(ગતાંકથી આગળ)
ચાર મહિના પછી, મારા ગુરુદેવ જ્યારે જવાની તૈયારી કરવા લાગ્યા ત્યારે મને બહુ દુ:ખ થયું. દુર્જનનો સંગ બહુ દુ:ખ આપે છે અને સંતનો વિયોગ બહુ દુ:ખ આપે છે. મારા ગુરુદેવ એકાંતમાં વિરાજતા હતા ત્યારે મેં તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યા. હાથ જોડીને મેં પ્રાર્થના કરી: આપે મને બોધ આપ્યો, સાચું સુખ કયું તે આપે મને બરાબર સમજાવ્યું. હવે મારો ત્યાગ ન કરો. હું તમારી સેવા કરીશ. તમારું હલકામાં હલકું જે કામ હશે તે હું કરીશ, મને સાથે લઈ જાઓ.
મારા ગુરુદેવ મહાન જ્ઞાની હતા. વિધાતાના લેખ એ કપાળમાં વાંચી શકતા હતા. મારી સામે જોઈને મને કહ્યું: બેટા, અમે તો લઈ જઈએ, અમને વાંધો નથી પણ તારી મા બહુ દુ:ખી થશે. બેટા, અમને એવું દેખાય છે કે તારી માનો ઋણાનુબંધ દીકરો તું છે. માનું ઋણ તારા ઉપર છે. તું એક જ દીકરો છે, તું માની સેવા કર.માની સેવા એ ભગવાનની ભક્તિ છે. તારે ઘરમાં રહીને ભક્તિ કરવાની છે.
મેં ગુરુદેવને હાથ જોડી પ્રાર્થના કરી કે, આપે એક વાર કથામાં કહ્યું હતું, ‘આત્માનો સંબંધ પરમાત્મા સાથે છે; દેહનો સંબંધ માતા, પિતા, ભાઈ-બહેન સાથે છે. દેહધર્મ કરતાં પણ આત્મધર્મ શ્રેષ્ઠ છે. જીવ ઈશ્વરનો અંશ છે. આપે કથામાં સમજાવ્યું હતું કે કોઈ વખત દેહધર્મ અને આત્મધર્મનો જ્યારે વિરોધ આવે ત્યારે મહાપુરુષો દેહધર્મને ગૌણ ગણે છે, આત્મધર્મને મુખ્ય માને છે. આત્માનો ધર્મ છે પરમાત્મા સાથે પ્રેમ કરવાનો. કૈકેયીની આજ્ઞાનું પાલન ભરતજીએ કર્યું નથી. કૈકેયીની આજ્ઞા હતી કે ભરત ગાદીએ બેસે અને એનો રાજ્યાભિષેક થાય, ભરત રાજા થાય. માની આજ્ઞાનું પાલન કર્યું નથી. ભરતજીએ તો કૈકેયીનો તિરસ્કાર કર્યો છે: ‘વરદાન માગતાં તારી જીભ સડી કેમ ન ગઈ? કૈકેયી, મારા મનમાં એવી ઇચ્છા થાય છે કે હું તને મારું; પણ હું શું કરું? મારા રામ તને મા કહીને બોલાવે છે તેથી હું તને મારતો નથી.’ ભરતજીએ કૈકેયીની આજ્ઞાનું પાલન કર્યું નથી. પ્રહ્લાદજીએ પિતાની આજ્ઞાનું પાલન કર્યું નથી. હિરણ્યકશિપુનો દુરાગ્રહ હતો કે પ્રહ્લાદ ભગવાનની ભક્તિ ન કરે. જીવનો ઈશ્વર સાથેનો સંબંધ સાચો છે, જગત સાથેનો સંબંધ ખોટો છે. ભક્તિમાં જે સાથ આપે તે સાચા ગુરુ. પ્રેમથી સમજાવીને પાપ કરતાં જે અટકાવે, પ્રભુ-માર્ગમાં જે વાળે તે જ સાચા ગુરુ; સંસારસુખમાં ફસાવી રાખે તે તો વેરી. આપે કથામાં બધું કહ્યું હતું એ મેં ધ્યાનમાં રાખ્યું છે. મારી મા મને ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. હું તમારી કથા સાંભળતો તે તેને ગમતું ન હતું. હું હાથમાં માળા લઈને જપ કરું છું એ તેને ગમતું નથી. કહે છે: અત્યારથી જપ કરે છે? કથા સાંભળે છે? તું અભ્યાસ કર. અભ્યાસ કરીશ તો પરીક્ષામાં પાસ થઈશ ને સારી નોકરી મળશે. નોકરી મળશે તો પછી વહુ આવશે અને છોકરાં થશે.’ એ જ મજા છે. રસ્તે ફરનાર ચાર પગવાળાં પણ વંશવૃદ્ધિ કરે છે. ખરો આનંદ કયાં છે એ મારી મા જાણતી નથી. ખરો આનંદ કયાં છે તે આપે મને સમજાવ્યું. આપે મને સન્માર્ગ બતાવ્યો. મારી માની બહુ ઇચ્છા છે કે મારું લગ્ન થાય, મને છોકરાં થાય. માનો સંગ મને ગમતો નથી. આપે કથામાં કહ્યું હતું કે ભક્તિમાં બહુ વિઘ્ન કરે તેમને છોડી દેવાં. મીરાંબાઈને લોકોએ બહુ ત્રાસ આપ્યો હતો. સહન કરવાની પણ હદ હોય છે. મીરાંબાઈએ બહુ સહન કર્યું. એક વાર બહુ અકળાયાં. સામે ચિત્રકૂટમાં તુલસીદાસ મહારાજ વિરાજેલા હતા. મીરાંબાઈએ તુલસીદાસજીને પત્ર લખ્યો: હું ત્રણ વર્ષની હતી ત્યારથી જ ગિરધર ગોપાળમાં આસક્ત છું. મારી ઇચ્છા ન હતી છતાં લગ્ન થયાં. હું એક રાજાની રાણી છું. આ રાજમહેલમાં વિલાસી જીવન મને ગમતું નથી. હું પતિને પરમાત્મા માનું છું. વ્યવહારની મર્યાદા રાખીને ભક્તિ કરું છું, છતાં લોકો મને ત્રાસ આપે છે. હું શું કરું? તુલસીદાસ મહારાજે પત્રનો જવાબ આપ્યો: બેટા, સોનાની કસોટી થાય છે, પિત્તળની કોઈ કસોટી કરતું નથી. મનને સમજાવ કે કનૈયો તારી કસોટી કરે છે, ધીરજ ધર. જેને શ્રી સીતારામ વહાલા ન લાગે, જેને શ્રીકૃષ્ણમાં પ્રેમ નથી તેવા જીવને દૂરથી વંદન કર. વૈષ્ણવો વેર કરતા નથી, ઉપેક્ષા કરે છે.
जा के प्रिय न राम वैदेही, ताजीए ताही कोटि बैरी सम जद्यपि परम सनेही।
જેને શ્રી સીતારામ વહાલાં ન લાગે, જેને શ્રીરામમાં પ્રેમ નથી, એવાનો સંગ છોડી દો. મીરાંબાઈએ પત્ર વાંચ્યો. તેમણે મેવાડનો ત્યાગ કર્યો. શ્રીધામ વૃંદાવનમાં જઈને રહ્યાં. ઇતિહાસ એમ કહે છે કે મીરાંબાઈએ મેવાડ છોડયું પછી મેવાડ દેશ બહુ દુ:ખી થયો. યવનોનું આક્રમણ થયું. મીરાંબાઈ વિરાજતાં હતાં ત્યાં સુધી મેવાડ દેશ બહુ સુખી હતો.
જેને પ્રભુમાં પ્રેમ નથી એવા જીવને દૂરથી વંદન કરો. નારદજી કહે છે: મારી માને હું કથા સાંભળું, ભક્તિ કરું એ ગમતું નથી. માનો સંગ છોડીને હું તમારી સેવામાં આવું. પણ ગુરુદેવે કહ્યું: બેટા, અહીં જ ઠીક છે. ગમે તેવી પણ મા છે. તેણે તને બસો એંશી દિવસ પેટમાં રાખ્યો છે; માનો પ્રેમ અને ઉપકાર ભૂલીશ નહિ. બેટા, માની જે ભક્તિ કરે છે તે ભગવાનને ગમે છે. માએ તન આપ્યું છે, માએ કાંઈ મન આપ્યું નથી. મનથી ભગવાનની ભક્તિ કરજે અને તનથી માની ભક્તિ કરજે. ઘરનાં લોકોને તમારા મનની જરૂર નથી. ઘરનાં લોકો તન માગે છે, ભગવાનને તનની જરૂર નથી, ધનની જરૂર નથી, ભગવાન તમારું મન માગે છે. મેં મારા ગુરુદેવને પૂછયું કે મનથી ભગવાનની ભક્તિ કરવાની એટલે મારે શું કરવાનું? ગુરુદેવે કહ્યું: બેટા, આજથી એવી ભાવના રાખજે કે હું નંદબાબાના ઘરનો એક સાધારણ નોકર છું. વૈષ્ણવ તે છે જે મનથી ગોકુળ અને વૃંદાવનમાં રહે છે. તમારું મન જ્યાં છે ત્યાં તમે છો; તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી. જ્યાં મન છે ત્યાં જીવ છે. બેટા, મનથી ગોકુળ – વૃંદાવનમાં રહેવાનું. તું એવી ભાવના રાખજે કે બાલકૃષ્ણલાલ મારા માલિક છે; એ ઘૂંટણીએ ચાલતા હોય, મને જુએ, બાલકૃષ્ણલાલની મારા ઉપર નજર પડે. બેટા, મનથી ગોકુળ – વૃંદાવનમાં રહેજે.
ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે. જ્ઞાનમાર્ગમાં ધ્યાન મુખ્ય છે અને ભક્તિમાર્ગમાં ભાવના મુખ્ય છે. જ્ઞાની પુરુષો એવું માને છે કે મન એક જ છે અને તે ધ્યાન કર્યા સિવાય રહી શકતું નથી. પરમાત્માનું ધ્યાન ન થાય તો મન સંસારનું ધ્યાન કરે છે, અને સંસારનું ધ્યાન કરવાથી મન બગડે છે. માટે સદા પરમાત્માનું ધ્યાન કરવું. ધ્યાન કરવાથી જ્ઞાન વધે છે, ભાવનાથી ભક્તિ વધે છે. ગુરુદેવે કહ્યું: મનથી સતત એવું ધ્યાન કરજે: ‘હું ભગવાનના ઘરનો સાધારણ નોકર છું. મારા માલિક ગાયોની પાછળ ચાલે છે ત્યારે પગમાં જોડા પહેરતા નથી, ઉઘાડા પગે ચાલીને ફરે છે. મારા બાલકૃષ્ણલાલને ત્રાસ ન થાય તે માટે રસ્તામાં કાંટા-કાંકરા વીણીને રસ્તો સાફ કરું છું. મારા બાલકૃષ્ણલાલ શ્રીધામ વૃંદાવનમાં યમુનાજીના કિનારે મિત્રોની પંગતમાં ભોજન કરવા બેઠા છે. હું લાલાને માટે સરસ દ્રાક્ષ લઈને જાઉં છું. હું બાલકૃષ્ણલાલના મુખમાં દ્રાક્ષ અર્પણ કરું છું અને કનૈયો ધીરે ધીરે તે આરોગે છે. હું દર્શન કરું છું.’ એવી રીતે દર્શન કરીશ તો સમાધિ લાગશે. નાક પકડવાનું નહિ, પ્રાણાયામ કરવાનો નહિ. પ્રાણાયામ કરવાથી મન સ્થિર રહે છે; પણ પ્રાણાયામ છોડયા પછી મન ફરીથી કૂદાકૂદ કરે છે.
વૈષ્ણવો ભાવથી મનને ભગવાનના ધામમાં, ભગવાનની લીલામાં રાખે છે. ભક્તિમાં ભાવ મુખ્ય છે. મને મારા ગુરુદેવની આજ્ઞા હતી કે ‘હરે કૃષ્ણ’ મહામંત્રના બત્રીસ લાખ જપ કરજે. આ મહામંત્રના બત્રીસ અક્ષર છે. હરિ, કૃષ્ણ અને રામ – પરમાત્માનાં આ ત્રણ નામ અતિ દિવ્ય છે. હરિ નામનો જપ કરવાથી પાપ બળે છે. ‘શ્રીકૃષ્ણ, શ્રીકૃષ્ણ’ પ્રેમથી બોલી લાલાને કહેજે ‘મારા મનને તમે પ્રેમથી ખેંચી લેજો. મારું મન વિના કારણ સંસારમાં બહુ રખડે છે. મારા મનને હું સાચવી શકતો નથી, મારા મનનું આકર્ષણ તમે કરો.’
ॐ नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि।
प्रद्युम्नयानिरुद्धाय नम: संक्रान्ति च॥
विभु वंदुं वासदेव भगवान! ध्यान हुं धरुं।
पद्युम्न ने अनिरुद्ध संकर्षण प्रभु! नमुं॥
(૧-૫-૩૭)
શ્રીકૃષ્ણની આકર્ષણ શક્તિ દિવ્ય છે. ‘શ્રીકૃષ્ણ, શ્રીકૃષ્ણ’ પ્રેમથી બોલો. લાલાને પ્રેમથી પ્રાર્થના કરો, તો ધીરે ધીરે ભગવાન મનને ખેંચી લેશે. ભગવાન જેના મનનું આકર્ષણ કરે છે તેને રામ મળે છે; રામ એટલે આનંદ મળે છે. આ મહામંત્રના બત્રીસ લાખ જપ કરવાના છે.
નારદજી ગુરુદેવને કહે છે: મહારાજ, હું ભણેલો નથી. જપની ગણતરી કરતાં મને આવડતું નથી. ગુરુદેવે કહ્યું: બેટા, જપ કરવાનું કામ તારું છે, ગણતરી રાખવાનું કામ ભગવાનનું છે. જે બહુ પ્રેમથી ભગવાનના નામનો જપ કરે, પરમાત્માનું સ્મરણ કરે, શ્રી બાલકૃષ્ણલાલ તેની પાછળ પાછળ ચાલે છે. લાલો બ્રહ્માદિદેવોને આજ્ઞા કરે છે: આ જગતની ઉત્પત્તિ કરો, એક એકનો વિનાશ કરો. ઉત્પત્તિ અને વિનાશ – આ બે કામ બ્રહ્માદિ કરે છે. શ્રી બાલકૃષ્ણલાલ તો વૈષ્ણવ સાથે રમે છે. વૈષ્ણવ ઉપર લાલાને બહુ પ્રેમ છે. ભક્તની પાછળ પાછળ ચાલવાની લાલાને ટેવ છે. તમે ખૂબ જપ કરો. એમાં ગણતરી રાખશો નહિ. બહુ ગણતરી રાખશો તો કોઈને કહેવાનું મન થશે કે મેં એક કરોડ જપ કર્યા. આજ સુધી કેટલું ખાધું છે, માનવ તે ભૂલી જાય છે; કેટલા જપ કર્યા તે માનવ કોઈ દિવસ ભૂલતો નથી.
એક ભાઈ અમને કહેતા હતા કે મહારાજ, મેં ત્રણ કરોડના જપ કર્યા. હવે એની પૂર્ણાહુતિ કરવાનો વિચાર છે. પૂર્ણાહુતિમાં મારે શું કરવાનું? કોઈ એવું પૂછવા આવતો નથી કે ઘણાં વર્ષોથી હું દાળભાત ખાઉં છું, હવે મારે દાળભાતની પૂર્ણાહુતિ કરવી છે. અરે, ભોજનની પૂર્ણાહુતિ નહિ તો ભજનની, ભક્તિની પૂર્ણાહુતિ કેવી રીતે થાય? જીવનમાં છેલ્લા શ્વાસ સુધી પ્રભુના નામનો જપ કરવાનો છે.
મારા ગુરુદેવે મને આજ્ઞા કરી: ‘બત્રીસ લાખ જપ કર, તને અનુભવ થશે. જપ થયા પછી તારું નવું જીવન શરૂ થશે. ભગવાન કેવી લીલા કરે છે તે કોઈ સમજી શકતું નથી. કદાચ તારી માની બુદ્ધિ સુધરી જશે, કદાચ ભગવાન માને ઉઠાવી લેશે. બેટા, માને ગમે તેવું જ બોલજે, માને માન આપજે, માને વંદન કરજે. માના તને આશીર્વાદ મળે તો ભક્તિમાં જરા પણ વિઘ્ન આવશે નહિ. મારા ગુરુદેવે મને આવો બોધ આપ્યો.’
પછી તો ગુરુદેવ પધાર્યા. ગુરુદેવના વિયોગમાં મને બહુ દુ:ખ થયું. મારા ઉપર કેવો પ્રેમ રાખતા હતા! પૂર્વજન્મના ગુરુદેવનું સ્મરણ કરતાં નારદજીની આંખમાં આંસુ આવી ગયાં. કહ્યું: મને કોઈ માન આપે ત્યારે મારા ગુરુદેવ યાદ આવે છે. આ બધી એમની જ કૃપા છે. મારા ગુરુદેવના ઉપદેશનું સ્મરણ રાખી બાર વર્ષ હું ઘરમાં રહ્યો. તનથી મેં માની ભક્તિ કરી; મનથી હું ગોકુળ વૃંદાવનમાં રહેતો હતો. મંત્રનો જપ કરતાં કરતાં મેં શ્રીકૃષ્ણની ભક્તિ કરી, સેવા કરી. બત્રીસ લાખ જપ થયા પછી પ્રભુને દયા આવી. એક દિવસ એવું થયું, મારી મા સાયંકાળે દૂધ દોહવા માટે ગૌશાળામાં ગઈ. અંધારામાં દેખાયું નહિ. માનો પગ સર્પ ઉપર પડયો. સર્પદંશ થયો. માનું મરણ થયું. માનું મરણ થયું ત્યારે હું કંઈ બહુ દુ:ખી થયો નહિ. પ્રભુએ જે કર્યું તે બહુ સારું કર્યું. મેં પરમાત્માનો અનુગ્રહ માન્યો.
अनुग्रहं मन्यमान:।
આસક્તિનો એક ધાગો હતો તે ભગવાને કાપી નાખ્યો. હવે હું ભગવાનનો થયો. ભગવાન સિવાય મારે કોઈ નથી, એ આનંદમાં હું રહેતો.
ઘરમાં જે કાંઈ હતું તે મેં માની પાછળ વાપરી નાખ્યું. એક વસ્ત્રભેર મેં ઘર છોડયું. મારા ગુરુદેવની કથામાં મેં સાંભળ્યું હતું કે મારા ભગવાન તો નાસ્તિકનું પણ પોષણ કરે છે; હું તો ભગવાનનો છું. પશુપક્ષીઓ પણ ખાવાની ચિંતા કરતાં નથી. પશુઓ સંગ્રહ કરતાં નથી. પશુપક્ષી ભગવાનમાં વિશ્વાસ રાખે છે. જે પરમાત્માએ આજે ખાવાનું આપ્યું છે તે ભગવાન આવતી કાલે પણ કંઈક આપશે. એક માનવ જ ખાવાની ચિંતા બહુ કરે છે. મને પ્રભુમાં વિશ્વાસ હતો.
જપ કરવાનો મારો અભ્યાસ એવો દૃઢ થયો હતો કે રસ્તે ચાલતાં પણ જપ થયા કરતો. બોલતાં પણ અંદર મંત્રની ધારા તૂટતી નહિ. સ્વપ્નમાં પણ હું ભગવાનના નામનો જપ કર્યા કરતો. પરમાત્માના નામમાં જે તન્મય બને છે તે એક દિવસ પરમાત્માનું સ્વરૂપ પામે છે. સતત જપ કરે તે તન્મય થઈ શકે છે. પ્રભુના નામમાં મારી તન્મયતા થઈ. બાર વર્ષમાં અનેક તીર્થોનું મેં ભ્રમણ કર્યું. મને બરાબર યાદ છે કે કોઈ દિવસ હું માગવા ગયો નથી, છતાં મારા ભગવાનની એવી કૃપા હતી કે કોઈ દિવસ હું ભૂખ્યો રહ્યો નથી. મને ભૂખ લાગે ને ભગવાન કોઈને પ્રેરણા કરે; વગર માગ્યે મને ખાવાનું મળતું.
એક વાર ફરતાં ફરતાં હું ગંગાકિનારે ગયો. ગંગાજીમાં સ્નાન કર્યું. ગંગાકિનારે ઝાડ નીચે બેસીને હું ધ્યાન સાથે જપ કરવા લાગ્યો. મારું મન હવે પવિત્ર થયું હતું. પવિત્ર મનમાં પરમાત્માનાં દર્શનની ભાવના જાગી. માનવનું મન મેલું છે, તેથી પ્રભુ-દર્શનની ઇચ્છા જાગતી નથી. મારું મન શુદ્ધ થયું હતું. ભાવનાથી તો હું શ્રીકૃષ્ણનાં દર્શન અનેકવાર કરતો હતો. હવે મારા મનમાં ભાવ જાગ્યો કે મારે પરમાત્માનાં પ્રત્યક્ષ દર્શન કરવાં છે. અને તે સમયે મને સુંદર પ્રકાશ દેખાયો, જેનો રંગ નીલો હતો. મેં તેજ જોયું. મને આનંદ થયો. મારી દૃષ્ટિ તેજમાં હતી. ‘હરે કૃષ્ણ’નો મહામંત્ર પણ ચાલતો હતો. તે સમયે પ્રકાશમાંથી પરમાત્માનું સ્વરૂપ પ્રગટ થયું. મારા ઈષ્ટદેવ – પાંચ વર્ષના શ્રી બાલકૃષ્ણલાલ પ્રગટયા. લાલાનું સ્વરૂપ મને બહુ ગમતું હતું. યશોદામાએ લાલાને સુંદર પીળું પીતાંબર પહેરાવ્યું છે, કેડમાં કંદોરો ધારણ કર્યો છે, કાનમાં કુંડળ છે, નાકમાં મોતી છે, કપાળમાં સુંદર તિલક છે, રેશમ જેવાં વાંકડિયા વાળ છે, મોરપીંછનો મુગટ શોભે છે, ડાબે ખભે ડાબો ગાલ ઝુકાવ્યો છે, હાથમાં વાંસળી છે, ગાલમાં ધીરે ધીરે સ્મિત હાસ્ય કરે છે, આંખમાં કેવળ પ્રેમ ભરેલો છે. બાલકૃષ્ણલાલ મને પ્રેમથી જુએ છે. મને તે સમયે દર્શનમાં જે આનંદ થયો તે આનંદનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતીના કોઈ શબ્દમાં નથી. મને અતિશય આનંદ થયો. મારા મનમાં એવો ભાવ જાગ્યો કે હું દોડતો જાઉં, એમનાં ચરણમાં પડું. એ મારા માલિક છે, હું એમનો સાધારણ નોકર છું, એવો ભાવ મેં દૃઢ કર્યો છે. માલિક અતિ ઉદાર છે, અતિ પ્રેમાળ છે. હું ચરણમાં વંદન કરીશ. માલિક મારા માથે હાથ મૂકશે. હું વંદન કરવા દોડયો પણ તે સમયે ભગવાન અંતર્ધાન થયા. પછી તો મેં બહુ પ્રાર્થના કરી ત્યારે આકાશવાણીથી આજ્ઞા થઈ. તારી ભક્તિ દૃઢ કરવા માટે મેં દર્શન આપ્યાં છે. મારાં દર્શન થયાં એવું કોઈને કહીશ નહિ. તારા ગુરુદેવે તને જે માર્ગ બતાવ્યો છે તે યોગ્ય છે. આ જન્મમાં હવે તને દર્શન થશે નહિ.
જે જગ્યાએ મને ભગવાનનાં દર્શન થયાં, મેં માની લીધું કે આ ભગવાનનું ધામ છે. આ ગંગાકિનારો, આ જગ્યા મારે હવે છોડવી નથી. ત્યાં જ હું રહ્યો. મહારાજ, આપને શું કહું? મારા મરણના છ મહિના પહેલાં મેં અનુભવ્યું હતું કે આ શરીરથી આત્મા જુદો છે. આ શરીર તે હું નથી. મારી જડ-ચેતનની ગાંઠ છૂટી ગઈ હતી. શરીર જડ છે; આત્મા ચેતન છે. આ બેની ગાંઠ પડી હતી. વેદાંત કહે છે આ ગાંઠ ખોટી છે. ખોટી છે છતાં બધાને રડાવે છે, બહુ ત્રાસ આપે છે. ખોટું સ્વપ્ન દુ:ખ આપે છે. પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરો તો જ આ ગાંઠ છૂટે છે. પરમાત્મા સાથે અતિશય પ્રેમ ન કરે ત્યાં હૃદયની બળતરા શાંત થતી નથી. મૃત્યુના છ મહિના પહેલાં મારી ગાંઠ છૂટી પડી તેમ મેં જોયું હતું. ગમે તેટલી જાત્રા કરો, તમારી ગાંઠ નહિ છૂટે. તમે યજ્ઞ કરો, મંદિરનો ર્જીણોદ્ધાર કરો, ગરીબોને જમાડો – આ સત્કર્મથી પુણ્ય વધશે, પણ ગાંઠ છૂટશે નહિ. અતિશય ભક્તિ વધે તો જ જડ-ચેતનની આ ગાંઠ છૂટે છે. મેં જે ભક્તિ કરી હતી એનું ફળ મને મળ્યું. તે મેં અંતકાળમાં જોયું.
મરણ વખતે મને જરાય દુ:ખ થયું ન હતું, જરા પણ ત્રાસ થયો ન હતો. મારા શ્રીકૃષ્ણનું ધ્યાન કરતાં કરતાં મેં શરીર છોડયું. માખણમાં વાળ હોય તો તેમાંથી વાળને બહાર કાઢતાં જરા પણ ત્રાસ થતો નથી. પણ સુકાયેલા છાણના ગોળામાં વાળ હોય તેને બહાર કાઢતાં બહુ ત્રાસ થાય છે. તે રીતે સંતોને શરીર છોડતાં જરાય દુ:ખ થતું નથી. પણ જેનું મન સંસારના કોઈ વિષયમાં ફસાયું હોય તેને શરીર છોડતાં અતિ ત્રાસ થાય છે. શરીર છોડવું ગમતું નથી, યમદૂતો એને શરીરમાં રહેવા દેતા નથી; એ જીવને શરીરમાંથી ધક્કો મારીને બહાર કાઢે છે.
શરીર છોડીને હું બ્રહ્મલોકમાં ગયો; અને બ્રહ્માજીને ત્યાં નારદજી રૂપે મારો જન્મ થયો. પૂર્વજન્મના કર્મનું ફળ મને આ જન્મમાં મળ્યું. પૂર્વજન્મમાં સતત ભજન કરેલું તે આ જન્મમાં મારું મન પરમાત્મામાં સ્થિર થયું છે, મારું મન હવે સંસાર તરફ જતું નથી.
એક વાર ફરતાં ફરતાં શ્રીધામ વૈકુંઠમાં હું ગયો, જ્યાં સુવર્ણ – સિંહાસનમાં લક્ષ્મીજી સાથે ભગવાન નારાયણ વિરાજ્યા છે, જ્યાં સોનાનાં શિંગડાંવાળી ગાયો છે, જ્યાં રજોગુણને પ્રવેશ મળતો નથી, જ્યાં શુદ્ધ સત્ત્વગુણ છે, જ્યાં નિત્ય લીલા છે, જ્યાં કેવળ આનંદ છે. વૈકુંઠમાં કાળનો પ્રવેશ નથી. જ્યાં કામ જઈ શકે નહિ ત્યાં કાળ પણ જઈ શકે નહિ. ભગવાનના ધામમાં કામને પ્રવેશ નથી. તેથી વૈકુંઠધામમાં કાળ આવી શકે નહિ. ત્યાં લક્ષ્મીનારાયણનાં દર્શન કરતાં મને અતિશય આનંદ થયો. દર્શન કરતાં કરતાં મેં પ્રેમથી કીર્તન કર્યું. પ્રભુ બહુ પ્રસન્ન થયા. પ્રભુએ મને કંઈ આપ્યું નથી, આ તંબૂરો આપ્યો અને કહ્યું કે, હાથમાં રાખી મારી કથા કર. મારા નામનું કીર્તન કર. જ્યાં તું મારા નામનું કીર્તન કરશે, કથા કરશે ત્યાં લક્ષ્મીજીને લઈને હું આવીશ. મારી કથામાં, કીર્તનમાં પરમાત્માને બહુ આનંદ આવે છે. પ્રભુએ મને કહ્યું: ‘બેટા, એવાં કથા-કીર્તન કર કે તે સાંભળીને જીવ મારાં ચરણમાં આવે. જે જીવ મારાથી વિખૂટો થયો છે, માયાના પ્રવાહમાં જે તણાયો છે, સંસારમાં રખડે છે, તેવા જીવને મારી સન્મુખ લઈ આવ.’ મને ભગવાન એવી આજ્ઞા કરે છે. માયાના પ્રવાહમાં તણાતા જીવને હું પરમાત્માની સન્મુખ લઈ જાઉં છું. પ્રભુની મારા ઉપર બહુ કૃપા છે. મહારાજ, આપ એવી કથા કરો કે કથા સાંભળનારને કનૈયો વહાલો લાગે, પ્રભુમાં પ્રેમ જાગે, કથા સાંભળનારનાં પાપ બળે, એનું જીવન સુધરે.
વ્યાસ મહર્ષિએ નારદજીને કહ્યું છે કે તમે જ હવે કથા કરો અને હું લખી લઉં. નારદજીએ કહ્યું: મહારાજ, તમને કથા કોણ સંભળાવે? તમે બધું જાણો છો. હવે સમાધિમાં બેસો. સમાધિમાં જે દેખાય તે બોલો. ‘નારાયણ, નારાયણ’ કીર્તન કરતાં કરતાં નારદજી બ્રહ્મલોકમાં પધાર્યા છે. વ્યાસ મહર્ષિએ પવિત્ર ગંગાજળનું આચમન કર્યું છે. વ્યાસજી પ્રાણાયામ કરે છે. એમને દિવ્ય પ્રકાશ દેખાય છે, સમાધિ લાગે છે. પ્રકાશમાં શ્રીધામ વૃંદાવનનાં દર્શન થયાં. નંદબાબાનો રાજમહેલ દેખાયો. યશોદામાની ગોદમાં શ્રીબાલકૃષ્ણલાલ રમે છે. ટચલી આંગળીમાં ગિરિરાજ ગોવર્ધન ધારણ કર્યો છે. એકએક ગોપી સાથે એકએક કૃષ્ણ સ્વરૂપ છે. મધ્યમાં રાધામાધવ છે. વ્યાસજીને રાસનાં દર્શન થયાં. એકેએક બાળલીલાનાં દર્શન થયાં. સમાધિમાં જે દેખાયું તે વ્યાસ મહર્ષિ બોલ્યા છે.
ઈતર પુરાણોમાં વ્યાસજીની લૌકિકી ભાષા છે, ભાગવતમાં સમાધિ ભાષા છે. આંખને ખોટું પણ દેખાય છે. આંખને દેખાય તે સાચું નથી હોતું. જાદુગરના જાદુના ખેલમાં રૂપિયાનો ઢગલો દેખાય છે. આંખને રૂપિયા દેખાય છે પણ તે માટી હોય છે. તે સાચા રૂપિયા હોય તો જાદુગર ભીખ શા માટે માગે? આંખને ખોટું પણ દેખાય છે. આંખ બંધ રાખી પરમાત્માનું ધ્યાન કરતાં, સમાધિમાં સત્ય વસ્તુનો સાક્ષાત્કાર થાય છે. સમાધિમાં દેખાય છે તે સત્ય છે.
Your Content Goes Here




