રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદ મહારાજે જાપાનના જિજ્ઞાસુઓ સમક્ષ ‘નારદીય ભક્તિસૂત્ર’ પર અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાન-ગ્રંથનો શ્રી કેશવલાલ. વિ. શાસ્ત્રીનો ગુજરાતી અનુવાદ વાચકો સમક્ષ પ્રસ્તુત છે. – સં.

अथातो भक्तिं व्याख्यास्यामः॥१॥

(अथ – હવે, ભક્તિ માર્ગને સમજવા માટે મનની યોગ્યતા-ક્ષમતા-પ્રાપ્ત કર્યા પછી; अतः – આથી, ઈશ્વર સાક્ષાત્કાર તરફ લઈ જતો સૌથી સહેલો માર્ગ હોવાથી; भक्तिम् – ભક્તિમાર્ગને; व्याख्यास्यामः – (અમે ભક્તિનો અર્થ, અને તે કેવી રીતે પ્રાપ્ત થઈ શકે તે) વર્ણવીએ છીએ.)

હવે એટલા માટે અમે ઈશ્વર પ્રત્યેની ભક્તિનું નિરૂપણ કરીશું. ઋષિ નારદ ‘अथातो भक्तिं व्याख्यास्यामः’ (હવે એટલા માટે અમેભક્તિનું નિરૂપણ કરીએ છીએ). આ સૂત્રથી ગ્રંથની શરૂઆત કરે છે. તેઓ આથી એવા વિશિષ્ટ લોકોને સંબોધે છે કે જેમને આવી સમજણની આવશ્યકતા છે. કોઈ પણ ઉપદેશ કે શિક્ષણ એવા જ લોકોને અપાવો જોઈએ કે લોકો એને ગ્રહણ કરવામાં અને એને પચાવવામાં પૂર્ણ રીતે સમર્થ હોય. ગમે તેવા સર્વ કોઈની આગળ એ અપાય નહિ. કારણ કે એવાની આગળ એ કોઈ ફાયદો કરી શકે નહિ. ઊલટાનું જે લોકો આવા ઉપદેશ માટે ઉદાસીન હોય – વિમુખ હોય – તેઓ તો ઉપદેશ કરનારાઓનો ઉપહાસ કરશે. એટલા માટે જે લોકોને આવો ઉપદેશ કરવાનો છે તેવા સાચા અધિકારીની પસંદગી કરવી આવશ્યક બની રહે છે. ઘણા ખરા સૂત્ર ગ્રંથોની શરૂઆત લગભગ આ જ પ્રકારના સૂત્રથી કરવામાં આવેલી હોય છે.

આ પ્રથમ સૂત્રમાં ચાર મુદ્દાઓનો (અનુબંધ ચતુષ્ટયનો) સંકેત કરવામાં આવેલો છે:

(૧) આ ગ્રંથમાં કયા વિષયવસ્તુનું વિવરણ કરવામાં આવ્યું છે? (વિષય) (૨) આ વિવરણ કે ઉપદેશ કયા લોકો માટે કરવામાં આવેલ છે? (અથવા આ ઉપદેશને ગ્રહણ કરવા માટે કોણ યોગ્યતા ધરાવે છે?) (અધિકારી) (૩) આનો હેતુ શો છે? અથવા આનો અપેક્ષિત ઉદ્દેશ શો છે? આના અધ્યયનથી શો લાભ થાય છે? આ ગ્રંથોક્ત સાધના કરવાથી શો લાભ થાય છે? (પ્રયોજન) (૪) આ ગ્રંથના ઉપદેશ અને એને અનુસરીને સિદ્ધ કરાતા હેતુ વચ્ચે શો સંબંધ છે? (સંબંધ) આ ગ્રંથનું અધ્યયન કરતાં પહેલાં આ ચાર પ્રાથમિક મુદ્દાઓ (અનુબંધો) બરાબર રીતે સમજી લેવા જોઈએ.

સૌ પહેલાં તો ‘વિષય’ શો છે? ગ્રંથનું વિષયવસ્તુ છે ‘ભક્તિ’. હવે પછીના સૂત્રમાં નારદ આ ભક્તિની સમજૂતી આપશે. ત્યાર પછી આ ઉપદેશ કોને માટે (અધિકારી) અભિપ્રેત છે? નારદ આ માર્ગને અનુસરવા ઇચ્છતા લોકો માટે – ઇચ્છુક એવા લોકો માટે – આ ઉપદેશ આપે છે. કેવળ કુતૂહલને શમાવવા ખાતર આવતા લોકો માટે આ ઉપદેશ નથી. અને બૌદ્ધિક કલ્પનાઓમાં રાચતા લોકો માટે પણ આ ઉપદેશ નથી. આ ઉપદેશના અધિકારી તો એવા જ લોકો છે કે જેઓ આ ઉપદેશ પ્રમાણે પોતાનું જીવન ઘડવા માટે – જીવનને આકાર આપવા માટે ઇચ્છતા હોય. કારણ કે અહીં જે કંઈ ઉપદેશ આપવામાં આવ્યો છે તેનું જીવનમાં વિશિષ્ટ મહત્ત્વ છે. આ એક અગત્યનો મુદ્દો છે. ભક્તિમાર્ગ માટે કોણ યોગ્ય છે? જગતમાં એવા લોકો છે કે જેઓ પોતાના જીવનની વર્તમાન સ્થિતિથી સંતુષ્ટ નથી. જેમને એમ લાગ્યા કરે છે કે જીવનમાં કશુંક ખૂટે છે, છતાં જેઓ એ જાણતા નથી કે એ ખામી કે અપૂર્ણતાને કેવી રીતે દૂર કરી શકાય, એટલે કે તેઓ કશુંક ઝંખે તો છે. પણ એને પ્રાપ્ત કરવાનું જાણતા નથી. તો આ પ્રકારના લોકો માટે આ ગ્રંથ ઉપયોગી નીવડશે. તાત્પર્ય એ છે કે જો લોકો પોતાની વર્તમાન સ્થિતિથી સંતોષ અનુભવતા હોય, અને તેમને કશા ઉપદેશની આવશ્યકતા લાગતી ન હોય તો એવા લોકો માટે કોઈ પણ જાતનો ઉપદેશ નિરર્થક જ છે. એટલે એવા લોકોને આમાંથી બાદ કરવાના છે. આનો અર્થ એ છે કે જેઓ આ ઉપદેશને સમજવા માટે પૂરેપૂરા સમર્થ ન હોય તેમને આ ઉપદેશ કશો લાભ પહોંચાડી શકે તેમ નથી. જે લોકોની કશીક માનસિક સજ્જતા હોય અને એવી તૈયારી જેમને આ ઉપદેશને અનુસરવાનું સામર્થ્ય અને લાભ બક્ષતી હોય – ફક્ત એવા લોકો માટે જ આ ચર્ચા-વિચારણા કરવામાં આવે છે.

એટલા માટે અહીં એક ખાસ પ્રકારના માનસિક ગતિવલણની આવશ્યકતા છે. ભક્તિમાર્ગના ઉપદેશના અધિકારી થવા માટે કઈ કઈ શરતો જરૂરી છે? અહીં તો એક જ શરતની જરૂર છે, અને તે છે નિષ્ઠાપૂર્વકની ધગશ, ભક્તિની ઉપલબ્ધિ માટેની ઝંખના, ભક્તિને પ્રાપ્ત કરવાની તમન્ના એ એક માત્ર જ અહીં જરૂરી યોગ્યતા છે. બસ, એને માટે સાચો તલસાટ હોવો જોઈએ. સાધકે ગંભીરપણે વિચારવું જોઈએ કે ભક્તિની પ્રાપ્તિ કેવી રીતે થાય. તો આ પ્રકારના લોકો માટે આ ગ્રંથ જરૂરનો છે.

જો લોકો ઈંદ્રિયસુખોને ભોગવવામાં ડૂબ્યા રહેતા હોય, તો સ્વાભાવિક રીતે જ તેમના હૃદયમાં ભક્તિપ્રાપ્તિની ઇચ્છા જાગશે નહિ. અને વળી એ પણ સ્વાભાવિક જ છે કે તેઓ ઈશ્વર સંબંધી વાતો સાંભળવામાં કશું આકર્ષણ અનુભવશે નહિ. જો કોઈ માણસ ઈશ્વરમાં માનતો જ ન હોય અને કટ્ટર નાસ્તિક હોય તો એવા માણસને આ ઉપદેશ કશી જ સહાય કરી શકશે નહિ. ગીતામાં એવું કહેવામાં આવ્યું છે કે ઉચ્ચતર જીવન માટે કોઈ પ્રકારના કઠોર સંઘર્ષમાંથી જેઓ પસાર નથી થયા, આદર્શની પ્રાપ્તિ માટે કોઈ પ્રકારના કષ્ટમાંથી જેઓ પસાર નથી થયા અથવા તો જેઓને આ માટે જરા સરખો પણ લગાવ ન હોય તેવા લોકો માટે આ ઉપદેશ નથી. (इदं ते नातपस्काय नाभक्ताय कदाचन । न चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यसूयति ॥ ६७ ॥ગીતા, ૧૮.૬૭) તો આ સ્પષ્ટ જ છે કે આ પુસ્તકનું અધ્યયન-પરિશીલન-કરવા માટે સુયોગ્ય અને સમર્થ માણસો જ ફક્ત અધિકારી છે.

હવે એક બીજો મુદ્દો : આ ઉપદેશોને ગ્રહણ કરવાનો અધિકારી મનુષ્ય કંઈ ભારે મોટો વિદ્વાન હોય એ જરૂરી નથી. કોઈ પણ અધિકારી સ્ત્રી કે પુરુષ નિરક્ષર-અભણ-પણ હોઈ શકે. એણે વેદોનો કે બીજાં શાસ્ત્રોનો કે દર્શનશાસ્ત્રનો પરિચય પામવાની કશી જરૂર નથી. ભક્તિયોગના અનુયાયી માટે કોઈ સામાજિક વિશિષ્ટ માનમોભાની પણ જરૂર નથી. આ ભક્તિમાર્ગ તો સૌ કોઈને માટે ખુલ્લો છે; જીવનના ગમે તે સ્તર માટે છે. આવા પ્રકારના કોઈ ભેદભાવો ભક્તિમાર્ગના અનુસરણમાં સાધક પણ બનતા નથી અને એમાં કોઈ બાધા પણ ઉત્પન્ન કરતા નથી. એક વધુ વાત – ભક્તિમાર્ગના અનુસરણમાં ઉમર પણ માપદંડ નથી. કેટલાક લોકો પોતાના પૂર્વજન્મોના સંસ્કારોને કારણે બાળપણથી જ ઈશ્વર પ્રત્યે કોઈક પ્રકારનું આકર્ષણ ધરાવતા અને ખીલવતા હોય છે. પ્રહ્‌લાદ, ખુદ નારદ, શુકદેવ જેવા બીજા અનેક બાળભક્તોનાં તેજસ્વી ઉદાહરણો જોવા મળે છે. આ બાળભક્તો એમના જન્મથી જ ભગવાનના પરમ ભક્તો હતા. યજ્ઞાનુષ્ઠાન વગેરે કરવામાં જે કેટલીક લાયકાતો-પાત્રતાઓની જરૂર પડે છે, તેવી કોઈ પાત્રતાની આ ભક્તિમાર્ગની બાબતમાં આવશ્યકતા નથી. અરે, એણે કોઈ નીતિનિપુણ બનવાનીયે કશી જરૂર નથી. બસ, એ ફક્ત સામાન્ય માણસ હોય એટલું પૂરતું છે. ભલે એનામાં ઈંદ્રિયસુખોની લાલસા પણ હોય! પણ આ લાલસા એવી પ્રબળ ન હોવી જોઈએ કે જે સાધકને એના આધ્યાત્મિક માર્ગના અનુસરણમાંથી હટાવી લે. ભક્તિમાર્ગની પાત્રતાનો આ જ અર્થ છે અને આ જ માપદંડ છે.

ભગવદ્‌ગીતામાં કહેવામાં આવ્યું છે: ‘ભક્તિયોગી કોણ છે? ભક્તિમાર્ગ એવા મનુષ્યને સહાયકારક નીવડે છે કે જે ભગવાનની લીલાઓ તરફ આકર્ષાયો હોય છે.’ ભગવાનની કથાનું શ્રવણ કરીને એનામાં કોઈક રીતે રસ ઉત્પન્ન થાય છે. આવો મનુષ્ય ઈંદ્રિયસુખોને ભોગવવામાં જ રચ્યોપચ્યો રહેતો નથી અને સાથોસાથ એનામાં ત્યાગભાવનાની તીવ્ર શક્તિ પણ હોતી નથી. એ જાણે કે વચગાળાના સ્થાને ઊભો છે. એટલે ફક્ત એક જ વાતની આવશ્યકતા છે અને તે છે ભક્તિમય જીવન જીવવાની ઝંખના! આવા મનુષ્યો માટે આ ભક્તિયોગ સહાયક બની રહે છે.

મેં જ્યારે એમ કહ્યું કે ઈંદ્રિયસુખોમાં રમમાણ મનુષ્યને સ્વાભાવિક રીતે જ ઈશ્વર વિશેની વાતો સાંભળવી ગમશે નહિ, ત્યારે આ વાત એમાં સૂચિત થઈ જ ગઈ હતી. ઈંદ્રિયોના આકર્ષણથી જો મનુષ્ય સંપૂર્ણપણે મુક્ત થઈ જ ગયો હોય અને એટલો વિશુદ્ધ થઈ ગયો હોય, તો તો પછી એ અન્ય જ્ઞાનમાર્ગ કે એવા બીજા કોઈ પણ વધુ કઠિન માર્ગની સાધના માટે પણ પાત્ર બની શકે છે. હા, ભક્તિમાર્ગ માટેની પાત્રતા પણ એમાં ચોક્કસ આવી જ જાય છે. પણ એવો મનુષ્ય કૈં ફક્ત ખાસ ભક્તિયોગ માટે જ ઇરાદો રાખતો હોતો નથી. કારણ કે એવો મનુષ્ય તો અન્ય સાધનામાર્ગો પણ અપનાવી શકે છે. પરંતુ જ્યારે કોઈ મનુષ્ય કોઈક રીતે જગતની તમામ વસ્તુઓ પ્રત્યેની તમામ પ્રકારની આસક્તિનો ત્યાગ કરવાની હદ સુધી પહોંચી ન શકતો હોય અને પરમ સત્‌ તત્ત્વની ઉચ્ચતમ સ્થિતિની શોધ માટે પોતાના મનને પૂરી રીતે રોકી શકતો ન હોય – તો આવા મનુષ્ય માટે આ પ્રકારનો ભક્તિયોગ સહાયક સાબિત થઈ શકે છે.

અહીં એક પ્રશ્ન કરી શકાય કે જો મનુષ્યમાં ઝંખના હોય અને એણે ભક્તિ પ્રાપ્ત પણ કરી લીધી હોય તો પછી વધારે ભક્તિ સંબંધી વિવરણ કરવાની શી આવશ્યકતા છે? પરંતુ ત્યાર પછી પણ ભક્તિ સંબંધી આવા ચિંતન-મનનની જરૂર છે. કારણ કે મનુષ્યની ઝંખના સાચે રસ્તે જ રહે અને ત્યાંથી જરાપણ આઘીપાછી છેતરાઈ ન જાય એટલા માટે એની જરૂર છે. વળી, સાધક પોતાના લક્ષ્ય વિશે કશી ગેરસમજણ ન કરે, એ પણ જરૂરનું છે. એટલા માટે સાધકે પોતે કેવી રીતે આગળ વધવું, સાધનાયાત્રામાં ક્યાં ખાડાટેકરા આવે છે અને સાધનાનો ઉદ્દેશ શો છે, તે બાબતમાં એકદમ સ્પષ્ટ દર્શન રાખવું જોઈએ. એટલા માટે ભક્તિયોગનું જ્ઞાન સાધક માટે જરૂરી છે.

ભક્તિયોગ કંઈ કોઈના બૌદ્ધિક કુતૂહલને સંતોષ આપવા માટે નથી. એ તો આપણા જીવન સાથે સંબંધ રાખતો વિષય છે. અત્યંત મહત્ત્વની વાત એ છે કે આ વિષયને કલ્પનાતરંગની પેઠે હળવાશથી ન લેવાં જોઈએ. ઉદાહરણ તરીકે એક ફિલસૂફને લો. એ ફિલસૂફીનું અધ્યયન કરે છે. પણ એ કેવળ બૌદ્ધિક સંતોષ માટે જ અધ્યયન કરે છે. એની સાથે એના જીવનનો કશો સંબંધ નથી. કોઈ મનુષ્યની ફિલસૂફી એક હોય અને એનું જીવન એનાથી સાવ ઊલટું પણ હોઈ શકે. એવું કંઈ નથી કે કોઈ માણસ ઊંચી ઊંચી ફિલસૂફીની વાતો કરતો અને તે પ્રમાણે આવશ્યક રીતે પોતાનું જીવન પણ જીવતો હોય! કોઈ કોલેજ કે યુનિવર્સિટીમાં ફિલસૂફીનો પ્રોફેસર ખૂબ મોટો વિદ્વાન હોય અને તે સાથે પોતાની ફિલસૂફી પ્રમાણેનું જીવન અનિવાર્ય રીતે જીવતો પણ હોય, એવું જરૂરી નથી. અમે આ જાણીએ છીએ. કારણ કે અમે એવા એક ફિલસૂફ પાસે ભણી ચૂક્યા છીએ. તેઓ જબરા વિદ્વાન હતા અને અનેક ગહન વિષયો ઉપર પ્રભાવક ભાષણો આપી શકતા. પણ એમના જીવનના સ્તરને લાગે વળગે છે ત્યાં સુધી તેમનું જીવન સામાન્ય કરતાં પણ નીચલા સ્તરનું હતું. એટલું જ નહિ, એ કશી ગણતરીમાં ન હતા. એમની ખ્યાતિ તો હતી, પણ એમના જીવન અને એમની ફિલસૂફીને કશી લેવા દેવા ન હતી. નારદે આવા પ્રકારના કોઈ મનુષ્યને સંબોધીને આ કહ્યું નથી. એ તો એવા લોકો માટે આ કહે છે કે જેઓ પોતાના જીવનનું એમના ઉપદેશ પ્રમાણે ઘડતર કરવા માગતા હોય.

અત્યાર સુધી આપણે સૂત્રમાં સૂચિત થયેલા બે મુદ્દાઓ (અનુબંધો)ની ચર્ચા કરી. એક છે ‘વિષય’ અને બીજો છે ‘અધિકારી’. (આ અનુશાસન માટે યોગ્ય પાત્ર-સાધક). હવે ત્રીજો મુદ્દો ‘પ્રયોજન’ છે. ‘પ્રયોજન’ એટલે આ શાસ્ત્ર ભણવાનો હેતુ. આ અધ્યયનથી જે ઉપલબ્ધિ થાય છે તે ‘પરાભક્તિ’ છે. ચોથો મુદ્દો-અનુબંધ- ‘સંબંધ’ કહેવાય છે. ભક્તિના સાધકની બાબતમાં એ માર્ગની માત્ર સમજણ કે ‘પરાભક્તિ’ રૂપ વિષયની માત્ર જાણકારી જ પૂરતી નથી. વિષયનું કેવળ અધ્યયન કંઈ કામનું નથી, પરંતુ ભક્તિમાર્ગનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સાધકે એ ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે વારંવાર પરિશ્રમ કરવો પડે છે. જ્ઞાનમાર્ગના સંદર્ભમાં વાત કરીએ તો એમાં કહેવામાં આવ્યું છે કે આત્માનું બ્રહ્મ સાથે ઐક્ય સાધવું એ એનો ઉદ્દેશ છે. અને એનો માર્ગ ‘વિવેક’ (સત્‌-અસત્‌ વચ્ચેનો ભેદ) છે. જ્યારે આપણે કોઈ માર્ગની ચર્ચા-વિચારણા કરીએ ત્યારે આપણને એની બૌદ્ધિક સમજણ મળી શકે પણ ભક્તિના માર્ગમાં કેવળ બૌદ્ધિક પરિતોષ પૂરતો નથી. અહીં તો ભક્તિના સાતત્ય-વારંવારના પ્રયત્નને વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. કારણ કે ભક્તિ એ માર્ગ પણ છે અને સાધ્ય પણ છે. ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે ‘ભક્તિની સાધનાથી મનુષ્ય ‘પરાભક્તિ’ને પ્રાપ્ત કરે છે.’ भक्त्या संजायता भक्त्या विभ्रत्युत्पुलकां तनुम। અર્થાત્‌, સાધનાનો પ્રારંભ કરનાર મનુષ્યે વિધિવિધાનવાળી – ‘વૈધી ભક્તિ’થી શરૂઆત કરવી જોઈએ. પણ છેવટે તો તે ‘પરાભક્તિ’ને પ્રાપ્ત કરે છે – પરમ સાધ્યને પામે છે. ભક્તિ તરફના કોઈ આકર્ષણ વગર તો કોઈ મનુષ્ય એ યાત્રાની શરૂઆત જ નહિ કરે. એ યાત્રા છેવટે પરિપક્વ થઈને ‘પરાભક્તિમાં’ પરિણમે છે.

(ક્રમશ:)

Total Views: 185

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.