સ્વામી વિવેકાનંદજી કહેતા, “મારી આશા – મારો વિશ્વાસ યુવા પેઢી પર છે, તેમાંથી જ મારી યોજનાઓને મૂર્ત સ્વરૂપ આપનારા કાર્યકર્તાઓ આવશે જેઓ જવામર્દ બની બધી સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢશે.’’ નવી ક્ષિતિજો તો યુવાનો જ સર કરી શકે, માટે તેઓની અવગણના ન કરી પ્રોત્સાહિત કરવા જોઈએ, તેમની પ્રચંડ કાર્યશક્તિ, આદર્શભાવના, ધગશ વગેરેને ધ્યાનમાં રાખી તેઓને સન્માન આપવાની વાત સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ભોળાભાઈ પટેલ સંક્ષેપમાં રજૂ કરે છે. -સં.)

આપણી ભારતીય પરંપરામાં વયોવૃદ્ધ વડીલજનોને પ્રણામ કરવાનો રિવાજ છે, ક્યાંક છેક ચરણસ્પર્શ કરી, તો ક્યાંક થોડા નમી. આ ઉપરાંત ગુરુવંદના છે, જે વિદ્યાદાતા છે, કે દીક્ષાદાતા છે એવા ગુરુને પ્રણામ કરીએ છીએ. મેં આજીવન શિક્ષક તરીકેનું કામ સ્વીકાર્યું હોવાથી મારા છાત્રોના પ્રણામ સ્વીકારવાની મને આદત પડી ગઈ છે, પ્રણામ કરતા છાત્રને જાણે આશિષ આપવા મારા હાથ ઊંચા થાય છે, જાણે ટેવવશ. હવે તો મારી ઉંમર પણ થઈ ગણાય, એટલે એ અધિકારની રીતે પણ પ્રણામને પાત્ર ગણાઉં.

પરંતુ ઘણી વાર વિચાર આવે છે કે આવા પ્રણામની પાત્રતા મારી પાસે છે? પ્રણામને પાત્ર તો વય કે સ્થાન નહિ, પણ ગુણ હોવા જોઈએ. કવિ ભવભૂતિના ઉત્ત૨રામચરિતમાં રઘુવંશના કુલગુરુ વશિષ્ટનાં પત્ની અરુંધતી માટે તો જાનકી એક શિશુ કે શિષ્યા જેવી હોવા છતાં ભક્તિભાવને પાત્ર છે, એવી ઉક્તિ તેમના મુખમાં મૂકી છે કેમ કે ‘‘ગુણાઃ પૂજાસ્થાનં ગુણિષુ ન ચ લિંગં ન ચ વય:.”

એ રીતે વયને કારણે કે સ્થાનને કારણે વડીલો કે ગુરુઓ પ્રણામને પાત્ર હોય તો ગુણે કરીને પોતાથી નાના યુવજનો પણ નમસ્કારને પાત્ર ગણવા જોઈએ. યુવાવસ્થા વટાવી દઈ પ્રૌઢાવસ્થામાં પ્રવેશ કર્યા પછી મારી આ ભાવના દૃઢ થતી જાય છે. ગુણી યુવાનોને મોટાઈપૂર્વક પીઠ થાબડી માત્ર વડીલગીરી ન કરવી, એમનેય નમસ્કાર કરવા.

કોઈ કંપનીમાં કે કારખાનામાં કે કોઈ કાર્યના સ્થળે યુવાનોને એક સાથે મળી કાર્ય કરતા, કાર્ય માટે યોજના કરતા કે ભારે મોટો નિર્ણય લેતા જોઉં છું, ત્યારે મારી આંખ અને મન ઠરે છે. કોઈ યુવા અધિકારી નિર્ભીક રીતે કર્તવ્યપાલન કરી જરઠ રાજકારણીઓને મજબૂર કરે છે, પાછા પાડે છે ત્યારે આપોઆપ નમન થઈ જાય છે.

‘ઘરડાં ગાડાં વાળે’ એ રૂઢ થયેલી કહેવત પ્રમાણે અનુભવસંચિત જ્ઞાનને આધારે વૃદ્ધો દિશાદૃષ્ટિ આપતા હશે, પણ ગાડાં ખેંચવા એમની તાકાત બહારની વાત છે. એ તો યુવાનો જ કરી શકે. અનુભવથી પાકટ થયેલા વૃદ્ધો બધી રીતે ગણતરીબાજ હોય છે, પાકા પણ હોય છે, પણ યુવાનોમાં થોડી ઘણીય આદર્શ ભાવના અવશ્ય હોય છે. જગતનાં મોટા ભાગનાં યુદ્ધો કુટિલ નીતિજ્ઞોને આભારી છે, રાજનીતિ એમની, જ્યારે ખપ્પરમાં હોમાય યુવાધન. ખરેખર તો જેમને અપકવ ગણીને ઉવેખવામાં આવે છે, તે યુવાનોને ભૂલો કરવાની તકો આપવી જોઈએ. ગણતરીબાજ માણસ કદાચ છેતરાતો નહિ હોય, ફૂંકીને છાશ પીતો હશે, પણ પછી એનાથી નવી ક્ષિતિજો સ૨ થતી નથી. નવી ક્ષિતિજો ત૨ફ તો યૌવનની નજર હોય છે, અને એ દિશામાં ડગલાં પણ યૌવન ભરે છે. આપણા ભારતીય સમાજમાં ઘડપણનું માહાત્મ્ય બહુ રહ્યું છે, હવે તેને માત્ર તેનું યોગ્ય સ્થાન આપી, વધારે મહિમા કરવાનું છોડવું જોઈએ. રાજકારણમાં વડીલો કદીય નિવૃત્ત થતા નથી, એવું શા માટે? મરે નહિ ત્યાં સુધી હટે નહિ, એવી કુટિલ વૃદ્ધ રાજકારણીઓની પેઢી દેશના જીવનમાં નવસંચાર કરી શકે નહિ.

એટલે યુવાનોનો મહિમા થવો જોઈએ, આપણા એક કવિએ યોગ્ય રીતે કહ્યું છે:

રુઝવે જગના જખ્મો આદર્યાંને પૂરાં કરે,
ચલાવે સૃષ્ટિનો તંતુ નમું તે નવયૌવન.

નવયૌવન વિષે અનેક વિચારકોએ સાવધાન કરતી વાણી ઉચ્ચારી છે. યુવાનો જાણે માર્ગભ્રષ્ટ થવાના હોય, એમ વારંવાર યુવાનીનાં ભયસ્થાનો બતાવવામાં આવે છે, ઘણી વાર તો યુવાનીના થનગનાટને દાબી દેવામાં આવે છે.

‘આ વાળ તડકામાં ધોળા થયા નથી’ એમ કહી પોતાના શ્વેત કેશનું ગૌરવ કરી કોઈ વડીલ કોઈ યુવાનના સાહસને થંભાવી દેતા હોય છે. કોઈ અગત્સ્ય જેવા ગુરુ પ્રણામ કરવા ઝુકેલા વિન્ધ્યાચળને આજીવન એ પ્રણામની સ્થિતિમાં રાખવા ઈચ્છે છે. આવે વખતે યુવજનોનો વિદ્રોહ આવશ્યક બની જાય છે.

આપણા યુવજનો એટલે જેમાં કૉલેજ યુનિવર્સિટીના છાત્રોની મોટી સંખ્યા છે – એમનામાં ખુમારીનું ઓજસ અને વિદ્યાનું તેજ પ્રક્ટે એવું વાતાવરણ રાજ્ય અને સમાજકક્ષાએ નિર્મિત થવું જોઈએ. વળી પાછો પ્રશ્ન – કોણ ક૨શે એવા વાતાવરણનું નિર્માણ?
સ્વયં યુવાનો જ.

દૃઢ આત્મવિશ્વાસી, પુરુષાર્થ અભિલાષી, આદર્શ દૃષ્ટિસંપન્ન યુવાનો એવા વાતાવરણનું નિર્માણ કરી શકે. તેમાં ભૂલો પડવાની સંભાવનાઓ છે, દિશા અવળી પકડાઈ જવાની પણ – તેમ છતાં સૃષ્ટિની ૫રં૫રાને ચલાવવાની તાકાત પણ છેવટે તો યુવાનોમાં જ છે, એ વાતનો સ્વીકાર સમાજમાં આવશ્યક છે. જરઠ થયેલી વડીલશાહીએ પોતાનું સ્થાન સમજી લેવું જોઈએ, અને ઉત્ફૂલ્લ નવ યૌવનને નમસ્કાર કરવા જોઈએ.

નવયૌવનમાં નમસ્કારને યોગ્ય જે ગુણો તે છે ઉત્સાહ અને શક્તિ. ઉત્સાહમાં એક અજંપો પણ હોય છે. આ અજંપાને આપણે એક રીતે ‘દિવ્ય અસંતોષ’ (ડિવાઈન ડિસકન્ટેન્ટ) કહી શકીએ. આ અજંપો એને શાન્તિથી બેસી રહેવા દેતો નથી. ‘કંઈક કરવું’ એવી ધૂન જગાડે છે. એટલે દરેક વાતે તેનામાં એક ઉત્સાહ હોય છે. યુવાન અને વૃદ્ધમાં આ તફાવત છે. એવો જ બીજો તફાવત તે શક્તિનો છે.

સંભવ છે કે કેટલાક વૃદ્ધો એટલે કે વયઃપ્રાપ્ત મનુષ્યોમાં ઉત્સાહ તો હોય પણ ઉત્સાહને કાર્યમાં પરિણત કરવાની શક્તિ જે એક યુવાનમાં હોય છે, તે અને તેટલી શક્તિનો અભાવ હોય છે. ઉત્સાહ અને શક્તિને યુવાનની પરિભાષા કહેવી હોય તો કહી શકીએ. એટલે કોઈ વ્યક્તિની ૨૫ની વય હોય કે ૩૦ની વય હોય એટલા માત્રની વયે ભલે યુવાન હોય પણ ઉત્સાહ અને શક્તિનો તેનામાં અભાવ હોય તો સાચા અર્થમાં ‘યુવાન’ નથી.

એવી રીતે યુવાન દોષદર્શી બનીને પરિસ્થિતિઓનો વાંક કાઢીને બેસી રહેતો નથી. ચારે બાજુએ પરિસ્થિતિ એવી વણસેલી છે, કે વાંકદેખા થઈ જવાય. પરંતુ યુવાન તેમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે.

અમેરિકાની બર્કલે યુનિવર્સિટીના પરિસરમાં ફરતાં ફરતાં ત્યાંની એક પ્રયોગશાળામાં કામ કરતા ભારતીય વૈજ્ઞાનિકે યુનિવર્સિટી ટાવર આગળના એક ચૉક વિસ્તારને બતાવતાં કહ્યું કે અહીં એક વેળા આ યુનિવર્સિટીના છાત્રોએ વિયેટનામની લડાઈમાં અમેરિકન સરકારની સંડોવણી વિશે ભારે બંડ પોકારી વિજય મેળવ્યો હતો, સરકારને લડાઈ બંધ કરવાની ફરજ પાડી હતી.

પૅરિસની સોરબોર્ન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પણ સરકારની નીતિ વિરુદ્ધ જેહાદ કરી, તે વખતે પ્રસિદ્ધ દાર્શનિક લેખક સાથે એ યુવાનોને દોરવા આગેવાની લીધેલી.

વિદ્યાર્થી આંદોલનોની બીજી બાજુ પણ છે, તેમ છતાં આવાં આંદોલનો વિશ્વના ભવિષ્ય વિષે યુવાનોની સામેલગીરીનો આશાસ્પદ સંકેત આપી રહે છે.

Total Views: 379

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.