કામિની-કાંચનનો ત્યાગ એ જ સાચું ધન. ધનના સ્પર્શે હજારો વીંછીના ડંખ જેવું દર્દ અનુભવનાર, ત્યાગ-વૈરાગ્યના રંગે રંગાયેલા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરના મધ્યમાં કાલી પાસે પ્રાર્થના કરે છે:
હે મા, તારો આ બાળ દુનિયાના પ્રલોભનોથી મોહાઈને તને ભૂલી ન જાય, એવું કરજે.
સુવર્ણની કે વાસનાની મોહજાળ મને કદી ખેંચી ન જાય, એવું કરજે.
ત્યાગ-વૈરાગ્ય- અપરિગ્રહ અને પ્રભુમય જીવન જીવતા ભક્તકવિ રૈદાસ જાતે હતા ચમાર. જોડા બનાવવાનું કામ કરતાં-કરતાં પ્રભુમય જીવન જીવવાનો અજબનો કિમિયો એમને મળી ગયો છે. ઘરે આવનાર અતિથિનો પ્રેમપૂર્વક આદર-સત્કાર કરે અને ભક્તિભાવનું ભાતુંય બંધાવી દે.
સંત રૈદાસના ઘરે એક દિવસ એક સાધક સંન્યાસી આવી ચડ્યા. ભાવભક્તિથી સંન્યાસીને જમાડ્યા અને પોતે બનાવેલા જોડા પહેરાવીને અજબનો આનંદ અનુભવવા લાગ્યા. સંન્યાસીએ ગરીબ-ચમાર-ભક્ત રૈદાસની ગરીબાઈને દૂર કરવાનો નિર્ણય કરીને પેલા સાધકે તેને કહ્યું: “રૈદાસજી, મારી પાસે અજબનો ચમત્કારી પદાર્થ પારસ છે. એ હું તમને આપવા ઇચ્છું છું. આ અણમોલ પદાર્થના સ્પર્શમાત્રથી લોઢું સોનું બની જાય છે. આ સોનાસંપત્તિથી તમે સાધુ-સંન્યાસીઓની સારી આવભગત કરી શકશો.” – આમ કહીને એમણે લોખંડની રાંપીને પારસ અડાડ્યો અને રાંપી સોનાની બની ગઈ! સંન્યાસીના મુખ પર પોતાની આ મહાન ચમત્કારિક સિદ્ધિનો આનંદ છવાઈ ગયો પણ અહીં રૈદાસ તો દુ:ખી થઈ ગયા! એણે સંન્યાસીને કહ્યું: “મહારાજ, આ તો સારું, પણ મને પરિશ્રમ કરીને જ રોટલો ખાનારને અને ખવરાવનારને આ સોનાની રાંપી શા ખપની? એનાથી મારો જોડા સિવવાનો ધંધો ક્યાંથી થાય?” પેલા સંન્યાસી બોલી ઊઠ્યા: “પણ ભાઈ રૈદાસજી, આ સોનાની રાંપીથી બીજી સેંકડો રાંપી આવી જાય અને આટલું સોનું મળી જાય પછી આવો ચામડાં ચૂંથવાનો ધંધો કરવાની શી જરૂર?”
રૈદાસે પ્રત્યુત્તર વાળતાં કહ્યું: “અરે મહારાજ, આપની વાત સોળ આના સાચી-પણ આટલું બધું સોનું આવી પડે તો વળી મારે એના જ રક્ષણની ચિંતામાં મગ્ન રહેવું પડે – તો પછી પ્રભુ-ભજન ક્યારે થાય? – અને મારા પ્રભુનો સાથ-સંયોગ કેવી રીતે મેળવું? ભાઈ, મારે તો પીવો છે પ્રભુ ભક્તિનો અમરરસ. મારે આ સોનું-બોનું ન જોઈએ.”
પરન્તુ પેલા સંન્યાસીએ એમની વાત માની નહીં. એ અમૂલ્ય પારસમણિને રૈદાસના ઘરના છાપરા પર રાખીને એ તો ત્યાંથી પડ્યા વાટે.
એકાદવર્ષ પછી તે જ સાધુ રૈદાસના ઘરે આવ્યા. રૈદાસના ઘરની દશા જોઈને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. મનમાં વિચાર આવ્યો: ‘અરે, આ પારસમણિ અહીં રાખીને ગયો તો ય એમની ગરીબી ન ગઈ!’ થોડીવાર મૌન રહીને રૈદાસને પૂછ્યું: રૈદાસજી, હું પેલો પારસમણિ આપને ત્યાં રાખી ગયો હતો તેનું શું થયું? એનો કંઈ ઉપયોગ કર્યો કે નહીં?’ – આ સાંભળીને જોડા બનાવતાં-બનાવતાં નિર્લેપભાવે રૈદાસજી બોલ્યા:
“મહારાજ, મને તો એની ખબરે ય નથી અને મારે એનો ખપેય ન હતો એટલે આપે જ્યાં મૂક્યો હતો ત્યાં જ જોઈ લો.” સાધુએ જોયું તો પેલો પારસમણિ રાખ્યો હતો ત્યાં જ હતો. હવે તેનું અભિમાન ગળી ગયું. રૈદાસની નિ:સ્પૃહતા-અપરિગ્રહ-વૈરાગ્યને જોઈને તે બોલી ઊઠ્યા: “તમે ધન્ય છો રૈદાસજી, તમે ધાર્યું હોત તો આ પારસમણિની મદદથી કેટકેટલું સોનું મેળવ્યું હોત. એમાંથી મંદિરો બંધાવી શક્યા હોત અને નિર્ધનોને દાન-ધર્માદા કરી શક્યા હોત.” – આ શબ્દો સાંભળીને રૈદાસે કહ્યું: ‘અરે મહારાજ, અત્યાર સુધી તો હું છાનો-માનો ભગવાનને ભજતો રહું છું તેને બદલે આપ કહો છો એવું બધું હોત તો કીર્તિ-પ્રસિદ્ધિ મળી રહેત અને લોકો અહીં ઊભરાતા રહેત. હું મારા પ્રભુથી દૂર ને દૂર થતો રહેત અને આ દુનિયાની અજબની માયાજાળમાં ફસાઈ પડીને સામાન્ય ક્ષુદ્ર માનવની જેમ મૃત્યુને શરણ થવાનું મારા નસીબમાં આવી પડ્યું હોત. એને બદલે હું હરપળ, હરક્ષણ પ્રભુ ભજનમાં વ્યસ્ત રહું છું. પ્રભુમય જીવન ગુજારું છું અને હાથે તે સાથે-ની જેમ પરમાર્થ કાર્ય કરું છું – “ચલાચલી કે બિચમેં ભલાભલી” પણ કરું છું અને ભગવદ્ભય બનતો રહુ છું – જીવનનો આવો પરમ આનંદ મેળવીને હું વળી આ પારસમણિની લ૫માં ક્યાં પડું, મહારાજ? મારે એ કશા ય ખપનું નથી. લઈ જાઓ મહારાજ આપનું આ અમૂલ્યધન. પેલા સાધુને પણ આજે સાચું જીવનધન સાંપડ્યું – તે હતું, ત્યાગ – વૈરાગ્ય – અપરિગ્રહ.
સંકલક: શ્રી મનસુખલાલ મહેતા
Your Content Goes Here




