(ગતાંકથી આગળ)
भक्तिशास्त्राणि मननीयानि तदुद्बोधक कर्माणि करणीयानि ॥ ७६॥
(भक्तिशास्त्राणि, ભક્તિવિષયક શાસ્ત્રો; मननीयानि, ચિંતન કરવું જોઈએ; तद्, તે (ભક્તિ);उद्बोधक, પ્રેરણા આપતાં; कर्माणि, કર્મો; करणीयानि, કરવાં જોઈએ.)
૭૬. ભક્તિવિષય શાસ્ત્રોનું અધ્યયન અને પરિશીલન કરવું જોઈએ અને જે કર્મોથી ભક્તિ ઉદ્દીપ્ત થાય તેવાં કર્મો કરવાં જોઈએ.
આ સૂત્ર કહે છે કે જે શાસ્ત્રો ભક્તિનો ઉપદેશ કરતાં હોય તે શાસ્ત્રનું અધ્યયન અને ચિંતનમનન કરવું જોઈએ. નિષેધ તો મેં પહેલાં કહ્યું તેમ શુષ્ક ચર્ચાનો જ છે. અહીં ‘શાસ્ત્રો’નો અર્થ ‘બધાં શાસ્ત્રો’ લેવાનો નથી- પરંતુ, જે શાસ્ત્રો ભક્તિને ઉપદેશે છે, તેવાં જ શાસ્ત્રો – એવો લેવાનો છે. ભક્તિના માર્ગનું અનુસરણ કરનારાઓએ ખાસ કરીને જ્ઞાનયોગનાં એટલે કે જ્ઞાનના માર્ગનો ઉપદેશ કરતાં શાસ્ત્રોને છોડી દેવાં જોઈએ. કારણ કે એમ કરવાથી ભક્તને જુદે રસ્તે ચડી જવાની કે અનિશ્ચિતતાની અવસ્થામાં આવી પડવાની સંભાવના ઊભી થાય છે. એટલા માટે જે શાસ્ત્રોમાં ભક્તિનો ઉપદેશ આપવામાં આવ્યો હોય, તેવાં જ શાસ્ત્રોની ચર્ચાવિચારણા કરવી જોઈએ અને એનું જ ચિંતનમનન કરવું જોઈએ. ભગવાન પ્રત્યે પ્રેમ અને ભક્તિનો ઉપદેશો સાંભળવા, એને વાગોળવા અને ભક્તિમાં વૃદ્ધિ કરે તેવી આધ્યાત્મિક સાધનાઓ પણ કરવી જોઈએ. અર્થાત્ જે કાર્યથી ભક્તિમાં વધારો થતો હોય, તેવું કોઈપણ કામ કરવું.
એટલે એક જગ્યાએ તો ચર્ચાવિચારણા અને તર્ક-દલીલની નિંદા કરી છે અને બીજી જગ્યાએ એવું કહ્યું છે કે જે કંઈ બિનજરૂરી છે, જે કંઈ દૂર કરવા લાયક છે તે તો પેલી નિરર્થક દલીલબાજી જ છે. પરંતુ કંઈ ભક્તિશાસ્ત્રના ઉપદેશોનું સ્પષ્ટીકરણ કરે એવી ચર્ચાવિચારણાને દૂર કરવાની તો વાત જ નથી. કર્મોની બાબતમાં પણ જે કર્મો ભક્તિનો વિકાસ કરવામાં સહાય કરે તે આચરવાં જોઈએ.
શ્રીરામકૃષ્ણે પણ ભક્તિશાસ્ત્રના ઉપદેશ ગ્રંથોનાં વાચનમનનને ઉત્તેજન આપ્યું હતું તે આપણને સૌને યાદ છે જ. તેઓ ભાગવત અથવા ચૈતન્યચરિત જેવી કૃતિઓનું અધ્યયન કરવાની કેટલીકવાર ભલામણ કરતા.
सुखदुःखेच्छालाभादित्यक्ते काले प्रतीक्षमाणे क्षणार्धमपि व्यर्थं न नेयम् ॥ ७७॥
(सुख, સુખ; दुःख, વ્યથા; ईच्छा કામના; लाभ, ફાયદો; आदि, વગેરે; त्यत्त्के, છોડી દીધાં; काले, સમયે; प्रतीक्षामाणे, જ્યારે પ્રાપ્ત થાય ત્યારે; क्षणाधर्म्, અડધો ક્ષણ; अपि, પણ; व्यर्थम्, નકામો; न नेयम्, ન વેડફવો જોઈએ.)
૭૭. સુખ-દુ:ખ, લાભ-હાનિ, ઇચ્છા વગેરે દ્વન્દ્વોમાંથી મુક્ત થઈને ભક્ત વધારે ફુરસદનો સમય મેળવે છે. એટલે એણે એ સમયમાંથી અડધો ક્ષણ પણ નકામો વેડફી નાખવો ન જોઈએ.
જેમ પહેલાં કહેવાઈ ચૂક્યું છે તેમ ભક્તે અન્ય રોકાણોમાંથી પોતાને મુક્ત કરી દેવો જોઈએ. એણે પોતાના મનને સુખ અને દુ:ખમાંથી, લાભ અને હાનિમાંથી અને અન્ય દ્વન્દ્વોમાંથી મુક્ત કરી દેવું જોઈએ. તો પછી એ બધાં દ્વન્દ્વોમાંથી છૂટકારો મેળવેલા ભક્તના નવરા પડેલા મને શું કરવું
જોઈએ? શું એણે નવરા બેસીને સમય વેડફી નાખવો જોઈએ? સમય તો ખૂબ જ મૂલ્યવાન છે અને તેથી અડધા ક્ષણનો અમૂલ્ય સમય પણ જો કોઈ કામની વચ્ચે મળી જાય તો પણ એનો ભક્તિની પ્રાપ્તિ-વૃદ્ધિ માટે સફળ ઉપયોગ કરવો જોઈએ. એને વ્યર્થ રીતે વેડફી તો ના જ નાખવો જોઈએ.
જ્યારે ઇચ્છા, લાભ-હાનિ, સુખ-દુ:ખાદિ દ્વન્દ્વોથી છૂટકારો મેળવવાને લીધે ભક્તને ફુરસદનો સમય વધારે પ્રમાણમાં મળતો થાય, ત્યારે તો તેણે અડધો ક્ષણ પણ નકામો ન જવા દેવો જોઈએ – કહેવાનો ભાવાર્થ એ છે કે કર્મો ન કરીને આળસમાં પોતાનો સમય બગાડવો ન જોઈએ. આ રીતે બચેલો સમય ભક્તિ સાધનામાં વાપરવો જોઈએ. એટલે અડધો ક્ષણ પણ નકામો ન જવો જોઈએ. એટલે ભક્તે હંમેશા સાવધ રહેવું જોઈએ અને જોવું જોઈએ કે સમયનો હરએક ક્ષણ સાર્થક રીતે એટલે કે ભક્તિની પ્રાપ્તિ માટે જ વપરાય.
અધ્યાત્મ જીવનના કોઈપણ સાધકને માટે આ એક ખૂબ અગત્યનો મુદ્દો ગણાવો જોઈએ. ઘણી વખત એવું જોવા મળે છે કે આશા-આકાંક્ષાઓથી મુક્ત થઈને અને અન્ય મનુષ્યોની સંગતનો પણ ત્યાગ કરીને સાધક સામાન્ય લોકો કરતાં ફુરસદનો વધારે સમય તો મેળવતો હોય છે ખરો, પણ કેટલીક વાર એવું થાય છે કે એ ફાજલ પડેલો સમય સાર્થક રીતે પ્રયોજાતો હોતો નથી. એવો ફુરસદનો સમય તે ભક્ત કે સાધક આધ્યાત્મિક ઉપલબ્ધિ માટે જાગ્રત રહીને કરી શકતો નથી. અથવા તો પોતાની ભક્તિના સંવર્ધન માટે પણ એને પ્રયોજી શક્તો નથી. અહીં એવી સખ્ત ચેતવણીનો સૂર સંભળાય છે. આધ્યાત્મિકતાના નામે આપણે ક્યાંક આળસમાં તો નથી સરી પડતા ને? એ જોવું જોઈએ. આ ખાસ યાદ રાખવા જેવી વાત છે. એટલે જ અહીં કહ્યું છે કે અડધો ક્ષણ પણ વેડફવો નહિ. અર્થાત્, આપણે સર્વદા સાવધાન રહેવું જોઈએ, અને જોવું જોઈએ કે આપણા જીવનની અન્ય રોકાણોમાંથી મુક્ત થયેલી પળેપળ પરમાત્માના પ્રેમભાવનું ગંભીર અનુસરણ કરવામાં જ યોજાઈ છે ને?
अहिंसा-सत्य-शौच दयास्तिक्याद-चारित्राणि परिपालनीयानि ॥७८॥
(अहिंसा, અહિંસા; सत्य, સચ્ચાઈ; शौच, સ્વચ્છતા; दया, કરુણા; आस्तिक्य, આધ્યાત્મિકતામાં શ્રદ્ધા; आदि, વગેરે; चारित्राणि, સદ્ગુણો; परिपालनीयानि, ગ્રહણ કરીને જાળવવા જોઈએ.)
૭૮. અહિંસા, સચ્ચાઈ, સ્વચ્છતા, કરુણા તેમજ આધ્યાત્મિકતામાં શ્રદ્ધા વગેરે જેવા સદ્ગુણો ભક્તે પ્રયત્નપૂર્વક પાળવા જોઈએ.
અહિંસા, સત્ય, શુદ્ધિ, દયા, અને ઉચ્ચતમ અધ્યાત્મના અસ્તિત્વમાં શ્રદ્ધા જેવા સદ્ગુણો ભક્તે પોતામાં કેળવવા અને જાળવવા જોઈએ. આ બધાને એણે કેળવ્યા કરવા જોઈએ એટલે કે જ્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી એ ગુણોનું પરિશીલન કર્યા જ કરવું જોઈએ. આ રીતે એણે પોતે અન્ય બાબતોમાંથી મુક્ત કરી દીધેલા પોતાના મનની ક્ષણ એ રીતે પ્રયોજવા મથતા રહેવું જોઈએ – ઉપરનાં દરેક ગુણ પર ધ્યાન આપવું જોઈએ.
‘અહિંસા’ એટલે મન-કર્મ-વચનથી કોઈને ઈજા ન પહોંચાડવી તે. ‘અહિંસા’ એટલે મનુષ્યે મનમાં પણ કોઈને ઈજા પહોંચાડવાનો વિચાર ન કરવો તે. માણસે એવું કોઈ જ કાર્ય ન કરવું જોઈએ કે જેથી બીજાને પીડા થાય. અરે મનુષ્યે એવું બોલવું પણ ન જોઈએ કે જેથી સામાની લાગણી દુભાઈ જાય! એટલે અહિંસાનું પાલન મનુષ્યે મનથી, વાણીથી અને શરીરથી કરવું જોઈએ. ભક્તે અહિંસક બની રહેવું જોઈએ, એનો અર્થ એ છે કે એણે સર્વને સહાયક બનવાનો સદ્ગુણ કેળવવો જોઈએ અને કોઈને પીડા પહોંચાડવાનો દુર્ગુણ છોડવો જોઈએ. આધ્યાત્મિક જીવનનું અનુસરણ કરતાં કરતાં પણ આપણે ઘણી વખત અન્યને ઈજા પહોંચાડતા હોઈએ છીએ. દાખલા તરીકે કેટલીકવાર ધાર્મિક ગણાતા મનુષ્યો પણ પોતાને અણગમતા માણસો વિશે બૂરું બોલ્યા કરતા હોય છે. તેઓ ભગવાનમાં ન માનનારાઓની ટીકાઓ કરતા હોય છે. ભક્તે આવું વલણ રાખવું યોગ્ય નથી. એણે તો મન-વચન-કર્મથી અન્યને હાનિ પહોંચાડવામાંથી બચવું જ જોઈએ. આ એક નિષેધાત્મક વલણ છે.
અને એની બીજી બાજુનું એક વિધાનાત્મક વલણ પણ છે તે એ કે ભક્તે બીજાને મદદગાર થવું જોઈએ; એણે અન્ય તરફ પ્રેમ રાખવો જોઈએ, એણે બીજાઓ સુખી થાય તે જોવું જોઈએ, પણ એ બધું ભગવાનના માર્ગેથી ચલિત થઈ જવાય એ રીતે ન થવું જોઈએ. એણે અન્યોને કરવી જોઈતી સહાય એના ઈશ્વર સાક્ષાત્કારના લક્ષ્યને ભોગે – એ લક્ષ્યને ભૂલીને – તો ન જ કરાવી જોઈએ. અથવા તો એ સહાય એના ઈશ્વર પ્રત્યેના પરમપ્રેમની આડે ન આવવી જોઈએ. ભગવાનની જગ્યા રોકનાર તો કોઈ જ ન હોવું જોઈએ.
અન્યને સહાય કરવાનો આદર્શ રાખવા છતાં પણ આપણી પરોપકારિતામાં તલ્લીન ન થઈ જવું જોઈએ. કારણ કે એ રીતે તો આપણે આપણી આધ્યાત્મિક ઉપલબ્ધિને સાવ ખર્ચી જ નાખીએ છીએ, એટલું જ નહિ, પણ બીજાને સહાય કરવા માટે આપણે એ રીતે પ્રમાણભૂત પણ નીવડતા નથી. જો આપણે વિશુદ્ધ ન હોઈએ, તો અન્યને સાચી રીતે કેમ સહાય કરવી, તે આપણે સમજી શકતા નથી. આપણી લાગણીના આવેશમાં અન્યને જે સહાય કરવા આપણે પ્રયત્ન કરીએ છીએ, એ વાસ્તવિક સહાય હોતી નથી. અને બીજી બાજુ એ એની યોગ્યતાને પણ હણી નાખે છે. કારણ કે આપણે એને ઈશ્વર સ્મરણના ભોગે કરી રહ્યા હોઈએ છીએ. એટલા જ માટે એવા પરોપકારી વિચારો પણ આપણી આધ્યાત્મિક ભૂખને ખફા ન પહોંચાડે એ રીતે જ આચરાવા જોઈએ.
તેથી સત્યના અનુયાયી માટે મોટી વાત એ છે કે, આધ્યાત્મિક માર્ગ-ઈશ્વર સાક્ષાત્કારના માર્ગે ચાલનાર માટે અથવા તો પરમાત્મા પ્રત્યે પરમપ્રેમનો વિકાસ કરનારા માટે આંતરિક સચ્ચાઈ હોવી આવશ્યક છે. મન, કર્મ અને વચનથી સત્યનું અનુસરણ થવું જોઈએ. આપણે ખોટું બોલવું ન જોઈએ, આપણે ખોટી રીતે વિચારવું ન જોઈએ અને ખોટું થાય, એવી રીતે કશું કરવું પણ ન જોઈએ. ટૂંકમાં આપણે વિચારોમાં, શબ્દોમાં અને કર્મોમાં સત્યનું જ અનુસરણ કરવું જોઈએ. એમ અહીં કહેવામાં આવ્યું છે.
હવે આવે છે સચ્ચારિત્ર્ય. આધ્યાત્મિક જીવનના પાયા તરીકે એની અનિવાર્ય આવશ્યકતા છે. ઘણી વખત ચારિત્ર્યની ઉપેક્ષા થતી જોવામાં આવે છે. એટલે કે આપણે એવું માનતા હોઈએ છીએ કે જેવું બીજા લોકો વર્તન કરે છે, તેવું વર્તન આપણે પણ કરી શકીએ છીએ પણ આપણી લક્ષ્યપ્રાપ્તિ માટે તે અનુકૂળ નથી, આ વાત બરાબર રીતે સમજી લેવી જોઈએ.
દલીલ કરવા ખાતર પણ આપણે નાસ્તિકોના વિચારો વિશે વિચારવું ન જોઈએ અને આપણે ભગવાનમાં ન માનતા હોઈએ એવો દેખાવ પણ ક્યારેય કરવો ન જોઈએ. કેટલીકવાર લોકો આવું યે કરે છે. તેઓ ઘણીવાર કહેવા ખાતર કહી નાખે છે કે ‘અરે હું તો ઈશ્વરમાં માનતો નથી.’ પણ ખરી રીતે જો કે તે માનતા ન જ હોય છે અને પોતે એ જાણે પણ છે જ.
આ બન્ને વસ્તુ સત્યના માર્ગથી ચલિત કરાવનારી છે અને વળી સામાના મનમાં એ એવી અસર ઊભી કરે છે કે એવું બોલનાર જાણે કે આધ્યાત્મિક છે જ નહિ! વળી આવું બોલનારનું એ બાહ્ય વર્તન એને પોતાને નુકસાન કરતું નથી, એવું પણ નથી જ. એ બોલદનારને પણ અવશ્ય નુકસાન કરે જ છે. અને આવા પ્રકારના પ્રલોભન સામે ચોકી પહેરો રાખી મનુષ્યે સદાયે સાવધાન રહેવું જોઈએ.
(ક્રમશ:)
Your Content Goes Here




