तदर्पिताखिलाचारः सन् कामक्रोधाभिमानादिकं तस्मिन्नेव करणीयम् ॥ ६५ ॥

(तदर्पिताखिलाचारः, એને જ બધાં કર્મો સમર્પિત કરતો; सन्, એવો થતો; कामक्रोधाभिमानादिकं, કામના, ક્રોધ અને અભિમાન વગેરે; तस्मिन, તેમાં; एव, જ; करणीयम्, કરવું જોઈએ.)

૬૫. ભક્તે બધાં જ કાર્યો ઈશ્વરને સમર્પિત કરી દેવાં જોઈએ અને કામનાઓ, ક્રોધ અને અભિમાન વગેરેને ભગવાન તરફ જ વાળી દેવાં જોઈએ.

મનુષ્યે પોતાનાં બધાં જ કર્મો ભગવાનને ચરણે સમર્પિત કરી દેવાં જોઈએ. કામ, ક્રોધ, અહંકાર વગેરે બધું જ સમર્પિત કરી દેવું જોઈએ. એવી જે વૃત્તિઓથી આપણે સામાન્ય રીતે દૂર રહેવું જોઈએ, તે બધી વૃત્તિઓ પણ કેવળ ભગવાન તરફ જ વાળી દેવી જોઈએ. જો આપણને કોઈની સાથે એક્તા સાધવાની મરજી થઈ હોય, તો એવી મરજીને પણ ભગવાન તરફ વાળી દેવી – સંક્રાન્ત કરી દેવી – જો આપણે કોઈક ઉપર ક્રોધ કરવો હોય, તો આપણે એ ક્રોધ આપણા પોતાના ઉપર જ કરવો કારણ કે આપણે એ પરાભક્તિ સુધી પહોંચવાના પ્રયત્નમાં નબળા પડ્યા છીએ એમ સમજવું. જો આપણામાં અહંકાર આવ્યો હોય તો આપણા પરમોચ્ચ ભગવાન તરફના આપણા સંબંધના ગૌરવનું એને રૂપ આપી દેવું.

શ્રીરામકૃષ્ણ જેમ કહે છે કે તમારામાં જો અહંકાર હોય, તો તે આ પ્રકારનો જ અહંકાર હોવો જોઈએ કે ‘હું ભગવાનનો પુત્ર છું, હું ભગવાનનો દાસ છું, હું એનો જ એક અંશ છું.’ આ પ્રકારનો અહંકાર સહાયક નીવડે છે. એ કશું નુકસાન નહિ કરે.

એટલે આવી બાબતોનું રૂપાન્તર ઉચ્ચતર ગુણોમાં કરી દેવું. કામ-ક્રોધ-અહંકાર આમ તો ભગવાનથી દૂર લઈ જનારી બાબતો છે. પરંતુ જો એ બધીને ભગવાન સાથે જ સાંકળી દેવામાં આવે તો એ ઊર્ધ્વગામિતાની અસરવાળી બની જશે. એ ભગવત્પ્રાપ્તિમાં કોઈ વધારે અવરોધ ઊભો નહિ કરે. ઊલટું એ મનુષ્યની આધ્યાત્મિક પ્રગતિમાં સહાય કરશે એટલા માટે શ્રીરામકૃષ્ણ ઘણી વખત કહેતા :

મનુષ્યે એ વૃત્તિઓને ભગવાન તરફ વાળી દેવી; મનુષ્યે એને નવો જ વળાંક આપી દેવો, તો એ વૃત્તિઓ મનુષ્યને જ્યાં ત્યાં ભટકતો અટકાવી દઈને લક્ષ્ય સુધી પહોંચાડવામાં મદદ કરશે. એમના જ શબ્દોમાં કહીએ તો, ‘જો તમે તમારા ‘તમસ્‌’ને આધ્યાત્મિક વળાંક આપી શકતા હો, તો તમે એની જ મદદથી ઈશ્વરનો સાક્ષાત્કાર કરી શકો છો.’ (ગોસ્પેલ, પૃ. ૧૪૭)

તો આવો આ સૂત્રનો ભાવ છે. મેં આની પહેલાં ‘દમન’ને બદલે ‘ઊર્ધ્વીકરણ’ની વાત કહી હતી, એ જ વિચાર અહીં અભિવ્યક્ત થયો છે. એ બધું દિવ્ય પરમસત્તા સાથે સમ્બદ્ધ હોવું જોઈએ. જીવનની આપણી મહત્ત્વાકાંક્ષા અને આપણું બધું જ તેના તરફ દોરાવું જોઈએ. જો એમ દોરાઈ જાય તો પછી દમન કરવાની કશી જ જરૂર નથી; તો પછી કોઈ ગડમથલ ઉત્પન્ન જ નહિ થાય. આપણું બધું જ ભગવાન તરફ પ્રવાહિત થયું હશે. અને તેથી આપણી પ્રગતિ સરળ, પ્રતિબન્ધરહિત, અને આપણને હંમેશાં બાંધી રાખતાં વલણોમાંથી છોડાવનારી બની રહેશે.

અહીં તો માત્ર એક દૃષ્ટાંતની આપવા માટે જ આ વિચારો રજૂ કર્યાં છે. પણ આ વિચાર એટલા મહત્ત્વના છે કે દરેક મનુષ્યે આ વિચારો પર ઊંડું મનન કરવું જોઈએ. આપણે આ વિચારને માત્ર ઉપરછલ્લી દૃષ્ટિએ જ ન નિહાળવા જોઈએ અને પછી એની ઉપેક્ષા ન કરી દેવી જોઈએ. કારણ કે એ વિચારોના માર્ગાન્તરીકરણ કે ઊર્ધ્વીકરણની ઉપેક્ષા કરવામાં આવે, તો તે આપણા વિચાર સાથે સુસંગત નહિ થાય અને વિચારો બેસૂરા બની જશે. આપણે સમજવા માટે પ્રયોગ કરીને એમાં રહેલા તથ્યને ખોળવા પ્રયત્ન કરવો જોઈએ. કેટલાકને આ વિચારો નવીન લાગશે. પરંતુ સેંકડો વરસોથી આ વિચારોના પ્રયોગો થયા જ કર્યા છે. અને એનાં પરિણામો ખૂબ અસરકારક નીવડ્યાં છે.

त्रिरूपभंगपूर्वकं नित्यदास्य- नित्यकान्ताभजनात्मकं प्रेम (एव) कार्य प्रेमैव कार्यम् ॥ ६६

(त्रिरूपभंगपूर्वकम्‌, ત્રણ પ્રકારની ગૌણી ભક્તિને અતિક્રમીને; नित्यदास्य- नित्यकान्ताभजनात्मकं, દાસ તરીકે કે પત્ની તરીકેની સતત સેવા પૂર્વકનો; प्रेम कार्यम्‌, મનુષ્યે ઈશ્વર પ્રત્યે કરવો જોઈએ; प्रेम एव कार्यम्‌, મનુષ્યે કેવળ ઈશ્વર તરફ પ્રેમ જ રાખવો જોઈએ.)

૬૬. ગૌણી ભક્તિનાં ત્રણેય રૂપોનું અતિક્રમણ કરીને મનુષ્યે કાં તો દાસ તરીકે અથવા તો પત્ની તરીકે ભગવાનની સતત સેવા કરતા રહેવું અને એને જ પ્રેમ કર્યા કરવો જોઈએ.

આ પહેલાંનાં સૂત્રોમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, તે બતાવવામાં આવ્યું છે. હવે નારદ સમજાવે છે કે આપણો પ્રેમ કેવળ ઈશ્વરને જ સમર્પી દેવો જોઈએ. આપણે પ્રેમ ભગવાન તરફ વાળી દેવો જોઈએ. આ વાત ઉપર ભાર મૂકવા માટે કથન લેવામાં આવ્યું છે. આ વિધાનાત્મક પાસું છે. અને પછી એનું નકારાત્મક પાસું પણ છે તે એ કે પેલા ૫૬મા સૂત્રમાં બતાવેલી ત્રણગુણોવાળી ગૌણી ભક્તિનો ત્યાગ કરી દેવો. ગૌણી ભક્તિનું એક જૂથ છે સત્ત્વ, રજસ અને તામસ. અને બીજું જૂથ છે આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી.

‘આર્ત’ ભક્ત બાકીના બે કરતાં શા માટે ચડિયાતો છે, તેમજ ‘સાત્ત્વિક’ ભક્ત ‘રાજસિક’ અને ‘તામસિક’ ભક્ત કરતાં શા માટે વધારે ઊંચેરો છે, તે વાતની ચર્ચા તો અગાઉ કરી જ ચૂક્યા છીએ. અહીં તો એ ઊંચેરાઓને પણ અતિક્રમી જવાની વાત છે. તો એ સીમા પણ ઓળંગી જવા માટે બીજું શું કરવું જોઈએ? નારદ કહે છે કે એ માટે ભગવાનની સતત અને અવિચ્છિન્ન રૂપે સેવા કરવી જોઈએ. અને સેવા કાં તો દાસ તરીકે અથવા તો પત્ની તરીકે બનીને કરવી જોઈએ. પણ આ સેવા ધારાવાહિક રૂપે ચાલવી જોઈએ. સ્થૈર્યપૂર્વક ચાલવી જોઈએ. જીવનમાં કેટલીય તડકી -છાંયડીઓ આવે, છતાં ભક્તની ભક્તિપૂર્વકની સેવા તો નિરંતર ચાલુ જ રહેવી જોઈએ. આને ભગવાન પ્રત્યેનો સાચો પ્રેમ કહેવાય. નારદ જ્યારે એમ કહે છે કે કેવળ આ પ્રેમની એકની જ સાધના કરવી જોઈએ, ત્યારે એના ઉપર ખૂબ જ ભાર મૂકીને ફરી વખત કહે છે કે કેવળ આ પ્રેમની જ સાધના કરવી જોઈએ.

भक्ता एकान्तिनो मुख्याः ॥ ६७ ॥

(भक्ता, ભક્તો; एकान्तिनः, જેઓ ભગવાન પ્રત્યે એકાગ્ર પ્રેમ રાખે છે તે; मुख्याः, પ્રથમ છે.)

૬૭. મુખ્ય – પ્રથમશ્રેણીના – ભક્તો એ છે કે જેમને ભગવાન પ્રત્યે એકાગ્ર પ્રેમ હોય છે.

જેમને ભગવાન તરફ અનન્ય – એકાગ્ર પ્રેમ હોય છે, કેવળ ભગવાનને માટે જ પ્રેમ હોય છે, તેઓ પ્રથમ છે – મુખ્ય છે. અહીં ‘પ્રથમ’નો અર્થ, એવા ભક્તો ઉચ્ચતમ વર્ગમાં આવે છે, એવો છે. આ શ્રેષ્ઠ ભક્તોને માટે અહીં બે મુદ્દા કહેવામાં આવ્યા છે. એક તો પ્રેમ એકાગ્ર હોવો જોઈએ એટલે કે ભક્તિ વિવિધ વસ્તુઓમાં વેરવિખેર થયેલી ન હોવી જોઈએ. કારણ કે ભગવાન એક જ એનું લક્ષ્ય, સમગ્ર મનનું જ સમર્પણ ભગવાનનાં ચરણે થઈ જવું જોઈએ. ભગવાન અને ફક્ત ભગવાન જ! બીજા કોઈનું પણ એના મનમાં સ્થાન ન હોવું જોઈએ – ન કોઈ વ્યક્તિ કે ન કોઈ પદાર્થ – કેવળ ભગવાન જ!

આનો શો અર્થ છે? શું આનો અર્થ એમ થાય છે કે એવા ભક્તે બીજા બધા લોકો પ્રત્યે બેદરકાર બની જવું? ના, એવું નથી જ. બીજા લોકોમાં એ ભક્ત જેટલે અંશે ભગવાનને જુએ છે, તેટલા પ્રમાણમાં એ બધા લોકો એના પ્રેમના વિષયો બની રહે છે. એ ભક્ત કંઈ મનુષ્યોને ‘મનુષ્યો’ તરીકે ચાહતો હોતો નથી. પણ એ એટલા માટે લોકોને ચાહે છે કે લોકોમાં ભગવાનની અભિવ્યક્તિ થયેલી એ જુએ છે. એટલે એ કોઈપણ પ્રત્યે લાપરવા તો બનશે જ નહિ. અહીં તો ફક્ત એ વાત ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે કે તે ભક્તની ભક્તિ એકાગ્ર હોવી જોઈએ. એ ભક્તિ કોઈ અન્ય પદાર્થોમાં વેરવિખેર થઈ જવી ન જોઈએ. બાઈબલમાં કહ્યું છે કે ‘હું ઈર્ષ્યાળુ પ્રભુ છું.’ ભગવાન ભક્તિમાં ભાગ પડાવનારને સહન કરી શકતા નથી. ભક્તિનો એક ભાગ ભગવાનનો અને બીજો ભાગ ભાગીદારનો એવું હોઈ શકે નહિ. ભગવાન તો આખાય મનને રોકીને બેસનારા હોવા જોઈએ. ભક્તો પ્રેમનો એક અંશ માત્ર તેમને આપીને બીજો પ્રેમનો અંશ દુનિયાદારીને આપવાથી તેઓ સંતોષ પામતા નથી. મહાન ભક્ત પાસેથી આવી અપેક્ષા રખાય જ નહિ. એવો ભક્ત તો એકનિષ્ઠ જ હોવો જોઈએ.

અહીં બીજી વસ્તુ સૂચિત થાય છે તે એ કે ભક્ત ભગવાનને ભગવાનની ખાતર જ ચાહતો હોય છે. કોઈ બીજા સાધ્યની સિદ્ધિ માટે કંઈ તે ભગવાનને માનતો હોતો નથી. એના મનમાં ભગવાન સિવાયનું બીજું એવું કશું જ હોતું નથી કે અમુક તમુક મુસીબતમાંથી ભગવાન હેમખેમ પાર ઉતારી દે. એને ભગવાન પ્રત્યે તદ્દન નિ:સ્વાર્થ પ્રેમ હોવો જોઈએ. કેવળ ભગવાન માટે જ પ્રેમ! એના મનમાં એમ પણ ન હોવું જોઈએ કે આ ભક્તિથી એને શાન્તિ અને સુખ પણ મળશે. કારણ કે એ મનોભાવ પણ એક પ્રકારનો સ્વાર્થ જ છે. ભક્તના મનમાં તલભાર પણ સ્વાર્થી વિચાર ન જ હોવો જોઈએ. વિશુદ્ધ પ્રેમનો અર્થ કશા જ વૈકલ્પિક હેતુ વગરનો પ્રેમ એવો થાય છે. વળી, એ પ્રેમ, એકાગ્ર, ઈશ્વરાભિમુખ તેમજ કેવળ ઈશ્વરનિષ્ઠ હોવો જોઈએ.

कण्ठावरोध-रोमाञ्चाश्रुभिः परस्परं लपमाना: पावयन्ति कुलानि पृथिवीं च ॥ ६८ ॥

(कण्ठावरोधाः, ગળગળા અવાજો; रोमाञ्च, રૂંવાડાં ઊભાં થઈ જવાં; अश्रुभिः, આંસુઓ વગેરેથી; परस्परम्‌, એકબીજાની સાથે; लपमाना:, ગીતો-વિચારોની આપલે કરતા; पावयन्ति, પવિત્ર કરે છે; कुलानि, પરિવારો; पृथिवीम्‌ च, અને પૃથ્વીને.)

૬૮. આવા ભક્તો એકબીજાની સાથે, ગળગળા કંઠે અને રોમહર્ષ તેમજ આંખમાં આંસુઓની સાથે વિચારો અને હરિગીતોનું આદાનપ્રદાન કરે છે. આમ તેઓ પોતાના પરિવારોને અને પૃથ્વીને પણ પવિત્ર કરી દે છે.

ભગવાનનાં મનુષ્યો કેવી રીતે આચરણ કરે છે? નારદ કહે છે કે આવા લોકો પોતાની ભક્તિ સંબંધી વિચારવિમર્શ કરે છે અથવા અરસપરસ ઈશ્વર વિશે વાતો કરે છે. બીજા ભક્તો સાથે વિચારોનું આદાન-પ્રદાન કરે છે. જ્યારે તેઓ આવું બધું કરે છે ત્યારે તેમને ગળે ડૂમો આવી જાય છે. જ્યારે પ્રેમની ભાવનાનો ઊભરો આવે છે, ત્યારે માણસ કશું જ બોલી શકતો નથી. માનવનું મન પણ જ્યારે ભગવાન તરફ આગળ ધસી રહ્યું હોય છે, ત્યારે પણ વાણી મૂંગી જ થઈ જાય છે. એટલે કે ભક્ત લાગણીને લીધે મૂંગો બની જાય છે. ભક્તિનો ઉછાળો આવતાં ભક્તનાં શરીરનાં રૂંવાડાં ઊભાં થઈ જાય છે. એટલું જ નહિ પણ સિદ્ધભક્તો કહે છે કે એના માથાના વાળ સુદ્ધાં ઊભા થઈ જાય છે. શરીરનો રૂંવાડાં ઊભાં થયાનો અનુભવ તો તમે પણ કર્યો જ હશે. પણ જ્યારે લાગણીનો જબરદસ્ત ઉફાણો આવે છે ત્યારે શરીરના આવા ફેરફારોનો પણ તમને અનુભવ થઈ શકે ખરો. આવો જ એક બીજો અનુભવ આંસુ પડવાનો પણ છે.

ભક્તની આ બધી અભિવ્યક્તિઓ બાહ્ય છે યાદ રાખો કે ભક્ત આ બધી વસ્તુઓને ભગી કરી શ્રમથી સંગ્રહતો નથી. આ બધું તો એની મેળે જ સહજ થાય છે. જો એમ ન થાય તો શું બને? એનું કંઈક ઉદ્દીપક હોવું 

જોઈએ! લોકો એ ઉદ્દીપકને આધારે પોતાની લાગણીઓને ઉશ્કેરવા મથામણ કરે છે અને પછી એ લાગણીના ઉશ્કેરાટમાંથી કોઈકવાર વળી તેમની આંખોમાં આંસુ આવે છે. ધંધાદારી અભિનેતાઓ આમ જ કરે છે ને? કોઈકવાર તો તેઓ પોતાની આંખોમાં આંસુ લાવવા માટે કૃત્રિમ સાધનોનો ઉપયોગ પણ કરે છે. પણ એનું કારણ એ છે કે તેઓ તેમના પાત્રને ભજવવામાં પૂરા સમર્થ હોતા નથી. આમ, જ્યારે જરૂર પડે, એવે વખતે ઘણા સમર્થ અભિનેતાઓ આંસુ સારી શકે છે ખરા, પણ એ તો કેવળ પ્રેમનું પ્રદર્શન છે – સાચો પ્રેમ નથી. ભક્ત પોતે કંઈ આંસુ સારવા ઇચ્છતો હોતો નથી. અને એને એવી બાહ્ય અસરો પ્રકટ કરવાનું મન પણ હોતું નથી. એ બધું તો એની મેળે સહજ રીતે થઈ જતું હોય છે.

વળી, ભક્તમાં બીજી કેટલીક અભિવ્યક્તિઓ પણ હોય છે. કોઈક વાર એને પરસેવો વળી જાય છે, કોઈક વાર એના શરીરમાં કંપારી ઉપડે છે. આ બધાં ઉચ્ચતમ ભક્તિનાં ચિહ્‌નો મનાયાં છે. અહીં પણ પૂરેપૂરી સાવધાની રાખવી જોઈએ કારણ કે આ ચિહ્‌નો પણ આગળની પેઠે કૃત્રિમ રીતે ઊભાં કરી શકાય છે. જો એવી રીતે થયું હોય તો સાચા પ્રેમ કે સાચી ભક્તિ સાથે એનો કશો જ નાતો નથી.

(ક્રમશ:)

Total Views: 225

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.