(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી હર્ષદભાઈ પટેલ. -સં)
માનવજીવનનું સર્વોચ્ચ ધ્યેય છે મુક્તિ. બધા જ જીવો જાણ્યે-અજાણ્યે મુક્તિની ઝંખના રાખે છે, કેમ કે આત્મા નિત્યમુક્ત છે. વેદાંતના મત અનુસાર મુક્તિ ત્રણ પ્રકારની છે: (૧) જીવનમુક્તિ (૨) વિદેહમુક્તિ (૩) ક્રમમુક્તિ.
શાસ્ત્રો કહે છે—ज्ञानात् मोक्ष અર્થાત્ બ્રહ્મજ્ઞાન થાય તો જ મુક્તિ સંભવ છે. જ્યાં સુધી મનુષ્ય પૂર્ણપણે વાસનામુક્ત ન થાય ત્યાં સુધી આ જ્ઞાન ઉદિત થતું નથી અને સર્વ વાસનાઓ અજ્ઞાનમાંથી ઉદ્ભવે છે. જેમ દિવસ અને રાત્રિ કદાપિ સાથે હોતાં નથી, તેમ બ્રહ્મજ્ઞાન કે ઈશ્વરીયજ્ઞાન અને સંસારની વાસના સાથે રહી શકતાં નથી. શ્રીરામકૃષ્ણે કહ્યું છે કે, “સંસાર પ્રત્યેની લગારેય આસક્તિ હોય તો ઈશ્વર સાક્ષાત્કાર થઈ શકે નહીં. જરાકેય તાંતણો બહાર રહે તો સોયના કાણામાંથી દોરો પરોવી શકાય નહીં.” તેથી અતૃપ્ત વાસનાઓની પૂર્તિ માટે મનુષ્યને વારંવાર જન્મ લેવો પડે છે.
૫ જાન્યુઆરી, ૧૯૧૦ના રોજ શ્રીમાએ સ્વામી અરૂપાનંદને કહ્યું હતું, “જ્યાં સુધી મનુષ્યને તૃષ્ણા હોય છે ત્યાં સુધી તેઓ એક અવતારમાંથી બીજા અવતારમાં પસાર થયા કરે છે. જો કોઈ મનુષ્ય થોડાં સંદેશ-રસગુલ્લાં ખાવાનું ઇચ્છે, તો તેણે તે પૂર્ણ કરવા માટે ફરી આવવું પડે છે.” એટલા માટે બેલુર મઠમાં વિભિન્ન જાતનાં વ્યંજનો લાવવામાં આવે છે. (તેથી સાધુઓ પોતાની ખાવાની ઇચ્છાઓ સંતોષી શકે.) વાસનાનું બીજ ખૂબ સૂક્ષ્મ હોય છે જેમ વડના ઝાડનું નાનું બીજ પણ એક મોટા વૃક્ષમાં પરિણમે છે. જ્યાં સુધી ઇચ્છા રહે છે ત્યાં સુધી મનુષ્યને ફરી ફરી જન્મ લેવા પડે છે. એ તો આત્માને એક ખોળિયામાંથી નીકળીને બીજા ખોળિયામાં પ્રવેશવા જેવું છે. એકાદ-બે વિરલ વ્યક્તિઓ જ ઇચ્છામાંથી મુક્તિ મેળવી શકે, પણ જો કોઈ મનુષ્યે પૂર્વજન્મમાં સત્કર્મો કર્યાં હોય તો તે અતૃપ્ત ઇચ્છાઓ સાથે મૃત્યુ પામવા છતાંય પોતાના આત્માને તદ્દન ખોઈ બેસતો નથી.
શ્રીમાએ વેદાંત-દર્શનનું ક્યારેય અધ્યયન કર્યું નથી, તેમ છતાંય તેમના ઉપદેશો સુંદર રીતે વેદાંતના સિદ્ધાંતો સાથે સુમેળ ધરાવે છે. વેદાંતના મત અનુસાર પુત્રેષણા, ધનેષણા અને લોકેષણા મનુષ્યને બંધનમાં નાખે છે. જ્યારે એકી સાથે વાસનાઓ વિરામ પામે, મનનો વિલય થાય અને આત્મજાગ્રતિ આવે ત્યારે આત્મા મુક્તિ પામે છે. ૨૬ મે, ૧૯૧૧ના રોજ જયરામવાટીમાં શ્રીમા સાથે બંધન અને મુક્તિ વિશે અદ્ભુત સંવાદ થયો હતો.
સ્વામી અરૂપાનંદે પૂછ્યું, “વેદાંતનો માર્ગ અપનાવેલ બધા જ સાધુઓ નિર્વાણ મેળવે છે?” શ્રીમાએ જવાબ આપ્યો, “જરૂર, માયાનાં બંધન કાપતાં કાપતાં નિર્વાણ મળશે—ઈશ્વરમાં લીન થઈ જશે. વાસનાને કારણે તો શરીર છે. કોઈ પણ વાસના ન રહે તો શરીર પણ ન ટકે. એક વાર વાસના રહિતતા આવી કે બધું જ પૂરું થઈ જાય.”
અરૂપાનંદે કહ્યું, “વારુ, મા! ઠાકુર કહેતા કે નિર્વાણ-પ્રાપ્તિ પછી પણ ઈશ્વરકોટિ ચેતનાના સાપેક્ષ સ્તરે પુન: અવતરે છે, બીજા તેમ કરી શકતા નથી. એનો શો અર્થ?” શ્રીમાએ કહ્યું, “નિર્વાણ-પ્રાપ્તિ પછી પણ ઈશ્વરકોટિ મનને પુન: પાછું ખેંચી શકે છે અને સાધારણ અવસ્થામાં સ્થાપિત કરી શકે છે.”
અપૂર્વાનંદે કહ્યું, “જે મન સ્વયં ઈશ્વરમાં વિલીન થઈ ગયું છે તે પુન: સંસારમાં કેવી રીતે લાવી શકાય? ઘડામાંનું જળ સરોવરમાં રેડી દીધા પછી તેને કેમ કરીને અલગ કરી શકાય?” શ્રીમા બોલ્યાં, “દરેક વ્યક્તિ તેમ ન કરી શકે, માત્ર પરમહંસ જ કરી શકે. હંસ ક્ષીર-નીરના મિશ્રણમાંથી નીરને અલગ કરી માત્ર ક્ષીર જ પી શકે.”
અરૂપાનંદે કહ્યું, “દરેક વ્યક્તિ વાસનારહિત થઈ શકે?” શ્રીમાએ જવાબ આપ્યો, “જો બધા જ તેમ કરી શકે તો સંસાર-ચક્રનો અંત આવે. દરેક વ્યક્તિ વાસનારહિત થઈ શકતી નથી, એટલે તો સર્જન નિરંતર ચાલ્યા કરે છે. વાસનાયુક્ત મનુષ્ય પુન: પુન: જન્મ લીધા કરે છે.”
અરૂપાનંદે કહ્યું, “ધારો કે કોઈ વ્યક્તિ ગંગા નદીમાં ઊભી રહીને દેહત્યાગ કરે છે.” શ્રીમાએ કહ્યું, “લગારેય વાસના ન રહે તો જ મુક્તિ છે, નહિતર બીજો કોઈ પણ ઉપાય નિરર્થક છે.”
જગદંબાના હાથમાં મુક્તિની ચાવી છે. ચંડીપાઠમાં દેવો પણ સ્તુતિ કરતાં કહે છે:
आधारभूता जगतस्त्वमेका महीस्वरूपेण यतः स्थितासि।
अपां स्वरूपस्थितया त्वयैतदाप्यायते कृत्स्नमलङ्घ्यवीर्ये॥
त्वं वैष्णवीशक्तिरनन्तवीर्या विश्वस्य बीजं परमासि माया।
सम्मोहितं देवि समस्तमेतत् त्वं वै प्रसन्ना भुवि मुक्तिहेतुः॥
(ઇન્દ્રાદિકૃત ‘નારાયણીસ્તુતિ’, શ્લોક 3-4)
હે અનંત પરાક્રમવાળાં દેવી! આપ વૈષ્ણવીશક્તિ હોવાથી અખિલ વિશ્વનું પાલન કરો છો તેમજ સર્વ જગતના બીજભૂત વ્યાપક માયારૂપે આપ જ છો; જેથી સર્વ જગત મમતારૂપી મોહની જાળમાં ફસાયેલું છે; પરંતુ હે દેવી! આપ જ્યારે બ્રહ્મવિદ્યારૂપે જેના પર પ્રસન્ન થાઓ છો ત્યારે તેના જન્મ-મરણનો ફેરો ટાળી નાખો છો, અર્થાત્ મોક્ષ આપનારાં તમે જ છો.
વિભિન્ન પ્રસંગે ઠાકુરે શ્રીમાના મુક્તિદાતા તરીકેના સામર્થ્ય અંગે મોઘમ રૂપે કહ્યું છે. વારાણસીમાં ગોલાપમાએ બ્રહ્માનંદને કહ્યું, “રાખાલ, શ્રીમા પૂછે છે કે ભક્ત શા માટે પૂજાના પ્રારંભમાં શક્તિરૂપા જગદંબાની વિનવણી કરે છે.” બ્રહ્માનંદે જવાબ આપ્યો, “એટલા માટે કે બ્રહ્મજ્ઞાનની ચાવી જગદંબાના હસ્તક છે. જો શ્રીમા કૃપા કરીને દ્વાર ન ખોલે તો બ્રહ્મ સાથે ઐક્યનો કોઈ ઉપાય નથી.”
શ્રીમા ભારપૂર્વક પોતાના શિષ્યોને ખાતરી આપતાં કે, “ઠાકુરે મને વચન આપ્યું છે, ‘જેઓ તમારા શરણે આવશે તેમને જીવનની અંતિમ ક્ષણે દર્શન દઈશ અને તેમનો હાથ પકડીને ઉદ્ધાર કરીશ.’ બેટા, ગભરાઈશ નહીં. હંમેશાં યાદ રાખ કે ઠાકુર તારી સાથે છે અને હું પણ. તું ગમે તે કર અને ગમે ત્યાં જા, ઠાકુર પોતાના ધામમાં લઈ જવા તારા જીવનની અંતિમ ક્ષણે આવશે. પ્રભુએ આ સંસારમાં કાર્ય કરવા હાથ, પગ અને અન્ય ઇન્દ્રિયો આપી છે, તેથી એ સ્વાભાવિક છે કે તે પોતાની પ્રકૃતિ મુજબ વર્તશે. ઇન્દ્રિયોની વર્તવાની પોતાની આગવી રીત છે.”

એક દિવસ એક શિષ્યે શ્રીમાને કહ્યું, “ઠાકુરે કહ્યું છે કે એમને જેણે પોતાના આધ્યાત્મિક આદર્શ અર્થાત્ ઇષ્ટ રૂપે સ્વીકાર્યા છે, તેમનો પુનર્જન્મ નહીં થાય. વળી, સ્વામીજીએ કહ્યું છે કે સંન્યાસ-વ્રત લીધા સિવાય મુક્તિ સંભવ નથી. તો પછી ગૃહસ્થોનું શું?” શ્રીમાએ જવાબ આપ્યો, “હા, ઠાકુરે જે કહ્યું તે પણ સમાનપણે સાચું છે. ગૃહસ્થોએ બાહ્ય ત્યાગ કરવાની જરૂર નથી. તેમને આંતરિક વૈરાગ્ય સ્વયંભૂ રીતે થશે, પરંતુ કેટલાક લોકોને બાહ્ય ત્યાગ કરવાની આવશ્યકતા છે. તું શા માટે ડરે છે? તું ઠાકુરનું શરણ ગ્રહણ કર અને નિરંતર સ્મરણ કર્યા કર કે તે તારી સાથે છે.”
એક દિવસ શ્રીમાએ પોતાના હૃદય પર હાથ રાખીને સ્વામી કમલેશ્વરાનંદને કહ્યું, “જો હું ઠાકુર સમીપે જાઉં તો તમે પણ નિશ્ચિત રૂપે ઠાકુર સમીપ જશો.”
સ્વામી વિજ્ઞાનાનંદે આ પ્રસંગ સ્વામી પરમેશ્વરાનંદને કહ્યો હતો: “એક વાર ઠાકુરે મને દર્શન દીધાં અને કહ્યું, ‘પેશન, તું મારા વિશે લોકોને વાતો કરે છે અને મારું નામ મંત્ર રૂપે આપે છે. શ્રીમાનું પણ નામ લોકોને આપ અને તેમના વિશે કહે. જો લોકો તેમને નહીં જાણે તો તેમની મુક્તિ કેમ કરીને થશે? તે મુક્તિદાયિની છે.” ત્યાર બાદ સ્વામી વિજ્ઞાનાનંદ પોતાના શિષ્યોને ઠાકુર અને શ્રીમાના નામનું મંત્રદાન કરતા.
શ્રીમાનાં શિષ્ય ઇન્દુબાલા સેને શ્રીમાને પૂછ્યું, “મા, શું એ સાચું છે કે જેમણે તમારી પાસેથી મંત્રદીક્ષા મેળવી છે, તેમનો પુનર્જન્મ નહીં થાય?” શ્રીમાએ જવાબ આપ્યો, “હા, તે સાચું છે. તેમણે આ સંસારમાં પાછું આવવું નહીં પડે. ચોક્કસ જાણજો કે નિરંતર તમારી પાછળ કોઈક છે.”
ઉમેશચંદ્ર દત્તે શ્રીમા વિશેનાં પોતાનાં સંસ્મરણોમાં નોંધ્યું છે: “એક વાર મેં પૂછ્યું, ‘મા, ઠાકુરે કહ્યું છે કે જેમણે તેમનો આશ્રય લીધો છે તેમનો આ અંતિમ જન્મ છે. જેઓએ તમારો આશ્રય લીધો છે, તેમની શી ગતિ થશે?’ શ્રીમાએ જવાબ આપ્યો, ‘વળી શું થવાનું છે? તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો? તમારી અપૂર્ણ સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરો. અંતે તમે રામકૃષ્ણ-ધામમાં પરમ શાંતિમાં વિરાજશો. તમારા બધા માટે ઠાકુરે નવું ધામ સર્જ્યું છે.’”
બીજા એક દિવસે મેં મુક્તિ અને ભક્તિ વિશે પૂછ્યું. શ્રીમાએ કહ્યું, “મુક્તિને લાગેવળગે છે ત્યાં સુધી, તે ગમે તે ક્ષણે આપી શકાય છે, પરંતુ ભગવાન ભક્તિ એટલી સરળતાથી આપવા માગતા નથી.” આટલું બોલીને શ્રીમા સત્વરે ચાલ્યાં ગયાં. આ શબ્દો એવી રીતે ઉચ્ચાર્યા કે જાણે મુક્તિ તેમની હથેળીમાં છે.
એક દિવસે સવારમાં શ્રીમા ઉદ્બોધન ભવનમાં અરૂપાનંદ અને લલિત ચટ્ટોપાધ્યાય સાથે વાતો કરી રહ્યાં હતાં. આધ્યાત્મિક જીવન વિશે શ્રીમાએ કહ્યું, “અસ્ત્રાની ધારની જેમ આ માર્ગ અત્યંત મુશ્કેલીભર્યો છે.” તેઓ થોડુંક અટકીને બોલ્યાં, “પરંતુ તેમણે (ઠાકુર) તમને પોતાના હાથમાં રાખ્યા છે. તે તમારી સારસંભાળ રાખે છે.” અરૂપાનંદે કહ્યું, “પરંતુ અમે તો જાણતા નથી.” શ્રીમા બોલ્યાં, “તેથી જ તમે સૌ દુ:ખી છો.”
લલિતે કહ્યું, “ઠાકુર અમને અમારા મૃત્યુ બાદ પોતાના ખોળામાં લેશે, એમાં વળી શી મહાનતા? અમે અત્યારે જીવિત છીએ અને ત્યારે તેમ કરે તો ખરું.” શ્રીમાએ કહ્યું, “તમે અત્યારે જીવિત છો ત્યારે પણ તેઓએ પોતાના હાથમાં ધારણ કરીને રાખ્યા છે. તેઓ આપણા મસ્તક પર છે. સાચું કહું છું, તેમણે તમને ધારણ કરી રાખ્યા છે.” અરૂપાનંદે કહ્યું, “ખરેખર તેમણે અમને પકડી રાખ્યા છે? શું તે સાચું છે?” શ્રીમાએ મક્કમતાપૂર્વક કહ્યું, “હા, ચોક્કસ. સાચું જ છે.”
વિવિધ અવસર પર શ્રીમાએ કેટલાક લોકોને કહ્યું હતું કે આ તેઓનો અંતિમ જન્મ છે. એપ્રિલ, ૧૯૧૨માં સુરેન્દ્ર ચક્રવર્તી નામનો શિષ્ય ઉદ્બોધનમાં આવ્યો અને શ્રીમાને કહ્યું, “મા, અમે ઠાકુરનાં દર્શનથી વંચિત રહ્યા છીએ.” શ્રીમાએ જવાબ આપ્યો, “કાળક્રમે તમને દર્શન થશે. આ તમારો અંતિમ જન્મ છે.” નિવેદિતાએ કહ્યું હતું, “અમે પણ હિંદુ છીએ, પરંતુ કર્મવશાત્ અમે ખ્રિસ્તીઓ રૂપે જન્મ્યાં છીએ.”
શ્રીમાનાં અંતિમ જન્મવિષયક પ્રાસંગિક વચનો સાંભળીને અરૂપાનંદે તેમને પૂછ્યું, “મા, અંતિમ જન્મ શબ્દનો યથાર્થ ભાવ શો? ઠાકુરે ઘણા લોકોને કહ્યું હતું કે આ તેમનો અંતિમ જન્મ છે, તમે પણ એ પ્રમાણે જ કહો છો.” શ્રીમાએ જવાબ આપ્યો, “અંતિમ જન્મનો અર્થ એ કે વ્યક્તિએ સંસારમાં પુન: આવવાનું રહેશે નહીં અને જન્મ-મૃત્યુના ચક્રમાં ફરવું નહીં પડે.”
અરૂપાનંદે આ તથ્યની સત્યતા ચકાસવા માટે પૂછ્યું, “તો પછી અંતિમ જન્મ એટલે નિર્વાણ?” શ્રીમાએ જવાબ આપ્યો, “અલબત્ત, એવું જ. કેટલાક પ્રસંગે તેઓનાં મન મૃત્યુ પૂર્વે વાસના રહિત બને છે.”
એક વાર ઉદ્બોધન ભવનમાં ગોલાપમાએ શૌચાલય સાફ કર્યાં અને ત્યાર બાદ વસ્ત્રો બદલાવીને નૈવેદ્ય માટે ફળ કાપવાનો પ્રારંભ કર્યો. નલિની આ સહન કરી શકી નહીં. તેણે ગોલાપમાને ગંગામાં સ્નાન કરી આવવા કહ્યું, પરંતુ ગોલાપમાએ એ તરફ લક્ષ ન દીધું. પછીથી શ્રીમાએ ટિપ્પણી કરતાં કહ્યું, “ગોલાપમાનું મન પવિત્ર છે. તે કેવો ઉચ્ચ આત્મા છે! તેથી તે અપવિત્ર અને પવિત્ર વચ્ચે વિવેક કરતી નથી. તેઓ બાહ્ય શૌચાચારના નિયમો પ્રતિ ધ્યાન આપતાં નથી. આ તેમનો અંતિમ જન્મ છે.” શ્રીમાએ એ પણ કહ્યું કે, “ગૌરીમા તેમના આશ્રમમાં છોકરીઓની સેવા હૃદયપૂર્વક કરે છે અને જ્યારે તે બીમાર પડે છે ત્યારે તેમને પોતાના હાથે સ્નાન કરાવે છે. જ્યારે તે પોતાના પરિવાર સાથે હતાં ત્યારે આવું બધું કરતાં ન હતાં, પરંતુ ઠાકુર તેના દ્વારા હવે આવું બધું કરાવે છે. કારણ કે આ તેનો અંતિમ જન્મ છે.”
Your Content Goes Here





