પ્રશ્ન : શું પ્રશ્ન પૂછવો એ એક કળા છે ?
ઉત્તર : આપણા દેશમાં બંધારણે દરેક નાગરિકને વાણીસ્વાતંત્ર્યનો હક્ક આપ્યો છે. પરંતુ લોકો તેનો કાળજીપૂર્વક ઉપયોગ કરતા નથી. સાચો કે યોગ્ય પ્રશ્ન પૂછવો એ ઘણું મુશ્કેલ છે. મારી દૃષ્ટિએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો જે સારાંશ છે, તે ભગવાન શ્રીકૃષ્ણ મહાન હતા એટલા માટે એ બોધ મળ્યો નથી. એ બોધ તો આપણને મળ્યો છે શ્રીકૃષ્ણના સખા અર્જુને પૂછેલા કઠિન પ્રશ્નોથી. ઉત્તમ પ્રશ્નકર્તા અર્જુન દ્વારા પુછાયેલા અનેક વિવિધ પ્રકારના પ્રશ્નોના ઉત્તર રૂપે આપણને આ અમૂલ્ય આધ્યાત્મિક વારસારૂપી ગીતા મળી શકી છે.
એનો અર્થ એ થયો કે જો તમે ધારદાર, યોગ્ય પ્રશ્ન ન પૂછો તો તમને તેના સારા કે સાચા ઉત્તર ન સાંપડે. એટલે કે પ્રશ્ન પૂછવો એ પણ એક કળા છે. એટલે જ આપણી લોકસભા અને રાજ્યસભામાં પ્રશ્નોત્તરીનો એક કલાક રખાય છે. સામાન્ય રીતે સાંસદો ધારદાર અને યોગ્ય પ્રશ્ન પૂછે તો દેશનું કલ્યાણ વધારે થઈ શકે અને આવા પ્રશ્નો પક્ષાપક્ષીથી પર હોવા જોઈએ. જો તમે યોગ્ય પ્રશ્ન પૂછો તો જે તે સરકારને સન્માર્ગે વાળી શકો.
પ્રશ્ન : આપણે આપણા વલણને કેવી રીતે શ્રેષ્ઠતામાં પરિવર્તિત કરી શકીએ ?
ઉત્તર : આમ જુઓ તો આપણું વલણ એની મેળે શ્રેષ્ઠ આદર્શમાં ફેરવાઈ જાય છે. પણ એને માટેની શરત છે કે જો તમારું વલણ સાચું અને યોગ્ય હોય તો તમે એની મેળે ઉચ્ચતમ આદર્શ સુધી પહોંચી શકો. શ્રેષ્ઠતા એ અનુગામી અસર કે પરિણામ છે. આપણું પોતાનું વલણ એ પાયાની ભૂમિકા છે. ‘સર્વે જના : સુખિન : ભવન્તુ’ એ વલણ છે. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ એ પણ વલણ છે. આ વલણરૂપી ભાવનાને આપણે જીવનમાં આચરી બતાવવી જોઈએ. જો તમે સ્વાર્થપરાયણ બનાવાને બદલે સ્વાર્થભાવથી પર બની જાઓ એટલે કે પરમાર્થને જ આદર્શ ગણો તો તમે જે ધારો છો તેવા ઉચ્ચતમ ધ્યેયે પહોંચી શકશો. જો હું મેનેજમેન્ટની ભાષામાં વાત કરું તો એમ કહી શકાય કે તમે પરિણામ માટે વ્યવસ્થાપન કરતા નથી. પરંતુ તમે તો તમને જે આનંદ અને સુખ આપે તેને માટે વ્યવસ્થાપન કરો છો. પછી પરિણામ એની મેળે આવવાનું. જો તમને વેચાણનું કાર્ય ગમતું ન હોય તો તમારે સેલ્સમેન ન બનવું જોઈએ. અને જો તમને શીખવવું ન ગમતું હોય તો તમારે શિક્ષક ન બનવું જોઈએ. જે કાર્યથી તમને અને બીજાને આનંદ અને સુખાકારી સાંપડે તે કાર્ય કરવું જોઈએ.
પ્રશ્ન : શું મારે મારા હૃદયને અનુસરવું કે મનને ?
ઉત્તર : જો તમે તમારી સખી મિત્ર સાથે વર્તતા હો તો ત્યાં મન હોવું જોઈએ, પરંતુ તમે જ્યારે તમારાં માતપિતા સાથે વર્તતા હો ત્યારે ત્યાં તમારું હૃદય હોવું જોઈએ.
વાસ્તવિક રીતે તમે જો હૃદય અને મનને કાળજીપૂર્વક કેળવો તો તમારું હૃદય મન બની જાય છે અને મન હૃદય બની જાય છે. મહાન સંત તુલસીદાસજી એ રચેલ રામચરિત માનસની કે પછી મહર્ષિ વાલ્મીકિજીએ રચેલ રામાયણ તે માત્ર વાર્તા કે કથા નથી. પરંતુ ભગવાન પ્રત્યેની ઉત્કટ ભક્તિની ઉત્ક્રાંતિનો ભાવ છે. જો તમે હૃદયના ભક્તિભાવથી તમારી બુદ્ધિને ઉત્ક્રાંત કરો તો હું ધારું છું કે તમે એકને બીજામાં પરિવર્તિત કરી શકો. એટલે કે મન-બુદ્ધિ અને હૃદયને ઉત્ક્રાંત કરી શકાય. મહાત્માઓ અને સાચા વિદ્વજ્જનોનાં મન અને હૃદય એ ભિન્ન ભિન્ન વસ્તુ નથી હોતાં, પરંતુ સતત ચાલતો ગુણવિસ્તાર છે. એટલે ચિંતા કર્યા વગર તમાર પર પ્રભુત્વ ધરાવતા ભાવને ચાલુ રાખો અને તમે બીજા ભાવ સુધી પહોંચી શકો.
Your Content Goes Here





