એક કથાકાર રાજાની પાસે ગયો અને રાજમહેલમાં પુરાણની કથા સંભળાવવાની પોતાની ઇચ્છા દર્શાવતાં બોલ્યો:

‘હે રાજા, ભાગવત એક અતિ ઉત્તમ ગ્રંથ છે. એ આપે કોઈક આચાર્ય દ્વારા અવશ્ય સાંભળવો જોઈએ. આપની રજા હોય તો વાંચી સંભળાવું, ધાર્મિક ગ્રંથોનો મેં બહુ સારો અભ્યાસ કર્યો છે એ સૌ કોઈ જાણે છે. રાજમહેલમાં કથા સંભળાવવાની મારી ઇચ્છા કૃપા કરીને પૂરી કરી. વિદ્વાનોનો આદરસત્કાર કરવાનો રાજાઓનો ધર્મ છે.’

રાજા બુદ્ધિમાન હતો. તે સમજી ગયો કે પંડિતજીની ધન અને નામના કમાવાની ઇચ્છા છે. કેમ કે, એ જો પુરાણોનું રહસ્ય સમજતો હોય તો રાજાને બારણે શા માટે આવત? ઈશ્વરની આરાધના કરવામાં મગ્ન થઈને જપતપ વગેરેમાં લીન નહીં રહેત?

તેણે પંડિતજીને કહ્યું, ‘પંડિતજી, હું ખસૂસ તમારી પાસેથી ભાગવત સાંભળવા ઇચ્છું છું, પણ મારી એક વિનંતી છે. એ પવિત્ર ગ્રંથ તમે એક-બે વાર ફરીથી વાંચી જાઓ અને તે પછીથી અહીં પધારવાની કૃપા કરજો. રાજાની વાત સાંભળીને પંડિતજી ખિન્ન તો અવશ્ય થયા, પણ રાજા આગળ તે ક્રોધ કેવી રીતે દર્શાવે? ચૂપચાપ ઘેર ચાલ્યા ગયા અને પોતાના મનમાં કહેવા લાગ્યા, રાજા મૂર્ખ જણાય છે. અભણ અને વિદ્વાનની અને પરખ નથી કહે છે કે, એક-બે વાર ભાગવત ફરીથી વાંચી જાઓ. મારી સાથે આવી વાતો કરે છે. એને ખબર નથી કે શાસ્ત્રો વાંચવામાં અને સમજવામાં જ મેં બાર વરસ કાઢ્યાં છે.

ઘેરે જઈને પંડિતજીએ બધી વાત પોતાની પત્નીને કહી સંભળાવી. પત્નીએ કહ્યું:

‘એ તો રાજા રહ્યા, જે ધારે તે કરી શકે છે અને એમણે કહ્યું જ છે તો એક-બે વાર ભાગવત ફરીથી વાંચી લઈને પછી રાજા પાસે કેમ ન જાઓ? રાજમહેલના મુખ્ય પુરાણી બનવાની તક નકામી શાને ગુમાવવી?’

પૌરાણિકને પત્નીની વાત વાજબી લાગી. ક્રોધને દબાવીને તેમણે એક વાર ફરીથી ભાગવત ધ્યાનપૂર્વક વાંચ્યું અને એ ગ્રંથને વિષે પૂછી શકાય એવા બધા સવાલોના જવાબ આપવાની પૂરેપૂરી તૈયારી કરીને એક સારો દિવસ જોઈ રાજદરબારમાં ગયા.

રાજાએ તેમનું સારું સ્વાગત કર્યું. પૂછ્યું, ‘કહો, હવે તો તમે ભાગવતનું સારી પેઠે અધ્યયન કરી લીધું હશે?’

પંડિતજીએ જવાબ આપ્યો, ‘જરૂર, મહારાજની આજ્ઞા પ્રમાણે હું પહેલેથી છેલ્લે સુધી ભાગવત સારી રીતે વાંચી ગયો. એ હું આપના દરબારમાં બહુ સારી રીતે વિસ્તારથી સમજાવી શકું એમ છું. આપની કીર્તિ ખૂબ વધે, આપના ધાર્મિક વિચારો પણ ખૂબ પ્રગતિ કરે, એવી મારી કામના છે.’

રાજા બોલ્યો, ‘પંડિતજી, હું તમારી પાસેથી કથા અવશ્ય સાંભળીશ, પણ એક વાર ફરીથી એ ગ્રંથ તમે વાંચી જાઓ.’

બ્રાહ્મણ બિચારો બહુ જ નિરાશ થયો અને ઘેર જઈને તેણે પોતાની પત્નીને બધી જ વાત કહી સંભળાવી.

સમજુ સ્ત્રીએ કહ્યું, ‘એમાં જરૂર કંઈક રહસ્ય છે. જોઈએ શું થાય છે. ફરીથી એક વાર ભાગવત વાંચીને પછી રાજા પાસે જાઓ.’

પંડિતજીએ પણ પોતાનો પ્રયત્ન છોડ્યો નહીં. ભાગવતનું વાચન નિર્વિઘ્ને અને શાન્તિપૂર્વક પૂરું થાય એટલા ખાતર તેમણે પોતાને માટે એક એકાંત સ્થળ પસંદ કર્યું, ત્યાં ખૂબ એકાગ્રતાથી તે ભાગવતનું અધ્યયન કરવા લાગ્યા, એટલે સુધી કે તનમનનું ભાન પણ તે ભૂલી ગયા. આ વખતે ભાગવતમાં તેમને નવાનવા અર્થો દેખાયા. ભગવાન નારાયણના મહિમાએ તેમનું ચિત્ત હરી લીધું. એમાં તેઓ એટલા બધા લીન થઈ ગયા કે ઘેર પણ જતા નહોતા. ભાગવતના પાઠમાં જ તેમનો બધો વખત જતો હતો. હવે ધન અને માનની ઇચ્છા તેમને ન રહી. તેમને રાજા પાસે જવાનું હતું એ પણ તે ભૂલી ગયા.

આ સ્થિતિ જોઈને બ્રાહ્મણની પત્ની બહુ જ મૂંઝવણમાં આવી પડી. વિચારવા લાગી, ‘હવે શું થાય? પતિદેવને તો હવે કશી વાતની ચિંતા હોય એમ લાગતું જ નથી, કુંટુંબનો નિર્વાહ કેવી રીતે ચાલશે?’

આખરે તે રાજા પાસે ગઈ અને રુદન કરીને તેણે પોતાનું બધું દુ:ખ કહ્યું. રાજા પ્રસન્ન થઈને હવે પોતે જ બ્રાહ્મણ પાસે આવ્યો અને તેના મોં પર પારાવાર તેજ જોઈને તેણે તેમના ચરણોમાં માથું મૂકીને ક્ષમા માગી. પાંડિત્ય એક વસ્તુ છે અને ધર્મશાસ્ત્રો વાંચ્યા પછી ભક્તિયુક્ત જે જ્ઞાન મળે છે, એ બિલકુલ જુદી વસ્તુ છે.

 

 

Total Views: 367

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.