(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. માર્ચ મહિનાના અંકમાં પ્રકાશિત લેખનો આ દ્વિતિય અને અંતિમ ભાગ છે. – સં.)

શ્રીઠાકુરની પરમ દિવ્યશક્તિ સ્વામી વિવેકાનંદને જંપવા દેતી નહોતી! સ્વામી વિવેકાનંદને ખબર હતી કે પોતાનું કંઈક જીવનકાર્ય છે, પરંતુ ક્યારે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, શું કરવાનું છે એ કંઈ ખબર નહોતી. ભારત-ભ્રમણ દરમિયાન લોકોનાં દુઃખ, દરિદ્રતા, ગુલામી, અંધશ્રદ્ધા, શોષણ વગેરે જોઈને સ્વામી વિવેકાનંદના પ્રાણ રડી ઊઠ્યા હતા! તેઓ કન્યાકુમારીના સમુદ્રના એક ખડક પર બેસી ગયા અને ભારતમાતાનું ધ્યાન કરતાં વિચારવા લાગ્યા: કેવી રીતે મારા ભારતના લોકોનો ઉદ્ધાર થાય, કેવી રીતે મારી ભારતીય સંસ્કૃતિ ઉજ્જ્વળ બને. દિવ્ય શ્રીઠાકુરે ફરી તેમને સ્વપ્નમાં સ્પષ્ટ સંકેત આપ્યો કે સમુદ્રની પાર જાઓ! એ સમયે શિકાગોમાં વિશ્વ ધર્મપરિષદ ભરાવાની હતી અને મદ્રાસના યુવાનો અને ખેતડીના મહારાજાની સહાયથી સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વ ધર્મપરિષદમાં ભાગ લેવા માટે તૈયાર થાય છે! એ દરમિયાન તેમને પોતાના ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી અને સ્વામી બ્રહ્માનંદજી આબુ રોડ પર મળે છે અને સ્વામી વિવેકાનંદે સંકેત કરતાં કહ્યું કે, ‘આ શિકાગો વિશ્વ ધર્મપરિષદ યોજાઈ રહી છે. (પોતાના હૃદયને દેખાડીને) આની અંદર જે શક્તિ છે, એના માટે થઈ રહી છે!’

શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિના થોડા મહિના પછી શ્રીરામકૃષ્ણદેવે પોતાના ગૃહસ્થ શિષ્ય શ્રી સુરેન્દ્ર મિત્રને દર્શન આપી કહ્યું, ‘મારાં ત્યાગી સંતાનો આમતેમ ફરે છે, તું તેના માટે કંઈક કર.’ બીજી દિવસે તરત સુરેન્દ્ર મિત્ર નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ)ને મળ્યા અને કહ્યું, ‘હું જે કાશીપુરમાં ખર્ચ આપતો હતો, તે આપીશ પરંતુ ગુરુદેવની ઇચ્છા અને આજ્ઞા અનુસાર આપ એવું કંઈક સ્થાન નક્કી કરો, જ્યાં અમે ગૃહસ્થ અને સંસારી લોકો આવીને શાંતિ મેળવી શકીએ.’ આમ, વરાહનગરમાં એક મકાન ભાડે રાખી, શ્રીપ્રભુની કૃપા અને ઇચ્છાથી પ્રથમ મઠ શરૂ થયો!

આ વરાહનગર મઠની શરૂઆતના થોડા સમય પછી સ્વામી વિવેકાનંદ ભારત-ભ્રમણ માટે નીકળી પડ્યા.

સ્વામી વિવેકાનંદે શિકાગો માટેની યાત્રા શરૂ કરી અને ત્યાં દૈવીકૃપા અને ઇચ્છાથી વિશ્વ ધર્મપરિષદમાં એક વક્તા તરીકે સ્વીકૃત બન્યા! (આ અંગેની વિશદ માહિતી માટે ‘યુગનાયક વિવેકાનંદ’ પુસ્તક વાંચવું રહ્યું.)

૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે બપોર પછીના પોતાના સંક્ષિપ્ત ભાષણમાં પ્રથમ પાંચ શબ્દો ‘માય અમેરિકન સિસ્ટર એન્ડ બ્રધર્સ’ (મારાં અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ) એ શબ્દો સંબોધતાં જ વિશાળ શ્રોતામંડળી ઊભી થઈ, કેટલીક મિનિટો સુધી તાળીઓ પાડીને સ્વામી વિવેકાનંદનું અભિવાદન કરતી રહી! કેવું અદ્‌ભુત દિવ્ય આકર્ષણ!

બ્રિટિશ દર્શનશાસ્ત્રી ડો. પોલ બ્રન્ટન ૧૯૩૦માં ભારતીય આધ્યાત્મિકતાની ખોજ કરતાં કરતાં કોલકાતા આવ્યા અને શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય માસ્ટર મહાશયને મળ્યા. જાણે કોઈ ભારતીય પ્રાચીન ઋષિ બેઠા છે! તેમના દિવ્ય સાન્નિધ્યમાં પરમ શાંતિની અનુભૂતિ થઈ! તેમની પ્રથમ મુલાકાત પછી તેઓ રોજ માસ્ટર મહાશયને મળતા અને તેમના અમૃત સમાન ઉપદેશોનું શ્રવણ કરતા!

માસ્ટર મહાશયે એક વાર તેમને પૂછ્યું, ‘તમે આમાં કંઈ સમજો છો?’ ત્યારે ડો. પોલ બ્રન્ટને કહ્યું, ‘હું આમાંનું કંઈ જ સમજી શકતો નથી, પરંતુ મને તમારાં આ વચનો સાંભળી પરમ શાંતિની અનુભૂતિ થાય છે, અને એ પ્રબળ આકર્ષણથી હું અહીં ચાલ્યો આવું છું! તમારું આકર્ષણ આવું પ્રબળ હોય તો, તમે જેનો મહિમા અને ઉપદેશો પ્રબોધો છો, તે વ્યક્તિનું આકર્ષણ તો કેવું દિવ્ય અને મનોરમ હશે!’

સ્વામી વિવેકાનંદે કમર કસી અને ભારતીય સંસ્કૃતિના પ્રચાર માટે પુરુષાર્થ આદર્યો અને પોતાના પ્રાણની બાજી લગાવી દીધી! અઠવાડિયાનાં ૧૧ પ્રવચનો આપવાં પડતાં, (આ સમયે માઇક્રોફોન સ્પીકર હતાં નહીં, એ આપણે યાદ રાખવું જોઈએ) ક્યારેક ક્યારેક સ્વામીજી બીજા દિવસે હવે શું બોલવું તે માટે વિચારતા રહેતા, એ જ શ્રીપ્રભુની દિવ્ય શક્તિ આગલા દિવસે શું બોલવું તે અંગે રાત્રે એમને બધું કહી જતી! બીજે દિવસે સવારે યજમાન કહેતા, ‘સ્વામીજી, કાલે તમે રાત્રે કોઈ સાથે ચર્ચા કરતા હતા?’ ત્યારે સ્વામી વિવેકાનંદ ઉડાઉ જવાબ આપી દેતા, ‘હા, હા.’ અદ્‌ભુત હતું આ બધું!

સ્વામી વિવેકાનંદના વેદાંતના માનવ-ધર્મના પ્રચાર-પ્રસાર પછી ભારતને મદારીઓનો દેશ કહેનાર, ભારત વિશે ઉટપટાંગ વાતો કરનારા રૂઢિવાદી મિશનરીઓની આવકમાં ધરખમ ફેરફાર થયો. તેની સાથે ભારતના જ કેટલાક ઈર્ષાળુ અને સ્વાર્થી લોકો જોડાયા અને સ્વામી વિવેકાનંદના દિવ્ય ભગીરથ કાર્યમાં અવરોધ નાખવામાં પાછી પાની કરી નહિ. એક વાર તો સ્વામી વિવેકાનંદને કોફીમાં ઝેર આપવામાં આવ્યું, અજાણ સ્વામીજી જ્યારે પીવા જાય છે ત્યારે શ્રીરામકૃષ્ણદેવ પ્રગટ થયા અને કહ્યું, ‘જોજે, પીતો નહીં.’ આ રીતે સ્વામી વિવેકાનંદના પ્રાણ બચી ગયા.

એક વાર સ્વામી વિવેકાનંદ થાઉઝન્ડ આઇલેન્ડ પાર્કમાં કેટલાક જિજ્ઞાસુ સાધકો સાથે વિચરણ કરતા હતા. એક ઘટાદાર વટવૃક્ષ નીચે બેસીને બધા ધ્યાન કરતા હતા. સ્વામી વિવેકાનંદ તે વખતે ધ્યાનની ઉચ્ચ અવસ્થા નિર્વિકલ્પ સમાધિમાં ચાલ્યા ગયા! તે સમયે સ્વામી વિવેકાનંદ નિજ-સ્વરૂપમાં વિલીન થઈ જાત પરંતુ તેમના માનસપટલ પર શ્રીપ્રભુ રામકૃષ્ણદેવ પ્રગટ થયા અને જાણે કહેતા હોય, ‘હજુ વાર છે.’ ધીરે ધીરે સ્વામી વિવેકાનંદ સહજ અવસ્થામાં આવી ગયા!

સ્વામી વિવેકાનંદ વિદેશમાં ભારતીય સંસ્કૃતિની વિજય-પતાકા ફરકાવી, વિશ્વવિજયી બની ભારતવર્ષ પાછા ફર્યા, ત્યારે સમગ્ર ભારતમાં તેમનું અભૂતપૂર્વ અભિવાદન થયું અને સ્વામી વિવેકાનંદે શાશ્વત સંદેશના પ્રવચનરૂપી પુરુષાર્થમાં પોતાના શરીરને હોમી દીધું. સ્વામી વિવેકાનંદને થયું કે તેમણે પોતાના શરીર પાસે વધારે પડતું કામ લીધું છે, હવે વધુ વર્ષો સુધી આ ધરાતલ પર રહી શકશે નહીં. તેથી તેમણે શાશ્વત ફળદાયી અને કલ્યાણકારી સેવાકાર્ય માટે ‘શિવજ્ઞાને જીવસેવા’ અને ‘आत्मनो मोक्षार्थं जगद्धिताय च’ એવા હેતુ સાથે ત્યાગી સાધુઓની એક સંસ્થાનું સ્થાપન કર્યું. શરૂઆતમાં તો તેમના કેટલાક ગુરુભાઈ વગેરેને એમ કે સ્વામી વિવેકાનંદ આ બધી બાબતો વિદેશમાંથી શીખીને આવ્યા છે, આથી તેનો વિરોધ પણ કર્યો, ત્યારે સ્વામી વિવેકાનંદ ગરજી ઊઠ્યા, ‘અનંત ભાવમય ઠાકુરને તમે શું સમજો છો? તેઓ આ ચપટી ધૂળમાંથી હજારો વિવેકાનંદ પેદા કરી શકે છે પરંતુ તેમને પોતાનું કાર્ય આ જ (વિવેકાનંદરૂપી) શરીર દ્વારા જ કરાવવું હોય તો હું શું કરું! તમે એમ સમજો છો કે આ બધું મેં કર્યું છે! એમના એક કૃપાકટાક્ષથી આ બધું થાય છે!’ ત્યારે તેમના ગુરુભાઈને થયું કે સ્વામીજીના મારફત જાણે ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવ કાર્ય કરી રહ્યા છે!

આજ્ઞાંકિતતા અને સ્વતંત્રતાનો વિસ્મયજનક સમન્વય, ચારેય યોગોના સમન્વયનું વ્યાવહારિક નિદર્શન, ‘એકમ સત્ વિપ્રા બહુધા વદન્તિ’ના પ્રાચીન ઉચ્ચ આદર્શનું વેદાંતિક દૃષ્ટિકોણથી વ્યાવહારિક રૂપમાં અમલીકરણ, ‘શિવજ્ઞાને જીવસેવા’ના ઉચ્ચ આદર્શથી વેદાંતને ધરાતલ પર ઉતારી સેવાનાં વિવિધ કલ્યાણકારી કાર્યો દ્વારા ઘેર ઘેર પહોંચાડવાના ભગીરથ આદર્શ વગેરે શાશ્વત સિદ્ધાંતોના આધારે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. ઉત્તમ કુશળ અને જાજ્વલ્યમાન આધ્યાત્મિક શક્તિથી સબળ ત્યાગી સાધુના હાથમાં તેની ધુરા સોંપી. સ્વામી વિવેકાનંદને થયું કે આ ગતિમાન ચક્રને હવે હજારો હિમાલયની શક્તિ પણ રોકી શકશે નહીં, ત્યારે તેઓ પોતાના શાશ્વત નિજ સ્વરૂપમાં મહાસમાધિ દ્વારા લીન થઈ ગયા.

ભગવાન વીરેશ્વરના અંશથી જન્મેલ, નરઋષિ નારાયણ, સપ્તઋષિઓમાંના એક એવા સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે, ‘પંદરસો વર્ષ ચાલે તેટલું આપી જાઉં છું! જો બીજો વિવેકાનંદ હોત તો એ સમજી શકત કે આ વિવેકાનંદે શું કર્યું?’ આધુનિક અંગ્રેજી ભણેલ આધ્યાત્મિક લોકો દ્વારા વિચ્છેદન થયેલ મૂર્તિપૂજા અને મંદિરોમાં નવપ્રાણ ફૂંકવાનું તથા ભારતીય સંસ્કૃતિની નવચેતનાનો સંચાર કરવાનું ભગીરથ કાર્ય શ્રીઠાકુરની કૃપા અને શક્તિ હોવા છતાં પણ સ્વામી વિવેકાનંદરૂપી ઉચ્ચ દિવ્ય આધાર વગર થવું અસંભવ હતું.

શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે કેશવચંદ્ર સેન જેવા પ્રખર આધ્યાત્મિક મહાપુરુષમાં વિશ્વવિખ્યાત થવા માટે જેટલી શક્તિ છે, એવી ૧૮-૧૮ શક્તિઓ નરેન્દ્રનાથમાં (સ્વામી વિવેકાનંદમાં) વિરાજે છે. હનુમાનજી મહારાજની જેમ સ્વામી વિવેકાનંદે પણ પોતાના ભગીરથ દિવ્ય કાર્યનો શ્રેય ગુરુદેવ શ્રીરામકૃષ્ણને જ આપ્યો. હનુમાનજી મહારાજે સીતાજીના પ્રાણ બચાવ્યા, લક્ષ્મણજીના પ્રાણ બચાવ્યા, ભરતજીના પ્રાણ બચાવ્યા, લંકાદહન કરી છતાં બધો જ શ્રેય શ્રીરામચંદ્ર પ્રભુને જ આપે છે. હનુમાનજી વગર શ્રીરામજીનું જીવન જાણે અધૂરપ છે, તેવી જ રીતે સ્વામી વિવેકાનંદ વગર ભગવાન શ્રીરામકૃષ્ણદેવ પણ! શ્રીરામકૃષ્ણદેવ સૂત્ર છે, તો સ્વામી વિવેકાનંદ ભાષ્ય છે! જેમ હનુમાનજી મહારાજ માટે કહેવામાં આવે છે, ‘રામાયણ મહામાલા રત્નમ્’ એવી જ રીતે રામકૃષ્ણ સંઘમાં ‘સ્વામી વિવેકાનંદ મહામાલા રત્નમ્!’

સ્વામી વિવેકાનંદની મહાસમાધિ પછી શ્રીરામકૃષ્ણદેવની છબીની બાજુમાં જ સ્વામી વિવેકાનંદની છબીને પણ પૂજામાં રાખવામાં આવી, ત્યારે સ્વામી વિવેકાનંદ સાથે રહેલ કેટલાક લોકોએ અણગમો વ્યક્ત કર્યો ત્યારે શ્રીમા શારદાદેવીએ સ્પષ્ટ રીતે સંકેત આપ્યો કે નરેન શ્રીરામકૃષ્ણદેવનો મુગટ-ચૂડામણિ છે અને તેમનું સ્થાન પણ શ્રીરામકૃષ્ણદેવની બાજુમાં જ છે! અને આજે પણ રામકૃષ્ણ સંઘમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદામણિદેવી અને સ્વામી વિવેકાનંદની પૂજા એક સાથે થાય છે. એ જ પરબ્રહ્મ-પરાશક્તિ શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ રૂપે જ અવતરિત થઈ હતી. એક જ શક્તિનાં ત્રણ રૂપો! પ્રણામ એ પરબ્રહ્મ-પરાશક્તિને!

Total Views: 346

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.