એક વખત એવું થયું કે સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના એક શિષ્યને એકાંતમાં શાંત બેઠેલો જોયો. એ શિષ્ય, આપણે શ્રીરામકૃષ્ણમાં જેવાં ઉચ્ચભાવનાં લક્ષણો જોઈએ છીએ, તેવાં લક્ષણો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સ્વામીજીએ આ ખોટી પ્રાપ્તિની મથામણને પારખીને એને ઠપકાર્યો અને કહ્યું: ‘આવી વસ્તુની કવાયત કરવાની ન હોય! પ્રેમની સાધના કરો. પછી બીજી વસ્તુઓ તો એની મેળે જ આવી મળશે.’ આવાં લક્ષણો શ્રીરામકૃષ્ણના શરીરમાં અભિવ્યક્ત થયાં હતાં, તે કંઈ રામકૃષ્ણે પોતે પોતાની એવી અભિવ્યક્ત કરવાની ઇચ્છા નહોતી કરી. એ તો જ્યારે એમનામાં ભાવોદ્વંદ – ભાવનો ઊભરો ચરમસીમાએ પહોંચ્યો હતો, ત્યારે એની મેળે જ સહજ રીતે જ અભિવ્યક્ત થઈ ગયાં હતાં.’ એટલે આ સાવચેતી સૌએ મનમાં રાખવી જોઈએ. એટલે આ બધી ભક્તોની અભિવ્યક્તિઓ છે, અને એ બધી બધે ઠેકાણે કંઈ નિર્દોષ હોતી નથી. એટલે કે જ્યાં જ્યાં આપણે આવાં દેહલક્ષણો જોઈએ, ત્યાં આપણે એને સાચી ભક્તિનાં જ લક્ષણો છે, એમ માનીને આપણે છેતરાઈ જવું ન જ જોઈએ. ના, દરેક સ્થળે એવું હોય નહિ! અને આમ છતાં પણ પરમ ભક્તિની અવસ્થામાં ભક્તમાં આવાં લક્ષણો દેખાય તો ખરાં જ. ભક્તો પરસ્પર સમાન ભાવનાવાળાઓ સાથે પોતાના પ્રિયતમ પરમેશ્વરના ગુણાનુવાદ કરે છે અને આનંદ પામે છે. ભાવાર્થ એ છે કે ભક્તો કંઈ પોતાની ભક્તિનું પ્રદર્શન તો કરતા હોતા નથી. પરંતુ જ્યારે તેઓ એકલા હોય કે પછી બીજા ભક્તોની સાથે હોય, ત્યારે ઈશ્વરનાં ગુણાનુવાદ કે ચિંતન કરતી વખતે તેમની લાગણીઓની આવી રીતે બાહ્ય અભિવ્યક્ત થતી હોય છે. એટલે કે આંસુ સારવાં, રુંવાડાં ઊભાં થવાં, શરીરમાં કંપારી છૂટવી વગેરે થાય છે. આવાં બધાં ભાતભાતનાં ચિહ્‌નો દેખા દે છે.

આવા ભક્તો પોતાના જન્મગત પરિવારને પાવન કરે છે. અને સમગ્ર જગતને પણ પવિત્ર કરે છે. એમનામાં એવી પ્રબળ આધ્યાત્મિક શક્તિ હોય છે કે એ શક્તિ સમગ્ર પરિવારનું રૂપાંતરણ કરી નાખે છે. જન્મગત પરિવારમાત્ર જ નહિ, ભગવાનના એવા મહાન ભક્તોની ઉપસ્થિતિથી તો સમગ્ર જગત પણ લાભાન્વિત થાય છે. 

तीर्थाकुर्वन्ति तीर्थानि सुकर्मीकुर्वन्ति कर्माणि सच्छास्‍त्रीकुर्वन्‍ति शास्‍त्राणी ॥ ६१॥

(तीर्थाकुर्वन्ति, પવિત્ર કરે છે; तीर्थानि, તીર્થો-પવિત્ર સ્થળોને; सुकर्मीकुर्वन्ति, ઉદાત્ત કર્મો કરે છે; कर्माणि, કર્મો; सच्छास्‍त्रीकुर्वन्‍ति, પવિત્ર શાસ્ત્રો કરે છે; शास्‍त्राणि, શાસ્ત્રોને.)

૬૯. (આવા ભક્તો) તીર્થસ્થળોને વધારે પવિત્ર બનાવે છે, કર્મોને વધારે ઉદાત્ત કર્મો બનાવે છે અને શાસ્ત્રોને વધારે પવિત્ર શાસ્ત્રો બનાવે છે.

ભક્તમાં જ્યારે આ પ્રેમનો ઉદય થાય છે, ત્યારે એ પ્રેમોદયથી એની સાથે સંકળાયેલાં તમામ સ્થળો પાવન થઈ જાય છે એટલું જ નહિ, તીર્થસ્થળો પણ એની હાજરીથી વધુ પવિત્ર બની જાય છે. તીર્થસ્થાન પણ એને જ કહેવાય છે કે જે મહાત્માઓની ઉપસ્થિતિથી ધન્ય બનેલાં હોય છે. દરેકેદરેક પવિત્ર સ્થળ ભગવાનના કોઈને કોઈ મહાન ભક્ત સાથે સંબંધ અવશ્ય જ ધરાવતું હોય છે. જ્યાં આવા મહાન ભક્તો-મહાત્માઓ-નિવાસ કરે છે, તે સ્થળ તીર્થસ્થાન બની રહે છે – તે પવિત્ર સ્થાન બની જાય છે. ભગવાનના ભક્તોની આ શક્તિ છે. અન્ય માણસો એવા ભક્તોને વળગીને રહે છે કે જેથી તેઓ પણ થોડીક પવિત્રતા ધારણ કરી શકે. એટલા જ માટે આપણે યાત્રા કરવા જઈએ છીએ. ભક્તો અન્ય લોકોનાં કાર્યોનું રૂપ જ બદલાવી નાખે છે; એમને કૃતાર્થ બનાવીને એમની પાસે બધાં પુણ્યકર્મો અને સત્કર્મો કરાવે છે. ભક્તો જે કંઈ કરે છે તે સારામાં ફેરવાઈ જાય છે. તેઓ શાસ્ત્રોને વધુ પવિત્ર બનાવે છે; અર્થાત્‌ શાસ્ત્રમાં તો જરૂરી અને બિનજરૂરી બાબતો પણ હોય છે. શ્રીરામકૃષ્ણ કહેતા: ‘શાસ્ત્રમાં રેતી અને ખાંડ ભળી ગયેલાં હોય છે. પણ ભક્તોની શાસ્ત્રો પ્રત્યેની નિષ્ઠાને કારણે જ શાસ્ત્રોને પવિત્રતા બક્ષાઈ છે. શાસ્ત્રો શા માટે પવિત્ર છે? એ પવિત્ર એટલા માટે છે કે મહાન પુરુષોએ તેમાં વફાદારી દાખવી છે! એટલે પવિત્ર પુરુષોથી-ભક્તોથી-શાસ્ત્રો પણ વધારે પવિત્ર થાય છે. મહાત્માઓ પોતે શાસ્ત્રોની જીવંત વ્યાખ્યા જેવું જીવન જીવીને શાસ્ત્રોને જીવતો રાખે છે. એવા મહાન ભક્તો ન થયા હોત તો શાસ્ત્રો આપણે માટે વ્યાવહારિક રીતે સાવ નકામાં જ નીવડત.

આમ, જ્યાં ભક્તો વસે છે, તે સ્થળે તેમની ચેતના ફેલાઈ જાય છે. તે સ્થળ સાથેના તેમના સંબંધને કારણે ત્યાં કરેલાં કાર્યો પણ પવિત્ર થઈ જાય છે. શાસ્ત્રો વધુ પવિત્ર બને છે કારણ કે તેમણે તેમને શ્રદ્ધાંજલિ આપી હોય છે. યથાસમય શાસ્ત્રોને પ્રામાણિત કરવા આવા મહાત્માઓ ન જન્મ્યા હોત તો શાસ્ત્રો વેરાન જ થઈ ગયાં હોત! આજે શાસ્ત્રો માન પામી રહ્યાં છે, અનુસરાઈ રહ્યાં છે, એનું કારણ તે મહાત્માઓએ એનું આચરણ કરીને એને પ્રમાણિત કર્યાં, એ છે. પવિત્ર નરનારીઓના જીવનના નિદર્શનથી જ શાસ્ત્રો આદરણીય બની રહ્યાં છે.

तन्मयाः॥ ७०॥ (तत्‌, તેમાં; मयाः, છવાયેલા.)

૭૦. (કારણ કે -) તેઓ (ભક્તો) દિવ્યતાથી વ્યાપ્ત હોય છે.

मोदन्ते पितरो नृत्यन्ति देवताः सनाथा चेयं भूर्भवति ॥ ७१ ॥

(पितरः, પૂર્વજો; मोदन्‍ते, હર્ષ પામે છે; देवताः, દેવો; नृत्‍यन्तिः, આનંદથી નાચે છે; इयम, આ; भूः, પૃથ્વી; , વળી; सनाथा, સુરક્ષિત; भवति, થાય છે.)

૭૧. પૂર્વજો આનંદ પામે છે; દેવતાઓ આનંદમાં નૃત્ય કરે છે, વળી, માતા ધરતી પણ એ ભક્તની ભક્તિમાં પોતાનું રક્ષણ મેળવે છે.

नास्ति तेषु जातिविद्यारूपकुलधनक्रियादिभेदः ॥ ७२ ॥

(तेषु, તેમનામાં (તે ભક્તોમાં); जाति, નાતજાત; विद्या, શિક્ષણ; रुप, સૌંદર્ય; कुल, ખાનદાન; धन, સંપત્તિ; क्रिया, વ્યવસાય; आदि, વગેરેનો; भेदः, ભેદભાવ; नास्‍ति, હોતો નથી.)

૭૨. તે ઉચ્ચકક્ષાના ભક્તોમાં કોઈ નાતજાત કે શિક્ષાદીક્ષા અથવા રૂપ, કુટુંબની ખાનદાની, ધનસંપત્તિ, વ્યવસાય વગેરે જેવા કશા ભેદભાવો ક્યારેય હોતા નથી.

यतस्‍तदीयाः॥ ७३॥ (यतः, તેથી જ; तदीयाः, તેઓ ભગવાનના પોતાના.)

૭૩. (કોઈ વેરોવંચો ન હોવાને કારણે જ) તેઓ ભગવાનના પોતાના જ બની જાય છે.

ઉપલાં સૂત્રોમાં ભક્તોના મહિમાનું ખૂબ સુંદર વર્ણન અપાયું છે. જે સ્થાનમાં ભક્તો નિવાસ કરે છે, તે સ્થાન પવિત્ર બની જાય છે; તેઓ જે કંઈ કરે છે, તે બધું પવિત્ર થઈ જાય છે અને તેઓ જે કોઈ પણ શાસ્ત્રમાં નિષ્ઠા રાખતા હોય, તે શાસ્ત્ર પણ પવિત્ર થઈ રહે છે. મહાપુરુષોની અસર આવી પાવનકારી હોય છે. મહાપુરુષોની આત્મશક્તિ એ રીતે સ્થાનો, શાસ્ત્રો અને તે તે કર્મો ઉપર પથરાઈ જાય છે.

આ વાતને વધુ લંબાવતાં નારદ આગળ વધે છે કે એના પૂર્વજો પણ સુખી થાય છે અને તેઓ આનંદ માણે છે. દેવો પણ આનંદપૂર્વક નૃત્ય કરે છે અને ધરતી પણ ધન્ય બની જાય છે. પોતાના પરિવારમાં આવા પવિત્ર પુરુષોના આવિર્ભાવને કારણે એના પિતૃઓ આનંદિત થાય છે અને આવા પાવનકારી પુરુષોએ જન્મ લીધો છે, તેથી હવે ધરતી પરનાં પાપો ધોવાશે એમ ધારીને દેવો હરખભેર નાચવા લાગે છે, પૃથ્વી પણ આનંદ માણે છે કારણ કે આવો મનુષ્ય જગતના લોકોને ઉગારી લેશે એમ એને લાગે છે.

આવા મહામાનવોમાં નાત-જાતના, સંસ્કૃતિ-સભ્યતાના, સુંદરતા-અસુંદરતાના, ગરીબી-અમીરીના અથવા વ્યવસાય વગેરેના કશા જ ભેદભાવો હોતા નથી. આવો મહાભક્ત શું ધંધો કરે છે કે ક્યાં જન્મ્યો છે, વગેરે વિચારોની અહીં કશી જ કીમત નથી. એનો દેખાવ કેવો છે કે એ કેવો લાગે છે વગેરેની અહીં કશી દરકાર રખાતી નથી. કારણ કે તેની પરમપ્રેમની આ પ્રાપ્તિને લીધે તે આ બધી જ વસ્તુઓને અતિક્રમી જાય છે. ભલે તે વધારે ભણેલોગણેલો હોય કે પછી સાવ નિરક્ષર જ હોય! – એનીય કશી કીમત નથી. ભલે તે ઊંચા કુળમાં જન્મ્યો હોય કે પછી હલકી જાતિમાં પેદા થયો હોય, એનીયે અહીં કશી ગણતરી નથી. એ ધનવાન હોય કે ગરીબ હોય, એનું પણ અહીં કશું મૂલ્ય નથી. આ બધું જ અવગણીને તે જે કંઈ કરે છે તેમાં ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જ પ્રધાન રૂપે હોય છે. અર્થાત્‌ જેને પ્રભુ પ્રત્યેનો પરમ પ્રેમ પ્રાપ્ત થઈ ચૂક્યો છે, તેને દુનિયાદારીની આવી વસ્તુઓની કશી જ ગણતરી હોતી નથી. આવા ભેદભાવોને લીધે તેમની મહત્તામાં કશો ફરક પડતો નથી, કારણ કે તેઓ તો ભગવાનના માણસો છે. તેઓ પ્રભુના નિજીજનો છે, દિવ્યતાની ઉપસ્થિતિની આભા તેમને ઘેરી વળેલી હોય છે. તેથી તેઓ કેવા દેખાય છે કે કયા કુળમાં તેમનો જન્મ થયો છે કે તેમનો પરિવાર કેવો છે કે તેવું બધું તો તદ્દન તુચ્છ જ છે. કારણ કે આખરે તો તેઓ એવા મહામાનવો છે કે જેઓ ભગવાનની ઉપસ્થિતિમાં પૂરેપૂરા રંગાયેલા હોય છે અને એની જ ઉપસ્થિતિમાં તરબોળ બની ગયેલા હોય છે.

वादो नावलम्‍यब्यः ॥ ७४॥ (वादः, દલીલો; , નહિ; अवलम्ब्यः, આધાર રાખવા યોગ્ય.)

૭૪. મનુષ્યે વાદવિવાદમાં પડવું નહિ.

बाहुल्यावकाशत्वाद् अनियतत्वाच्च ॥ ७५ ॥

(बाहुल्‍य- अवकाशत्‍वात्‌, ઘણા દૃષ્ટિકોણોનો અવકાશ હોવાને લીધે; , અને; अनियतत्‍वात्‌, દૃષ્ટિકોણમાંથી કોઈ તારણ ન નીકળવાને લીધે.)

૭૫. એનું કારણ એ છે કે આમાં ઘણા ઘણા દૃષ્ટિકોણોને અવકાશ છે અને એમાંથી કોઈ પણ દૃષ્ટિકોણથી એક સર્વમાન્ય તારણ મેળવી શકાતું નથી.

હવે પછીનો મુદ્દો સાવધાનીનો છે કે મનુષ્યે કોઈ જાતની દલીલબાજીમાં ઊતરવું નહિ. અહીં એવો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે કે ભગવાન વિશે અથવા તો બીજાં શાસ્ત્રો વિશે અથવા તો ભક્તોની કક્ષાના તારતમ્યની બાબતમાં ક્યારેય પણ પરસ્પર વિરોધી દલીલબાજી કરવી જોઈએ જ નહિ. આવી સરખામણી મનુષ્યને પરમભક્તિના કેન્દ્રસ્થ સત્યથી દૂર ઘસડી જાય છે. એવી જૂઠી દલીલબાજીમાં રાચ્યા રહેવા કરતાં તો ભક્તિના આવેશમાં તરબતર રહેવું જ સારું! આપણે એ જુસ્સો બને તેટલો વધારે પ્રાપ્ત કરીએ અને એવી વિરોધી દલીલબાજીમાં સામેલ થતાં બચીએ. જ્યારે આપણે ચર્ચામાં ઊતરી પડીએ છીએ, ત્યારે આપણે ગ્રહણ કરવાની સંવેદનાને ગુમાવી બેસીએ છીએ. એ વખતે આપણે ભૂલી જઈએ છીએ કે આપણે ભાવગ્રહણ કરવાનું છે. જો એ ભાવગ્રહણની ક્ષમતા આપણામાં આવી જાય તો એ ભાવ જ આપણને સહાયક નીવડે છે. ભગવાન સાથેના મેળાપ માટે કોઈ પણ પ્રકારના પરસ્પર વિરોધી વાદવિવાદમાંથી સંપૂર્ણ રીતે છૂટકારો મેળવવો એ જરૂરી બાબત છે.

જ્યારે આપણે કોઈની સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણી પાસે કોઈક ગૃહીત સિદ્ધાંત હોય છે અને આપણા એ ગૃહીત સિદ્ધાંતને સાચો ઠેરવવા માટે આપણે એકબીજા સાથે દલીલો કરતા હોઈએ છીએ. આવા પ્રયત્નો આપણા મનને ભક્તિના સાચા સારતત્ત્વમાંથી દૂર હડસેલી મૂકે છે. એટલા માટે આપણે ઈશ્વર વિશે બીજાં આધ્યાત્મિક સત્યો વિશે અથવા તો વિવિધ પ્રકારના ભક્તોની તુલનાત્મક યોગ્યતા વિશે ક્યારેય કશી ચર્ચામાં ઊતરવું જોઈએ જ નહિ. ‘આ કે તે ભક્ત, પેલા કે બીજા ભક્ત કરતાં વધારે સારો છે’ – એવી કે બીજી ખોટા વિચારની ભાંજગડમાં પડવું જોઈએ નહિ. આવા ખોટા વિચારોથી મનની ગ્રહણક્ષમતા કે પ્રેરણા ઝીલવાની શક્તિ ક્ષીણ થઈ જાય છે. એવા ખોટા વિચારો વગર જ આપણે વધારે ગ્રહણશીલ બની શકીએ.

આ બધાં સૂત્રાત્મક કથનો છે, છતાં મહત્ત્વનાં છે. જ્યારે આપણે આ બધી વસ્તુઓનો વિચાર કરીએ, ત્યારે એ યાદ રાખવું જરૂરી છે કે આપણે આ વિચારો ફક્ત એટલા માટે કરી રહ્યા છીએ કે આપણે એનો મર્મ પામી શકીએ. કેવળ આપણી વિદ્વત્તાનું પ્રદર્શન કરવા માટે આવી ચર્ચા કરતા નથી. ભગવાન પ્રત્યે સાચી ઝંખના સેવનાર સાધકનાં આવાં કોઈ વલણો હોઈ ન જ શકે.

જ્યારે આપણને કોઈ સંતપુરુષનો સંગ મળે ત્યારે આપણે તેની આગળથી જેટલી બની શકે તેટલી ભાવના જ ગ્રહણ કરવી જોઈએ. પણ એમની આગળ કોઈ અમુક મહાત્મા કરતાં અમુક મહાત્માની પાત્રતાની સાપેક્ષ તુલનાને શોધવાનો કશો જ પ્રયત્ન કરવો ન જોઈએ. એનું કારણ એ છે કે આવા નિર્ણયો આપણને હંમેશાં ટીકાખોર જ બનાવી દેશે. અને આપણને ભક્તિભાવના ગ્રહણ કરવામાંથી રોકી પાડશે. એટલા માટે એમ કહ્યું છે કે આવા ભગવદ્‌ભક્તો કે ઈશ્વરના અસ્તિત્વ વિશેના કશા વાદવિવાદમાં ઊતરવું જ નહિ. માનો કે ખાલી દલીલ કરવા ખાતર હું ઈશ્વરના અસ્તિત્વને કોઈ નાસ્તિક માણસની આગળ સિદ્ધ કરી બતાવું, તો એથી શું થશે? જાણ્યે અજાણ્યે પણ હું પેલા નાસ્તિકના દૃષ્ટિકોણના રંગથી રંગાઈ જ જવાનો!

એટલા માટે આવી દલીલબાજી ખતરનાક છે. દલીલબાજી બિનજરૂરી છે એટલું જ નહિ, પણ એ હાનિકર પણ છે. કારણ કે એ આપણામાં એક પ્રકારની શંકાશીલતા ઊભી કરે છે. આપણને ખબર પણ ન પડે એ રીતે આપણે શંકાના શિકાર બનતા જઈએ છીએ; શરૂઆતમાં તો આપણને એવું લાગે છે કે આપણે તર્ક કરીને સામા માણસને બદલાવી જ નાખીશું પણ, એવું નથી. ઊલટું એવું થશે કે આપણા પોતામાં જ શંકાની ભાવના ઊગી નીકળશે. ભક્તિમાં તો એવી શંકા આવી જ શકતી નથી. એમાં તો આપણી સંપૂર્ણ ચેતના નિ:શેષ રૂપે કોઈ પણ જાતના ખચકાટ વગર લીન થઈને જ રહે છે!

આ બધી વાતો અહીં દર્શાવવામાં આવી છે અને આ સૂચનાઓ અમૂલ્ય છે. એને આપણા મનમાં કાળજીપૂર્વક સંઘરી રાખવી જોઈએ; પણ એને બદલે આપણે તો અનાવશ્યક અને નિરર્થક વાદવિવાદમાં બીજાઓ સાથે ઊતરી પડતા હોઈએ છીએ અને એ બીજાઓ જે શંકાઓ સેવે છે, તે જ શંકાઓના શિકાર બની જતા હોઈએ છીએ.  એટલે આપણે હંમેશાં ગુણગ્રાહક રહેવું જોઈએ. ખાસ કરીને સાધુપુરુષોના સાંનિધ્યમાં એમની પાસેથી જેટલી બને તેટલી વધુ પ્રેરણા અને જેટલો બને તેટલો વધુ ઉત્સાહ પ્રાપ્ત કરવા માટે એ મળેલી તકનો શ્રેષ્ઠ ઉપયોગ કરી લેવો જોઈએ. કારણ કે એવી તક તો ભાગ્યે જ મળતી હોય છે. એવા અવસરો કંઈ વારંવાર આવતા નથી.

ઉપર જે બધું કંઈ કહ્યું છે, તે જો કે એક સાધકને લક્ષમાં રાખીને કહેવામાં આવ્યું છે. છતાં પણ ‘મુખ્યાભક્તિ’ને સિદ્ધ કરી લેનાર ભક્તને માટે પણ આ દલીલબાજી તો યોગ્ય નથી જ. કારણ કે બીજાની સામે દલીલ કરવાથી એવા ભક્તને પણ પોતાના જીવનમાર્ગ અને આદર્શ વિશે સંશય થવાની સંભાવના છે. ઉદાહરણ તરીકે આપણે શ્રીરામકૃષ્ણના જીવનમાં જોઈ શકીએ છીએ કે જ્યારે કોઈ પણ મનુષ્ય તેમની આસ્થા અને સાક્ષાત્કારથી વિરોધી એવો અભિપ્રાય આપતો ત્યારે તેઓ તરત જગદંબા પાસે દોડી જતા. ભલે પછી એ કેવળ મોજમસ્તી ખાતર દલીલોને ઉત્તેજન આપતા હોય! શ્રીરામકૃષ્ણે નિશ્ચયાત્મક રીતે દલીલબાજીના વલણનો વિરોધ કર્યો છે : ‘વ્યર્થ તર્ક અને દલીલોથી મનુષ્ય સત્યનો સાક્ષાત્કાર ન કરી શકે.’ (ગોસ્પેલ્સ, પૃ.૪૯૬) – એવું તેમણે કહ્યું છે આપણે આ સંબંધે એવું કહી શકીએ ખરા કે ચર્ચાથી તો વસ્તુ વધારે સ્પષ્ટ બને છે; અથવા તો ચર્ચાઓથી કેટલાક વધુ નવા વિચારો આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ પણ અહીં મુદ્દો એ છે કે એમાં વિરોધની અતિશયતા થઈ જવાની તકો પડેલી છે. વળી આવી ચર્ચાઓ અને વિવાદો કંઈ આવશ્યક રીતે વિષયના કશા તારણ ઉપર પહોંચી જ શકે એવી ખાતરી નથી. કેટલીકવાર તો ચર્ચાઓ કશાય નિર્ણય વગરની અને છેવટના કશાય તારણ વગરની હોય છે. એટલે કે ઘણી વખત ચર્ચાઓ નિષ્ફળ જ નીવડે છે. એટલે આવી ચર્ચાઓથી બધી જ રીતે ખૂબ દૂર જ રહેવું જોઈએ.

આપણું વલણ તો દલીલબાજી જ કર્યા કરવાનું, આપણા વિરોધીને પછાડી દેવાનું અને એના ઉપર આપણું વર્ચસ્‌ સ્થાપવાનું જ હોય છે. આને કારણે પણ વાદવિવાદથી છેટા રહેવું જ સારું છે. પણ આનો અર્થ એવો નથી થતો કે માણસે બીજાની દલીલો સાંભળવી જ નહિ. અથવા તો તે વિષયનો વિદ્વાન જે કંઈ કહે તેના તરફ કાળજીપૂર્વકની કશી દરકાર જ ન રાખવી! એવી દરકાર અને એવી કાળજી અને એવા પ્રશ્નો તો વિષયની સ્પષ્ટતા માટે ઘણા સહાયક નીવડે છે. પણ સાથોસાથ આવી ચર્ચાઓમાં એવું પણ બનતું હોય છે કે ચર્ચાઓ નિરંતર ચાલ્યા જ કરે અને છેલ્લે પરિણામ શૂન્ય જ આવે! આવી ચર્ચાઓ મનને અવળે માર્ગે ખેંચી જાય છે. એ શ્રદ્ધાને ક્યારેય મજબૂત કરી શકતી નથી અથવા તો આપણને ક્યારેય સુધારી શકતી નથી. એટલા માટે વાદવિવાદોથી છેટા રહેવાનું કહ્યું છે.

(ક્રમશ:)

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.