(ગતાંકથી ચાલું)
लोकाहानौ चिन्ता न कार्या
निवेदितात्मलोक वेदत्वात् ॥ ६१ ॥
लोकाहानौ, લોકોની પ્રશંસા ન મળે તો; चिन्ता, એની ચિંતા; न कार्या, ન કરવી જોઈએ; निवेदित, સમર્પિત; आत्माः, પોતે-આત્મા; लोक, સમાજમાં સમ્માન; वेद, વેદોના વિધિઓ.
૬૧. એવા ભક્તે સમાજની સ્વીકૃતિના અભાવની કોઈ પરવા કરવી જોઈએ નહિ કારણ કે એ ભક્તે તો એને પોતાને, સમાજનાં માન-સન્માનને અને વેદોનાં વિધિવિધાનોના પાલનને ઈશ્વરસમર્પિત જ કરી દીધાં હોય છે.
ભક્ત પોતાને મનગમતા વિષયોની અને એની ઇચ્છાઓની હાનિની કશી જ પરવા રાખતો નથી. આનંદના વિષયો તો નાશ પામી જાય એની તો ઠીક પણ એ બાબતના વિચારમાં યે ભક્તના મનમાં લેશમાત્ર પણ ખેદ હોતો જ નથી. એનું કારણ એ છે કે એણે બધાં જ વિધિવિધાનો છોડી દીધાં હોય છે અને એટલા માટે કદાચ એને એવી બીક લાગતી હોય કે તે ઊંચા પ્રકારનાં સુખોથી વંચિત રહી જશે એવી કોઈ શંકા કરે તો એટલા માટે અહીં કહેવામાં આવ્યું છે કે એ ભક્તે એવી બીક રાખવાની કશી જરૂર નથી. કારણ કે એણે તો પોતાને ખુદને જ ઈશ્વરને આશરે ધરી દીધો હોય છે. એણે બધા જ લોકોને સર્વોત્તમ લાગતા સાંસારિક આનંદો ઈશ્વરને ચરણે ધરી દીધા હોય છે. વૈદિક યજ્ઞફલથી ઉત્પન્ન થતા સ્વર્ગીય આનંદો કે યજ્ઞો કરીને ઉપલબ્ધ થતા અન્ય લોકોના આનંદો તો ભક્તે છોડી જ દીધા હોય છે. એને એની કશી જરૂર કે પરવા હોતી નથી. કારણ કે એણે તો પોતાની જાતને અને પોતાના સર્વસ્વને પૂર્ણ રીતે ઈશ્વરને શરણે ધરી દીધી હોય છે.
હવે કોઈ મહત્ત્વનો મુદ્દો રહ્યો નથી. ભક્તે સમાજની માન્યતાની કે એનાથી મળવા જોઈતા માન કે મોભાની કશી જ દરકાર કરવી જોઈએ નહિ. કારણ કે એને એની સાથે કોઈ લેવા દેવા જ નથી. પોતાને વિશે લોકો શું કહેશે એની એણે જરા પણ ફિકર રાખવી નહિ. અથવા તો યજ્ઞયાગાદિની પણ કશી ચિંતા કરવી જોઈએ નહિ. સમાજનાં અભિપ્રાયોથી અને વેદોની વિધિઓથી તે સાવ છૂટો થઈ જાય છે, કારણ કે એણે પોતાના સર્વસ્વનું સમર્પણ ઈશ્વરને કરી દીધું હોય છે.
न तत्सिद्धौ लोकव्यवहारो हेयः किन्तु फलत्यागः तत्साधने च (कार्यमेव) ॥ ६२ ॥
तत्सिद्धौ, તેની સફળતા માટે; लोकव्यवहारः, લોકોની સાથેના વ્યવહારો; न हेयः, છોડી દેવા ન જોઈએ; किन्तु, પરંતુ; फलत्यागः, કર્મનાં ફળોનું સમર્પણ; च, અને; तत्साधनम्, તેનાં સાધનો; कार्यम् एव, અવશ્ય છોડવાં જોઈએ.
૬૨. ભક્તિમાર્ગમાં સફળતા માટે મનુષ્યે અન્ય પ્રત્યેના સદ્વ્યવહારને છોડવાની જરૂર નથી. પરંતુ એ કાર્યોનાં ફળો જ છોડી દેવાં જોઈએ. વ્યવહારુ ઉપકરણો અને વ્યવહારો તો જાળવી રાખવા જોઈએ.
આની પહેલાંના સૂત્રમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભક્તે વૈદિક વિધિવિધાનોની પરવા કરવી નહિ અને સમાજના અભિપ્રાયની પણ ખેવના કરવી નહિ. અહીં પ્રશ્ન એ થાય છે કે તો પછી ભક્તે શું સાવ સ્વચ્છંદતાપૂર્વક-લાપરવાહીથી જ – સ્વેચ્છાચારી વ્યવહાર કરવો કે શું? આ દુનિયામાં એણે કઈ જાતનો વ્યવહાર કરવો?
એટલા માટે સૂત્રમાં ઉમેરો કરવામાં આવ્યો છે કે ભક્તિની પ્રાપ્તિ માટે કંઈ સદ્વ્યવહારનો ત્યાગ કરવાની જરૂર નથી. પણ એ બધાં જ કરાતાં કર્મો, ભક્તે ભગવાનને ચરણે ધરી દેવાં જોઈએ.
પહેલાં તો જે કંઈ સમર્પિત કરવાનું છે, તે કર્મોનાં ફળો છે. ભક્તે બીજા લોકોની પેઠે કર્મ તો કરતા જ રહેવાનું છે. મનુષ્ય કંઈ સ્થિર બેસી શકે નહિ. ભક્તે પોતાના લક્ષ્યને સતત નજર સમક્ષ રાખીને પણ સાંસારિક કાર્યો તો કરવાં જ જોઈએ. જે લક્ષ્યને તે પ્રાપ્ત કરી શક્યો છે અથવા તો પ્રાપ્ત કરવાનું છે તે મહાન લક્ષ્યને સતત નજર સમક્ષ રાખીને જ હંમેશાં ભક્તે પોતાનું આચરણ કરવું જોઈએ.
આની પાછળનો વિચાર એવો છે કે ભક્ત ગમે તે કરતો હોય, પણ તે બધું કોઈ હેતુની સિદ્ધિ માટે હોતું નથી. એ જો કંઈ પણ કરતો દેખાતો હોય, તો તે કંઈ કોઈ વસ્તુ મેળવવા માટે અથવા તો કશુંક સિદ્ધ કરવા માટેની ઇચ્છાથી દોરાઈને કરતો હોતો નથી. એણે કર્મો તો બધાં આચરવાં જ જોઈએ. પણ એ કર્મોથી મળતાં ફળોની આશા એણે રાખવી ન જોઈએ. આ અત્યંત મહત્ત્વનો મુદ્દો છે. ભગવાનના ભક્ત થવું એ કંઈ પથ્થરના ઢગલા બની જવા જેવું જડ બનવાનું કાર્ય નથી. એ ભક્તે કર્મો તો ન જ છોડવાં જોઈએ. એનાં ફળો-પરિણામોને જ તજી દેવાં જોઈએ – ફળોની આસક્તિ રાખ્યા વગર એણે કર્માચરણ અવશ્ય કરવાનું જ છે.
ગીતામાં (૩/૪) કહ્યું છે કે કોઈ પણ મનુષ્ય ક્ષણભર પણ કર્મ કર્યા વગર રહી જ શકતો નથી. કર્મ વગર ક્ષણભર પણ જીવવું અશક્ય છે. શ્વાસોચ્છ્વાસની ક્રિયા પણ એક કર્મ જ છે અને તમે એને તો અટકાવી શકતા જ નથી! એના વગર તો જીવવું પણ બની શકે નહિ. એવી રીતે બધાં જ કાર્યો છોડી શકાય એમ નથી. પણ આપણને આવાં કાર્યકલાપોનાં પરિણામો કે ફળો પ્રત્યે કશી કામના ન હોવી જોઈએ. એટલે કે એનાં પરિણામો અને હેતુઓથી દોરાઈ જઈને એ કાર્યો આચરવાં ન જોઈએ. શાસ્ત્રોમાં જેમનાં ફળો દર્શાવ્યાં હોય એવાં ફળો માટે પ્રેરાયેલા યજ્ઞો પણ એવાં ફળોની કશી અપેક્ષા રાખ્યા વગર કરી શકાય છે. ગીતા (૩.૨૫)માં કહ્યું છે કે જેવી રીતે કોઈ અજ્ઞાની મનુષ્ય કર્મોનાં ફળોમાં આસક્તિ રાખીને કર્માચરણ કરે છે, તેવી જ રીતે ભક્તજને પણ એ જ કર્મો કશી ફલાસક્તિ રાખ્યા વગર આચરવાં જોઈએ. શા માટે એણે નિષ્કામ કર્માચરણ કરવું જોઈએ? ઉત્તર છે: લોકસંગ્રહ માટે – અન્ય લોકોનાં કલ્યાણ માટે. તો શું એ પણ એક કામના ન કહેવાય? હા, કહેવાય. પણ એ કંઈ સ્વાર્થી કામના નથી. એ એવું કરીને પોતાને માટે કશું જ ઇચ્છતો નથી. ભાવાર્થ એ છે કે તે કર્મો તો સામાન્ય લોકોની પેઠે અને પહેલાંની જેમ કરતો જ રહે છે. પણ એમાંનાં કોઈ પણ કર્મો પાછળ એનો એવો હેતુ નથી હોતો કે એમાંથી એ કશુંક પોતાને માટે મેળવી લે. કર્મો પોતાનાં ફળો તો આપ્યા વગર રહેતાં જ નથી અને આવા ભક્તે આચરેલાં કર્મોનું ફળ કંઈ ખાલી જાય ખરું? શું એ કર્મો કંઈ ફળ નહિ આપે? શાસ્ત્રો તો કહે છે કે કર્મો ફળ તો આપે જ છે. ભલે પછી એ ભક્તને ન મળે! પણ એ ફળો બીજાને તો અવશ્ય મળે જ છે.
ભક્તનાં સારાં કર્મોનાં ફળો ભક્તના પ્રશંસકો, એનું સન્માન કરતા પુરુષોને મળે છે અને એનાં ખરાબ કર્મોનાં ફળો, એની અવગણના કરનારાઓને; એને ધિક્કારનારાઓને અને એના વિરોધીઓને મળે છે. અને ભક્તથી તો કોઈ પણ ખરાબ કર્મ કેવી રીતે થઈ શકવાનું હતું? એનો ઉત્તર એ છે કે અજાણતાં એનાથી કોઈનું ક્યારેક કદાચ કંઈક નુકશાન થઈ ગયું હોય! તેણે હાલતાં ચાલતાં કે ખોરાક મેળવતાં કોઈક જીવને કદાચ કશું નુકશાન કરી દીધું હોય! એટલે આવાં કર્મોનાં ફળોનો ભોગવનાર ગ્રાહક કોણ હોઈ શકે? એ જ ને કે જે એને ધિક્કારતો હોય! ભક્તનાં ખરાબ કર્મોનું ફળ એણે જ ભોગવવું પડે છે. શાસ્ત્રોમાં આવું જ તારણ આપવામાં આવ્યું છે.
એટલા માટે હરિનો જન પોતાનાં કર્તવ્યો કદાપિ છોડતો નથી. પણ એણે જે કંઈ કરવાનું છે, તે એ કે એને પોતાને માટે કશું જ ફળ મેળવવાની કોઈ જ કામના એ કર્મો કરવામાં હોતી નથી, આ જ ભાવાર્થ છે.
એટલે બધાં કર્મો કંઈ છોડી દેવાનાં હોતાં નથી, પણ સ્વાર્થી હેતુઓ સહિતનાં કર્મો જ છોડી દેવાનાં હોય છે, એટલું જ નહિ, તેણે જે કર્મો ઉચ્ચતમ ભક્તિ તરફ દોરી જતાં હોય તેને વળગી પણ રહેવું જ જોઈએ. કારણ કે એ તો લક્ષ્યપ્રાપ્તિનાં સાધક છે. ભક્તે જો એ સિદ્ધિ પહેલેથી જ મેળવી લીધી હોય, તો પણ આવાં કર્મો અન્ય લોકોને ઉદાહરણ પૂરું પાડવા માટે ચાલુ જ રાખવાં જોઈએ કે જેથી બીજા લોકો એનું અનુસરણ કરીને એ જ લક્ષ્ય હાંસલ કરવા માટે સજ્જ થઈ શકે.
પરાભક્તિની પ્રાપ્તિ થયા પછી પણ આ પ્રકારની ભક્તિપ્રેરક પ્રવૃત્તિઓ જ્યારે સતત ચાલુ જ રાખવામાં આવે, ત્યારે એ ચાલુ રાખનારા ભક્તો કોઈ હેતુ માટે એને ચાલુ રાખતા હોતા નથી. પરંતુ એવું કરવાની એમને એક આદત જ પડી ગઈ હોય છે. એનો સ્વભાવ એવો થઈ ગયો હોય છે, તેઓ વારંવાર આવું જ કરતા રહ્યા હોવાને કારણે એવું કરવાની તેમને એક ટેવ જ પડી ગઈ હોય છે. એટલે પરાભક્તિની પ્રાપ્તિના કોઈ જ વિચાર વગર આવું કેટલુંક કરતા જ રહેતા હોય છે. પરાભક્તિ તો તેઓ ક્યારનાયે પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે, છતાં પણ થયા જ કરતી આવી પ્રવૃત્તિઓ, એક ટેવ-આદતનું જ પરિણામ છે.
Your Content Goes Here




