(રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના બુલેટિનમાં પ્રસિદ્ધ થયેલ ઈંડિયન નેશનલ સાયન્સ એકેડેમી, ન્યુ દિલ્હીના અધ્યક્ષ અને પ્રખ્યાત વૈજ્ઞાનિક ડો. આર. એ. માશેલકરના ‘રિસર્જન્સ ઓફ ઈનોવેટિવ ઈંડિયા’ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.)
આજે હું ‘નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન’ એવો શબ્દ વાપરું છું. એનું કારણ એ છે કે ભારત હંમેશાં નૂતન માર્ગ પ્રવર્તક મહાન રાષ્ટ્ર રહ્યું છે. સિંધુ સંસ્કૃતિના સમયકાળથી જ નૂતન માર્ગ પ્રવર્તન એ ભારતીય સંસ્કૃતિની એક આધારભૂમિકા કે એનો મહદંશ રહ્યું છે. એટલે આ શબ્દ ભારતના સંદર્ભમાં નવો શબ્દ નથી. આપણે સૌથી વધુ સુખ્યાત અને પ્રગતિશીલ નૂતન પ્રવર્તન કર્યાં છે. પ્રાચીનકાળમાં આપણે અદ્ભુત નગર રચના કરી છે. ઘર માટે ચોક્કસ માપની પાકી ઈંટોનો ઉપયોગ કર્યો છે. આપણે આપણી ગટર વ્યવસ્થામાં સિરામિકનો ઉપયોગ કર્યો છે. આપણી પાસે મજબૂત ગાડાં પણ હતાં. આપણા એ તામ્ર યુગમાં લોથલના બંદરની ગોદી પર સૌથી મોટાં બાંધકામો જોવાં મળે છે. જરા જુઓ તો ખરા, પાંચ હજાર વર્ષ પહેલાં આપણે કેટલાં મહાન હતાં!
વળી શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ પણ અહીં થઈ છે. એને લીધે બીજગણિત અને ત્રિકોણમિતિ તેમજ ભૂમિતિમાં ઘણા પાયાનાં કામ થયાં છે. વળી, રોગચિકિત્સા અને શલ્યચિકિત્સાનાં ક્ષેત્રમાં પણ રોગને નાબૂદ કરવામાં તેમજ તંદુરસ્તીની જાળવણી કરવામાં નવી નવી પ્રણાલીઓ શોધી છે.
હવે પ્રશ્ન આ ઊભો થાય છે, જો પાંચ હજાર વર્ષ પહેલાં ભારત આટલી ઊંચાઈએ પહોંચ્યું હોય તો પછી તે નીચે કેમ સરી પડ્યું? થોડી સદીઓ પહેલાં આ પતન શરૂ થયું. એ વખતે પશ્ચિમનું જગત વિજ્ઞાન, આરોગ્ય, દવા, કલા, શિલ્પસ્થાપત્ય, સાહિત્ય, નૌકાવિહાર, સંશોધનોની સાથે ઉદ્યોગ અને પ્રૌદ્યોગિકીનાં ક્ષેત્રમાં ઉત્ક્રાંતિ સર્જતું હતું. આ જ સમયગાળા દરમિયાન ભારત સ્થગિતતાના કારમા કાળમાંથી પસાર થતું હતું. સામંતશાહી સમાજ હતો અને વહેમોનું સામ્રાજ્ય હતું. એનાં દુ:ખમાં સંસ્થાનવાદે વધારો કરી દીધો. આવા અંધકારમય કાળ છતાં પણ ૧૯૨૦માં કેટલીક વિલક્ષણ વૈજ્ઞાનિક શોધો અને નવીનીકરણ કરતા પ્રયોગો પણ આ દેશમાં થયાં હતાં. આવા સુખ્યાત ભારતીયોમાં સર જગદીશચંદ્ર બોઝ, એસ.એન. બોઝ, પી. સી. રોય અને સી. વી. રામન જેવા ગણ્યાગાંઠ્યા નામ આવી શકે. ત્યાર પછીથી આપણે કોઈ એવું વ્યક્તિગત કાર્ય કે જે વિલક્ષણ કે અદ્વિતીય હોય એવું જોયું નથી. આમાં કોલકાતાનું એક અનોખું સ્થાન છે. હું ધારું છું કે આપણે સૌએ આ મહાપ્રતિભાવાન વ્યક્તિઓને અને આ બુદ્ધિપ્રધાન ભારતના પાટનગર કોલકાતાને પોતાની જાતને ચેતનામય બનાવવા યાદ કરવું પડે.
હું દૃઢપણે માનું છું કે હવે ‘નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન’ શરૂ કરવાની એક તક આપણને સાંપડી છે. ભારતે મેળવેલી બે આઝાદીની વાત હું હંમેશાં કરું છું. એક આઝાદી તે રાજકીય સ્વાતંત્ર્ય, જે આપણને ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે મળ્યું; અને બીજી આઝાદી તે આર્થિક સ્વાતંત્ર્ય, જે આપણને ૧૯૯૧માં ભારતના નાણાપ્રધાનના રૂપે ડો. મનમોહન સિંહે મુક્ત અર્થકારણ દ્વારા આપ્યું છે.
આ ૨૦૦૭ના વર્ષમાં આપણે ભારતની આઝાદીનું ૬૦મું વર્ષ ઉજવીએ છીએ. એ સારું, પણ મારું કહઅવાનું છે કે આપણે તો ભારતીય આઝાદીનું ૧૬મું વર્ષ એટલે કે આર્થિક સ્વાતંત્ર્યનું વર્ષ ઉજવવું જોઈએ. આના માટે આપણે ડો. મનમોહન સિંહના આભારી છીએ કે જેમણે યુગાન્તર કાર્ય જેવું પગલું ભરીને ખેતી પ્રધાન અર્થવ્યવસ્થાને ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કરી દીધી. બંધિયાર અર્થતંત્રને બદલે મુક્ત અર્થતંત્ર બન્યું. આપણા જૂના બંધિયાર અર્થતંત્રમાં વિકાસનો દર ૩.૫% જેટલો હતો. પરંતુ ૨૦૦૬માં એ ૯.૬% સુધી વધ્યો. છેલ્લાં ચાર વર્ષથી આપણા દેશમાં આર્થિક વિકાસ દર ૮% સુધીનો રહ્યો છે.
૧૯૯૧માં જ્યારે આપણે આ મુક્ત અર્થકારણ અપનાવ્યું ત્યારે શું બન્યું હતું, એની કલ્પના કરો. એ વખતે આપણું વિદેશી ભંડોળ કેટલું હતું? એ ઘણું અલ્પ હતું. અને એનાથી એક અઠવાડિયાની આયાતી ચીજવસ્તુઓ મગાવી શકાય.
અત્યારે ૨૭૦ બિલિયન ડોલર છે. (૧ બિલિયન = રૂપિયા ૧૦૦ અબજ) વિદેશી નાણા ભંડોળ માટે આપણે સમગ્ર વિશ્વમાં ચોથા ક્રમે છીએ. નાદારીપણાની અવસ્થામાંથી અને સોનાની હરાજી કરીને પૈસા મેળવવાની પરિસ્થિતિમાંથી આજે આપણે ૨૭૦ બિલિયન ડોલર કરતાં પણ વધુ હુંડિયામણ ધરાવીએ છીએ. આ કેવી રીતે શક્ય બન્યું? આપણને આપેલી વિશ્વના દેશો સાથેનાં બજારોમાં સ્પર્ધા કરવાની સ્વતંત્રતાએ.
આવા આર્થિક સ્વાતંત્ર્યનું લગભગ જરાય અસ્તિત્વ ન હતું તેવી એક ઘટનાનું ઉદાહરણ આપીને હું પ્રકાશ ફેંકવા માગું છું. જે. આર.ડી. ટાટાએ ૧૯૭૮ની ફેબ્રુઆરીમાં મને સ્પષ્ટપણે કહ્યું હતું કે જો મને આ દેશમાં મોટર કારના ઉત્પાદન માટે મંજૂરી મળી હોત તો મારી ટેલકો કંપની જે આજે ટ્રકનું ઉત્પાદન કરે છે એ જ પ્રમાણે મોટરકારનું પણ ઉત્પાદન થતું હોત. જ્યારે આ આર્થિક સ્વાતંત્ર્ય અને તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ ઊભું થયું ત્યારે રતનતાતાએ પોતાની ઈંડિકા કાર બહાર પાડી. આની પાછળ એમણે કેટલી મૂડીનું રોકાણ કર્યું હતું? એમણે ૧૭૬૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ કોઈ પણ ખાનગી કંપની કરતાં સૌથી મોટું રોકાણ હતું. જો એક ખાનગી સાહસ કરતી કંપની ૧૭૬૦ કરોડ રૂપિયા જેટલી મોટી રકમનું રોકાણ કરીને પોતાના ઉત્પાદનના વિકાસ અને એને બજારમાં મુકવાનો પ્રયાસ કરે તો એ એક ખરેખર વિશેષ વાત જ કહેવાય.
૧૯૯૧ની આર્થિક ઉદારીકરણની નીતિ પછી આપણે શું શું મેળવ્યું છે એ વિશેનું સંક્ષિપ્ત અવલોકન આપવાનું મને ગમશે. જો તમે ભારતનાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી તરફ નજર નાખો અને જો તમે એનો બચાવ કરવાનું મને કહો તો મારા માટે એ બચાવ કરવાનું અત્યંત સરળ છે. એનું કારણ એ છે કે થોડામાંથી પણ અમે ઘણું ઘણું કર્યું છે, કારણ કે અમને આપણા રાષ્ટ્રના બજેટમાં પશ્ચિમની એક વિશાળકાય કંપનીના બજેટ કરતાં પણ ઓછી રકમ ફાળવવામાં આવી હતી. અને આ બજેટની ફાળવણીમાં અવકાશ વિજ્ઞાન, સંરક્ષણ, ટેકનોલોજી, અણુઊર્જા, જેવાં ક્ષેત્રોનો સમાવેશ થતો હતો. જો આપણે અવકાશ વિજ્ઞાનનું જ ઉદાહરણ લઈએ તો આપણે આપણા જ ઉપગ્રહો અવકાશમાં તરતાં મૂક્યાં છે, એની સાથે જર્મની અને કોરિયાના પણ અવકાશ ઉપગ્રહો તરતાં મૂક્યાં છે.
સૌથી વધારે આશ્ચર્ય અને પ્રશંસાની વાત તો એ છે કે જ્યારે જ્યારે ભારત સામે પડકાર ફેંકવામાં આવ્યો છે ત્યારે ત્યારે એણે પોતાનું અપ્રતિમ ખમીર બતાવ્યું છે. ઉદાહરણ તરીકે સુપર કમ્પ્યુટર તરફ દૃષ્ટિ કરો. હજી પણ મને યાદ છે કે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ અમારી સમક્ષ એક પ્રશ્ન મૂક્યો હતો: ‘આપણે કઈ બાબતમાં સારા નિપુણ છીએ?’ એ વખતે હું સાયન્ટિફિક કાઉન્સિલનો સભ્ય હતો. મેં એનો જવાબ આપતાં કહ્યું હતું કે આપણે સુપર કમ્પ્યુટરની બાબતમાં ઘણા સારા છીએ. સુપર કમ્પ્યુટરને ભારતમાં સ્વીકારવામાં નહોતા આવ્યા. અને જ્યારે પડકાર ઊભો થયો ત્યારે આપણે ‘પરમ’ નામનું સુપર કમ્પ્યુટર સર્જ્યું. આ કમ્પ્યુટર આપનાર હતા ડો. વિજય ભાટકર.
૧૯૭૬માં હું જ્યારે ભારત પાછો ફર્યો ત્યારે એ વાત મને હજી પણ યાદ છે કે હું દર મહિને ૨૧૦૦ રૂપિયા જેવો શાહી પગાર મેળવતો હતો. એ વખતે સરળતાથી ગેસનું જોડાણ પણ મળતું ન હતું. બે પૈડાવાળું વાહન ખરીદવા માટે અમારે ચાર વર્ષ રાહ જોવી પડી હતી અને ટેલિફોનનું જોડાણ મેળવવા છ વર્ષ રાહ જોવી પડી હતી. અને આજે મારી ધારણા પ્રમાણે ગયે વર્ષે ૭૦ લાખ મોબાઈલ ફોન વેચાયા હતા. બહુ નજીકના ભવિષ્યમાં લોકો મોટા ઊંચા બહુમાળી મકાનમાં રહેતા હશે અને ખેડૂતો તેમજ શાકભાજી વેચનારા પણ એના માલિક બન્યા હશે.
એક વ્યાવસાયિક વ્યક્તિ તરીકે મને એ યાદ છે કે વૈજ્ઞાનિક જગતના મહત્ત્વનાં સંશોધનોનાં સામયિકો કે બીજા વિજ્ઞાનના સામયિકો દરિયાઈ માર્ગે હાથમાં પહોંચતા ચાર-ચાર મહિના થઈ જતા. પરિણામે અમે કોઈ પણ પ્રકલ્પ હાથ ધરીએ કે પૂર્ણ કરીએ તે પહેલાં તો એ જૂનો પુરાણો થઈ ગયેલો હોય, એ સ્વાભાવિક છે. તો પછી વિશ્વનાં પ્રગતિશીલ રાષ્ટ્રો સાથેની સ્પર્ધાની તો વાત જ શી કરવી? જ્યારે કોઈ વૈજ્ઞાનિક નવ-સંશોધન થતું તો તે બે વર્ષ પછી છપાતું અને ભારતમાં પહોંચતા તેને વળી વધારાના ચાર મહિના લાગી જતા. એનો અર્થ એ થયો કે આપણે વિકસિત વિશ્વ કરતાં અઢી વર્ષ જેટલા પાછળ હતા. અત્યારે કોઈ પણ નવા વિકાસ કે સંશોધનની વાતથી દુનિયાના કોઈ પણ ખૂણેખાંચરે રહેતા લોકો પૂરેપૂરી માહિતી મેળવી લે છે. આને પરિણામે આજની જુવાન પેઢીને એનો મોટો લાભ મળે છે.
ત્યારે ૩૨-કે મોટી કમ્પ્યુટર મેમરી ગણાતી. આજે તો આપણે આપણા પોતાના ટેરાફલોબ કમ્પ્યુટર બનાવીએ છીએ. સૌથી વધુ ૧૦૦ ઝડપી કમ્પ્યુટરમાં આપણા ચોથા ભાગના છે. એ સરકારી લેબોરેટરીમાં બનતા નથી પરંતુ પૂનાના ટાટા રિસર્ચ સેન્ટરમાં બને છે.
ગરીબી રેખા નીચે જીવતા લોકો પ્રત્યેનું વલણ
આવી બધી ભૌતિક સિદ્ધિઓ હોવા છતાં ગરીબી રેખાની હેઠળ કે તેનાથી પણ વધુ ગરીબીમાં જીવતા લોકો પ્રત્યે આપણું વલણ કેવું હોવું જોઈએ? રાષ્ટ્રની આર્થિક પ્રગતિ અને વિકાસની ગતિમાં એમને કેવી રીતે સામેલ કરવા જોઈએ? મારા વિચાર પ્રમાણે આ ભગીરથ કાર્ય માટે આપણું સૂત્ર આવું હોવું જોઈએ: ‘ઈન્નોવેશન ઓરિએન્ટેડ ઇન્ક્લુઝિવ ગ્રોથ – ધારદાર કે પાણીદાર નવીનીકરણ સાથે સમાવર્તક ઉન્નતિ’ કોઈ પણ પ્રૌદ્યોગિક ક્ષેત્ર કે જ્યાં ભરપૂર ઉત્પાદન કે અત્યંત સમૃદ્ધિવાળો વિકાસ થતો હોય તો તે ઔદ્યોગિક સાહસિકતાને સમાજના વધુ ને વધુ વિસ્તૃત ક્ષેત્રમાં પહોંચાડવી કે વહેતી કરવી એ પણ પડકાર છે. સામાજિક પિરામિડની ટોચ પર તફાવત દર્શાવવો એ સાર્વત્રિક કે સમાવર્તક ઉન્નતિ નથી.
દા.ત. ૬ લાખ આઈ.ટી. વ્યાવસાયિકો આપણી નિકાસના ૩૦% જેટલો ફાળો આપે છે. એમની સરેરાશ ઉંમર ૨૬.૫ વર્ષની છે. પણ ૬ લાખ લોકોની આ સંખ્યા તો ભારતની કુલ વસ્તીના ૦.૦૬% જ છે. શહેરી યુવાનોને કેળવણી આપવામાં થતું રાષ્ટ્રનું રોકાણ ભરપાઈ થઈ જાય છે. પરંતુ હવે આવું રોકાણ આપણા સમાજના સામાજિક પિરામિડના નીચેના તળિયા સુધી પહોંચાડવાનું છે.
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ – ‘ટી. સી. એસ’એ આ કાર્યમાં પોતાનું મન યોગ્ય જગ્યાએ લગાડી દીધું છે. તેમણે ૨૦૦ મિલિયન લોકોને પાંચ વર્ષમાં સાક્ષર બનાવવાનું ભગીરથ કાર્ય માથે લીધું છે. જો આપણે આની જગ્યાએ પ્રણાલીગત શિક્ષણ પદ્ધતિઓ અપનાવીએ તો એમાં વીસ વર્ષ લાગી જાય. ટી.સી. એસ.એ આ કાર્ય પાંચ વર્ષમાં કરી દેવાનો દાવો કર્યો છે. એમણે નવીનીકરણવાળી પદ્ધતિ અને ‘કમ્પ્યુટર બેઈઝ્ડ ફંક્શનલ લિટરસી’ જેવું નવું વિકાસશીલ સાધન અપનાવ્યું છે. આના દ્વારા કોઈ પણ વ્યક્તિ ૬ થી ૮ અઠવાડિયાના સમયગાળામાં લખવા-વાંચવાનું શીખી જાય છે. ૬ થી ૮ અઠવાડિયા સુધી આવા પ્રશિક્ષણ કાર્યક્રમ પછી આ નવી પદ્ધતિને કારણે નિરક્ષર વ્યક્તિ પણ વર્તમાન પત્ર વાંચતો થઈ જાય છે. આવા પ્રશિક્ષણ કાર્યક્રમનું નિદર્શન આ કાર્યક્રમના સંવાહક ડોક્ટર એફ. સી. કોહલીએ સાત રાજ્યોની સાત જુદી જુદી ભાષાઓમાં કરી બતાવ્યું છે. હવે આ જ સાધનને આપણા રાષ્ટ્રિય મિશનમાં કામે લગાડવાની જરૂરત છે. જો સરકાર એ ન કરી શકે તો લોકોએ આગળ આવવું જોઈએ. હમણાની વિશ્વ બેંકની મીટિંગ વખતે મેં આ પ્રશિક્ષણ પદ્ધતિની વાત કરી હતી અને એ પણ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ૮૦૦ મિલિયન લોકો નિરક્ષર છે. એક વ્યક્તિદીઠ આ યોજનાનો ખર્ચ ૨.૫ (આશરે રૂપિયા ૧૫૦/-) ડોલર જેટલો થાય છે.
૨૦૦ બિલિયન ડોલરનું રોકાણ કરવાથી ૮૦૦ મિલિયન લોકોને તમે સાક્ષર બનાવી શકો. જ્યારે આપણે આવા નવીનીકરણની વાત કરીએ છીએ ત્યારે આટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે આ બધાં નવીનીકરણોએ સમાવર્તક બનવું જોઈએ. એટલે જ્યારે આપણે આઈ. આઈ.ટી., ચેન્નઈના અશોક ઝુનઝુનવાળા જેવા લોકોને વાયરલેસ લોકલ લૂપ પર એકલા અને મન લગાડીને કામ કરતાં જોઈએ ત્યારે આવાં કાર્ય ખરેખર પ્રશંસાને પાત્ર છે. એનો આદર્શ કે વિચાર તો ગામડાંને આ જોડાણથી જોડવાનું છે. સામાન્ય રીતે આઈ. આઈ. ટી.ના લોકોને સર્વોત્કૃષ્ટ કક્ષાના ગણવામાં આવે છે. આવા લોકો અવારનવાર મોટી કમાણી કરવા પરદેશ જતા હોય છે. પણ હંમેશાં આવું બનતું નથી, જો આપણે આપણાં મનહૃદયને યોગ્ય સ્થળે કામે લગાડીએ તો ઝુનઝુનવાળા જેવા ટેક્નોક્રેટ્સ ઊભા કરી શકીએ.
બીજી એક વાત ભારત નવીનીકરણ માટેનું એક મહા મધ્યસ્થ કેન્દ્ર બની રહ્યું છે અને તે પણ ભારતની કંપનીઓ માટે નહિ પણ સમગ્ર વિશ્વની મોટી મોટી કંપનીઓ માટે ય ખરું. તેઓ એમના માટેનાં આર એન્ડ ડી કેન્દ્રો પણ સ્થાપી રહ્યા છે. એ બધા અહીં છે, એટલે કે ભારતમાં છે, કારણ કે એક ડોલર દીઠ એમને સર્વશ્રેષ્ઠ બુદ્ધિપ્રતિભામૂડી મળે છે.
Your Content Goes Here




