લેખકના ‘ધ સેવન હેબિટ્સ ઓફ હાઈલી ઈફેક્ટિવ પીપલ’નામના પુસ્તકનો મૌલિક અનુવાદ શ્રી સંજીવ શાહે ‘મહાન હૃદયનો સારેગમપનિ’ નામે કર્યો છે, તેના અંશે વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.
ઘણાં વર્ષો પહેલાં હું અને મારી પત્ની એક અત્યન્ત પીડાજનક સમસ્યાનો સામનો કરી રહ્યાં હતાં. અમારો એક પુત્ર અભ્યાસમાં ખૂબ જ નબળો પુરવાર થઈ રહ્યો હતો; એટલું જ નહિ, બીજી બધી રીતે પણ તે ખૂબ જ ઉચ્છૃંખલ, નાદાન અને અપવિપક્વ હતો અને વારંવાર તેનાં અંગત સ્વજનોને શરમ અનુભવવી પડે તેવો તેનો વર્તાવ હતો… હું અને મારી પત્ની તેની બાબતે ખૂબ ચિંતિત હતાં અને કોઈ પ્રકારે તેને સહાયભૂત થવા માગતાં હતાં. અને જાતજાતનાં હકારાત્મક, પ્રોત્સાહક સૂચનો દ્વારા તેના વલણ અને વર્તણૂક બદલવાની કોશિશ કરી. જેમ કે- ‘ચાલ બેટા! અમને ખાતરી છે કે તું જરૂર સફળ થઈશ… બસ, જરા ધ્યાન રાખ…’ અને જો તે સહેજ પણ પ્રગતિ બતાવે તો અમે તરત તેને કહેતાં… ‘ખૂબ સરસ, દીકરા! ખૂબ સરસ! કીપ ઈટ અપ!’ જ્યારે બીજા લોકો તેની મશ્કરી કરતા ત્યારે અમે તેમને કડક અવાજે કહેતાં- ‘તેને હેરાન ન કરો.. તે શીખી રહ્યો છે. તેની બાબતે તમારે ચંચૂપાત કરવાની જરૂર નથી…’
પણ આ બધાથી તેને કશો ફાયદો થતો હોય તેવું લાગ્યું નહીં, ખૂબ પ્રોત્સાહક, હકારાત્મક અને મદદરૂપ થયા કરવાની કોશિશ કર્યા બાદ પણ અમે વારંવાર નિષ્ફળતા જ પામતાં હતાં. તેથી અમને લાગતું તો હતું કે અમારે પરિસ્થિતિને કોઈ જુદી જ રીતે નિહાળવાની અને સમજવાની જરૂર છે.
આ દરમ્યાન હું મારા વ્યવસાયમાં નેતૃત્વ-વિકાસ સંબંધિત કાર્યક્રમો સાથે સંકળાયેલો હતો અને ત્યારે હું મનુષ્યો કોઈ એક બાબતને કેવી કેવી ભિન્ન રીતે નિહાળતા હોય છે તે બાબતની માહિતીના સંર્પકમાં આવ્યો અને મને તેમાં ખૂબ રસ પડ્યો. તેણે મને એવું શીખવ્યું કે –
સમસ્યાઓનો દોષ કારણોને આપતાં પહેલાં, આપણે જે ‘કાચ’માંથી વિશ્વને નિહાળીએ છીએ, તેને જ પ્રથમ આપણે તપાસવો જોઈએ,, કેમ કે તે કાચ જ, આપણી વિશ્વ બાબતની સમજણને ઘડતો હોય છે.
તેથી મેં તથા મારી પત્નીએ પ્રામાણિકતાથી અમારી અંદર ઊંડાણપૂર્વક જોવાની કોશિશ કરી તો અમને સમજાયું કે અમે અમારા દીકરાને મૂળભૂત રીતે તો, ‘અધૂરો’, ખોડખાંપણભરેલો; કે ‘નિષ્ફળ’ તથા ‘પાછો પડ્યા કરતો’ જ માનતા હતા. અને તેથી અમે તેને ગમે તેટલો ‘પ્રોત્સાહિત’ કે ‘મદદ’ કરવાનો પ્રયત્ન કરતાં હતાં ત્યારે ખરેખર તો અમે એવું જ અભિવ્યક્ત કર્યા કરતાં હતાં કે- ‘તું સક્ષમ નથી. તને સંભાળવો પડે તેમ છે. તારે રક્ષણની જરૂર છે.’
અને આમ અમને સમજાયું કે પરિસ્થતિ બદલવી હોય તો પહેલાં અમારે અમારી અંદર મૂળભૂત રીતે જ પરિવર્તન આણવું પડશે. અને તેવું કરવા માટે સૌથી પહેલાં તો અમારે અમારી દૃષ્ટિ-પેલા કાચને જ બદલવો રહ્યો.
બરાબર આ જ સમયગાળા દરમિયાન હું ઈ.સ. ૧૯૯૬થી પ્રકાશિત થયેલ સફળતા પરના વિશ્વભરમાં પ્રસિદ્ધ થયેલ વિવિધ સાહિત્યના સંપર્કમાં પણ આવ્યો અને તરત તેના અભ્યાસમાં લીન થઈ ગયો. મેં સ્વવિકાસ અને સામાન્ય મનોવિજ્ઞાનને લગતાં સેંકડો પુસ્તકો, લેખો અને નિબંધોનો ઊંડો અભ્યાસ કર્યો, મારી સામે જ મુક્ત અને લોકશાહી સમાજના લોકો જેને સફળ જીવનની ચાવીઓ ગણાવે છે તેવું દળદાર અને વિપુલ સાહિત્ય પડ્યું હતું.
છેલ્લાં ૨૦૦ વર્ષોનાં લખાણોનો એકાગ્રતાપૂર્વક અભ્યાસ કરતાં મને અચાનક તેમાં એક નિશ્ચિત ભાત ઊપસતી દેખાઈ. મારા પોતાના અંગત સંબંધોની પીડાને અને મેં જેમની સાથે કામ કરેલું હતું અથવા હું જેમને ઓળખતો હતો તેવા અન્ય કેટલાય મનુષ્યોની પણ આવી પીડાને લઈને મને સમજાવા માંડ્યું કે છેલ્લાં ૫૦ વર્ષો દરમિયાન પ્રકાશિત થયેલ મોટાભાગનું સફળતા પરનું સાહિત્ય ઉછાંછળું હતું. તેમાં સમાજમાં પોતાની સારી કહેવાય તેવી અમુક-તમુક છાપ ઊભી કરવા માટેના નર્યા વ્યર્થ ટૂંકા રસ્તાઓ જ માત્ર હતા. જાણે સામાજિક એસ્પિરિન’ જ જોઈ લ્યો! માથું દુખ્યું કે ગોળી લઈ લ્યો. આનાથી ક્યારેક તત્કાલીન રાહત વર્તાય તેવું બનતું પણ હશે, પરંતુ ઊંડાણમાં વ્યાપેલ ગંભીર સમસ્યાઓ તો તેનાથી તેવી ને તેવી જ રહેતી અને વારંવાર જીવનમાં દેખાયા કરતી.
તેનાથી તદ્દન વિરુદ્ધ છેલ્લાં ૨૦ વર્ષમાંનાં પહેલાં ૧૫૦ વર્ષોનું બધું જ સાહિત્ય, જેને આપણે ‘મનુષ્યનું ચારિત્ર્ય’ કહીએ છીએ, તેના પાયા પર રચાયેલું હતું –પ્રામાણિકતા, વિચાર વાણી-વર્તનની એકસૂત્રતા, વિનમ્રતા, સત્ત્વશીલતા, હિંમત, ન્યાય, ધીરજ, ઉદ્યમશીલતા, સાદગી અને તેવી તેવી બાબતો આ સાહિત્યનું હાર્દ હતી. આ ચારિત્ર્ય-નીતિ એ (Character-ethic) મને શીખવ્યું કે સફળ રીતે જીવન જીવવા માટે કેટલાક અસરકારક સિદ્ધાંતો છે, જેને મનુષ્યો આત્મસાત્ કરે તો તેઓ વારંવાર ફસડાઈ ન પડે તેવાં સુખશાંતિપૂર્વક, કાયમી આંતરિક સંતોષપૂર્વક પોતાનું જીવન જીવી શકે છે.
પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પછી સફળતાનાં ધારાધોરણોએ ‘ચારિત્ર્ય-વિકાસ’ તરફથી એવા વલણ તરફ ઝોક માર્યા જેને આપણે ‘વ્યક્તિત્વ-વિકાસ’ તરીકે ઓળખીએ છીએ. ‘સફળતા’ શબ્દ એ અન્ય પર છાપ ઊભી કરવાનો, વલણ અને વર્તણૂક બદલવાનો, પદ્ધતિઓ અને આવડતો ખિલવવાનો હેતુ પર પાડવાનો પર્યાય બની ગયો. ક્યારેક આની ફિલસૂફી પ્રેરણાદાયક કહેવતોમાં વ્યક્ત થતી પણ ખરી. (દા.ત. ‘મનુષ્ય જે ધારે તે કરી જ શકે છે’, ‘કટાણા મોઢા કરતાં સ્મિતથી વધુ મિત્રો જીતી શકાય છે’, વગેરે) પરંતુ આમાંના મોટા ભાગના રસ્તાઓ બીજા મનુષ્યોને આપણે ગમીએ, તેમના શોખ-રુચિમાં ‘રસ’ લઈ આપણું ધાર્યું તેમની પાસે કેવી રીતે કરાવી શકીએ તેના અથવા શક્તિશાળી દેખાવાના ‘કીમિયાઓ’ જ હતા. ચારિત્ર્યની વાતો ન જ થતી તેમ પણ નહીં, પણ તે કહેવા ખાતર થતી. તેને સાચું મહત્ત્વ અને જીવનના આધારભૂત પાયા તરીકેની ઓળખ ક્યારેય પણ આપવામાં આવી નહીં. ફટાફટ સફળતા, વાતચીત-લેખનમાં કૌશલ્ય, હકારાત્મક અભિગમ અને શક્તિશાળી વ્યૂહરચનાઓ પર જ છેલ્લાં પચાસ વર્ષોનાં સાહિત્યએ ખાસ ભાર મૂક્યો.
અમને સમજાયું કે અમે અમારા પુત્ર સાથે આવી જ કોઈ નીતિ જાણે-અજાણે વાપરી રહ્યાં હતાં. જેમ જેમ ‘વ્યક્તિત્વ વિકાસ’ અને ‘ચારિત્ર્ય-વિકાસ’ વચ્ચેનો ભેદ વધુ ને વધુ ઊંડાણપૂર્વક અમે પારખતાં ગયાં તેમ તેમ અમને સમજાતું ગયું કે અમારા સંતાનની ‘સફળતા’માંથી અમે ખરેખર તો સમાજમાં પ્રતિષ્ઠા પામવા માગતાં હતાં! અમારો દીકરો સાચેસાચ અમારી નજરે તો જાણે કશું હતો જ નહીં! અમારી એક સારા, કાળજીભર્યા વાલીઓ તરીકેની અમારા મનમાં જે માન્યતાઓ હતી તેનાથી વધારે ઊંડી અને મજબૂત હતી; અને તેથી પહેલી માન્યતાઓ કદાચ બીજી માન્યતાઓ પર અસર કરતી હતી અને કાબૂ પણ ધરાવતી હતી, તેથી અમે જે રીતે બધું જોતાં હતાં તેમાં જ ખરેખર અમારી નિષ્ફળતાઓ બંધાયેલી પડી હતી.
જેમ જેમ હું અને મારી પત્ની આ બાબતે ઊંડાણપૂર્વક વિચારતાં ગયાં તેમ તેમ અમે ખૂબ વેદનાસહ એ હકીકતથી સભાન થયાં કે અમારા જ હેતુઓ-ચાલકબળો (Motivations)ની, અમારાં જ ચારિત્ર્યની, અમારી અમારા સંતાનને નિહાળવાની દૃષ્ટિની પરિસ્થિતિ પર કેટલી પ્રબળ અસર કરી થઈ રહી છે! સામાજિક પરિપ્રેક્ષ્યથી સરખામણી કરવાની અમારી દૃષ્ટિ અમારાં સાચાં મૂલ્યો સાથે તો સંવદિતામાં નહોતી જ – આનાથી તો શરતી પ્રેમનું વાતાવરણ ઊભું થતું અને તેના પરિણામે અમારા સંતાનના આત્મવિશ્વાસને ઠેસ પહોંચતી હતી.
અને તેથી છેવટે અમે અમારા પ્રયત્નો અમારા દીકરા પર નહીં, પણ અમારા પર જ કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. અમે હવે અમારી ‘પદ્ધતિઓ’ પર નહીં, પણ અમારી ભીતરમાંના ઊંડા ઊંડા હેતુઓ અને અમારી અમારા સંતાનને જોવાની દૃષ્ટિ ૫૨ ધ્યાન કેન્દ્રિત કર્યું. અમારા પુત્રને બદલવાના પ્રયત્નો કરવાની જગ્યાએ અમે તેનાથી દૂર હટી ગયાં. અમે અમારી જાતને એનાથી અળગી કરી, અને તેની આગવી ઓળખાણ, તેના વ્યક્તિત્વના અનન્ય પણાને અને તેની પોતાની પ્રતિભાઓના મૂલ્યને પારખવાનો પ્રયત્ન કર્યો. ખૂબ ઊંડાણપૂર્વક આના પર ચિંતન કરતાં કરતાં, શ્રદ્ધાપૂર્વક સમજતાં સમજતાં અમે તેની ચિંતન સંભાવનાઓના કેટલાંય પડ જોયાં, જે તેની મેળે, તેની પોતાની ગતિથી વિકસશે જ તેવી અમને પ્રતીતિ થઈ.
તેથી અમે આ બાબતે નિશ્ચિંત થવાનું, હળવા રહેવાનું નક્કી કર્યું. અમે અમારી ભૂમિકા તેને માપવા-મૂલવ્યા ક૨વાની નહીં, પણ તેની સાથે આનંદપૂર્વક રહેવાની; પ્રોત્સાહક સૂચનો દ્વારા તેનો સમાજ સ્વીકાર કરે તેવા નિશ્ચિત બીબામાં તેને ઢાળવાની કોશિશ કરવાની નહીં, પણ તેના ખુદના વિકાસ માટે જ ઉદ્દીપકની જેમ તેમાં રસ લેવાની છે તે સમજ્યાં. તે અમને મૂળભૂત રીતે જીવન જીવવા સક્ષમ લાગ્યો, તેથી અમારી અંદર તેના માટે નૂતન ઊર્મિઓ ઊઠી! તેનું રક્ષણ કરવું અમે છોડ્યું. અમારો નવો વણકહ્યો સંદેશો હતો કે, ‘તું મૂળભૂત રીતે સ્વચ્છ છે. અમારે તારી કાળજી રાખવાની જરૂર નથી.’ તે અત્યાર સુધી અમારા જ રક્ષણમાં હતો, તેથી તેણે અમારા નવા સ્વરૂપ સામે કેટલીક પ્રતિક્રિયાઓ જરૂ૨ દાખવી. તેનો અમે સ્વીકાર પણ કર્યો પરંતુ અમે તેને કોઈ પ્રત્યુત્તર આપ્યો નહીં. અમારો વણકહ્યો સંદેશો સ્પષ્ટ હતો.
અઠવાડિયાઓ અને મહિનાઓ વીત્યા અને ધીમે ધીમે તેનામાં આત્મવિશ્વાસનો સંચાર થયો. તે પોતાની મેળે, પોતાની ગતિથી વિકસવા લાગ્યો. અમુક બાબતોમાં સામાન્ય રીતે જોવા મળતા વિકાસ-દરથી કેટલીય વધુ ઝડપે તેણે પ્રગતિ કરી અને સમાજની નજરે અસામાન્ય કહી શકાય તેવી સિદ્ધિઓ પણ તેણે પ્રાપ્ત કરી. પરંતુ અમે માનીએ છીએ કે તેની આ બધી સિદ્ધિઓ તે પોતે પોતાના વિશે જે માને છે તેની, તેના ઉત્તરોત્તર વધતા જતા આત્મવિશ્વાસની અભિવ્યક્તિઓ માત્ર જ હતી.
આ અનુભવથી અમે વ્યક્તિત્વ-કેન્દ્રિત વિકાસ અને ચારિત્ર્ય-કેન્દ્રિત વિકાસ વચ્ચેના ભેદથી વધુ સ્પષ્ટ થયાં અને પેલા વાક્યનો મર્મ સમજ્યાં કે :
‘હંમેશાં તમારા હૃદયને વીવળીને, ઊંડેઊંડેથી, ખૂબ જ ઉત્કટતાપૂર્વક તપાસ્યા જ કરો, તપાસ્યા જ કરો… કારણ કે તમારી જિંદગીને લગતી, બધી જ વાસ્તવિકતાઓનાં મૂળિયાં, તમારા હૃદયમાં જ આવેલાં છે.’
Your Content Goes Here




