આશ્રમમાં સવારે છ વાગે ઉકાળો મળે, આશ્રમમાં ચા બનતી જ નથી, કેટલીક ઔષધિઓને ભેગી કરી ઉકાળો બનાવવામાં આવે! સવારે 9:00 વાગે ભોજનપ્રસાદ, બપોરે ત્રણ વાગ્યે ફરી ઉકાળો અને સાંજે છ વાગે ભોજનપ્રસાદ. સાધુસંતોને મહારાજ પોતે દસ રૂપિયા પ્રણામી આપે. પૂજ્ય જગદીશ બાપુની તપસ્યા અને સેવાથી આશ્રમનો અભાવ તો દૂર થયો જ છે, પરંતુ આશ્રમ હવે નર્મદાના બંને તટના કેટલાય નાના નાના આશ્રમોને કરિયાણાની સહાય કરે છે! સાંજે ચાર વાગે પૂજ્ય બાપુ રામચરિત માનસ પર પ્રવચન આપે. પૂજ્ય બાપુનું રામચરિત માનસ પરનું પ્રવચન ભાવવાહી! એક ઘટના આજે પણ સંન્યાસીના કાનમાં ગૂંજે છે. હનુમાનજી મહારાજ લક્ષ્મણજીને માટે સંજીવની લાવ્યા હતા, એ પછીના સમયની આ ઘટના છે. હનુમાનજી મહારાજ પ્રભુ શ્રીરામચંદ્રજી પાસે બેઠા હતા ને શ્રીપ્રભુને કહે છે, ‘પ્રભુ, ભરતજી ખૂબ મોટા ભક્ત છે!’ શ્રીરામચંદ્રજી: ‘એમાં કોઈ શંકા જ નથી.’ હનુમાનજી મહારાજ: ‘ભરતજી સાચે જ મોટા ભક્ત છે.’ શ્રીરામચંદ્રજી: ‘હા, શ્રીભરતજી અનન્ય ભક્ત છે, તેનો જોટો જડે તેમ નથી.’ હનુમાનજી મહારાજ: ‘ભરતજી મહારાજ ખૂબ મોટા ભક્ત છે, એ મારા કરતાં પણ મોટા ભક્ત છે!’ ત્યારે પ્રભુ શ્રીરામચંદ્રજી હસી પડે છે અને હનુમાનજી મહારાજને કહે છે: ‘એ કેવી રીતે જાણ્યું કે ભરતજી તમારા કરતાં મોટા ભક્ત છે?’
હનુમાનજી મહારાજ કહે છે: “પ્રભુ! હું સંજીવની પહાડ લઈને અયોધ્યા પરથી આવી રહ્યો હતો ત્યારે ભરતજીએ આકાશમાં વિચિત્ર દૃશ્ય જોઈને ફણ વગરનું એક બાણ માર્યું અને હું ‘જય શ્રીરામ’ કહીને જમીન પર પડી અચેતન થઈ ગયો, ‘જય શ્રીરામ’નો નાદ સાંભળી ભરતજી અને બીજા લોકો દોડી આવ્યા. ભરતજીને થયું કે પોતાનાથી કોઈ અપરાધ થઈ ગયો છે, પ્રભુનો કોઈ ભક્ત હશે તે બેભાન થઈ ગયો. કંઈ વિશેષ કાર્ય માટે જતા હશે, તાત્કાલિક વૈદ્યને બોલાવે તો સારવારમાં સમય ઘણો થઈ જાય. ભરતજી મહારાજે તરત હાથમાં અંજલિ લીધી અને બોલવા લાગ્યા કે જો તન, મન, ધનથી પૂર્ણપણે શ્રીરામચંદ્રજીના ચરણમાં મારી ભક્તિ હોય તો આ સચેતન થઈ જાય અને હું ‘જય શ્રીરામ’ બોલીને ઊભો થઈ ગયો, ભરતજીને મેં વિગતે બધી વાત કરી. તરત જ તેમણે કહ્યું, ‘હનુમાનજી હું તમને મારા બાણ ઉપર આ જ ઘડીએ પર્વત સહિત રામજી પાસે પહોંચાડી દઉં.’ મેં કહ્યું, ‘પ્રભુની કૃપાથી ત્યાં પહોંચી જવાશે,’ એમ કહીને ભરતજીની વિદાય લીધી.”
આ સાંભળી શ્રીરામચંદ્ર પ્રભુએ કહ્યું, ‘તો એમાં ભરતજી મોટા ભક્ત કેવી રીતે થઈ ગયા તમારા કરતાં!’ હનુમાનજી મહારાજે કહ્યું, ‘પ્રભુ, જ્યારે હું અચેતન થયો ત્યારે ભરતજીએ અંજલિ લીધી અને મને ચેતન કરી દીધો. લક્ષ્મણજી મૂર્છિત હતા ત્યારે મને અંજલિ લેવાનો વિચાર ન આવ્યો! મારે તો દૂરથી સંજીવની લાવવી પડી, પ્રભુ! ભરતજી ખરેખર ખૂબ મોટા ભક્ત છે!ં’
પૂજ્ય જગદીશ બાપુનું ભાવવાહી સરળ પ્રવચન ખૂબ જ આનંદ આપનારું હતું. આમ, ત્રણ દિવસ ખૂબ જ આનંદમાં વિતાવ્યા. સંન્યાસી જવા માટે તૈયાર થતા હતા ત્યારે પૂજ્ય બાપુએ સાત દિવસ સુધી રોકાઈ જવાની આગ્રહપૂર્વક વિનંતી કરી. સંન્યાસીએ કીધું કે પોતાના વડા મથકના મુખ્ય સ્વામીજીને ચાતુર્માસ પછી જલદીમાં જલદી પરિક્રમા પૂરી કરીને ત્યાં પહોંચવાનું પત્ર દ્વારા વચન આપેલું છે. તેથી સંન્યાસી એક જ જગ્યાએ હવે વધુ સમય રોકાઈ શકે એમ નથી.
જગદીશ મઢીના બાપુ અંગે એક દંતકથા છે. વર્ષો પહેલાં બે-ત્રણ ઝંૂપડીમાં જ આશ્રમ ચાલતો હતો, છતાં પણ જેટલા પરિક્રમાવાસી સાધુસંતો કે ભક્તો આવે એમને ભોજનપ્રસાદ અવશ્ય પ્રાપ્ત થતો! એક વાર ઘણા સાધુસંતો આવી ગયા હતા અને આશ્રમમાં કરિયાણું હતું નહીં. બાપુ ગામમાં કરિયાણાવાળા પાસે ગયા તો કહ્યું કે પહેલાં અત્યાર સુધીના જે કાંઈ પૈસા બાકી છે, તે જમા કરો પછી જ વસ્તુઓ આપીશ.’ બાપુએ કહ્યું કે સાધુસંતો રાહ જાેઈને બેઠા છે, ભૂખ્યા જશે. બાપુ ખૂબ કરગરવા લાગ્યા કે આ વખતે આપી દો. દુકાનદારે કહ્યું, ‘આ વખતે આપી દઉં છું, પરંતુ હવે પછી પૈસા ભરપાઈ થશે, પછી જ મળશે.’ બાપુ કરિયાણું લઈ ગયા, પ્રેમથી રસોઈ બનાવડાવી ને બધાને ભોજન કરાવડાવ્યું. બીજે દિવસે દુકાનદાર આવ્યો અને બાપુને કહેવા લાગ્યો, ‘બાપુ, તમારે હવે જ્યારે કરિયાણું જોઈતું હોય ત્યારે લઈ જજો, તમે ગઈકાલે મોકલેલા પૈસા એક વૃદ્ધ માતાજી આપી ગયાં ને કહ્યું કે હવે ક્યારેય એને ના પાડતા નહીં.’ બાપુ તો આશ્ચર્યચકિત થઈને દુકાનદારને પૂછી બેઠા, ‘કોણ પૈસા આપવા આવ્યાં હતાં?’ દુકાનદાર કહે, ‘તમે જે વૃદ્ધ માતાજીને મોકલી આપ્યાં હતાં, એ જ આવ્યાં હતાં.’ બાપુએ કહ્યું, ‘મેં તો કોઈને પૈસા આપ્યા નથી, મારી પાસે તો પૈસા પણ નથી, એટલા બધા હું ક્યાંથી આપું!’ દુકાનદાર પણ આશ્ચર્યચકિત થઈને પૂછે છે, ‘તો એ માતાજી કોણ હતાં?’ ત્યારે બાપુએ કહ્યું, ‘ધન્ય છે, ધન્ય છે દુકાનદાર! તને નર્મદા મૈયાનાં વૃદ્ધ માતાજીના રૂપે દર્શન થયાં!ંં’
આશ્રમમાં સફાઈનો અભાવ હતો, કેટલાય સહેલાણીઓ સાંજે પ્રકૃતિ માતાનાં દર્શન કરવા જગદીશ મઢી આવતા હોય છે, તો હવે તમે વાટ કોની જુઓ છો! તમે પણ નીકળી પડો અહીંનાં દર્શને. આ ઉપરાંત, સંન્યાસીને અહીં રહેવાથી જે અનુભવ થયો, તે શબ્દો દ્વારા વ્યક્ત થઈ શકે એમ નથી, એટલે સંન્યાસીએ કલમ હવે નીચે મૂકી દીધી.

Your Content Goes Here





