(ગતાંકથી ચાલું)
अन्याश्रयाणां त्यागो ऽनन्यता ॥ १० ॥
(अन्य, બીજા; आश्रयाणाम्, આધારોનો (ઇચ્છા અને એની ભક્તિ સિવાયનાં બધા જ આધારોનો); त्यागः, ત્યજી દેવા; अनन्यता, (તે) અનન્યતા – એકાગ્રતા – એકાશ્રયતા – કહેવાય છે.)
૧૦. ભક્તિ અને ભગવાન સિવાયના બધા જ આધારોને છોડી દેવા, એને એકાશ્રયતા – અનન્યતા કહેવાય છે.
लोकवेदेषु तदनुकूलाचरणं तद्विरोधिषूदासीनता ॥ ११ ॥
(लोकवेदेषु, જનમત અને વેદોના આદેશોના સંબંધમાં; तदनुकूल, એની સાથે મેળ ખાય તેવું; आचरणम्, વર્તન; तद्विरोधिषु, એનાથી વિરોધી વિચારો વિશે; उदासीनता, બેપરવાઈ – ઉપેક્ષા – વિમુખતા)
૧૧. ભક્તની વર્તણૂક લોકમત અને વેદોના આદેશને અનુકૂળ હોવી જોઈએ અને લોકાચાર કે વૈદિક આદેશથી જે વિરોધી હોય, તેના પ્રત્યે તેણે વિમુખ થવું જોઈએ.
भवतु निश्चयदार्ढ्यादूर्ध्वं शास्त्ररक्षणम् ॥ १२॥
(निश्चयदार्ढ्यात्, શ્રદ્ધાની દૃઢતા; ऊर्ध्वम्, જ્યાં સુધી થાય ત્યાં સુધી; भवतु, ભલે થાય – થવું જોઈએ; शास्त्ररक्षणम्, શાસ્ત્રો સાથેની અનુકૂળતા)
૧૨. જ્યાં સુધી ભક્તની ભગવત્-શ્રદ્ધા દૃઢ થઈ જાય, ત્યાં સુધી શાસ્ત્રને અનુકૂળ આચરણ એનું હોવું ઘટે.
अन्यथा पातित्याशंक्या ॥१३॥
(अन्यथा, એમ ન થાય તો; पातित्या-शंक्या, પડવાનો—આદર્શમાંથી પતન થવાનો ભય રહે છે.)
૧૩. આમ ન થાય, તો ભક્તને પોતાના આદર્શમાંથી પતિત થઈ જવાનો ડર રહે છે.
ઉપરનાં ચાર સૂત્રોનું વિવરણ કરવા માટે એકી સાથે લીધાં છે : એકલક્ષિતાનો અર્થ શો છે? આ વાત આ સૂત્રમાં ફરીથી વધારે સમજાવવામાં આવી છે. અન્ય બધી પ્રવૃત્તિઓનો પરિત્યાગ, ભગવાન વગરની કોઈપણ વસ્તુ પ્રત્યેની આસક્તિનો પરિત્યાગ એટલે જ એકાગ્રતા – એકલક્ષિતા-, આપણે અગાઉ વેદોના આદેશને અવગણવાની અને જનમતને પણ જાકારો દેવાની વાત તો કહી ગયા છીએ. પણ એ બધું જ પૂરેપૂરું અને એકસામટું છોડી જ દેવું જોઈએ, એવી વાત નથી. શાસ્ત્રો આપણને જે કંઈ આદેશ આપે, અને તે આદેશ જો આપણી ભક્તિના વિકાસમાં સહાયક બને તો એવા આદેશોને છોડવાની વાત અહીં નથી. જે વાત ભક્તિનું સંવર્ધન કરે તે તો છોડાય જ નહિ. પછી ભલે તે શાસ્ત્રોમાં કહેવાયેલી હોય કે પછી જનમતથી જાણવામાં આવી હોય! જો આ બન્ને ભક્તિવિકાસને પોષક-સંવર્ધક હોય, તો તો એનો ત્યાગ કરાય જ નહિ, પરંતુ, જો એ બધાં ભક્તિના વિકાસ માટે અવરોધક બને એવાં હોય, તો એને આવકારાય જ નહિ; એટલું જ નહિ, પણ આપણે એનાથી સાવ વિમુખ જ થઈ જવું જોઈએ. એના તરફ આપણો કોઈપણ પ્રકારનો લગાવ ન જ હોવો જોઈએ. એટલે જ્યારે આપણે એવું કહીએ કે ભક્તે વેદાનુસરણ કે લોકાનુસરણ ન કરવું જોઈએ, ત્યારે એનો અર્થ એવો તો ન જ થાય કે દરેક વખતે ભક્તે વેદોની વિરુદ્ધ જ વર્તન કરવું. ના, એણે એવું ન જ કરવું ઘટે. વેદોની આ આજ્ઞાઓ ભક્તિના વિકાસમાં જો પ્રેરકબળ બનતી હોય, તો અવશ્ય એનું અનુસરણ કરવું જોઈએ. પછી ભલે એ સૂચનાઓ – આજ્ઞાઓ – વેદોએ કરી હોય કે સામાજિક કે લૌકિક અભિપ્રાયોથી બનેલી હોય – પણ જો એ ભક્તિવિકાસની બાધક હોય, તો આપણે એવા ઉપદેશથી – આદેશથી – અળગા જ રહેવું જોઈએ અર્થાત્ એનું અનુસરણ કરવાની આવશ્યકતા નથી.
આની પાછળ વિચાર એ છે કે, વેદો તો કૈં કેટકેટલી વસ્તુઓની વાત કરે છે; સ્વર્ગે કેમ પહોંચવું, ધન કેવી રીતે પ્રાપ્ત કરવું, સંતાનોની પ્રાપ્તિ કેવી રીતે કરવી, અન્ય સુખસુવિધાઓ કેવી રીતે મેળવવી, અરે, વરુણદેવને મનાવીને વરસાદ કેમ પ્રાપ્ત કરવો, વગેરે. આવી બધી વસ્તુમાં ભક્તને કશો રસ હોતો નથી. આવી વસ્તુઓમાં ભક્ત ફક્ત રસ નહિ લે એટલું જ નહિ, એની નોંધ પણ નહિ લે. ભક્તિના વિકાસ માટે એની કોઈ જરૂર નથી. એટલે વેદના એ આદેશોને ભક્ત પાળતો નથી. પણ જે આદેશો ભક્તિના વિકાસમાં મદદ કરતા હોય તે બધા, પછી ભલે તે વેદો દ્વારા કહેવાયેલા હોય કે પછી લૌકિક પરંપરામાંથી ઊતરી આવેલા હોય, તે બધા પાળવા જોઈએ. એનું ઉલ્લંઘન તો કરાય જ નહિ.
આ એક સાવચેતીભરી અભિવ્યક્તિ છે – વૈદિક કર્મકાંડની વિધિનું આચરણ ન કરવું અને જનમતને અનુકૂળ ન હોવું – આ બંને વસ્તુઓ અહીં સાવધાનપણે જ અભિવ્યક્ત થઈ છે. એટલે કે એ જ્યારે ભક્તિવિકાસને પોષક હોય, ત્યારે જ એને સ્વીકૃતિ મળવી જોઈએ. અહીં સાવધાનીનો બીજો ધ્વનિ પણ છે, તે એ કે જ્યાં સુધી ભક્તિમાં અવસ્થિત ન થવાયું હોય, ત્યાં સુધી તો શાસ્ત્રોની આજ્ઞાઓનું પાલન કરવું જ જોઈએ. જ્યાં સુધી કોઈ વ્યક્તિની ભક્તિમાં અવસ્થિતિ ન થઈ હોય. ત્યાં સુધી તેણે અવશ્ય શાસ્ત્રાનુસરણ કરવું જોઈએ. કારણ કે એ બધું એનામાં ભક્તિને જગાડવામાં સહાયક નીવડે છે. પરંતુ, જ્યારે ભક્તે ભક્તિની ઉપલબ્ધિ કરી લીધી હોય, ત્યારે આ શાસ્ત્રાજ્ઞાઓ નકામી થઈ જાય છે. એણે પહેલાં પોતાનું કામ પૂરું કરી દીધું હોય છે. એટલે હવે પછી એવા આજ્ઞાપાલનની કશી વધારે જરૂર રહેતી નથી.
શાસ્ત્રોની આજ્ઞાઓ, વ્યક્તિના આધ્યાત્મિક વિકાસને સીધી રીતે સહાયક બનતી હોય કે ન બનતી હોય, પણ એને વળગી તો રહેવું જ જોઈએ કારણ કે એવું આજ્ઞાપાલન ભક્તને અપવિત્રતાની સામે રક્ષણ પૂરું પાડી શકે ખરું. અન્યથા – જો એ આજ્ઞાપાલન ન કરવામાં આવે તો – તે પાપ કરી બેસે અથવા તો ભ્રષ્ટ થઈ જાય. પોતાને માટે નિયત થયેલી શાસ્ત્રની આજ્ઞાના પાલનને ઉવેખવાથી માણસ પોતાના જ પતનને નોતરે છે. આવી અવનતિ ન થાય, એટલા માટે મનુષ્યે શાસ્ત્રાજ્ઞાઓનું પાલન કરવું જોઈએ. નહિતર તો પાપ વધવાનો ભય રહે છે એટલે જ્યાં સુધી શાસ્ત્રાજ્ઞાઓ મનુષ્યની સાધનામાં સહાયક બનતી હોય, ત્યાં સુધી તો એનું પાલન કરવું જ જોઈએ. મનુષ્યે વૈદિક આદેશોને હળવાશથી ન જ લેવા જોઈએ. મનુષ્ય સ્વચ્છંદતાથી વેદાજ્ઞાનું ઉલ્લંઘન ન કરી શકે. વેદાજ્ઞાઓને એનો અધિકૃત આદર મળવો જ જોઈએ. આ બધી વાત તો શાસ્ત્રાજ્ઞાની થઈ. જનમતને માટે પણ આ જ વાત લાગુ કરવી જોઈએ. જ્યાં સુધી મનુષ્ય ભક્તિમાં અવસ્થિત ન થયો હોય, ત્યાં સુધી એણે આ જનમતને પણ આદર આપવો જોઈએ.
ગીતામાં એમ કહેવામાં આવ્યું છે કે કોઈપણ એકક્ષણભર પણ કર્મ વગર રહી શકે જ નહિ. એટલે કર્મો તો સતત ચાલતાં રાખવાં જ પડે છે. પણ એમાંથી કેટલાંક એવાં કર્મો ચૂંટી કાઢવાં જોઈએ કે જે આધ્યાત્મિક જીવન માટે પ્રેરક બની રહેતાં હોય. અને બાકીનાં બીજાં બધાં કર્મો કે, જે આધ્યાત્મિક જીવનને બાધક બની જતાં હોય, એનો ત્યાગ કરી દેવો જોઈએ- આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એની ચકાસણી આ વિચારને કેન્દ્રમાં રાખીને કરવી જોઈએ.
लोकोऽपि तावदेव; किन्तु भोजनादि व्यापारस्त्वाशरीरधारणावधि ॥ १४ ॥
(लोकः अपि, લોકોનો અભિપ્રાય પણ; तावत्, તે સમય પૂરતો; एव, કેવળ; भोजन-आदि, ખોરાક લેવો વગેરે; व्यवहारः, કાર્યો; तु, તો; आशरीर, જ્યાં સુધી શરીર; धारणावधि, ટકી રહે ત્યાં સુધી)
૧૪. તેટલા સમય સુધી જ લોકોના અભિપ્રાયને અનુસરવું અને ભોજન વગેરેનાં કર્મો તો જ્યાં સુધી શરીર ટકે ત્યાં સુધી કરતાં રહેવું જોઈએ.
ખાવું, પીવું, શરીરનું હલનચલન વગેરે શરીરને ધારણ કરવા માટેનાં કુદરતી જે કર્મો છે, તેવાં કર્મો તો જ્યાં સુધી શરીર ટકી રહે, ત્યાં સુધી ચાલુ રાખવાં જ જોઈએ. માણસે ખાવું તો પડે જ છે, એટલે જ્યાં સુધી શરીર ટકે ત્યાં સુધી એ કર્મને તો જાળવી જ રાખવું પડે. એટલે આપણી ખાવાની ક્રિયા તો ચાલુ જ રહે છે. એ જ પ્રમાણે બીજાં કુદરતી કર્મો પણ ચાલુ જ રહે છે. મતલબ એ છે કે આવી કુદરતી ક્રિયાઓને છોડવી પણ નહિ અને એના પાલનમાં બેદરકાર પણ રહેવું ન જોઈએ. જ્યાં સુધી શરીર છે, ત્યાં સુધી એની જાળવણી માટે આવી બધી ક્રિયાઓની આવશ્યકતા છે. એના વગર તો જીવન ટકી જ ન શકે. અહીં કદાચ કોઈને એ પ્રશ્ન થાય કે, ‘જીવનને ચાલુ રાખવાની ચિંતા જ શા માટે કરવી જોઈએ? ભલે ને શરીર ચાલ્યું જાય? એમાં તે શો વાંધો થવાનો છે?’ ઉત્તરમાં કહેવાનું કે, વાંધો ઘણો મોટો છે. કારણ કે શરીર એક સાધન છે, એના દ્વારા જ મનુષ્ય ભક્તિની સાધના કરી શકે છે. એટલે જો શરીર ચાલ્યું જાય, તો મનુષ્ય ભક્તિસાધના કેમ કરી શકે? એટલા માટે શરીરધારણ માટે જે જે કાર્યની આવશ્યકતા હોય, તે બધાં ચાલુ જ રાખવાં જોઈએ, એને છોડાય જ નહિ. તાત્પર્ય એ છે કે મનુષ્યે આત્મહત્યા ન કરવી જોઈએ. બધી જ ક્રિયાઓને છોડી દેવી, એનો અર્થ તો આત્મહત્યા જ થાય!
એટલા માટે શરીરનું જતન કરવા માટે આપણે શરીરસ્વાસ્થ્યના નિયમો તરફ બેપરવાઈ ન દાખવવી જોઈએ. ઘણી વખત એવું જોવામાં આવે છે કે શરીરને સુદૃઢ અને સ્વસ્થ રાખવા માટેના જરૂરી એવા કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવામાં લોકો બેદરકારી સેવે છે. ભક્તિયોગ આવું તો કશું શીખવતો નથી. શરીરનો બાંધો સુદૃઢ અને સંતુલિત રહે એવા આરોગ્યના નિયમો અને બધી જ સ્થિતિઓનું મનુષ્યે પાલન કરવું જોઈએ. આ બધું એને ભક્તિની સાધનામાં અવરોધરહિત સમય ફાળવવામાં સક્ષમ બનાવશે. સાધકની લાપરવાહીને લીધે શરીર જો રોગી કે દુર્બળ હશે, તો એણે સહન કરવું પડશે, અને એના પ્રમાણમાં એના આધ્યાત્મિક જીવનને પણ સહન કરવું પડશે. એટલે સ્વાભાવિક રીતે જ શરીરની જાળવણી ખૂબ જતનથી કરવી જોઈએ. સ્વામી બ્રહ્માનંદ કહે છે કે જેવી રીતે કોઈ વેશ્યા પોતાની શારીરિક સ્થિતિની જાળવણી કરે છે તેવી જ રીતે ભક્તે પણ પોતાના શરીરની કાળજી રાખવી જોઈએ. કારણ કે તે વેશ્યા જાણે છે કે જો એનું શરીર ક્ષીણ થઈ જશે તો એનો ધંધો પડી ભાંગશે. એ જ પ્રમાણે જો ભક્તનું શરીર માંદું પડી જાય તો એની આધ્યાત્મિક સાધનાને હાનિ પહોંચશે. એટલે આપણે શરીર સ્વાસ્થ્યના નિયમો પાળવામાં લાપરવાહી રાખવી ન જોઈએ. એ ખૂબ કાળજીપૂર્વક પાળવા જોઈએ. આ શરીર જ એવું સાધન છે કે જેના દ્વારા જ આપણે સાક્ષાત્કારની પ્રાપ્તિ માટે કામ કરવું પડે છે. એટલે મરજી મુજબની હળવાશપૂર્વક એને ગણવું ન જોઈએ. ઘણીવાર લોકો ઉપવાસો કરે છે અને એનાથી પોતાની તબિયત બગાડે છે. તેઓ હાથે કરીને તરેહતરેહની તંગીઓને- અડચણોને નોતરે છે. આ સારું નથી. કારણ કે જે સાધન દ્વારા આપણે ભક્તિની સાધના કરીએ છીએ, એની જાળવણી ઉપર એ અસર કરે છે. અર્થાત્ શરીર પ્રત્યે વિમુખતા ન રાખવી જોઈએ.
આ કારણે પહેલાં જ્યારે એકાગ્રતા દર્શાવાઈ છે, એની જ અહીં આગળ સ્પષ્ટતા કરી છે કે એકાગ્રતા-એકનિષ્ઠાનો અર્થ ભગવાનમાં રહેવું – અને કેવળ ભગવાનમાં જ રહેવું એવો થાય છે.
Your Content Goes Here




