(ગતાંકથી ચાલું)
मुख्यतस्तु महत्कृपयैव भगवत्कृपालेशाद् वा ॥ ३८ ॥
(मुख्यतः ખાસ કરીને; तु તો; महत्-कृपया-एव, મહાન પુરુષની કૃપાથી જ; भगवत्-कृपा-लेशात् वा, અથવા ભગવાનના થોડાક અનુગ્રહથી)
૩૮. ખાસ તો મહાત્માઓની કૃપાથી અથવા ભગવાનની થોડી કૃપાથી ભક્તિ મળે છે. હવે આપણે ઈશ્વર પ્રત્યેની ભક્તિની પ્રાપ્તિના વિવિધ માર્ગોની ચર્ચા કરીશું. સૂત્ર કહે છે કે ભક્તિની પ્રાપ્તિનાં વિવિધ સાધનોનું વિવરણ, ભક્તિમાર્ગના મહાન આચાર્યોએ કર્યું છે. ભક્તિપ્રાપ્તિનાં એ વિવિધ સાધનોનું બયાન અહીં નારદ કરે છે. ઈંદ્રિયવિષયોના ત્યાગથી અને એ વિષયો તરફની આસક્તિના ત્યાગથી પણ ભક્તિ પ્રાપ્ત થઈ શકે છે. આ બતાવેલાં સાધનોમાંનું એક છે વિષયત્યાગ અને તે વિષયો તરફની આસક્તિનો પણ ત્યાગ. અને બીજું છે ભગવાન તરફની ભક્તિનું સાતત્ય. ત્રીજું છે ભગવાનનું નિયમિત સ્મરણ, ભગવાન તરફનો ભક્તિનો અવિરત પ્રવાહ! મનુષ્ય પોતાના રોજબરોજના સાધારણ કાર્યમાં રોકાયેલો હોય તો પણ ભગવાનના ગુણોના શ્રવણકીર્તનમાં જ પરોવાયેલા મનવાળો રહે અને એ રીતે ભગવદ્ક્રિયામાં રત રહે. આ બધું તો સહાયક છે જ પણ મુખ્ય તો હરિના જનની કૃપા જ ભક્તિપ્રાપ્તિનું સાધન છે. અથવા તો ભગવાનનો ખુદનો જ થોડો અનુગ્રહ પણ એવું સાધન છે.
હવે, આ છેલ્લાં બે સાધનો શા માટે બતાવ્યાં છે? એ એટલા માટે બતાવ્યાં છે કે સંભવત: આપણે સદ્ભાગ્યે સભાનપણે કોઈ સાધુપુરુષના સંગમાં આવીએ અને એવા સત્સંગથી આપણામાં સભાનપણે જ ભક્તિનો પ્રકાશ પ્રકટ થઈ જાય! આવો સાધુસંગ તો આપણે સભાનપણે કરી જ શકીએ. આપણે ભગવાનના ભક્તોની સોબતની ઝંખના તો કરી જ શકીએ અને એમની કૃપાથી આપણે આપણામાં ભક્તિનો ઉદય કરી શકીએ.
પરંતુ, તો પછી બીજો ભાગ (ભગવત્કૃપાનો) શા માટે કહ્યો? જ્યારે આપણામાં સાધુસંગની ઝંખના જાગી ન હોય ત્યારે પણ કોઈકવાર એ ભક્તિ આપણામાં ફૂટી નીકળે છે. એનું કારણ ભગવત્કૃપા છે. એટલે ભગવાનનો અનુગ્રહ તો મુખ્ય વસ્તુ છે. વળી તે અનુગ્રહ આપણને ખબરેય ન પડે તેમ આવે છે. આપણે અજાણ હોઈએ, એને માટે યોગ્ય પણ ન હોઈએ, છતાંયે ભગવાન આપણને પોતાનો અનુગ્રહ કોઈકવાર વણમાગ્યો જ બક્ષે છે; સાધુસંગની તો આપણે ઝંખના કરવી પડે છે અને તે પછી પણ કેટલીક વખત એ લોકો ભક્તિ ન પણ આપે એવું ય બની શકે. પણ ભગવાનનો અનુગ્રહ તો કેટલીકવાર આપણને એના કારણની કશી ખબર ન હોય તો પણ આપણા ઉપર ઊતરી પડે છે અને ભક્તિલાભ કરાવે છે. એટલે એવું કંઈ જરૂરી નથી કે અનિવાર્ય રીતે સાધુજનોના સંગથી જ ભક્તિ મળે છે. સાધુસંગ વગર પણ મળી શકે. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે જો એની પ્રાપ્તિની રાહ જોઈએ તો એ ન પણ મળે.
એવી રીતે તો ઈશ્વરનો અનુગ્રહ ન પણ મળે. કારણ કે તે કેવી રીતે મળશે, એના માર્ગની આપણને ખબર નથી. જો એને કોઈ નિયમન જ ન હોય તો સ્વાભાવિક રીતે જ એની પ્રાપ્તિનાં કોઈ સાધન આપણી પાસે નથી. એટલે અહીં બે વસ્તુ બતાવી છે. પહેલી સત્પુરુષોની કૃપા છે કે જેને આપણે ઝંખી શકીએ અને મેળવી શકીએ. અને બીજી વાત આપણે એ સમજવાની જરૂર છે કે કેવળ ભગવાનના અનુગ્રહથી પણ ભક્તિ મેળવી શકાય છે. દિવ્ય અનુગ્રહની મહત્તા દર્શાવવા માટે આમ અહીં બે વસ્તુઓ નિર્દેશવામાં આવી છે. આ દિવ્ય અનુગ્રહ મનુષ્યની કોઈ ઝંખના વગર જ એને બક્ષવામાં આવે છે. આ દિવ્ય અનુગ્રહ એના ઉપર અણધાર્યો સ્વયંસ્ફૂર્ત રૂપે વણમાગ્યો જ ઊતરી આવે છે. અને જો આપણે એને ‘અનુગ્રહ’ એવું નામ આપીએ, તો એ બિનશરતી જ હોવો જોઈએ. અનુગ્રહ તો નિયમરહિત જ હોય. અનુગ્રહનો અર્થ જ એ છે કે આપણામાં એવી યોગ્યતા ન હોવા છતાં આપણે કશુંક મેળવીએ છીએ. એનો અર્થ એવો પણ નીકળી શકે કે, આપણે સંતોના સંગની કોઈ કામના ન કરવી જોઈએ. અને કશી સાધના પણ ન કરવી જોઈએ. પણ એ રીતે તો પછી આપણને કશુંય મેળવ્યા વગર ખૂબ જ લાંબા સમય સુધી રાહ જ જોયા કરવાનો વારો આવે! કારણ કે એવું તો કંઈ જરૂર નથી ને કે ભગવાન બધા ઉપર – ગમે તે ઉપર – પોતાનો અનુગ્રહ બતાવતા હોય! એ તો એની ઇચ્છાની જ વાત છે. એટલે આપણી પ્રતીક્ષા નિષ્ફળ પણ જાય – ભક્તિ પ્રતીક્ષા કરવાથી ન યે મળે. એટલા માટે અહીં બંને ભાગોનો નિર્દેશ કર્યો છે.
એક વાત એ પણ છે કે સંતો મળવા ભારે કઠિન વાત છે; સંતોની સોબત દુર્લભ અને ગહન છે. સંતોનો સંગ મેળવવાનું સદ્ભાગ્ય તો જવલ્લે જ મળે છે. વળી, આપણે એ જાણી શકતા નથી કે નિર્ણય પણ કરી શકતા નથી કે કોણ સંત છે અને આપણને એનો સંગ કેવી રીતે કરવો એ પણ જાણ નથી. વળી એની સોબત આપણામાં કેવું પરિવર્તન લાવશે, એનીય આપણને ખબર નથી. આ બધી વસ્તુઓ રહસ્યમય છે. આપણે આ સમજીયે શકતા નથી અને એનું અનુમાનેય કરી શકતા નથી. આ વસ્તુઓ આપણી સમજની મર્યાદા બહારની છે. આપણે જો સંતોની સંગતિ પ્રાપ્ત કરીએ, તો અવશ્ય એ એનું ફળ આપે છે; એ એક અમોઘ ઔષધિ છે, એનું સુફળ સુનિશ્ચિત છે, એટલે સત્પુરુષોનો સંગ ક્યારેય નિષ્ફળ જતો નથી. તેથી આપણને જો સાધુસંગ સાંપડે, તો આપણે માની લેવું કે જન્મમરણના ચક્રાવામાંથી છૂટવાનું સાધન આપણને હાથ લાગી ગયું છે. સંતોનો સંગ આપણને નવજીવન આપશે. એ આપણું સંતમાં રૂપાંતર કરી દેશે. એટલા માટે સંતોના સંગ પર અહીં ભાર મૂકવામાં આવ્યો છે. સંતસમાગમ આપણું રૂપાંતર કેવી રીતે કરી દેશે, એ તો આપણે જાણી શકતા નથી. પરંતુ કોઈને પણ સંતસમાગમ થયો હોય, તો એને માટે તો એ નક્કી જ છે કે એ એને ઉચ્ચતમ ભગવદ્ભક્તિનો ઉદય કરવાનું સુફળ પ્રાપ્ત થવાનું જ છે.
महत्संगस्तु दुर्लभोऽगम्योऽमोघश्च ॥ ३९ ॥
(महत् મહાપુરુષોની; संगः સોબત; तु, તો; दुर्लभः પ્રાપ્ત કરવો મુશ્કેલ; अगम्यः સમજવો મુશ્કેલ; अमोघः च, અને અવશ્ય સફળ હોય છે.)
૩૯. સંતોની સોબત તો મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે, અને સમજવી પણ કઠિન છે. અને એનું ફળ મળ્યા વગર રહેતું જ નથી.
આ સૂત્ર સાધુઓની સંગતની પ્રશંસા કરે છે. સૌ પહેલાં તો એ સંગત મળવી મુશ્કેલ- ‘દુર્લભ’- છે. એમ કેમ? એનું કારણ એ છે કે ભલે આપણે કેટલાક મહાન સંતોની સમીપમાં જ રહેતા હોઈએ; તો પણ તેમની સાથે આપણું ખરું વિચારનું આદાનપ્રદાન-પરસ્પરની ખરી પિછાણ – ન પણ હોઈ શકે. કેવળ સત્પુરુષોની સમીપમાં રહેવાથી જ કશું વળતું નથી. દક્ષિણેશ્વરના મંદિરમાં રહેતા લોકોનો અને એની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનો જ દાખલો લો! એ બધાને શ્રીરામકૃષ્ણનાં રોજેરોજ દર્શન કરવાની અને તેમની સાથે સંપર્ક કરવાની તકો હતી જ. આમ છતાં શું તેઓ તેમની સાથે ખરો સંબંધ બાંધી શક્યા હતા ખરા? ના, હરગીજ નહિ. અરે, જેઓ તેમની સાથે સંપર્કમાં આવ્યા હતા તેઓ પણ તેમની સાથે પરસ્પરની સાચી પિછાણ પામી શક્યા ન હતા! એટલા માટે સંતોની સંગતને એવા માણસો માટે પણ દુર્લભ-મુશ્કેલીથી મળતી કહી છે. કેવળ શારીરિક સામીપ્ય કંઈ સાધુની સોબત ન કહેવાય! એવી નિકટતા કશા કામની નથી. ખરી વાત તો એ છે કે આપણે સાધુપુરુષોની નિકટ રહ્યા વગર પણ એની સંગતિ – એની સોબત- વૈચારિક લેવડદેવડ -પિછાણ – પામી શકીએ છીએ.
આ સંબંધમાં મને એક ઘટના યાદ આવે છે. એક સજ્જન ‘ઉદ્બોધન’માં, શ્રીશ્રીમાના નિવાસસ્થાને આવ્યા. અમે ત્યાં સ્વામી શારદાનંદ સાથે બેઠા હતા. એ સજ્જને પ્રસંગોપાત્ત કહ્યું : ‘હું સાધુસંગ માટે આવ્યો છું.’ મેં જે હમણાં સૂચવ્યું તેવી જ સ્વામી શારદાનંદે ટકોર કરી : ‘કાલીમંદિરમાં દક્ષિણેશ્વરમાં રહેતા લોકો સતત શ્રીરામકૃષ્ણની નજીકમાં રહેતા. નજીકના લોકોને તો રોજબરોજ રામકૃષ્ણનો ભેટો થતો. છતાં તેમનામાં કશી ધાર્મિક જાગ્રતિ થઈ હોય, તેવો એક પણ દાખલો મળતો નથી!’ સ્વામી શારદાનંદે ખાસ ભાર મૂકીને કહ્યું હતું કે, ‘એક પણ દાખલો!’
लभ्यतेऽपि तत्कृपयैव ॥ ४० ॥
(लभ्यते, (તે સાધુસંગતિ) મળી શકે છે; अपि, પણ; तत्, તેની; कृपया एव, કેવળ કૃપાથી)
૪૦. તે સાધુસંગતિ પણ તેની કૃપાથી જ ફક્ત મેળવી શકાય છે.
तस्मिंस्तज्जने भेदाभावात् ॥ ४१ ॥
(तस्मिन्, તે (ભગવાનમાં); तत् जने, (અને) તેના જનમાં ભક્તમાં; भेदाभावात् ભેદનો અભાવ હોવાથી)
૪૧. તે ભગવાનમાં અને તેના ભક્તમાં ભેદનો અભેદ હોવાથી આમ છે.
तदेव साध्यतां तदेव साध्यताम् ॥ ४२ ॥
(तत् एव, ફક્ત તે જ; साध्यताम्, પ્રાપ્ત કરો.)
૪૨. ભૂલ્યા વગર તે સાધુનો સંગ જ પ્રાપ્ત કરો.
સંતપુરુષોના સંગની ચર્ચા શરૂ કર્યા પછી આ ૪૨મા સૂત્રમાં એનો ઉપસંહાર કરવામાં આવ્યો છે.
તે ભગવાનમાં અને તેના ભક્તમાં ભેદનો અભેદ હોવાથી આમ છે. સૂત્રમાં ‘साध्यताम्’ શબ્દનું પ્રાસંગિક પુનરાવર્તન સત્સંગ ઉપર ભાર દેવા માટે કરવામાં આવ્યું છે.
નારદ કહે છે કે સાધુસંગ સહેલાઈથી સાંપડી જતો નથી. અને જો કદાચ આપણે એ મેળવી પણ લઈએ, તો પણ તે ભગવાનની કૃપાથી જ મળી શકે છે. એટલા માટે ફક્ત સાધુની સંગત જ પર્યાપ્ત નથી. પણ એની સાથે માનસિક વિનિમય એટલે કે આધ્યાત્મિક અનુસંધાન હોવું જોઈએ. એના વગરની ખાલી મહાપુરુષોની નિકટતાનો તો કોઈ જ અર્થ નથી અને એટલા માટે ગમે તે માણસ દ્વારા એ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે નહિ. મહાપુરુષો સાથે બહારથી સતત સંપર્ક રાખનારા પણ એને પામી શકતા નથી. બીજી વાત એ છે કે એ સત્સંગ ‘અગમ્ય’ છે. એ અનુસંધાન મનુષ્યમાં સાવ અજાણતાં, કેવી રીતે પરિવર્તન લાવી શકે છે, તે આપણે જાણતા નથી. એ માણસને પોતાને પણ એની ખબર પડતી નથી. પણ એ પોતે ભલે ન જાણે, છતાં એને પક્ષે કોઈપણ જાતના પરિશ્રમ વગર પરિવર્તન આવે તો છે જ.
એને ખબર જ નથી પડતી કે એનું પરિવર્તન કેમ થઈ ગયું! અને છતાં એ થાય છે ચોક્કસ! એ એનું ફળ અનિવાર્ય રીતે આપે જ છે. એની કાર્યસાધકતા એવી છે કે એ કદી નિષ્ફળ ન જ જાય. આવા સત્સંગી માણસમાં તે ઈશ્વર પ્રત્યેની ઊંચી ભક્તિને પેટાવી દેવાનું પરિણામ લાવે છે. એટલા માટે કેવળ કૃપાથી જ આ પરાભક્તિ-પરમોચ્ચ ભક્તિ પ્રાપ્ત કરી શકાય છે. શરૂઆતમાં ભલે આપણને એની કશી ખબર ન પડે, પણ છેવટે તો એ અવશ્ય પરિણામ લાવે જ છે અને એ કેવળ ભગવાનની કૃપાથી જ આવે છે. બીજી રીતે કહીએ તો સંત પુરુષોની કૃપા પણ ભગવાનની જ કૃપા ગણી શકાય તેમ છે. કારણ કે કેવળ ભગવાનની કૃપાથી જ તો આપણને સાધુપુરુષોનો સમાગમ પ્રાપ્ત થઈ શકે છે! અથવા તો આપણી કશી યોગ્યતા ન હોવા છતાં પણ આપણામાં પરિવર્તન થઈ જાય છે! કેવળ આ ભગવત્કૃપાથી જ તો આપણને સાધુસંગ સાંપડે છે, એનું કારણ એ છે કે ભગવાનમાં અને એના ભક્તોમાં કશો તફાવત જ નથી. ભગવાન અને ભગવદ્ભક્ત – એ બન્ને શબ્દો પર્યાયવાચી છે. જ્યારે મનુષ્ય ઈશ્વરચેતનાને સ્તરે પહોંચી જાય છે. ત્યારે તે પોતે જ ઈશ્વરમય બની જાય છે. એટલે એવા જનનો સંગ કરવાનો અર્થ દિવ્ય પરમતત્ત્વ સાથેનો સંગ જ થાય છે. ભગવાનની પોતાની સાથેનો જ એ સંગ છે. સંતોનો અનુગ્રહ એ ભગવાનનો જ અનુગ્રહ છે. એટલે છેવટે તો ભગવાનની કૃપા જ આપણામાં ભક્તિ ઉત્પન્ન કરે છે. નારદનો આ નિષ્કર્ષરૂપ ઉપદેશ છે.
આની પાછળ વિચાર આવો છે : ધારો કે કોઈ માણસ સંતના સંપર્કમાં આવ્યો છે અને પરિણામે તે પોતે સંતપુરુષના રૂપમાં પરિવર્તન પામ્યો છે. આ પૂરેપૂરું વ્યાજબી જ છે અને દેખીતી રીતે જ નિયમાનુસાર છે. આમ છતાં પણ એક વસ્તુ મનમાં ધ્યાન રાખવા યોગ્ય છે કે સંતની કૃપા એ અન્ય સ્વરૂપે માત્ર ઈશ્વરની જ કૃપા છે. એ કૃપા કોઈ સાધન-ઉપકરણ- (અહીં સંતજન) દ્વારા જ પ્રવાહિત થાય છે અને એ ઉપકરણ એ ઈશ્વરથી અલગ નથી. એનો પર્યાય જ છે એટલે હરિના અનુગ્રહમાં અને હરિના જનના અનુગ્રહમાં કશો જ તફાવત નથી. એટલે નારદ કહે છે કે, ભગવાનના અનુગ્રહનો જ – ફક્ત એ એકનો જ આશ્રય લો. ઉદ્દેશપ્રાપ્તિ માટે જો કંઈ પ્રાપક સાધન હોય તો તે ભક્તિ જ છે અને એ ભક્તિનું જ અનુસરણ કરવું જોઈએ. નારદ જાણે કે ખૂબ ભારપૂર્વક કહે છે કે પરમભક્તિથી મનુષ્યને કૃતાર્થ કરી દે એવાં ઉપકરણો- સંતોનું શરણ લેવાનો પ્રયત્ન કર્યા વગર જ મનુષ્યે આ મૂલ્યવાન જીવનને વેડફી ન જ નાખવું જોઈએ. નારદ આ વસ્તુ ઉપર ભાર મૂકવા માટે જ ‘साध्यताम्’ – ‘એ જરૂર કરો જ’ – આ શબ્દને બેવડાવે છે. જાણે કે એમ કહેવા માગે છે કે એ અત્યારે જ શરૂ કરી દો. એમનો ભાવાર્થ એ છે કે આપણે આપણો સમય વ્યર્થ જ ગુમાવી દેવો ન જોઈએ. આ સૂત્રની વિધેયાત્મક બાજુ છે.
दुःसंगः सर्वथैव त्याज्यः ॥ ४३ ॥
(दुःसंगः, ખરાબ મનુષ્યોની સોબત; सर्वथा एव, બધી જ રીતે; त्याज्यः, છોડી દેવી જોઈએ.)
૪૩. દુષ્ટ – અપવિત્ર મનુષ્યોનો સંગ બધી જ રીતે છોડી દેવો જોઈએ.
काम-क्रोध-मोह-स्मृतिभ्रंश-बुद्धिनाश-सर्वनाश-कारणत्वात् ॥ ४४ ॥
(काम, વિષયવાસના; क्रोध, ગુસ્સો; मोह, વિમૂઢતા; स्मृतिभ्रंश, ઈશ્વરસ્મરણનું વિસ્મરણ; बुद्धिनाश, વિવેકશક્તિ-તર્કશક્તિનો નાશ; सर्वनाश, બધાંનો વિનાશ; कारणत्वात्, એ બધાનું કારણ હોવાથી.)
૪૪. એનું કારણ એ છે કે દુષ્ટ લોકોનો સંગ, પોતાની સાથોસાથ જ વિષયવાસના, ગુસ્સો, વિમૂઢતા, ઈશ્વરસ્મરણનું વિસ્મરણ, વિવેકશક્તિ-તર્કશક્તિ-નો નાશ, બધાંનો વિનાશ લઈ આવતો હોય છે.
तरंगायिता अपीमे संगात्समुद्रायन्ति ॥ ४५ ॥
(तरंगायिता, તરંગની પેઠે શરુ થયેલા; अपी, છતાં પણ; इमे, આ અપવિત્ર પદાર્થો; संगात्, દુર્જનોની સોબતથી; समुद्रायन्ते, સમુદ્રના જેવડા બની જાય છે.)
૪૫. આ દુર્જનોના સંગને લીધે આ ઉપરના (૪૪મા સૂત્રમાં ગણાવેલા પદાર્થો) પહેલાં તરંગ જેવા હોય, તો પણ ક્રમેક્રમે સાગર જેવડા થઈ જાય છે.
સૂત્રની નિષેધક બાબતમાં નારદ કહે છે કે દુર્જનનો સંગ તો કોઈપણ રીતે છોડી જ દેવો જોઈએ. એટલે કે સાધુસંગનો જ આશરો લેવો અને દુર્જનનો સંગ છોડી દેવો જોઈએ. તો શા માટે દુર્જનનો સંગ છોડી દેવો જોઈએ? આ પ્રશ્નનો ઉત્તર નારદ હવે આ સૂત્રમાં આપી રહ્યા છે.
નારદ સમજૂતી આપે છે કે દુર્જનનો સંગ એટલા માટે છોડી દેવો જોઈએ કે તે વિષયવાસના, ગુસ્સો વિમૂઢતા, ઈશ્વરસ્મરણનું વિસ્મરણ, વિવેકશક્તિનો નાશ અને એવા એવા કંઈક દુર્ગુણોનું કારણ છે. દુર્જનોનો સંગ આવા દુર્ગુણો ઉત્પન્ન કરે છે. એટલે એ કુસંગને તો કોઈપણ હિસાબે છોડી જ દેવો જોઈએ. આ મુદ્દા પર તો નારદ ખૂબ જ ભાર મૂકે છે.
અહીં સમસ્યા એ છે કે કેટલીકવાર આપણે કોઈક વસ્તુઓ ઉપર ઉદાર વલણ દાખવતા હોઈએ છીએ. ધારો કે કોઈ દુર્જન છે અને આપણે એને વિશે એવી દલીલ કરીએ, કે આપણે એનો શા માટે ત્યાગ કરવો જોઈએ? જો એ દુષ્ટ છે, તો ભલે ને એ જેવો છે તેવો જ રહ્યો! આપણે તો એની સાથે કશી લેવાદેવા નથી ને! આવી રીતે કેટલીક વખત આપણે દુર્જનની સોબત ઝંખતા તો હોતા જ નથી પણ કોઈક રીતે એને સહન કરી લેતા હોઈએ છીએ. નારદ તો આવી વાતની ય વિરુદ્ધમાં છે. એમને મતે આજે ભલે આપણે એને માત્ર સહન જ કરી લેતા હોઈએ, પણ આવતીકાલે એની અસરમાં આવી જ જવાના! અને ત્યાર પછી – પરમ દિવસે આપણને એ દુર્જન ગમવા માંડશે. અને આ રીતે દુર્જનનો સંગે ધીરે ધીરે આપણે પોતે જ દુર્જનના રૂપમાં પરિવર્તન પામતા જઈશું અને એ જ રીતે સજ્જનોના સંગે આપણામાં ભક્તિનો ઉદય થતો રહેશે. દુર્જનનો સંગ લાલસા, ક્રોધ, મોહ વગેરે ઉત્પન્ન કરે છે અને આ બધાં દુષ્ટ વલણો દુર્જનની સોબતથી જ આવે છે.
ગીતામાં કહેવામાં આવ્યું છે કે ‘सगात् संजायते कामः (२/६२)’ ‘આસક્તિથી લાલસા ઉત્પન્ન થાય છે. જો આપણે લોભામણી વસ્તુઓની વચ્ચે જ રહેતા હોઈએ, તો ભલે એ વસ્તુઓ તરત જ પોતાનું ફળ બતાવી દેતી ન હોય. છતાં પણ ધીરે ધીરે લાંબે ગાળે – તે આપણા મનને રંગી દે છે. મોડે મોડે, આપણને ખબર પણ ન પડે એ રીતે આપણે તે દુનિયાના માણસ તરીકે પરિવર્તન થતા જ જઈશું. એટલે કે ભારોભાર ક્રોધાદિ દુર્ગુણોવાળા બની જ જઈશું.
એટલા માટે આપણે એવી સોબતમાંથી દૂર જઈ રહ્યા છીએ કે નહિ, તે બાબત ખૂબ જ કાળજીપૂર્વક નિરીક્ષણ કર્યા કરવું જોઈએ. આવું નિરીક્ષણ ભલે થોડું અનુદાર અને કડક લાગે, તો પણ ભગવાનને પામવા મથતા સાધકની સુરક્ષિતતા જાળવવા માટે એ જરૂરી જ છે- અનિવાર્ય રીતે આવશ્યક છે કે દુર્જનોનો સંગ છોડી જ દેવો જોઈએ.
જ્યારે ભક્તિને માર્ગે જતો સાધક ઉચ્ચ સ્તરે પહોંચ્યો હોય, ત્યારે તો આવો કુસંગ એનું કશું બગાડી શકતો નથી- એને અસર કરતો નથી, એ ભલે સાચું હોય; પણ શરૂઆતમાં તો ઈશ્વરની ઝંખના સેવતા સાધકે આવા કુસંગથી દૂર રહેવા માટે ખૂબ જ કાળજી લેવી જોઈએ. નહિંતર તો એનું મન અવશ્ય જ નિમ્ન દશામાં ઢસડાઈ જ પડશે. આ મુદ્દા ઉપર અહીં ભાર મૂક્વામાં આવ્યો છે.
આપણે આ બાબતમાં ઉદાર વલણ દાખવીને એમ નથી જ કહી શકતા કે ‘આપણે વ્યવહારું થવું જોઈએ. આપણે ખરાબ સોબતથી દૂર રહી શકીએ એમ બની શકતું જ નથી એટલે ભલે આપણે દુર્જનો સાથે રહેતા હોઈએ છતાં સાવધાન રહેવું જોઈએ કે જેથી એવા દુર્જનનો પ્રભાવ અહીં આપણી ઉપર ન પડે.’ આ વિચાર વસ્તુ પ્રત્યેના વલણ માટે ભલે વ્યવહારું ગણાતો હોય, પણ આવી વ્યવહારુતા છેવટે આપણો વિનાશ જ નોતરશે. કારણ કે એ ધીરે ધીરે આપણી જાણ બહાર, આપણું મન એનાથી રંગાતું જ જાય છે. એની અસર એટલી બધી બળવાન હોય છે કે એ ક્રમશ: આપણામાં પ્રવેશીને આપણને બદલી નાખે છે. જેવી રીતે સજ્જન આપણી જાણ બહાર આપણને સજ્જનમાં રૂપાંતરિત કરી દે છે, તેવી રીતે દુર્જન પણ આપણી જાણ બહાર જ આપણું દુર્જનના રૂપમાં પરિવર્તન કરી દે છે. ફક્ત જ્યારે મનુષ્ય સારાં-નરસાંની પેલી પારની ઉચ્ચતમ અવસ્થાએ પહોંચી ગયો હોય, જ્યારે એ ભગવત્પ્રેમમાં તલ્લીન બની ગયો હોય ત્યારે એવા સાવ જૂજ દાખલાઓમાં આ દુર્જનોનો સંગ એમના ઉપર કશી અસર ન પહોંચાડી શકતો હોય એ જુદી વાત છે. આવા જૂજ પ્રસંગોમાં તો ઊલટું ભગવાનના ભક્તની અસર પેલા દુર્જન ઉપર જ ધીરે ધીરે પડતી જઈને એનું રૂપાંતરણ કરતી હોય છે.
પરંતુ, ભગવત્પ્રાપ્તિ કરવા માગતા સામાન્ય સાધકે તો આ બાબતમાં બધી જ રીતે ખૂબ કાળજીપૂર્વક વર્તન કરવું જોઈએ, કે જેથી દુષ્ટોની સોબતની એના પોતાના ઉપર કશી જ અસર પડવાનો મોકો જ ન રહે. કારણ કે એવો કુસંગ તો એને ઊંડી ખાઈમાં ઉતારી દેશે. એની દશા હલકી કરી દેશે અને એને ભગવાનના માર્ગેથી દૂર ઢસડી જશે. નારદ આ વાત ઉપર ખૂબ જ ભાર મૂકે છે. શરૂઆતમાં માણસોમાં કામ, ક્રોધ વગેરે સાગરના નાનકડા વમળ જેવા ભલે દેખાતા હોય પણ એ આવા દુર્જનોની સોબતથી ભેગા મળી મોટું રૂપ ધારણ કરી લે છે.
ભક્તના મનમાં પણ બધા જ પ્રકારનાં વૃત્તિવલણો તો હોય છે. સારા અને ખરાબ બન્ને વલણો સહજ હોવાનાં જ. પણ ખરાબ વલણો સુષુપ્ત-નિગૂઢ હોય છે અને કશીય અસર ન પહોંચાડી શકે એવાં લાગે છે- આવી ખરાબ વલણવૃત્તિઓ એના મનને નહિ ફેરવી શકે અને એનાથી એને કશી ખાસ અસર પણ નહિ થાય. આ મોજાં એના મનમાં ઊઠે અને શમી જતાં હોય છે, ત્યારે તે ભક્ત તો એક સાક્ષીના રૂપમાં જ જાણે કે રહે છે. આ વાત ગીતામાં પણ કહી છે. ભક્તમાં ભલે ને આવાં બન્ને પ્રકારનાં વૃત્તિવલણો મોજૂદ હોય, પણ ભક્ત જો સાવધાન હોય, અને હંમેશાં પોતાના મનની ઉત્કૃષ્ટ અવસ્થામાં જ રહી શકતો હોય તો આ બધાં વમળો ખાલી વમળોના રૂપમાં જ રહેવાનાં. મનમાં કશી જ અસર ન કરી શકે તેવી આ ઘટનાઓ તો ધીરે ધીરે શમી જશે, આવી ઘટનાઓ એનું પરિવર્તન નહિ કરી શકે. એના માર્ગમાં વિઘ્ન ઉત્પન્ન નહિ કરી શકે, એ કશું ગુમાવશે નહિ, ભગવાનના વિચારને એ ગુમાવી નહિ શકે.
એવું કહેવામાં આવે છે કે ‘જ્યારે આપણે દુર્જનની સાથે રહેતા-મળતા હોઈએ ત્યારે આપણે સાવધ રહેવું જોઈએ. કારણ કે આવો કુસંગ આપણાં નાનકડાં વૃત્તિવમળોને મોટા સાગર જેવડા બનાવી મૂકે છે.’ આ વૃત્તિવમળો જે કામ, ક્રોધ, મોહ વગેરે સાવ નાનકડાં, તુચ્છ વમળરૂપે મનમાં હોય છે, તે એટલા બધા વધીને મોટાં થઈ જાય છે કે એને કાબૂમાં લેવાનું આપણી શક્તિની બહારનું થઈ જાય છે. એટલા માટે મનુષ્યે અત્યંત સાવધાન રહેવું જોઈએ અને દરેક રીતે દુર્જનોની સોબતનો ત્યાગ કરી દેવો જોઈએ અને આ બાબતમાં એવો વિચાર ક્યારેય પણ ન કરવો જોઈએ કે એવો કુસંગ આપણને કશી અસર નહિ ઉપજાવી શકે કારણ કે આપણે તો પૂરા મજબૂત – પૂર્ણ શક્તિશાળી છીએ! આવી જાતની ગર્વિષ્ટ માન્યતા તો હંમેશાં વિનાશ નોતરનારી જ હોય છે.
कस्तरति कस्तरति मायाम्?
यः संगं त्यजति, यो महानुभावं सेवते,
निर्ममो भवति ॥ ४६ ॥
(कः तरति, કોણ પાર પામે છે; मायाम्, મોહરૂપી સાગરને; यः, જે; संगं त्यजति, દુર્જનોની સોબતને છોડી દે છે; यः, જે; महानुभावम्, મહાપુરુષને-સંતને; सेवते, સેવે છે; निर्ममः, અહંકાર વગરનો; भवति, થાય છે.)
૪૬. માયાના – મોહના – સાગરને કોણ પાર કરી જાય છે? તે જ કે જે દુષ્ટ મનુષ્યોની સોબતને છોડી દે છે, જે મહાન આધ્યાત્મિક પુરુષોને સેવે છે અને જે અહંકારની ભાવનાને ત્યજી દે છે.
यो विविक्तस्थानं सेवते, यो लोकबन्धमुन्मूलयति।
(यो) निस्त्रैगुण्यो भवति (यो) योगक्षेमं त्यजति ॥ ४७ ॥
(यः, જે (મનુષ્ય); विविक्तस्थानम्, એકાંત સ્થળે; सेवते, રહે છે; यः, જે (મનુષ્ય); लोकबन्धनम्, સંસારના બંધનને; उन्मूलयति, સમૂળાં કાપી નાખે છે; થ, જે (મનુષ્ય); निस्त्रैगुण्यः, ત્રણેય ગુણોથી વિમુક્ત; भवति, થાય છે; यः, જે (મનુષ્ય); योगक्षेमम्, જગતની વસ્તુઓની પ્રાપ્તિ અને એની જાળવણીને; त्यजति, છોડી દે છે.)
૪૭. જે મનુષ્ય એકાંત સ્થળમાં નિવાસ કરે છે, જે સંસારનાં બંધનોને મૂળ સહિત ઉખાડી નાખે છે, જે સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણેય ગુણોની પેલી પાર જાય છે – ઓળંગી જાય છે અને જે મનુષ્ય સંસારમાંથી કોઈ પદાર્થને મેળવવાની કામનાને અને એવા પદાર્થોની જાળવણીના વિચારને છોડી દે છે, તેવો મનુષ્ય આ માયામોહરૂપી સાગરને તરી જવામાં સફળ થાય છે.
यः कर्मफलं त्यजति, कर्माणि संन्यस्यति,
ततो निर्द्वन्द्वो भवति ॥ ४८ ॥
(यः, જે (મનુષ્ય); कर्मफलम्, કર્મોનાં ફળોને; त्यजति, છોડી દે છે; कर्माणि, બધાં જ કર્મોને; संन्यस्यति, છોડી દે છે; ततः, ત્યાર પછી; निर्द्वन्द्वः, દ્વૈતમાંથી મુક્ત; भवति, થાય છે.)
૪૮. જે મનુષ્ય બધાં જ કર્મફળોનો ત્યાગ કરે છે અને બધાં પ્રકારનાં કર્મોને પણ છોડી દે છે ત્યારે તે દ્વૈતભાવમાંથી મુક્ત થઈ જાય છે.
यो वेदानपि संन्यस्यति, केवलमविच्छिन्नमनुरागं लभते ॥ ४९ ॥
(यः, જે (મનુષ્ય); वेदान् अपि, વૈદિક કર્મોને પણ; संन्यस्यति, છોડી દે છે; केवलम्, ફક્ત; अविच्छिन्नं સાતત્યયુક્ત-ધારાવાહી; अनुरागम्, પ્રેમ; लभते, પ્રાપ્ત કરે છે.)
૪૯. જે મનુષ્ય વેદવિહિત કર્મોનો પણ ત્યાગ કરી દે છે ફક્ત આવો મનુષ્ય જ સતત-ધારાવાહી પ્રેમને પ્રાપ્ત કરે છે.
(ક્રમશ:)
Your Content Goes Here




