જ્ઞાનયોગ ઉપર સ્વામી વિવેકાનંદે આપેલ પ્રવચનમાળા આપણા સનાતન હિંદુ ધર્મના વેદાંત દર્શનને શ્રોતાઓની સમક્ષ આધુનિક સમસ્યાઓના પરિપ્રેક્ષ્યમાં આધુનિક ભાષામાં સમજાવે છે. આ પ્રવચનમાળાનું એક પ્રવચન છે ‘માનવીનું સાચું સ્વરૂપ’. સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના દ્વિતીય ભાગના પૃ. 295 પર છપાયેલ આ પ્રવચનમાંથી કેટલાક સુવિચારો તારવી લઈ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું.
શું આ સાચું છે?
સ્વામીજી કહે છે:
‘મનુષ્ય ઇન્દ્રિયોને ખૂબ જ સજ્જડપણે વળગી રહે છે; અને જેમાં પોતે જીવે છે અને હરે ફરે છે તે બાહ્ય જગતને તે ભલે ગમે તેટલું સારવાળું માને, છતાં વ્યક્તિઓના તેમજ પ્રજાઓના જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે તેમના મનમાં આપોઆપ જ સવાલ ઊઠે છે: ‘શું આ સાચું છે?’’

ઇન્દ્રિયોના આનંદનો લોભ એટલો વશીકારક હોય છે કે એમાં સપડાયેલ મનુષ્ય એને જોઈ પણ શકતો નથી. પાણીમાં તરતી માછલીને પાણી દેખાતું નથી, કારણ કે તે પાણીમાં ઓતપ્રોત થઈ ગઈ હોય છે; તેવી જ રીતે મનુષ્ય ઇન્દ્રિયસુખમાં એટલો ઓતપ્રોત થઈ ગયો હોય છે કે તે પ્રતિક્ષણ તેનો ભોગ કરે છે એ પણ એને સમજાતું નથી અને જ્યારે કોઈ એનું ધ્યાન દોરી દે ત્યારે તે નારાજ થઈ જાય છે.
ધર્મની શરૂઆત
સ્વામીજી આગળ કહે છેઃ ‘જે માણસને પોતાની ઇન્દ્રિયોની પ્રામાણિકતા વિશે સવાલ કરવાની એક ક્ષણ પણ હોતી નથી, જેની પ્રત્યેક પળ ઇન્દ્રિયનો કોઈ ને કોઈ ભોગ ભોગવવામાં પસાર થતી હોય છે, તેને પણ મૃત્યુ આવે જ છે અને ફરજિયાત પણે સવાલ પૂછવો પડે છે: ‘શું આ સાચું છે?’ ધર્મની શરૂઆત આ પ્રશ્નથી થાય છે અને એ પ્રશ્નનો જવાબ મળે એટલે તેનો અંત આવે છે.’
મૃત્યુએ મનુષ્ય અથવા પ્રજાનું ભાગ્ય પરિવર્તન કરી મૂક્યું હોય એવાં ઘણાં ઐતિહાસિક ઉદાહરણો આપણી સમક્ષ છે. કલિંગના વિજયમાં મદોન્મત્ત થઈ રાજા અશોક જ્યારે શહેરની મુલાકાતે નીકળ્યા ત્યારે તેમણે જે વિનાશ અને દુર્દશાનું દૃશ્ય જોયું એથી એમનું હૃદય દ્રવી ગયું અને એમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. વિજેતાના હૃદયને એક અવિચારી ક્રૂરતામાંથી અનુકરણીય શાંતિપ્રિયતામાં પરિવર્તિત કરી મૂક્યું હોય એવું બીજું કોઈ યુદ્ધ માનવજાતના ઇતિહાસમાં જોવા મળતું નથી. 1
યુરોપના દાર્શનિકોને વાંચીને અને બ્રાહ્મોસમાજની ઉપાસનામાં ભાગ લઈ નરેનનો (યુવા સ્વામી વિવેકાનંદનો) મૂર્તિપૂજા ઉપર એક સામયિક અવિશ્વાસ આવી ગયો હતો. પણ એમનું તીવ્ર મુમુક્ષુત્વ આ છીછરા તત્ત્વજ્ઞાનથી સંતોષ ન પામી એમને શ્રીરામકૃષ્ણદેવનાં શ્રીચરણોમાં દોરી ગયું. નરેન હતા એક અસાધારણ મેધાના અધિકારી અને કોઈની પણ વાતને—ભલે એ ઠાકુર પોતે જ હોય—સહજે સ્વીકારી લેવાનો એમનો સ્વભાવ ન હતો.
એકાએક એમના પિતા અકાળ મૃત્યુ પામ્યા. આ વિકટ પરિસ્થિતિમાં પશ્ચિમી દર્શનશાસ્ત્રના ઘોંઘાટ અને એના વિરોધમાં શ્રીરામકૃષ્ણદેવ ઉપદેશિત સનાતન ધર્મના શંખનાદે નરેનના મનમાં આધિપત્ય જમાવવા માટે તુમુલ યુદ્ધ જમાવી દીધું. એક દિવસ બ્રાહ્મોસમાજનું ગીત સાંભળી એમણે કહ્યું:
‘…એવું મનમાં લાગ્યું કે જાણે માથા પર કોઈ જોરથી ફટકો મારી રહ્યું છે. માતા અને ભાઈઓની સાવ જ અસહાય અવસ્થાની વાત મનમાં જાગી ઊઠતાં ક્ષોભ, નિરાશા અને અભિમાનથી બોલી ઊઠેલો કે, ‘રહે, રહે, ચૂપ કર. ભૂખના ત્રાસે જેમનાં સ્વજનોને યાતના વેઠવી નથી પડતી, કોળિયો ધાન અને અંગ ઢાંકવાનાં લૂગડાંની ખોટ જેમને કદી સહેવી નથી પડતી, એવા લોકોને ઝૂલણ પંખાની હવા ખાતાં ખાતાં આવી કલ્પના મધુર લાગે, મને પણ એક દહાડો લાગતી હતી. આજે કઠોર સત્યની સન્મુખે એ ભારે મોટી મશ્કરી જેવી જણાય છે.’2

આખરે આ માનસિક દ્વન્દ્વે એમના મનને પુન:ગઠિત કર્યું અને ઉપરછલ્લો પશ્ચિમી પ્રભાવ સુદૂર અનંતમાંથી આવતા વેદાંતની અમૃતવાણીના ધોધમાં વહી ગયો. મા કાલી પાસે આર્થિક સહાયની માગણી કરવા જતાં તેઓ એક જાતના ગાઢ નશાથી ઘેઘૂર થઈ પડ્યા. પગ લથડવા લાગ્યા અને માને સાચેસાચ જોઈ શકશે અને એમના શ્રીમુખની વાણી સાંભળી શકશે, એવા અતૂટ વિશ્વાસથી મન બીજું બધુંય વીસરી જઈને અત્યંત એકાગ્ર તથા તન્મય બનીને એ જ વાતનો વિચાર કરવા લાગ્યું. મંદિરે પહોંચીને દીઠું કે, સાચે સાચ જ મા ચિન્મયી, ખરેખર જ પ્રાણોથી ધબકતી અને અનરાધાર પ્રેમ અને સૌંદર્યના સ્રોતસ્વરૂપિણી. ભક્તિ પ્રેમે એમનું હૃદય હિલ્લોળા મારી રહ્યું અને વારંવાર પ્રણામ કરતાં કરતાં બોલવા લાગ્યા, ‘મા, વિવેક દો, વૈરાગ્ય દો, જ્ઞાન દો, ભક્તિ દો, જેથી કરીને તમારાં અબાધિત દર્શન નિત્ય પામું એવું કરી દો.’ શાંતિથી પ્રાણ તરબોળ થઈ રહ્યા, જગત-સંસારનાં નામનિશાન સુધ્ધાં અલોપ થઈ જઈને એક માત્ર મા જ હૃદયને ભર્યું પૂર્યું કરી રહ્યાં.’3
Footnotes
Your Content Goes Here





