(ગતાંકથી આગળ)
પાયાના નવરીતિસ્થાપકો
હવે પ્રશ્ન આ ઊભો થાય : આવા નવરીતિ સ્થાપકો શું માત્ર પ્રૌદ્યોગિકી નિષ્ણાતો કે સામાન્ય રીતે પ્રયોગશાળામાં કામ કરતાં લોકોમાં જ જોવા મળે છે?
ના, એવું નથી. આવા લોકો તો આપણી ચોતરફ હોય છે. પણ આપણે તેને ધ્યાનમાં નથી લેતા, એ એક સમસ્યા છે. ધ્યાનમાં આવે ત્યારે એમને કોઈ પણ જાતની ઓળખ કે માન્યતા આપતા નથી. આવા નવીનીકરણ કરનારા લોકો જીવનમાં પડકારોનો સામનો કરનારા હોય છે અને એમાંથી વિજયીવીરની જેમ બહાર આવનારા હોય છે. જીવનમાં ટકી રહેવા માટે દરેક ભારતીયે કોઈ ને કોઈ પ્રકારના નવીન શોધ કરનારા બનવું જ પડે છે. નવીનીકરણ એટલે કોઈ જુદી જુદી વસ્તુઓ કરવી કે બનાવવી એવું નથી; પરંતુ વસ્તુઓને વિવિધ રૂપે બનાવવી એ છે. એનો અર્થ એ થયો કે આપણા બધાની ભીતર આ કુશાગ્ર બુદ્ધિ શક્તિ સુષુપ્ત અવસ્થામાં રહેલી હોય છે.
એક વિશાળ ઔદ્યોગિક સંકુલ અને ડબ્બાવાળાનું મુંબઈનું ટિફિન પહોંચાડવાનું માળખું, એ બંનેની વચ્ચે સામાન્ય તત્ત્વ કયું છે, એમ તમે પૂછશો. મુંબઈના આ ૩૫૦૦ ડબ્બાવાળા દરરોજ ૧.૫ લાખ ટિફિન પહોંચાડે છે. ઉપલા પ્રશ્નનો જવાબ એ છે કે પેલી કંપનીને ૬ સિગ્માનો માનાંક મળેલો છે અને ડબ્બાવાળાને પણ એ જ માનાંક પ્રાપ્ત થાય છે. આ માનાંક ફોર્બસ ગ્લોબલ નામના એક સુખ્યાત અમેરિકન વ્યાપારી સામયિકે આપ્યો છે. આ ૬ સિગ્મા માનાંકમાં કાર્યક્ષમતાનો આંક ૯૯.૯૯૯૯૯૯૯% જેટલો હોય છે. એટલે કે દસ લાખમાંથી એક જ ભૂલ નીકળે છે. વળી આ ડબ્બાવાળા અભણ હોય છે, પણ એમને અંકજ્ઞાનની પદ્ધતિ ઊભી કરી છે.
એને લીધે જ એમને પેલી વિશાળકાય કંપની જેવો જ માનાંક અપાવે છે. આપણા બધાની ભીતર રહેલ અવિકસિત કે સુષુપ્ત બુદ્ધિપ્રતિભાને જો કામે લગાડીએ તો આપણે ઘણું બધું પરિવર્તન લાવી શકીએ.
એટલા માટે આશરે ૮ વર્ષ પહેલાં ‘નેશનલ ઈન્નોવેશન ફાઉન્ડેશન – રાષ્ટ્રિય નવરીતિ સ્થાપક સંસ્થાન’ની સ્થાપના કરી છે. હું એનો ચેરમેન હતો. અમારું કાર્ય આવા પાયાના નવરીતિ સ્થાપકો શોધવાનું છે. એમાં ખેડૂતો, કારીગરો, સ્કૂલમાંથી અભ્યાસ છોડી દેનારાઓ, ઘર ચલાવતી બહેનો જેવાં લોકો હોય છે. અમે આવા લોકોની રાષ્ટ્રિય સ્પર્ધા પણ યોજીએ છીએ. પહેલે વર્ષે અમને આ માટે દસ હજાર જેટલાં પ્રવેશપત્રો મળ્યાં. ગયે વર્ષે અમને એક લાખ જેટલાં પ્રવેશપત્રો મળ્યાં હતાં. એમાંથી સર્વશ્રેષ્ઠ ત્રીસની અમે પસંદગી કરીને એમને એવોર્ડ આપીએ છીએ. એ સર્વોત્કૃષ્ટ ત્રીસમાંથી ૫૦% લોકો નિરક્ષર હોય છે.
સતત ત્રણ વર્ષ સુધી તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. કલામના વરદ હસ્તે આ એવોર્ડ અપાયા હતા. વાસ્તવિક રીતે એમણે રાષ્ટ્રપતિ ભવનમાં એમને આમંત્ર્યા હતા અને એ બધાને પોતાને હાથે જમાડ્યા હતા. આ વાત મને હજી પણ યાદ છે. કેટલું હદયસ્પર્શી દૃશ્ય હતું એ! અમે આવા બધા લોકોને માત્ર તેમની બૌદ્ઘિક ક્ષમતા માટે જ સન્માનતા નથી પણ તેમની નવીન શોધ માટેના જુસ્સા માટે સન્માનીએ છીએ. એમના શ્વાસોચ્છ્વાસમાં આ સંદેશ છે : ‘ના, હું આવી સમસ્યાઓ વચ્ચે જીવી ન શકું. મારે એનું નિરાકરણ લાવવું જ પડે.’ આ વાત કરવા પાછળ મારો મુખ્ય હેતુ એ છે કે આપણી ચારેતરફ આવી નવીનીકરણની ઉત્કટ ઇચ્છા છે જ, પણ આપણે એને ઓળખવી-પારખવી જોઈએ.
જોખમ ખેડવાનું વલણ
એક બીજી વસ્તુયે આપણે કરવાની જરૂર છે – એ છે જે આપણી પ્રતિકૂળ હોય એની સામે જોખમ ખેડવું. મારા એક મિત્ર અમેરિકાથી આવ્યા હતા અને મને જે વાત કરી હતી તે હજી પણ યાદ છે :
‘માશેલકર, આપણે ભૂલો કરતાં લોકોને ચેતનવંતા બનાવતા નથી. જે લોકો જોખમ ખેડવા તૈયાર નથી, એમને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. તમે લોકો ભારતમાં આ શું કરો છો?’
મેં કહ્યું: ‘ભાઈ, જે જોખમ ખેડે છે એને તો અમે લાતેય મારીએ છીએ.’ આપણે આપણી આ રીતભાતમાં પરિવર્તન લાવવું પડે. જુદી જુદી કક્ષાએ હું નાના નાના ઉપાયોથી આ કામ કરવાનો પ્રયત્ન કરું છું. જ્યારે હું નેશનલ કેમિકલ લેબોરેટરીમાં હતો ત્યારે મેં ‘કાઈટ ફલાઈંગ ફંડ’ ઊભું કર્યું. આ વિચારની સફળતાની તક હજારમા ભાગ જેટલી હતી, છતાં મેં એને ટેકો આપ્યો. એટલે મેં મને ફાળવાતા નાણામાંથી એક ટકો એના માટે રાખ્યો. પછી જ્યારે હું રાષ્ટ્રની ચાલીસ મોટી પ્રયોગ સંશોધન શાળાઓ અને વીસ હજાર લોકોને સાંકળતી સંસ્થા સીએસઆરમાં ગયો ત્યારે ત્યાં મેં ‘ન્યુ આઈડિયા ફંડ’ નામનું એવું જ એક ભંડોળ ઊભું કર્યું. અલબત્ત, ભંડોળના જોખમના વિચારો ઘણા અસરળ હતા એટલે પાંચસો-છસો વિચારોમાંથી અમે માત્ર પચાસ-સાંઠ વિચારોને જ ટેકો આપ્યો. અમે ખરેખર એક નવીન ભાત પાડી. પછી અમે રાષ્ટ્રિય કક્ષાએ ‘ન્યુ મિલેનિયમ ઈંડિયન ટેક્નોલોજી લિડરશિપ ઇનિશ્યેટિવ’ નામની સંસ્થા ઊભી કરી.
ભારતીય ઉદ્યોગોએ હંમેશાં જ્યાં બજાર અને ટેક્નોલોજી ચોક્કસ હોય ત્યાં કામ કર્યું છે. બજાર ચોક્કસ શા માટે? કારણ કે આપણે એ બધાં ઉત્પાદનો જોઈ શકીએ, મેળવી શકીએ. લોકો તો આ બધાં ઉત્પાદનો આયાત કરીને ખરીદતાં. તો પછી પ્રૌદ્યોગિકી ક્ષેત્રો કેવી રીતે ચોક્કસ હતાં? વારુ, અમારે તો માત્ર એની વાનર નકલ જ કરવાની હતી. એવું પણ નથી; સાથે ને સાથે જ્યાં બજારો અને પ્રૌદ્યોગિકો અચોક્કસ હતાં એ ક્ષેત્રોમાં અમે કામ કરીશું. આને લીધે ૮૦ થી વધારે ખાનગી ક્ષેત્રની કંપનીઓ આ કાર્યક્રમ તરફ આકર્ષાઈ છે અને ૨૦૦થી વધારે સંસ્થાઓ સાથે કામ કરે છે. એમાં અમને આશા અને સફળતા મળતાં જણાય છે. એના હું એકાદ બે ઉદાહરણ આપું છું.
દા.ત. ક્ષય. આના કાર્યક્રમ દ્વારા લોકોએ પોતે સંશોધનાત્મક દૃષ્ટિએ સફળતા મેળવી છે. ૪૪ વર્ષ પછી ક્ષયની નવી દવાઓ આવી છે. આ રોગ સામાન્ય રીતે ૬ થી ૮ મહિનામાં દૂર થાય છે. પરંતુ વધુ સારી કક્ષાની અને ક્ષયમુક્તિ આરોગ્ય માટે આ નવી શોધાયેલ દવાઓ ક્ષયને બે જ મહિનામાં દૂર કરે છે. ૪૪ વર્ષમાં આવું થાય એ કોઈ બહુ મોટી ઘટના નથી. પરંતુ ક્ષયના દર્દીને સાજો કરવામાં જે તફાવત આવ્યો છે એ અગત્યનો છે. આવી એક સફળતા ભારતમાંથી આવી છે. એને લીધે ગરીબોને ઘણી સહાય મળે છે કારણ કે ૬ થી ૮ મહિના સુધી દરરોજની ૬ થી ૮ ટીકડીઓ લેવી એમને માટે શક્ય નથી. એકાદ-બે અઠવાડિયા પછી એ લોકો દવા લેવાનું છોડી દે છે, પણ આમાં એવું બનતું નથી. એટલે ગરીબો માટે આ ઘણું મહત્ત્વનું છે.
વળી, સોરાયસીસની ચિકિત્સા માટે પણ નવી દવા શોધાઈ છે. આ માટેની અમેરિકન દવાની કિંમત ૨૦ હજાર ડોલર (૧ ઈંજેક્શનના ૧૦૦૦ ડોલર લેખે) જેટલી છે. પરંતુ આ નવી દવા ૫૦ થી ૬૦ ડોલરની પડે છે. આનાથી એ સાબિત થાય છે કે જો તમે ભારતના યુવાનોને કામ કરવાનું સ્વાતંત્ર્ય આપો તો એ લોકો જોખમ ખેડવાના અને ઊંચે ઉડ્ડયન પણ કરી શકવાના.
એટલે આપણે આજે આપણાં વલણમાં પરિવર્તનની આવશ્યકતા છે. એનું કારણ એ છે કે નવ સંશોધન કરનારાઓ અસામાન્ય લોકો હોય છે અને એમને રાબેતા મુજબની સ્થિતિ પસંદ નથી. જે વસ્તુ કે કાર્ય તે સિદ્ધ કરવા માગે છે તે તેઓ ન કરી શકે એ વાતનો તેઓ સ્પષ્ટપણે ઈન્કાર કરે છે. એટલે જ દરેક સમયે સ્વયંભૂ રીતે તેઓ પડકારને પડકારે છે અને કંઈક અસામાન્ય નવું નિપજાવે છે. વળી એમને નાણાકીય લાભ ખાટવાની પડી નથી હોતી. તેઓ તો એક સંવેદનાનું પડીકું છે. એમને તો મનને આનંદ મળે એવું મનોવૈજ્ઞાનિક નાણું લેવું છે. મહાન અન્વેષકો કે જેમણે વિશ્વમાં સર્વપ્રથમવાર સિન્થેટિક ફાઈબર, નાયલોનને વિકસાવ્યું એ માણસે અંતે આપઘાત કર્યો હતો. ડિઝલ એન્જિનના શોધકે પણ (નાણા વિના) આપઘાતના પથે વળવું પડ્યું હતું. એટલે જ ઉત્કટતાથી સર્જનાત્મક કાર્ય કરનારા લોકોને ચોક્કસપણે સમજવા માટે એમણે આ સર્જન કરવામાં ઊઠાવેલ પીડા અને કષ્ટને સમજવા જરૂરી છે. અને આ જ સૌથી વધારે મહત્ત્વનું છે. એનું કારણ એ છે કે વ્યવસ્થાપન કે સંચાલનતંત્રનો ચુસ્ત અંકુશ આપણે જે ઇચ્છીએ છીએ એવું પરિણામ કે ઉત્પાદન લાવી શકવાના નથી.
એક નોબલ પારિતોષિક વિજેતાએ આવા ઉદ્ગારો કાઢ્યા હતા : વિજ્ઞાનમાં અમને જે કંઈ પણ કલ્પના કરવાની છૂટ મળે છે તેને અમે જે જાણીએ છીએ એ બધી બાબતો સાથે સતત સંલગ્નતા રહે છે. જે ઉપયુક્ત છે અને દરેકેદરેક વ્યક્તિએ એને જોયું છે એવું કંઈક નવું નિપજાવવાની સમસ્યા પણ અસીમ છે. વળી દરેકે દરેક વખતે વિજ્ઞાન સાથેની મુશ્કેલી નવા વિચારો સાથે હોતી નથી. સાચી મુશ્કેલી તો જૂના વિચારો કે ખ્યાલો વિલીન થઈ જાય છે તેમાં છે. વિજ્ઞાનના મહાન કેડામાં ઠીક ઠીક પ્રમાણમાં થોડી અવગણના કે ઉપેક્ષા આવશ્યક છે. વિજ્ઞાનજગતમાં આવી અવગણનાને પ્રવેશવા દેવા માટે આપણે આપણાં વ્યક્તિગત વલણો અને નાણાકીય નિધિ પદ્ધતિઓમાં પરિવર્તન લાવવું જોઈએ; જોખમ ખેડવાનો અવકાશ ઊભો કરવાની શક્તિ કેળવવી જોઈએ; પ્રસંગે પ્રસંગે બંધનરહિતતાને આવકારવી જોઈએ; અને જોખમ ખેડનારને પુરસ્કારવા જોઈએ. તો જ વિજ્ઞાનનાં આનંદ અને રમતમાં વૃદ્ધિ કરી શકાય. એટલું જ નહિ, આ બધું થાય તો ભારતનું વિજ્ઞાન જે સૌથી વધારે આવશ્યક છે અને જેની આપણે અપેક્ષા સેવીએ છીએ એવા ભેદની ભાત પાડી શકે.
નવીનીકરણ, જુસ્સો અને કરુણા
છેલ્લો મુદ્દો કે જેને દરેકેદરેક દેશમાં ચર્ચવો ગમે છે તે એ છે કે મારી દૃષ્ટિએ કોઈ પણ સંસ્થા કે સંગઠનમાં આ ત્રણ મુખ્ય વિલક્ષણ લક્ષણો હોવાં જોઈએ : નવીનીકરણ, જુસ્સો અને કરુણા. અને એમાંય કરુણા તો સૌથી વધારે અગત્યની છે. એટલે જ આપણે કરુણા અને મૈત્રીભાવવાળો સમાજ ઊભો કરવો જોઈએ અને આ સમાજ નવરીતિસ્થાપક પણ હોવો જોઈએ. આ સમાજે ગરીબોની સમસ્યાઓ તરફ સતત નજર રાખવી જોઈએ અને બે હજાર વર્ષનાં વાણાં વહી ગયાં છતાંયે કૂવામાંથી પાણી ખેંચવાના ગરેડામાં હજી સુધી કેમ પરિવર્તન નથી આવ્યું એવો પ્રશ્ન પણ પૂછાવો જોઈએ. પાણી સીંચવાની આ સમસ્યા બધે સ્થળે ગરીબ, અશક્ત અને ગર્ભવતી સ્ત્રીઓ તેમજ બાળકો માટે એમ ને એમ ઊભી છે.
હમણાં હમણાં ગામડાના લુહાર કારીગરોએ એમાં લીવર મૂક્યું ત્યાં સુધી આ સમસ્યા એવી ને એવી રહી હતી. સીંચણિયું ખેંચવામાં આ લીવર વચ્ચે આવતું નથી, સીંચણિયા પર ખેંચાણ જે પળે ધીમું થાય છે ત્યારે પેલું લીવર એને નીચે સરવા દેતું નથી અને ત્યાં જ અટકાવી રાખે છે. પરિણામે હવે વૃદ્ધ અશક્ત અને માંદી સ્ત્રીઓ પણ પાણી ખેંચતાં ખેંચતાં વચ્ચે વચ્ચે વાતચીત કરી લે છે, વિરામ લઈ લે છે અને એ પત્યા પછી પાણીનો ઘડો ઉપર ખેંચી લે છે. ગુજરાતનાં બધાં ગામડાંમાં આવા હજારો ગરેડા લગાડવામાં આવ્યા છે. આવી વ્યવસ્થા ભારતનાં બધાં ગામડાંમાં થોડા જ વખતમાં પ્રસરી જશે. નેશનલ ઈન્નોવેશન ફાઉન્ડેશને આ કાર્યને પ્રોત્સાહન આપ્યું છે. આ સંસ્થાએ આ કાર્ય કયા હેતુથી હાથમાં લીધું? આ કાર્ય તો કરુણાભાવથી કર્યું છે, પૈસા રળવાના હેતુથી નહિ. કોઈ મહાન ઈજનેર આ સમસ્યાનો ઉકેલ શોધી ન શક્યા, પણ એક અભણ કારીગરે આ કામ કરી બતાવ્યું. અહીં આવાં હજારો ઉદાહરણો આપી શકાય. મને લાગે છે કે આનાથી જ લોકોની જીવનની ગુણવત્તામાં પરિવર્તન આવશે અને એવી મૂલ્યપ્રણાલી ઊભી થશે કે જેથી ગરીબ અને તકવિહોણા લોકોની સમસ્યાઓનું સમાધાન શોધવાનું એક મિશન બની જશે. આવા સુકાર્યમાં પોતાનું પ્રદાન કરનાર ખરેખર રાષ્ટ્રનાયકો જ છે. આવા નવા શોધકોને સન્માનવામાં અને એમને યોગ્ય એવોર્ડ આપવામાં આપણે ગૌરવ અનુભવવું જોઈએ.
હું ઈંડિયન સાયન્સ કોંગ્રેસનો અધ્યક્ષ હતો. વડાપ્રધાને ઉદ્ઘાટિત કરેલા કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ વૈજ્ઞાનિકો આવ્યા હતા. એમાં નોબેલ પારિતોષિક વિજેતાઓ પણ હતા. એ સમયે મેં કહ્યું હતું કે આ સાયન્સ કોંગ્રેસ જ્ઞાન-કોંગ્રેસ હોવી જોઈએ અને એ લોકો માટેનું સંગઠન હોવું જોઈએ.
એટલે મેં કહ્યું કે હું આ નવશોધકોને પણ આમંત્રણ આપીશ એમને પણ નોબેલ પારિતોષિક વિજેતા બેઠા છે એ જ વ્યાસપીઠ આપીશ. એમણે કરેલાં વિવિધ સંશોધનોનું પ્રદર્શન પણ હતું. એવા નવા શોધકો પણ આ પ્રસંગે બોલ્યા હતા. તેઓ અંગ્રેજી જાણતા ન હતા એટલે તેમાંથી કેટલાક હિન્દીમાં બોલ્યા અને કેટલાક ગુજરાતીમાં બોલ્યા. આખો હોલ વૈજ્ઞાનિકોથી ભરેલો હતો અને મારે કહેવું પડે કે એ બધાને વધુ તાળીઓથી સભાખંડે વધાવી લીધા હતા. આટલું સન્માન નોબેલ વિજેતાઓને પણ સાંપડયું ન હતું. મૂળભૂત રીતે આજે જેની જરૂર છે તે મૂલ્યપ્રણાલીના આ પરિવર્તનની.
ભવિષ્ય વિશે થોડું ટિપ્પણ કરીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. મારી દૃષ્ટિએ ભવિષ્ય અત્યંત ઊજળું છે. આપણું ભવિષ્ય યુવાનોના હાથમાં છે અને હું દૃઢપણે માનું છું કે એમને ત્રણ લાભો વિશેષતા, વિલક્ષણતા સાથે મળ્યા છે. એમને જે ત્રણ ‘ડી’નો લાભ મળ્યો છે. એમાં પ્રથમ છે ડેમોક્રસી એટલે લોકશાહી, લોકશાહી મુક્તમને વિચારતા કરી દે છે અને કાર્ય કરતા કરે છે. આનાથી એક મોટો તફાવત જોવા મળે છે. એને લીધે નવું નવું શોધવાની અને સર્જન કરવાની પ્રક્રિયાને પ્રોત્સાહન મળે છે. બીજું છે ‘ડાઈવર્સિટી’ એટલે વિવિધતા. આપણા રાષ્ટ્રમાં સાંસ્કૃતિક, ભાષાકીય, આબોહવાને લગતી તેમજ જૈવિક વિવિધતાઓ જોવા મળે છે.
એટલે આપણી પાસે ઘણી અને મહાન વિવિધતાઓ છે. એનાથી એવું બને છે કે જ્યારે તમે આવી વિવિધતા સાથે હો છો ત્યારે તમારે એની સાથે પનારો પાડવા નવસ્થિતિ સ્થાપક બનવું પડે. પોતાને પોતાના આ વૈવિધ્યને કારણે ભારત બાકીના વિશ્વ માટે એક પ્રયોગશાળા બની શકે તેમ છે. ત્રીજો ‘ડી’ છે ડેમોગ્રાફી એટલે કે વસતીશાસ્ત્ર. ભારતની કુલ વસતીના ૫૫% લોકો ૨૫ વર્ષથી ઓછી ઉંમરના છે. આ એક મોટી તક કે મોટો લાભ છે કારણ કે યુવાનો સામાન્ય રીતે ભાવાત્મક અને આશાવાદી હોય છે. એમને તો તક આપવાનો જ પ્રશ્ન છે અને હું ઇચ્છું છું કે આપણી પાસે આ ત્રણ ‘ડી’ ઉપરાંત ચોથો ‘ડી’ એટલે ડિસીપ્લીન – શિસ્ત પણ હોય. અલબત્ત, આ એક જુદી બાબત છે. આનું ભવિષ્ય હું ભાખી શકું નહિ. પણ હું એટલું ખાતરીપૂર્વક કહી શકું છું કે ભારત આર્થિક રીતે મહાન સુપરપાવર બનશે, ટેક્નોલોજીની દૃષ્ટિએ વાયબ્રન્ટ રાષ્ટ્ર બનશે અને એનાથીયે સૌથી વધારે અગત્યનું ભારત મૂલ્યો અને નૈતિકતા સાથે નૈતિક શક્તિનું સુપરપાવર બનશે. એટલે જ આપણે નૈતિક સદાચાર અને મૂલ્યો લાવવાં પડશે અને આ સૌથી વધારે અગત્યનું છે. એનું કારણ એ છે કે તમે ટેક્નોલોજીની દૃષ્ટિએ સુપરપાવર બની શકો, આર્થિક રીતે સુપરપાવર બની શકો, પણ એની સાથે જો તમારી પાસે નૈતિક સુપરપાવર નહિ હોય તો તમે ટકી શકવાના નથી. ઇતિહાસ આપણને આ વાતની યાદ અપાવે છે. પહેલાંના સોવિયત રશિયા તરફ એક દૃષ્ટિ કરો. તેઓ પ્રથમ હતા, બીજા કે ત્રીજા નહિ. નાજી જર્મની પણ પ્રથમ કક્ષાનું રાષ્ટ્ર હતું, બીજી કે ત્રીજી કક્ષાનું નહિ. પણ આ બંનેનાં પતન થયાં છે.
Your Content Goes Here




