સ્વામીજીએ હર્ષભેર ભાવિ સ્ત્રીમઠની વાત શરૂ કરીને કહ્યું : ‘શ્રીશ્રીમા શારદાદેવીને પ્રેરણાના કેન્દ્ર તરીકે રાખીને ગંગાના પૂર્વ કિનારે એક મઠની સ્થાપના કરવી છે. જેમ અહીં બ્રહ્મચારીઓ અને સાધુઓને કેળવવામાં આવે છે, તેમ આ બીજા મઠમાં બ્રહ્મચારિણીઓ અને સાધ્વીઓને કેળવવામાં આવશે.’ શિષ્ય : સ્વામીજી! પ્રાચીન કાળે ભારતમાં સ્ત્રીઓ માટે આવા મઠો હતા કે કેમ તે વિષે ઇતિહાસમાં કોઈ ઉલ્લેખ નથી. માત્ર બૌદ્ધ કાળમાં સ્ત્રીઓ માટેના મઠ વિશે સંભળાય છે. પણ સમય જતાં તેમાં ઘણા દુરાચારો પેદા થયા. આખા દેશમાં અનેક દુરાચારો પથરાઈ વળ્યા. સ્વામીજીઃ આ દેશમાં જ્યારે વેદાંત એમ કહે છે કે એક જ ચેતન આત્મા બધા જીવોમાં રહ્યો છે, ત્યારે સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે આટલો તફાવત કેમ કરવામાં આવે છે તે સમજવું ઘણું મુશ્કેલ છે. તમે સદાય સ્ત્રીઓની ટીકા કર્યા કરો છો; પણ બોલો, તેમના ઉદ્ધાર માટે તમે શું કર્યું? સ્મૃતિઓ વગેરે લખીને અને તેમને સખત નિયમોના બંધનમાં નાખી દઈને પુરુષોએ સ્ત્રીઓને માત્ર પ્રજોત્પત્તિનું સાધન બનાવી દીધું છે. જે સ્ત્રીઓ ‘જગદંબા’ની જીવંત મૂર્તિસમાન છે, તેમનો ઉદ્ધાર નહિ કરો તો તમારે માટે પ્રગતિનો બીજો કોઈ માર્ગ છે, એમ માનશો જ નહિ.
શિષ્ય : પુરુષો માટે સ્ત્રીઓ બંધન અને પાશરૂપ છે; તેઓ તેમની માયાથી પુરુષોનાં જ્ઞાન અને વૈરાગ્યને ઢાંકી દે છે. હું માનું છું કે તે કારણે જ શાસ્ત્રકારો તેમને માટે જ્ઞાન અને ભક્તિ મેળવવાં મુશ્કેલ છે એમ સૂચવે છે. સ્વામીજી : ક્યા શાસ્ત્રોમાં તમે એવાં વિધાનો જોયાં છે કે સ્ત્રીઓ જ્ઞાન અને ભક્તિ માટે અધિકારી નથી? અધઃપતનના યુગમાં જ્યારે પુરોહિતોએ બીજા વર્ગોને વેદના અભ્યાસ માટે અનધિકારી ઠરાવ્યા ત્યારે તેમણે સ્ત્રીઓને પણ બધા અધિકારોથી વંચિત બનાવી. નહિ તો તમે જોશો કે વેદ કે ઉપનિષદોના કાળમાં મૈત્રેયી અને ગાર્ગી જેવી અન્ય પુણ્યશ્લોક સ્ત્રીઓએ બ્રહ્મ વિશેની ચર્ચાની કુશળતા દ્વારા ઋષિઓનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વેદમાં પારંગત એવા હજા૨ બ્રાહ્મણોની સભામાં ગાર્ગીએ બ્રહ્મ અંગેના વાદવિવાદમાં યાજ્ઞવલ્ક્યને હિંમતભર્યું આહ્વાન ફેંક્યું હતું. જો આવી આદર્શ – સ્ત્રીઓ આધ્યાત્મિક જ્ઞાનની અધિકારી હતી, તો પછી. આજની સ્ત્રીઓને તેવો અધિકાર શા માટે ન હોય? જે એક વખત બન્યું તે બીજી વખત જરૂર બની શકે; ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. સ્ત્રીઓને યોગ્ય સન્માન આપીને જ બધી પ્રજાઓ મહાન બની છે. જે દેશ અને જે પ્રજા પોતાની સ્ત્રીઓનું સન્માન કરતી નથી તે કદીય મહાન બની નથી, અને ભવિષ્યમાં કદી બનશે પણ નહિ. આપણી પ્રજા આટલી અધોગતિ પામી છે તેનું મુખ્ય કારણ એ છે કે આપણને શક્તિની આ જીવંત મૂર્તિઓ પ્રત્યે માન નથી. મનુ કહે છે :
યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ! (મનુસ્મૃતિ ૩ – ૫૬)
જ્યાં નારીઓ પૂજાય છે, ત્યાં દેવો આનંદ પામે છે.’ જ્યાં આમ નથી થતું, ત્યાં બધાં કર્મો અને પુરુષાર્થ નિષ્ફળ નીવડે છે. જે કુટુંબ કે દેશમાં સ્ત્રીઓ માટે માન નથી, જ્યાં તેઓ દુઃખમાં રહે છે, તે કુટુંબ કે દેશને માટે ઉન્નતિની કશી આશા નથી. આ કારણે જ સ્ત્રીઓને પહેલાં ઊંચે લાવવાની જરૂ૨ છે, તથા તેમને માટે એક આદર્શ મઠ સ્થાપવાની જરૂર છે.
શિષ્ય : આપનો એ વિચાર સારો હશે; પણ ત્યાં રહેવા માટે આપ સ્ત્રીઓ ક્યાંથી મેળવશો? અત્યારના સમાજનાં સખત બંધનોને કારણે પોતાના ઘરની સ્ત્રીઓને આપના મઠમાં જોડાવા કોણ રજા આપશે?
સ્વામીજી : એમ શા માટે વિચારો છો? આજે પણ શ્રીરામકૃષ્ણની સ્ત્રીશિષ્યાઓ છે જ ને? તેમની મદદથી હું આ મઠ શરૂ કરીશ. શ્રી શ્રીમા શારદાદેવી તેનું મધ્યવર્તી કેન્દ્ર બનશે, અને શ્રીરામકૃષ્ણના ભક્તોના ઘરની સ્ત્રીઓ અને કન્યાઓ તેમાં સૌથી પહેલી જોડાશે. કારણ કે આવા મઠની ઉપયોગિતા તેઓ સહેલાઈથી સમજશે, પછી તેમનો દાખલો લઈને ઘણા ગૃહસ્થીઓ આ ઉમદા કાર્યમાં મદદ ક૨શે.
– સ્વામી વિવેકાનંદ
Your Content Goes Here




