यत्प्राप्य न किंचिद् वांछति, न शोचति न द्वेष्टि, न रमते, नोत्साही भवति ॥५॥

(यत्, જેને પ્રાપ્ત કરીને; न किंचित्, કશું જ નથી; वांछति, ઇચ્છતો; न, નથી; शोचति, શોક કરવો; न, નથી; द्वेष्टि, દ્વેષ-ધિક્કાર કરતો; न, નથી; रमते, ભોગવતો; न, નથી; उत्साही भवति, કશાને માટે ઉત્સાહ રાખતો- લાગણી રાખતો)

જે ભક્તિને પ્રાપ્ત કર્યા પછી ભક્ત કશાયની કામના કરતો નથી; કશાનો શોક કરતો નથી, કોઈનો તિરસ્કાર કરતો નથી, અન્ય કશામાંથી આનંદ પ્રાપ્ત કરતો નથી અને અન્ય બીજું કશું કરવામાં ઉત્સાહનો અનુભવ કરતો નથી.(૫)

આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે એક વખત આ ભક્તિરસનો આસ્વાદ માણી લીધો હોય તો ત્યાર પછી એની સરખામણીમાં એવો બીજો કોઈ જ રસ નથી કે જેની પ્રાપ્તિ માટે ભક્તને કામના બાકી રહી જાય! આ અનુભૂતિ સાથે ઉમેરી શકાય તેવી બીજી કોઈ અનુભૂતિ છે જ નહિ. આ આનંદ અસીમ છે. કોઈનાથી આમાં ન તો કશો ઉમેરો કે ન તો કશી બાદબાકી થઈ શકે.

આ પ્રેમની પ્રાપ્તિ થયે, એનો અનુભવી કશી ઇચ્છા કરતો નથી, અન્ય કોઈના પ્રત્યે તિરસ્કાર દાખવતો નથી કે અન્ય કોઈ પ્રત્યે કશો લગાવ પણ રાખતો નથી. કોઈ બીજા પ્રકારની કાર્ય પ્રવૃત્તિ તરફ ઉત્સાહ પણ દેખાડતો નથી. આ વાત એ અર્થમાં ખૂબ મહત્વની છે કે જ્યારે આપણી પરમોચ્ચ કામના પૂર્ણ થઈ જાય, પછી વળી આપણે માટે બીજી શી કામના બાકી રહી જાય વાસ? ભગવદ્‌ગીતામાં કહેવામાં આવ્યું છે કે, ‘જ્યારે આપણી પાસે સઘળું જ આવી મળે, જ્યારે બધી કામનાઓ પરિપૂર્ણ થઈ જાય, પછી વળી આપણે માટે બીજી શી કામના બાકી રહી જાય? ભગવદ્‌ગીતામાં કહેવામાં આવ્યું છે કે, ‘જ્યારે આપણી પાસે સઘળું જ આવી મળે, જ્યારે બધી કામનાઓ પરિપૂર્ણ થઈ જાય, પછી કોઈ ઇચ્છા જન્મતી નથી.’ એને પ્રાપ્ત કર્યા પછી મનુષ્ય બીજા કોઈ વિષયને વધુ પ્રાપ્ત કરવા યોગ્ય ગણતો નથી- એવો કોઈ પદાર્થ પછી બાકી રહી જતો નથી કે જેને માટે એનું મન લાલાયિત થઈ જાય – બધી જ ઇચ્છાઓ જ્યાં પૂરી થઈ જાય, ત્યાં મનુષ્યને બાકી કોઈ ઇચ્છા ન જ રહે. અને ભક્ત શોક કરતો નથી. એ કેમ? પહેલાં તો એટલા માટે કે એને બધાંની ઉપલબ્ધિ થઈ ચૂકી છે અને હવે કશું બાકી મેળવવા યોગ્ય રહ્યું નથી. બીજી વાત એ છે કે એણે જે મેળવી લીધું છે, એનો કદાપિ નાશ થવાનો નથી. એટલા માટે એને શોક થતો નથી. આપણી ઇચ્છા, આપણી અપૂર્ણતાની લાગણીમાંથી આવે છે. અને આપણી પાસે જે આપણને પ્રિય માનેલી વસ્તુ હોય, એનો નાશ થવાથી – એને ગુમાવવાથી – પણ શોક થાય છે. પણ જે મનુષ્યે આ દિવ્ય પ્રેમનો આસ્વાદ કર્યો હોય છે, તેને માટે તો કશું જ વધારે ઇચ્છવા યોગ્ય બાકી રહી જતું નથી. અને એટલા માટે એ શોક કરતો નથી. કારણ કે આ પ્રેમ કદી નથી નાશ પામવાનો કે નથી ક્યાંય ખોવાઈ જવાનો! એને કશું ગુમાવવાનું જ હોતું નથી. ધારી લો કે એને આ જગતની ઘણી વસ્તુઓ ગુમાવવી પડે તેમ છે. અરે, કોઈક વખત એનું શરીર પણ એણે ગુમાવવું પડે છે. પણ આ કશાની ગણતરી એને હોતી નથી. કારણ કે એણે જે પ્રાપ્ત કરી લીધું છે, એની સરખામણીમાં આ બધી વસ્તુઓની કશી વિસાત જ નથી અને એટલે એને કશો શોક હોતો નથી. એ પરિતૃપ્ત છે, શાશ્વતરૂપે પરિતુષ્ટ છે. એનામાં ક્યારેય કશો શોક સંભવી જ ન શકે.

આપણને જે વિષયો પ્રાપ્ત કરવાની ઇચ્છા હોય, એમાં કોઈ અડચણરૂપ થાય તો એવી વસ્તુ કે મનુષ્ય ઉપર આપણને તિરસ્કાર ઉત્પન્ન થાય છે આપણને ખબર પડે કે કોઈક પણ આપણી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિના માર્ગમાં આડખીલી બનીને ઊભું છે, તો આપણે એનો દ્વેષ કરવા લાગીએ છીએ. પણ આ ભક્ત તો સ્થાયીરૂપે પ્રેમમાં એકાકાર થઈ ગયેલો હોય છે તેથી એને માટે તો એવી કોઈ વસ્તુ અવરોધ ઊભો કરનારી નથી કે નથી તો કોઈ વસ્તુ એના ખુદની અને એના પ્રેમની વચ્ચે કંઈ અંતર ઉપજાવી શકતી! અને એટલા માટે ભક્તમાં કોઈના પ્રત્યે દ્વેષ હોતો નથી. સાચો ભક્ત કોઈનો પણ તિરસ્કાર નથી કરતો એનું એક બીજું પણ કારણ છે. એને કોઈ પદાર્થ કે પ્રાણી પ્રત્યે વિમુખતા હોતી જ નથી. આને લીધે તે દેખીતી રીતે જ દરેક ઠેકાણે તે પ્રભુનો હાથ જ નિહાળે છે. અને વળી બધાં જ પ્રાણીઓમાં પ્રભુ નિવાસ કરી રહ્યો છે, એવું જુએ છે. એટલે કોઈના તરફ એને કશી અરુચિનો ભાવ જ ન હોય, તો પછી એ ભલા કોને ધિક્કારી શકે?

વળી આગળ જોઈએ તો એને કોઈ પ્રકારના પોરસની લાગણી- ગર્વીલાપણાના નશાની લાગણી પણ હોતી નથી. આ પોરસીલાપણું ત્યારે જન્મે છે કે જ્યારે આપણી પાસે પહેલાં ન હોય એવી વસ્તુ આપણને મળી જાય- જેની આપણને ઘણી વખતથી પ્રાપ્તિની ઇચ્છા હોય, તે મળી જાય- હવે, આવા ભક્તની બાબતમાં તો આ પ્રકારના ગર્વીલાપણાનો અનુભવ થતો દેખાતો નથી. કારણ કે એને તો બધું જ મળી ચૂક્યું છે. એટલે આ પ્રકારનો ગૌરવાનુભવ એને કરાવે એવો કોઈ પદાર્થ ક્યાંય છે જ નહિ.

હવે છેલ્લી વાત : આ ભક્તને કોઈ વસ્તુ-કાર્ય-કરવામાં કે કોઈ બાબત વિશે ઉત્સાહ હોતો નથી. કશુંક કરવા માટે મનની પ્રેરણા થાય એને ઉત્સાહ કહેવામાં આવે છે. તમે કશુંક કરવા ઇચ્છો છો તે શા માટે? – કશુંક હાંસલ કરવા માટે જ ને! સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જ ને! પણ આ ભક્ત તો બધું જ પ્રાપ્ત કરી ચૂક્યો છે. અને હવે વધુ બીજા કશાની પ્રાપ્તિ માટે એનામાં કોઈ ઉત્સાહ રહ્યો નથી. આ બાબતમાં એક શંકા ઉત્પન્ન થઈ શકે છે કે જો કોઈ મનુષ્યે આ ઉપર્યુક્ત ભક્તના બધાં જ લક્ષણો પ્રાપ્ત કરી લીધાં હોય, તો જીવવાનો જ શો અર્થ રહ્યો? એ તો માત્ર પછી પથ્થરના એક ટુકડા જેવો જ બની રહેવાનો! તો કહેવાનું કે ના, એવું નથી ભક્તને માટે એવું નહિ થાય કારણ કે એનામાં રહેલો ઉત્સાહનો અભાવ કંઈ એના પોતાના જડત્વમાંથી જન્મેલો હોતો નથી- એ પોતે એનો જડ વિષય નથી. પણ એની પોતાની પૂર્ણતા હોવાને કારણે ઉત્પન્ન થયેલો છે. અને જ્યારે એ પૂર્ણ હોય છે, ત્યારે એનામાં કોઈ હલનચલન, કોઈ પ્રવૃત્તિ હોતાં નથી, કોઈ ઉત્સાહ હોતો નથી. ધારો કે એક ઘડો બહાર-ભીતર બધે જ ભરપૂર છે. કલ્પના કરો ને કે એ ઘડો સાગરમાં જ ડૂબી ગયેલો છે! એની બહાર અંદર બધે જ પાણી જ પાણી છે. તો હવે એ પાણીમાં આપણે કશી હલચલ કલ્પી શકીએ ખરા? નહિ જ. એ શક્ય જ નથી. હલચલ તો અર્થ એ છે કે જ્યાં જળ વગરની જગ્યા હોય, ત્યાં એ જળ દોડી જાય. હલચલનો હંમેશા એ જ અર્થ હોય છે કે એક ભરેલી જગ્યાએથી ખસીને અન્યત્ર ખાલી જગ્યા ભરવા માટે તેની તરફ દોડી જવું. હવે જ્યારે તે ભીતર બહાર સર્વત્ર પ્રેમમાં ડૂબી જ ગયેલો હોય છે, ત્યારે આવી કોઈ હલચલ સંભવિત જ નથી. એટલા માટે જ આ ભક્ત કશુંક પ્રાપ્ત કરવામાં કે કશુંક કાર્ય કરવામાં ઉત્સાહી બનતો નથી. જડત્વની સ્થિતિ કરતાં અહીં આ જ મોટો તફાવત છે. જડત્વની સ્થિતિમાં તો શક્તિ ઉત્પન્ન જ થઈ હોતી નથી. જ્યારે અહીં તો ભક્ત શક્તિથી છલોછલ ભર્યો હોય છે. અને છતાં કશી હલચલ નથી! એટલે એ પ્રેમથી ભરપૂર છે એ કારણે જ એનામાં નિશ્ચલતા છે. અહીં બતાવેલ ઉત્સાહના અભાવની પાછળ આ વિચાર છે.

એટલે ભક્તનાં આવાં બધાં લક્ષણો છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો ભક્તિમાર્ગના અનુયાયી મનુષ્યનાં આ ચિહ્‌નો છે. વળી, ભક્તિ કે સાધનાના માર્ગ દ્વારા મનુષ્યે આ વિશિષ્ટ ગુણો પ્રાપ્ત કરવાના છે. આ ભક્તિને સાધના એટલા માટે કહેવામાં આવે છે કે સિદ્ધપુરુષ કે સંપૂર્ણ માનવમાં જે ખાસ ગુણો હોય છે, તે જ ગુણોનો મહાવરો ભક્તને પણ કરવો પડે છે. એટલે કે એણે પોતાના મનમાંથી ભક્તિ સિવાયની અન્ય બધી ઇચ્છાઓને દૂર કરી દેવી જોઈએ. જ્યારે આ પ્રકારની પૂરેપૂરી મન:સ્થિતિ પ્રાપ્ત થશે, ત્યારે કોઈપણ વસ્તુ મેળવવાની ઇચ્છા કરશે નહિ; ત્યારે ભગવાન સિવાય બીજી કોઈ વસ્તુનું આકર્ષણ એ અનુભવશે નહિ. તેથી એ અન્ય ખોવાયેલી-ગુમાવાયેલી વસ્તુનો શોક પણ નહિ જ કરે. હવે, આ પણ એક પ્રકારની સાધના છે, એક પ્રકારની પ્રક્રિયા છે; એ કોઈની ઘૃણા નહિ કરે, કારણ કે અન્ય વસ્તુઓ એને માટે ઉપેક્ષા કરવા યોગ્ય બની જાય છે – મહત્ત્વહીન થઈ જાય છે. એથી, જેમ સામાન્ય મનુષ્યને પોતાની ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત થવાથી આનંદ અને ગૌરવની લાગણી થાય છે, એવી લાગણી આ ભક્તને થતી નથી. આ ભક્ત ભક્તિ કરતાં બીજી કોઈ વસ્તુને ઊંચી આંકતો નથી, તેથી એવી કોઈ વસ્તુની ઉપલબ્ધિ માટે કશો ઉત્સાહ પણ દાખવતો નથી. કોઈ પદાર્થ માટે એનામાં ઉત્સાહ હોતો જ નથી.

સામાન્ય રીતે માણસો જે સમજી નથી શક્તા, તે બધું આ જ છે. સામાન્ય માણસો તો ફક્ત પોતાના ભૌતિક્તાથી જકડાયેલા જીવનની હસ્તી ના દૃષ્ટિકોણથી જ બધાનું મૂલ્ય આંકે છે અને એથી તેઓ એવું વિચારે છે કે બધા જીવંત મનુષ્યો માટેની ખાસિયતો તો ઉપર બતાવેલી ભક્તની લાક્ષણિક્તાઓ કરતાં વિરોધી હોય, એ જ અપેક્ષિત ગણાવું જોઈએ. અને આ ભક્તો એવી ખાસિયતો ધરાવતા ન હોવાથી એમને જીવંત જ ન માનવા જોઈએ. આવો ભક્ત જીવતા કરતાં મરેલો વધારે છે! પરંતુ, ઉપર દર્શાવેલા દૃષ્ટિબિંદુથી જો વિચાર કરીએ, તો આપણે સમજી શકીએ કે પૂર્ણત્વને પામેલો આ ભક્ત, અપૂર્ણ જીવમાં દેખા દેતી કોઈ જ લાગણી ધરાવતો હોતો નથી; અપૂર્ણ જીવાત્મા અને એનું એને યોગ્ય વર્તન, પૂર્ણાત્માના જીવન અને વર્તન કરતાં તદ્દન નિરાળું હોય છે. સામાન્યજનો આ વાત સમજતા નથી અને એટલા જ માટે તેઓ એને નકામું માની લે છે.

હું એક નાટક વાંચતો હતો. એમાં એક જ્ઞાની મનુષ્ય અને એની સાધનાનું બયાન કરેલું હતું. એમાં કહ્યું હતું કે એણે એક દીવાલ સામે જ જોઈને નવ વરસ પસાર કર્યાં હતાં, એનું રમૂજી રીતે આમ વર્ણન કરવામાં આવ્યું હતું : બે માણસ એને જોવા આવ્યા : એ બેમાંથી એક તો એનો ઓળખીતો હતો અને બીજો અજાણ્યો હતો. પેલા ઓળખીતા માણસે એના બીજા મિત્રને કહ્યું : ‘તું એને ગમે તેટલું ફટકારીશ, તો પણ તે કશો પ્રતિકાર કરશે નહિ.’ એટલે પેલા મિત્રે તો એને ફટકાર્યો. પણ તે ધ્યાનમગ્ન સાધક તરફથી કશી પ્રતિક્રિયા ન થઈ. એટલે એણે બીજા મિત્રને કહ્યું : ‘હવે તું યે પ્રયત્ન કરી જો ને!’ એટલે એ બીજા મિત્રે જ્યાં સુધી કશો પ્રતિકાર ન થયો ત્યાં સુધી ફટકાર્યે રાખ્યું. એણે પૂછ્યું : ‘હજુ પણ ફટકારું કે?’ તે બોલ્યા : ‘હા, ફટકાર!’ પછી તો એ બંને જણે પોતાનું બધું બળ એકઠું કરીને એને ઝૂડી જ નાખ્યો! છતાં પેલા સાધક તરફથી કશો જ પ્રતિસાદ આવ્યો નહિ! પોતાના ફટકાઓના અવાજ સિવાય તે બંને કશું પામી શક્યાં નહિ. છેવટે એ ધ્યાન મગ્ન સાધક ભાનમાં આવ્યો અને બોલ્યા : ‘હું બહેરો નથી, હું અંધ નથી, હું કોઈ જડ પદાર્થ નથી, પણ મને જ્ઞાનપ્રકાશ લાધ્યો છે.’ હવે, આ તો જ્ઞાનપ્રકાશિત મનુષ્યની કસોટી કરતી એક વિલક્ષણ રીત થઈ! આવી ભારે વિલક્ષણ રીત, તમારામાંથી કેટલાને પસંદ પડશે, એ તો મને ખબર નથી.’

સીધીસાદી વાત તો આટલી જ છે કે પ્રબુદ્ધ મનુષ્યોની પ્રતિક્રિયાઓ સામાન્ય માણસોની પ્રતિક્રિયાઓ જેવી હોતી નથી. પૂર્ણ માનવને અપૂર્ણતાની કશી લાગણી હોતી નથી, પણ એનો અર્થ એવો નથી કે એને ક્યાંય પણ અપૂર્ણતા દેખાતી જ નથી! એને અપૂર્ણતા દેખાય તો છે જ, અને જ્યારે એ અપૂર્ણતા જુએ છે, ત્યારે એને પહેલવહેલો વિચાર એ આવે છે કે એ અપૂર્ણતાનું સંપૂર્ણતામાં રૂપાંતરણ કેવી રીતે કરી શકાય? એ પોતાને માટે તો સઘળું મેળવી ચૂકેલો જ હોય છે, પણ જે લોકોએ એ મેળવ્યું હોતું નથી, તેમને માટે કઈ રીતે સહાયક બની શકાય, એ એકમાત્ર વિચાર એનામાં હોય છે, અને એ વિચાર આવતાવેંત એ કાર્ય કરવા મંડી પડે છે, પણ એ કાર્ય એના પોતાના માટે તો અર્થ વગરનું જ હોય છે. તદ્દન ભરેલો ઘડો કશો જ અવાજ કરતો નથી. પણ એ ઘડાનું પાણી બીજા ઘડામાં ઠાલવવામાં આવે તો અવાજ થવાનો જ. એટલે જ્યારે મનુષ્ય પોતે પોતામાં જ ભર્યોભર્યો હોય છે, ત્યારે એને પોતાને માટે કશું કાર્ય- કશી પ્રવૃત્તિ- કરવાની આવશ્યકતા હોતી નથી. પરંતુ જ્યારે તે પોતાની આસપાસના અપૂર્ણ જીવાત્માઓનાં દુ:ખો નિહાળે છે, ત્યારે તે શાંત રહી શક્તો નથી. પછી તો એ કાર્યો કરવા જ લાગે છે. પણ એ બધી કાર્યપ્રવૃત્તિઓ એના પોતાના માટે નથી હોતી. પણ ફક્ત અન્યો માટે જ હોય છે.

આમ આ બધી બાબતો દર્શાવી કે ‘ભક્ત કશું જ ઇચ્છતો નથી,’ એનો અર્થ એ છે કે એ ‘પોતાને માટે’ કશું ઇચ્છતો નથી, ‘ભક્ત કશી વસ્તુ ગુમાવ્યાનો શોક કરતો નથી’ – એનો અર્થ એ છે કે એ ‘પોતાને’ ગુમાવતો નથી. પોતાને માટે કોઈ વસ્તુ મેળવીને એ પોતે પ્રસન્ન થતો નથી, રાજી થતો નથી. એના પોતાના વ્યક્તિગત લાભ માટે કોઈ કાર્ય કરવામાં એને રસ પડતો નથી. આ રીતે ઉપરના ગણાવેલાં બધાં જ ગુણલક્ષણોથી તે સંપન્ન હોવો જોઈએ. એટલે એવું તો કંઈ નથી કે તે ભક્ત પથ્થરના ઢગલા જેવો જડ હોવો જોઈએ. પરંતુ, એનામાં પોતાના માટે કશો જ સ્વાર્થ હોવો ન જોઈએ. માટે એ અન્ય માટે કાર્ય કરે છે. પણ પોતાને માટે કરતો નથી. બધા પ્રકારની સમસ્યાઓ ભક્તના જીવનમાંય આવશે તો ખરી, પણ આ સમસ્યાઓને એક જુદા જ દૃષ્ટિકોણથી નિહાળવામાં આવે છે. (ક્રમશ:)

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.