(ડૉ. ભદ્રાયુ વછરાજાની જીવવિજ્ઞાનના સ્નાતક, શિક્ષણશાસ્ત્રના અનુસ્નાતક તથા જાતીય શિક્ષણ ક્ષેત્રના પ્રથમ ભારતીય ડૉક્ટરેટ છે. તેઓ ઉત્તમ વક્તા છે અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે દીર્ઘકાળથી જોડાયેલા છે. – સં.)

ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહીં, પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્યમાત્રને પોતાનો ઉપદેશ આપે છે.

કોઈ એમ કહે કે, ગીતા એક મૌલિક ગ્રંથ નથી, તો એ વાંચીને આપણને જરા આંચકો પહોંચે. પણ એ કહેનાર સ્વામી રંગનાથાનંદજી હોય તો આ કથન પાછળનો ગૂઢાર્થ પણ એમણે સ્પષ્ટ કર્યો જ હોય. તેમનું સ્પષ્ટ કહેવું છે કે, મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ, તે અર્થમાં ગીતા એક મૌલિક ગ્રંથ નથી. પણ જેને ઑલ્ડસ હક્સ્લીએ ‘શાશ્વત દર્શન’ કહ્યું છે, એ પરમતત્ત્વનું પરમ મૌલિક વક્તવ્ય ગીતા છે.

સદાચાર ઉપરાંત ગીતામાં એક બીજું તત્ત્વ પણ છે, અને એ છે ભક્તિ. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યે પ્રેમ. પરિપૂર્ણતાથી ઉત્પન્ન થનારો પ્રેમ. આ એક એવું તત્ત્વ છે કે જે ગીતામાં નિરૂપિત ભક્તને એક સાથે નિર્ભયતા અને સૌમ્યતાની પ્રતિમૂર્તિ બનાવી દે છે. આ બધાં કારણોને લીધે આપણા જીવનમાં ગીતાને મહત્ત્વ મળ્યું છે. ચાર્લ્સ વિલ્કિલ્સ દ્વારા અનુદિત ગીતાના અંગ્રેજી અનુવાદની ભૂમિકામાં ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોર્ન હેસ્ટિંગ્સે આવી ઘોષણા કરી હતી, ‘જ્યારે ભારતમાં અંગ્રેજોનું પ્રભુત્વ સમાપ્ત થઈ ગયા પછી સારો એવો સમયગાળો વીતી ચૂક્યો હશે અને એમનો સંપત્તિ તથા સત્તાનો ઉદ્‌ગમ સ્રોત માત્ર સ્મૃતિનો વિષય બની ગયો હશે ત્યારે પણ ભારતીય દર્શનોના લેખક જીવિત રહેશે.’ જ્યારથી આ વાક્ય લખાયા ત્યારથી ગીતા પૂર્વ અને પશ્ચિમ જગતના બંને વિભાગનાં સ્ત્રી-પુરુષોના હૃદયમાં અસીમ વર્ધમાન સામ્રાજ્ય સ્થાપિત કરી રહેલ છે.

ગીતાના સંદેશની બે મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ છે, તેની મૌલિકતા અને તેની સાર્વભૌમિકતા એટલે કે વૈશ્વિકતા. આ બંનેમાં એની શક્તિનો સ્રોત નિહિત છે. આજે હિન્દુ શબ્દનો પ્રયોગ એક વિશિષ્ટ વર્ગના લોકોનું અન્ય વર્ગોથી અલગપણું બતાવવા માટે થાય છે. પરંતુ ગીતાના સંદર્ભમાં જ્યારે સ્વામી રંગનાથાનંદજી મહારાજ ‘હિંદુ’ શબ્દનો પ્રયોગ કરે છે, ત્યારે તે અલગપણાનું અસ્તિત્વ એટલા માટે નથી કે ઋષિઓએ આ ઉમદા વિચાર કોઈ વર્ગ વિશેષને, બીજા લોકોને છોડીને, કેવળ હિન્દુઓને જ નથી આપ્યો, પરંતુ કોઈ પણ સમુદાય કે જાતિનો ભેદ કર્યા વિના માર્ગદર્શન ઇચ્છનાર બધા લોકોને આ વિચારો આપવામાં આવ્યા છે. આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને આપણે એ પ્રાચીન ગ્રંથો અને એમાં રહેલા ઉપદેશોને ગ્રહણ કરવા પડશે. એ વર્ગ-વિશેષ માટે નથી, પરંતુ વ્યાપકતાથી એને ઇચ્છનાર સૌ માટે છે. એમાં અમુક-તમુક સમુદાયનો નહીં, પરંતુ માનવમાત્રનો ધર્મ બતાવવામાં આવ્યો છે અને એટલે એ વૈશ્વિક દર્શન છે. માત્ર સમાજના કેટલાક વર્ગોને માટે જ નહીં પરંતુ સંપૂર્ણ માનવતાના કલ્યાણ હેતુ નીતિ, સદાચાર અને દર્શન આપણાં શાસ્ત્રોમાં શીખવવામાં આવ્યાં છે.

સ્મૃતિકાર મનુએ માત્ર હિંદુઓને નહિ, પરંતુ સંપૂર્ણ માનવજાતિને ધ્યાનમાં રાખીને પોતાના નિયમોની સંરચના કરી હતી. એ માનવ-ધર્મશાસ્ત્ર છે. એ માનવરૂપી પોતાનાં સંતાનો માટે મનુએ આપેલું સંવિધાન છે. આપણે અત્યારના મનુસ્મૃતિને મનુવાદ કરીને જાહેરમાં વખોડીએ છીએ ત્યારે એ જાણી લેવાની જરૂર છે કે એ પ્રત્યેક મનુષ્ય માટે છે. પછી ભલે વિશ્વના કોઈપણ ભાગમાં એ રહેતો હોય, કોઈપણ દેશ કે જાતિનો હોય. જો મનુષ્ય સુખ તથા પોતાનું હિત ઇચ્છતો હોય તો તેણે કેટલાંક આદર્શો અને વિધિ-વિધાનોનું પાલન કરવું પડશે. આ આદર્શ તથા વિધિ-વિધાન સાર્વભૌમિક છે અને તે બધાંનો ગ્રંથોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગીતાનું વાંચન કરતી વખતે આપણને સ્પષ્ટરૂપે જણાય છે કે, તેના ઉપદેશો સમગ્ર માનવજાતિ માટે છે. એવાં બધાં સ્ત્રી-પુરુષો માટે છે, જે પોતાના અંતરાત્માની ઉચ્ચતર અભિવ્યક્તિઓની અનુભૂતિ કરવાના હેતુથી સંઘર્ષ કરી રહ્યાં છે.

આપણા પ્રાચીન ગ્રંથોમાં અર્જુનને નર અથવા મનુષ્ય અને શ્રીકૃષ્ણને નારાયણ અર્થાત્‌ પરમાત્માના અવતાર ગણવામાં આવ્યા છે. ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય-વિશેષને નહીં પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્યમાત્રને પોતાનો ઉપદેશ આપે છે. આ રીતે ગીતામાં ઈશ્વર તથા મનુષ્ય નારાયણ તથા નર સામસામે ઊભા છે. અને એ જ ‘શ્રીમદ્‌ ભગવદ્ ગીતા’ની ભવ્યતા છે અને ઉદાત્ત પૃષ્ઠભૂમિ છે. શ્રીકૃષ્ણ એક સાર્વભૌમિક વૈશ્વિક આચાર્ય છે. તેમણે વૈષ્ણવ, શૈવ, કે બીજા કોઈ સંપ્રદાય પ્રત્યે ભેદભાવ કર્યો નથી. આજે આપણને વૈશ્વિકતાના આ સ્પંદનની આવશ્યકતા છે કે જે બધા સંપ્રદાયો તથા વર્ગોથી પર થઈને, સૌ કોઈને પોતાનામાં સમાવી લઈને, પ્રત્યેકને એક જ પ્રકારની પ્રેરણા આપે.

તેથી ગીતાને તેની પોતાની પૃષ્ઠભૂમિમાં જ એટલે કે સાક્ષાત્‌ શ્રીકૃષ્ણરૂપી એક વૈશ્વિક વ્યક્તિ દ્વારા કરેલી વેદાંતની વ્યાખ્યાના રૂપમાં આપણે સૌએ સ્વીકારવી જોઈએ. ગીતા એના પોતાના જ મતપંથમાં એની શ્રદ્ધા સુદૃઢ બનાવે છે. તેની સાર્વભૌમિકતા એક વિશિષ્ટ પ્રકારની છે. તે કોઈના પર લાદવામાં આવતી નથી, સૌને આમંત્રણ છે. ગીતાને હર કોઈ માણસ પોતાની નિજી રીતે અપનાવી શકે છે. આજના યુગમાં પ્રચલિત વિભિન્ન સંપ્રદાયો વચ્ચે સુસંવાદિતા રચવા માટે, મેળ-મિલાપ કરાવવા માટે આપણને સૌને એક એવા જ સાર્વભૌમિક સંદેશની આવશ્યકતા છે. બાઇબલ એવું કહે છે કે, શબ્દ વિનાશકારી છે, પણ ભાવ જીવનદાયી છે.

એ આશા કે અપેક્ષા કરવી અત્યંત અયોક્તિક છે કે, યુદ્ધક્ષેત્રમાં આટલા લાંબા સુધી એ પણ શ્લોકોમાં સંવાદ ચાલતો રહ્યો હશે? બુદ્ધિવાદીઓ પુરાતનપંથીના દૃષ્ટિકોણને માનતા નથી. વર્તમાન રૂઢિવાદના જનક એવા મહાન શંકરાચાર્યે પણ આ મતનો સ્વીકાર કર્યો નથી. એમના ભાષ્યમાં તેઓ કહે છે કે, કઠિનતાઓ અને સમસ્યાઓથી અર્જુન કેમ કર્તવ્યમૂઢ બની ગયો, પછી શ્રીકૃષ્ણે તેને કેટલાંક પ્રભાવિત સલાહ, શિખામણ અને ઉપદેશ આપ્યાં. એમની આ સલાહ-શિખામણને વ્યાસ ઋષિએ સાતસો શ્લોકોમાં નિબદ્ધ કરી. શંકરાચાર્યનો આ મત છે અને એ મત પૂરતા પ્રમાણમાં યુક્તિ-સંગત લાગે છે, તેવું સ્વામી રંગનાથાનંદજી મહારાજ કહે છે.

પ્રાચીનકાળમાં આપણે ત્યાં વૈદિક સાહિત્ય તથા તેની સાથે જોડાયેલ કર્મકાંડીય ધર્મ પ્રચલિત હતો. પછી આપણી સમક્ષ ઉપનિષદ અને તેમાં વર્ણવેલ જ્ઞાનકાંડીય ધર્મ પણ છે. આ બંને ધર્મ આપણી સમક્ષ પ્રતિદ્વંદીના રૂપે આવ્યા. વેદો આપણને આ જગતમાં સુખો અને મરણોપરાંત સ્વર્ગનું વચન આપે છે. આ વાત ત્યાં સુધી છે કે, જે માણસ આ લોકની સારી-સારી ચીજો મર્યા પછી સત્ય-લોકમાં લઈ જવા ઇચ્છતો હોય તે તત્કાલીન જ્ઞાત વિભિન્ન દેવતાઓ માટે યજ્ઞ-યાગ કરીને એમને મેળવવાનો પ્રયાસ પણ કરતો. પછીથી ઉપનિષદો દ્વારા આ સ્વર્ગ-દર્શનનો વિરોધી સ્વર પ્રગટ થયો. કઠોપનિષદનું અધ્યયન કરવાથી આપણને જાણવા મળે છે કે, નચિકેતા પોતાના પ્રથમ વરદાન ‘આ જગતનું ઐક્ય’ એવું કંઈક માગે છે. બીજા વરદાન દ્વારા ‘સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થશે’ તે જાણવા માગે છે. પરંતુ તેને આનાથી સંતોષ નથી થતો. ઉપનિષદોનો આ વિરોધ આપણને ઉચ્ચતર ઉદ્દેશો અને પ્રવૃત્તિઓ તરફ લઈ જાય છે. અને એટલા માટે જ નચિકેતાએ માગેલું ત્રીજું વરદાન ઉચ્ચ દર્શન તથા નીતિશાસ્ત્ર દ્વારા જોઈ શકાતી જીવનની સમસ્યાઓ સાથે સંબંધિત છે. જીવનની પાછળ રહેલા સત્યની શોધના દ્વારા જ આ સમસ્યાનું સમાધાન સંભવિત છે. આ ઉપનિષદોનું વિશિષ્ટ કાર્ય છે. ઉપનિષદોનો આદર્શ છે ધ્યાન દ્વારા પરમતત્ત્વનો સાક્ષાત્કાર. તેમાં કર્મને માટે કોઈ સ્થાન નથી. પરંતુ ગીતામાં આપણને કર્મની અને ચિંતનની આવશ્યકતા વચ્ચે શ્રીકૃષ્ણનું પોતાનું સામંજસ્ય જોવા મળે છે. આ બે વિપરિત શક્તિઓનું સામંજસ્ય કર્યા વિના કોઈ પણ જીવ પરિપૂર્ણ ન બની શકે. જે વ્યક્તિ કહે છે, ‘હું ચિંતન વિના જ કર્મ કરીશ તે સફળ નથી.’ અને જે વ્યક્તિ કર્મથી વિછિન્ન બનીને કેવલ ચિંતનમાં જ મગ્ન રહે છે તે પણ પરિપૂર્ણ બની શકતો નથી. એટલે કે એક સામંજસ્યપૂર્ણ દર્શન-યુગની આવશ્યકતા હતી અને ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્‌ ગીતામાં તેનું પ્રદાન કર્યું. ગીતાનો ઉદ્દેશ મનુષ્યને જીવનના સાધારણ સ્તર પરથી નીતિ અને સદાચારના ઉચ્ચ સ્તર સુધી ઉન્નત કરી આપવાનો છે, એ આપણે ભૂલવું ન જોઈએ.

ઈ.સ. પૂર્વે 1400 વર્ષ પહેલાંના ભારતમાં બનેલી ઘટનાઓને મહાભારતમાં લિપિબદ્ધ કરવામાં આવી છે. ગીતા આ મહાભારતનું અંગ છે. આધુનિક વિદ્વાનો આ નિષ્કર્ષ પર પહોંચ્યા છે. આ ગ્રંથના સમયની સમસ્યા અંગે તેઓ એનું લગભગ ઈસુ પહેલાંના 900 વર્ષનો તિથિકાળ નિશ્ચિત કરે છે. ગીતાનું સૂત્રીકરણ બુદ્ધની પહેલાં શતાબ્દીઓ પૂર્વે થયું હોવાનું માની શકાય છે. ગીતામાં મહાન વિચારો છે, પરંતુ એને સામાન્ય લોકો બરાબર સમજ્યા ન હતા. અને બુદ્ધે આવીને આ વિચારોને નવું રૂપ આપ્યું. જેથી કરીને સામાન્ય લોકો પ્રાચીન ઉપદેશોનો સાચો મર્મ સમજી શકે. ઈ.સ. પૂર્વની છઠ્ઠી શતાબ્દીમાં બુદ્ધ અવતર્યા.

પછી ઈ.સ.ની આઠમી શતાબ્દીમાં શંકરાચાર્યનું આગમન થયું. આપણે બધા અત્યારે પણ આ મહાન આચાર્યોના આલોકમાં જીવી રહ્યા છીએ. આધુનિક યુગ 19મી શતાબ્દીમાં આપણી વચ્ચે મહાન વિભૂતિઓ આવી અને આજે આપણે એમના અને એમના વિચારો દ્વારા સંચાલિત થઈ રહ્યા છે, જે કોઈપણ ભારતના ઇતિહાસનું વાંચન કરે છે. અહીં પ્રત્યેક યુગપૂર્વે વિચારોનો એક પ્રબળ આદર્શ અને જીવનની સ્થાપના થઈ છે. અને તેની પાછળ પ્રેરણાના કેન્દ્રબિંદુ રૂપે એક મહાન પ્રબળ વ્યક્તિત્વ રહ્યું છે. આ અદ્ભુત તથ્ય પર તે વિસ્મિત થઈ જાય છે. આપણી પાછળ 5000 વર્ષોનો ઇતિહાસ છે. આપણે એ જ પ્રાચીન જાતિ છીએ અને એ જ પ્રાચીન આદર્શ આજે પણ આપણને પરિચાલિત કરી રહ્યો છે.

ભારત, પ્રાચીન ગ્રીસ અને રોમ એકબીજાની સામે-સામે હતા. તે ભારત જરાય બદલાયા વિના વિશ્વમંચ ઉપર નવા આગંતુકોનું સ્વાગત કરવા માટે આજે પણ ઊભું છે. અને ભવિષ્યમાં આવનારા આગંતુકોનું અભિવાદન કરવા માટે પણ ઉપસ્થિત રહેશે. આ ઇતિહાસનું એક સત્ય છે અને ભારતીય ઇતિહાસના અધ્યેતારૂપે આપણું એ કર્તવ્ય છે કે આપણે આ તથ્યનું પરીક્ષણ કરીએ અને એમાં રહેલા બોધપાઠને શીખીએ. આ બધું આપણને આપણી પોતાની સંસ્કૃતિનાં મૂળ અને ઉદ્‌ગમ સંબંધિત જિજ્ઞાસા તરફ દોરી જાય છે.

(સાદર સ્વીકૃતિ અને સંદર્ભ: વંદનીય સ્વામી શ્રી રંગનાથાનંદજી લિખિત ગીતા દર્શન ના ત્રણ ગ્રંથો)

Total Views: 28

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.