૪૩. બદ્ધ જીવો મૃત્યુ સમયે પણ સાંસારિક બાબતોની વાતો કરે છે. તીર્થાટનની, ગંગાસ્નાનની કે માળા ફેરવવાની કંઈ જરૂર નથી; અંતરમાં સંસારનો મોહ હોય તો, મરણની પળે એ જરૂર પ્રગટ થવાનો. એટલે, બદ્ધજીવો એ સમયે પણ ફાલતુ વાતો કરે છે. ભલે સામાન્યરીતે પોપટ ‘રાધાકૃષ્ણ’નું પવિત્ર નામ લેતો હોય પણ એના પર બિલ્લી હલ્લો કરે ત્યારે, એનો સહજ અવાજ ‘કેં-કેં’ કાઢે છે.
૪૪. ભક્તિને અભાવે માણસ આટલી પીડા સહન કરે છે. એટલે, જીવનની છેલ્લી ઘડીએ મનમાં ભગવાનનો વિચાર જાગે તેમ વર્તવું જોઈએ. ભક્તિનો અભ્યાસ એ તેનું સાધન. જીવનમાં એ કાર્ય કર્યું તો, જીવનની અંતિમ પળે મનુષ્યના મનમાં ભગવાનનો વિચાર ચોક્કસ જાગવાનો.
૪૫. જીવનની અંતિમ ક્ષણોમાં માણસ શું વિચારે છે તેની ઉપર એના પુનર્જન્મનો આધાર છે. એથી ભક્તિનો અભ્યાસ ખૂબ આવશ્યક છે. સતત અભ્યાસથી માનવીનું મન દુન્યવી વિચારોથી મુક્ત થયું હોય તો, એમને સ્થાને ઈશ્વરનો વિચાર પ્રવેશી, અંતકાળે પણ જશે નહીં.
૪૬. પકવ્યા વગરનું વાસણ ભાંગીએ ત્યારે, એ માટીમાંથી કુંભાર બીજું વાસણ બનાવી શકે; પણ નિંભાડે પકવેલું વાસણ ભાંગે ત્યારે કુંભાર એ ટુકડાઓનો ઉપયોગ કરી શકતો નથી; એ રીતે, અજ્ઞાનની દશામાં માણસ મૃત્યુ પામે તો, એ ફરી જન્મે છે; પણ સત્ય જ્ઞાનના અગ્નિમાં એ પરિપક્વ થયો હોય તો, એ પૂર્ણ બન્યો હોઈ ફરી જન્મતો નથી.
૪૭. રાંધેલો ચોખાનો દાણો વાવ્યે ઊગતો નથી; કાચું ધાન જ વાવ્યે કોંટો ફૂટે છે. એ રીતે, સિદ્ધ, પૂર્ણ, થયા પછી જે મૃત્યુ પામે તે ફરી જન્મતો નથી પણ, અસિદ્ધ, અપૂર્ણ માનવી હોય તે, ન સિદ્ધ થાય ત્યાં સુધી ફરી ફરી જન્મે છે.
[- હવે પ્રસિદ્ઘ થનારા પુસ્તક‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી]
Your Content Goes Here




