્ય ઊગે અને દિશાઓમાં પ્રકાશ પાથરે. દિવસના અંતે રાત પડે. એક નિ:શબ્દતા તેને ઘેરી વળે છે. તેના માટે કોઈ સંવાદ નથી. વાતચીત કરવાની કોઈ જરૂર પણ નથી. કેવળ અનુભવથી સર્વત્ર એ અસીમ ચૈતન્યનાં સ્પંદનો જાગે! તે જાણે એક જીવંત – જ્વલંત સાનિધ્યમાં પ્રતિષ્ઠિત. સાધુની તપસ્યા, ધ્યાન, મનન આ બધું જ તે અનુભૂતિનાં જગતને સ્પર્શવા માટે તો છે. એક દિવસ સાધુ ભાવસભર દૃષ્ટિથી નિહાળી રહ્યા છે. તેમણે જોયું કે જાણે સમસ્ત જગતમાંથી આનંદ ચૂંવે છે. વૃક્ષ પરથી, ફળમાંથી, ફૂલમાંથી, આકાશમાંથી, હવામાંથી,  જાણે મધુમય ભગવાન જ ઝરે છે. આ શું વૈદિક ઋષિનો અનુભવ!

મધુવાતા ઋતાયતે મધુક્ષરન્તિ સિંધવ: ।

કેવા એક આનંદમાં અંતર નિમગ્ન થઈ જાય! નિર્મમ, નિરંહકાર સાધુ વળી માર્ગે ચાલતા થાય. આ વખતે મનમાં વિચારે છે – બીજી કોઈ વાત નહિ કરું. ભગવત ચર્ચા પણ નહિ કરું. સર્વભૂતમાં ઈશ્વર રહેલ છે. તેને નિહાળીને નીરવ રહીશ.

તે દિવસ બજાર ભરાવાનો દિવસ હતો. સાત દિવસમાં એક દિવસ બજાર ભરાય. ચારે બાજુનાં ગામડાંના માણસો વેચવાની વસ્તુઓ લઈને હાટ માંડે, લે-વેંચ સંધ્યા સુધી ચાલે. સાપ્તાહિક બજાર કરીને ગામડાના ઘણા લોકો ચીજવસ્તુઓની ખરીદી કરીને પાછા ફરે છે. કોઈ ગાડામાં, તો કોઈ મજૂરના માથા પર સમાન રખાવીને તો કોઈ વળી પોતાના માથા પર સમાન ઊંચકીને આવે છે. જતાં જતાં ગામની પાસે તેઓની દૃષ્ટિ વૃક્ષ નીચે બેઠેલ એક સાધુ પર પડી. તેમનું મુખ કેવું પ્રશાંત અને આનંદમય છે! મોંઢા પર દાઢીનું જાણે જંગલ છે. માથાના વાળ લાંબા થઈ ગયા છે અને ખભા સુધી લટકે છે. અનિકેત મહાત્મા માત્ર ગેરુઆનો એક અંચળો ઓઢીને નિશ્ચિંતપણે બેઠા છે. બધા જ ત્યાં ઊભા રહે. ગામડા ગામના લોકો સાધુને જુએ કે તુરંત વિચારે કે આમણે તો ઈશ્વર માટે સંસારનો ત્યાગ કર્યો છે. ગેરુઆ તો ત્યાગનું પ્રતીક છે. એકદમ ભીડ જામી ગઈ. બધા પોતાનો ભાર નીચે ઉતારીને બાપજીને પ્રણામ કરે. બાપજી પણ મીઠું સ્મિત રેલાવતાં બોલે: આવો બેસો. બધા જ મંત્રમુગ્ધ. બાપજી સામે જોઈને બેઠા રહે. મહાત્માજી તો કોઈપણ પ્રકારની વાતચીત કરતા નથી. છતાંય તેમની પાસે બેસવાનું બધાને ગમે છે. સમય થાય એટલે ઊઠવું પડે અને ઊઠીને જાય. ત્યારે સાધુ ફરી બોલે: ‘બસ, હવે ચાલ્યા જશો?’ બહુ આશ્ચર્યની વાત કહેવાય. સાધુ આ સિવાય કશું બોલે નહિ. પરંતુ આટલા શબ્દોમાં પણ કંઈક જાદુ છે. જેનાથી માણસ ખેંચાય છે. આ રીતે ગામમાં સમાચાર વહેતા થયા. પ્રત્યેકના મોંમાં એક જ વાત કે ગામના પાદરે એક મહાત્મા આવ્યા છે. તેમનાં દર્શનથી પાવન થવાય. ગામના જુવાનિયા વિચારે છે. સાધુમાં એવું તો શું છે? આવું આકર્ષણ શાનું છે? બોલે છે તો માત્ર બે – ત્રણ શબ્દો. ત્યારે ગામડાના વૃદ્ધો કહે: તેઓ એટલા પવિત્ર હોય કે જ્યાં જાય ત્યાં પવિત્રતા ફેલાઈ જાય. આવા સાધુનાં દર્શન અને સ્પર્શન પુણ્યશાળી હોય છે. ત્યાગી સાધુ ઈશ્વર સાથે જોડાયેલા રહે તેથી આટલું ખેંચાણ.’

આ વાત ગામડાના એક મોટા માણસના કાને પડી. તે બહુ મિજાજી ધંધાદારી માણસ હતો. તેની ઉંમર પણ નાની હતી. બહુ અભિમાની અને ઘમંડી. પરંતુ તેની પત્ની ભક્તિમતી હતી. તે પોતાના પતિથી ખૂબ ડરતી, એમ છતાંય એક દિવસે તેણે હિંમત કરીને પતિને કહ્યું: ગામમાં એક સાધુ આવ્યા છે. ચાલો, એક દિવસ આપણે તેમનાં દર્શન કરવા જઈએ. વાત સાંભળતા જ વેપારી બહુ ગુસ્સે થયો અને બરાડ્યો: શું મોટી વાત છે? કયાં નો, કોણ સાધુ? તેના વળી દર્શન કરવા જવા છે?’ આંખમાં આંસુ સાથે તેની પત્ની ચાલી ગઈ. એ વખતે વેપારીનો એક ખાસ મિત્ર આવ્યો. તેણે પણ કહ્યું: શું વાત છે? બધા સાધુનાં દર્શન કરવા જાય છે. તારે જવું નથી? આવા ફરતા સાધુઓ શું એક સ્થળે વધારે દિવસો રહે? એકવાર જવાય તો તેમાં શું વાંધો છે? તું પોતાની પત્નીને પણ જવા દેતો નથી. પછી અફસોસ કરીશ.

વેપારીના મનમાં ગડમથલ શરૂ થઈ: બધા માણસો જ્યારે દોડી દોડીને દર્શન કરવા જાય છે તો એક દિવસ હું પણ જાઉં. કેટલાય વિચાર કરીને અંતે વેપારી એક દિવસ સાધુ પાસે ગયો. મનમાં તો એકદમ અવિશ્વાસ અને અશ્રદ્ધા. દૂરથી જોયું કે બહુ ભીડ નથી. અનાયાસે તે સાધુ પાસે આવી ચડયો. સાથો સાથ તેણે સાંભળ્યું: ‘આવો, આવો.’ આંતરિક અને મીઠો આવકાર તો તેણે જીવનમાં કદી સાંભળ્યો નથી. આશ્ચર્યપૂર્વક તે મનની ઊંડાણમાં ગરકાવ થઈ ગયો – જાણે પોતાના પૂર્વપરિચિત આત્મીય સ્વજનને મળવાનો અહેસાસ થયો! સાધુ બીજો શબ્દ બોલ્યા: ‘બેસો.’ આ સાંભળીને તે અનાયાસે તેમનાં ચરણ પાસે બેસી ગયો. કેવો એક હૃદયસ્પર્શી પ્રેમનો આસ્વાદ! કેવી શાંતિ! કેવો આનંદ! ત્યાર પછી મનમાં તેને પસ્તાવો થવા લાગ્યો. શા માટે હું આમની પાસે વહેલો ન આવ્યો? મહાત્મા માટે મેં કેવી નકામી શંકા કરી હતી? મારા કેવા કમનસીબ! મારાં આટલાં બધાં પાપ હશે? આમ વિચારતો વિચારતો વેપારી અચાનક ઊભો થયો. એમની પવિત્રતા તેને જાણે આગની માફક દઝાડતી હતી. એવે વખતે ત્રીજું વાકય – ‘હવે ચાલ્યા જશો?’ આ વાકય સાંભળતા જ વેપારી પાગલની માફક ચાલ્યો ગયો. ઘરે જઈને કેવી વેદનાથી રડવા લાગ્યો. જેમ જેમ તે રડે છે તેમ તેમ અંદરથી હળવો થતો જાય છે. અને તેણે કંઈ ખાધું પીધું નહિ. એટલે સુધી કે પોતાના ઓરડાનાં બારણાં બંધ કરતા પણ ભૂલી ગયો, અને મનમાં મંત્રની માફક માત્ર ત્રણ વચન સંભળાય છે – ‘આવો, બેસો, હવે ચાલ્યા જશો?’ પાગલની જેમ આ ત્રણ વાકયો રટતાં રટતાં તે ઊંઘી ગયો. તે વખતે ચોરની એક ટોળી ચોરી કરીને જતી હતી – તેમણે જોયું કે એક સુખી ઘરનું બારણું ખુલ્લું છે. બધા ચોર આનંદથી ઘરમાં ઘુસ્યા. તે વખતે વેપારી ઊંઘમાં ને ઊંઘમાં બોલ્યો ‘આવો’. તેઓ બધા તો નવાઈ પામી ગયા. ચોરને આવો આવકાર? થોડીવાર પછી વેપારી બોલ્યો: ‘બેસો.’ હવે ચોરને ભય થવા લાગ્યો. આ શું આપણને પકડવા માટે આણે કોઈ જાળ ફેલાવી છે? જેવા ચોર નાસવા માટે પાછા ફરે છે ત્યારે સાથો સાથ ત્રીજું વાકય વેપારી બોલ્યો: ‘હવે ચાલ્યા જશો?’ હવે તેમને કોઈ શંકા ન રહી. ચોક્કસ તેઓ પકડાઈ ગયા છે! એટલામાં વેપારીની ઊંઘ ઊડી ગઈ. ચોરની ટુકડીનો એક ચોર વેપારીના પગમાં પડી ગયો અને બોલ્યો: ‘આ વખતે અમને છોડી દો. આ બધો માલ અહીં રાખી ચાલ્યો જાઉં છું. દયા કરીને અમને પોલીસ પાસે પકડાવશો નહિ.’ વેપારી કંઈ બોલ્યો નહિ. માત્ર ઈશારાથી ચાલ્યા જવા કહ્યું.

વેપારી મનમાં વિચારે છે, માત્ર ત્રણ વાકયથી એક નાસ્તિક શંકાશીલ માણસની ચેતના જાગી ગઈ! વળી ચોરને પણ શુભબુદ્ધિ જાગી – ચોરીમાંં મળેલો માલ સામાન છોડીને ચાલ્યા ગયા!

બીજે દિવસે સવારે સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર પહેરીને પોતાની પત્નીને સાથે લઈને સાધુ પાસે વેપારી ગયો. પરંતુ કયાં છે? વૃક્ષ નીચે તો કોઈ નથી. નિરાશામાં તેનો પ્રાણ હાહાકાર કરી ઊઠ્યો. પરંતુ અંતરમાં તે સાંભળી શકયો કે જાણે સાધુ કહે છે: ‘આવો.’ તે મોટેથી બોલી ઊઠ્યો: ‘હા, આવ્યો છું, હા આવ્યો છું, પાછો આવ્યો છું.’ ફરી મીઠો અવાજ સાંભળ્યો – ‘બેસો’. આ વખતે આંખમાં આંસુ સાથે તે ઝાડ નીચે બેસી ગયો. તે ફરી મોટેથી બોલ્યો – ‘હા, બેઠો છું. હવે ચારે કોર ભટકીશ નહિ. બેસીને બેસીને તમને પોકારીશ.’ ત્યારબાદ ફરી મધુર કંઠ સંભળાયો. ‘હવે શું ચાલ્યા જશો?’ વેપારી મોટેથી બોલ્યો: ‘ના, ના, હવે જઈશ નહિ. હું અહીં જ રહીશ.’ તેની પત્ની ઊભી ઊભી માણસનું પરિવર્તન જુએ છે. મૃદુ સ્વરે બોલી: ઘરે જવું નથી? ‘ના’, મને એકલો રહેવા દયો. મારા અંતરાત્માની સાથે રહેવા દો.

Total Views: 106

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.