શ્રીરામકૃષ્ણ મિશનનું શતાબ્દિ વર્ષ ૧૯૯૭-૯૮માં ઉજવાઈ ગયું. ધ ઇન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચરે એ આખા વર્ષ દરમ્યાન આ ઐતિહાસિક પ્રસંગની ઊજવણી પરિસંવાદો, તત્ત્વચર્ચાઓ અને સભાઓની હારમાળા દ્વારા કરી હતી. ફલતઃ ઇન્સ્ટિટ્યુટનું બુલેટિન પણ વખતો વખત મિશનનાં જુદાં જુદાં પાસાં, તેની પ્રવૃત્તિઓ, સમસ્યાઓ અને ભવિષ્યની યોજનાઓને પ્રકાશિત કરીને તેમના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ‘ધ ઇન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર’માં શ્રીરામકૃષ્ણ સંઘના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજે આપેલા વ્યાખ્યાનના આધારે જાન્યુઆરી ૧૯૯૮ના ‘બુલેટિન ઑફ રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચર’માં પ્રસિદ્ધ થયેલા લેખનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

શ્રી૨ામકૃષ્ણે ઉચ્ચ સ્વરે પુકારેલું: ‘આવો, મારાં બાળકો! અરે સર્વસ્વત્યાગી તમે ક્યાં છો? હું તમારા વિના જીવતો રહી શક્તો નથી. દુનિયાના લોકો સાથે વાતો કરતાં મારું મોઢું બળી ઊઠે છે.’ અને પછી તેઓ એક પછી એક આવવા લાગ્યા અને શ્રીરામકૃષ્ણની આસપાસ રામકૃષ્ણસંઘ આકાર લેવા લાગ્યો. દક્ષિણેશ્વ૨થી શરૂ કરીને એ પ્રક્રિયા શ્યામપુકુરબાટી અને કાશીપોર સુધી ચાલુ રહી. શ્રીરામકૃષ્ણના ૧૮૮૬માં થયેલા નિધન પછી, વારાહનગરમાં નાના પાયા પર મઠની સ્થાપના કરવામાં આવી. રામકૃષ્ણ સંઘનો આ રીતે જન્મ થયો. ગૃહસ્થભક્તો તેને સંપૂર્ણ રીતે સહાય કરતા હતા. સુરેન્દ્રનાથ મિત્રે વારાહનગરના મઠને શરૂ કરવામાં ખૂબ સક્રિય રીતે મદદ કરી હતી. શ્રીરામકૃષ્ણ તેમને પ્રેમથી ‘સુરેશ’ કહેતા.

આ રીતે રામકૃષ્ણ આંદોલનની નમ્ર શરૂઆત થઈ. આજે ભારતમાં તથા વિદેશમાં મળીને આ સંગઠનનાં ૧૪૦ કેન્દ્રો છે. પણ ભારતની વસતીનું પ્રમાણ જોતાં અને આપણા દરરોજના જીવનમાં અમલમાં મૂકી શકાય તેવાં શાશ્વત મૂલ્યો અને આદર્શોની આવશ્યક્તાની દુનિયાભરની તુલનામાં આ પૂરતું નથી.

વધારે પ્રવૃત્તિઓ, વધારે ઉપદેશ અને શ્રીરામકૃષ્ણે આપણી સમક્ષ પ્રસ્થાપિત કરેલા મહાન આદર્શોનાં જીવંત ઉદાહરણરૂપ બની રહે તેવા વધારે લોકોની જોરદાર માગ છે. તેઓ પોતાના ટૂંકા જીવન દરમ્યાન ભારતના યુગો જૂના આધ્યાત્મિક આદર્શોનું જીવંત ઉદાહરણ બની રહ્યા હતા અને તેમને આપણને દર્શાવી આપ્યું કે આ આધુનિક જમાનામાં પણ તેમનું પાલન કરવું શક્ય છે. આજે ભૌતિક અંતર ટૂંકું થઈ ગયું છે. પરંતુ માણસ માણસ વચ્ચે પથ્થર યુગમાં જે માનસિક અંતર હતું તે એમને એમ રહ્યું છે. આ માનસિક અંતરને હજી દૂર કરવાનું છે. શ્રીરામકૃષ્ણના નિધનને ૧૧૧ વરસો વીતી ગયાં છે તે પછી ય આજે આપણે જોઈએ છીએ કે દુનિયામાં ઝઘડા, મારામારી, નિર્દય હત્યાઓ અને પારસ્પરિક અવિશ્વાસની મહામારી ફેલાયેલી છે; માણસ પોતાની અંદર અને માનવજાતિમાં પોતાનો વિશ્વાસ ગુમાવી રહ્યો છે. એ વિશ્વાસને પુનઃસ્થાપિત કરવા માટે શ્રીરામકૃષ્ણનું આગમન થયું હતું. આપણે એ વિશ્વાસનું પુનઃસ્થાપન શ્રીરામકૃષ્ણ દ્વારા કરી શકીશું. અને સ્વામી વિવેકાનંદ તથા શ્રીરામકૃષ્ણે આ જ કામ આપણને કરવા માટે કહ્યું છે.

જરાક વિનોદમાં હું કહું કે સ્વામી વિવેકાનંદ સેવાભાવી કાર્યકર ન હતા. તમને ખબર હશે કે તેઓ તો નિર્વિકલ્પ સમાધિમાં ડૂબી જવા માગતા હતા. પણ ગમે તેમ, અમેરિકા જતાં તેમને ગંભીર વિચાર આવવા લાગ્યો કે તેમની પાસે એક સંગઠન હોવું જોઈએ. આ બાબતમાં નિર્ણય લેવો તેમના માટે સહેલી વાત ન હતી. શરૂઆતમાં તેમને ખૂબ સંકોચ થતો હતો. પણ પછી તેમણે એ બારામાં સારાં અને ખરાબ પાસાંઓનું યોગ્ય મૂલ્યાંકન કરીને છેલ્લે સંગઠન શરૂ કરવાની તરફેણમાં નિર્ધાર કર્યો.

શિકાગોમાં જ્યારે સ્વામીજી શ્રી જ્હોન બી. લાયોનના મહેમાન હતા ત્યારે એક રમૂજી ઘટના ઘટી. શ્રીમતી લાયોન બહુ મજાનાં વૃદ્ધ સન્નારી હતાં. તેઓ સ્વામીજીને પોતાના સગા પુત્ર માનતાં હતાં. લાયોન દંપતીની પૌત્રી કોર્નેલિયા કોન્જર સ્વામીજી સાથેનાં પોતાનાં સંસ્મરણોમાં લખે છેઃ

‘જ્યારે તેઓ (સ્વામીજી) એ પ્રવચનો આપવાંનાં શરૂ કર્યાં ત્યારે તેઓ ભારતમાં જે કામ કરવાની આશા રાખતા હતા તેને માટે પૈસા આપવા માંડ્યાં. પરંતુ તેમની પાસે પાકીટ ન હતું. તેથી તેઓ એક રૂમાલમાં બાંધી લેતા અને ફૂલાતા નાના બાળકની જેમ મારા દાદીમાના ખોળામાં, સાચવી રાખવા માટે, ઠાલવી દેતા. દાદીમા તેમને જુદા જુદા સિક્કાઓ વિષે જ્ઞાન આપતાં અને ચોખ્ખો હિસાબ રાખીને ગણવાનું કહેતાં.

એક વખત તેમણે મારા દાદીમાને કહ્યું: ‘મને અમેરિકામાં જીવનનું સૌથી મોટું આકર્ષણ મળી ગયું છે.’ દાદીમાને તેમની ટીખળ કરવાની મરજી થઈ અને પૂછ્યું: ‘હેં સ્વામી, એ સ્ત્રી કોણ છે?’ તેઓ ખડખડાટ હસી પડ્યા અને કહ્યું: ‘અરે મા, એ કોઈ સ્ત્રી નથી. હું તો સંસ્થાની વાત કરું છું.’

આ રીતે સંસ્થા એ સ્વામીજીને મન મોહમાયા હતી, કેમકે તેઓ દ્વિધામાં હતા. તેમણે પોતે સગી આંખે જોયું હતું કે જો સંગઠન સાધવામાં આવે તો ધર્મ કેવું સ્વરૂપ ધારણ કરી શકે છે. ૧૯૦૦માં કેલિફોર્નિયામાં આપેલા એક પ્રવચનમાં તેઓ કહે છેઃ ‘સંગઠિત ધર્મને ઉંબરે ચઢશો નહીં. પરંતુ યાદ રાખજો કે રામકૃષ્ણ મિશનને કોઈ સંગઠિત ધર્મ નથી. આ સંસ્થા તો માત્ર પ્રવૃત્તિઓનું સંગઠન સાધી આપે છે. ધર્મની દૃષ્ટિથી જોતાં અમે આકાશ જેટલા વિશાળ અને મહાસાગર જેટલા ઊંડા છીએ. અમે દરેક નરનારીને તેનો પોતાનો ધર્મ પાળવાનું પ્રોત્સાહન આપીએ છીએ. શ્રીરામકૃષ્ણે પાળેલો આ ધર્મ, એ ધર્મોની સંવાદિતા છે, બધા ધર્મોની ભેગી કરેલી ખીચડી નહીં. ના રે ના, જે કોઈ માણસ એક વિશિષ્ટ ધર્મને અનુસરતો હોય એ તે ધર્મના ઉપદેશોનું ભલે પાલન કરે અને આગળ વધતાં પરમતત્ત્વને પ્રાપ્ત કરી લે. અમારાં જૂનાં શાસ્ત્રોમાં પણ આ જ વિચારો હતા. પરંતુ ઇતિહાસમાં પ્રથમ વખત શ્રીરામકૃષ્ણે જુદા જુદા ધર્મોનું પાલન કર્યું – બધી શાખાઓ કે સંપ્રદાયોવાળા માત્ર હિન્દુ ધર્મનું જ નહીં, ખ્રિસ્તી અને ઇસ્લામ જેવા સેમિટિક ધર્મોનું પણ. અને તેમણે એમ સિદ્ધ કરી આપ્યું કે બધા ધર્મો એક જ પરમલક્ષ્યને પહોંચવા માટેના માર્ગો છે.’ શ્રીરામકૃષ્ણના ઉપદેશોમાં આ સૌથી મોટો છે, અને રામકૃષ્ણ મિશનની બધી પ્રવૃત્તિઓ ધર્મની આલમે પહેલાં કદી ન જોયો હોય તેવા આ વિસ્મયકારક અને સાર્વત્રિક અભિગમને ધ્યાનમાં રાખીને સંચાલિત કરવામાં આવે છે.

મહત્ત્વપૂર્ણ ઉપદેશો

શ્રીરામકૃષ્ણના બીજા પણ ઘણા ઉપદેશો છે- દા.ત. ત્યાગ. એક દિવસ જયરામવાટીમાં કેટલાક સંન્યાસીઓ શ્રીરામકૃષ્ણના પ્રદાન વિષે ચર્ચા કરી રહ્યા હતા. કોઈકે કહ્યું કે ધર્મોની સંવાદિતા પર મૂકવામાં આવેલો ભાર એ શ્રીરામકૃષ્ણનું સૌથી મોટું પ્રદાન છે. શ્રીરામકૃષ્ણનાં ધર્મપત્ની, શ્રીમા શ્રીશારદાદેવી ત્યાં બેઠાં હતાં અને સંન્યાસીઓની ચર્ચા સાંભળી રહ્યાં હતાં. સંન્યાસીઓનો મત જાણીને પૂજ્ય માએ કહ્યું: ‘ના, તેમની વિશેષતા તો હતી ત્યાગ. જગતે કદી આવો ત્યાગ જોયો છે?’ આજે આપણે ઉપભોક્તાવાદના યુગમાં જીવી રહ્યાં છીએ. આપણે વધારે ને વધારે મોજમજાની પાછળ દોડધામ કરીએ છીએ. પણ છેલ્લે તો તમને ગમે કે નહીં, ત્યાગ એ જરૂરિયાત બની રહે છે. નાન્યઃ પન્થા વિદ્યતે અયનાય-બીજો કોઈ માર્ગ જ નથી. ઘણા લાંબા સમય પહેલાં ભારતના ઋષિઓએ કહ્યું હતું – ત્યાગેનૈકેના-મૃતત્વમાનશુઃ- ‘માત્ર ત્યાગ જ અમરત્વ બક્ષે છે.’ ન સમજી શકાય તેવી બિનજાગતિકતાવાળા જીવન દ્વારા શ્રીરામકૃષ્ણે ૧૯મી સદીમાં વિધાનને પ્રમાણભૂત બનાવી દીધું હતું.

પોતાના જ જીવનમાં શ્રીરામકૃષ્ણ નક્કર ઉદાહરણરૂપ બની રહ્યા હતા એ વિસ્મયકારક વિચાર હતો – શિવજ્ઞાને જીવસેવા – મનુષ્યની સેવા એ ભગવાનની સેવા છે. છેલ્લાં ૧૦૦ વરસથી રામકૃષ્ણ મિશન આ બીજા મહાન આદર્શને નમ્રતાપૂર્વક કાર્યાન્વિત કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ઘણાંબધાં બંધનો અને વિટંબણાઓ છે. અમારે પૈસાની જરૂર છે, સમર્પિત લોકોની જરૂર છે. આ બધી સમસ્યાઓ છે જ. પણ તે છતાં જ મિશન માનવજાતિની સેવા દ્વારા ભગવાનની સેવાના આદર્શને વફાદારીથી વળગી રહેવાની કોશિશ કરી રહ્યું છે. શ્રીરામકૃષ્ણના સામાન્ય ભક્તોએ પણ આ જીવનકાર્યને પૂરું કરવા માટે આગળ આવવાનું છે. બાઈબલ કહે છેઃ ‘પાક મબલખ છે પણ મજૂરો ઓછા છે!’ તેથી કામ ઉપાડી લેવા માટે વધારે માણસો જોઈએ. અમારે વધારે હાથોની જરૂર છે.

ત્યાગ અને સેવા

સ્વામી વિવેકાનંદે નિર્દેશ કર્યો છે કે ‘ત્યાગ’ અને ‘સેવા’, ધર્મ અને આધ્યાત્મિક્તા એ ભારતની કરોડરજ્જુ છે. જો આપણે આપણાં ધર્મની અને આધ્યાત્મિક્તાની ઉપેક્ષા કરીશું તો આપણે ટુકડા ટુકડામાં વિભક્ત થઈ જઈશું. આજે સ્વાતંત્ર્યનાં પચાસ વર્ષ પછી પણ તમને ભારતમાં શું દેખાય છે? કેટલાક મહાન આદર્શો ભુલાઈ ગયા છે. આપણે પશ્ચિમનું અનુકરણ કરવા ધસી રહ્યા છીએ અને પરિણામ એ આવ્યું છે કે, ઔપચારિક લોકશાહીના નામે જે મહાન આદર્શો માટે ભારત ખડો હતો તેમને આપણે ભૂલી રહ્યા છીએ. જો ભારતે જીવતા રહેવું હોય તો એ આદર્શોનું પાલન કરવું જ જોઈએ. આપણે ૨૧મી શતાબ્દીમાં પ્રવેશ કરી રહ્યા છીએ. જગત ભારત પાસેથી અપેક્ષા રાખી રહ્યું છે. અને તેની પ્રતીક્ષા કરી રહ્યું છે, પરંતુ હજી યે આપણે એ અપેક્ષાઓને સંતોષવા સક્ષમ સાબિત થયા નથી. જ્યારે આપણે શ્રીરામકૃષ્ણ, શ્રીમા અને સ્વામી વિવેકાનંદે આપણી સમક્ષ રજૂ કરેલા આદર્શોને અનુસરીએ તો જ આ કામ થઈ શકે.

શ્રીમાનો છેલ્લો સંદેશ હતો: ‘જો તમારે કોઈનો દોષ શોધવો જ હોય તો તમારો પોતાનો જ શોધો. કોઈ માણસ અજાણ્યો નથી દરેક માણસ તમારો પોતાનો જ છે.’ આ એક વાક્ય-કોઈ માણસ અજાણ્યો નથી-માં વેદાન્ત અને ફિલસૂફીનું સર્વસ્વ સમાયેલું છે. ભાઈચારા, પ્રેમ અને મૈત્રીમાં માણસ માણસને ભેગા કરવા માટે આજે આ જ એક ઉપદેશની જરૂર છે.

પણ પ્રશ્ન એ છે કે – જ્યાં સુધી આપણે આપણા મનને ઉચ્ચ આદર્શોન્મુખ ન કરીએ, અને ઉચ્ચતર જીવનમૂલ્યો તરફ ન વાળીએ ત્યાં સુધી આ ઐક્યની લાગણી કઈ રીતે ઊભી કરી શકાય? અને આ આદર્શો અને જીવનમૂલ્યો અવશ્ય આધ્યાત્મિક જ હોવાનાં. ‘કંપ્લીટ વર્કસ ઑફ સ્વામી વિવેકાનંદ’ની પ્રસ્તાવનામાં ભગિની નિવેદિતાએ લખ્યું છેઃ ‘હવે પછી પવિત્ર અને બિનસાંપ્રદાયિક વચ્ચે કોઈ ભેદભાવ નહીં. શ્રમ એ જ પ્રાર્થના, ત્યાગ એ જ જીત, જીવન પોતે જ ધર્મ છે. આપણી માલિકીની કોઈ વસ્તુ હોવી અને ધારણ કરી રાખવી એ ક્યાંકથી ચાલ્યા જવું અને નિવારવું એના જેટલું જ કઠોર શ્રદ્ધાનું કામ છે. તેમને (સ્વામી વિવેકાનંદને) મન જેટલાં સંન્યાસીની ગુફા અને મંદિરનાં દ્વારા ભગવાન અને માણસના મિલન માટેનાં સાચાં અને સુયોગ્ય સ્થાનો છે, તેટલાં જ કાર્યશાળા, અભ્યાસ, ફાર્મયાર્ડ અને ખેતર પણ ભગવાન અને માણસના મિલનનાં સ્થાનો છે. તેમને મન માણસની સેવા અને ઈશ્વરની આરાધના વચ્ચે કોઈ ભેદ નથી…’

રહસ્ય

આજે રામકૃષ્ણ મિશન પોતાની શતાબ્દિ ઊજવી રહ્યું છે. પણ મિશન જેવું કદ ધરાવતા સંગઠન માટે ૧૦૦ વરસ એ જીવનનો બહુ જ ટૂંકો સમય ગાળો છે. તાજેતરમાં સુવિખ્યાત લેખક શ્રીમણિશંકર મુખોપાધ્યાયે (શંકર) ‘દેશ’ પત્રિકામાં લખ્યું છે કે જ્યારે બીજાં સંગઠનો અકાળે મુરઝાતાં જાય છે ત્યારે આ મિશન વિસ્તાર સાધતું જાય છે અને વધારે ને વધારે લોકપ્રિય બનતું જાય છે, તે એક ચમત્કાર છે. એનું રહસ્ય એ છે કે શ્રીરામકૃષ્ણે એમાં આધ્યાત્મિક શક્તિનો પ્રાણ પૂર્યો છે. અને આપણે આપણાં જીવન દરમ્યાન કામ કરીને એને જીવતું રાખવાનું છે. શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદની આપણી પાસેથી એ અપેક્ષા છે. સ્વામીજીએ એક વાર ભવિષ્ય ભાખ્યું હતું કે બેલુર મઠમાંથી જે આધ્યાત્મિક મોજાં આવશે તે સમસ્ત જગતને પોતાની અંદર સમાવી લેશે. આ થવાનું જ છે. આપણે આપણા જીવન દરમ્યાન કદાચ એ ન જોઈ શકીએ પણ રામાયણની ખીસકોલીની જેમ આપણે જેટલું બની શકે તેટલું વધુ પ્રદાન આ કાર્ય માટે કરી છૂટવાનું છે. જગતનો ઇતિહાસ ફરીથી લખાઈ રહ્યો છે. ઘણાં બધાં પ્રકરણો ઉમેરાતાં જાય છે. અને એમાં એક પ્રકરણ રામકૃષ્ણ મિશનનું હોવાનું.

આપણે કોમગતરીતે અને સામૂહિક રીતે એ લક્ષ્યે પહોંચવાનું છે. હજી એ લક્ષ્ય દૂર દૂર છે. વ્યક્તિગત રીતે કદાચ કોઈક માણસ પોતાની મુક્તિ હાંસલ કરી શકે. પણ સ્વામીજી કહેતા કે પ્રત્યેક નરનારી જ્યાં સુધી ન જાણે કે એ ભગવાન સાથે એક છે ત્યાં સુધી તેમને ચેન નહીં પડે તે જ લક્ષ્ય છે, સર્વોચ્ચ લક્ષ્ય. આપણે એ આદર્શના દાખલારૂપ બનવાનું છે. થોડાંક દવાખાના, ચિકિત્સાલયો, શાળાઓ કે કોલેજોનું બહુ મહત્ત્વ નથી. તેઓ તો માત્ર પ્રાસંગિક છે. સમયની જરૂરિયાત પ્રમાણે આવતી કાલે કદાચ કામનો પ્રકાર બદલાય પણ ખરો. પણ તેની પાછળ રહેલી ભાવના, તેની પાછળનો અભિગમ વધારે અગત્યનાં છે.

અંતતોગત્વા રામકૃષ્ણ મિશનની ફિલસૂફીમાં માણસ પાયાનો છે, મૂળભૂત છે. અને આ વિચાર તમને ભાગવતમાં પણ મળી આવશે. તેમાં કહેવામાં આવ્યું છેઃ

अहं सर्वेषु भूतेषु
भूतात्माऽवस्थितः सदा ।
तमवज्ञाय मां मर्त्यः
कुरुतेऽर्चाविडम्बनम् ॥

ભગવાન કહે છેઃ ‘હું બધાં ભૂતોમાં અંતર્યામી છું; બધાં ભૂતોમાં રહેલા મારી જે માણસ ઉપેક્ષા કરે છે અને મારી મૂર્તિની પૂજા કરે છે, તેની પૂજા વ્યર્થ છે.’ અને આપણું દૃષ્ટિબિંદુ, માણસ અને તેની નિયતિને સમજવાની આપણી રીતને આપણે શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને શ્રીશારદાદેવીનાં જીવન તથા ઉપદેશોનાં સંદર્ભમાં પરિવર્તન કરવાની છે. જો આપણે, માત્ર રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ જ નહીં, ભક્તો પણ આ કરી શકે, તો પછી શ્રીરામકૃષ્ણનું અવતરણ વ્યર્થ નહીં ગણાય. શ્રીરામકૃષ્ણના ભક્તોનો એક વિશિષ્ટ વર્ગ છે. (અન્ય લોકો કરતાં) તેઓ ઘણા જુદા પડે છે. તે લોકોએ સામન્ય લોકોને પ્રેરણા પૂરી પાડવાની છે. અને આજે માત્ર ભારતમાં જ નહીં અન્ય દરેક દેશમાં પણ આ પ્રેરણા સૌથી વધુ જરૂરી છે.

ભાષાંતર : શ્રી ચંદુભાઈ ઠકરાલ

સંદર્ભો :
૧. ધ લાઈફ ઑફ સ્વામી વિવેકાનંદ, બાય હિઝ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાઈપલ્સ, અદ્વૈત આશ્રમ કલકત્તા, પાંચમી આવૃત્તિ, વૉ. ૨, પૃ. ૪૪૪
૨. સેન્ટ મેથ્યૂ, ૯.૩૭

Total Views: 200

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.