‘ઉપનિષદોમાંના એક સૌથી કાવ્યમય ઉપનિષદ, કઠોપનિષદની શરૂઆત આવી જ પૂછપરછથી થાય છેઃ ‘જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે વિવાદ ઊભો થાય છે. એક પક્ષ એમ જાહેર કરે છે કે તે માણસ કાયમને માટે ચાલ્યો ગયો છે, જ્યારે બીજો પક્ષ ભારપૂર્વક કહે છે કે તે હજુ જીવતો છે. આ બેમાંથી સાચું કયું?’ આ સવાલના જુદા જુદા જવાબો અપાયા છે. અધ્યાત્મશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર અને ધર્મનું સમગ્ર ક્ષેત્ર આ પ્રશ્નના જુદા જુદા જવાબો વડે ખરેખર ભરાઈ ગયું છે.’1

આજથી 2000 વર્ષ પહેલાં રોમન દાર્શનિક સિસરોએ કહ્યું હતું: ‘દર્શનશાસ્ત્રનો અભ્યાસ કરવો એટલે મૃત્યુની તૈયારી કરવી.’ મૃત્યુ આપણી સહુથી મહત્ત્વની પરીક્ષા છે, પણ આની તૈયારી કરવાને બદલે આપણે બાકી બધાની તૈયારી કરી જીવન વેડફી દઈએ છીએ. યુધિષ્ઠિર જેમ યક્ષને કહે છે: ‘જીવનનું સૌથી મોટું આશ્ચર્ય છે કે મૃત્યુ નિશ્ચિત હોવા છતાં આપણે સહુ એવી રીતે વર્તીએ છીએ કે જાણે આપણે કદી મરવાના નથી.’

જર્મન દાર્શનિક એકહાર્ટ ટોલ્લ કહે છે: “મૃત્યુ ‘જે આપણે નથી’ એ બધું જ છીનવી લે છે. મૃત્યુ પહેલાં મૃત્યુ પામવું અને પ્રત્યક્ષ કરવું કે મૃત્યુ છે જ નહીં એ જીવનનું રહસ્ય છે.”

આપણું સાચું સ્વરૂપ છે સત્‌-ચિત્‌-આનંદ. નવજાત શિશુ કેવા આનંદિત અને ઉત્ફુલ્લ મને પોતાની માના ખોળામાં રમ્યા કરે છે. પણ જેમ જેમ એ મોટો થતો જશે એમ એમ મહત્ત્વાકાંક્ષાઓ, ભય, ઘૃણા, લોભ, મોહ, અહંકાર, વગેરે સંચિત કરતો રહેશે.

‘જે આપણે નથી’ એનો અર્થ આપણા આ બધા દુર્ગુણો. ‘મૃત્યુ પહેલાં મૃત્યુ પામવું’ અર્થાત્‌ દર્શનશાસ્ત્રના અભ્યાસ દ્વારા અથવા અન્ય કોઈ સાધન પ્રણાલીના અવલંબને આ દુર્ગુણોનો નાશ કરવો. ત્યાર બાદ જ આપણે આપણા સાચા સ્વરૂપ સત્‌-ચિત્‌-આનંદમાં પુન: સ્થાપિત થઈ શકીશું.

રાજા શુદ્ધોદને પોતાના પુત્ર સિદ્ધાર્થને જીવનની વાસ્તવિકતાઓથી બચાવી રાજમહેલમાં બધા પ્રકારની સુખસુવિધાઓની વચમાં રાખવાનો પ્રયત્ન કર્યો હતો કે જેથી સિદ્ધાર્થ અનંતને પામવાની માનવહૃદયની ઝંખનાને વિસ્મૃત થઈ જાય. પરંતુ જ્યારે રાજકુમાર સિદ્ધાર્થે એક વૃદ્ધ, એક રોગી, અને એક શબદેહને જોયાં ત્યારે એકાએક આનંદપ્રમોદનું આવરણ એમના ચક્ષુ સામેથી સરી પડ્યું અને તેઓના મનમાં પ્રશ્ન થયો કે જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિરૂપ સંસારચક્રમાં જો આપણે ભટકતા રહેવાના હોઈએ તો ક્ષણભંગુર આનંદપ્રમોદ શા કામના? આ પ્રશ્ને જ એમને સર્વસ્વ ત્યાગ કરી, અતિ કઠોર તપસ્યાના માર્ગ ઉપર ધાવિત કરી, અવશેષે પૂર્ણત્વરૂપ પરમ-શાંતિમય નિર્વાણમાં પ્રતિષ્ઠિત કર્યા.

ભગવાન ઈશુ પોતાના જીવનભર સ્વાર્થત્યાગ અને ઈશ્વર મહિમાનો ઉપદેશ આપતા રહ્યા. છતાં એમના 12 પ્રધાન શિષ્યો એમની અનુભૂતિ અને ઉપદેશો પર સંદેહ કરતા રહ્યા. ક્રુસવિદ્ધ થઈ મૃત્યુ પામ્યાના ત્રણ દિવસ બાદ ઈશુએ પોતાની શિષ્યા મેરી મેગડેલેનને દર્શન આપ્યાં. મૃત્યુ બાદ પાછા ફરવાના આ ચમત્કારે જ પ્રધાન શિષ્યોનો સંદેહ ભાંગ્યો અને ઇસાઇ ધર્મનો પાયો નાખ્યો.

સ્વામીજીના સહુથી પ્રિય ઉપનિષદ ‘કઠ’માં નચિકેતા યમને પ્રશ્ન કરે છે:

येयं प्रेते विचिकित्सा मनुष्ये
ऽस्तीत्येके नायमस्तीति चैके।
एतद्विद्यामनुशिष्टस्त्वयाऽहं
वराणामेष वरस्तृतीय:॥२०॥

‘જ્યારે મરણ આવે છે ત્યારે હંમેશાં એ ચર્ચા થયા જ કરે છે કે મૃત્યુ બાદ કશુંક (આત્મા જેવું) બાકી રહે છે કે કેમ? કેટલાક કહે છે કે એવું કશુંક રહે છે. તો વળી બીજા કેટલાક કહે છે કે એવું કશું જ રહેતું નથી. આપના દ્વારા પ્રાપ્ત ત્રીજા વરદાનના રૂપમાં હું આ પ્રશ્નનો ઉત્તર જણવા માગું છું.’

એક સમય હતો કે જ્યારે દર્શન અને અધ્યાત્મની ચર્ચા આપણી પુણ્યભૂમિના કણેકણમાં એ હદે વ્યાપ્ત હતી કે એક બાળક પણ રમકડાં કે ઘરેણાંની માગણી કરવાને બદલે માનવીનું સાચું સ્વરૂપ શું છે, જીવનનો ઉચ્ચતમ આદર્શ શું છે, વિદ્યાભ્યાસ શેના માટે કરવામાં આવે છે—જેવા પ્રશ્ન કરતો.

સાથે જ નચિકેતાનું સાહસ જુઓ! યમરાજ સ્વયં જ્યારે સામે આવીને ઊભા રહે ત્યારે આપણે ભયના માર્યા થરથર કાંપવા લાગીએ. પણ બાળ નચિકેતાના શુદ્ધ પવિત્ર જીવન અને તપોબળથી યમરાજ સ્વયં અંજાઈ ગયા હતા.

Footnotes

  1. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, 2.296
Total Views: 1,050

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.