यल्लब्ध्वा पुमान् सिद्धो भवति अमृतो भवति तुष्टो भवति॥४॥
(यत्, જેના; लाभात्, ઉપલબ્ધિ થવાથી; पुमान्, ભક્ત; सिद्धः भवति, પૂર્ણકામ બને છે (અથવા પૂર્ણ થાય છે); अमृतः भवति, અમર બની જાય છે; तुष्टः भवति, સદા તૃપ્ત બને છે.)
જેની પ્રાપ્તિ થવાથી ભક્તની સર્વકામનાઓ પૂર્ણ થાય છે; એ અમર બની જાય છે અને પરિતુષ્ટ બની રહે છે.
સર્વ પ્રથમ તો આ ભક્તિને પ્રાપ્ત કરીને મનુષ્ય સંપૂર્ણ બની જાય છે, ‘સિદ્ધ’ બની જાય છે. જેને ખોટી રીતે ‘સિદ્ધિ’ તરીકે સમજવામાં આવે છે, તેવી આ કોઈ ‘સિદ્ધિ’ નથી એટલે કે આ કોઈ અલૌકિક શક્તિ નથી. ‘અલૌકિક શક્તિ’ને પણ સિદ્ધિ કહેવામાં આવે છે ખરી, પણ આ સિદ્ધિનો અર્થ તો ‘ઇચ્છિત ઉદ્દેશની પ્રાપ્તિ’ એવો થાય છે. જો કોઈ સિદ્ધ બને છે, તો એણે ઇચ્છિત ધ્યેયની સિદ્ધિ હાંસલ કરી છે એમ અહીં સમજવું અને આ ઇચ્છિત ધ્યેય એટલે ફક્ત ભક્તિ જ હોવી જોઈએ. ભક્તિ સિવાય બીજું કશું જ નહિ અથવા ભગવાન જ, અને ભગવાન સિવાય બીજું કશું જ નહિ.
અલૌકિક શક્તિઓને પણ ‘સિદ્ધિ’ એવું નામ અપાયું છે. એવી કેટલીક ખાસ શક્તિઓ છે ખરી કે જે કોઈક વાર ભક્તિમાર્ગના યાત્રિકને પ્રાપ્ત થઈ જાય છે. ભક્તના જીવનમાં પ્રસંગોપાત્ત આવું બની શકતું હોય છે ખરું, પણ ભક્તનો એવો કોઈ ઉદ્દેશ હોતો નથી. આ વાત મનમાં ઠસાવવાની ખાસ જરૂર છે કારણ કે સામાન્ય માણસોમાં એવી માન્યતા પ્રચલિત છે કે ભક્તો પાસે કોઈક ને કોઈક ચમત્કારી અલૌકિક શક્તિ હોય જ છે અને આપણે જોઈએ છીએ કે દરેક ઠેકાણે લોકો એવા ચમત્કારિક શક્તિઓવાળા અથવા જેમની પાસે એવી ચમત્કારોની શક્તિ હોવાની સંભાવના હોય, એવા લોકોની પાછળ દોડતા રહે છે. આ વાત સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કે આવી ચમત્કારિક શક્તિઓ સાથે ભક્તિને કશું જ સનાનસૂતક નથી. કેટલીકવાર તો આવી ચમત્કારિક શક્તિઓ ભક્તિની વિરોધી પણ બની રહે છે. જ્યાં એવી શક્તિઓ હોય ત્યાં ભક્તિ નથી એમ સમજવું. અથવા એવી શક્તિઓ હોય અને છતાં પણ એવી શક્તિઓવાળો મનુષ્ય એનો ક્યારેય ઉપયોગ ન કરતાં હોય, એને મત તો એ હોય તોયે એનો અભાવ છે, એવું જ લાગતું હોય. પણ ભક્ત માટે તો એ ક્યારેય ન બની શકે કે એ સભાનપણે એવી શક્તિઓનો ઉપયોગ કરતો હોય! એટલે એવી ચમત્કારિક શક્તિઓના ઉપયોગ કરવાના અવળામાર્ગે ક્યાંક ચડી ન જવાય એ માટે ભક્તે ખૂબ સાવધાન રહેવું જોઈએ. આવી શક્તિઓ એને જુદી જ દિશામાં લઈ જશે અને એનું લક્ષ્ય ભુલાવરાવી દેશે. આવું અનિવાર્યપણે બને છે. પણ અહીં એક મુશ્કેલી આવીને ઊભી રહે છે કે પયગંબરો અને સંતોના જીવનમાં એવા ઘણાય પ્રસંગો જોવા મળે છે કે જ્યાં આપણે તેમનામાં આવી અલૌકિક શક્તિઓની અભિવ્યક્તિઓ સાંભળીએ છીએ. દાખલા તરીકે ઈશુ ખ્રિસ્તનું જીવન જુઓ. એમના જીવનના ઘણા પ્રસંગો સાથે આવી અલૌકિક શક્તિઓ સંકળાયેલી છે. બાઈબલમાં આવા ચમત્કારોની કેટલીય કથાઓ આવેલી છે.
શ્રીરામકૃષ્ણના જીવનમાં આપણને જાણવા મળે છે કે દક્ષિણેશ્વરનો એક મુલાકાતી એકવાર એમના ઓરડામાં જઈને કહેવા લાગ્યો: ‘અમે સાંભળ્યું છે કે અહીં એક પરમહંસ રહે છે અને લોકોના રોગો મટાડે છે. એ ક્યાં છે?’ આ સાંભળી શ્રીરામકૃષ્ણને ભારે ઉદ્વેગ થયો. એ કહેવા લાગ્યા: ‘ના, ના, એ તો અહીં નથી; તમે અમુક-તમુક જગ્યાએ જાઓ; ત્યાં એક એવો માણસ છે, જે આવું બધું કરે છે.’ તેમણે આમ કેમ કહ્યું હશે? સંત મહાત્માઓમાં આવી શક્તિઓ હોવાના વિચારમાત્રથી જ તેઓ પરેશાન થઈ ઊઠતા. અરે, એ વાતના ઉચ્ચારણમાત્રથી જ રામકૃષ્ણ વિહ્વળ થઈ જતા. ઘણા પ્રસંગોએ તેઓ કહેતા કે (અણિમાદિ) આઠ સિદ્ધિઓ માંહેની એક પણ સિદ્ધિ કોઈ મનુષ્ય પાસે હશે, ત્યાં સુધી તે પોતાના ધ્યેયથી દૂર જ રહેવાનો.
પણ તો પછી જિસસ અને એવા અન્ય મહાત્માઓની એવી ચમત્કારિક શક્તિઓનો ઉલ્લેખ શા માટે કરવામાં આવ્યો હશે? કારણ કે આપણે સામાન્ય માણસો આવી અલૌકિક શક્તિઓને ઇચ્છીએ છીએ. આપણે આપણને હંમેશાં આવી શક્તિઓ મળે એમ ઝંખીએ છીએ. અથવા તો આવી શક્તિઓ દ્વારા આપણને કોઈક ભૌતિક લાભ મળે એમ ઇચ્છીએ છીએ. રોગમુક્ત થવા માટે આપણે જેમ કોઈ મોટા ડોક્ટરને ઝંખીએ છીએ, તે જ રીતે એ જ પ્રકારના હેતુ માટે સંતમહાત્માઓને પણ ઝંખીએ છીએ. આ વાતને ભક્તિ સાથે કશી લેવાદેવા નથી. એમ પણ કહેવાય છે કે ઘોડદોડમાં જીતનાર ઘોડાનો નંબર જે ભાંખી દે તે મહાત્મા! અથવા એ મહાત્મા તરીકે સંબોધાતો પુરુષ! આવા માણસને મળવા ભારે ભીડ થતી આપણે વારંવાર જોઈએ છીએ. આવો માણસ લોકોને ગમે તે કહેશે. પછી તેઓ જીતે કે ન જીતે, પણ કામના તો મનમાં પડી જ છે એટલે તેઓ વારંવાર આવાની આસપાસ ટોળાં રચે છે. એવો માણસ મુંબઈની નજીકમાં નિવાસ કરી રહ્યો હોય અને એના એક આશ્રમની આગળ એની મુલાકાતની રાહ જોતા લોકોની મોટરોની હારોની હારો પેલા જીતનાર ઘોડાનો નંબર જાણવા માટે અને ધન મેળવવા માટે ખડકાયેલી હોય છે.
શું આને ભક્તિ સાથે કશો સંબંધ છે ખરો? બિલ્કુલ નહિ. આવી તો બીજી ઘણી વસ્તુઓ છે કે જે ભક્તિને સમજવાની આપણી નિષ્ફળતાને છતી કરે છે. અને ભગવાનના સાચા ભક્ત પાસેથી આપણે ખરેખર શી અપેક્ષા રાખવી જોઈએ એ વિશેની આપણી ગેરસમજણનો નમૂનો પૂરો પાડે છે. માનવજાતની આ હિણપત છે કે આપણે હંમેશાં સંતમહાત્માઓ પાસે કંઈક ભૌતિક લાભ ખાટવા માટેની જ તક ઝડપવા માગતા હોઈએ છીએ.
આપણે જે પ્રકારની સિદ્ધિની અહીં વિચારણા કરી રહ્યા છીએ તે ઉપરના પ્રકારની સિદ્ધિ નથી. આપણી અભિપ્રેત સિદ્ધિનો અર્થ તો ‘આદર્શની ઉપલબ્ધિ’ એવો થાય છે. એ પૂર્ણતા છે, પોતાનું ભગવાનમાં સંપૂર્ણ વિલિનીકરણ છે અથવા ભગવાનમાં સંપૂર્ણ સમર્પણ છે. અહીં સિદ્ધિનો આ અર્થ છે. અને જે મનુષ્યે આવી સિદ્ધિ હાંસલ કરી લીધી હોય તે જ અહીં ‘સિદ્ધ’ છે એ ‘સંપૂર્ણ’ માનવ બની જાય છે. આ ‘સંપૂર્ણ’નો અહીં શો અર્થ છે? ભગવાન પ્રત્યેના પ્રેમમાં એ ‘સંપૂર્ણ’ થાય છે, એમ એનો અર્થ છે. ભગવાન સિવાય બીજી કોઈ પણ પ્રકારની ચમત્કારિક સિદ્ધિમાં કે એવા બીજા કોઈ જ અર્થમાં સંપૂર્ણ એ નથી; પણ જ્યાં સુધી આ દિવ્યપ્રેમનો સંબંધ છે, ત્યાં સુધી એ ‘સંપૂર્ણ’ છે.
અહીં વિચાર એવો અભિપ્રેત છે કે આ દિવ્ય પ્રેમની પ્રાપ્તિ પછી પ્રેમને કોઈ જ સીમા રહેતી નથી. ભક્તનો ભગવત્પ્રેમ અમર્યાદ હોય છે. ભગવાન પોતે જ અસીમ છે, એટલે એના તરફનો પ્રેમ પણ અસીમ જ હોય. તો ‘સિદ્ધિ’નો આ અર્થ અહીં છે.
બીજું अमृतः भवति – એ અમર થઈ જાય છે. આ અમરતાનો અર્થ કંઈ ‘ભૌતિક અસ્તિત્વનું સાતત્ય’ એવો થતો નથી. એ તો દેખીતી રીતે જ અસંભવ છે. જે શરીરને જાળવી રાખવા માટે ચિંતિત છીએ, તે ચિરસ્થાયી બની જાય એવો તો અર્થ હોય જ નહિ. આપણે તો અમરતાનો અર્થ એવો સમજી બેઠા છીએ કે અત્યારે આપણે જેવા જીવતા જાગતા છીએ એવા જ સદાકાળ રહીશું. આ ભૌતિક સ્થૂળ શરીરે નહિ તો કોઈક સૂક્ષ્મ શરીર પામીને પણ સ્વર્ગમાં આપણે અમરતાને માણીશું, દેવો અને ગંધર્વો જેવા ભોગો ભોગવીશું.
આ બધાં તો પુરાકલ્પનો જ છે. ભક્ત આવી કોઈ અમરતા ઇચ્છતો નથી. શરીર તરફની આસક્તિ તો એને માટે તદ્દન અદૃશ્ય થઈ ચૂકી હોય છે. અને એની સાથે મોતનો ભય પણ ચાલ્યો ગયો હોય છે; મૃત્યુભયથી એ મુક્ત થાય છે, અને આખરે મોત છે પણ શું? મોત એટલે શરીરને છોડવું, મોત એટલે શરીર, ઈંદ્રિયો, આપણા સુપરિચિત અહંકાર વગેરેનો ત્યાગ જ. શરીર-ઈંદ્રિયો-અહંકારના સંબંધની અનુપસ્થિતિ એટલ જ મોત.
ભક્ત એ અર્થમાં અમર બની જાય છે કે આ પ્રકારના ભૌતિક પદાર્થો તરફ એની આસક્તિ પૂર્ણ રીતે સમાપ્ત થઈ જાય છે; મરણશીલતા અટકી જાય છે, અને તે અમર થઈ જાય છે. એનો મૃત્યુનો ભય તદ્દન જતો રહે છે, તે કંઈ એટલા માટે નહિ કે એ ભૌતિક રીતે અમર બની જાય છે, પણ એટલા માટે કે તે વિશુદ્ધ ચૈતન્યરૂપ બની જાય છે અને એને એવી કોઈ વસ્તુની આસક્તિ રહી હોતી નથી કે જે એને મર્યાદિત કરી દે, એને અશુદ્ધ બનાવી દે, એને બંધિયાર બનાવી મૂકે, એને કોઈથી જકડાયેલ દર્શાવી શકે, એને નીચો બતાવી શકે, આ પાર્થિવ વિષયો તરફ એનો કંઈક લગાવ બતાવી શકે. એટલે આ આસક્તિનું તત્ત્વ તો એનામાંથી સમૂળગું ચાલ્યું ગયું હોય છે, અને એટલે એ અમર બની જાય છે.
શ્રીરામકૃષ્ણે એકવાર સ્વામીજીને (એ વખતના નરેનને) પૂછ્યું હતું: ‘ધાર કે એક મોટા પાત્રમાં પ્રેમનું અમૃત ભર્યું છે. તો તું એને કેવી રીતે માણીશ?’ નરેન્દ્રે ઉત્તર આપ્યો: ‘હું એ અમૃતપાત્રને એક ખૂણે બેસીશ અને પછી એમાંથી અમૃત ચૂસીશ.’ શ્રીરામકૃષ્ણ હસ્યા અને બોલ્યા: ‘વાસણની અંદર ઊંડે ડૂબકી મારીને કેમ નહિ?’ નરેન્દ્રે ઉત્તર આપ્યો: ‘અરે ના રે ના, તો તો પછી હું એમાં ડૂબી મરું ને?’ એ સાંભળીને શ્રીરામકૃષ્ણ હસવા લાગ્યા અને બોલ્યા: ‘અમૃતનું એવું સ્વરૂપલક્ષણ નથી મનુષ્ય જ્યારે એ પ્રેમમાં ડૂબકી મારે, ત્યારે એ કદાપિ મરે જ નહિ. કારણ કે એ ‘અમૃત’ છે, સાક્ષાત્ અમરતા છે. ભક્તિ તો પોતે અમર છે અને એનો સ્વાદ ચાખનાર મનુષ્યને પણ એ અમર બનાવી દે છે. ભક્તિનો વિષય અમર્ત્ય છે અને એનો ભોક્તા પણ અમર્ત્ય છે. એનું કારણ એ છે કે ભક્ત પાસેથી એ પ્રેમ પાછો લઈ શકાતો નથી. એ ભક્તિરસનો ભોગવટો શાશ્વત જ છે. એમ કેમ હશે? કારણ એ છે કે પ્રેમી ભક્તથી ભક્તિનો ભેદ જ પાડી શકાતો નથી. જ્યાં સુધી એની પોતાની હયાતી હોય છે ત્યાં સુધી એને માટે પ્રેમ હાજરાહજૂર જ હોય છે.
આના સૂચિતાર્થો ઘણા છે. એક સૂચિતાર્થ એ છે કે જે કંઈ પ્રયત્ન કરવાથી મળે છે – જે કંઈ આપણા પરિશ્રમનું પરિણામ હોય છે, તે નાશવંત હોય છે. ઉપનિષદ આપણને એક ઉદાહરણ આપે છે કે કોઈ ખેડૂત કોઈક પાક લણે છે, એમાં કેટલુંક ઉત્પાદન થશે, અને એ જે કંઈ ઉત્પન્ન થયું હશે તે વપરાતું રહેશે અને ખલાસ થઈ જશે. સૂચિતાર્થ એ છે કે કોઈ ઉત્પાદન કે આપણાં કર્મફળો તો કામચલાઉ-અસ્થાયી હોવાનાં જ; એનો નાશ તો થવાનો જ. પરંતુ પ્રેમભક્તિ કંઈ આપણાં કર્મોનું પરિણામ કે કર્મફળ નથી. એટલે અન્ય કર્મફળોની પેઠે એનો નાશ થઈ શકતો નથી. તો પછી પ્રેમ એ શું કર્મફળ નથી? ના, તે નથી જ. એ તો આપણામાંથી ફક્ત અશુદ્ધિને બહાર ખસેડે છે. જેનાથી આપણે પહેલેથી જ જકડાઈ ગયા હોઈએ અને જેને લીધે આપણે આ પ્રેમાનુભૂતિમાંથી બહિષ્કૃત થઈ ગયા હોઈએ એવા પૂર્વગ્રહોમાંથી આપણને છોડાવે છે. આ બધી અશુદ્ધિઓ અને અપૂર્ણતાઓ દૂર થાય છે, અને પ્રેમ ઉદ્ઘાટિત થાય છે. પ્રેમ એ કોઈ પરિણામ નથી. એ તો સદા ઉપસ્થિત જ છે. ફક્ત આપણે એનો અનુભવ કરવામાં જ અસમર્થ છીએ અને એ કોઈ કાર્યનું પરિણામ નથી, એટલે એનો નાશ પણ થતો જ નથી.
આપણને મનગમતો અને આનંદ આપતો એક પણ ઇન્દ્રિયવિષય આપણા ઉપર છેવટ સુધી અસર કરતો હોતો નથી. આપણે જ્યારે એનાથી અલગ પડી જઈએ છીએ, ત્યારે એની સંવેદના લુપ્ત થઈ જાય છે. ધારો કે આપણને મીઠાઈ ભાવે છે જ્યારે આપણે મીઠા પદાર્થોનો આસ્વાદ માણીએ છીએ, ત્યારે આપણે ખુશ થઈએ છીએ. પરંતુ આ ખુશીની લાગણી અમુક સમય પૂરતી મર્યાદિત છે. આપણી ઇન્દ્રિય અને બહારના મીઠા પદાર્થનો સંયોગ હોય ત્યાં સુધી જ આપણી એ સંવેદના ચાલુ રહે છે કાં તો જ્ઞાનેન્દ્રિય અળગી કરી દો અથવા બહારનો મીઠો પદાર્થ અળગો કરી દો તો એ સંવેદના પણ ચાલી જશે.
દિવ્ય પ્રેમ આ પ્રકારનો નથી. એટલે મેં કહ્યું કે એ કોઈ બાહ્ય સંજોગોથી ઉત્પન્ન થતો નથી કે જેથી સ્વાભાવિક રીતે એનું મરણ પણ થાય. એ તો મૂળમાં હંમેશાં છે જ. એ તો આપણું મૂળ સ્વરૂપ છે. જેમ હું મારામાં સદાસર્વદા વિદ્યમાન છું તેમ આ પ્રેમ પણ મારામાં હંમેશાં હાજરાહજૂર જ છે. મારી પોતાની જ એ ઓળખ છે. કારણ કે હું પોતે પ્રેમસ્વરૂપ જ છું. શાસ્ત્રોમાં કહ્યું છે : ‘आनन्दाद्ध्येव खल्विमानि भूतानि जायन्ते, आनन्देन जातानि जीवन्ति आनन्दं प्रयन्त्यमिसंविशन्तीति॥’ (તૈતરીય ઉપનિષદ, ભૃગુવલ્લી, ૬) અર્થાત્ એ પરમપ્રેમાનંદમાંથી આ જગત જન્મે છે, એમાં જ આ સમગ્ર વિશ્વ જીવે છે અને છેવટે એ જ પ્રેમાનંદમાં લય પામે છે. હવે આ પરમપ્રેમ તો પરમાત્મા પોતે જ છ, એ જ દિવ્ય પ્રેમ છે.
પારમાર્થિક સત્ય આ છે – આ જ છે મારું મૂળ સ્વરૂપ. એટલા માટે હું એનાથી ક્યારેય અલગ પડતો નથી. તો પછી હવે તો કેમ જુદો પડું? હું જુદો તો નથી જ પણ પહેલેથી મારો કબજો કેટલીક બીજી વસ્તુઓ લઈ બેઠી છે. એટલે હું મારા મૂળ સ્વરૂપને ભૂલી ગયો છું. ગાઢ ઊંઘમાં આપણે પોતાને ભૂલી જતા હોઈએ છીએ. એનો અર્થ શું એવો થાય ખરો કે આપણે ખરેખર જ ખતમ થઈ ગયા? નહિ, એવું તો બને જ નહિ. કારણ કે જો આપણે ખતમ જ થઈ ગયા હોઈએ તો, આપણું સાતત્ય પણ નષ્ટ થવું જોઈએ. પણ હું તો જે ‘હું’ જાગ્રત અવસ્થામાં વિષયોનો અનુભવ કરતો હતો અને જે ‘હું’ સ્વપ્નાવસ્થામાં વિષયોનો અનુભવ કરતો હતો તે જ ‘હું’ ગાઢ સુષુપ્તિમાં જાગ્રત અવસ્થાના કે સ્વપ્નાવસ્થાના વિષયોનો અનુભવ કર્યા સિવાય પણ પ્રવર્તમાન જ રહે છે એ જાતની સ્મૃતિ ધરાવું છું. કોઈ પણ પોતાના નાશનો અનુભવ ન કરી શકે. કોઈજ નહિ. કારણ કે એ એક એવી ઘટના છે કે જેમાં કોઈ સાક્ષીની જરૂર પડે – જ્ઞાનના અનુભવની જરૂર પડે – આમ, ગાઢ નિદ્રાએ કોઈ ‘નાશ’ નથી. એ તો માત્ર એક ‘પરિસ્થિતિ’ છે. જે હકીકત છે તે આ છે : હું જાગ્રત અવસ્થામાં સ્થિતિગ્રસ્ત છું, સ્વપ્નાવસ્થામાં પણ સ્થિતિગ્રસ્ત છું અને સુષુપ્તાવસ્થામાં પણ સ્થિતિગ્રસ્ત છું. એ સ્થિતિ-પરિસ્થિતિને હટાવી દો, તો હંમેશાં ‘હું’ની તો હાજરી છે અને એ ‘હું’ જ અમર આત્મા છે. અને એ પોતે જ ‘અમરપ્રેમ’ છે. આ પરિસ્થિતિને હટાવવાની વાત (નેતિ નેતિની વાત) તત્ત્વજ્ઞાનની રીતે સમજી લેવી જોઈએ.
એટલા માટે આ પ્રેમ કોઈ બાહ્ય પદાર્થ નથી, પણ અનુભૂતિગમ્ય આત્મા છે. આ વાત ખૂબ જ મહત્ત્વની છે. અને આ મર્મ ત્રીજા સૂત્ર પરથી પામી શકાય છે કે એ ભક્તિ અમૃતના સ્વરૂપ જેવી છે. એક વખત આ પ્રેમનો આસ્વાદ લીધા પછી એની સરખામણીમાં કોઈ એવી બીજી વસ્તુ નથી રહી જતી કે જેની પ્રાપ્તિ માટે આત્મા ઇચ્છા કરે. આ અનુભવ સાથે અન્ય કોઈ અનુભવને ઉમેરવાપણું રહેતું નથી. આ આનંદ તો અસીમ છે અને બીજી કોઈ વસ્તુથી એનામાં કશુંક ઉમેરણ કે વધારો થઈ શકતો નથી.
ત્રીજો મુદ્દો છે तृप्तः भवति – તે તૃપ્ત થઈ જાય છે. આનો શો અર્થ છે? એનો અર્થ એ છે કે તે બધી કામનાઓથી મુક્ત થઈ જાય છે. પહેલાં અમરતા દર્શાવી છે અને ત્યાર પછી એની પુરવણી રૂપે એવું વિધાન આવે છે કે તે બધી ઇચ્છાઓથી મુક્ત થાય છે. તો તૃપ્તિ કે પરિતોષનો આ અર્થ છે. ધારો કે આપણને અમુક પ્રકારનો ખોરાક લેવાની ઇચ્છા થઈ છે. જ્યારે આપણને એ ખોરાક મળે છે, ત્યારે આપણે સંતોષનો અનુભવ થાય છે. આનો અર્થ એ છે કે એ મેળવવાની આપણી ઇચ્છા સંપૂર્ણ રીતે પૂરી થઈ છે. પણ આપણે તો એવું કહીએ છીએ કે આપણે સંતુષ્ટ થયા છીએ. ઇચ્છા અદૃશ્ય થાય છે. तृप्तः भवति – તૃપ્ત થાય છે – આ શબ્દ સમૂહથી એ અર્થ નીકળે છે કે સાધક ભક્ત સર્વ કામનાઓથી મુક્ત થઈ જાય છે.
જ્યાં સુધી કામનાઓ છે, ત્યાં સુધી સંપૂર્ણ સંતોષ હોઈ શકે નહિ. આપણી પાસે ગમે તેટલી ધનદોલત જાહોજલાલી અને અન્ય વસ્તુઓ હોય, પણ જ્યાં સુધી મન કામનાઓથી ભરેલું હશે, ત્યાં સુધી આપણે ક્યારેય સંતુષ્ટ બની શકીએ નહિ. કામનાઓ આપણને જ્યારે છોડી જશે ત્યારે જ આપણે કેવળ તૃપ્ત બની શકીશું. જ્યારે મનુષ્ય પ્રભુપ્રેમ પ્રાપ્ત કરે છે, ત્યારે તે પરિતુષ્ટ થઈ જાય છે. કારણ કે એ પછીના વખતે એનામાં કોઈ જ કામના રહી શકતી નથી. ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે – ‘यं लब्ध्वा चापरं लाभं मन्यते नाधिकं ततः’ (ગીતા, ૬.૨૨) ‘એને મેળવ્યા પછી મનુષ્ય બીજી કોઈ વસ્તુના લાભને એનાથી વધુ પ્રાપ્ત કરવા યોગ્ય માનતો નથી.’ સૂત્રમાં આપેલા ‘तृप्त’ શબ્દનો આ અર્થ છે. કોઈક એક વસ્તુ મળ્યા બાબતનો આપણને સંતોષ થઈ શકે તો વળી કોઈ બીજી વસ્તુની બાબતમાં ન મળ્યા બાબતનો અસંતોષ પણ હોઈ શકે. પરંતુ અહીં આ બાબતમાં તો ભક્ત સંપૂર્ણ રીતે પરિતૃપ્ત થઈ જાય છે. એની પરિતૃપ્તિમાં અવરોધ ઊભો કરનારી કોઈ બીજી કામના છે જ નહિ. એટલા માટે આવી પદાવલી સૂત્રમાં આપી છે.
આ સૂત્રમાં નીચે પ્રમાણેનાં લક્ષણો આપવામાં આવ્યાં છે: એક તો છે ‘सिद्धः भवति’ પછી છે ‘अमृतः भवति’ અને પછી છે ‘तृप्तः भवति’. આમાં પહેલાં આવે છે ‘પૂર્ણતા’. પછી આવે છે ‘સ્થાયિત્વ’ એટલે કે પહેલાં પ્રાપ્ત કરેલી સિદ્ધિ – પૂર્ણત્વ – કેવળ કામ ચલાઉ જ ન રહી જાય. આ રીતે હું સ્થાયી-શાશ્વત તો બની જાઉં, પણ હજુયે મારામાં કોઈક પ્રકારનો અસંતોષ રહી જવાનો સંભવ છે. એટલા માટે ત્રીજી વિશેષતા આવી છે – ‘તૃપ્ત’ થાય છે. આવા પ્રકારની ભક્તિ મનુષ્યને પરિપૂર્ણ, શાશ્વત અને પરિતૃપ્ત બનાવે છે.
આપણે જ્યારે આવા ભગવાનના માણસને જોઈએ છીએ ત્યારે આપણને એમાંથી શું જડે છે? એ જ કે એ પૂર્ણ છે, અમર છે, તુષ્ટ છે. મેં પૂર્ણતા, અમરતા અને પરિતોષ કોને કહેવાય, તે વિશે વિવરણ કર્યું છે. ભક્તિમાં તલ્લીન માનવ આવાં લક્ષણો ધરાવતો હોવો જોઈએ. એને કેવળ પેલી ચમત્કારિક શક્તિઓ સાથે નિસ્બત ન હોવી જોઈએ કે જેની પાછળ આપણે લાલચુ બની બેઠા છીએ. અથવા તો એ ભક્ત હજારો કામનાઓના કામચલાઉ સંતોષ પાછળ પણ ન પડેલો હોવો જોઈએ કે જે કદી પણ સુખ આપી શકતો નથી.
Your Content Goes Here




