(ગતાંકથી ચાલું)
(૧૦) જેને ઈશ્વર માટે સતત તલસાટ હોય, તે (મોહને દૂર કરી શકે છે).
આ કહેવાનો ભાવાર્થ એ છે કે ઈશ્વર મેળવવાની ઝંખનામાં ઓટ ન આવવી જોઈએ. કે એ સાવ બંધ પણ ન થઈ જવી જોઈએ, પણ સતત ધારદાર જ રહેવી જોઈએ. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની કે ઈશ્વરની ભક્તિ કરવાની ઝંખના સર્વદા પ્રજ્વલિત જ રહેવી જોઈએ. એવો તલસાટ દીવાની જ્યોત જેવો અથવા એકમાંથી બીજા વાસણમાં પડતી તેલની ધારા જેવો એકધારો – અખંડિત અને અનવરુદ્ધ ગતિએ વહેતો રહેતો હોવો જોઈએ. જ્યારે મન આ પ્રમાણે કોઈ પણ પ્રકારના અવરોધ વગર ચિંતનમનન કરે છે, ત્યારે તે મન ઈશ્વર સાક્ષાત્કાર માટે અધિકારી બને છે. આ પ્રકારે ઈશ્વર સાક્ષાત્કારની પ્રાપ્તિ માટેનાં સાધનોનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે. આ સાધનો વર્ણવવામાં તો સીધાં-સાદાં છે પણ ઘણાં જ અસરકારક છે. આ સાધનોમાં આપણે ન સમજી શકીએ એવું કશું જ નથી કહેવાયું અને એવું પણ કશું નથી કહેવાયું કે જેની સાધના આપણે ન કરી શકીએ.
અહીં એવો પ્રશ્ન થઈ શકે કે ઈશ્વરની પ્રાપ્તિ માટેનો એવો સાતત્યપૂર્ણ તલસાટ તો હાંસલ કરી શકાય તેવો નથી. હા, એ જલદી તો સિદ્ધ થઈ શકે તેવો નથી જ પણ એને જાળવવા માટે પ્રયત્ન કરવો પડે છે. ઈશ્વરના અખંડિત સ્મરણ, અથવા ઈશ્વરની ધારાવાહી ભક્તિની પ્રાપ્તિ માટે આપણે સતત પ્રયત્ન કરવો જ જોઈએ. વળી, પ્રયત્નની આવી ક્ષમતાનો એ અર્થ થાય છે કે ફક્ત એ એક જ ઉપાય છે કે એ અભ્યાસ ક્ષમતા પ્રાપ્ત કર્યા પછી જ આપણે ઈશ્વરની કૃપા મેળવવા માટે યોગ્ય અધિકારી બની શકીએ છીએ. ઈશ્વરની કૃપા આપણા પર ત્યારે જ વરસે છે કે જ્યારે આપણે એને ઝીલવા માટે શક્તિમાન બનીએ. આપણે એ માટે પોતાની જાતને સજ્જ બનાવીશું તો અવશ્ય તે મેળવી શકીશું. નહિતર તો એ આપણને કશો જ લાભ આપી શકશે નહિ. અરે, ઈશ્વરકૃપા પણ એ સિવાય નિષ્ફળ જ નીવડશે. અર્થાત્, ભગવાન દુનિયાદારીના માણસને નિ:શંક રીતે ભક્તજન બનાવી તો શકે છે, છતાં પણ આપણે એ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે શું શું કરવું જોઈએ, તે અહીં બતાવવામાં આવ્યું છે. જો કે અહીં એવું પણ સ્પષ્ટ રીતે બતાવી દેવામાં આવ્યું જ છે કે આ બધા પ્રયત્નો કર્યા પછીયે ઈશ્વર જરૂર મળી જ જાય, એવી કોઈ ખાતરી નથી. કારણ કે કૃપા તો એક પ્રાથમિક બાબત છે. ઈશ્વરપ્રાપ્તિ માટેની આપણી નવજાગ્રતિ જ મુખ્ય બાબત છે. અહીં એવાં સાધનો પણ દર્શાવવામાં આવ્યાં છે કે જેના દ્વારા આપણે ઈશ્વરની કૃપા મેળવવા માટે આપણી જાતને સુસજ્જ બનાવી શકવાનો પ્રયત્ન કરીએ. આ સાધનો સીધાં-સાદાં અને બુદ્ધિગમ્ય છે. એની રજેરજ આપણે સમજી શકીએ છીએ. એમાં કોઈ શાસ્ત્રીય શબ્દાળુતા નથી. વધારે અધ્યયન વિના પણ આપણે એનો એકેએક અક્ષર એના મર્માર્થ સાથે સમજી શકીએ છીએ. હવે આપણી બધી શક્તિને કામે લગાડીને એની સાધના કરવી, એ આપણા જ હાથની વાત છે.
જો આપણે પ્રયત્ન કરીશું, જો આપણે સાધના-પરિશ્રમ કરીશું, તો આપણે આશા રાખી શકીએ એમ છીએ કે આપણે ઈશ્વરકૃપાથી સફળ થઈશું. ઈશ્વરની જ કૃપાથી આપણે આ બધી વસ્તુઓ પ્રાપ્ત તો કરીએ છીએ પણ આપણે એ માટે પૂરતી લાયકાત મેળવવી જોઈએ એટલે કે આપણે પોતે એ કૃપાને પામવા-મેળવવા માટે તૈયાર – શક્તિમાન થવું જોઈએ. એ કૃપા મેળવવા માટેના માનદંડો ઉપર બતાવવામાં આવ્યા છે.
પચાસમા સૂત્રમાં છેલ્લા શબ્દો બેવડાવવામાં આવેલા છે. તે આ અંગેની ચર્ચા પૂરી થઈ છે, એવું સૂચવવા માટે છે.
अनिर्वचनीयं प्रेमस्वरूपम् ॥ ५१ ॥
(अनिर्वचनीयम्, વર્ણન ન કરી શકાય તેવું; प्रेमस्वरूपम्, પરમ પ્રેમનું સ્વરૂપ.)
૫૧. પરમપ્રેમનું સ્વરૂપ વર્ણનથી અતીત છે – વર્ણન ન કરી શકાય તેવું છે.
मूकास्वादनवत् ॥ ५२ ॥
(मूक, મૂંગા માણસના; आस्वादनवत्, અનુભવની પેઠે.)
૫૨. એ મૂંગા મનુષ્યના અનુભવ જેવું છે.
એકાવનમાં સૂત્રમાં દિવ્ય પ્રેમ કે પરમપ્રેમની પરિભાષા બતાવાઈ છે. ભક્તિના સાચા સ્વરૂપનું વર્ણન કરી શકાતું નથી. એને ચોક્કસ પ્રકારના પૃથક્કરણની, સ્પષ્ટ વ્યાખ્યાની કે સુયોગ્ય વર્ણનની પરવા પણ નથી. આ પ્રેમ કે પ્રેમની સામગ્રી કે પ્રેમનું સત્ત્વ શું છે, એને આપણે પૂરેપૂરી રીતે નથી તો શોધી શકતા, નથી એનું પૃથક્કરણ કરી શકતા કે નથી એને વર્ણવી શકતા. આપણે શા માટે એ બધું નહિ કરી શકતા હોઈશું? એનું કારણ છે કે એ બધું મૂંગા માણસે લીધેલા આસ્વાદ જેવું છે. કોઈ મૂંગો માણસ કોઈક મિઠાઈ ખાય અને એનો આસ્વાદ પણ માણે છે પણ એને વર્ણવી શકતો નથી. એને અનુભવ તો થાય છે જ. પણ એ અનુભવને, એની લાગણીઓને એ અભિવ્યક્ત કરી શકતો નથી. કારણ એ મૂંગો છે. પોતાના મૂંગાપણાને લીધે એની કોઈ લાગણી અભિવ્યક્તિ પામી શકતી નથી. તો એવી જ રીતે બીજી બાજુ પ્રસ્તુત આ દિવ્યપ્રેમ પણ એવો જ છે. એનો અનુભવ કરનાર મૂંગો હોય કે ન હોય! એને કોઈ પણ અભિવ્યક્ત કરી જ ન શકે. ઈશ્વર સાક્ષાત્કારની કે ઈશ્વર પ્રત્યેના એવા દિવ્ય પ્રેમની વાત એક બાજુએ મૂકીએ તો પણ આપણા મનુષ્યોના સામાન્ય પ્રેમની બાબતમાં શું આપણે એને અભિવ્યક્ત કરી શકીએ ખરા કે? નહિ જ, આપણે એ અભિવ્યક્ત નહિ જ કરી શકીએ. પ્રેમનું કોઈ વિશ્લેષણ કે વર્ણન ન જ હોઈ શકે, એ તો એક પ્રાથમિક સિદ્ધાંત છે. કોઈ માતા પોતાના બાળકને ચાહે છે ત્યાં કોઈ ફિલસૂફ આવીને એને પૂછે કે ‘તમારા બાળક પ્રત્યેના પ્રેમનો અર્થ શો છે?’ તો તેણી સ્વાભાવિક રીતે જ કહેશે કે ના, હું એ અર્થ તો કહી શકતી નથી પણ એનો અનુભવ તો જરૂર કરું છું. એ રીતે ઈશ્વર તરફ ઢળેલી આપણી લાગણીઓ તો વળી એથી પણ વધારે અવર્ણનીય બની જાય છે. જ્યારે એના જ સંબંધમાં આપણે ઘણું ઘણું બોલી રહ્યા છીએ! પણ આટલું બધું બોલ્યા પછી પણ આપણા શબ્દો પેલા સામા માણસને કે જેમણે એનો કશો અનુભવ કર્યો જ નથી તેમને – કશો એ વિશે ખ્યાલ આવી શકશે ખરો કે? એક માતાના બાળક ઉપરના પ્રેમનો અર્થ બીજી માતા જ સમજી શકશે. કારણ કે એણે પણ એ પ્રકારનો પ્રેમ અનુભવ્યો હોય છે. ભલે એ પ્રેમનું આદાન-પ્રદાન ન થઈ શકતું હોય! એક માતા પોતાનામાં રહેલ શિશુપ્રેમનું બીજા કોઈમાં સંક્રમણ તો ન જ કરી શકે. વધારેમાં વધારે બીજા નિ:સંતાન મનુષ્યને તે આટલું જ કહી શકે કે ‘તમને પણ બાળક થશે ત્યારે તમે એને સમજી શકશો.’ જેમને માતા થવાનો કશો અનુભવ થયો જ નથી તેવી સ્ત્રીઓ પેલી માતા થયેલી સ્ત્રીને ટોણોય મારશે કે ‘આ શું માંડ્યું છે? બાળક માટે આટલી બધી માથાકૂટ તું શા માટે કરે છે?’ આવી સ્ત્રીઓ માતાના પ્રેમને સમજી શકતી નથી. એ પ્રેમ શું છે તે તો બીજી માતા જ સમજી શકે.
બરાબર આ જ રીતે ઈશ્વર તરફનો પ્રેમ અનુભવી તો શકાય છે પણ વર્ણવી શકાતો નથી. જેમને એની અનુભૂતિ થઈ ચૂકી હોય, તે જ તેને સમજી શકે છે. અને જેમને એવી અનુભૂતિ થઈ હોતી નથી, તેઓ માત્ર ટોણા જ માર્યા કરશે કે ‘આ બધું વળી શું છે?’
આ સંબંધમાં હું તમને એક પ્રસંગ કહીશ. એ પ્રસંગ થોડા વખત પહેલાં બન્યો હતો. કોઈ એક ઠેકાણે ઘણાં માણસો આધ્યાત્મિક દીક્ષા ગ્રહણ કરી રહ્યાં હતાં. એમાં એક બાળક સાથે એક સ્ત્રી પણ હતી. જ્યારે દીક્ષાવિધિ ચાલતો હતો ત્યારે એ બાળકને – કોઈક બીજા પાસે મૂકવામાં આવેલ હતું. જ્યારે એ દીક્ષાવિધિમાં વચ્ચે વિરામ સમય આવ્યો, ત્યારે પેલી સ્ત્રી બહાર જવાનું ઇચ્છવા લાગી કારણ કે એનું બાળક રડતું હતું. એનો અવાજ એને કાને પડ્યો હતો. એ બાળકના રડવાનો અવાજ તો બીજા લોકો પણ સાંભળતા જ હતા. પણ એ લોકોને એની કશી અસર થઈ નહિ; પણ એ માતાના મનમાં એની અસર થઈ. જ્યારે તે બહાર જવા માંડી ત્યારે તે બાળકના પિતાએ આવીને તેણીને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે એ લોકો બાળકને છાનું રાખવાની કોશિશ કરી રહ્યા છે. આ સાંભળીને એ માતા પોતાના પતિ ઉપર ગુસ્સે થઈ ગઈ. ત્યારે ત્યાં રહેલા બ્રહ્મચારીઓમાંથી કોઈ વચ્ચે પડ્યો ત્યારે તે સ્ત્રીએ કહ્યું: ‘મહેરબાની કરીને તમે આ બાબતમાં કશી દખલ કરશો નહિ. તમે આ બાબતમાં કંઈ ન સમજો.’ એ બહેનનો આ વિચાર મને ગમ્યો. એને હું આવકારું છું. માતાની પોતાના બાળક પ્રત્યેની લાગણીને આપણે સમજતા નથી. જ્યારે એ લાગણી આપણા હૃદયમાં જાગી ઊઠશે, ત્યારે આપણે બીજું બધું ભૂલી જઈશું. એવી જ રીતે આપણામાં જ્યારે ભગવાન પ્રત્યેનો પ્રેમ જાગી ઊઠશે, અને એ ભગવત્પ્રેમ તો વધારે તીવ્ર હશે, માતાના પોતાના બાળક પ્રત્યેના પ્રેમ કરતાં વ્યાપકપણે વધારે પ્રભાવક હશે – ત્યારે તો અવશ્ય જ આપણે બીજું બધું ભૂલી જ જવાના! આ પ્રેમને આપણા સિવાય અન્યથી સમજી જ નહિ શકાય. અર્થાત્, જે માતા નથી એવી કોઈ વ્યક્તિ માતાના વલણને સમજી શકતી નથી, એવી જ રીતે ભગવાન પ્રત્યેની ભક્તની ઝંખનાને બીજી કોઈ પણ એવી ઝંખનાના અનુભવ વગરની વ્યક્તિ સમજી જ શકતી નથી. જો કોઈ વ્યક્તિ આપણને એનું વર્ણન કરવાનું કહે તો પણ આપણે એ વર્ણન કરી શકતા નથી. વધારેમાં વધારે એવી ઈશ્વરપ્રત્યેની પ્રેમભાવના વિશે ફક્ત સારાંશલેખન જેવું કશુંક કરી શકીશું, કે આવો ભક્તજન ભગવાન માટે આંસુ સારે છે, એને ક્યાંય આરામ નથી હોતો, એના મનમાં ક્યાંય શાંતિ હોતી નથી – વગેરે કહી શકીશું. આવું આપણે એમાં બહારથી જોયું હોય છે. પણ આવું બધું કંઈ એ પ્રેમનું સાચું પૃથક્કરણ નથી! આ કંઈ પ્રેમનું સાચું વર્ણન નથી. વાસ્તવકિતા તો એની એ જ બાકી રહે છે કે એ પ્રેમ અવર્ણનીય જ છે; અવિશ્લેષ્ય જ છે, કેવળ અનુભૂતિગમ્ય જ છે. મૂંગાના રસાસ્વાદ જેવો છે; આ અનુભૂતિ લાગણી દ્વારા બહાર અભિવ્યક્ત થઈ શકતી નથી. પોતાની ભીતર જે કંઈ ચાલી રહ્યું છે, તે અકથ્ય છે.
प्रकाशते क्वापि पात्रे ॥ ५३ ॥
(प्रकाशते—, અભિવ્યક્ત થાય છે; क्वापि, કોઈક; पात्रे, પાત્રમાં.)
૫૩. તે પ્રેમ સુયોગ્ય સાધકના હૃદયપાત્રમાં સ્વયં પ્રકટ થાય છે.
જે મનુષ્યે પોતાને પ્રેમભક્તિના પ્રાકટ્ય માટે સજ્જ કર્યો હોય, તેવા મનુષ્યમાં ભક્તિ આપમેળે જ પ્રગટ થાય છે. પછી તે માણસ ગમે તે અને ગમે તેવો હોય! હવે, આવી સજ્જતા, આવી પાકટતા કંઈ સહજ કે એકાએક જ આવી જતી નથી. એમ કંઈ એ યોગ્યતા સહેલાઈથી મળી જતી નથી. એવી ધન્યતા અને એવી કૃતાર્થતા તો જે વ્યક્તિ એને માટે લાયક હોય, એવા કોઈક વિરલાને જ સાંપડી શકે છે.
ખરેખર જ આવી અપેક્ષિત પાત્રતા દુર્લભ છે. ભલે એવી આવશ્યક યોગ્યતા અવર્ણનીય હોય, ભલે એનું પૃથક્કરણ ન થઈ શકતું હોય, છતાં પણ જે વ્યક્તિએ એને મેળવવા માટે પોતાને સુસજ્જ બનાવી હોય, તેવા પુરુષમાં એ અભિવ્યક્તિ પામે છે.
આના સંબંધમાં એક પ્રશ્ન ઊભો કરી શકાય છે કે જો આ બાબત અવર્ણનીય જ હોય, તો આપણે એના વિશે શા માટે કંઈ પણ વાત કરવી જોઈએ? જો કોઈ પણ મનુષ્યે એને બરાબર રીતે અભિવ્યક્ત ન જ કરી હોય અને એને સાંભળનારને પણ એનો સાક્ષાત્કાર ન થયો હોય, તો પછી એવી કોઈ બાબત હસ્તી ધરાવે છે, એમ કહેવાનું ફારસ શા માટે કરવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ એ છે કે ઈશ્વરનો એવો પ્રેમ અવશ્ય જ હસ્તી ધરાવે છે કારણ કે એની હસ્તીની અનુભૂતિને કારણે જ કોઈ પણ વસ્તુની હસ્તી સિદ્ધ થઈ શકે છે – એટલા જ માટે આ સૂત્ર ઉમેરે છે કે ‘હા, એ પ્રેમને પ્રાપ્ત કરવાના યોગ્ય અધિકારી પુરુષમાં એ જરૂર અભિવ્યક્તિ પામે છે.’ અને એવો અધિકાર આપણે હમણાં જ વર્ણવ્યાં એવાં સાધનો દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. તેથી એ કેવળ અવર્ણનીય છે એટલું જાણવામાત્રથી આપણે ખોટે રસ્તે દોરાઈને એવું ન સમજી લેવું જોઈએ કે એની હસ્તી જ નથી! એ અવશ્ય અસ્તિત્વ ધરાવે છે. કારણ કે એ પોતે જ પોતાને ગણ્યાગાંઠ્યા એવા વિરલ મનુષ્યોમાં ઉદ્ઘાટિત કરે છે કે જે મનુષ્યોએ પોતાને એ પ્રેમ ઝીલવા માટે સુસજ્જ કરી દીધા હોય!
આ પ્રકરણમાં પ્રેમનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. હું ફરી વખત કહીશ કે એ પ્રેમસ્વરૂપ છે અને વર્ણનાતીત છે. એ મૂંગા માણસના રસાસ્વાદ સમાન છે. મૂંગા માણસને સ્વાદાનુભવ તો થાય છે પણ એ અનુભવની અભિવ્યક્તિનું સામર્થ્ય એની પાસે નથી. આ ભગવત્પ્રેમ તો એને ઝીલવાની તાકાત જેણે પ્રાપ્ત કરી હોય, તેનામાં જ ઉદ્ઘાટિત થાય છે. આ અભિવ્યક્તિને પચાવવાની ક્ષમતા પ્રાપ્ત કરનારમાં જ એ પ્રગટે છે. એટલે એ અવર્ણનીય છે, એનો અર્થ એવો નથી થતો કે એનો કોઈને અનુભવ જ થયો નથી! એ અભિવ્યક્તિને આવકારવા તત્પર થયેલા મનુષ્યને નિ:સંદેહ જ એનો અનુભવ થાય છે.
(ક્રમશ:)
Your Content Goes Here




