દેશસેવાના કાર્યમાં

૧૬ જુલાઈ, ૧૯૨૧ના રોજ ૨૩ વર્ષના યુવાન સુભાષચંદ્ર ફરી પાછા પોતાની માતૃભૂમિમાં આવી ગયા. એમનો પહેલેથી જ બંગાળના સુપ્રસિદ્ધ નેતા ચિત્તરંજનદાસની સાથે પત્રવ્યવહાર ચાલતો હતો અને હવે એમણે ગાંધીજી સાથે પણ મુલાકાત કરી. ધીમે ધીમે એમના મનશ્ચક્ષુ સમક્ષ એમનો ભાવિ કાર્યક્રમ સ્પષ્ટ થઈ ગયો. દેશબંધુએ સ્વસ્થાપિત એક વિદ્યાલયમાં એમને શિક્ષકનું કાર્ય સોંપ્યું. એ ઉપરાંત એમણે પત્રકારિત્વનો પણ આરંભ કર્યો અને એક યુવા સ્વયંસેવક દળના સંગઠનમાં લાગી ગયા. એ દિવસોમાં ભારતમાં ‘પ્રિન્સ ઓફ વેલ્સ’નું આગમન થયું હતું. કોંગ્રેસે એમના આ ભારત પ્રવાસનો પૂર્ણ બહિષ્કાર કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. દેશબંધુ અને સુભાષે પણ પોતાના સ્વયંસેવક દળની સાથે આ યાત્રાના વિરોધમાં પ્રદર્શન કર્યું. બંને નેતાની ધરપકડ થઈ. સુભાષને છ મહિનાની સજા મળી અને આ રીતે એમના જીવનનો પ્રથમ કારાવાસ શરૂ થયો.

જેલમાંથી છૂટ્યા પછી દેશબંધુએ કોંગ્રેસના એક અંગ રૂપે જ એક ‘સ્વરાજ પાર્ટી’ના ગઠનની યોજના બનાવી. સાથે ને સાથે એના માધ્યમથી ૧૯૨૩ના કોલકાતા મહાપાલિકાની ચૂંટણી લડવાનો નિશ્ચય પણ કર્યો. ૧૯૨૪ના એપ્રિલમાં દેશબંધુ મહાપાલિકાના મેયર અને સુભાષ મુખ્ય પ્રશાસનીક અધિકારી રૂપે ચૂંટાયા. એમના કાર્યની સફળતા અને લોકપ્રિયતા બ્રિટિશ સરકારથી સહન ન થઈ. છ મહિના પછી લોર્ડ લિટને ‘બંગાળ ઓર્ડિનન્સ એકટ’ બહાર પાડ્યો. એને લીધે સેંકડો ક્રાંતિકારી પકડાઈ ગયા. સુભાષબાબુને પણ કોઈપણ જાતના આરોપ વિના ગિરફતાર કરવામાં આવ્યા. થોડા દિવસો સુધી તેઓ બહારામપુર જેલમાંથી જ કોલકાતા મહાપાલિકાનું કાર્ય કરતા રહ્યા. ત્યાર પછી એમણે બર્માની (હાલનું મિયાનમાર) માંડલે જેલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા. ૧૯૨૫ના જૂનમાં એમના રાજનૈતિક ગુરુ દેશબંધુ ચિત્તરંજનદાસનું દેહાવસાન થયું. ૧૯૨૭માં એમને કારાગારમાંથી મુક્ત કરવામાં આવ્યા. પ્રાય: ત્રણ વર્ષના આ કારાવાસ જીવન દરમિયાન એમણે લખેલા કેટલાક પત્રોમાં સ્વામી વિવેકાનંદ તથા એમની વિચારધારાનો સ્પષ્ટ પ્રભાવ જોવા મળે છે.

૯ ઓકટોબર ૧૯૨૫ના રોજ એમણે દિલીપકુમાર રોયના નામે લખેલા પત્રમાં આમ લખ્યું છે : ‘તમે શ્રીઅરવિંદ વિશે જે કંઈ લખ્યું છે એને હું પૂરે પૂરું નહીં તો તેના અધિકાંશમાં માનું છું. તેઓ ધ્યાની છે મારા વિચારે તો તેઓ વિવેકાનંદથી પણ વધારે ગંભીર છે. આમ છતાં પણ વિવેકાનંદ પ્રત્યે મારી અપાર શ્રદ્ધા છે… અનેક કારણોને લીધે આપણી જાતિ અકર્મણ્ય બની ગઈ છે. એટલે હવે આપણે રજોગુણની આવશ્યકતા છે.’ (નેતાજી, પૃ.૧૪૫)

૧૯૨૬માં એમણે ‘દક્ષિણ કોલકાતા સેવક સમિતિ’ના એક કાર્યકર્તા હરિચરણ બાગચીને લખ્યું હતું : ‘ભય પર વિજય પ્રાપ્ત કરવાનો ઉપાય છે શક્તિ. વિશેષ રૂપે દુર્ગા, કાલી, આદ્યાશક્તિની સાધના કરવી… આપણી ભીતર અનંત શક્તિ રહેલી છે. એ શક્તિનું જ્ઞાન મેળવવું પૂજાનો અર્થ છે મનમાં શક્તિનો બોધ કરવો… સાધનાનું લક્ષ્ય છે એક બાજુએ વાસનાઓનો નાશ કરવાનું અને બીજી બાજુએ સદ્‌વૃત્તિઓનો વિકાસ કરવાનું… પ્રતિદિન બંને સમય આ રીતે ધ્યાન કરવું જોઈએ. કેટલાક દિવસ ધ્યાન કરવાથી ધીમે ધીમે શક્તિ પ્રાપ્ત થશે, હૃદયમાં શાંતિનો અનુભવ પણ થશે.’ આ બધી વાતો જાણે કે સ્વામીજીની જ ઉક્તિઓનો પ્રતિધ્વનિ છે. એ પત્રમાં એમણે આગળ લખ્યું છે : ‘આ સમયે સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચી શકો છો. એમના પુસ્તકોમાં પત્રાવલિ અને એમનાં ભાષણ વિશેષ રૂપે બોધપ્રદ છે. ‘ભારતમાં વિવેકાનંદ’ પુસ્તકમાં સંભવત: આ બધું મળી જશે. સંભવત: પૃથ્‌ક પુસ્તકો પણ મળે છે. પત્રાવલિ અને ભાષણ ન વાંચીને એમનાં બીજા પુસ્તકો વાંચવા બરાબર નથી. ધર્મનું દર્શન, જ્ઞાનયોગ કે એવા પુસ્તકો પહેલાં ન વાંચવા, એને પછીથી વાંચવા સાથે ને સાથે ‘રામકૃષ્ણ વચનામૃત’ વાંચી શકો તો. (નેતાજી, પૃ.૧૭૧-૭૨)

વળી પાછા એમણે ‘દક્ષિણ કોલકાતા રાષ્ટ્રીય વિદ્યાલય’ના પ્રધાનાચાર્ય ભૂપેન્દ્રનાથ વંદ્યોપાધ્યાયને લખ્યું હતું : ‘આજે બંગાળના મોટા ભાગના દેશસેવકોમાં વ્યવસાયી અને પટવારી બુદ્ધિ આવી ગઈ છે. તેઓ હવે આમ કહેવા લાગ્યા છે : ‘મને અધિકાર આપો, પદસ્થાન આપો, ઓછામાં ઓછા કારોબારીના સભ્ય બનાવી દો, નહીં તો હું કામ કરવાનો નથી.’ હું જાણું છું કે નરનારાયણની સેવા વ્યાપારી રીતે ‘કોન્ટ્રેકટ’માં ક્યારે અને કેવી રીતે બદલી ગઈ. હું તો સેવાના આદર્શને આ જ માનતો રહ્યો. ‘જો તમારું હૃદય મહાન હોય તો, આપો અને ફરી પાછું ન માગો.’ જે બંગાળીઓ આટલી ઝડપથી દેશબંધુના ત્યાગને ભૂલી ગયા તે બંગાળીઓ અતીતના સ્વામી વિવેકાનંદની ‘વીરવાણી’ને ભૂલ્યા નથી, એને કેવી રીતે સાચું માની લેવું?’ આ પત્રમાં તેઓ આગળ લખે છે – ‘હું જ્યારે પ્રતિ એક મહિને બસ્સો રૂપિયા સેવાશ્રમ માટે ખર્ચતો હતો ત્યારે ઘણા મિત્રોએ મને કહ્યું હતું કે, ‘હું છ-સાત બાળકો માટે આટલો ખર્ચ નિરર્થક કરી રહ્યો છું… પરંતુ એ લોકો એ જાણતા ન હતા કે મેં લાગણીના આવેશમાં આવીને સેવાશ્રમના કામમાં ભાગ લીધો નથી. આજે લગભગ બાર-ચૌદ વર્ષથી જે પીડા સૂકા ઘાસમાં લાગેલી આગની જેમ મને બાળી રહી છે તેને શાંત કરવા માટે જ મેં આ કામ હાથમાં લીધું હતું. હું કોંગ્રેસનું કામ છોડી શકું છું, પરંતુ સેવાશ્રમનું કામ છોડવાનું મારા માટે સંભવ નથી. ‘દરિદ્ર નારાયણો’ની સેવાનો આ ઉત્તમ સુયોગ મને બીજે ક્યાં મળશે?’ (તરુણાઈ કે સપને, સુભાષચંદ્ર બોઝ ભારતીય જ્ઞાનપીઠ, પૃ. ૫૬) આ પત્રમાંથી આ વાત સ્પષ્ટ થાય છે કે સ્વામીજી દ્વારા પ્રચારિત ‘દરિદ્રનારાયણ’ સેવાનો ભાવ કેવી રીતે સુભાષના અંતરઆત્મામાં અમીટ રૂપે અંક્તિ થઈ ગયો હતો.

માંડલે જેલમાંથી જ એક બીજા પત્રમાં તેઓ આમ લખે છે : ‘સામાન્ય જન માટે સ્વરાજની ઉદ્‌ઘોષણા દુનિયામાં નવી નથી. યુરોપે ઘણા દિવસો પહેલાં આ મહામંત્રનો પ્રચાર કર્યો હતો. આમ છતાં પણ ભારતના રાજનૈતિક ક્ષેત્રમાં આ વાત નવી છે ખરી. સ્વામી વિવેકાનંદ પોતાના ‘વર્તમાન ભારત’ નામના પુસ્તકમાં લગભગ ૩૦ વર્ષ પહેલાં જ આ વાત અવશ્ય લખી ગયા છે. પરંતુ સ્વામીજીની ભવિષ્યવાણીનો પડઘો રાજનૈતિક મંચ પરથી સાંભળવા ન મળ્યો.’ આ પત્રમાં સ્વામીજીનાં શિષ્યા ભગિની નિવેદિતાનો અભિપ્રાય ટાંકીને તેઓ લખે છે : ‘જે સમાજ પુરુષ કરતાં નારી પ્રધાન વધારે છે ત્યાં લોકો ભગવાનના માતૃરૂપની કલ્પના કરે છે. ગમે તેમ હોય પણ બંગાળી કેવળ ભગવાનને જ નહિ પરંતુ બંગાળ અને ભારતવર્ષની પણ માતૃરૂપે કલ્પના કરવી એને શ્રેયસ્કર માને છે, આ વાત સર્વવિદિત છે.’ (તરુણાઈ કે સપને, સુભાષચંદ્ર બોઝ ભારતીય જ્ઞાનપીઠ, પૃ. ૯૦)

જેલમાં સુભાષનું સ્વાસ્થ્ય બગડતું જતું હતું. એટલે સરકારે ૧૬ મે, ૧૯૨૭ના રોજ એમને જેલમાંથી મુક્ત કર્યા. પોતાનું બગડતું અને ખરાબ સ્વાસ્થ્ય હોવા છતાં તેઓ વળી પાછા રાજનૈતિક જીવનમાં સક્રિય બની ગયા. હવે તેઓ પોતાનો બધો સમય યુવકોના સંગઠનમાં તથા ટે્રડ યુનિયન આંદોલનના વિકાસના કાર્યમાં લગાડવા માંડ્યા. પોતાના અથાક પ્રયત્નોને પરિણામે કોંગ્રેસને ખેતીહર અને ઔદ્યોગિક મજૂરોનો એક અસીમ આધાર મળ્યો. એ દિવસોમાં પ્રાંતીય કોંગ્રેસના અધ્યક્ષ રૂપે ભારતનાં અનેક સ્થાનોનો પ્રવાસ કર્યો. સાથે ને સાથે અનેક સભાઓને સંબોધી પણ ખરી. એમના આ સમયગાળાનો અધિકાંશ પ્રકાશિત વ્યાખ્યાનોમાં સર્વત્ર સ્વામીજીના વિચારોની છાપ જોવા મળે છે. અત્રતત્ર રામકૃષ્ણ વિવેકાનંદનો ઉલ્લેખ પણ જોવા મળે છે. અહીં એમનાં કેટલાંક વ્યાખ્યાનોમાંથી કાલક્રમાનુસાર આવાં કેટલાંક ઉદ્ધરણ પ્રસ્તુત છે :

૩ મે, ૧૯૨૮ના દિવસે પૂનામાં આપેલ વ્યાખ્યાનમાં એમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા : ‘સ્વાધીનતા મારા માટે એક અંતિમ લક્ષ્ય છે, એક અસીમ સંપદા છે. મનુષ્યના ફેફસાં માટે જેવી રીતે ઓક્સિજન અપરિહાર્ય છે તેવી જ રીતે મનુષ્યના આત્મા માટે સ્વાધીનતા પણ અનિવાર્ય છે. સ્વામી વિવેકાનંદે સાચું જ કહ્યું છે : ‘સ્વાધીનતા આત્માનું સંગીત છે.’ (સુભાષ રચનાવલી, બંગાળી, જયશ્રી પ્રકાશન, ભાગ-૧, પૃ.૧૪૪)

એ જ વર્ષે ૧૮ જૂનના રોજ કોલકાતાના આલ્બર્ટ હોલમાં ‘અખિલ બંગ યુવક સમિતિ’ દ્વારા આયોજિત સભામાં એમણે કહ્યું હતું: ‘એકની સાથે બહુત્વનો સમન્વય આ છે બંગાળની વિશિષ્ટતા. આ વાસ્તવિક સત્યનો અસ્વીકાર કરવાથી કામ ચાલવાનું નથી. પરમહંસ રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ આ સત્યની અભિવ્યક્તિ કરી ગયા છે. સ્વામીજીએ કહ્યું છે કે મનુષ્ય ક્યારેય અસત્ય દ્વારા સત્ય તરફ આગળ વધી શકતો નથી, તે ઉચ્ચ સત્ય દ્વારા ઉચ્ચતર સત્ય સુધી પહોંચે છે. સત્યના કોઈ પણ સ્તરનો એ અસ્વીકાર નથી કરતો. જેમ ‘એક’ સત્ય છે તેમ ‘બહુત્વ’ પણ સત્ય છે. એકની સાથે બહુત્વનું મિલન – આ જ સાધકની સાધના છે.’ (સુભાષ રચનાવલી, બંગાળી, જયશ્રી પ્રકાશન, ભાગ-૧, પૃ.૨૦૫)

Total Views: 172

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.