(સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરીના સંપાદક છે.)

અધ્યાત્મ પ્રત્યે લોકો શા માટે વળે છે? આનો ઉત્તર છે – નિરાશા. જો આપણે સંપૂર્ણ રીતે સંતોષ પામી ચૂક્યા હોઈએ, જો આપણને દરેક રીતે શાંતિ, સ્વતંત્રતા, જ્ઞાન અને આપણે ઈચ્છીએ તેવું સુખ મળ્યું હોય, તો પછી આપણને ભગવાન, ધર્મ અને આધ્યાત્મિકતા જેવી ચીજોની શું જરૂર પડે? આપણને તેની જરૂર ન જ પડે.

પરંતુ, વાસ્તવિકતા એ છે કે આપણે આ મુજબ સંપૂર્ણ સંતોષ પામેલા, તૃપ્ત, નથી હોતા. આપણને શાંતિ જોઈએ છે. પરંતુ તેને બદલે આપણને ચિંતાઓ, વ્યગ્રતાઓ, અને સંઘર્ષો મળે છે. આપણને સ્વતંત્રતા જોઈએ છે, પરંતુ આપણું પ્રત્યેક ડગ અને શ્વાસ આપણને એ યાદ અપાવે છે કે આપણે બંધનમાં જ છીએ, આપણે બીજાઓ પર આધારિત છીએ. આપણને જ્ઞાન જોઈએ છે પણ આપણે જે કંઈ જ્ઞાન મેળવીએ છીએ તેનાથી તો આપણે એ બાબતે જાગૃત થતા જઈએ છીએ કે આપણે કેટલા બધા અજ્ઞાની છીએ તેથી આપણું જ્ઞાન તો જાણે આપણા અજ્ઞાન અંગેનું જ જ્ઞાન નીવડે છે. આપણને સુખ જોઈએ છે પણ જેટલો પ્રયત્ન આપણે તેને મેળવવા કરીએ છીએ, તેટલું તે આપણાથી દૂર ભાગતું હોય છે. એથી જીવનમાં કંઈ મજા રહેતી નથી. જાણે જીવન જ આપણો ઉપયોગ પોતાનું સાતત્ય જાળવવા માટે કરતું હોય છે. એ આપણો શિકાર કરે છે, એ આપણી છલના કરે છે. એ આપણી હત્યા કરે છે. અને આપણે નિરાશ થઈ જઈએ છીએ.

જો કે, દરેક મનુષ્યને આવી લાગણી થતી હોતી નથી એ ખરું, પણ એવું એટલા માટે નથી થતું કે તેઓને કદી નિરાશા સાંપડી જ નથી. પ્રત્યેક વ્યક્તિ, એક અથવા અન્ય કા૨ણોસ૨, ક્યારેક ને ક્યારેક એક રીતે યા બીજી રીતે, નિરાશા પામેલ જ હોય છે. પણ, ઘણા ખરા લોકોમાં નિરાશાના વ્રણ બહુ ઊંડા થતા નથી. વહેલા મોડા તેઓ જિંદગીની રાહે ચાલવામાં ટેવાઈ જાય છે, અને આવી પ્રસંગોપાત્ત થતી નિરાશાનાં છમકલાં સહન કરી લે છે. જાણે જીવનની રમતનો જ એ ભાગ બની જાય છે. નિરાશાથી શા માટે દબાઈ જવું? વળી, એવી પણ એક અવ્યક્ત અને મૌન રહેતી માન્યતા પણ હોય જ છે ને કે સારા દિવસો પણ ક્યારેક તો આવશે જ. ભાવિમાં આવનારા વધુ સારા દિવસોની આશાને લીધે વર્તમાન નિરાશાથી ઉત્પન્ન થતાં દુઃખ અને દર્દને અંગે લોકોની સભાનતા કંઈક અંશે બુઠ્ઠી બની જાય છે.

બીજું, પોતાની નિરાશાની સામે લડી લેવાની પ્રતિક્રિયા પણ માનવી અભાન રીતે કરી લેતો હોય છે. તે માટે જે કારણો જવાબદાર હોય તેને દૂર કરવાના પ્રયત્નો કરવાનો ઉપાય તે અજમાવે છે. આ પ્રયત્નથી તે કામમાં ગુંથાઈ જાય છે, અને તે એટલી હદે કે જેથી નિરાશાથી થતું દર્દ અનુભવી ન શકે.

ત્રીજું, જ્યારે નિરાશા સામે લડી લેવું શક્ય ન હોય, કે તેને જીતી શકવાની કોઈ સ્થિતિ નજરે ચઢતી ન હોય, ત્યારે વ્યક્તિ તેનાથી ખૂબ જ દૂર ભાગી જવાની વૃત્તિનો આશરો લે છે. આવું કરવું પ્રમાણમાં સહેલું પણ હોય છે. તે માટે વ્યક્તિ પોતાનું ધ્યાન અન્યત્ર ફેરવી લે છે જેથી એ નિરાશા બાબતે વિસ્મૃતિ થાય, ભલે તે થોડા વખત માટે જ કેમ ન હોય, જેથી નિરાશા વિષે બધું ભૂલી શકાય.

આમ, સહુને પોતાના જીવનમાં નિરાશાનો અનુભવ થાય જ છે, છતાં તેમાં તણાઈને ડૂબી જવાને બદલે આપણે કોઈક રીતે તેમાંથી તરી જઈએ છીએ. આપણામાંના ઘણાખરા માટે ‘જીવન’નો અર્થ જ આ છે. જીવનમાં સારો સમય પણ હોય અને ખરાબ સમય પણ હોય. જો આપણે ખરાબ સમય તરી જઈએ તો આપણે સારા સમયનું સુખ માણી શકીએ. વર્ષા અને ઉઘાડ, રાત્રિ અને દિવસ, આંસુ અને હાસ્ય એક બીજાંથી છૂટાં પડતાં નથી. બન્નેનો સ્વીકાર કરો અથવા બન્નેને છોડી દો. તમારા જીવનમાંથી બને તેટલું સુખ મેળવો, પરંતુ મહેરબાની કરીને, તે અંગે વલવલાટ ન કરો. તમારાં કર્મનું ફળ શક્ય એટલી સારી રીતે પામવા પ્રયત્ન કરતા રહો.

આ પ્રકારની ફિલસૂફી ઘણી વ્યાવહારિક છે, અને ઘણા ખરા લોકોને તેનાથી સંતોષ મળી પણ જાય છે – પરંતુ બધાંને નહિ. કેટલાક એવા હોય છે જે નિરાશાના આઘાતોમાંથી ઊંચા ઊઠી જ શકતા નથી. તેમણે બનતું કર્યું છતાં નિષ્ફળ નીવડ્યા! તેમને પ્રશ્ન થાય છે. શું આમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ જ નથી? જો હું મારી જાતને મદદ ન કરી શકું અને મારી આસપાસમાંથી પણ મને કોઈ મદદ ન કરે તેમ હોય, તો શું એ જ મારી જિંદગીનું અંતિમ છે? શું કંઈ થઈ શકે નહિ? (અને…છેવટે…) કદાચ ભગવાન મને મદદ કરશે?

આ રીતે નિરાશા તમને ભગવાનનાં દ્વાર ઉઘાડી આપે છે. બધી માનવીય શક્તિ કામે લગાડીને પણ જ્યારે નિષ્ફળ જઈએ છીએ ત્યારે આપણી મર્યાદિતતા, આપણી નાજુકતા, આપણી આંતરિક નિર્બળતા વિષે સભાન બનીએ છીએ. તેથી આપણે એવા તત્ત્વ પ્રત્યે વળીએ છીએ જે નિ:સીમ હોય, સર્વશક્તિમાન હોય, દયાળુ હોય, કૃપાળુ અને ન્યાયી હોય. આપણે ‘ભગવાન’ પ્રત્યે વળીએ છીએ.

ચાર પ્રકારના મુમુક્ષુઓ:

ચાર પ્રકારના લોકો, ગીતાના કહેવા મુજબ (૭:૧૬), ભગવાન પ્રત્યે વળતા હોય છે: (આર્ત) દુઃખિયારા, જેઓ દુઃખમાંથી રાહત અને શાંતિ ઈચ્છતા હોય; (અર્થાર્થી), જેઓ સુખની શોધમાં હોય; (જિજ્ઞાસુ) જેઓ જ્ઞાન પ્રાપ્ત ક૨વા ઈચ્છતા હોય; અને (જ્ઞાની) આધ્યાત્મિક લોકો જેઓ વાસ્તવમાં વિવેકયુક્ત અને સમજુ હોય છે. આ બધા જ નિરાશ થયેલા લોકો છે. તેઓ હકીકતમાં ખરેખર દુઃખી હોય છે – જે માત્ર પહેલા પ્રકા૨ના છે તેઓ જ નહિ પરંતુ તેમનાં દુ:ખોનાં કારણો વિભિન્ન હોય છે.

રાહત શોધનારા લોકો

કોઈ દર્દની પીડાને લીધે નિરાશા પામેલા લોકો

આ પ્રથમ પ્રકારના લોકો કદાચ કોઈ શારીરિક કે માનસિક દર્દોથી અથવા રોગથી પીડાતા હોય છે. આ રોગ અસાધ્ય હોઈ શકે છે – જેવા કે એઈડ્ઝ અથવા ઘણું વધી ચૂકેલું કૅન્સર, વગેરે અથવા તો કોઈ વૈદકીય સહાય મળી શકે તેવી સ્થિતિ નથી હોતી. કુટુંબજીવનમાં તનાવો પણ હોય અને કોઈ સમાધાન શક્ય જણાતું ન હોય તેમ બને. એવું પણ હોય કે તે વ્યક્તિ સિગારેટ – બીડી પીવાની અથવા દારૂ વ્યસન આદિની ખરાબ ટેવો છોડવા મથતી હોય અને તે પ્રયત્નો નિષ્ફળ જતાં હતાશા ભોગવતી હોય, એમ પણ બને કે કોઈનો ધંધો બેસી જતો હોય અને લેણદારોની લાઈન દરવાજે લાગી જશે તેવી સ્થિતિ ઊભી થવાની સંભાવના હોય. કોઈનું પ્રિયજન મૃત્યુ પામ્યું હોય અને તેથી તે વ્યકિત એક પ્રકારનાં ખાલીપો અને એકલતાની લાગણીઓ અનુભવતી હોય અને દુઃખી અને માંદગીમાં પટકાયેલી હોય કદાચ… અરે, આવા દાખલાઓ તો અગણિત છે અને એનાં તો મોટાં પુસ્તકો ભરાઈ જાય. મૂળ બાબત એ છે એ કે તે વ્યક્તિ દુઃખી છે, તેણે તે દુ:ખને ભગાડવા માટે પ્રયત્નો કરેલા છે પરંતુ નિષ્ફળ નીવડ્યા છે, અને હવે તે આના ઉપાય માટે, શાંતિ માટે, આશ્વાસન માટે, ભગવાન પ્રત્યે વળે છે.

સુખ શોધનારા લોકો

અસંતુષ્ટ રહેલી કામનાઓને લીધે નિરાશા પામેલા લોકો

ત્યાર પછી એવા પ્રકારના લોકો આવે છે, જેઓ સુખ વાંછે છે, શોધે છે. એવી વ્યક્તિ કઈ રીતે દુઃખી છે? તે હંમેશાં બેચેન અને દુઃખી હોય છે અને તેમનું દુઃખ અસંતુષ્ટ રહી ગયેલી કામનાને લીધે ઊભું થયું હોય છે. આ પ્રકારના લોકોને સંસ્કૃતમાં ‘અર્થાથી’ (એટલે કે અર્થ+અર્થી) કહે છે. ‘અર્થી’ એટલે કામના કરનાર, ઈચ્છનાર વ્યક્તિ. ‘અર્થ’ એટલે કામનાનું લક્ષ્ય, હેતુ. આમ અર્થાર્થી એટલે ‘એવી વ્યક્તિ જે પોતાની કામનાનું લક્ષ્ય શોધતી રહેતી હોય.’ સાધારણ રીતે દુન્યવી સમૃદ્ધિ દ્વારા ઘણી કામનાઓ સંતુષ્ટ થઈ શકે છે, તેથી આપણે ‘અર્થાર્થી’ને સમૃદ્ધિ ઈચ્છનાર પણ કહી શકીએ. આજે દુનિયામાં પૈસાનું સ્થાન ઊંચું છે, અને પૈસાવાળા લોકો જ ‘સમૃદ્ધ’ ગણાય છે! ‘અર્થાર્થી’ એ વ્યક્તિને પણ કહી શકાય જે આવી પૈસાની ‘સમૃદ્ધિ’ની કામના કરતો હોય. વળી સત્તાશાળી સ્થાન ભોગવવાથી પણ કેટલીક કામનાઓ સંતુષ્ટ થઈ શકે છે, તેથી ‘અર્થાર્થી’ને સત્તાની કામના કરનાર તરીકે પણ ઓળખી શકીએ.

‘અર્થાર્થી’ શબ્દના કોઈ પણ અર્થને આપણી સમક્ષ રાખીએ, પણ અંતે તો એનો અર્થ એટલો જ છે કે તે પણ પોતાની કામનાઓ સંતુષ્ટ ન થવાને લીધે દુઃખી છે. બહુ ઓછા લોકો થોડો વિચાર કરવા અને ઊંડો વિચાર કરવા સમય કાઢે છે. જો તેઓ એમ કરે, તો તેઓને તરત જ જણાય કે ‘કામના’ એટલે જ અસંતોષ, અપૂર્ણતા. કોઈ પણ કામના સાચા અર્થમાં કદી સંતુષ્ટ, પરિતૃપ્ત થઈ શકે જ નહિ. એક કામના તૃપ્ત થઈ જણાય અને એ માટે આપણે સુખ માણવાની તૈયારી કરીએ ત્યાં જ ફરીથી બીજી કામના સામે આવીને ખડી થઈ જ ચૂકી હોય છે અને આપણને તેના ચક્રવ્યૂહનો અનુભવ કરાવવા તૈયાર થઈ જાય છે. માણસના મનના વણજોયેલા, વણખેડેલા ખૂણા-ખાંચરાઓમાં આવી હજારો કામનાઓ છુપાયેલી પડી હોય છે અને તક મળતાં જ તે મન પર હુમલો કરી તેને તૃપ્તિ માટે પ્રવૃત્ત કરવા લાગે છે. સુખ સંતોષની શોધમાં નીકળેલી વ્યક્તિને એ બાબતની પ્રતીતિ થાય છે કે માનવીય શક્તિ ઘણી નિર્બળ અને સીમિત છે જે આ અજેય, અસીમિત સુખની કામનાઓને પરિતૃપ્ત કરે તેમ નથી. આથી તે વ્યક્તિ પછી ભગવાન પ્રત્યે વળે છે જેની પ્રાર્થના કરતાં એ બધી કામનાઓની પરિતૃપ્તિ અનુભવવા ઈચ્છે છે.

જ્ઞાનના ઈચ્છુક લોકો

પોતાની અજ્ઞાની સ્થિતિને લીધે નિરાશા પામેલા લોકો

ત્રીજા પ્રકારના લોકો, જ્ઞાનને શોધનારા લોકો, એટલા ખાતર દુઃખી હોય છે કે તેઓ એટલી તીવ્રતાથી એ જાણે છે કે તે કેટલા બધા અજ્ઞાન છે! કેટલું બધું જાણવાનું દુનિયામાં હોય છે, કેટલું શીખવાનું હોય છે! આપણો સમય તો સીમિત હોય અને માનવના મગજની શક્તિ પણ સીમિત જ હોય છે! જે લોકોને બૌદ્ધિક ભૂખ લાગી હોય તેઓને એ બાબતના અસંતોષનું દુઃખ પેટની ભૂખ ન ભાંગે તેના કરતાં પણ ઘણું વધારે હોય છે.

પ્રથમ બે પ્રકારના લોકો કરતાં આ ત્રીજા પ્રકારના લોકો વધુ વિકસિત હોય છે, જે માત્ર રાહત અથવા કામનાની તૃપ્તિની ઈચ્છા નથી કરતા હોતા. એ બન્ને તો ભૌતિક, શારીરિક અને માનસિક સમસ્યાઓ અને કામનાઓ વિશે વધારે ઈચ્છા ધરાવે છે, બૌદ્ધિક નહિ. એમ કહી શકાય કે તેઓ માનવીય અસ્તિત્વના નિમ્ન સ્તરો ૫૨ વસે છે અને ઉચ્ચતર સ્તરો અંગે તેઓને કોઈ સભાનતા અથવા આકાંક્ષાઓ હોતી નથી. પરંતુ બૌદ્ધિક સંતોષની ઈચ્છા ધરાવતા લોકોના ધ્યાનમાં માનવ જીવનમાં એવું એક ઉચ્ચ પાસું આવી ચૂક્યું છે, એવું એક પરિમાણ જે એક નવી જ દુનિયા તેમની સમક્ષ ૨જૂ કરે છે. બૌદ્ધિક દુનિયામાં અન્વેષણ કરવું બહુ જ રોચક અને પ્રેરણાદાયી પ્રવૃત્તિ તો છે જ, પરંતુ તેની સાથે જ એની આગવી રાસાયણિકતા, સમસ્યાઓ અને બુભુક્ષાઓ પણ સંકળાયેલી છે. બૌદ્ધિક સ્તર ઉ૫૨ સમસ્યાઓનો ઉપાય શોધતાં શોધતાં જ્ઞાનેચ્છુ વ્યક્તિ ઘણી વખત ભૌતિક અને માનસિક સ્તરથી ઊંચે ચઢી શકે છે. બૌદ્ધિક સ્તરની મહેચ્છાઓ સાથે વ્યવહાર કરતાં કરતાં તેની ભૌતિક અને માનસિક ભૂખ નિષ્પ્રાણ થવા લાગે છે.

જ્ઞાનની ઈચ્છા ધરાવતી વ્યક્તિ છેવટે ભગવાન પ્રત્યે મદદ માટે વળે છે. ભગવાનની કૃપાથી, તેની બૌદ્ધિક ક્ષમતા વિકસે છે અને મજબૂત બને છે જેથી તેને જ્ઞાનની પિપાસાને સંતુષ્ટ કરવામાં આવતાં સંકટો ઓછાં થતાં જાય છે.

જ્ઞાની આધ્યાત્મિક લોકો

જેઓ ઈહલોકથી સંતોષ પામેલા ન હોય તેવા લોકો

હવે આપણે લોકોનો છેલ્લો અને ચોથો પ્રકાર જોઈએ- જે એવા લોકો છે કે જે જ્ઞાની તેમ જ આધ્યાત્મિક વૃત્તિવાળા હોય છે. ગીતામાં આપેલો સંસ્કૃત શબ્દ છે: એવા લોકો જે ડાહ્યા અને સમજુ છે, જે ‘જ્ઞાની’ છે. તો આ લોકોએ શેનું જ્ઞાન અને સમજ મેળવેલાં છે? તેને શા માટે ‘ડાહ્યા’ અને ‘વિવેકયુક્ત’ કે ‘સમજુ’ કહેવામાં આવે છે? આ લોકોએ ખૂબ લાંબા સમયના અનુભવો લીધા પછી એ જાણી લીધું હોય છે કે આપણે જે પ્રકારનું જીવન અને અનુભવો વર્તમાનકાળમાં મેળવી રહ્યા છીએ તેમાં નિરાશા તંતોતંત વણાયેલી જ છે. આપણે જે સ્તર ૫૨ આ લોકના જીવન સાથે જોડાયેલા હોઈએ – ભૌતિક, માનસિક અથવા બૌદ્ધિક – તે બધા જ સ્તરોને પોતપોતાની મર્યાદાઓ અને સમસ્યાઓ હોય જ છે. અને તેની સાથે જ સંકળાયેલી નિરાશા પણ હોય જ છે. જ્યારે આપણે આ સત્યને ખૂબ અંગત રીતે, હૃદયના ઊંડાણથી, જાણી લઈએ છીએ, ત્યારે આપણી નિરાશાઓ મર્યાદિત કારણો – ભૌતિક અથવા માનસિક હતાશા, કામનાઓની અતૃપ્તિ અથવા અજ્ઞાનની સભાનતા, આદિ – દ્વારા ઊભી થતી નથી. પરંતુ આપણી નિરાશા વધુ વિસ્તૃત કારણોમાંથી નીપજે છે. ભૌતિક, માનસિક અને બૌદ્ધિક સ્તરોની સર્વાંગીણ વ્યર્થતા, ખાલીખમપણું, અને દુનિયાની અસારતા અંગે જાણ્યા પછી આપણે દુનિયા વિષે જ નિરાશ બનીએ છીએ, દુનિયાની અંદરના કોઈ એકાદ કારણ માટે નહિ.

આ સંપૂર્ણ નિરાશા માટે સંપૂર્ણ ઉપાય જ આવશ્યક છે. આમ ભૌતિક અથવા માનસિક રાહત મેળવવી, ઐન્દ્રિય સુખ મેળવવું અથવા તો બૌદ્ધિક સંતોષ મેળવવો, વગેરે ઉપાયો મર્યાદિત જ બની જાય છે. આવા તબક્કે આપણે એવું કંઈક શોધીએ છીએ – પછી તે કંઈ પણ હોય – જે આ દુનિયામાંનો હિસ્સો ન હોય, કંઈક દુનિયાથી ૫૨, દુનિયાથી ઊંચે જતી વસ્તુ અથવા વ્યક્તિ હોય તેને શોધીએ છીએ. આ ‘કંઈક’ એટલે છે આધ્યાત્મિક ‘સત્ય’ અથવા, એમ પણ કહી શકીએ કે તે ‘ભગવાન’ હોય છે.

આથી જ જ્ઞાની (એટલે કે જાણકાર) એક આધ્યાત્મિક ખોજ ચલાવનાર હોય છે. દુન્યવી બાબતો વિષે જોઈતા બધા ઉપાયો તે કરી ચૂક્યો છે. ભૌતિક ઉપાયોને તેણે ત્યજ્યા છે કેમ કે તે ખાલીખમ હોય છે તે સ્પષ્ટ થઈ ચૂક્યું હોય છે. હવે તે આધ્યાત્મિક ખોજ શરૂ કરે છે જે આત્માની ખોજ છે, અથવા તો કહો કે ‘ભગવાન’ની ખોજ છે.

આધ્યાત્મિક ખોજ કરનારો વિશિષ્ટ છે

આમ તો આધ્યાત્મિક ખોજ કરનારાઓ પણ ચાર પ્રકારના મુમુક્ષુઓમાં જ ગણાય છે, પરંતુ તેઓ કંઈક અંશે વિશિષ્ટ વર્ગના છે એમ કહેવાય. આ લોકો અનન્ય હોય છે એમ ગીતા (૧૭-૧૮)માં શ્રીકૃષ્ણ પણ કહે છે. રાહત ખોળનારા, સુખ શોધનારા, જ્ઞાનપિપાસુ અને આધ્યાત્મિક ખોજ કરનારા, આ દરેક પ્રકારના મુમુક્ષુઓ ખૂબ જ સારા તેમ જ ઉચ્ચ હોય છે, પરંતુ તેઓમાં પણ આધ્યાત્મિક મુમુક્ષુઓ અનેરા જણાઈ આવે છે. અન્ય ત્રણ પ્રકારથી આ પ્રકારના મુમુક્ષુઓને બે વસ્તુઓ વિશિષ્ટતા આપે છે. પ્રથમ, આ લોકો કોઈ જ દુન્યવી ચીજની ચાહના રાખતા નથી. બીજું, આધ્યાત્મિક ખોજ કરનારાઓ ભગવાનને કોઈ પ્રકારના ‘સાધન’ તરીકે ન જોતાં કેવળ પોતાના ‘સાધ્ય’ તરીકે જ જુએ છે. ગીતા (૭.૧૭)માં કહ્યું છે કે, ‘આધ્યાત્મિક લોકોને ભગવાન પ્રિય છે અને ભગવાનને આધ્યાત્મિક લોકો પ્રિય છે.’ આ પરસ્પર આકર્ષણ જ આધ્યાત્મિક ખોજ શરૂ કરનારને સમય, અવકાશ અને કાર્યકારણના અવરોધો તોડવામાં સહાયરૂપ બને છે. આ અવરોધોની બીજી ત૨ફ તો કોઈ જ વર્ગીક૨ણ નથી, કોઈ જ સોપાન શ્રેણી (Hierarchy) નથી, ‘તું’ અને ‘હું’ નથી, અને ‘અમે’ પણ નથી. ત્યાં તો છે માત્ર અભંગ, અખંડનીય, વર્ણનાતીત સઘન એકતા, એકાત્મતા. આધ્યાત્મિક ખોજ કરનાર મુમુક્ષુનું આ ‘સાધ્ય’ હોવાથી શ્રીકૃષ્ણ તેને ‘આત્મૈવ’ શબ્દથી ઓળખાવે છે, જે સત્ય, અને આધ્યાત્મિક ‘આત્મા’થી અભિન્ન જ હોય છે.

અન્ય ત્રણ પ્રકારના મુમુક્ષુઓ પણ પોતે પોતાના દુન્યવી ‘સાધ્યો’ સાથે જોડાણ કરવાના પ્રયત્નો કર્યા કરશે અને તેવી બાલિશ મહેચ્છાઓમાં વિલાસ કરશે, અને છેવટે કંટાળીને અથવા વધુ સશક્ત વિચારોથી ઘડાઈને આધ્યાત્મિકતા અંગે સભાન બનશે. રાહત મેળવવા ઉત્સુક વ્યક્તિ કંઈક અંશે રાહત મેળવશે ખરી, પરંતુ તે ફરીથી ખોવાઈ જશે, ફરીથી માગશે, મેળવશે અને ખોઈ નાખશે… અને આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલુ જ રહેશે જ્યાં સુધી તે કહેશે, ‘બસ, હવે બહુ થયું. મને હવે તો એ ‘રાહત’ જ જોઈએ જે કદી ખોવાય જ નહિ.’ દુઃખમાંથી કાયમી રાહત મેળવવાની ઈચ્છુક વ્યક્તિ પછી આધ્યાત્મિક ખોજ ક૨ના૨ બનવા લાગે છે.

સુખની શોધ ક૨ના૨ને ભગવાનની કૃપાથી થોડું સુખ જરૂર મળે છે. પણ શું તે અનંત અને આત્મસંતોષ આપનારું સુખ હોય છે? નહિ જ, માફ કરજો . આ બાબતે તો ભગવાન સ્વયં અસહાય હોય છે. તે એવું સુખ આપી શકતો નથી. દુન્યવી સુખ ક્ષણિક હોય છે, કામચલાઉ હોય છે અને કદી સંપૂર્ણ સંતોષ આપી શકતું નથી. આ દુનિયાની અંદર રહીને ભગવાન કદી અખંડ અને સઘન સુખ આપી શકતો નથી. આથી સુખ શોધનારે એક રીતે સુખ મેળવવામાં ખોટનો ધંધો કરવો પડે છે. સંભવ છે કે સમય જતાં આ પ્રકારના મુમુક્ષુને એ બાબતની યોગ્ય જાણકારી થાય કે દુન્યવી સુખ તો બીજા સ્વરૂપમાં માત્ર દુ:ખ જ હોય છે. તેથી તે આવ્યો હોય તે જ દિશામાં પાછો ફરીને તે શોધવા મથે છે જે સાચેસાચ ‘સુખ’ હોય, એવું સુખ જે સતત રહે, આચ્છાદિત ન હોય, મર્યાદિત ન હોય – એવું સુખ જે માત્ર આધ્યાત્મિકતા જ આપી શકે. આમ, સુખને શોધનાર વ્યક્તિ પણ છેવટે ‘સુખ’ને સાચા અર્થમાં અને સાચી રીતે અને સાચા સ્થાને શોધે છે – અને એ રીતે આધ્યાત્મિક ખોજ ક૨ના૨ બની જાય છે.

જ્ઞાન મેળવવું એ ઘણું ફળદાયી હોય છે. જ્ઞાનથી આપણી સભાનતા તો વિસ્તૃત બને જ છે પરંતુ તેને લીધે મનને પણ ઘણું સુખ મળે છે. ભૌતિક અથવા લાગણીના સ્તરે મેળવેલા સુખ કરતાં આ પ્રકારના સુખનું સ્તર ઘણું જ ઊંચું છે. પરંતુ આ સુખ પણ કાયમી સંતૃપ્તિ આપી શકતું નથી. ઉલટાનું, એને લીધે એક એવી દુનિયાનો દ૨વાજો ખૂલી જાય છે જેને લીધે બુદ્ધિની મર્યાદાઓ જણાય છે અને બુદ્ધિના વિલાસની, બૌદ્ધિક સંસ્કૃતિની છેવટની નિર્બળતા પુરવાર થવાથી વધુ હતાશા અનુભવાય છે.

આ સમયે, જ્ઞાનની ખોજ કરનાર એ બાબત જાણવા લાગે છે કે દુનિયાનું કોઈ પણ જ્ઞાન એટલે કે દુનિયાની બાબતનું જ્ઞાન (અપરા વિદ્યા) કદી તેની બૌદ્ધિક જ્ઞાનભૂખ સંતોષે તેમ નથી હોતું. અને એ સંભવ છે કે વહેલે મોડે આ જ્ઞાનના શોધનાર પણ એવા જ્ઞાનની શોધ ક૨વા માંડે – જે અત્યુત્તમ transcendent જ્ઞાન હોય – અને તે ક૨વાની પ્રક્રિયામાં જ્ઞાન શોધનારને બદલે આધ્યાત્મિક ખોજ કરનાર મુમુક્ષુમાં પરિવર્તિત થઈ જાય.

આપણે જોયું કે ચાર પ્રકારના લોકો જે મદદ માટે ભગવાન પ્રત્યે વળે છે, તેમાં આધ્યાત્મિક મુમુક્ષુ વિશિષ્ટ સ્થાન ધરાવે છે, જે અન્ય ત્રણ કરતાં એક ખાસ વર્ગમાં મૂકાય છે. આ સત્ય આપણે વધુ સારી રીતે સમજીશું. જ્યારે આપણે જોઈશું કે કોઈ પણ વ્યક્તિ પહેલા ત્રણે પ્રકારના મુમુક્ષુઓના વર્ગમાં એક જ સમયે આવી શકે છે, જ્યારે એમાંથી કોઈ પણ એક વર્ગમાં હોય ત્યારે તે આ વિશિષ્ટ વર્ગમાં આવી શકતી નથી. આધ્યાત્મિક ખોજ કરનાર બનવા માટે વ્યક્તિએ નાની નજીવી ચીજો – ભૌતિક અને માનસિક રાહત, ઐન્દ્રિય સુખ અને બૌદ્ધિક સંતોષ જેવી ચીજોની ઈચ્છાની અને જરૂરિયાતની મર્યાદામાંથી અને તેની જ ઈચ્છા કર્યા કરવાની ભૂલમાંથી બહાર નીકળવું પડે છે. માત્ર આત્માની જ ખોજ આ આધ્યાત્મિક ખોજ ક૨નારે ક૨વાની હોય છે.

બીજા ત્રણ પ્રકારના લોકો પણ ‘ઉત્કૃષ્ટ’ જ છે.

આધ્યાત્મિક મુમુક્ષુને વિશિષ્ટ ગણવાનો અર્થ એ નથી થતો કે અન્ય પ્રકારના મુમુક્ષુઓ તદ્દન નકામા છે. શ્રીકૃષ્ણે તો બધાને ‘ઉદા૨,’ ઉત્કૃષ્ટ અને ઉચ્ચ જ કહ્યા છે. શાથી ‘ઉત્કૃષ્ટ’? બે કારણોસર, પ્રથમ, જેમ આપણે જોયું – તેમ, રાહત શોધનાર, સુખ શોધનાર અને જ્ઞાન શોધનાર બધા જ છેવટે આધ્યાત્મિક ખોજ કરનાર બની જાય છે. તેમણે સંપૂર્ણ જાગૃતિ માત્ર કેળવવાની બાકી હોય છે, તેટલું જ. થોડી જાગૃતિ તો તેઓમાં આવી જ ચૂકી હોય છે, કેમ કે તેઓને ‘ભગવાન’ની ‘આવશ્યક્તા’નું તો ભાન થઈ જ ચૂક્યું હોય છે. થોડી વિશેષ જાગૃતિથી જ તેઓ જાણી શકે છે કે ભગવાનની આવશ્યકતા દુનિયામાં રહેલી સમસ્યાઓના ઉપાય તરીકે નહિ બલ્કે દુનિયા જ એક જે મોટી સમસ્યા છે તેના ઉપાય તરીકે આવશ્યક છે. આ દુનિયા જ મૂળભૂત સમસ્યા છે. માત્ર ભગવાનની કૃપાથી જ આ પાગલ કરી નાખતો, ક્ષણભંગુર પરપોટો ફોડી શકીએ જે દુનિયારૂપે દેખાય છે.

ત્રણે પ્રકાર ‘ઉત્કૃષ્ટ’ ગણાય છે તેમાં બીજું કારણ એ છે કે તેમણે મદદ ખરેખર સાચા સ્રોતથી માગી છે. કેમ કે એમ પણ બન્યું હોત કે મદદનો સ્રોત જ ખોટો હોય અને તેને લીધે પોતાનાં દુઃખો અને અસંતોષની સમસ્યાઓનો સામનો કંઈક એવી રીતે કર્યો હોત જેમાંથી સ્વ-વિનાશ જ પરિણમે. મોટા ભાગના લોકો એ પ્રમાણે આજ કાલ કરી રહ્યા છે જ, એમ નથી લાગતું? ભૌતિક અને માનસિક ઉદ્વેગોથી રાહત મેળવવા લોકો માદક દ્રવ્યો અને દારૂ જેવા પદાર્થોનું સેવન કરવા પ્રેરાય છે. ઐન્દ્રિય સુખ પ્રાપ્ત કરવા આજકાલ અનેક પ્રકારે ઉપાયો ઘડાતા હોય છે. એમ જ કહેવાય છે ને કે યુદ્ધ અને પ્રેમમાં કોઈ પણ પ્રકા૨નો ઉપાય યોગ્ય જ છે! ઐન્દ્રિય સુખની લાલસામાં વચ્ચે આવતી સર્વ ચીજો ૫૨ લોકો યુદ્ધની ઘોષણા જ કરી દે છે. તેઓ સત્તા પ્રાપ્ત કરવા માટે, સામાજિક દરજ્જો હાંસલ કરવા માટે અથવા માત્ર ક્ષણિક સુખ માટે વિનાશ, હત્યા, જેવાં દરેક પ્રકારનાં પગલાં લેવા તૈયાર હોય છે.

આધ્યાત્મિક ખોજ કરનારાઓ તો, અફસોસ, જાણે એક જોખમમાં મૂકાયેલો વર્ગ બન્યો છે. આજકાલ તો જ્ઞાન પણ કોને જોઈએ છે? લોકોને માત્ર શૈક્ષણિક ઉપાધિઓ મળે એટલું બસ છે અને એ પણ હવે તો ખરેખર ખોજ કર્યા વિના, જ્ઞાન મેળવ્યા વિના પણ મળવા લાગી જ છે. આપણે જાણીએ છીએ, જાણકાર છીએ, તેવો ‘દેખાવ’ જ બસ થઈ રહે છે. જે જાણકાર હોય છે તેને જે ફાયદાઓ મળે છે તે આપણે ઈચ્છીએ છીએ, પરંતુ પોતે ખરેખર જાણકારી પ્રાપ્ત કરવા માટે કોઈ ભૂખ, ઈચ્છા ધરાવતા હોતા નથી. જેઓ આવી ભૂખ ધરાવે છે તેઓ પણ જાણે ભગવાનને અંગે જાણકારી મેળવવી તે રૂઢિચુસ્તતા અને વેદિયાપણાની નિશાની ગણે છે. ભગવાન શા માટે, ભલા? સખત મહેનત બસ છે, એમ તેઓ કહે છે. જરૂ૨, સખત મહેનત જોઈએ જ, પણ તે બસ છે કે નહિ તે ચર્ચાનો વિષય છે.

સીધું સાદું સત્ય તો એ છે કે જ્યારે પણ ભગવાનને મહત્ત્વ નથી અપાતું ત્યારે પરિણામો ભયંકર નીપજે છે. આજે દુનિયાની દશા કેમ આવી કફોડી છે? હિંસા, ભ્રષ્ટાચાર, સ્વાર્થ, અનીતિ વગેરે દરેક સમાજમાં કેમ ભરડો ભરી રહ્યા છે? આ પ્રશ્નનો ઉત્તર જટિલ નથી. તેનો સીધો ઉત્તર એ છે કે મોટા ભાગના લોકોને ભગવાનની આવશ્યકતા ખરેખર જણાતી જ નથી. ભગવાન અંગે તેઓ વાત કરી શકે છે, અને ‘ગેલપ’ની મતગણતરીમાં એમ પણ કહેવાય છે કે તેઓ ભગવાનમાં ‘શ્રદ્ધા’ ધરાવે છે પરંતુ હકીકતમાં તેઓની જીવનશૈલી અને વિશિષ્ટ પરિસ્થિતિમાં થતા તેમના પ્રતિભાવો દ્વારા જ એ સ્પષ્ટ થઈ જાય છે કે ઘણા ખરા લોકો માટે ભગવાન જેવી કોઈ સચ્ચાઈ અથવા હકીકત છે જ નહિ. અતિશય દુઃખના સમયે – અને માત્ર તેટલા જ સમયની ક્ષણો દરમ્યાન – ભગવાનને યાદ કરવામાં આવે છે, પરંતુ જ્યારે જીવન તેની સામાન્ય રફતારમાં ચાલ્યા કરતું હોય, ત્યારે લોકો ભગવાનને યાદ કર્યા વિના જ જીવતા હોય છે.

આમ, ચારે પ્રકારના મુમુક્ષુઓ સામાન્ય લોકો કરતાં એ રીતે અલગ તરી આવે છે કે તેઓ ભગવાનની સચ્ચાઈ પરત્વે જાગૃત બની ચૂક્યા છે. એ બાબતે બહુ અગત્ય આપવી જરૂરી નથી કે પ્રથમ ત્રણ પ્રકારના મુમુક્ષુઓ ભગવાનની જરૂરિયાત આધ્યાત્મિક રીતે જોતા નથી. પરંતુ તેઓ એ લોકોથી તો જરૂર ઉત્કૃષ્ટ છે, ઉચ્ચ છે, જે લોકો દુન્યવી લક્ષ્યો માટે દુન્યવી સાધનો વાપરે છે. આથી જ આ ચારે પ્રકારના મુમુક્ષુઓ ‘ઉદાર’ છે, ઊંચા છે, ઉત્કૃષ્ટ છે, સારા છે.

બીજું સોપાન મહત્ત્વનું છે:

નિરાશા માણસને ભગવાન પ્રત્યે વાળે છે. આ આપણે હમણાં જ જોયું. નિરાશા અનુભવવી એ પ્રથમ સોપાન છે. ભગવાન પ્રત્યે વળવું તે બીજું સોપાન છે. પરંતુ આ બીજું સોપાન એટલે ભગવાન પ્રત્યે વળવું એટલું જ નહિ પરંતુ તેમની સન્મુખ જ રહ્યા કરવું તે છે. એ વાત સાચી છે કે ઘણા લોકો મદદ માટે ભગવાન પ્રત્યે વળતા તો હોય છે. પરંતુ તેઓમાં શ્રદ્ધા અને ધીરજ નથી હોતાં. તેથી તેઓ ભગવાનમાં જ રચ્યાપચ્યા નથી રહેતા, અને ફરીથી દુન્યવી રીતો અને ઉપાયો માટે પ્રયત્નશીલ થઈ જાય છે. તેમને એ જ ઈચ્છા હોય છે કે જે તેઓ ધારે તે મુજબ જ બધું થાય. આપણે આપણાં તારીખિયાં અને આપણી રીતો અપનાવવા માટે ભગવાનને કહીએ છીએ. પરંતુ આ તો હાસ્યાસ્પદ જ કહેવાય ને! ભગવાનને તો પોતાની જ સમય ગણતરી છે, કામ કરવાની વિશિષ્ટ રીતો પણ તેની જ છે. અને એટલું કબૂલ પણ કરવું રહ્યું જ કે તેની સમય ગણતરી વધુ ચોક્કસ હોય છે અને તેની કાર્યરીતિ પણ વધુ યોગ્ય જ હોય છે. આથી આપણે જ વધુ શ્રદ્ધાવાન થવાનું છે, ધીરજ રાખવાની છે. ભગવાનમાંની શ્રદ્ધા જ આપણને ધીરજ રાખવાની કળા શીખવે છે, જેથી તેના લીધેલા નિર્ણયોને આપણે આનંદથી સ્વીકારી શકીએ.

આમ, આપણી નિરાશા પ્રથમ પગલે જ એક આનંદમાં પરિવર્તિત થઈ જાય છે. જે કોઈ આપણી ચિંતાઓ, વિચારો, સમસ્યાઓ વગેરે હોય તે ભગવાનના હાથમાં સોંપી દેવાથી તે આપણી ન રહેતાં તેની બની જાય છે – અને આપણે ‘મુક્ત’. આ બધી વસ્તુઓની સાથે કેવો વ્યવહા૨ ક૨વો જોઈએ તે ભગવાન ઘણી સારી રીતે જાણે છે; પરંતુ મૂળ વાત એ છે કે આપણે જ એ બધી ચિંતાઓને છોડતા નથી. ‘તને ખેંચી જતા દોરડાનો ખેંચનાર તું પોતે જ છે!’ એ દોરડાને છોડી દઈને, જો આપણે માત્ર ધૈર્ય ધારણ કરીએ અને શ્રદ્ધાનો દીપ જલતો રાખીએ, તો જરૂર એ અનુભવી શકીશું કે આપણી નિરાશાઓ એક આનંદમાં પલટાઈ જાય છે.

એ મહત્ત્વનું નથી લાગતું કે સ્વયં ગીતા એવે સમયે શરૂ થાય છે જ્યારે અર્જુન તેના જીવનમાં થયેલા ક્રૂર અને કમભાગી બનાવો વિષે હતાશ, અને નિરાશ થયેલો હતો? એ તેના માટે દ્વિધાની સ્થિતિ હતી, કાં તો એણે ગુનાહિતતાની ભાવનાના ભોગ બનવું પડે, અથવા તો યુદ્ધમાં પરાજયની હીણપતનો ભોગ બનવું પડે. તેવા સમયે શ્રીકૃષ્ણનો સથવારો તેની સાથે ભૌતિક રીતે – શારીરિક રીતે – હોવા જેટલો તે સદ્ભાગી હતો અને તેણે શ્રીકૃષ્ણની મદદ માગી. તેને રાહત નહોતી જોઈતી અને નહોતું જોઈતું સુખ. એ માત્ર જિજ્ઞાસાને ખાતર તેમની પ્રત્યે વળ્યો નહોતો. તે ચોથા પ્રકારનો મુમુક્ષુ હતો. અર્જુન એક આધ્યાત્મિક ખોજ કરનાર તરીકે શ્રીકૃષ્ણની મદદ માટે તેમના પ્રત્યે વળ્યો હતો. તેણે શ્રીકૃષ્ણ પાસે આત્મસમર્પણ કર્યું અને તેમનું માર્ગદર્શન માગ્યું કહેવાય છે. બાકીનું બધું તો જગજાહે૨ ઈતિહાસ જ છે. અને તેથી જ આપણે પણ ‘ગીતા’ પામી શક્યા છીએ.

પરંતુ અર્જુનની જેમ આપણી નજીક સાક્ષાત્ ભગવાન તો નથી અને તે આપણા આંતરમનમાં પણ નથી. આથી આપણે જ્યારે ભગવાન પ્રત્યે વળવું એમ કહીએ ત્યારે તેનો અર્થ થાય છે કે આપણે હૃદયની ભીતરમાં જવું અને ત્યાં જ સ્થિર દૃષ્ટિ રાખવી. આ કામ સરળ નથી. પરંતુ જો આપણે આ બાબતે ખરેખર ગંભીર હોઈએ અને આપણી નિરાશાને આનંદમાં ફેરવી નાખવા ઈચ્છતા હોઈએ, તો આના વિના બીજો કોઈ વિકલ્પ આપણી પાસે નથી. આપણી નિરાશા એવી હોવી જોઈએ કે આપણે ભગવાન સાથે સંબંધ બાંધવા તૈયાર થઈ જઈએ. આપણે તે માટે પરિશ્રમ ઉઠાવવો પડશે – અને જો આપણે પરિશ્રમ કરીશું તો જરૂરથી જાણી શકીશું – કે કેવી રીતે આપણું મન અંદર વાળીને ભગવાન ૫૨ કેન્દ્રિત કરવું. આ આપણી આધ્યાત્મિક યાત્રાનું બીજું સોપાન હશે.

પાદટીપ:

૧ ચતુર્વિધા ભજન્તે માં જનાઃ સુકૃતિનોઽર્જુ।

આર્તો જિજ્ઞાસુ૨ર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ।।

૨ તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે।

૩ પ્રિયો હિ જ્ઞાનિનોડત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ।

૪ સમય (કાળ), અવકાશ (દેશ) અને કાર્યકારણ (નિમિત્ત) જેવા અવરોધો દુનિયાને તેનો ઉદ્ધાર ક૨વાથી રોકે છે. જુઓ સ્વામી વિવેકાનંદનું વ્યાખ્યાન ‘ધી ઍબ્સોલ્યૂટ ઍન્ડ મૅનિફેસ્ટેશન’

‘The Complete Works of Swami Vivekanand’ કલકત્તા અદ્વૈત આશ્રમ, ૧૯૭૬, ભાગ ૨, પૃ. ૧૩૦ – ૪૩

જેને હવે CW તરીકે ઓળખવામાં આવશે.

પ …જ્ઞાની તુ આત્મૈવ મે મતમ્।

૬ ઉદારા સર્વ એવૈતે…।

૭ આ પંક્તિ સ્વામી વિવેકાનંદની કવિતા (The Song of the Sanyasin) ‘ધી સૉંગ ઓફ ધી સંન્યાસી’માંથી લેવામાં આવી છે. CW. ૧૯૭૨, ભાગ ૪, પૃ. ૩૭૨-૫

અનુવાદ: ડૉ. સુધા મહેતા

(વેદાંત કેસરી – ફેબ્રુઆરી ૧૯૯૫માંથી સાભાર)

Total Views: 250

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.