(ગતાંકથી ચાલું)

सा तु कर्मज्ञानयोगेभ्योऽप्यधिकतरा ॥२५ ॥

(सा, તે (ભક્તિ); तु, છે; कर्म-ज्ञान-योगेभ्यय् अपि, કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને યોગમાર્ગ કરતાં પણ; अधिकतरा, વધારે ઊંધી છે.)

૨૫. તે ભક્તિ કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને યોગમાર્ગ કરતાં પણ વધારે ઊંચી છે.

फलरूपत्वात् ॥२६॥

(फल, પરિણામ; उद्देश; रुपत्वात्, સ્વભાવવાળી-સ્વરૂપવાળી હોવાથી.)

૨૬. કારણ કે તે (ભક્તિ) પોતે જ ફળસ્વરૂપ-ઉપદેશરૂપ છે. 

અત્યાર સુધી આપણે ત્રણ મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા કરી ગયા. પહેલો મુદ્દો ઉચ્ચતમ ભક્તિની વ્યાખ્યા આપવાનો હતો. પહેલાં છ સૂત્રો પરમોચ્ચ ભક્તિનો અર્થ સમજવા માટેનાં હતાં. ત્યાર પછીનાં આઠ સૂત્રો ભક્તિ માટે સર્વસ્વતા ત્યાગ-સમર્પણ-સંબંધનાં હતાં. અને ત્યાર પછીનાં દસ સૂત્રો પરમોચ્ચ ભક્તિની જુદી જુદી સમજૂતીઓ અને એના ઉદાહરણ સંબંધે હતાં. આવી રીતે ભક્તિની પરિભાષા અને એનાં ખાસ લક્ષણો સાથે સંબંધ ધરાવતાં ચોવીસ સૂત્રોની ચર્ચા કરી ગયા. હવે આપણે ચોથો મુદ્દો હાથમાં લઈશું. એ મુદ્દો આપણી જાણકારીના અન્ય માર્ગો સાથે ભક્તિની સરખામણી કરવાનો છે.

ભક્તિ એ જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ અને યોગમાર્ગ (માનસિક વ્યાયામ વગેરે) કરતાં ચડિયાતી છે. એમ શા માટે છે? – એ વાત ટૂંકમાં પચ્ચીસમા સૂત્રમાં કહેવામાં આવી છે. ભક્તિ એ કંઈ કેવળ ‘માર્ગ’ નથી. એ એનો ઉદ્દેશ – એનું ફળ પણ છે. ભક્તિને સાધન તેમજ સાધ્ય – એ બંને રૂપે ગણવામાં આવી છે. જ્યારે આપણે શરૂઆતના સાધક તરીકે ભક્તિની સાધના કરીએ, ત્યારે એ એક ‘માર્ગ’ રૂપે હોય છે. અને આપણે એ ‘માર્ગ’ દ્વારા જે ઉદ્દેશે પહોંચીએ છીએ – જે લક્ષ્ય સિદ્ધ કરીએ છીએ – તે પણ ‘ભક્તિ’ જ હોય છે. શ્રીરામકૃષ્ણ સાધનભક્તિને ‘વૈધી ભક્તિ’ અને સાધ્યરૂપ ભક્તિને ‘રાગભક્તિ’ કહે છે. એટલે કે શાસ્ત્રે બતાવેલ વિધિ પ્રમાણે અથવા ભક્તિમાર્ગના અનુયાયીઓ દ્વારા અપાયેલી સલાહ પ્રમાણે પણ ભક્તિ થાય છે (સાધનરૂપ ભક્તિ થાય છે) અને એ દ્વારા સિદ્ધ થતો ઉદ્દેશ પરમ પ્રેમ સ્વરૂપ જે હોય છે તે પણ ભક્તિ જ હોય છે (પ્રેમાભક્તિ હોય છે.) શરૂઆતમાં એ એક કર્તવ્ય હોય છે પણ અંતે એ પરમના સાક્ષાત્કારરૂપ બની જાય છે. આ રીતે ભક્તિ એક ‘માર્ગ’ પણ છે અને ‘લક્ષ્ય’ પણ છે – એ બંને છે, શું ભક્તિ કોઈ કર્મનું ફળ છે ખરી કે? ખાસ રીતે એ કહેવામાં આવ્યું છે કે એ ભક્તિ કોઈ કર્મનું ફળ કે એનું પરિણામ નથી જ. પણ ‘ફળના જેવી’ છે આમ કહેવાનું કારણ એ છે કે ભક્તિ ‘ઉત્પાદ્ય’ – કોઈકથી ઉત્પન્ન કરી શકાય તેવી નથી. પણ એ કંઈક એવું તત્ત્વ છે કે જે આપણા અસ્તિત્વનો જ અર્ક છે – સારતત્ત્વ છે. જે વસ્તુ કોઈક સાધનથી પ્રાપ્ત કરવામાં આવે છે તે કોઈક ને કોઈક સમયે અવશ્ય નાશ પામે છે. જે કંઈ શાશ્વત નથી હોતું તે ફરી વખત ખોવાઈ જાય છે. નાશ પામી જાય છે. એ તો સામાન્ય નિયમ જ છે. જે કંઈ ‘ઉત્પાદ્ય’ છે તે ‘વિનાશ્ય’ પણ છે જ. જે જન્મ લેનાર છે, એનું મરણ થાય જ છે. ભક્તિ તો આવી નથી. એટલા માટે ‘ભક્તિ’ એ આપણાં કર્મોનું ફળ છે’ – એમ કહ્યું નથી. પણ ‘ફળ જેવી છે’ – એમ કહેવામાં આવ્યું છે. લક્ષ્યપ્રાપ્તિ માટે આપણે જે કરીએ છીએ, એના પરિણામ ‘જેવી’ છે. ભક્તિમાર્ગના આચાર્યો કહે છે કે ભક્તિ સ્વયં લક્ષ્યસ્વરૂપ છે. સદા સર્વદા પ્રાપ્ત છે એટલા માટે તે ‘પ્રાપ્તવ્ય’ પણ નથી – મેળવવા યોગ્ય પણ નથી. એ તો હંમેશાં હાજરાહજૂર જ છે. આ ભગવત્પ્રેમ -ભક્તિ તો આપણામાં નિહિત જ છે. એ તો શાશ્વત-નિત્ય-જ છે. આપણે જે કરવાનું છે તે એને અભિવ્યક્ત કરવા માટેની સાધના છે. એ માટેનો પ્રયત્ન જ છે.

જેવી રીતે ભગવાન શાશ્વત છે, તેવી રીતે ભગવત્પ્રેમ પણ શાશ્વત છે. ફક્ત આપણને એનું ભાન નથી, આપણે એને ઓળખ્યો નથી એટલું જ! એટલે વિશુદ્ધ મન દ્વારા આપણી વિવિધ ધાર્મિક સાધનાઓથી એ પ્રેમ જણે કે મેળવાય – ઓળખાય છે. આપણામાં રહેલ ભગવત્પ્રેમને ઢાંકી દેતી અશુદ્ધિઓ અને અપૂર્ણતાઓને આપણે દૂર કરીએ છીએ અને આમ ભીતરની ભક્તિને પ્રકાશિત કરીએ છીએ. જો આ ભગવત્પ્રેમ-ભક્તિ-આપણી આધ્યાત્મિક સાધનાઓથી ઉત્પન્ન થાય. એવી હોત – જન્મનારી હોત – તો તો કોઈક સમયે અદૃશ્ય થઈ જાત. એને માટે આ અનિવાર્ય નિયમ બની જાત. એટલા માટે આપણે આ ભગવત્પ્રેમને કોઈ ખાસ સમયે ‘પ્રાપ્ય’ – મેળવવા યોગ્ય – માનતા નથી. આપણામાં હંમેશાં તે હોય છે. પણ ફક્ત બીજી વસ્તુઓ આપણને પહેલેથી એવી તો રોકી રાખે છે કે આપણે આપણામાં જ રહેલા એ ભગવત્પ્રેમથી વાકેફ નથી – સભાન નથી. એટલા માટે એમ કહેવામાં આવ્યું છે કે ‘એ ફળ જેવો છે – કર્મ પરિણામ જેવો છે’ પણ એ પોતે કંઈ ‘ફળ’ કે ‘પરિણામ’ નથી સૂત્રમાં ‘फलवत्व’ શબ્દનો આ સૂચિતાર્થ છે. (= ફળ જેવા સ્વરૂપવાળી)

હવે કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને યોગમાર્ગ – આ બધા માર્ગો કંઈક પરિણામ – ફળ ઉત્પન્ન કરે છે. આ ફળો-પરિણામો અહીં અલબત, ભક્તના દૃષ્ટિકોણથી જોવામાં આવ્યાં છે. નહિતર આપણને એવું જોવા મળે છે કે જ્ઞાનમાર્ગ પણ એવો જ દાવો કરે છે જે જ્ઞાન આપણે મેળવવા ઇચ્છીએ છીએ એ આપણને જ્ઞાનમાર્ગના અનુસરણથી ફળરૂપે પ્રાપ્ત થાય છે. વિવિધ પ્રકારની સાધનાઓથી આપણે આપણા સાચા સત્ત્વને અભિવ્યક્ત કરવા મથીએ છીએ. અને જ્યારે એ સત્ત્વ ઉદ્‌ઘાટિત-અભિવ્યક્ત થઈ જાય છે, ત્યારે આપણે આપણા સાચા આત્માને પિછાણી લઈએ છીએ. હવે એ જ્ઞાન પણ કશાનું પરિણામ કે કશાનું ફળ નથી જ કે જે અમુક સમયે ઉત્પન્ન થાય છે આપણી સાધના દ્વારા આપણે જે જ્ઞાનને મેળવીએ છીએ એ તો આપણી ભીતર છુપાયેલું પડ્યું જ છે. ફક્ત જે અવરોધો એ જ્ઞાનને ઢાંકી રહ્યા હતા, તેને જ દૂર કરીએ છીએ પછી એ જ્ઞાન આપણી સમક્ષ ઉદ્‌ઘાટિત થઈ રહે છે. આ રીતે જ્ઞાનને પણ એક ‘માર્ગ’ રૂપે અને ‘ફળ’ રૂપે – એમ બંને રીતે (ભક્તિ પેઠે જ) માનવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો સાચું જ્ઞાન કોઈ વસ્તુનું પરિણામ કે ફળ નથી. પણ એ આપણા સાચા સ્વરૂપની અભિવ્યક્તિ જ માત્ર છે. આ આત્મજ્ઞાન શાશ્વત છે, એ આપણે જાણીએ છીએ. અને એટલા માટે આપણી એ જાણકારીની સ્થિતિ કોઈપણ ક્ષણે અદૃશ્ય થઈ જાય એવી નથી. આ જ્ઞાન પોતે જ અંતિમ સત્ય છે. એ કોઈ અન્ય વસ્તુનું જ્ઞાન નથી. પણ પોતાનું જ – પોતે જ જ્ઞાન છે. શ્રીરામકૃષ્ણ કહે છે કે ભક્તિ દ્વારા જ્ઞાનમાર્ગના લક્ષ્યને મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે.

જો જ્ઞાનમાર્ગથી એનો ભેદ ગણીએ તો કર્મમાર્ગ કરતાં એ ભક્તિ વધારે ઊંચી છે. કર્મો કે કાર્યો એક માર્ગ તરીકે આપણને પરિણામ-ફળ તરફ દોરી જાય છે. એ પરિણામ બધી જ અપૂર્ણતામાંથી મુક્તિ હશે. કર્મ પોતે તો કંઈ અપૂર્ણતા કે પૂર્ણતા નથી. કર્મ એ કંઈક એવું છે કે જેનો આપણે આશ્રય લઈએ છીએ. નિષ્કામભાવથી કર્મો કરવાના મહાવરાથી આપણને ચરમ લક્ષ્યનો સાક્ષાત્કાર થાય છે. અને એ છે બધી અશુદ્ધિઓ – મલો-માંથી છૂટકારો – મુક્તિ પામીને ઉચ્ચતમ પદે પહોંચવું. આ ઉચ્ચતમ પદ એ જ છે કે જે જ્ઞાનમાર્ગનું છે. એટલે કે આપણે આપણાં બંધનોને દૂર કરીએ છીએ, એ પરિણામ છે. અને કર્મ એનું, કારણ – ઉપકરણ છે કે જે સાધન વડે પરિણામ મેળવી શકાય છે. પણ અહીં ‘ભક્તિ’નો આવો અર્થ અભિપ્રેત નથી. ‘ભક્તિ’ તો ‘માર્ગ’ અને ‘લક્ષ્ય-ફૂલ’ – બંને છે. શ્રીરામકૃષ્ણે ઘણી વખત સૂચવ્યું છે કે ભક્તિમાર્ગ, કર્મમાર્ગ કરતાં ઉચ્ચતર છે. કળિયુગમાં નારદે વર્ણવેલો ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે કર્મમાર્ગ ઘણો કઠિન છે. (ગોસ્પેલ, પૃ. ૫૮૪).

હવે યોગમાર્ગની વાત કરીએ : એ ઈંદ્રિયો ઉપરના સંયમનો અને મનની એકાગ્રતાનો મહાવરો કરવાનો માર્ગ છે. અહીં પણ યોગની ક્રિયાઓ પોતે કંઈ પરિણામ કે ફળ નથી. ભક્તિની સરખામણીએ યોગનો માર્ગ અવશ્ય જ નીચી કક્ષાઓ છે કારણ કે એ અમુક હદ સુધી જ ઊંચે જઈ શકે છે એ સીમિત ઊંચાઈએ આપણે પહોંચી જઈએ, તે પછી એ કશું કામ કરી શકતો નથી. અમુક અપેક્ષિત પરિણામ લાવી દીધા પછી એ આગળ માટે નાકામિયાબ નીવડે છે. યોગ એક ‘માર્ગ’ જ છે, એથી વધુ કશું નથી. એટલા માટે ભક્તિ અવશ્ય જ એથી ઉચ્ચતર કોટિની છે. કારણ કે એ શરૂઆતથી તે અંત સુધીનો પૂરેપૂરો માર્ગ પોતામાં સમાવિષ્ટ કરે છે એટલે એને કર્મથી ઉચ્ચતર કહી છે; યોગથી અને જ્ઞાનથી પણ ઉચ્ચતર કહી છે. દુર્ભાગ્યે, ભક્તની દૃષ્ટિએ જ્ઞાનનો અર્થ ‘જ્ઞાનમાર્ગનું અનુસરણ’- એટલો જ કરવામાં આવે છે અને ‘એનું ફળ પણ જ્ઞાન જ છે’ – એ અર્થ કરવામાં આવતો નથી. આપણે ‘માર્ગાનુસરણ’ અને ‘ફળ-અંતિમ લક્ષ્ય સાધ્ય’ વચ્ચે ભેદ પાડીએ છીએ. હવે જ્ઞાનમાર્ગનું અનુસરણ કરનાર તો આ મંજૂર કરતો નથી. આપણે અહીં આ મુદ્દો ચર્ચવા માગતા નથી અને એ ભેદને મહત્ત્વ આપવા પણ માગતા નથી. પરંતુ ભક્ત જ્ઞાનમાર્ગને કઈ દૃષ્ટિથી જુએ છે એ વાત જોઈએ : ભક્તના અભિપ્રાય મુજબ જ્ઞાનમાર્ગને નિત્યાનિત્ય વિવેકનું અવલંબન લેવું પડે છે. અને તે જ વિવેક તેને એક સીમમાં બાંધી દે છે. સત્‌ અને અસત્‌ વચ્ચેનો વિવેક (ભેદ) એક પ્રયત્ન છે. આ પ્રયત્નના સાધનથી સાધક સત્‌તત્ત્વ સુધી પહોંચે છે અને અસત્‌નો નિરાદર કરે છે. એ મુક્તિ (મોલ)ની સ્થિતિ છે. હવે એ તો નિશ્ચિત જ છે કે આ વિવેક-ભેદ કરવાના સમય કરતાં એ વિવેકના પરિણામનો એટલે કે કૂલપ્રાપ્તિનો સમય અલગ જ હોવાનો. આ દૃષ્ટિકોણ રાખીને ભક્ત કહે છે કે જ્ઞાનમાર્ગ ભક્તિ કરતાં નિમ્નકક્ષાનો જ છે. કારણ કે ભક્તિમાર્ગ તો શરૂઆતથી જ લક્ષ્ય-ધ્યેય તરફ આપણને દોરી રહ્યો હોય છે. ‘ભક્તિ’ એ શબ્દે પોતાનામાં માર્ગ અને ધ્યેય એ બંનેનો સમાવેશ કર્યો છે. ભલે કદાચ એવું બને કે શરૂઆતમાં ભક્તિ એટલી વિકાસોન્મુખ, નિ:સ્વાર્થી અને વિશુદ્ધ ન હોય, છતાં જેમ જેમ આપણે આગળ વધતા જઈએ તેમ તેમ ધીરે ધીરે અપૂર્ણતાઓ જતી રહેશે, તીવ્રતા વધશે અને તેની ગુણવત્તા અને પ્રમાણ વધશે; ત્યાર પછી છેલ્લે જ્યારે આગળ પ્રગતિ કરવાનું બાકી નહિ રહે, ત્યારે આપણે ઉદ્દેશે-ધ્યેયે પહોંચી ચૂક્યા છીએ, આ ઉદ્દિષ્ટ ભક્તિ શરૂઆતથી માંડીને અંત સુધી ઉપસ્થિત હોય જ છે.

શ્રીરામકૃષ્ણ આ બાબતને એક જુદી રીતે જ વર્ણવે છે; તેઓ કહે છે કે જ્ઞાનમાર્ગ કેટલીક પરિસ્થિતિઓનો નિષેધ કરે છે, જ્યારે ભક્ત કશાયને નકારતો નથી. જ્ઞાનીને માટે આ જગત ભ્રમની માયાજાળ છે પણ ભક્ત જગતનો નિષેધ કરતો નથી. (ગોસ્પેલ, પૃ. ૪૭૮)

જગતની નિષેધ કરવો ન જોઈએ પણ ફક્ત એને પરમતત્ત્વની લીલા કે અભિવ્યક્તિના રૂપમાં જોવું – સમજવું જોઈએ. આ દૃષ્ટિકોણની જ્ઞાનીના દૃષ્ટિકોણ સાથે સરખામણી કરીએ. જ્ઞાનમાર્ગના અનુયાયીના અભિપ્રાય પ્રમાણે જગતની પેલી પારના – વિશ્વાતીત – તત્ત્વને પામવા માટે જગતનો નિષેધ કરવો જોઈએ. જ્યારે ભક્તિના મત પ્રમાણે એ નિષેધ ફક્ત જગતમાંની પારમાર્થિકતાનો જ છે. આ માટે ભક્ત ફળનું ઉદાહરણ આપે છે. ફળમાં ગર હોય છે, અને છાલ પણ હોય છે – બધું હોય છે. હવે આ બંનેમાંથી તમે કોઈનો નિષેધ કરો તો પછી ખરેખર ફળ છે 

શું? જો તમે કહો કે એ છાલ નથી, એ બીજ નથી પણ કેવળ ગર જ છે, તો તમે એવી વસ્તુઓનો જ નિષેધ કરો છો કે જે ફળનાં ઘટકો જ છે. એટલા માટે જ નિષેધનો અર્થ તો એવો થાય કે ફળ એનાં કેટલાંક ઘટકોનો જ ત્યાગ- નિષેધ કરી દે છે! આવો મત વિશિષ્ટાદ્વૈતનો છે. શ્રીરામકૃષ્ણ એ વાતને આ પ્રમાણે કહે છે. જો તમે ફળનું વજન કેટલું છે, એ જાણવા ઇચ્છતા હો, તો તમારે ફળની છાલ, એનું બીજ અને એનો ગર – એ બધી જ વસ્તુઓ લક્ષમાં લેવી જોઈએ. પણ જ્ઞાની સત્‌-અસત્‌નો વિવેક કરતી વખતે છાલ-ઠળિયા જેવી નકામી વસ્તુઓને નકારે છે – નિષેધ કરે છે. અને કહે છે કે ફળનો ગર જ મુખ્ય વસ્તુ છે. આ રીતે જ્ઞાનીનો નિષેધ ધીરે ધીરે પારમાર્થિક સત્ય તરફ દોરી જાય છે. ભક્ત કહે છે : ‘આ કંઈ બરાબર વાત નથી. હું તો બધી જ વસ્તુઓને ભગવાનની લીલાસ્વરૂપે જ જોઉં છું. – આ બધો ભગવાનનો જ ખેલ છે. એટલા માટે બધું જ લક્ષમાં લેવું જોઈએ. મારો ભગવાન તો બધાનો સરવાળો છે; આ બધું જ મારો પ્રભુ છે. અને મારો માર્ગ મને એવા પ્રભુ પાસે લઈ જશે કે જેણે પોતામાંથી આ જગતને જન્માવ્યું છે.

આવી વિચારણા અને જ્ઞાનીની વિચારણા વચ્ચે શો તફાવત છે વારુ? જ્ઞાનમાર્ગનું અનુસરણ કરનારો જ્ઞાની સત્‌-અસત્‌નો વિવેક કરે છે – બંનેને નોખાં પાડે છે અને શરૂઆતમાં જગતનો નિષેધ કરે છે. છેવટે જ્યારે એણે પરમતત્ત્વનો સાક્ષાત્કાર કરી લીધો હોય, ત્યારે પછી તે શું કહે છે? તે કહે છે કે પરમોચ્ચ તત્ત્વ જ બાકી રહે છે અને આ બીજાં લક્ષણો અસ્તિત્વ ધરાવતાં નથી. એથી એ બધાં અનિત્ય છે. અને અનિત્યનો નિષેધ – ત્યાગ – કરવો જોઈએ. અને છેવટે કેવળ સત્‌ વસ્તુ જ નિશ્ચિત રહેવી જોઈએ.

ભક્ત કહે છે કે કશાનો પણ નિષેધ ન કરવો જોઈએ. કારણ કે એ આ રીતે વિચારે છે : ‘જે આ દેખાતી દુનિયા છે, તે પણ મારા પ્રભુ જ છે. બધે જ ઠેકાણે કેવળ મારા ભગવાન જ છે. એ જ મારા અસ્તિત્વને ભરી દે છે. એ જ આખી દુનિયાને ભરી દે છે. ભગવાન સિવાય કશાની ય હયાતી નથી.’ ભક્તની આ સ્થિતિ છે. જ્ઞાનીની દૃષ્ટિએ આ જગત પારમાર્થિક દૃષ્ટિએ બ્રહ્મ જ છે – પરમ સત્‌ તત્ત્વ જ છે. દૃશ્યમાન પદાર્થો તો ભાતભાતના છે. પણ પારમાર્થિક રીતે તો કેવળ એક બ્રહ્મ જ છે. જ્ઞાનીની આવી અભિવ્યક્તિ અને ભક્તની અભિવ્યક્તિ આમ દેખીતી રીતે તે એકસરખી લાગે છે. પણ ખરી રીતે એ બંનેમાં ઘણો તફાવત છે. ભક્ત કહે છે કે ‘આ બધું જ ભગવાન છે.’ અને જ્ઞાનમાર્ગી કહે છે કે ‘આ બધું કશું નથી પણ ઈશ્વર જ છે.’ એટલે કે આ બધું કશું ‘હયાતી જ ધરાવતું નથી.’ પણ ફક્ત ઈશ્વર જ ‘હયાતી ધરાવે છે’ ‘આ બધું ઈશ્વર જ છે’ આ વિધાનને ઘણી વખત ખોટી રીતે સમજવામાં કે સમજાવવામાં આવ્યું છે. જેમકે સ્વામી વિવેકાનંદે કહ્યું છે. જ્યારે તેઓ પોતાનાં એક પ્રશંસક મેરી હેલ સાથે પત્રવ્યવહાર કરી રહ્યા હતા, ત્યારે મેરી હેલે એક વખત સ્વામીજીને લખ્યું : ‘તમારું વેદાંત તો આટલું જ છે ને કે બધું જ પરમાત્મા છે!’ સ્વામીજીએ જવાબ આપ્યો : ‘તમે વેદાંતને જરાપણ સમજ્યાં નથી. વેદાંત પ્રમાણે તો પરમાત્મા જ છે અને બીજું કશું જ નથી. પરમાત્મા જ છે અને પરમાત્મા સિવાય કશું અસ્તિત્વ જ ધરાવતું નથી. વેદાંતની આ સ્થિતિ છે. આવી બધી અભિવ્યક્તિઓ ઓછેવત્તે અંશે એકસરખી જ છે. આ સમજાવવા માટે આ ઉદાહરણ એમને હાથવગું છે કે આપણે એક સાપ જોઈએ છીએ પછી આપણો દીવો લાવીએ છીએ કારણ કે એ જોતી વખતે લગભગ અંધારું હતું; દીવાના પ્રકાશથી આપણને ખબર પડે છે કે એ તો ખાલી દોરડું જ છે! ત્યારે આપણે એમ બોલી ઊઠીએ છીએ કે જે વસ્તુને આપણે સાપ માની બેઠા હતા તે તો ખરેખર દોરડું જ છે! આનો અર્થ એ થયો કે કેવળ દોરડાનું જ અસ્તિત્વ છે; અને સાપનું અસ્તિત્વ જ નથી. આવી જ રીતે જ્યારે આપણે કહીએ છીએ કે ‘જગત પરમાત્મા છે’, ત્યારે એનો અર્થ એ થાય કે પરમાત્મા છે અને જગતનું અસ્તિત્વ નથી. જ્ઞાનીની વિચારવાની રીત આવી છે. જ્યારે ભક્ત એમ કહે છે કે ‘બધું જ ભગવાન છે.’ એનો અર્થ એવો થાય કે ભગવાન જ બધાં રૂપોમાં દેખાય છે. ભગવાન સિવાયનું બીજું કંઈ અસ્તિત્વ નથી. અર્થાત્‌ બધાંને અસ્તિત્વ છે જ અને એ અસ્તિત્વ ભગવાનના અસ્તિત્વથી અલગ પાડી શકાય તેવું નથી.

અભિવ્યક્તિનો આ પાયાનો ભેદ છે. આ અલગ અલગ અભિવ્યક્તિઓને અથવા તો સમાન અભિવ્યક્તિનો ભક્ત માટે અને જ્ઞાનમાર્ગ માટે તદ્દન જુદો જ અર્થ નિષ્પન્ન થાય છે એ વાત યાદ રાખવી જોઈએ.

ભક્ત માટે એની ભક્તિ એની શરૂઆતથી માંડીને ઠેઠ અંતિમ ટોચ – ચરમ સીમા – સુધી એ જ સરખી – સમાન સ્વરૂપવાળી – હોય છે. એટલા જ માટે ભક્તિને અન્ય માર્ગો કરતાં ચડિયાતી ગણવામાં આવી છે. શ્રીરામકૃષ્ણે આપેલ સમજૂતી પ્રમાણે જ્ઞાનના માર્ગમાં કંઈક છોડવું પડે છે. જ્યારે ભક્તિના માર્ગમાં બધાનો જ સ્વીકાર કરવાનું હોય છે. માણસ પાસે જે કંઈ બધું હોઈ શકે છે. એનું રૂપાન્તરણ કરવાનું હોય છે. આ એક આશ્ચર્યજનક સમર્પણ છે. શરૂઆતમાં આ જગત ભગવાનથી જુદું – છૂટું પડેલું દેખાય ખરું, પણ છેવટે તો ભક્તને એવી અનુભૂતિ થાય જ છે કે બધી જ ખરેખર શાશ્વતરૂપે ભગવાન સાથે સંબંદ્ધ જ છે.

આમ આપણે જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મમાર્ગ – એમ ત્રણ માર્ગો બતાવ્યા. હવે અહીં યોગમાર્ગનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. યોગ એક એવો માર્ગ છે કે જે માર્ગની સહાયથી આપણે આપણા સ્વભાવને કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણે ઈંદ્રિયોને સંયમમાં રાખવાનો પ્રયત્ન કરીએ છીએ. આ આત્મસંયમના માર્ગને આપણે યોગ કહીએ છીએ. મનની વિશુદ્ધિ મેળવવા માટેનું આ યોગ એકક સાધન બને છે. અને એટલા માટે આ યોગ પેલા ત્રણેય યોગો -માર્ગો – માટે જરૂરી છે. એટલા માટે આપણને એવું જોવા મળે છે કે કેટલીક જગ્યાએ યોગમાર્ગને કોઈ એક અલગ માર્ગ તરીકે દર્શાવવામાં આવ્યો નથી. એ તો અન્ય માર્ગોને અનુસરવામાં મદદગાર છે – એક સહાયક – ગૌણ – તત્ત્વ છે.

ગીતામાં જે ‘યોગ’ શબ્દ વાપરવામાં આવ્યો છે તેનો અર્થ તો જો કે ‘કર્મ’ જ થાય છે. પણ જનસાધારણમાં ‘યોગ’ શબ્દનો અર્થ ‘આત્મસંયમની પ્રક્રિયા’ એનો થાય છે. શારીરિક સંયમ, માનસિક સંયમ, શ્વાસ-ઉચ્છ્‌વાસ ઉપર સંયમ, ઈંદ્રિયો ઉપર સંયમ – વગેરે… આ પ્રકારનો સંયમ તો બધા જ યોગો – માર્ગો માટે જરૂરી જ છે. ગીતા જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મયોગને દર્શાવે છે કર્મમાર્ગ એટલે નિષ્કામ કર્માચરણ- ગીતામાં યોગમાર્ગનો અલગ માર્ગ તરીકે ઉલ્લેખ કર્યો નથી. ઈંદ્રિયો ઉપરનું નિયંત્રણ કે પ્રાણાયામ – એ કોઈ અલગ માર્ગ તરીકે લેખાયો નથી ગીતામાં તો એમ જ કહ્યું છે કે આવું, સંયમ-નિયંત્રણ એ જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ અને કર્મમાર્ગનું એક સહાયક તત્ત્વ માત્ર જ છે અને ગીતામાં જે ‘યોગ’ શબ્દ વપરાયો છે, તે તો કેવળ ‘કર્મયોગ’ના કે કેવળ ‘કર્મમાર્ગ’ના અર્થમાં જ વપરાયો છે. આ કર્મયોગ એટલે નિષ્કામ કર્માચરણ. ગીતામાં ‘યોગ’ શબ્દનો કોઈ બીજો અર્થ છે જ નહિ કે જેથી એ જનસાધારણની માન્યતાવાળો ‘યોગ’ બની શકે. દરેક માણસ કહે છે કે ‘તે સ્ત્રી કે પુરુષ યોગી છે જો કોઈક માણસ કેટલાંક શારીરિક આસનાદિ વ્યાયામ કરતો હોય, શરીરના કેટલાક અવનવા કસરતી પ્રયોગ કરતો હોય, તો જનસાધારણ એને યોગી કહી દે છે. આવો યોગ તો પેલા યોગથી સાવ નોખો નિરાળો જ છે. શારીરિક રીતે માણસને વધુ બંધબેસતો કરી શકે એવા અર્થમાં એને યોગનું નામ આપ્યું હશે. એવી જ રીતે કોઈ માણસ માનસિક વ્યાયામ કરીને મનને પણ વધુ સુમેળભર્યું બનાવી શકે ખરો. પરંતુ કોઈપણ રીતે એ આધ્યાત્મિક માર્ગ તો છે જ નહિ! આમ ‘યોગી’ શબ્દ તો ખરેખર અલગ અર્થમાં જ વાપરવો જોઈએ. કર્મમાર્ગ એ નિષ્કામ કર્માચરણ છે – અનાસક્ત કર્માચરણ છે અને ઈશ્વરપ્રીત્યર્થે જ એ આચરણ કરવાનું હોય છે. જ્યારે એવો હેતુ એમાં ભળે છે, ત્યારે એ ભક્તિમાર્ગ બની જાય છે.

(ક્રમશ:)

Total Views: 201

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.