પ્રશ્ન : મનને સ્થિર રાખવા શું કરવું જોઈએ ?

ઉત્તર : મનનો સ્વભાવ જ ચંચળ છે. એટલે એને સ્થિર કરવું કે સંયમમાં રાખવું ઘણું દુષ્કર કાર્ય છે. સ્વામી વિવેકાનંદ મનને વાંદરા સાથે સરખાવે છે. વાંદરો ક્યારેય સ્થિર બેસી શકતો નથી. તે પોતાનું મોં આમતેમ ફેરવ્યા રાખે છે અને પોતે પણ આમતેમ ફરતો રહે છે. કૂદે પણ ખરો. એમાં જો વાંદરાને દારૂ પિવડાવવામાં આવે તો તેની આ ચંચળતા અને કૂદાકૂદ સ્વાભાવિક રીતે વધી જ જવાની. એમાંય જો એને વીંછી ડંખ મારે તો પછી એની કૂદાકૂદ અને ચંચળતાનું તો પૂછવું જ શું ? વળી જો એ સમયે એના પર ભૂત સવાર થાય તો તો પછી શુંનું શું ન થાય ? પોતે ચંચળતાનું રમકડું બની જાય. અને આસપાસનાનું આવી બને એ બીજું. આ થઈ એક વાંદરાની પ્રકૃતિની વાત.

હવે માણસનું મન પણ આવું જ છે. સ્વભાવે ચંચળ, અસ્થિર. એમાં જો ઇચ્છાઓ રૂપી દારૂ પિવડાવવામાં આવે અને પછી ઇર્ષ્યા રૂપી વીંછી એને ડંખ મારે પછી તો મનની અસ્થિરતા કે ચંચળતાનું પૂછવું જ શું ? એમાંય વળી અહંકારનું ભૂત સવાર થાય એટલે પેલા વાંદરાના જેવી મનની કૂદાકૂદ જોવા મળે, એની અસ્થિરતાની સીમા જ ન રહે. ચારેબાજુ મન ફાવે તેમ ભટક્યા કરે.

હવે આવા મનને સ્થિર કરવાનું છે. ચંચળ મનને સ્થિર કેમ કરવું ? એનો ઉપાય ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં બતાવ્યો છે. અર્જુને શ્રીકૃષ્ણને કહ્યું, ‘હે કૃષ્ણ, મન ચંચળ છે; વિહ્વળ બનાવનારું, બળવાન અને હઠીલું પણ છે. તેને રોકવું એ વાયુને રોકવા જેવું અતિ કઠિન લાગે છે.’ તેનો ઉકેલ બતાવતાં શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, ‘હે મહાબાહો, તારી વાત સાચી છે. ચંચળ મનને વશમાં રાખવું કઠિન છે પરંતુ અભ્યાસ અને વૈરાગ્યથી તે જરૂર વશમાં આવે છે.’

મનને એકાગ્ર કરવા માટે નિરંતર અભ્યાસ કરવો જરૂરી છે. મહર્ષિ પતંજલિ પોતાના યોગસૂત્રમાં કહે છે, ‘મનને સતત ચિત્તવૃત્તિનિરોધની સ્થિતમાં રાખવાનો પ્રયત્ન કરવો એ યોગ છે. અભ્યાસની સાથે વૈરાગ્યની જરૂર છે. વૈરાગ્ય એટલે વિરાગ એટલે કે રાગથી દૂર જવું, આસક્તિથી દૂર જવું. કોઈપણ પ્રકારની આસક્તિ, પછી ભલે એ વસ્તુ, વિષય કે વ્યક્તિમાં હોય તો મન ત્યાં જ ચોંટેલું રહે છે, તે સ્થિર થઈ શકતું નથી. ધૈર્યપૂર્વક નિરંતર મનને એકાગ્ર કરવાનો અભ્યાસ કરવામાં આવે તો ધીમે ધીમે મન અવશ્ય સ્થિર થવા લાગે છે.

Total Views: 460

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.