(ગતાંકથી આગળ)

ભક્તિ આવાં વિવિધ પ્રકારનાં સ્વરૂપો ધારણ કરી શકે છે. અથવા એમ કહીએ કે ભક્ત આવાં સ્વરૂપોમાંથી ગમે તે સ્વરૂપનો પોતાનામાં વિકાસ કરી શકે. આ બધાં સ્વરૂપો એકબીજાં સાથે સંકળાયેલાં છે. જ્યારે કોઈ ભક્ત ભગવાન પ્રત્યેની મહાભક્તિનો વિકાસ કરવા માગે છે, ત્યારે પહેલાં તો તે ભગવાન પ્રત્યે આવાં વિચારો અને વલણો દાખવે છે એટલે ભક્તિનું પહેલું સ્વરૂપ અહીં ભગવાનના સદ્‌ગુણોના મહિમા તરફના આકર્ષણનું બતાવ્યું છે. ભક્ત પોતાની ભક્તિનો આરંભ ખરેખર આ સોપાનેથી જ કરે છે. પછી ભગવાનના એ દિવ્ય સદ્‌ગુણોનું ચિંતનમનન કરવું જોઈએ કે જેથી ધીરે ધીરે આપણે વધારે ને વધારે ભગવાન તરફ ખેંચાતા જઈએ.

પછી આવે છે એનું સૌંદર્ય. ભગવાનના સૌંદર્યનું ચિંતન કરવું એટલે થોડું વધારે ભગવાન તરફ ખસવું અથવા તો દિવ્યતા સાથે વધારે નજીકનો નાતો બાંધવો – એવો અર્થ થાય છે. ત્યાર પછી આવે છે સ્તુતિ-પ્રાર્થના. એનો અર્થ  એનાં ભજનકીર્તન વગેરે કરવાં અથવા તો એની પૂજા અર્ચના તરફ ખેંચાણ વધવું એવો થાય છે. અને ત્યાર પછી એના સંસ્મરણનો લગાવ વધે છે. આ પછીનાં વિવિધ વલણો થાય છે, તે વર્ણવ્યાં છે. એમાં એક છે, ભગવાનના દાસ થઈને રહેવાની ઝંખના. ભગવાનની સાથે નજીકનો વ્યક્તિગત સંબંધ બાંધવાનો આ આરંભ છે. જેમ કોઈ નોકર પોતાના શેઠ સાથે નજીકનો વ્યક્તિગત સંબંધ કેળવવા મથે છે તેવું આ વલણ છે. અહીં ભક્ત નોકર અને ભગવાન માલિક મનાયા છે.

ત્યાર પછી વધુ નજીક આવવાના ક્રમમાં ભક્ત ભગવાનને પોતાના મિત્ર તરીકે માને છે. હવે આ સંબંધનો અર્થ તો જાણે કે ભગવાન સાથે ભક્તના લગભગ સમાન કક્ષાના વહેવારનો જ થઈ ગયો! નોકર તો શેઠની સાથે દૂર રહીને સંબંધ રાખતો હોય છે પણ મિત્રને તો એવું કશું દૂરપણું રાખવાની કશી જરૂર હોય નહિ. એ તો એવો ગાઢ સંબંધથી જોડાયેલ હોય છે કે ભગવાનને એ પોતાના સમાન જ ગણે છે. મૈત્રીભાવના સંબંધનું આ જ તો સૌંદર્ય છે!

પણ એ સંબંધ કરતાં પણ વધારે ગાઢ સંબંધ માતા કે પિતા સાથે બાળકનો હોય છે. અહીં ભગવાનને પુત્ર તરીકે માનવામાં આવે છે. અને ભક્તને એનાં પિતા અથવા માતા તરીકે માનવામાં આવે છે. આ તો ભારે મધુર સંબંધ છે એમાં કશું જ ‘આપવા-લેવાનું’ સ્વાર્થીપણું હોતું નથી. માતાપિતા બાળક પાસેથી કશી અપેક્ષા રાખતાં નથી. ભક્ત ભગવાન પ્રત્યે આવો સંબંધ બાંધવા ઇચ્છે છે. અહીં ભગવાન પ્રેમ, રક્ષણ અને સારસંભાળ ભક્ત દ્વારા મેળવે છે અને એના વળતર રૂપે ભક્ત ભગવાન પાસેથી કશું જ મેળવવાની ખેવના રાખતો નથી. એટલે સ્વાભાવિક રીતે જ એ એક અત્યંત નિ:સ્વાર્થ પ્રકારનો પ્રેમ છે. આના પછી ભગવાનને પ્રિયતમ તરીકે માનવાની આસક્તિ – ઝંખનાનો સંબંધ આવે છે – આ સંબંધ પ્રિયતમ – પ્રિયતમાનો સંબંધ છે. એ જારબુદ્ધિની આસક્તિ છે. આ પ્રકારના સંબંધને સૌથી નજીકના સંબંધ તરીકે ગણવામાં આવેલ છે. પ્રેમનું આ અત્યંત તીવ્ર અને અત્યંત અંગત રૂપ છે અને ત્યાર પછી આવે છે આત્મ નિવેદન – શરણાગતિની ઝંખના. ભક્તની ભગવાન પ્રત્યેની શરણાગતિ : ‘ભગવાનની ઈચ્છા પ્રમાણે

થાઓ!’ ભક્ત ભગવાન પાસેથી કશું જ ઇચ્છતો કે માગતો નથી. પરંતુ એની પાસે જે કંઈ આવી મળે છે તે બધું ઈશ્વર દ્વારા જ મળે છે, એમ તે માને છે. અને પોતે સંપૂર્ણ રીતે ઈશ્વરની ઇચ્છાને અધીન થઈને રહે છે. આના પછીની પણ એક આસક્તિ કે ઇચ્છા ભગવાનમાં પૂરેપૂરા ભળી જવાની હોય છે. ભગવાન સાથેનું ભક્તનું આ ઐક્ય એટલું બધું તીવ્ર હોય છે કે ભગવાન અને એના ભક્તનો જુદાપણાનો ભેદ પણ ભુંસાઈ જાય છે! બસ, કેવળ ભગવાન જ બાકી રહે છે. અને ભક્ત તો એ દિવ્ય પ્રેમમાં સાવ ઓગળીને અદૃશ્ય જ થઈ જાય છે; એનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ રહેતું નથી : એ પરમાત્મા સાથે એકાકાર થઈ જાય છે.

હવે છેલ્લી આસક્તિ – છેલ્લી ઝંખના – ભગવાનનો સાક્ષાત્કાર ન થવાને પરિણામે ઉત્પન્ન થતી તીવ્ર વ્યથાની છે. ભક્તના હૃદયમાં આવી વેદનાની ઝંખના જાગે છે. ભક્તને પ્રત્યેક ક્ષણે ભગવાનનો વિરહ અસહ્ય લાગે છે. ભક્તની પીડાનો આ પ્રકાર છેલ્લે ગણાવ્યો છે. પણ આ વેદના કંઈક એવા પ્રકારની છે કે જેને ભક્ત અટકાવવા ઇચ્છતો નથી! આ પીડામાંથી ભક્ત પોતાને મુક્ત કરવા માગતો નથી. કારણ કે એ તો ભગવાનની અનુપસ્થિતિને લીધે ઉત્પન્ન થયેલ ઉચ્ચતમ ઉદ્વેગને કારણે ઊભો થયેલો તલસાટ છે! ભગવાન સાથે તદ્દન તદાકાર થઈ જવાની પ્રક્રિયાવાળી ભક્તિ કરતાં પણ આ ખૂબ વધારે પ્રભાવક ભક્તિસ્વરૂપ જણાય છે. ભક્તના હૃદયમાં આ પ્રકારની ભક્તિભાવનાનું પ્રભાત ઊગતાંની સાથે જ અનિવાર્ય રીતે ત્યાં ભગવાન હાજર થઈ જાય છે!

તો સૂત્રોમાં પ્રેમના આવા પ્રકારો બતાવવામાં આવ્યા છે. એક જ ભગવત્પ્રેમનાં આ બધાં વિવિધ પાસાંઓ છે. આ પ્રેમ-ભક્તિ તો એક જ છે. છતાં એ જુદી જુદી રીતે આ અગિયાર પ્રકારે અભિવ્યક્ત થઈ શકે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ઉપર બતાવેલાં વિવિધ વલણો પૈકી કોઈ એક વલણ દ્વારા પણ ભગવત્સાક્ષાત્કાર થઈ શકે છે. અહીં એટલા માટે આ અગિયાર વલણોનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે કે જેથી ભક્ત એમાંના કોઈને પણ અપનાવીને પોતાના જીવનમાં એનો વિકાસ કરી શકે.

શ્રીરામકૃષ્ણ એવું કહેતા કે પ્રભુ પ્રત્યે પ્રગાઢ પ્રેમ જગાડવા માટે ભક્તે ભગવાન સાથે કોઈ ને કોઈ પ્રકારનો સંબંધ સ્થાપિત કરવાની રીત વિચારવી એ જરૂરી વાત છે. એણે ભગવાન સાથે આ નીચે બતાવેલ કોઈક રીતે  સાથે સંબંધ જોડવો જોઈએ. માલિક તરીકે, મિત્ર તરીકે, સંતાન તરીકે, પ્રિયતમા તરીકે… વગેરે… આ વલણોમાંહેનું કોઈપણ ઈશ્વર સાક્ષાત્કાર માટે પર્યાપ્ત નીવડશે. જોકે ભક્તિ પરંપરાનાં શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે કે ધીરે ધીરે ભગવાન પ્રત્યેનો આદર, શાસ્ત્રો વગેરે ભક્તિનો વિકાસ કરે છે. એ ફક્ત આદર જ નહિ, પણ પ્રેમ સહિતનો આદર છે એને ‘શાન્ત ભાવ’ કહેવામાં આવે છે – એટલે શાંતિપૂર્ણ સંબંધ. આમાં ભક્તિભાવનો કશો ઊભરો હોતો નથી. આમાં ભક્ત શાંતિથી ભગવાનનો વિચાર કરે છે, એનું ધ્યાન ધરે છે અને પોતાની બધી જ વૃત્તિઓને વશમાં રાખે છે. એનું મન સ્થિર રાખે છે અને તે એને તદ્દન શાંત રાખે છે. એટલા માટે તો એને ‘શાંત’ કહ્યો છે. આવા ભક્તો મોજાં વગરના મહાસાગરો જેવા છે. શ્રીકૃષ્ણ તરફ સન્માન ધરાવનારા ઘણા ઋષિઓ થયા છે ખરા, પણ તેમણે પોતાને શ્રીકૃષ્ણથી ઘણા અળગા રાખ્યા છે. કારણ કે તેઓ એમ માનતા હતા કે ભગવાન તરફ જવાની ક્ષમતાની બાબતમાં તેઓ ખૂબ જ તુચ્છ છે! એટલે આ પ્રકારનો ભગવાન પ્રત્યેના અંતરનો કે અલગતાનો ભાવ હોવો એ અમુક હદ સુધી તો વખાણવા લાયક બાબત છે. શ્રીમદ્‌ ભાગવતમાં એક સુંદર શ્લોક છે. એમાં ઋષિઓનો ભક્તિ પ્રકાર વર્ણવ્યો છે :

‘આત્મારામા શ્ચ મુનયો નિગર્રન્થા અપ્યુરુક્રમે ।
કુર્વન્યહૈતુકીં ભક્તિમિત્થંભૂતગુણો હરિ: ॥
(ભાગવત, ૧/૭/૧૦)

‘પોતાના આત્મામાં જ સદા રમમાણ એવા ઋષિઓ પણ શ્રીહરિનાં ચરણકમલોમાં નિ:સ્વાર્થ ભક્તિભાવ ધરાવતા હતા. ભગવાન આવા મહિમાવાન છે.’

ભગવાન પ્રત્યેનો આવા પ્રકારનો ભાવ, ભક્તિના પ્રારંભમાં હોય છે. ભક્તમાં કેવળ આવો જ ભાવ સતત રહ્યા કરે, એવું તો વર્ણવવામાં આવ્યું નથી. ભક્ત ભલે આવા ભાવથી ભક્તિનો પ્રારંભ કરે, પણ પછી તો તેણે આ સોપાનને ઓળંગી જઈને અવશ્ય આગળ વધવું જ જોઈએ. હા, એટલું ખરું કે આ પ્રકારનો મનુષ્ય એટલે કે ઋષિ – મુનિપ્રકૃતિનો મનુષ્ય ભગવાન પ્રત્યે આવું વલણ દાખવતો હોય અને છતાં પણ એ મહાન ભક્ત હોઈ પણ શકે.

ભક્તિનો વિકાસ ગમે તેમ પણ વધુ આત્મીયતાની અપેક્ષા રાખે છે. ભક્તને પોતાનાથી ભગવાન દૂર હોય ભગવાન એની પહોંચની બહાર હોય એવા કોઈપણ સંબંધથી સંતોષ માની લેવાનું ગમતું નથી. એટલે એણે ભગવાન સાથે વધારે ને વધારે વ્યક્તિગત સંબંધ બંધાય એ માટે ભક્તિનું વધારે ખેડાણ કરવું જોઈએ. જોકે આપણે આવા ઘનિષ્ઠ સંબંધોની વાત ઉપર કરી ગયા છીએ છતાં અહીં જરા એને વધુ વિગતે તપાસીએ :

એમાં પહેલાં તો ભગવાન સાથે વ્યક્તિગત સંબંધની યાદી છે કે ભગવાન સાથે માલિક અને નોકરનો સંબંધ. આમાં ભાવનો કોઈ ઊભરો નથી હોતો. એમાં નિકટતા હોય છે પણ ઉત્કટતા હોતી નથી. નોકર અવશ્ય માલિક તરફ માનની નજરે તો જુએ છે એટલું જ નહિ, એ બન્ને વચ્ચે સ્નેહ સંબંધ પણ હોય છે ખરો. નોકર શેઠ તરફ કેવળ માન નહિ, મમતા પણ રાખે છે, તેથી આ સંબંધ વધારે ઘેરો છે.

રામાયણમાં માલિક અને નોકરના સંબંધનું એક દૃષ્ટાંત આપેલું છે. આ દૃષ્ટાંત શ્રી હનુમાન અને શ્રીરામચંદ્રજીનું છે. હનુમાન તો શ્રીરામના પરમ ભક્ત છે. તેમણે પોતાના જીવનનું એકમાત્ર લક્ષ્ય શ્રીરામચંદ્રની સેવા સિવાય બીજું કશું જ માન્યું ન હતું, એમણે પોતાના સ્વામીની સેવામાં પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું. સ્વામી પ્રત્યેના દાસ્યભાવનું આ દૃષ્ટાંત છે.

પછી મિત્રો વચ્ચેનો સંબંધ આવે છે. એમાં ભગવાનને મિત્ર માનવામાં આવે છે. મિત્ર પોતાના મિત્રનું મહત્ત્વ બહુ ઝાઝું જોતો નથી. કારણ કે મોટાઈનો વિચાર તો દૂરપણું સૂચવે છે. (મારો મિત્ર બીજા આગળ મોટો હશે, પણ મારી નજરે તો એ બસ, સખા – મારી સાવ સમાન કક્ષાનો – જ છે.’) આવા બધા પ્રકારના સંબંધોનાં ઉદાહરણો, વૃંદાવનમાં શ્રીકૃષ્ણના જીવનમાં મળે છે અને એ ઉદાહરણો ભાગવતમાં ખૂબ સુંદર રીતે આલેખાયેલાં છે.

આ મૈત્રીનો સંબંધ કૃષ્ણ અને એના મિત્રો વૃંદાવનના તેના જીવનમાં ખૂબ સુંદર રીતે વર્ણવાયેલો છે. એ ગોવાળિયાઓએ શ્રીકૃષ્ણને ક્યારેય પોતાનાથી ચડિયાતા માણસ માન્યા નથી. એને ખભે ચડી બેસવામાં કે પોતાનું એઠું એને ખવડાવવામાં એમણે ક્યારેય શરમ અનુભવી નથી. આ પ્રકારનો મૈત્રી સંબંધ ત્યારે જ સાર્થક બની શકે કે જ્યારે એ સહજ અને ખૂબ સરળ હોય. મિત્ર પોતાના મિત્ર સાથે સમાનતાથી વ્યવહાર કરે છે, એનાથી કશું છુપાવતો નથી, પોતાના મિત્રને સુખી જોઈને એ સુખ અનુભવે છે દરેક રીતે એ તેની સમકક્ષામાં જ રહે છે. વૃંદાવનનાં ગોપબાળકો અને કૃષ્ણ વચ્ચે આવી મિત્રાચારી હતી.

પછી આવે છે માતાપિતાની પોતાના બાળક પ્રત્યેની લાગણી. આ પ્રકારનો સંબંધ પણ યશોદાના શ્રીકૃષ્ણ પ્રત્યેના વલણમાં બહુ જ સારી રીતે આલેખાયેલો છે એ તો અતિ સુંદર કથા છે.

ખરેખર તો શ્રીકૃષ્ણ દેવકીના અને વસુદેવના પુત્ર હતા. પરંતુ એ જન્મ્યા, તે જ દિવસે એક બીજાં દંપતીને ઘેર ખસેડવામાં આવ્યા હતા એ યુગલ તેમના જન્મસ્થાનથી ઠીક ઠીક દૂર રહેતું હતું. એ યુગલ નંદ અને યશોદા શતાં તેઓ તો સીધાં-સાદાં માણસો હતાં. પશુપાલન અને દૂધ તેમજ દૂધની બનાવટો વેચીને આજીવિકા ચલાવતાં હતાં. શ્રીકૃષ્ણને એમને ઘરે લઈ જવાયા હતા. રખે ને કંસ (એને મારવા તલસતો) એને ખોળી કાઢે તો? આવી કથા છે.

લોકો કહે છે આવી કથા જિસસના જીવન વિશે પણ કહેવામાં આવી છે. જ્યારે બેથલેહામમાં જિસસ જન્મ્યા, ત્યારે રાજા હેરોડને એના જાસૂસોએ કહ્યું હતું કે મેરીને જન્મેલું બાળક યહૂદીઓનો રાજા થશે એટલે હેરોડ એ બાળકને મારી નાખવા તલપાપડ થઈ રહ્યો હતો. એટલે જિસસને ઈજિપ્તમાં લઈ જવામાં આવ્યા કે જેથી હેરોડ એમના પર હાથ ઉગામી ન શકે. હેરોડેએ બેથલેહામનાં બધાં જ બાળકોને મારી નાખવાનો હુકમ કર્યો કે જેથી ભલે હેરોડ જિસસને ઓળખી તો ન શકે પણ એ બાળકો પૈકીનો કોઈક તો જિસસ હશે જ અને તે મરી જશે. એમ એણે માન્યું.

બરાબર આ જ પ્રમાણે રાજા કંસે પણ કૃષ્ણના જન્મ પછી એનો નાશ કરવાનો નિશ્ચય કર્યો, એટલે શ્રીકૃષ્ણને છાની રીતે જેલમાંથી દૂર લઈ જવામાં આવ્યા હતા. નદી યમુનાને સામે કિનારે નગરથી દૂર આવેલી જેલમાં કંસે કૃષ્ણનાં માતાપિતાને કેદી તરીકે રાખ્યાં હતાં. શ્રીકૃષ્ણને જેલમાંથી લઈ જઈ નંદ અને યશોદાને ઘેર રાખવામાં આવ્યા હતાં. અને એમણે એમને ઉછેર્યા. અને કથા આગળ ચાલે છે યશોદાને પણ બરાબર કૃષ્ણ જન્મ્યા એ જ વખતે એક બાળકને જન્મ આપ્યો હતો પણ એને ખબર ન હતી કે એ જન્મેલ બાળક છોકરો છે કે છોકરી! જ્યારે શ્રીકૃષ્ણને અહીં લાવવામાં આવ્યા, ત્યારે યશોદાને જન્મેલ બાળક દૂર લઈ જવામાં આવ્યું અને એની જગ્યાએ શ્રીકૃષ્ણને મૂકી દેવામાં આવ્યા. એટલે નંદ અને યશોદાએ તો એ શ્રીકૃષ્ણને તેમના પોતાના જ બાળક તરીકે માની લીધા અને એમના ઉપર જ પોતાનું વાત્સલ્ય ઢોળ્યું.

આ એક સુંદર કથા છે. બાળક શ્રીકૃષ્ણ ઉપર નંદ અને યશોદાના પ્રેમને આલેખતી આ કથા ભાગવતના એક પછી એક એમ અનેક અધ્યાયોમાં વર્ણવવામાં આવી છે. એમણે કૃષ્ણની મહત્તાનો ક્યારેય ખ્યાલ કર્યો નથી. જ્યારે કૃષ્ણે કોઈક ચમત્કારપૂર્ણ ભવ્ય લીલા કરી હોય, ત્યારે પણ તેઓ એ બનાવને કોઈક રાક્ષસે કરેલા કામ તરીકે માની લેતાં અને એને પ્રસન્ન કરવા માટે, જેમ બધાં માબાપો પોતાના બાળકની રક્ષા માટે કરે છે તેવાં બાધા-આખડી અને બલિદાનો પણ આપતાં કે જેથી પેલા રાક્ષસનું ઝોડ એને મુક્ત કરી દે! એમને ક્યારેય એવો વિચાર નથી આવ્યો કે તેમનું આ બાળક, બાળકરૂપે ઈશ્વરાવતાર છે!

એટલે અહીં ભક્તનું ભગવાન પ્રત્યેના વલણ જેવું કશું ન હતું. ભલે કોઈક વખત કોઈકે યશોદાને કહી દીધું હોય કે કૃષ્ણ સ્વયં ભગવાન સિવાય બીજા કોઈ નથી તેમ છતાં પણ એક ‘માતા’ના મનમાં એની શી કિંમત હોય? ભલે ને શ્રીકૃષ્ણ ખુદ ભગવાન જ રહ્યા, પણ માતાના મનમાં તો એ પોતાનું બાળક જ છે! એટલે નંદ અને યશોદાનો કૃષ્ણ પ્રત્યેનો આ વ્યક્તિગત સમ્બન્ધ છે. એ એવો સંબંધ છે કે જેને કૃષ્ણની કોઈ મોટાઈ કે મહિમાની કશી ખેવના નથી. પ્રેમી અને પ્રેમ પાત્ર વચ્ચે કોઈ ભેદ ઊભો થાય, એવા કોઈ વિચારો તેમને આવતા નથી. આવો કોઈ ભેદ ત્યાં દેખા દેતો જ નથી. તો બીજી બાજુ માતાપિતા એવું માને છે કે તે બાળક પૂરેપૂરો તેમના પ્રેમ ઉપર અવલમ્બિત છે એટલે એમણે પોતે જ એની પૂરેપૂરી સારસંભાળ રાખવી જોઈએ અને એ ખાસ સંભાળની જવાબદારી પોતા માટે એની પાસેથી તો ન જ હોવી જોઈએ. શ્રીકૃષ્ણની કાળજી લેવી જોઈએ, એમની પાસેથી પોતાની કાળજીની અપેક્ષા ન જ રાખવી જોઈએ. આ સંબંધ એ પ્રકારનો છે કે જે તદ્દન નિ:સ્વાર્થી છે. નિ:સ્વાર્થ પ્રેમનો આ વિશુદ્ધતમ નમૂનો છે. માતાપિતાનું પોતાના બાળક પ્રત્યેનું વાત્સલ્ય આવું હોય છે.

હવે ત્યાર પછી આવે છે પતિ અને પત્નીનો પ્રેમ સંબંધ અથવા પ્રિયતમ અને પ્રિયતમાનો પ્રેમ સંબંધ! અહીં ભક્ત પોતાને ભગવાનની પત્ની અથવા તો પ્રિયતમા તરીકે માને છે. અને ભગવાનને પોતાના પતિ અથવા પ્રિયતમ તરીકે માને છે. એમ કહેવામાં આવે છે કે આ સ્નેહસંબંધમાં માનવ સંબંધોમાં જેટલી તીવ્રતા કલ્પી શકાય તેમાં સૌથી વધારે તીવ્રતા – ગાઢપણું હોય છે.

આ પ્રકારનો સ્નેહસંબંધ શ્રીકૃષ્ણ અને રાધા વચ્ચેના પ્રેમસંબંધની કથામાં ચિત્રિત થયો છે. યાદ રાખો કે તેઓ બન્ને પતિ-પત્ની ન હતાં. અને છતાંય રાધા પ્રિયતમા હતી અને શ્રીકૃષ્ણ પ્રિયતમ હતા! આ પ્રકારનું ચિત્રણ શા માટે કર્યું હશે? કારણ એ છે કે અહીં પ્રેમની પ્રગાઢતા તેના પરમોચ્ચ શિખરે પહોંચી છે. પતિ અને પત્નીનો પ્રેમ તો કેટલીક વાર એક કર્તવ્ય તરીકે સ્વીકારી લેવામાં આવે છે. એટલે એ પ્રેમમાં, પ્રિયતમ અને પ્રિયતમાના પ્રેમની પરાકાષ્ઠામાં જેવી સામીપ્યની ભાવના હોય છે, તેવી તીવ્ર ભાવના હોતી નથી એટલે આ પ્રકારનો સંબંધ, ભગવાન પ્રત્યેના ભક્તના તીવ્રતમ તલસાટના ઉદાહરણ તરીકે વર્ણવાયો છે.

આ પ્રકારના વિચારને લોકો અનૈતિક માની લઈ શકે ખરા. અને એટલા જ માટે આ વિશે લોકો આ વિષય તરફ કામુકતાભરી દૃષ્ટિએ જુએ પણ ખરા, પણ એવી રીતે વિચારવું યોગ્ય નથી – લોકોએ આ એક ઉદાહરણ માત્ર છે, એટલું સમજી લેવું જોઈએ – કારણ કે બીજી કોઈપણ રીતે બે પ્રેમીઓ વચ્ચે હસ્તી ધરાવતી આવી પ્રબલતમ પ્રેમભાવનાને નિરૂપી શકાય તેમ છે જ નહિ. કારણ કે બીજા કોઈપણ પ્રેમસંબંધની સરખામણી કે સમકક્ષતામાં આને મૂકી શકાય એમ છે જ નહિ! ભક્તિમાર્ગ પ્રમાણે આને ભક્તિનો ચરમોત્કર્ષ માનવામાં આવેલો છે.

(ક્રમશ:)

Total Views: 329

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.