(સ્વામી વિવેકાનંદના ગુજરાત પરિભ્રમણની શતાબ્દી પ્રસંગે લખાયેલ વિશિષ્ટ લેખસં.)

છેલ્લાં પંદ૨ વ૨સોમાં ગુજરાતની પ્રજાને જેટલા પ્રમાણમાં પ્રવાસ વર્ણનો પ્રાપ્ય બન્યાં છે, એટલાં કદાચ એ પહેલાં ક્યારેય પ્રાપ્ત નહીં બન્યાં હોય. અત્યારે શ્રી ભોળાભાઈ પટેલનું પુસ્તક ‘રાધે તારા ડુંગરિયા પર’ હું જોઈ રહ્યો છું. આ પુસ્તક વિશે આવરણ પૃષ્ઠ ઉપર લખવામાં આવ્યું છેઃ “રાધે તારા ડુંગરિયા ૫૨ એવું ભ્રમણવૃત્ત છે, જેમાં ડુંગ૨, પહાડ, નદી, સાગર, સરોવર, અભ્ર, આકાશ, પર્ણ, પુષ્પ, તરુ, વન, નગર, ગ્રામ, તીર્થ, મંદિર, પથ, ઘાટ, શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર તથા માનવ્ય સંપર્કે લલિત ભવ્ય ઉદાત્ત રમ્ય નિહાળતાં પર્યુત્સુક ચેતનાના ભીના બોલ છે.” શ્રી ભોળાભાઇની અત્યંત સ૨લ અને રોચક શૈલીમાં જીવનનું સમગ્ર દર્શન આપણને જોવા મળે છે. શ્રી ભોલાભાઇ સાથે આપણે પણ ભ્રમણવૃત્તિમાં જોડાયાં હોઇએ એવું આપણે અનુભવીએ છીએ.

“આપણે પ્રવાસી પારાવા૨નાં” શીર્ષક નીચે આવતાં શ્રી ગુણવંતભાઈ શાહનાં “યુરોપની આબોહવામાં” નામનાં પ્રવાસ વર્ણનો ‘નવનીત સમર્પણ’ના અંકોમાં વાંચી ‘વાહ, વાહ’ના ઉદ્દગારો સરી પડ્યા. વિવિધ રત્નોથી મઢેલી મુદ્રિકા એટલે ગુણવંતભાઈની કલમ. અનેક વાતો, અનેક વિચારો, અનેક દૃષ્ટાંતો, અનેક વ્યક્તિઓ અને અનેક પુસ્તકોનો મેળો જ જોઈ લ્યો જાણે! વિવિધ પુષ્પોની ફૂલમાળા કે ફૂલોનો ગજરો લઈ લેખક શ્રી આપણી પાસે આવતા હોય એમ લાગે. અને છતાં અર્થ ગાંભીર્ય પણ અતલ. શ્રી ગુણવંતભાઈનું મૌલિક ચિંતન તો જરા માણો. “આવતી સદીમાં નીતિ (મોરાલીટી)નું સુકાન ધર્મના હાથમાં નહીં હોય. એ સુકાન હવે માણસ અને પર્યાવરણ અંગેની સંવેદનશીલતાના કબજામાં હશે. ઇલેક્ટ્રોનિક્સ આખી દુનિયાને જોડવા બેઠું છે. આપણે ભૌગોલિક રીતે ભિન્ન છીએ પણ ‘ઇલેક્ટ્રોનિકલી’ એક થતાં જઈએ છીએ. વિજ્ઞાન જોડી રહ્યું છે, પર્યાવરણ પ્રત્યેની સભાનતા જોડી રહી છે અને મુક્ત જીવનશૈલી માટેની માનવીય ઝંખના જોડી રહી છે.”

એક પરિવ્રાજકની વિદેશયાત્રાના પુસ્તકે રૂઢિવાદીઓની વિચારસરણીને હચમચાવી દીધી છે તો પ્રગતિશીલ વિચારસરણીને પાંગ૨વાનું નવું જોમ પૂરું પાડ્યું છે. ધર્મ, સંપ્રદાય, નીતિ કે સેવા વિશેના એમના ક્રાંતિકારી વિચારોએ ગુજરાતની પ્રજાને નવું દિશાસૂરન કરેલ છે.

આ રીતે ગુજરાતી ભાષાનાં દૈનિક અખબારોની પૂર્તિઓ, સામયિકો અને પુસ્તકો દ્વારા પ્રજાને પ્રવાસ વર્ણનો વાંચવાનો અનેરો લાભ મળી રહ્યો છે. ‘અભિયાન’માં શ્રી કાંતિભાઇ ભટ્ટ તથા શીલાબેન ભટ્ટનાં વિદેશનાં વર્ણનો ત્યાંની પ્રજાનાં, ત્યાંની સંસ્કૃતિનાં, રીતરિવાજોનાં આબેહૂબ ચિત્રો આપણી દૃષ્ટિ સમક્ષ ખડાં કરે છે. ‘વિનીત જોડણી કોશ’માં, પ્રવાસ, પર્યટન, ભ્રમણ, યાત્રા, પરિભ્રમણ, પરિક્રમણ, પ્રદક્ષિણા, પરકમ્મા જેવા ઘણા શબ્દો આપણને જોવા મળે છે. એ બધા જ શબ્દોને પ્રવાસ સાથે, હ૨વા-ફ૨વા સાથે નિસ્બત છે. પરંતુ આ પ્રવાસો કે પરિભ્રમણનાં સ્વરૂપો વૈજ્ઞાનિક શોધખોળને હિસાબે બદલાવા લાગ્યાં છે; એટલું જ નહીં એના ઉદ્દેશો – લક્ષ્યો પણ બદલાવા લાગ્યાં છે.

ઐતિહાસિક સંશોધનો, ભૌગોલિક પરિસ્થિતિ, સામાજિક રીતરિવાજો, નીતિ કે મૂલ્ય વિષયક ખ્યાલો, સાંસ્કૃતિક પ્રગતિ, ધાર્મિક માન્યતાઓ કે પ્રગલ્ભ ચિંતન એ વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રવાસીઓ, પર્યટકો કે યાત્રીઓના અભ્યાસના વિષયો રહ્યા છે. એ રીતે જોઈએ તો પ્રવાસનું અનૌપચારિક શિક્ષણનું મૂલ્ય અણમોલ છે. જનજીવનનો સર્વગ્રાહી અભ્યાસ પ્રવાસમાં કેન્દ્રસ્થાને હોય છે. પગપાળા પ્રવાસ, બસ-ગાડી-સ્ટીમર કે પ્લેઇન દ્વારા ક૨વામાં આવતા પ્રવાસોમાં, સૌના મતે, આનંદ તો પગપાળા પ્રવાસમાં રહેલો છે. કૉલેજના અમારા અભ્યાસકાળ દરમિયાન શ્રીકાકાસાહેબ કાલેલકર અમારા પ્રિય લેખક. એમનાં પુસ્તકો દ્વારા અમારા સૌના ઉ૫૨ તેઓ છવાઈ જતા. વ૨સો બાદ ફરી એમનું પુસ્તક ‘રખડવાનો આનંદ’ હાથમાં આવ્યું છે. પ્રકૃતિ પ્રત્યેનો એમનો પ્રેમ જોઈ મસ્તક નમી જાય છે. આ પુસ્તકમાં ‘દેશ-દર્શનનો આનંદ’ પ્રાસ્તાવિકમાં તેઓશ્રી લખે છે. “દેશદર્શન માટે મન દેવ દર્શનનો જ પ્રકાર છે. કેવલ કુતૂહલની દૃષ્ટિથી, કલાની રસિકતાથી અથવા વૈજ્ઞાનિક જિજ્ઞાસાથી હું ફર્યો નથી, પણ એ કુતૂહલ, એ રસિકતા અને એ જિજ્ઞાસાને કૃતાર્થ કરે એવી ભક્તિથી પ્રેરિત થઈને ભારતવર્ષમાં બધે ફર્યો છું.” આગળ જતાં તેઓ શ્રી જણાવે છે. “હવે મનમાં એવો ભેદભાવ રહ્યો નથી કે ભારતની ભૂમિ જ પુણ્યભૂમિ છે. આખું જગત ઈશથી વારિત થયું છે. આ આખી ઘરતી વિશ્વવ્યાપી વિષ્ણુની પત્ની છે. જીવનમાત્રની એ માતા છે. એનો એકએક રજકણ પવિત્ર છે. જીવન સમૃદ્ધ છે અને એકએક કણમાં ચૈતન્ય સ્ફુરતું દેખાય છે.”

‘દક્ષિણને છેડે’ નામના પ્રકરણમાં શ્રીકાકા સાહેબની વેગવંતી, મધુર અને પ્રવાહી શૈલીના આપણને દર્શન થાય છે. ‘જ્યારે નદી સાગરને મળે છે ત્યારે એ સાગર સરિતા સંગમનો ઉન્માદ શિવ પાર્વતીના મિલન જેવો અદ્ભુત રમ્ય હોય છે. એનું વર્ણન ભક્તવૃત્તિથી અથવા સંતાનની ભાષાથી ન જ થઈ શકે.’ કન્યાકુમારી વિશે તેઓ લખે છે, કન્યા કુમારીમાં જે ભવ્યતા મેં અનુભવી છે. તેની ભવ્યતા એક હિમાલયને છોડીને અને ગાંઘીજીના જીવનને છોડીને મેં બીજે ક્યાંય અનુભવી નથી.’ કન્યાકુમારી, હિમાલય અને ગાંધીજીની કાકાસાહેબ૫૨ વજ્રલેખ છાપ પડી તેનાં આપણને દર્શન થાય છે. ‘હિમાલયનું આકર્ષણ’ નામના પ્રકરણમાં શ્રી કાકાસાહેબનો કૈફ જોવા મળે, નશો જોવા મળે. તેઓશ્રી લખે છે, “જેમ લાગણીઓનું સ્થાન હૃદય મનાય છે, બુદ્ધિનું સ્થાન મસ્તિષ્ક ગણાય છે તેમ માનવજાતિના આત્માનું સ્થાન હિમાલય છે. માનવ સંસ્કૃતિનો પ્રાણ જો કોઈ ઠેકાણે વિશેષ સ્ફુરતો હોય તો તે હિમાલયમાં છે.’

આમ ‘રખડવાનો આનંદ’ પુસ્તકમાં જ્ઞાન, ભક્તિ, કર્મ બધું જ જોવા મળે, અનુભવવા મળે. કાકાસાહેબનું પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય માતા અને સંતાનના તાદાત્મ્ય જેવું છે.

ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધરોએ દેશાટન દ્વારા પરિભ્રમણ દ્વારા હંમેશાં ભારતનો પ્રાણ ઢંઢોળ્યો છે. ભગવાન બુદ્ધનું પરિભ્રમણ, મહાવીર સ્વામીનું પરિભ્રમણ, શંકરાચાર્યનું પરિભ્રમણ, સ્વામી વિવેકાનંદ, ગાંધી કે વિનોબાજીનું પરિભ્રમણ એ માત્ર ભ્રમણ જ નહોતું, ભારતીય જનસમાજને સમજવાનું અને સમજીને એ સમાજનું ઉત્થાન અને પ્રગતિ કરવાનું એક અણમોલ સાધન હતું.

બુદ્ધ, મહાવી૨ અને શંકરાચાર્યે પોતાના પરિભ્રમણ દ્વારા માનવમાં રહેલ સત્ત્વથી, હીરથી લોકોને શાંત કર્યા, લોકોના ભીતરી પ્રકાશને બહાર લાવવાનું કામ કર્યું. પરંતુ આપણે તો ઊંડા ઊતરવું છે, ખાસ કરીને, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને વિનોબાજીના પરિભ્રમણની બાબતમાં.

વિવિધ નામો ધારણ કરી પગપાળા પ્રવાસ કરતા આ પરિવ્રાજકે સમગ્ર દેશમાં શું-શું જોયું? એમણે કેવી-કેવી લાગણી અનુભવી! દેશને ભરડો લઈ ભીંસી દેતા પ્રશ્નોનું નિરાકરણ શેમાં રહેલું હતું? હિમાલયથી કન્યાકુમારી ઉત્તર, દક્ષિણ અને પૂર્વ, પશ્ચિમના બધા જ પ્રદેશો સ્વામીજીના પગ નીચેથી પસાર થઈ ગયા. ભારતનાં અધઃપતનનાં કારણો, ભારતની તત્કાલીન પરિસ્થિતિ વિષે ગંભીરતાથી વિચાર્યું, ભારતમાતાનાં સંતાનો સાથે એમણે આત્મિક એકતા અનુભવી, લોકોનાં દુઃખદર્દો એમણે માત્ર જોયાં કે જાણ્યાં જ નહીં પણ સ્વયં અનુભવ્યાં. તેઓ બોલી ઊઠ્યા, ‘આપણી આ પવિત્ર માતૃભૂમિ ધર્મ અને તત્ત્વજ્ઞાનની ભૂમિ છે, ત્યાગની ભૂમિ છે; આધ્યાત્મિક વિભૂતિઓની જન્મભૂમિ છે. ભારતનો આદર્શ છે ધર્મ. સામાજિક સુધારા અને બીજું બધું ગૌણ છે.’ રાજકારણીઓ અને સમાજ સેવકોને ચાબખા મારતાં કહે છે, ‘જો તમે તમારા ધર્મને ફેંકી દેવાના પ્રયત્નમાં સફળ થશો અને રાજકારણ કે સમાજ સુધારા અગર બીજા કશાને તમારા રાષ્ટ્રીય કેન્દ્ર તરીકે સ્વીકારશો તો અંતે ખત્મ થઈ જશો.’ પરિવ્રાજકની આ ભવિષ્યવાણી આજે શબ્દશઃ સાચી પડતી આપણે જોઈએ છીએ.

આપણા અધઃપતનનું કારણ સ્વામીજીની દૃષ્ટિએ આમજનતાની ઉપેક્ષા છે. એમને મન સ્ત્રીઓનું શોષણ અને ગરીબોને ગુલામ બનવાની રીતરસમ એ બે મોટાં અનિષ્ટો હતાં. સ્વામીજીની અંતરની વેદના સરી પડે છે. નીચેના શબ્દોમાં, ‘આ દેશમાં શક્તિનું અપમાન થાય છે. સ્ત્રીઓને સખત નિયમોમાં બાંધી દઈને પુરુષોએ તેમને પ્રજોત્પત્તિનું સાઘન બનાવી દીધી છે. કુમળી વયમાં માતા બનતી આપણી છોકરીઓ તરફ જરા નજર કરી! જ્યાં સ્ત્રીઓનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે,’ એમ મનુ કહે છે. આપણી અધોગતિ નારીઓને ‘અધમ કીડા’ અને ‘નરકની ખાણ’ વગેરે શબ્દો દ્વારા સંબોધવાથી થઈ છે.’ તત્કાલીન સમાજનું સ્વામીજીનું આ સ્પષ્ટ દર્શન હતું અને છતાં એમની શ્રદ્ધા પણ એટલી જ પ્રાણવાન હતી. એમના મતે જો ભારતનું મૃત્યુ થશે તો સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે અને એના સ્થાને વિષય લાલસા અને વિલાસિતા રાજ્ય કરશે. સ્વામીજી કહે છે ‘ભારતનું ઉત્થાન સ્થૂલ શક્તિ વડે નહીં, પરંતુ આત્માની સૂક્ષ્મ શક્તિ વડે થશે; વિધ્વંસના ધ્વજ સાથે નહીં, પરંતુ શાંતિ અને પ્રેમના ધ્વજ સાથે થશે.’

સ્વામીજી જેવા મહાન પરિવ્રાજકનું સમગ્ર દેશમાં પરિભ્રમણ કર્યા પછીનું આ અત્યંત દયનીય ચિત્ર હતું. છતાં એમના પરિભ્રમણમાંથી આપણને એમની શૈક્ષણિક દૃષ્ટિનો પણ ખ્યાલ આવે છે: ‘દિક્ષણભારતનાં કેટલાંક પ્રાચીન મંદિરો અને ગુજરાતનાં સોમનાથ જેવાં મંદિરો તમને જ્ઞાનના અનેક ગ્રંથો શીખવશે. ખંડેરમાંથી ઊભાં થતાં ફરીને એજ નવશક્તિ ધારણ કરતાં આ મંદિરો જ છે રાષ્ટ્રીય માનસ, રાષ્ટ્રીય જીવન પ્રવાહ.’

આ રીતે સ્વામીજીના પરિભ્રમણાથી આપણને રાષ્ટ્રપ્રેમ, ગરીબો પ્રત્યેની હમદર્દી અને રાષ્ટ્રનું ઉત્થાન શેમાં રહેલું છે તેના પદાર્થ પાઠો શીખવા મળે છે.

સ્વામીજી પછી મહાત્મા ગાંધીજીનો સમગ્ર દેશનો પ્રવાસ પણ ઉદ્દેશ્યપૂર્ણ અને વિધેયક હતો. આફ્રિકા છોડી ગાંધીજી દેશમાં સેવાના કાર્યમાં પડવા ઇચ્છતા હતા. પણ મોહનદાસ જેમનું નામ! ભારતની ભોળી, અભણ, ગરીબ નિઃસહાય પ્રજાનાં દુઃખ-દર્દોમાં તેઓ સહભાગી બનવા માગતા હતા. એમણે વિચાર્યું કે, સાચું હિન્દુસ્તાન જોવું હોય, મુસાફરીનો ખરો અનુભવ લેવો હોય તો ત્રીજા વર્ગમાં જ સફર કરવી જોઈએ. આ મુસાફરીમાં હિંદના લાખો લોકો કેવી રીતે જીવે છે તેનો જાત અનુભવ થયો. ડબ્બાની ગંદકી અને લોકોની કુટેવોથી ગાંધીજી પરિચિત થયા.

કાશીવિશ્વનાથ મંદિરનાં દર્શન ક૨વા ગાંધીજી ગયા અને ધર્મનાં સ્થાનકીની દુર્દશા, આસપાસની ગંદકી, પંડાઓનો ત્રાસ અને લોકોની આંધળી ભક્તિ જોઈ દ્રવી ઊઠ્યા. ધર્મ વિષેના એમના ખ્યાલો બદલાઈ ગયા અને આપણને ‘ધર્મમંથન’ નામનું પુસ્તક મળ્યું.

નિઃસહાય ગરીબ પ્રજા, અછૂતો, કચડાયેલા, દબાયેલા શ્રમિકો, શોષિત કૃષિકારો, નિષ્પ્રાણ સામાન્ય જનતા ગાંધીજીને પગલે બેઠી થઈ ગઈ. એમનો આતમરામ જાગી ઊઠ્યો. લોકોમાં આઝાદી માટેની તમન્ના ઊભી થઈ ગઈ અને સમગ્ર રાષ્ટ્રમાં એક જુવાલ ભભૂકી ઊઠ્યો. ગાંધીજીએ લોકોની આત્મપ્રભાને જાગૃત કરી દીધી.

૧૯૪7માં ૧૫, ઑગષ્ટે આપણો દેશ આઝાદ થયો. સ્વામી વિવેકાનંદજી અને મહાત્મા ગાંધીનું આઝાદ ભારતનું સ્વપ્ન સાકાર થયું. પણ થોડા જ સમયમાં દેશમાં લોહીઆળ ક્રાંતિ થવાનાં ચિહ્નો દૃષ્ટિગોચર થવા લાગ્યાં. આ લોહીઆળ ક્રાંતિથી બચવા વિનોબાજીનું આખા દેશમાં પરિભ્રમણ શરૂ થયું અને ‘ભૂમિદાન’ આંદોલન દેશમાં પ્રસરી ગયું. સંત વિનોબાજીની તદ્દન સીધી, સાદી વાત. જમીનદારી, રાજા મહારાજાઓ, ધનિકોને મળે અને નમ્રતાથી રજૂઆત કરે, ‘હું પણ તમારો પુત્ર છું, તમે જે ભાગ પાડો એમાં મારો ભાગ પણ રાખશો.’ સંત વિનોબા બોલે એમાં બોલે છે ભગવાન’ કાવ્યપંક્તિ ઘેર-ઘેર ગુંજતી થઈ ગઈ અને ગુજરાતભરમાં –

રામ તણાં ખુલ્લાં ખેતરને રામતણાં રખવાળાં,

બાબાજીનો બોલ પડે ત્યાં અજવાળાં, અજવાળાંઅને

આભ ખેત૨ ક્યાંય શેઢાં,

તારક ડૂંડા ડોલે રેઢાં, માલિકથીયે મોટો

ક્યાંનો ઘરતીનો તું ધણી

અથવા તો ‘કાળમીંઢ થઈને કાઢો મા દિલ કેરાં દેવાળાં’ જેવી કાવ્ય પંક્તિઓએ લોકોને ઘેલાં કર્યાં. દેશને એક નવી જ દિશા મળી ગઈ. પરિવ્રાજક સંત વિનોબાના પરિભ્રમણથી ફરી પાછો દેશ અહિંસાને માર્ગે આગળ વધવા લાગ્યો.

આપણાં શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, ‘સૂતેલાનું નસીબ સૂતું રહે, બેઠેલાનું નસીબ બેઠું રહે છે’ પ્રેય અને શ્રેષની પ્રાપ્તિ માટે સૌએ હંમેશાં આગળ જ વધતા રહેવું જોઇએ.

પરિભ્રમણ દ્વારા મનુષ્યનો આંતર બાહ્ય વિકાસ થાય છે, જીવનની ખરી દૃષ્ટિ પ્રાપ્ત થાય કાકાસાહેબ કાલેલક૨ને ધ૨તીના કણકણમાં ચૈતન્યનો અનુભવ થયો. પ્રકૃતિનાં બધાં તત્ત્વો જીવંત છે, પ્રકૃતિ કોઈ જડ વસ્તુ નથી પરંતુ પરમની ચૈતન્ય લીલા છે, ૫૨મનો લીલા વિલાસ છે. ઝાડ પાન, વૃક્ષો અને લતાઓ, રંગબેરંગી પુષ્પો, વિવિધ પ્રકા૨નાં પશુ-પંખીઓ, ઝ૨ણાના નાદ અને સાગ૨નો ઘુઘવાટ આપણું મન હરી લે છે. ચૈતન્ય સભર પ્રકૃતિ આટલી સુંદ૨ છે તો એનો સર્જક કેવો હશે?

શ્રી ભગવત્ સાધન સંઘ, ગોંડલ દ્વારા પ્રકાશિત ‘અમૃતમ્’ નામની પુસ્તિકામાંથી ઉ૫રોક્ત પ્રશ્નનો જવાબ મળે છે. “તા૨ક વિજડિત આકાશ, ગગનચુંબી શિખરો, ઉદધિનાં ઉત્તાલ તરંગો અને સરિતાઓના કલશોર અનંત ઐશ્વર્ય અને સૌંદર્યના સ્વામીનાં પ્રતીકો છે. તેઓ એના જીવનદેવતા ત૨ફ સતત સંકેત કરી રહ્યાં છે, પરંતુ કુંઠિત માનવ બુદ્ધિ પ્રતીક પૂજા રત છે.” પરિવ્રાજકોનું ધ્યેય ભ્રમણ દ્વારા પ્રભુને પામવાનું છે. કુંઠિતબુદ્ધિને સક્રિય બનાવી સર્જનહા૨ ત૨ફ દોરી જવાની છે અને એટલે જ કહેવાયું છે, “સાધુ તો ચલતા ભલા, પાની તો બહતા ભલા.” માટે ચરૈવેતિ ચરૈવેતિ ચરૈવેતિ.

Total Views: 83

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.