૫૫. રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ નિમિત્તે વનમાં જતાં હતાં. રામ આગળ ચાલતા હતા, વચમાં સીતા હતાં અને, લક્ષ્મણ એમની પાછળ હતો. રામના પૂર્ણ દર્શન માટે લક્ષ્મણ ખૂબ આતૂર હતો. પણ સીતા આડાં હોઈ, લક્ષ્મણ એ પામી શકતો ન હતો. પછી, વચમાંથી ખસી જવાની એણે સીતાને પ્રાર્થના કરી. અને જેવાં એ ખસી ગયાં કે લક્ષ્મણની ઇચ્છા પરિપૂર્ણ થઈ અને એને રામનું દર્શન થયું. બ્રહ્મ, માયા અને જીવની રચના બરાબર એવી છે. માયાનો પડદો દૂર ન થાય ત્યાં સુધી જીવ એના સ્રષ્ટાને, બ્રહ્મને, જોઈ શકે નહીં.

૫૬. ઝુમ્મરના કાચના લટકણિયાના ટુકડાને હાથમાં રાખી જોયા કરતો એક સાધુ હસ્યા કરતો હતો. કારણ, એ ત્રિપાર્શ્વ કાચમાં લાલ, પીળો, વાદળી વગેરે, જુદા જુદા રંગો દેખાતા હતા. એ રંગોને મિથ્યા જાણીને, સંસાર પણ મિથ્યા છે એમ સમજી એ મરકતો હતો.

૫૭. સિંહનું મહોરું પહેરેલો હરિ ખરે જ, ભયંકર લાગે છે. એની નાની બહેન રમતી હોય ત્યાં જઈ જોરથી એ ગર્જના કરે છે. એ ગભરાઈ ચીસ પાઠી ઊઠે છે અને, એ ભયંકર પ્રાણીથી દૂર નાસી જવા કોશિશ કરે છે. પણ હરિ મહોરું હટાવી લે છે ત્યારે, ગભરાયેલી છોકરી પોતાના ભાઈને ઓળખી, એની પાસે દોડી જઈ બોલી ઊઠે છે, ‘અરે ભાઈ! આ તો તું છો!’ સૌ માણસો માટે વાત આવી છે. જે માયાની પાછળ બ્રહ્મ ગોપિત છે તે ન સમજી શકાય તેવી માયા સૌને મોહમાં નાખે છે, ભય પમાડે છે અને બધાં કર્મો કરાવે છે. પણ, બ્રહ્મમુખેથી માયાનું આવરણ હટી જાય છે ત્યારે, માણસને એનામાં કોઈ ભયંકર અને અક્કડ શાસક નથી દેખાતા, પરંતુ, પોતાના પ્રિયતમ અંતરાત્માનું દર્શન થાય છે.

૫૮. ઈશ્વર સર્વશક્તિમાન છે તો, આપણે કેમ એને જોઈ શક્તા નથી? ખૂબ શેવાળથી ઢાંકેલા પુકુરને કાંઠેથી જોતાં તમને એ પુકુરનું પાણી નહીં દેખાય. પાણી જોવું હોય તો, સપાટી પરની શેવાળ બધી ખસેડો. આંખો પર માયાનું પડળ છે ને તમે ફરિયાદ કરો કરો છે કે તમને પ્રભુ દેખાતા નથી. તમારે એમને જોવા હોય તો, તમારી આંખો પરનું માયાનું પડળ દૂર કરો.

૫૯. વાદળ સૂરજને ઢાંકી દે છે તેમ માયા ઈશ્વરને ઢાંકી દે છે. વાદળ હટે ત્યારે, સૂરજ દેખાય તેમ, માયા ખસે ત્યારે ઈશ્વર પ્રગટ થાય.

૬૦. હંસ નીરક્ષીર જુદાં પાડે છે એવી માન્યતા છે. એ દૂધ પી જાય અને પાણીને રહેવા દે. બીજાં પંખી એમ ન કરી શકે. ઈશ્વર માયા સાથે ઓતપ્રોત થઈ ગયો છે. સામાન્ય માણસો એને માયાથી ભિન્ન જોઈ શકતાં નથી. માત્ર પરમહંસ માયાને ત્યજીને ઈશ્વરના વિશુદ્ધ રૂપને જોઈ શકે છે.

૬૧. તમે માયાના સ્વરૂપને પિછાણી લો તો, પોતે ઘૂસ્યાની ખબર પડી ગઈ છે તે જાણી ચોર નાસી જાય છે તેમ એ સ્વયં નાસી જશે.

[હવે પછી પ્રસિદ્ધ થનારા પુસ્તક ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી]

Total Views: 244

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.