सा त्वस्मिन् परम् – प्रेमरुपा॥२॥
( सा – તે (ભક્તિ); तु अस्मिन्- તેના પ્રત્યે; परम- प्रेम-रुपा– પરમ પ્રેમ જેવા સ્વરૂપવાળી)
તે ઈશ્વર પ્રત્યે પરમ પ્રેમ જેવા સ્વરૂપવાળી ભક્તિ વર્ણવાયેલી છે. ‘ભક્તિ’ની વ્યાખ્યા શી છે? આ સૂત્રમાં એ વ્યાખ્યા બને તેટલા ઓછા શબ્દોમાં – સંક્ષેપમાં આપવામાં આવી છે કે ‘ભક્તિ’ એ ભગવાન વિશે પરમ પ્રેમ જેવા સ્વરૂપવાળી છે. આનો અર્થ ખૂબ મહત્ત્વપૂર્ણ છે સૌ પહેલાં તો એ કહે છે કે પ્રેમ ‘પરમ’ હોવો જોઈએ. આ ‘પરમ’ની પાત્રતા મોટો તફાવત બતાવી જાય છે કે એ પ્રેમ સામાન્ય પ્રેમ નથી, પણ ‘પરમ પ્રેમ’ છે. તો આ પ્રેમની પરમતા પાછળ શો વિચાર છે? આ પ્રેમ એ અર્થમાં ‘પરમ’ છે કે તે કેવળ પ્રમાણાત્મક રીતે જ નહિ પણ ગુણાત્મક રીતે પણ ‘પરમ’છે. આ પ્રેમ ફક્ત તીવ્રતમ છે એટલું જ નહિ એ શક્ય તેટલો ગહનતમ પણ છે. એની ગુણાત્મક વિશેષતા પણ સામાન્ય પ્રેમ કરતાં અનોખી જ હોય છે. તો હવે આ વિશિષ્ટ ગુણાત્મક્તાને નોખી કેવી રીતે તારવવી? ઉદાહરણ તરીકે પાર્થિવ માનવસંબંધોમાં દેખાતો પ્રેમ જુઓ. આમાં આપણને ઘણા પ્રકારના પ્રેમ જોવા મળે છે. માતાનો પોતાનાં સંતાનો પ્રત્યેનો પ્રેમ, પતિનો પત્ની પ્રત્યે કે પત્નીનો પતિ પ્રત્યેનો પ્રેમ, પોતાનાં માતાપિતા પ્રત્યેનો પ્રેમ, મિત્રો પ્રત્યેનો પ્રેમ, સંપત્તિનો પ્રેમ, નામના અને કીર્તિ તરફનો પ્રેમ વગેરે. આ બધાને ‘પ્રેમ’ શબ્દમાં સમાવી શકાય છે. પણ એ બધા પ્રેમ અનિવાર્ય રીતે ‘પરમ પ્રેમ’ નથી.
તો પ્રેમને ‘પરમ’ કઈ ચીજ બનાવે છે? આ ‘પરમ પ્રેમ’ વિનાનો બીજા પ્રકારનો પ્રેમ ‘સ્વકેન્દ્રી’ છે. ચોખ્ખું ચટ કહીએ તો એ સ્વાર્થી પ્રેમ છે. ફક્ત ભગવાન તરફનો પ્રેમ જ વિશુદ્ધ અને નિ:સ્વાર્થ પ્રેમ છે.
આ વિધાન સામે વાંધો ઉઠાવી શકાય. લોકો એમ જરૂર કહી શકે છે જ કે આપણા પાર્થિવ માનવસંબંધોમાં પણ નિ:સ્વાર્થ પ્રેમ હોવાના દાખલાઓ મળે જ છે. દાખલા તરીકે માતાનો પોતાના બાળક તરફનો પ્રેમ અવશ્ય નિ:સ્વાર્થ પ્રેમ હોય છે; પત્નીનો પતિ તરફનો પ્રેમ પણ નિ:સ્વાર્થ હોઈ શકે છે. એમ પતિનો પત્ની પ્રત્યેનો પ્રેમ પણ નિ:સ્વાર્થ પ્રેમ હોઈ શકે છે. તો આવા પ્રેમને નિ:સ્વાર્થ પ્રેમ કહેવો વ્યાજબી જ છે કારણ કે એવા દાખલાઓ મળે છે – ભલે સામાન્ય રીતે દરેક ઠેકાણે એવો પ્રેમ જોવા ન મળતો હોય.
આ વાંધાનો જવાબ નકારમાં જ આવે છે – આ વિવિધ પ્રકારના દેખાતા પ્રેમ એની ભીતરમાં તો સ્વાર્થી પ્રેમ જ છે. એટલા માટે કે તે બધા પ્રેમ, પ્રેમી (પ્રેમ કરનાર)ની ચારે બાજુ કેન્દ્રિત થયેલ હોય છે.
માતા પોતાના બાળકને એટલા માટે નથી ચાહતી કે ‘એ બાળક છે.’ પણ એટલા માટે ચાહે છે કે ‘તે’ એનો પોતાનો’ બાળક છે. એટલે એ પ્રેમ તો ‘માતાની પોતાની આસપાસ જ કેન્દ્રિત થયેલો છે. દરેક ઠેકાણે તમે જોઈ શકશો કે આવા દેખાતા નિ:સ્વાર્થ પ્રેમનાં ઉદાહરણોમાં પણ કોઈક પ્રકારના સ્વાર્થથી એ પ્રેમ ખરડાયેલો જ હોય છે. આવા પ્રકારના દાખલાઓમાં ‘હું’, ‘મને’ અને ‘મારું’નો પ્રશ્ન પહેલવહેલ આવે છે. દરેક ઠેકાણે આવા સંબંધો સિવાય તો પ્રેમ ટકી શકતો નથી. કોઈ બાળક પણ કંઈ ફક્ત એટલા જ માટે પોતાની સુંદર ઢીંગલીને ચાહતું નથી કે એ ‘સુંદર’ છે. પણ એ એટલા માટે ચાહેછે કે તે એની ‘પોતાની’ ઢીંગલી છે. આ માલિકીપણાનો ભાવ, આવા પ્રકારના પ્રેમ સાથે હંમેશા જોડાયેલો જ રહે છે. એટલા જ માટે અમે એને સ્વાર્થી પ્રેમ કહીએ છીએ. પોતાની સાથે કોઈપણ પ્રકારનો સંબંધ જ ન હોય એવા દિવ્ય પ્રેમ સિવાયના બીજા બધા પ્રકારના પ્રેમ સ્વાર્થી જ છે. આપણે જ્યારે ભગવાનને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે એને ‘આ ‘મારો’ ઈશ્વર છે અને ‘બીજાનો’ નથી’ – એમ માનીને પ્રેમ કરતા નથી. અહીં એવું કોઈ માલિકીપણું નથી. આપણે જ્યારે ઈશ્વર પ્રત્યેના પ્રેમનો વિચાર કરીએ છીએ, ત્યારે એ તો દેખીતું જ છે કે આપણે ઈશ્વરને આપણા તાબામાં લેતા નથી. પણ આપણે એને એટલા માટે પ્રેમ કહીએ છીએ કે એ પ્રેમનું સર્વોત્તમ પાત્ર છે. આપણે એને એટલા માટે ચાહીએ છીએ કે ભગવાન આપણા પ્રેમનો પરમોચ્ચ અને એકમાત્ર – અનન્ય – વિષય છે- એટલે જ આપણે એ પ્રભુને ચાહીએ છીએ ‘બીજા કશા ખાતર નહિ, પણ પ્રેમ ખાતર પ્રેમ’- નો આવો અર્થ થાય છે.
ભગવાન આપણને પ્રિય છે કારણ કે એ બીજું કશું નથી, પણ ‘ભગવાન’ છે. એની સાથે એ સિવાયનાં બીજાં કોઈપણ પ્રકારનાં સ્વાર્થી વળગણો જોડાયેલાં નથી. આ રીતે એ નિ:સ્વાર્થ હોવાને કારણે પ્રમાણાત્મક તેમજ ગુણાત્મક બંને રીતે ‘પરમ’ છે. મેં ‘પ્રમાણાત્મક’ રીતે એમ કહ્યું એનું કારણ એ છે કે પાર્થિવ પ્રેમનો ઐક્ય દાખલો આપણે હજુ એવો નથી જોયો કે જેમાં પ્રેમી આટલી હદ સુધી આત્મભાન ખોઈ બેસતો હોય.
તો શું માતાનો પોતાના બાળક પ્રત્યેનો પ્રેમ ‘નિ:સ્વાર્થ’ નહિ ગણાય? જવાબ એ છે કે હા, ગણાય. પણ અમુક સીમા સુધી જ. પાર્થિવ માનવસંબંધોના નિ:સ્વાર્થ પ્રેમનું કદાચ એ સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે. ઓછામાં ઓછું જ્યારે બાળક નાનું હોય, ત્યારે તો માતા એની પાસેથી કશા વળતરની અપેક્ષા રાખતી નથી. જ્યારે બાળક મોટું થાય છે અને સમાજનો ઉપયોગી સભ્ય બને છે ત્યારે માતા કશાક વળતરની અપેક્ષા રાખી શકે. તો પણ એ પ્રેમને નિ:સ્વાર્થ તો નહિ જ કહી શકાય. કારણ કે એમાં પણ માલિકીપણાનો ભાવ છે. એમાં ‘મારાપણું’ છે. તે બાળક ‘તેનો’- પોતાનો બાળક છે એટલા માટે તેનો પ્રેમ એ બાળક તરફ ઢળે છે. બીજા શબ્દોમાં કહીએ તો એ પ્રેમ માતાનો પોતાના તરફનો જ પ્રેમ છે કે જે પ્રત્યારોપણના રૂપે પોતાની અભિવ્યક્તિ શોધી રહ્યો છે. કારણ કે બાળક તો માતાનું જ વિસ્તરેલું વ્યક્તિત્વ છે. એટલે માતા જેવી રીતે પોતાને ચાહી રહી છે, તેવી જ રીતે પોતાના બાળકને પણ ચાહી રહી છે. અને આ રીતે આ પ્રેમ ‘સ્વાર્થી’ બની રહે છે. એટલા માટે આપણા પાર્થિવ માનવસંબંધોમાં બધે જ ઠેકાણે પ્રેમ સ્વાર્થથી ખરડાયેલો છે. આ વાત કદાચ આઘાતજનક લાગશે ખરી. ઘણાને આ વાત નિરાશ પણ કરી દેશે. છતાં આપણે વિશ્લેષણ કરી જોઈશું અને આ બાબતમાં ઊંડા ઊતરીશું તો આ વાત સાચી જ માલૂમ પડશે.
બીજી શંકા એ છે કે આ પાર્થિવ માનવસંબંધના પ્રેમ સાથે એ દિવ્ય પ્રેમનું કશું સામ્ય કે તોલન છે ખરું કે? જવાબ ‘ના’ છે. કારણ કે આપણા ઈશ્વર પ્રત્યેના પ્રેમમાં માલિકીપણાનો ભાવ ઊઠતો જ નથી. પણ તો પછી વૃંદાવનની ગોપીઓ કે જે ભગવત્પ્રેમના નમૂના રૂપ ગણાય છે તેમનાં જીવનનાં ઉદાહરણોનું શું કરવું? એવી ગોપીઓમાં પણ માલિકીપણાનો ભાવ તો દેખા દે છે તેનું શું? ઉત્તર એ છે કે કોઈ પણ રીતે ત્યાં આ માલિકીપણું પ્રેમપાત્રને કોઈ એક જ વ્યક્તિ સાથે બાંધી રાખતું નથી. પ્રેમપાત્ર મર્યાદિત બની જતું નથી. બધા જ જાણે છે કે ભગવાન ફક્ત કોઈ એક જ વ્યક્તિનો નથી. ભગવાન તો બધાનો છે. ભગવાનને પોતાની જ માલિકીનો કરી લેવાની મૂર્ખતા તો કોઈ પણ સ્ત્રી કે પુરુષ નહિ જ કરે. ભલે ‘મારા પ્રભુ’ એમ કહીને એને બોલાવવામાં એને એક મધુર ઢોળ ચડાવવામાં આવતો હોય! આ જાતનું ‘મારાપણું’ કંઈ સ્વાર્થ ન કહેવાય. કારણ કે બધાને એ ખબર છે કે ભગવાન ફક્ત કોઈ એકલાનો જ નથી… તો પછી એ શું ખરેખર સાચું જ માનવું ને કેઆપણા બધા જ પાર્થિવ માનવસંબંધોના પ્રેમ સ્વાર્થમય જ છે? અને જો એ સ્વાર્થી જ માનવામાં આવે તો એને ‘પ્રેમ’ એવું નામ આપવું પણ યોગ્ય નથી. જો હું કોઈને ‘મારા’ તરીકે ન માનું, તો તો એ કોઈક પ્રત્યેનો મારો પ્રેમ ઉપરછલ્લો દેખાડાનો જ માત્ર કહેવાય. એવા પ્રેમમાં તો કોઈ ઊંડાણ હોઈ શકે નહિ. અને પ્રેમમાં જેટલું ઊંડાણ હશે એટલું જ મારાપણાની – માલિકીપણાની – ભાવના પણ રહેવાની જ! હા, દેખીતી રીતે તો આવું બધું ખરેખર લાગે છે. પણ હજુયે આપણે પડદા પાછળની ખરી વાત જોઈ શકતા નથી. આ પડદો જ પાર્થિવ પ્રેમને અતિ ઉમદા પ્રેમ જેવો દેખાડે છે, અતિ પવિત્ર બતાવે છે અને લગભગ સ્વર્ગીય હોય એમ કહેવડાવે છે. પણ આપણે આ બાબતની ભીતરમાં ક્યારેય ડોકિયું કર્યું છે ખરું? એમાં ‘મારાપણા’નો સ્વાર્થમૂલક વિચાર હંમેશાં હોય છે. એના વિના તો કોઈ પણ પાર્થિવ પ્રેમ હસ્તી ધરાવી જ ન શકે.
તો સીધુંસટ તારણ તો આ નીકળે છે કે માતા પોતાના બાળકને પ્રેમ કરે છે, તે પોતાના બાળક માટે નહિ, પણ ખુદ પોતાના માટે જ કરે છે; પતિ પત્નીને ચાહે છે, તે પત્નીને માટે નહિ, પણ સ્વયં પોતાના માટે જ ચાહે છે. પત્ની પણ પોતાના પતિને પ્રેમ કરે છે તે કંઈ પતિને માટે નથી કરતી પણ પોતાને માટે જ કરે છે. જો આ બધે લાગુ પડે તો તો ઈશ્વર માટે પણ શું કહીશું? શું આપણે ઈશ્વરને ચાહીએ છીએ તે ઈશ્વર માટે નહિ પણ આપણા આનંદ માટે જ ચાહી રહ્યા છીએ? જવાબ છે, ના. ઈશ્વરપ્રેમમાં એ લાગુ ન પડે. ઈશ્વર પ્રત્યે પ્રેમ કરતી વખતે આપણે આપણો વિચાર જ કરતા હોતા નથી. આપણે જ્યારે ભગવાનને આપણો પ્રેમ આપીએ છીએ ત્યારે આપણે એવો વિચાર નથી કરતા કે ભગવાન આપણને આનંદ આપશે. પણ આપણા ભગવત્પ્રેમની બધી બાજુએ દિવ્યતાનો જ વિચાર હોય છે. કારણ કે ભગવાન પોતે જ પ્રેમસ્વરૂપ છે. એ દિવ્યતા સાથે આપણો ગાઢ સંબંધ હોવાથી આપણે ઈશ્વરને પ્રેમ કર્યા વગર રહી જ શકતા નથી. આપણે જાણીએ છીએ કે પરમપ્રેમનું આસ્પદ (વિષય) ફક્ત ભગવાન એક જ છે. કારણ કે ઈશ્વર પ્રેમસ્વરૂપ છે. એ આપણને ‘પ્રિય’ છે કારણ કે એ પોતે પ્રિયત્વરૂપ છે.
હવે એક વધારાનો મુદ્દો : એની ચર્ચા આપણે પછીથી કરવાના છીએ. એ છે ભગવાનના માહાત્મ્યની સભાનતા. જેઓ અજ્ઞાની છે, જેઓ શાસ્ત્રો વગેરે જાણતા નથી; ભક્તિમાર્ગના ઉપદેશોથી પણ બરાબર રીતે પરિચિત નથી એવા ભક્તો અને બીજા લોકોને પણ એવી થોડીક સભાનતા તો હોય જ છે કે પોતે જેને પ્રેમ કરે છે તે પ્રેમપાત્રમાં કશીક અનોખી ખાસિયત છે. હવે જ્યારે તેઓ ભગવાનને પ્રેમ કરે છે ત્યારે તેઓ જાણે જ છે કે તેમનું પ્રેમપાત્ર સ્વયં ભગવાન છે અને એ ભગવાન એટલે દુનિયાની બીજી બધી વસ્તુઓ કરતાં સાવ જુદું એવું કોઈક તત્ત્વ છે. આવી સભાનતા, પાર્થિવ પ્રેમથી આ પ્રેમને અલગ પાડી દે છે.
આ વાતને આપણે બીજી રીતે વિચારીએ : જો આપણે કોઈ પણ વસ્તુને કેવળ આપણા ખુદ માટે જ (વસ્તુ માટે નહિ) ચાહતા હોઈએ, તો પછી ભગવાનને પણ એવી રીતે જ કેમ ન ચાહવા? હું મારા શરીરને ચાહું છું. શા માટે? કારણ કે એ ‘મારું’ શરીર છે. એટલે પ્રેમ (ખુદના કરતાં) કોઈક અન્ય માટે કરાતો હોય એવું લાગે છે. પરંતુ જ્યારે શરીર રોગિષ્ઠ થાય છે ત્યારે હું એને ચાહતો નથી કારણ કે મને એ સુખ આપતું નથી. એટલે એમ જ થયું કે મારો પ્રેમ શરીર માટે નથી. પણ મારા પોતાના માટે – મારા આત્મા માટે જ છે. અહીં કોઈ પૂછી શકે કે એ ગમે તેમ હોય, એમાં શો ફેર પડવાનો હતો? તો જુઓ, ફરક આવો છે કે જ્યારે આપણે પોતાને આત્મા-આત્માચૈતન્ય તરીકે જાણતા નથી અને પોતાને શારીરિક, માનસિક, બૌદ્ધિક પદાર્થ રૂપે જ ઓળખીએ છીએ ત્યારે આપણો પ્રેમ દૂષિત થઈ જાય છે. આગળ જતાં પછી આપણને ખબર પડી જાય છે કે શરીરને આપણે ફક્ત એટલા માટે નથી ચાહતા કે તે ‘આપણું’ છે; અથવા આપણે એના માલિક છીએ પણ આપણા પોતાના માટે – આપણને સ્વયંસ્ફૂરિત રીતે ચાહી રહ્યા છીએ. શરીરને તો ફક્ત એટલા માટે ચાહીએ છીએ કે તે આપણને સુખ આપે છે. શરીર તો માત્ર એક સાધન છે. એના દ્વારા આપણને સુખ મળવાથી સંતોષ થાય છે. જેવું શરીરનું, તેવું જ મનનું, ઈંદ્રિયોનું અને વધારે તો અન્ય વિષયોનું પણ છે. એટલે હું સ્વયં જ સ્વયં સ્ફૂરિત રીતે મને પોતાને જ પ્રેમ કરી રહ્યો છું. બીજું બધું મને પ્રિય લાગે છે એનું કારણ એટલું જ કે એ બધું આત્મા સાથે – સ્વયં સાથે – જોડાયેલું છે.
તો ભગવાન વિશે શું કહીશું? ઉત્તરમાં – આત્મા એ જ ભગવાન છે. ભગવાન જ આપણો આત્મા છે. એટલા માટે ભગવાન તરફનો પ્રેમ અને પોતાના તરફનો – આત્મા તરફનો પ્રેમ એ બંને એક જ છે. જ્યારે આત્મા પોતે આત્મા સિવાયની શરીર, ઈંદ્રિયો વગેરે વસ્તુ સાથે સંકળાયેલો હોય છે, ત્યારે એ તરફનું આપણું આકર્ષણ દૂષિત થઈ જાય છે. પણ જ્યારે આપણે ભગવાન તરફ આકર્ષાઈએ છીએ – એને ચાહીએ છીએ, ત્યારે એ પ્રકારનું કોઈ પણ દૂષણ ત્યાં રહેતું નથી. આ રીતે એક પ્રેમ દૂષિત છે જ્યારે બીજો ઉમદા-ઉદાત્ત છે. આ બાબતમાં બસ આ જ વિશેષતા છે.
ઉપરના વિવેચનને આપણે ટૂંકમાં આમ મૂકી શકીએ: ભક્તિ એ ઈશ્વર પ્રત્યેના ‘પરમપ્રેમ’ જેવા સ્વરૂપની છે. ભક્તિની શી વ્યાખ્યા છે? એ ભગવાન તરફ પરમપ્રેમ જેવા સ્વરૂપની છે. આ ‘પરમપ્રેમ જેવા સ્વરૂપની’ એવું વિધાન શા માટે કરવામાં આવ્યું છે? તો એની પાછળનો વિચાર એવો છે કે ‘પરમપ્રેમ’ તો વર્ણવી જ શકાતો નથી. શા માટે વર્ણવી શકાતો નથી? તો કહેવાનું કે જે તત્ત્વ અત્યંત મૂળભૂત હોય તે વર્ણવી શકાય જ નહિ. એટલા માટે આ પરમપ્રેમને પણ વર્ણવી શકાતો નથી. જ્યારે આપણે ‘પરમ’ એમ કહીએ છીએ, ત્યારે એ ‘પરમપ્રેમ જેવો’ છે અથવા તો ‘પરમ પ્રેમના સ્વરૂપ જેવો’ છે – એમ અર્થ થાય છે. પણ એ પરમપ્રેમ શું છે, તે આપણે જાણતા નથી. આપણને ઉત્કટ-તીવ્ર પ્રેમ શું છે એની તો ખબર છે. એટલે તીવ્ર પ્રેમના અનુભવીઓને બુદ્ધિગમ્ય બને એટલા માટે આપણે કહીએ છીએ કે પરમપ્રેમ એ ઉત્કટ પ્રેમ સાથે સંકળાયેલો છે. એટલે કે પરમપ્રેમ એ ઉત્કટતીવ્ર પ્રેમ જેવો છે. પરંતુ, એ પોતે જ ‘તે’ નથી. પરમ પ્રેમ એ કેવળ ઉત્કટપ્રેમ જ નથી કારણ કે ઉત્કટપ્રેમ મલિન છે અને પરમપ્રેમ વિશુદ્ધ છે. ઘણા બધા લોકો આ પરમપ્રેમને સમજી શકતા નથી. એટલા માટે જ્યારે ભક્તિની વ્યાખ્યા કરી ત્યારે કહ્યું કે ‘પરમપ્રેમના જેવા સ્વરૂપની’ છે, ખાલી ‘પરમ પ્રેમ’ છે એટલું જ નથી કહ્યું.
આપણે અત્યાર સુધી ‘પરમ’પણાની ચર્ચા વિચારણા કરી. અહીં એક બીજો મુદ્દો પણ છે : એમ કહેવામાં આવે છે કે પ્રેમ જો ભગવાન તરફ હોય તો જ એને ભક્તિ કહી શકાય. પ્રેમનું પાત્ર જો ભગવાન સિવાય બીજું કોઈ હોય તો એ સાચી ભક્તિ કહેવાય નહિ. એને ‘આસક્તિ’ ભલે કહો, પણ એ ભક્તિ નથી. ઘણે ઠેકાણે આસક્તિ તો હશે પણ ભક્તિ નહિ હોય. સાચી ભક્તિ તો ભગવાન પ્રત્યે જ હોઈ શકે. ભક્તિનું સાચું પાત્ર – વિષય તો ફક્ત ભગવાન જ હોઈ શકે અને જ્યારે આપણે ગુરુ પ્રત્યેની ભક્તિની કે સંતો તરફની ભક્તિની વાત કરતા હોઈએ, ત્યારે એ તો માત્ર ભક્તિનું સ્થાનાંતર જ છે કારણ કે ગુરુ અને સંતો તો ભગવાન સાથે જ જોડાયેલા હોય છે. આપણી ભક્તિનો વિષય તો એકમાત્ર ભગવાન જ હોય છે. બીજો કોઈ જ નહિ – માત્ર ભગવાન અને ભગવાન જ! ભક્તિ એ તે ઈશ્વર તરફના પરમપ્રેમના સ્વરૂપ સમાન છે. ભક્તિનો અર્થ પ્રેમભાવનાની એકતાનતા અને એકાગ્રતાની નિર્દેશક એવો થાય છે. એ અહીંતહીં વેરવિખેર ન હોવી જોઈએ. પ્રેમના બે વિષયો હોઈ શકે નહિ – પ્રેમનો એક જ વિષય છે અને તે છે કેવળ ભગવાન જ.
અહીં એક મુશ્કેલી આવે છે : ‘તો પછી આપણે બીજાને પ્રેમ ન જ કરવો? આ મુશ્કેલી ખોટી છે. બીજા લોકો જેટલે અંશે ઈશ્વર સાથે કે ઈશ્વરનાં મંદિરો સાથે કે ઈશ્વરનું પ્રતિનિધિત્વ કરતા લોકો સાથે સંકળાયેલા હોય એટલે અંશે તેમના ઉપર પ્રેમ કરવો જોઈએ. ભક્ત માટે એના હૃદયસ્થાનમાં ભાગ પડાવે તેવો બીજો વિષય હોઈ જ ન શકે. કોઈ પણ પ્રકારે ન જ હોઈ શકે. જરથ્રોષ્ટ્રના શાસ્ત્રમાં કહ્યું છે કે ‘હું ઇર્ષ્યાખોર ભગવાન છું.’ જ્યારે આપણું આખુંય હૃદય ભગવાનથી છલોછલ ભરાઈ જાય – એક માત્ર ભગવાનથી જ – ત્યારે જ ભગવાન આપણા હૃદયમાં ભાગ ભજવતા બને છે અને ત્યારે જ ત્યાં ભક્તિનું પ્રભાત ઊગે છે એમ કહ્યું છે. એ સિવાય તો નહિ જ.
આ ભક્તિમાર્ગના સંબંધમાં એક વધુ મહત્ત્વની વાત એ છે કે એની સાથે કોઈ પણ પ્રકારના સ્વાર્થનો વિચાર સંકળાયેલો ન હોવો જોઈએ. એટલે કે ભક્તે ભગવાનને કશુંક મેળવવાના સાધનરૂપે માનવા ન જોઈએ. ભગવાન ફક્ત એટલા માટે જ પ્રિય હોવા જોઈએ કે તે ભગવાન છે. અને તે સિવાય બીજું કશું નથી. આપણે ભગવાન પાસે કશી અપેક્ષા રાખવી ન જોઈએ – સુખ પણ નહિ. ભગવાન જ આપણા પ્રેમનું પાત્ર છે અને બીજું કોઈ નહિ. આપણે એની કૃપાથી સંપત્તિ, ઉન્નતિ, નામના કે પ્રસિદ્ધિ – કશું ઇચ્છવું ન જોઈએ. આપણે માત્ર એની જ ઝંખના કરવી જોઈએ. એમ કરતાં દુ:ખ આવી પડે તો એને આવકારવું જોઈએ; એમ કરતાં કશોક વસવસો રહ તો ભલે રહે. આપણને ભગવાન કંઈક આપશે એટલા માટે આપણે કંઈ ભગવાનની ભક્તિ કરતા નથી. એવી કશી જ અપેક્ષા એની પાસે રાખવી નહિ. આનંદ, સુખ, શાંતિ વગેરે તો એની મેળે આવી મળશે. આપણને એની કોઈ ખેવના નથી. અરે, આપણે મુક્તિની વાંછા પણ ન કરવી જોઈએ. જન્મમરણના ચકરાવામાંથી છૂટવાનો પણ વિચાર ન કરવો જોઈએ. જ્યાં પ્રેમ છે, ત્યાં મુક્તિની ઝંખના પણ હોય નહિ.
પ્રશ્ન થાય કે આવું હોય તો ભગવાનને પ્રેમ (ભક્તિ) જ શા માટે કરવો? તો એ પ્રશ્નની સામેનો આ પ્રશ્ન પણ પૂછી શકાય ને કે આપણે આપણને પોતાને શા માટે પ્રેમ કરીએ છીએ? આપણે આપણને એટલા માટે ચાહીએ છીએ કે એ વગર આપણે રહી શકતા નથી. તો ભક્ત માટે પણ આ જ જવાબ સાચો છે. ભક્ત ભગવાનને ચાહે છે કારણ કે એ ચાહ્યા વગર રહી શકતો નથી. ફક્ત ભગવાન જ પ્રેમનો પ્રધાન વિષય થવા યોગ્ય છે. ભક્ત કંઈ એટલા માટે ભગવાનને ચાહતો હોતો નથી કે ભગવાન પણ એને ચાહે. ભક્તિનો આનંદ તો આપવામાં છે કશું લેવામાં નથી. એને ભગવાન પાસે કશી એવી અપેક્ષા હોતી નથી કે ભગવાન જન્મમરણના ફેરામાંથી આપણને મુક્ત કરી દેશે કે એ આપણને અમર બનાવી દેશે. – હા, આ બધા વિચારો ભક્તિ સાથે અવશ્ય જોડાયેલા તો હોય છે, પણ એ પ્રકારની ભક્તિ તો એક જાતની નીચલી કોટિની છે. જ્યારે આપણે ભક્તિની વ્યાખ્યા આપવા માગતા હોઈએ, ત્યારે તો ભક્તિના ઉચ્ચતમ સ્વરૂપની જ વ્યાખ્યા આપવી જોઈએ. એ જાણ્યા પછી માણસ આવી નિમ્નકોટિની ભક્તિનો વિચાર કરી શકે.
હવે એક છેલ્લી વાત : આવી ભક્તિ શક્ય છે ખરી? હા, શક્ય છે. જો કે ઘણા થોડા – કોઈક વિરલા જ ભક્તિની આ ઊંચાઈએ પહોંચી શકે છે. બીજાઓ માટે તો આવશ્યક રીતે તેઓ જે સ્થિતિએ રહેલા છે ત્યાંથી જ તેમણે શરૂઆત કરવી જોઈએ. એટલે એ સ્થિતિએ ભલે એ સ્વાર્થી હોય તો પણ એને વ્યર્થ ન ગણવી જોઈએ. આપણે ધીરે ધીરે ઊંચેથી વધુ ઊંચે જતા જઈશું અને છેવટે લક્ષ્ય સુધી પહોંચી શકીશું. આ વ્યાખ્યા એ ઉચ્ચ લક્ષ્યને વર્ણવે છે.
(ક્રમશ:)
Your Content Goes Here




