(સપ્ટેમ્બર 2024 થી આગળ)
ઋગ્વેદ મૂર્તિ: ગંગા સ્યાત્ યમુના ચ યજુ: ધ્રુવમ્।
નર્મદા સામમૂર્તિ: તુ સ્યાત્ અથર્વા સરસ્વતી॥
૩૦ ઓક્ટોબર, ૨૦૧૫ને શુક્રવારના રોજ સવારે રામટેકથી ‘નર્મદે હર’ના નાદ સાથે સંન્યાસી પરિક્રમામાં આગળ વધ્યા. લગભગ આઠ કિલોમીટરનો પથ કાપી સવારે ૧૦:૩૦ વાગે નીલકંઠેશ્વર મહાદેવ- બુલબુલા કુંડ પાસેના મંદિરમાં પહોંચ્યા. પીઠ-મહંત રાજેશ્વર આનંદ ગીરી મહારાજનો સુંદર આશ્રમ હતો. આશ્રમમાં થોડી મદદ કરી ભોજન પ્રસાદ પ્રાપ્ત કર્યો. બપોરે બુલબુલા કુંડ જોવા ગયા. સતત તેમાંથી બુડ બુડ કરતો ગેસ નીકળતો હતો! જાણે નીચે ગેસનો ભંડાર ન હોય! કહે છે કેટલી કંપનીઓએ અહીં ગેસ કાઢવા માટેનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મશીનરી ડૂબી ગઈ હતી! ગમે તેમ કરીને જો ગેસનો ભંડાર નીકળી આવે તો દેશને કેટલી રાહત થાય! બપોરે કેટલાક પરિક્રમાવાસીઓ આવેલા હોવાથી બધા પાસેથી આશ્રમના બાપુએ આશ્રમ સફાઈ, વાસણ સફાઈ, શાકભાજી અમન્યા વગેરે સેવાકાર્ય કરાવી લીધાં. રાત્રે ભોજન-પ્રસાદમાં સોયાબીનનું મસાલેદાર શાક, રોટલી અને જામફળની ચટણી હતી! સંન્યાસીએ એમની નાની નોંધપોથીમાં ક્યારેક આવી ઝીણી ઝીણી વાતને પણ ટપકાવી લીધી હતી!
આમેય આટલું ચાલી અને પરિશ્રમ કર્યા પછી ગમે તેવું ભોજન પણ અમૃત સમાન લાગે!
૩૧ ઓક્ટોબર, ૨૦૧૫ના રોજ સવારે ‘નર્મદે હર’ના નાદ સાથે સંન્યાસી પરિક્રમામાં આગળ નીકળ્યા. ૬ કિમી દૂર સજોદમાં રુદ્ર કુંડ, નીલકંઠ મહાદેવ, બિલેશ્વર મહાદેવ, રાજરાજેશ્વરી મંદિર, ખપ્પરમાનું મંદિર, મેલડીમાનાં મંદિરોનાં દર્શન કર્યાં. ત્યાંથી એક ભક્ત સુંદર કેડી સુધી મૂકી ગયા. ત્યાંથી મોટીયેડ ગામમાં વૈદ્યનાથ મંદિરથી રણછોડરાયના મંદિરે બપોરે પહોંચી ગયા. ત્યાં સંન્યાસીએ આસપાસનાં ત્રણ ઘરમાંથી ભિક્ષા માગીને ઉદરપૂર્તિ કરી. બપોરે ૨ વાગે મોડિયા, શેરા થઈને ઉતરાજમાં દેવી દુર્ગા મંદિર, અનંતનાથ મંદિર દર્શન કરી હાસોટ પહેલાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શેરડીના રસનું આસ્વાદન કર્યું.
નવીનભાઈએ સંન્યાસી પાસે પોતાનું સ્કૂટર ઊભું રાખી ૨૦ રૂપિયા પ્રણામી આપી, સૂર્યકુંડ પાસે ધર્મશાળામાં રોકાઈ જવાનું સૂચન કર્યું અને રાત્રિનું ભોજન તે પહોંચાડી જશે, તેમ પણ જણાવ્યું. શ્રીશ્રી માની કૃપા! હાંસોટ પહેલાં મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના પરિક્રમાવાસી બે ભક્તો મળી ગયા અને જાણે ઘણા સમયથી ઓળખતા હોય તેવી રીતે સંન્યાસીને મળીને કહ્યું કે, મહારાજજી પરિક્રમામાં અમે તમારી સાથે ચાલીશું. સંન્યાસીએ પણ સહર્ષ અનુમોદન આપ્યું. પરિક્રમા દરમિયાન આવી રીતે કેટલાય પરિક્રમાવાસીઓ સાથે મળી જાય, વળી કોઈ આગળ નીકળી જાય, તો કોઈ પાછળ રહી જાય. ક્યારેક નિજાનંદમાં એકલા! સંન્યાસી આખી પરિક્રમાના લગભગ ૪૦% જેટલું એકલા ચાલ્યા છે. જેમ સંસારમાં જીવનો મેળાવડો થાય, અલ્પ સમય પછી મૃત્યુ વેશપલટો કરાવે, વળી બીજા જીવો સાથે મેળાવડો!!! અહીં પણ જાણે આવું જ કંઈક!
પૂછતાં પૂછતાં સૂર્યકુંડ પાસેની ધર્મશાળામાં પહોંચ્યા. ચારે તરફ એટલી ગંદકી, કચરો, કીચકાણ, ધર્મશાળા—તીર્થસ્થાન પણ એટલાં જ ગંદા, જાણે સાક્ષાત્ નરક! જેમ તેમ કરીને, થોડી સફાઈ કરીને આસન લગાવાયું. પછી સૂર્યકુંડ, હનુમાન મંદિર, રત્નેશ્વર, તિલેશ્વર તીર્થનાં દર્શન કરી નિત્યક્રમ પ્રમાણે થોડાં જપ-આરતી વગેરે પૂર્ણ કર્યાં. મોડી સાંજે નવીનભાઈ ભોજન લાવ્યા, તેના ત્રણ ભાગ કરી ત્રણેય પરિક્રમાવાસીએ પ્રસાદ ગ્રહણ કર્યો. રાત્રે સૂતી વખતે એટલા બધા મચ્છર કે જો મોઢું ખુલ્લું રાખીને સૂઈએ તો નાક કે મોઢામાં મચ્છર ચોક્કસથી ઘૂસી જાય! ચાતુર્માસ દરમિયાન રામાનંદ સંત આશ્રમના એક મહારાજ સંન્યાસીને સુંદર, મુલાયમ, વજનમાં હલકી, મચ્છરદાની આપી ગયા હતા. આજે એ મચ્છરદાની ખૂબ જ કામમાં લાગી ગઈ!
સવારે નિત્યક્રમ પૂરો કરી, ફરી તીર્થદર્શન કરી પરિક્રમામાં આગળ વધ્યા. હાસોટ ગામમાં તીર્થસ્થાન અને પરિક્રમાવાસીઓની સેવા માટે આગેવાનો અને લોકોનો ઉદાસીન ભાવ જોઈને મનમાં ખૂબ જ દુઃખ થયું. આગળ વૃક્ષોથી આચ્છાદિત રાજ્ય ધોરીમાર્ગ પર ચાલતા ખૂબ જ આનંદ થયો. ૬ કિમી દૂર વાસનોલીમાં વાસેશ્વર મહાદેવ તીર્થ તથા વિશ્વ મંગલ ટ્રસ્ટ આશ્રમમાં દુર્ગામંદિર-દર્શન કરીને આશ્રમ દ્વારા સંચાલિત સદાવ્રતમાંથી સામાન મેળવી મસાલા ખીચડી બનાવી. આશ્રમના ટ્રસ્ટી સાથે હાસોટ તીર્થની ગુણવત્તા સુધરે તે અંગે ચર્ચા થઈ, પણ આગેવાનોની ઉદાસીનતા જ મુખ્ય કારણ હતું. પછી થોડો વિશ્રામ કરી પોતાની નાનીશી નોંધપોથીમાં આ બધી ઘટનાઓ લખી. હવે આગળ ત્રણ કિલોમીટર દૂર હનુમાન ટેકરી, ત્યાંથી આશરે ૧૩ કિલોમીટર દૂર કતપોર કે વિમલેશ્વર, જ્યાંથી સમુદ્ર પાર કરવા માટે નૌકા પકડવી પડે.
ગંગામૈયા જેમ સમુદ્રને મળવા નજીક જાય, તેમ એની પહોળાઈ ખૂબ જ વધી જાય છે, ૪૨ કિલોમીટર દૂર ડાયમંડ હાર્બર પાસે તો ગંગા કેટલાય કિલોમીટર પહોળી! સાંભળ્યું હતું કે નર્મદાની જળરાશિ તો ગંગા કરતા કેટલી વિશાળ! દક્ષિણ તટના નર્મદા પરિક્રમા-માર્ગનો અંતિમ છેડો હનુમાન ટેકરીથી માત્ર ૧૩ કિમી, એટલે ટેકરી ઉપરથી દૂર દૂર સુધી નર્મદા મૈયાનાં દર્શન તથા એક બાજુ સમુદ્રબાબાની વિશાળ જળરાશિનો અદ્ભુત નજારો જોવા મળશે, એ હેતુથી આકર્ષાઈને સંન્યાસીએ હનુમાન ટેકરી ઉપર ચાતુર્માસ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ રામાનંદ સંત આશ્રમના પુજારી મહારાજ તથા અન્ય સંતોએ જગદીશ મઢીથી આગળના ભાગમાં મચ્છરોનો ઉપદ્રવ તથા વિશેષ સુવિધા નહીં હોવાનું સમજાવ્યું. જેવી શ્રીશ્રીમાની ઇચ્છા અને કૃપા, ચાતુર્માસ ખૂબ આનંદપૂર્વક રામાનંદ સંત આશ્રમમાં થયો હતો.
એ એક રીતે સારું જ થયું, કારણ કે અહીં હનુમાન ટેકરી નામ છે પણ ટેકરી જેવું તો કશુંય નથી, સમતલ જમીન પર આશ્રમ અને નર્મદા મૈયા તો ક્યાંય દૂર દૂર! હનુમાન ટેકરીથી તો શું, વિમલેશ્વરના અંતિમ છેડેથી પણ નર્મદાનાં દર્શન ન થાય!
આશ્ચર્ય! વાસ્તવમાં નર્મદા મૈયાની પહોળાઈ એટલી છે અને ભરતી-ઓટ આવતી હોવાથી આ તટ પર જન-વસતી નથી. વિમલેશ્વરથી કેનાલ જેવી ખાડીમાં ડીઝલ-નૌકા હોય, તેમાં ૪૦ માણસો બેસાડે અને સમુદ્રમાં જ્યારે ભરતી આવે અને ખાડી ભરાય ત્યારે જ નૌકા ચાલે! અને ૩૦-૪૦ કિલોમીટર પછી સમુદ્ર-દેવતાનાં દર્શન થાય! તેમજ એના પછી લગભગ એક કલાક નૌકા ચાલે ત્યાર પછી હોડીવાળો કહે કે અહીં નર્મદાનું સાગર સાથે સંગમ છે, ત્યારે પરિક્રમાવાસી નૌકામાંથી સંગમસ્થાને પૂજા કરે.
હનુમાન ટેકરી મંદિરના નિયમો થોડા આકરા. લઘુશંકા કે સ્નાનાદિ આશ્રમની બહાર પૂર્ણ કરી, શારીરિક રીતે સ્વચ્છ થઈને આશ્રમમાં આવવાનું. આશ્રમની આરતી તેમજ સ્તવમાં હાજર રહેવાનું. આશ્રમના અન્નક્ષેત્રમાં પ્રેમપૂર્વક ભોજન પ્રાપ્ત થાય. અહીં એક રાત્રી નિવાસ કરી, સંન્યાસી બીજે દિવસે સવારે ‘નર્મદે હર’ના નાદ સાથે રવાના થઈને કોટેશ્વર મહાદેવ તથા કતપોર પહોંચ્યા. અહીં ગોવિંદ બાપુ દ્વારા અન્નક્ષેત્ર ચાલતું હતું, પરંતુ વિમલેશ્વરના પંડિત સાથે અણબનાવ થતાં બધું છોડી હિમાલય તરફ પ્રયાણ કર્યું છે, એવું સાંભળ્યું. અત્યારે આશ્રમ ભેંકાર જણાતો હતો.
(ક્રમશ:)
Your Content Goes Here





