વિશ્વમાં આ આદર્શના અનેક પડઘાઓ ઊઠો, અને વહેમો બધા નાશ પામો. જેઓ નબળા હોય તેમને તે સંભળાવો, વારંવાર તે કહ્યા કરોઃ તમે પવિત્ર આત્મા છો; ઊઠો, જાગ્રત થાઓ; ઓ મહાનુભાવો! આ નિદ્રા તમને છાજતી નથી. જાગો અને ઊભા થાઓ; તમને આ પડી રહેવું શોભતું નથી. એમ ન ધારો કે તમે નિર્બળ અને દુઃખી છો. ઓ સર્વ શક્તિમાન! તમે ઊઠો, જાગ્રત થાઓ, અને તમારું સાચું સ્વરૂપ પ્રગટ કરો. તમે તમારી જાતને પાપી ગણો છો એ તમને શોભતું નથી; તમે તમારી જાતને નિર્બળ માનો છો એ યોગ્ય નથી. વિશ્વને સંભળાવો, તમે તમારી પોતાની જાતને એ સંભળાવો, અને જુઓ કે કેવું વહેવારુ પરિણામ આવે છે! જુઓ કે વીજળીના ચમકારા પેઠે દરેક વસ્તુ કેવી પ્રગટ થઈ જાય છે, દરેક વસ્તુ કેવી બદલાઈ જાય છે! માનવ જાતને એ સંભળાવો, અને તેમને તેમની શક્તિ બતાવી આપો. આપણા રોજ બરોજના દૈનિક જીવનમાં તેને કેમ લાગુ કરવી તે આપણે ત્યાર પછી શીખીશું.
જીવનનું સઘળું રહસ્ય નિર્ભય બનવામાં છે. તમારું શું થશે તેનો ભય રાખો નહિ; કોઈ પર આધાર ન રાખશો. જે ક્ષણે તમે તમામ મદદની ના પાડશો, માત્ર તે ક્ષણે જ તમે મુક્ત થશો. પૂરેપૂરી ભરેલી વાદળી પછી વધારે કશું ચૂસી શકતી નથી.
***
નુકશાન કરે કે ન કરે, તોપણ હિંમતપૂર્વક સત્ય જ બોલો, કદીય નિર્બળતાને ન પંપાળો. જો બુદ્ધિશાળી માણસોને સત્ય આકરું લાગે અને તેમને વાળી ઝૂડીને ફેંકી દે, તો તેમને જવા દો; તેઓ જેમ જલદી જાય તેમ જ સારું. છોકરમતભર્યા વિચારો બાળકો અને જંગલીઓ માટે છે; અને આ બાળકો અને જંગલીઓ કંઈ પારણામાં કે જંગલમાં જ છે એમ નથી; કેટલાક તો ઉપદેશક બની બેઠા છે.
***
વીરની માફક આગળ વધો. કોઈ અંતરાયથી ડગો નહીં. શરીર અને સુખદુઃખ કેટલા દિવસ ટકવાનાં છે? જો તમને માનવદેહ મળ્યો છે તો તમારા અંતરના આત્માને ઢંઢોળો અને કહો : ‘મેં અભયની સ્થિતિ પ્રાપ્ત કરી છે.’ કહો : ‘હું તે આત્મા છું, કે જ્યાં મારા હલકા અહમ્નો સદાને માટે લય થઈ ગયો છે.’ આ વિચારમાં દૃઢ રહો. પછી જ્યાં સુધી શરીર ટકે ત્યાં સુધી બીજાને આ નિર્ભયતાનો સંદેશ આપતા રહો : તત્ત્વમસિ । ‘તે તું છો.’ ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્ નિબોધત । ‘ઊઠો, જાગો અને લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અટકો નહિ.’
– સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




