ॐ असतो मा सद् गमय ।
तमसो मा ज्योतिर्गमय । मृत्योर्मा अमृतं गमय ।
હે પ્રભુ, મને અસત્યમાંથી સત્યમાં લઈ જા. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા. મૃત્યુમાંથી અમૃતમાં લઈ જા.
આ મંત્રમાં આપણે ક્યાં છીએ એટલે આપણું જીવરૂપ શું છે, અને આપણે ક્યાં જવાનું છે એટલે આપણું શિવસ્વરૂપ શું છે, એ બતાવ્યું છે. આપણે અસત્યમાં છીએ, અંધારામાં છીએ, મૃત્યુમાં છીએ. આ થયું આપણું જીવસ્વરૂપ. આપણે સત્ય તરફ જવાનું છે, પ્રકાશ તરફ જવાનું છે, અમૃતત્વ પ્રાપ્ત કરવાનું છે. એ છે આપણું શિવસ્વરૂપ.
બે બિંદુઓ નક્કી થતાં સુરેખા નિશ્ચિત થાય છે. જીવ અને શિવ એ બે બિંદુઓ કાયમ કર્યાં કે પરમાર્થ-માર્ગ તૈયા૨ થયો. મુક્તિને માટે પરમાર્થ માર્ગ નથી, કારણ તેના જીવસ્વરૂપનો લોપ થયેલો હોય છે. શિવસ્વરૂપનું એક જ બિંદુ બાકી રહ્યું એટલે માર્ગ જેવું કશું રહેતું જ નથી. જડને માટે ૫૨માર્થ માર્ગ હોતો જ નથી. કારણ તેને શિવસ્વરૂપનું ભાન જ નથી હોતું. તેની નજર આગળ જીવસ્વરૂપ એક જ બિંદુ હોય છે. તેથી કરીને માર્ગ શરૂ જ થતો નથી. માર્ગ વચલા લોકો માટે છે. વચલા લોકો એટલે મુમુક્ષુઓ. તેમને માટે માર્ગ છે. અને તેમને માટે જ આ મંત્રોમાં કહેલી પ્રાર્થના છે.
‘મને અસત્યમાંથી સત્યમાં લઈ જા’ એમ ઇશ્વર પાસે પ્રાર્થના કરવી એ ‘હું અસત્યમાંથી સત્ય તરફ જવાનો સતત પ્રયત્ન કરીશ’ એવી પ્રતિજ્ઞા કર્યા જેવું છે. પ્રયત્નવાદની પ્રતિજ્ઞા વિના પ્રાર્થનામાં કશો અર્થ રહેતો નથી. જો હું પ્રયત્ન ન કરતાં નિરાંતે બેસી રહું, અથવા ઊલટી દિશામાં જવા માંડું, અને ‘મને અસત્યમાંથી સત્યમાં લઈ જા’ એવી મોઢેથી માત્ર પ્રાર્થના કરું, તો તે પ્રાર્થના શાખપની? નાગપુર-કલકત્તા તરફ જતી ગાડીમાં બેસીને ‘હે પ્રભો, મને મુંબઈ લઈ જા’ એમ ગમે તેટલી પ્રાર્થના કરું તો પણ તેનો શો ઉપયોગ? અસત્યમાંથી સત્યમાં લઈ જા એવી પ્રાર્થના કરવી હોય તો અસત્યમાંથી સત્ય તરફ જવાનો પ્રયત્ન કરવો જરૂરનો છે. પ્રયત્નહીન પ્રાર્થના એ પ્રાર્થના થઈ જ શકતી નથી. તેથી આવી જાતની પ્રાર્થના કરવામાં, હું મારું મોઢું અસત્ય તરફથી ફેરવી લઈ સત્ય તરફ વાળીશ, અને મારી શક્તિ પ્રમાણે સત્ય તરફ જવાનો તનતોડ પ્રયત્ન કરીશ, એ પ્રતિજ્ઞા ગૃહીત જ છે.
પ્રયત્ન જ કરવાનો છે તો પછી પ્રાર્થના શા માટે? પ્રયત્ન કરવાનો છે એટલે જ પ્રાર્થના આવશ્યક છે. હું પ્રયત્ન કરીશ પણ ફળ કંઈ મારા હાથની વસ્તુ થોડી જ છે? ફળ ઇશ્વરની ઈચ્છા ઉપર આધાર રાખે છે. હું પ્રયત્ન કરી કરીને કેટલો કરવાનો હતો? મારી શક્તિ કેટલી અલ્પ! ઇશ્વરની સહાય વિના હું એકલો શું કરી શકવાનો હતો? હું સત્યની દિશામાં પગલાં મૂકતો હોઉં તો પણ ઈશ્વરની કૃપા વિના છેવટને મુકામે નહીં પહોંચી શકું. હું માર્ગ કાપવાનો પ્રયત્ન તો કરી જ રહ્યો છું. પણ આખરે હું માર્ગ કાપી શકીશ કે વચમાં જ મારા પગ કપાઈ જશે તેનું શું ઠેકાણું? તેથી મારા એકલાના બળથી હું મજલ પૂરી કરીશ એ બડાઈ વૃથા છે. કાર્ય કરવાનો અધિકાર મારો ખરો, પણ ફળનું તંત્ર પરમેશ્વરના હાથમાં. તેથી મારા પ્રયત્નની જોડમાં ઇશ્વરની પ્રાર્થના અત્યાવશ્યક બને છે. પ્રાર્થનાને લીધે આપણને બળ પ્રાપ્ત થાય છે. પ્રાર્થના એટલે પોતાની પાસેનું સંપૂર્ણ બળ વાપરીને વધારે બળ આપે એવી પ્રભુ પાસે માગણી, એમ જ કહો ને!
એટલે પ્રાર્થનામાં પ્રયત્નવાદ તથા દૈવવાદ એ બેનો સમન્વય છે. દૈવવાદમાં પુરુષાર્થને અવકાશ નથી, તેથી તે વેવલો. પ્રયત્નવાદમાં નિરહંકાર વૃત્તિ હોતી નથી, તેથી તે ગર્વિષ્ઠ માતેલો, એટલે સરવાળે બંનેમાંથી કોઈ પણ એક આખો ને આખો સ્વીકારી શકાય નહીં. તેમ જ બન્નેને નાખી પણ દઈ શકાય નહીં. કારણ દૈવવાદમાં નમ્રતા છે, તે આપણે જોઈએ છે. પ્રયત્નવાદમાં પરાક્રમ છે, તે પણ જોઈએ. પ્રાર્થના આ બેનો મેળ સાધે છે. ‘मुक्तसंगोऽनहंवादी धृत्युत्साहसम्न्वितः’ ગીતામાં સાત્વિક કર્તાનું આ જે લક્ષણ કહેલું છે તેમાં પ્રાર્થનાનું રહસ્ય સમાયેલું છે. પ્રાર્થના એટલે અહંકારરહિત પ્રયત્ન. સારાંશ, ‘મને અસત્યમાંથી સત્યમાં લઈ જા’ એ પ્રાર્થનાનો સંપૂર્ણ અર્થ. ‘હું અહંકાર છોડી દઈ નમ્રતાપૂર્વક અને ઉત્સાહપૂર્વક અસત્યમાંથી સત્ય તરફ જવાનો સતત પ્રયત્ન કરીશ’ એવો થયો. આ અર્થ ધ્યાનમાં રાખી આપણે દરરોજ પ્રભુ પાસે પ્રાર્થના કરવી જોઈએ.
Your Content Goes Here




